...Ane off the record - Part-9 books and stories free download online pdf in Gujarati

...Ane off the record - Part-9

પ્રકરણ ૯

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

લેખકનો પરીચય :-

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ

‘...અને’ – ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......

Bhavya Raval

ravalbhavya7@gmail.com

પ્રકરણ ૯

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

...અને ખાટલા પર પછડાયેલા ફોનમાં રિંગટોન રણકી. વિબોધે મોબાઈલ હાથમાં લઈને જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. સેલફોનની સ્ક્રીન પર સત્યા કોલિંગ દર્શાવી રહ્યું હતું. વિબોધે તરત અંગૂઠાથી લીલું નિશાન સ્વાઈપ કરી સત્યાનો ફોન ઉપાડયો.

‘હેલ્લો..’

‘ઓહ. હેય.’

‘કેમ છે? મજામાં રાઈટર સાહેબ?’

‘હા, કવયિત્રી સાહિબા.’

‘મને આજ વિબોધને સપ્રાઈઝ આપવાનો વિચાર આવ્યો. અંતરમનથી થયું શબ્દો થકી રોજ કલાકો વાત કરીએ છીએ. આજ કેમ ના સ્વર થકી કરીએ? એટલે તમને ફોન કર્યો. ડિસ્ટર્બ તો નથી કર્યા ને?’

‘અરે. ના. ના. મને આનંદ થયો સત્યા.’

‘ફરી બોલો.’

વિબોધે ખુશ થઈ કહ્યું, ‘તમારો ફોન આવ્યો મને આનંદ થયો સત્યા.’

‘ફક્ત મારું નામ જ.’

‘સત્યા.’

‘ફરી એકવાર. પ્લિઝ’

‘સત્યા.’

‘સામાન્ય રીતે માણસને ખુદને જ પોતાનું નામ નક્કી કરી શકવાનો અધિકારી હોતો નથી પણ તેને પોતાનું નામ સૌથી વધુ પ્રિય હોય છે. ઘણા દિવસે મારું નામ કોઈના મુખે, કોઈના અવાજમાં આટલું મધુર રીતે સાંભળ્યું વિબોધ.’

‘મારી એક ઈચ્છા હતી સત્યા.’ વિબોધે સત્યાને અટકાવી કીધું.

સત્યા થોડી નવાઈ પામી. ‘ઈચ્છા? મારી પાસેથી?’

‘હા.’

‘ફરમાવો. મારાથી બનશે તો જરૂર પૂર્ણ કરવાની કોશિશ કરીશ.’

‘મારી ઈચ્છા તમને મળવાની છે.’

થોડીવાર સામેથી કંઈ અવાજ ના આવ્યો. મોબાઈલમાં બંને પક્ષેથી કંઈ ન બોલાય ત્યારે ખામોશી ક્યારેક ઘણું બોલી જાય અને ક્યારેક અકળાવનારી હોય. વિબોધ પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કશું જ ન બોલ્યો. વિબોધ માટે આ સ્થિતિ અકળાવનારી હતી. સામે સત્યાના રોમેરોમમાંથી એક ઝણઝણાટી પસાર થઈ ગઈ હતી.

સાતેક સેકન્ડ જેટલા સમયની ચૂપકીદી બાદ સત્યા તરફથી મળવા માટેની હા આવી.

‘ક્યાં? અને ક્યારે?’

‘આવતી કાલે બપોરે બાર વાગે? યુનિવર્સિટીના ગેટ પાસે?’

‘કોફીશોપમાં?’

‘હા. રાઈટ. આ પહેલાં ત્યાં કોઈને લઈ ગયા છો?’ સત્યાના સવાલથી વિબોધ ગભરાઈ ગયો.

‘હેં!’

‘સી યુ ટુમોરો. બાયબાય.’

સત્યાએ ખુલ્લું હસીને કોલ કટ કરી નાંખ્યો.

વિબોધ મોટેથી બોલ્યો, ‘ય...સ....’

‘શું થયું?’ દરવાજામાંથી મોહને પ્રવેશતાં પ્રવેશતાં વિબોધને પૂછ્યું.

વિબોધે ઉત્સાહભેર જણાવ્યું, ‘સત્યા જોડે ફોનમાં હમણાં જ વાત થઈ. કાલે મળવા આવે છે.’

‘વાહ ભાઈ. આનંદો.’

‘યુનિવર્સિટીની બહાર ગેટ પાસે કોફીશોપ છે ત્યાં બપોરે બાર વાગે મળવાનું નક્કી થયું.’

‘ત્યાં કોફી ગુજરાતી થાળીનાં ભાવની મળે છે, ખિસ્સામાં ખનખનીયા છે?’

વિબોધ દાઢી ખંજવાળતો મોહન સામે જોઈ રહ્યો. પછી જોર જોરથી હસ્યો.

‘તું ક્યારે કામ આવીશ?’

‘હે... પ્રભુ...’ મોહને ઈશ્વરને યાદ કર્યા. ‘આ સંસારના તમામ પ્રેમીપંખીડાઓને બુદ્ધિ સાથે ધનની અછત આપી તે તને ભૂલી ન જાય તેનો માર્ગ મોકળો કરી લીધો. ધન્ય છે. પ્રેમના દેવતા.. ધન્ય છે. લક્ષ્મીની દેવી..’

બીજે દિવસે સવારે વિબોધ વહેલો ઊઠી ગયો. બે વાર બ્રશ કર્યું, માથામાં તેલની બરાબર ચંપી કરી પછી ગરમ પાણીથી માથું ધોઈને - નાહીને તે બાથરૂમ બહાર નીકળ્યો. સત્યાને ગમતાં કલરના કપડાં પહેર્યાં. સૂઝ પર કપડું ભીનું કરી પોલીશ કરી. નાનકડી કેન્ચીથી દાઢીબાલ સેટ કરી લીધાં. ગોરા થવાનું ક્રિમ ત્વચા પર બે વાર લગાવી પાવડર છાંટ્યો. એકાદ વર્ષથી ચાલી આવતી સ્પ્રેની બોટલમાંથી તે રોજ બે ફુસ ફુસથી કામ ચલાવી લેતો આજે તેણે શર્ટ સાથે જીન્સ પર પણ સ્પ્રે કર્યું.

અગિયાર વાગ્યાના ટકોરે સત્યાને મેસેજ કર્યો. ‘રેડી?’

સત્યાએ રિપ્લાય કર્યો. ‘હા. બાર વાગે મળીએ છીએ.’

વિબોધે ત્યાં સુધીમાં પોતાનું સ્કુટર સાફ કર્યું અને સત્યાને આપવા માટે ગુલાબના ફૂલ અને ચોકલેટની ખરીદી કરી આવ્યો. સત્યાને સઆદત હસન મન્ટો ગમે છે. મન્ટોનું એક વર્ષો જૂનું પુસ્તક વિબોધે પોતાના પુસ્તક સંગ્રહમાંથી સત્યાને આપવા પસંદ કર્યું. ફરી તે અરીસા સામે ગોઠવાયો.

મોહન સવારથી વિબોધની તમામ હરકતો પર નજર રાખી બેઠો હતો. તેને આ બધું પસંદ ન પડ્યું.

વિબોધે ચશ્માં નીચા કરીને મોહન સામે આંખ મારીને પૂછ્યું, ‘જેલસ?’

‘તારી તો..’ મોહન વિબોધની પાછળ દોડ્યો. વિબોધ ભાગીને ગીત ગાતો સત્યાને મળવા પહોંચી ગયો.

કોફીશોપના પાર્કિંગમાં તેણે જોયું. સત્યા દેખાતી ન હતી. તેણે સત્યાને મેસેજ કર્યો. ત્યાં જ વ્હાઈટ એક્ટિવા વિબોધની પાસે આવી ઊભું રહ્યું.

સત્યા વિબોધની પાસે આવી.

‘હેલ્લો.’ વિબોધ અને સત્યાએ શેકહેન્ડ કર્યું.

સત્યાએ સનગ્લાસ હેરપીનથી સજાવેલા સોનેરી વાળ પર સરકાવ્યા. વિબોધ સત્યાના અત્યંત સુમોહક ચહેરાની અણિયાળી આંખ, કાનમાં જૂલતા મોટાં જુમ્મર, નમણાં નાક પર શોભતી નથણીને જોઈ રહ્યો.

‘અંદર જઈશું.’

‘હેં? હા... લેટ્સ.’

કોફીશોપનો વજનદાર પારદર્શક કાચનો દરવાજો વિબોધે ખોલ્યો, ‘આફ્ટર યુ...’

સત્યા થોડું ઝૂકીને કોફીશોફમાં પ્રવેશીને ઊભી રહી સત્યા પછી પ્રવેશેલો વિબોધ તેની બાજુમાં આવ્યો પછી વિબોધે ઇશારાથી બેસવાની જગ્યા નક્કી કરી. બંને સાતેક કદમ સાથે ચાલ્યા. સત્યાએ માથા પરના ગોગલ્સ ઉતારી હાથમાં લીધા. ‘તમે ગભરાયેલા લાગો છો.’

‘નહીં. જરાય નહીં.’

વિબોધ સત્યા સાથે પ્રત્યક્ષ મુલાકાતમાં વાતચીત કરતાં અચકાઈ રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી દરરોજ વિબોધ અને સત્યા અંગત ચેટિંગ કરી રહ્યા હતા જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય, પણ પહેલી વખત એકબીજાને મળ્યા, જોયા પછી તેમની પરસ્પર વર્તણૂક અજાણ્યા મુલાકાતી જેવી લાગી રહી હતી.

સત્યા અને વિબોધ થોડીવાર એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના એકબીજાને જોઈ રહ્યાં.

વિબોધનો એક સીધો સામાન્ય વેસ્ટર્ન કોસ્ચ્યુમ પહેરેલો દેખાવ, આધુનિક માનસવાળો દાઢી વધારેલો ઘઉંવર્ણી ત્વચા ધરાવતો ચહેરો, કાળી ગોળ મોટી ફ્રેમના ચશ્માં પાછળની અનુભવી આંખ, કપાળ ઉપર આવી જતાં થોડા લાંબા વિખરાયેલા કાળા સુંવાળા વાળને સત્યા જોઈ રહી. મૌનનો ક્રમ તોડવા સત્યાએ પર્સમાંથી એક ગિફ્ટપેક કાઢીને વિબોધની સામે ધર્યું.

‘શું છે આ?’

‘સપ્રાઈઝ.’

‘રોજ રોજ?’

‘હા.’

વિબોધે સત્યાની ગિફ્ટ સ્વીકારી તેને બેગમાંથી કાઢી ગુલાબનું ફૂલ આપ્યું. સત્યા ખુશ થઈ ગઈ.

‘હજુ પણ કંઈક છે. ગેસ... વ્હોટ?’

‘ચોક્લેટ્સ?’

‘યસ. યોર ફેવરિટ.’ સત્યાને વિબોધે તેને ભાવતી ચોકલેટ આપી. ત્યારબાદ તેને પસંદ લેખકનું પુસ્તક ભેટ આપ્યું.

‘ઓહ. ગોડ! સો ક્યુટ.’

રેગ્યુલર કોફીનો ઓર્ડર અપાયો.

સત્યા અને વિબોધ વચ્ચે અવનવા વિષય પર તૂટક-તૂટક ચર્ચા થવા લાગી.

‘આપણે એકબીજાને તું કહી બોલાવીએ તો કેવું રહે?’

‘હું બધાને તમે જ કહીને સંબોધું છું.’

‘હું બધામાં આવું છું?’ વિબોધના પ્રશ્નથી સત્યા થોડી આશ્ચર્ય પામી.

‘એવું તો નથી. યુ આર નાઉ માય બેસ્ટી. બટ.’

વિબોધે સત્યાની આંખમાં આંખ નાંખી પૂછ્યું, ‘બટ શું?’

કોફી આવી ગઈ. બંને ચૂપ રહ્યા.

કોફીનો મગ મોઢે અડાડી એક ઘૂંટ કોફી પીધા બાદ સત્યા બોલી, ‘વિબોધ ક્યારેક મને વિચાર આવે છે. એકાએક તમારું મને સોશિયલ સાઇટ પર મળવું. રોજની કલાકોની ચેટિંગ. આપણી પસંદ-ના પસંદ વચ્ચેની સામ્યતા, વિચારોની સમાનતા. આજે આ રીતે મળવું. થોડી વિચિત્ર લાગી રહ્યું છે. એવું લાગે જાણે આ બધું બનવું પહેલેથી જ નક્કી હતું. અનેક પ્રયત્નો છતાં એકબીજા પર સ્વયં અને સમય બાધ નથી રહેતો. મને એવું લાગ્યા કરે છે જાણે હું આ બધુ પહેલા જીવી ગઈ હોય.’

‘સત્યા, તમને તો ખબર છે, મને નિયતિ અને સ્વપ્નલોક જેવા વિષયોમાં વિશ્વાસ નથી.’

‘ખબર તો તમને પણ છે કે, હું આ બધામાં માનનાર છોકરી નથી. તમારી જેમ કર્મમાં મારી શ્રદ્ધા છે. પણ વારંવાર અલગ ફિલ થઈ સવાલ થાય છે.’ સત્યાએ કોફીનો મગ મૂકી વિબોધનો પંજો પકડી પૂછ્યું, ‘ખબર નહીં કેમ? પણ.. આ દોસ્તી... આ સંબંધ.. યોગ્ય છે?’ વિબોધ સત્યા સામે જોઈ રહ્યો. સત્યાએ પંજાની પકડ મજબૂત કરી ફરી પૂછ્યું, ‘ઇસ ધીસ રાઇટ?’

‘હા. મને તો કશું જ ખોટું લાગતું નથી.’ વિબોધે શાંતચિત્તે સત્યાના સવાલનો જવાબ આપતાં જણાવ્યું, ‘આપણી વચ્ચેની નિકટતાનું કારણ, દોસ્તીના સંબંધોનું આ કક્ષાએ પહોંચવા પાછળનું પરિણામ એકબીજાને ઈમાનદાર રહી સઘળું સત્ય કહ્યાનું છે. જ્યાં કોઈ બનાવટી દેખાવ નથી. જ્યાં કોઈ છુપાયેલાં અર્ધસત્ય નથી. જ્યાં થોડી અપેક્ષા છે પણ માત્ર તે એકબીજાની ખુશી માટે છે. એકબીજાનું હિત-અહિત પ્રથમ છે. તમે સમજો છો? હું શું કહેવા માગું છું એ?’

સત્યાએ વિબોધને ઉડાઉ જવાબ આપ્યો, ‘યા, મને તારી વાત સમજાય છે. હવેથી તું કહી બોલાવીશ. એની પ્રોબ્લેમ?’

‘નો. નેવર.’

બે કલાકની મુલાકાત બાદ સત્યા અને વિબોધ ફરીથી ટૂંક સમયમાં મળવાના સંકલ્પ સાથે છૂટા પડ્યા. બંનેની આંખમાં સંતોષનું સ્વપ્નિલ તેજ ઝળહળી ચહેરા ઉપર આનંદની કુમાશ ફેલાઈ ગઈ હતી. અને..

ક્રમશ: