Samvedna no Taar books and stories free download online pdf in Gujarati

Samvedna no Taar

Jyoti Bhatt

Email : jyotibala411@gmail.com

Suggested shreni : Prerna / Patramala

Tital to the book : સંવેદના નો તાર

Words : 6392 in total of all articles

સંવેદના નો તાર

1

પ્રિય સંવેદના ,

સતત તને યાદ કરતો રહેતો હું અહીં કુશળ છું.
સંવેદના ! મૂળ વાત પર આવું તો તેં એ નોંધ્યુ હશે કે આપણે મોટાભાગે કોઇ આપણા માટે શું કહે છે કે શું વિચારે છે તે વિચારીને વિચલિત થઈ જઇએ છીએ પણ આવું શા માટે તે જરૂરી મને સમજાતું નથી. આપણે આપણી સમજણને એ ઊંચાઇ પહોંચાડી એ કે કોઈ શું કહે છે કે કોઈ શું કહેશે તેના વિચારો માં અટવાયેલા ન રહીએ. આમ પણ આજની આ ભાગદોડ ભરી જિંદગી માં આપણને ખુદ આપણા માટે જ સમય નથી તો બીજાની વાતો કાને ધરી વિચલિત શા માટે થવું ?


હું તો એટલું સમજુ છું કે આપણે આપણા જે કામ થી જોડાયેલા છીએ તે કામને વળગી ને રહેવું . આપણું કામ , એ કામની સફળતા એટલે જ આપણું ખરું પ્રમાણપત્ર છે નહીં કે કોઇએ આપણા માટે આપેલો અભિપ્રાય. જેવી ને જેટલી જેની સમજણ તેવી તેઓની બીજાને મળવાની દ્રષ્ટિ. જેની સમજ સાંકડી છે તેઓ ક્યારેય કોઇના યોગ્ય માટે સારું કે સાચું વિચારી શકવાના જ નથી કારણ તેઓ સમજણ ની એટ ઉંચાઇ પર જ નથી કે જ્યાંથી તેઓની દ્રષ્ટિ વિશાળ બની શકે. જેમ કૂવા ના દેડકા ને સાગર ની વિશાળતાની ખબર નથી તેમ સાંકડી સમજ શક્તિ વાળા ની સમજણ જ એટલી સાંકડી છે કે તેઓ બીજા ની પારદર્શિતા ને સમજી શકે. તેથી કરી ને આપણે આપણી નિખાલસતા કે નિર્દોષતા ને છોડવાની જરુર નથી કે નથી આપણે આપણો મૂળભૂત સ્વભાવ બદલવા ની જરુર. જરુર છે બીજાની વાતો ને અવગણવાની.


આમે યોગ્ય જગત ક્યારેય કોઇની પણ વિશાળતાને , નિર્દોષતા ને પચાવી શક્યું જ નથી.તેથી જગતના તમામ લોકો માટે થઈ ને આપણે આપણું વર્તન કે આપણો સ્વભાવ કે પછી આપણી રહેણી કરણી બદલવાની જરૂર જ નથી .આપણી પાસે એટલો સમય જ ક્યાં છે કે આપણે અન્ય ની વાતો કાને ધરી એ ? જગત છે જગતના લોકોને અન્ય વ્યક્તિને માપવાના માપદંડ અલગ છે ,તેઓનો બીજાના માટે નો દ્રષ્ટિકોણ અલગ છે તેથી કરીને આપણે આપણા અંગત કામો કે આપણી રહેણી કરણી કે આપણો અન્ય સાથે નો વ્યવહાર બદલવાની જરૂર છે જ નહીં.


મારી જે સમજ છે તે મેં તારી સામે વ્યક્ત કરી. તું આ વિશે વધુ સમજાવી શકીશ તો અવશ્ય ગમશે

. ચાલ રજા લઉં.


લિ. તારો ભક્ત સંવેદન



2

પ્રિય સંવેદના! ,


મારો આ અગાઉનો પત્ર મળી ગયો હશે .આજે ફરી અક્ષરદેહે તારી સામે ઉપસ્થિત થયો છું. આશા છે તને મારું આમ અક્ષરદેહે મળવું ગમશે જ.


સંવેદના ! આપણે આપણા સમગ્ર જીવન દરમિયાન કેટકેટલા લોકોને મળીએ છીએ. કોઇની સાથે માત્ર કેમ છો ? નો વ્યવહાર રાખીએ છીએ, કોઇની સાથે બે ઘડી સાથે બેસી આપણે હસી-મજાક કરીએ છીએ, કોઇની સાથે સાથે બેસીને જમવાનો તો કોઇની સાથે અંગત વાતો ની આપલે કરવાનો સંબંધ આપણે રાખીએ છીએ. એ તમામ સંબંધો માં આપણને હંમેશા સુખની જ અનૂભૂતિ થાય તેવું બનતું નથી. ક્યારેક કોઇકની
કોઇ વાત આપણને ન ગમતાં જે સંબંધ આપણે હર્ષભેર વધાવ્યો હતો એ જ સંબંધનો છેડો ફાડી નાખતાં આપણને વાર નથી લાગતી અને છતાંય મન પર એક બોજ તો રહે જ છે કે જે સંબંધ માં સુખ શોધ્યું હતું એ જ સંબંધમાં દુઃખી થઈ બેઠા.અને ત્યાં જ આપણી ભૂલ થાય છે.


જેમ દરેક પરિસ્થિતિ માં આપણા આગવા ને અંગત વિચારો છે ,સંજોગો છે તેમ સામેની વ્યક્તિને પણ તેના અંગત વિચારો ને અંગત સંજોગો હોઇ શકે તેવું આપણે કેમ નથી સ્વીકારી શકતા ?
પરિસ્થિતિ ને મૂલવવાની દ્રષ્ટિ દરેકની અલગ અલગ હોવાની એ આપણે સ્વીકારવું જ રહ્યું. તદ્ઉપરાંત આપણે એ પણ સ્વીકારવું રહ્યું કે જે સંબંધથી આપણે હર્યાભર્યા છીએ જે સંબંધને કારણે આપણે હળવા રહી શકીએ છીએ એ સંબંધમાં ક્યાંક કશુંક થોડુંક આપણને ન ગમે તેવું કંઇક બન્યું તો એ ઘટનાને હળવાશથી લઇ ફરી આપણાથી એવું ન બને કે જેથી સામી વ્યક્તિને ઠેસ પહોંચે તે માટે સજાગ રહીએ જેથી એક સારો સંબંધ જળવાઈ રહે.

જેમ આપણને કોઈકની કોઈક વાત નથી ગમતી તેમ બની શકે કે આપણો પણ કોઇક એવો વ્યવહાર કોઇકને ન ગમ્યો હોય તેવું બનવાજોગ છે તો આવા સમયે સાથે બેસી પોતાના ગમા-અણગમા સ્પષ્ટ કરી સંબંધોને તૂટતા બચાવી ન શકાય ? જે સંબંધ આપણને ગમે છે માટે આપણે બાંધ્યો છે તેને આમ આસાનીથી તૂટવા તો ન જ દેવાય. આપણી ભૂલ હોય ત્યાં આપણે માફી માગીએ ને સામી વ્યક્તિની ભૂલ હોય તો તેને માફ કરવાની ઉદારતા કેળવીએ.અને તો જ સંબંધ ટકી રહે.જ્યાં ઉદારતા છે , વિશાળતા છે ને કોઇના માટે કંઇક કરી છૂટવાની ભાવના છે ત્યાં સંબંધ એક વિસામો બને છે કે જેના થકી તમે હળવાશથી જીવી શકો. છો કોઈ તમારી સાથે ને પાસે છે ની અનુભૂતિ જ માણસને જીવન જીવવાનું બળ પુરું પાડે છે.

તો આજથી જ આપણે નિશ્ચય કરીએ કે ક્યારેય કોઈ સાથે ઝઘડીશું નહીં. માફી માંગતા ને માફ કરતાં શીખીશું ને સંબંધને એક વૃક્ષ ની જેમ મહોરવા દઇશું જેથી તેની શીતળ છાયામાં વિસામો લઇ નવપલ્લવિત રહી શકીએ. કેમ બરાબર ને ?

ફરી મળીશ .આમ જ
લિ. તારો ભક્ત સંવેદન

3

પ્રિય સંવેદના,

મારો પત્ર મળી ગયો હશે. મારા અગાઉના પત્રમાં મેં માણસમાં રહેલી સમજણ ની વાત કરી હતી. આજે મારે વાત કરવી છે માણસના ગમા-અણગમા ની.


સંવેદના ! તેં એ જોયું હશે કે માણસ જ્યારે કોઇની સાથે કોઇ પણ સંબંધ થી જોડાય છે ત્યારે સામેની વ્યક્તિને શું ગમે છે કે તેને શું ગમશે તેનો વિચાર તે પહેલાં કરે છે અને તે મુજબ વર્તવા ની તે કોશિષ કરે છે . તે માને છે કે તેમ કરવાથી સંબંધ ટકી રહેશે પણ આવું બનતું નથી .કારણ કોઇપણ સંબંધ માં માત્ર ને માત્ર શું ગમે છે તે જ ધ્યાને લેવામાં આવ્યું હોય છે.

મારી માન્યતા પ્રમાણે માણસે શું ગમે છે તે જાણવા ના બદલે શું નથી ગમતું તે પહેલાં જાણી લીધું હોય અને પછી સંબંધ માં આગળ વધ્યા હોય તો તે સંબંધ ઉત્તમ બની રહે તેવું મારું માનવું છે.

પ્રત્યેક માણસ અંતરથી ઇચ્છે છે કે પોતે જે સંબંધ બાંધે છે તે ટકી રહે અને માટે જ તે સામી વ્યક્તિની પસંદગી જાણવાનો પ્રયત્ન કરે છે, તે પ્રમાણે તે વર્તે પણ છે પરંતુ જેમ જેમ સંબંધ આગળ વધતો જાય છે તેમ તેમ પરસ્પર ની પસંદગી પ્રમાણે વર્તી શકાતું નથી અને ત્યારે સામી વ્યક્તિને લાગે છે કે માણસ બદલાઈ ગયો છે પરંતુ આવું હોતું નથી .માણસ બદલાયો હોતો નથી પણ સતત સાથે રહેવાનું બનતાં પોતાને ન ગમતી બાબતે તે સ્પષ્ટ બને છે પરિણામે આપણને લાગે છે કે માણસ બદલાઇ ગયો છે.
હકીકતે માણસ બદલાતો નથી પણ પોતાને ન ગમતી બાબતે તે સ્પષ્ટ બને છે અને તે મુજબ તે પોતાની પ્રતિક્રિયા આપતો થઈ જાય છે. તમે માણસને ગમતું થોડુંક નહીં કરો તો ચાલશે પણ તેને ન ગમતું કરશો તો તે તમારાથી દૂર ભાગવા લાગશે અને સંબંધ બંધાતા પહેલાં જ તૂટી જશે.અને એટલે જ આપણે જ્યાં પણ સંબંધ માં આગળ વધવા માંગતા હોઇએ ત્યાં સામી વ્યક્તિને શું નથી ગમતું તે પહેલાં જાણી લેવું જોઈએ કે જેથી કરીને દુઃખ ની લાગણી ઉદભવે જ નહીં. અને જ્યાં દુઃખ ની લાગણી નથી ત્યાં સુખની લાગણી ચોક્કસ હોવાની જ . ત્યાંથી જ શરુ થાય સમજણ નો એક એવો દૌર જ્યાં પરસ્પર ને સુખી કરવાની ભાવના બળવત્તર બને.


સંવેદના ! મારી વાત તને જટિલ લાગશે પણ મેં એ સતત નોંધ્યું છે કે માણસ જ્યારે પણ કોઈની પણ સાથે જોડાવા ઇચ્છે ત્યારે તેના મનમાં સૌ પ્રથમ એવો જ વિચાર આવે છે કે એવું શું કરું જે સામી વ્યક્તિને ગમે ? અને આ ગમતું કરવામાં જ ન ગમતું વિસરાઇ જાય છે અને આપણે માનીએ છીએ કે તે બદલાઈ ગયો છે.


હું તો એટલું સમજુ છું કે સંબંધની શરૂઆત માં માણસને પ્રભાવિત કરવાની કે સંબંધ બાંધવા ની ઉત્સુકતા દેખાડવાની નહીં પણ સંબંધ કાયમ ટકી રહે તેવો મજબૂત બનાવવા ની જરુર હોય છે અને આ ત્યારે જ બની શકે જ્યારે સામેની વ્યક્તિને ન ગમતું ભૂલથી પણ ન થાય તેની કાળજી લેવાની નિષ્ઠા હોય. ખરું ને ?


ચાલ ફરી મળીશ આમ જ અચાનક.


લિ. તારો ભક્ત સંવેદન


4.

પ્રિય સખી !


આજે મિત્રતાનો દિવસ. બધા મિત્રો એકબીજા ને મળે , ન મળી શકે તો મૈત્રી દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવે ને એકમેક સંગ આનંદ કરે.


જીવન માં કમ સે કમ એક મિત્ર નું હોવું જરુરી છે એવું મારું માનવું છે.

એક સારો ને સાચો મિત્ર પડછાયા જેવો હોય છે. સદાય આપણી આસપાસ. સદેહે સાથે નેવે હોય તો પણ સ્મરણોમાં તે હંમેશ હોય જ છે.જેમ આપણો પડછાયો આપણો સાથ ક્યારેય છોડતો નથી તેમ સાચો મિત્ર પણ ક્યારેય આપણાથી દૂર હોતો જ નથી.


મિત્રતા એ કહેવાની નહી અનુભૂતિ ની લાગણી હોય છે.માત્ર કહેવાથી મિત્ર બની શકાતું નથી અને જે મિત્ર છે તેને કહેવાની જરૂર હોતી નથી.


સખી ! તું જ કહે જોજનો દૂર હોવા છતાં આપણે અલગ છીએ ખરા ? જે વાત મારા મનમાં આવે છે એ જ વાત આટલે દૂર હોવા છતાં તું અનુભવે છે. હું મળવાની ઈચ્છા કરું ને તું અચાનક દોડી આવે છે મારી પાસે. હું ખુશ હોઉં એ સમયે દૂર દૂર સુધી તું પણ આનંદિત હોય છે ને જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે ત્યારે દૂરથી પણ તને મારી ગમગીની નો અહેસાસ હોય છે.


આમ મારા પ્રત્યેક મૂડની અસર તારા સુધી પહોંચે છે . તે જે રીતે સતત તું મારા સંપર્ક માં રહી મને પળે પળ સાચવી લે છે . તે જ રીતે તારી દરેક ગતિવિધિ નો હું જાણે અજાણે પણ સાક્ષી હોઉં છું. આટલો અહેસાસ મિત્ર સિવાય કોણ કરાવી શકે કહે જોઉં ?

મારા સુખ-દુખ માં દૂરથી હોવા છતાંય તું આટલા દૂરથી પણ પડછાયા માફક મારી પાસે ને મારી સાથે જ હોય છે. આપણી મૈત્રી કોઈ એક દિવસની મોહતાજ છે જ નહીં. જે હરહંમેશ સાથે ને સાથે હોય , જેને સતત પાસે જ અનુભવી શકતા હોઇએ તેને વળી દોસ્તી દિવસ ની મુબારક ની શું જરુર. મારા માટે તો તું એટલે મારા જીવનનું એક અવિભાજ્ય અંગ -જેને દિવસ , મહિના કે વરસ નહીં રોજે રોજ ઉત્સવ.

આપણી આ મૈત્રી રોજે રોજ નવપલ્લવિત થતી જ રહે છે અને મને ખુશી છે કે મિત્ર ના રુપે તું સદૈવ મારી આસપાસ , મારી આજુબાજુ સતત હોય જ છે . તું એટલે એક એવો અહેસાસ જેને શબ્દો માં વર્ણવવો મુશ્કેલ .તું એટલે મારા મનોભાવો નું બીજું રુપ. વધુ તો શું કહું ?

તારો મિત્ર

5

પ્રિય સંવેદના,


સવારના સોનેરી કિરણો ની સાથે જ તારી યાદ આવી ગઈ. સૂરજ ઉગતા ની સાથે જ તારું સ્મરણ ને રાત્રે નીંદર ના ખોળે પણ તારું સ્મરણ રુપે
મારી સાથે જ હોવું અને એની વચ્ચેના સમયગાળા દરમિયાન વ્યસ્તતા એ જ મારો જીવનક્રમ થઈ ગયો છે.

સંવેદના ! મેં ક્યાંક વાંચ્યું હતું કે ક્યાં ટકવું ,ક્યાં અટકવું અને ક્યાંથી છટકું એ જો માણસ શીખી જાય તો તેને કોઇ દુઃખ ન રહે . કેટલી સાચી વાત છે. માણસ લાગણી ઝંખે છે અને એ લાગણીનો તેને જ્યાં અહેસાસ થાય ત્યાં તે ટકી જાય છે. આપણે મનોમન કોઈકની સાથે એવા જોડાઇ જઇએ છીએ કે અટકવું આપણને ગમતું જ નથી. એ સમયે આપણે એ પણ નથી વિચારી શકતા કે જ્યાંથી આપણે આગળ વધવાની શરુઆત કરીએ છીએ એનું પરિણામ કેવું હશે . જ્યાં આપણી લાગણીનો ઇચ્છિત પ્રતિભાવ મળે, જ્યાં આપણે ઝંખેલી અપેક્ષાઓ ની પૂર્તિ થાય ત્યાં આપણે મનોમન ખૂબ આગળ નીકળવા લાગીએ છીએ. એ સમયે આપણે એમ નથી વિચારી શકતા કે કેટલાક માણસો નો સ્વભાવ જ એવો હોય છે કે તેઓ દરેક વ્યક્તિ સાથે આત્મીયતા થી વર્તતા હોય છે .તેમની પ્રત્યેક વ્યક્તિ સાથે સારી રીતે વાત કરવાની, સૌના હમદર્દ હોય તે રીતે સૌની વાત સાંભળવાની આ આદત થી ઘણીવાર એવું બને કે આપણે તેને આપણા માનવા લાગીએ, અને સમય જતાં આપણને જ્યારે સમજાય કે કોઇપણ વ્યક્તિ આપણી સાથે સારું વર્તી એ તો તેનો સ્વભાવ છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. તેના સારા સ્વભાવ ના કારણે આપણે સતત તેનો સાથ ઝંખીએ છીએ પરિણામે સામેની વ્યક્તિ આપણાથી દૂર ભાગવા લાગે છે. આપણે અટકવું ભૂલી જઇએ એટલે તેઓ આપણાથી છટકવા લાગે. આમ આ ક્રમ ચાલતો જ રહે છે માટે જ આપણે આપણી જાતે ક્યાં અટકવું એટ શીખી લેવું પડે જેથી કોઇને આપણાથી દૂર ભાગવું ન પડે.


સંવેદના ! તને મારો સ્વભાવ ગમ્યો, મારી સાથે વાતો કરવામાં તને આનંદ આવે છે એ સારું છે પણ સાચું કહું તો સૌની સાથે હળીમળીને રહેવું એ મારો નિજી સ્વભાવ છે. કોઈનું પણ દુઃખ આપણાથી હળવું બનતું હોય તો કરવું જોઈએ તેવું હું અંગતપણે માનું છું પણ બંધાવું એ મારો સ્વભાવ જ નથી . જગતમાં એવા કેટલાય લોકો છે જેઓને હમદર્દી ની જરુર છે, એવી દરેકની વાત સાંભળી તેમનું દુઃખ ઓછું થાય તેવા પ્રયત્નો હું ચોક્કસ કરું પણ એશ પ્રત્યેક સાથે જો હું બંધાવા લાગું તો કેટલા ને ન્યાય આપી શકું ?જેનું પરિણામ આપણે જાણતા નથી , જે આપણા હાથમાં નથી એવા સંબંધો માં આગળ વધી દુઃખી થવા કરતાં દૂર રહીને કોઈનું દુઃખ દૂર થતું હોય તો તેને હું વધુ શ્રેયસ્કર ગણું છું.

આશા છે મારી વાત તને સમજાશે. તને જ્યારે પણ મારી જરૂર લાગે માત્ર સાદ કરજે દોડી આવીશ તારી પાસે. પણ બંધાવું મને મંજૂર નથી. હું મારી સમષ્ટિ માં ખુશ છું. બની શકે તો મને સમજવાનો પ્રયત્ન કરજે. તારો આ દોસ્ત તારા એક સાદ થી દોડ્યો આવશે તારી પાસે. વધુ તો શું કહું ?

ફરી મળીશ આમ જ .
લિ . તારો ભક્ત સંવેદન

6

પ્રિય સખી

આજે તો વરસાદ મન મુકીને વરસ્યો અને તારી યાદ આવી ગઈ. તને યાદ છે આવી જ એક વરસાદી સાંજે આપણે એક કોફી શોપમાં સાથે બેસી કોફી પીતા હતા ?. બહાર વરસાદ ધોધમાર વરસતો હતો ને આપણે કોફી પીતાં પીતાં એ જ વિચારતા હતા કે હવે વરસાદ અટકે તો સારું કે ઘરે જઇ શકાય

વરસતો વરસાદ, કોફી શોપમાં સાથે બેસીને કોફી ની મજા લેતાં આપણે ને પરસ્પર વરસાદ ના રોકવા ની વાત કરતાં આપણે . પણ શું ખરેખર આપણે વરસાદ રોકાય તેની રાહ જોતાં હતાં ?
ના સખી ! હું જાણું છું કે મનોમન તો આપણે એવું જ ઇચ્છતા હતા કે વરસાદ આમ જ વરસતો રહે અને આમ જ આપણે પરસ્પર ની સાથે રહીએ . ખરું ને ?

સખી ! કેવું છે માનવી નું મન નહીં. તે ઇચ્છે છે કંઈક અને વ્યક્ત કંઈક બીજું જ કરે છે. આવું શા માટે ? શા માટે મનમાં જે હોય તેને આપણે વ્યક્ત કરતાં અચકાતા હોઇશું ? શું આપણી પરસ્પર પ્રત્યેની શ્રદ્ધા પાંગળી છે કે પછી આપણે ખુદ આપણા માટે જ સ્પષ્ટ નથી ?

મને લાગે છે કે આપણે ખુદ આપણા માટે જ સ્પષ્ટ નથી. કંઇ કેટકેટલું મેળવવું હોય છે પણ તે મેળવવા કરવી પડતી મહેનત આપણને સ્વીકાર્ય નથી. આપણે ઇચ્છીએ છીએ પ્રેમ પણ આપણે અન્ય ને પ્રેમ કરવાનું ભૂલી ગયા છીએ. આપવું જાણે આપણને ગમતું જ નથી અને લેવાની ખેવના કરતાં અચકાતા નથી. અરે ! જેમ આપણે વિચારીએ છીએ તેમ જ બધા વિચારશે તો લેવા વાળાનો તોટો નહીં હોય અને આપવા વાળું કોઈ જ નહીં હોય.

સખી ! થોડી આડવાતે ચડી ગયો નહીં ? પણ શું કરું તું જ કહે .જ્યારે જ્યારે તને પત્ર લખવા બેસું છું ત્યારે ત્યારે આવું જ થાય છે. કંઈક ને કંઈક વિચાર મનમાં ઘોળાતો હોય એ વ્યક્ત થઇ જ જાય છે.

આજે પણ એવું જ થયું ને વાત કરતો હતો આપણા મિલનની પણ ચડી ગયો કોઇ બીજી જ વાતે. આપણી વચ્ચે જે સમજણ છે , અરસપરસ ને સાચવવાની જે ભાવના છે અને આપણે પરસ્પર જે રીતે સંકળાયેલા છીએ તેમાં અનાયાસ જ મનમાં ઘોળાતી વાત વ્યક્ત થઇ જ જાય એ સહજ છે.
તને યાદ હશે એકવાર તેં જ મને આ વાત સમજાવેલી કે હંમેશા વિશાળ હ્રદય ના રહેવું , બને એટલા અન્ય ને મદદરૂપ થવું ને હંમેશા આપતા શીખવું. આપવાથી ઓછું નથી થતું બલ્કે વધે છે. આપણી પાસે જે છે તે અન્ય પાસે ન પણ હોય તેથી કરીને હોવાનું અભિમાન ન કરતાં જેને તેની જરુર છે તેને આપવું.

કંઇ નહીં તો કમ સે કમ એટલું તો ચોક્કસ કે હ્રદયમાં સમભાવ નો આવિષ્કાર કરવો. સૌ પ્રત્યે સમભાવ હશે તો જ અન્ય માટે કરુણા જાગ્રત થશે ને તો જ અન્ય ને ચાહી શકાશે.

તારી આ વિશાળતાને હું મનોમન વંદું છું . તું હંમેશા અન્યને મદદરૂપ બને છે સૌને પ્રેમથી આવકારે છે ને સૌને પોતાના જ સમજે છે. આટલી વિશાળતા મારી પાસે નથી પણ તારા સહવાસ થી મારામાં પણ એક નવી સમજણ ધીમે ધીમે પ્રગટે છે ને જગતને ચાહતા હું તારા પરિચય પછી જ શીખ્યો છું.
સખી ! બસ તારો સાથ હંમેશ આ રીતે રહે તેવી ઇશ્વર ને પ્રાર્થના. તારા થકી તો હું મને ચાહતા શીખ્યો છું એટલે આમ જ તને મળતો રહીશ , યાદ કરતો રહીશ.

લિ. તારો મિત્ર

7

પ્રિય સખી !

આનંદમાં હોઇશ. તને યાદ કરતો રહેતો હું અહીં કુશળ છું.

સખી ! તને રોજ આમ યાદ કરવાની જાણે હવે મને આદત પડી ગઈ છે. તને યાદ કરું છું કે તારી યાદ આવી જ જાય છે એ હજી સુધી હું નક્કી કરી શક્યો નથી . પણ એ હકીકત છે કે તું સતત મારી સાથે જ હોય છે. આમ તારું મારી સાથે હોવું મને અનહદ ગમે છે કારણકે તારા સાથ અને સહવાસ માં મને અનહદ શાતા અનુભવાય છે. કદાચ આપણી આ નિયતિ હોઇ શકે એવું બને .નહીંતર મારાથી જોજનો દૂર એવી તું આમ મારી સમીપ કેવી રીતે હોઇ શકે ?


સખી ! આજે ખબર નહીં કેમ એક વિચાર મને સતત પરેશાન કરી રહ્યો છે કે માણસના મનમાં ખાઇ કેમ ઊભી થતી હશે ? એવું કેમ બનતું હશે કે માણસ ઇચ્છવા છતાંય ભીતર થી ભીંજાઈ શકતો નહીં હોય ? ખૂબ મનોમંથન કરવા છતાંય આ પ્રશ્ન નો ઉકેલ ન જ મળ્યો એટલે તારી સામે ઉપસ્થિત થયો. તું મને સહજતાથી આ અંગે સમજાવી શકીશ એવી મને ખાત્રી છે.


આમ તો આ અંગે ઘણું વિચાર્યુ. મારા મતે માણસ ઇચ્છવા છતાં ભૂતકાળ ભૂલી શકતો નથી. કદાચ ભૂલવા માંગે તો નવેસરથી એક શરુઆત કરવી પડે તો કદાચ એ જુનું ભૂલી શકે એવું બને. ભૂતકાળમાં કોઇના થી મળેલા આઘાતો , સતત મળેલી અવહેલના કે સતત થયેલા અપમાનો માણસ ભૂલી શકતો નથી. એ ભૂલવા માંગે તો પણ તેનાથી એ ભૂલાતું નથી પરિણામે વર્તમાન ને તે આનંદી શકતો નથી. આવું કેમ ?
વળી મેં એવા પણ જોયું છે કે કેટલાક વ્યક્તિત્વ એવા હોય છે કે તેઓ પોતાને સુપુરિયર સમજતા હોય પરિણામે સામેની વ્યક્તિ ને સતત સલાહો આપ્યા કરે , તેઓને પોતાનાથી સમજણ માં ને બુધ્ધિ માં ઓછા આંકી સતત તેઓને અપમાનિત કરે પરિણામે જે અપમાનિત થયા કરે છે તેઓના મનમાં ધીમે ધીમે એક પ્રકારની ઉદાસીનતા આવી જાય છે જેથી તે જે તે વ્યક્તિ માટે બેપરવાહ બનવા લાગે છે ને માનસિક રીતે તેઓ પરસ્પર થી દૂર થતા જાય છે એવું મારું માનવું છે.

આતબક્કે હું તો એવું માનું છું કે આજની ભાગદોડ ભરી જિંદગી માં કોઈ ને કોઈ માટે સમય નથી. એ સંજોગો માં જે આપણી સાથે જોડાયેલા છે, જે આપણી દરકાર કરે છે અને જેના વગર આપણે ચાલવાનું જ નથી તેઓની આપણા પ્રત્યે જે થોડીઘણી પણ લાગણી બચી છે તેની કદર કરીએ. વારંવાર તેઓને વાતે વાતે સલાહો આપી કે તેમને ટોક્યા કરી તેમને અપમાનિત ન કરીએ.તેમને પણ એટલું જ માન આપીએ જેટલું આપણને પણ ગમે છે. સૌ પોતાની જવાબદારી સમજે છે , સારું-નરસું, કે સાચા-ખોટાની સમજ જેમ આપણને છે તેમ તેઓને પણ છે જ , વળી આજના સમયમાં સૌને ખપ પૂરતી સમજ છે જ. તો આપણે એવું જીવીએ, એવું વર્તી એ કે સામી વ્યક્તિને અપમાન ની લાગણી ની થાય અને તો જ જે માત્ર તિરાડ છે તે તિરાડ જ રહે ખાઇ ની બને. બાકી એકવાર જો ખાઈ બનવાનું ચાલુ થયું તો ભરપૂર પ્રેમ, ભરપૂર માન આપવા છતાંય એ ખાઇ પૂરી નહીં શકાય.


સખી ! મારા મનમાં જે વાત ઘોળાતી હતી તે મેં તારી સમક્ષ વ્યક્ત કરી. આ વિષે તું વધુ પ્રકાશ પાડીશ તો ચોક્કસ ગમશે.તારા ઉત્તર ની રાહમાં........

લિ . તારો ભક્ત સંવેદન

8

પ્રિય સંવેદના ! ,

ગઇકાલે આપણે મળ્યા ને ખૂબ વાતો કરી જે હજુય મારા કાનમાં પડઘાયા કરે છે. કેવું છે માણસનું મન નહીં.જે વાત મનમાં ઘર કરી જાય એ જલ્દી નીકળતી જ નથી. આપણે જે વાત થઇ એના વિષે મેં ખૂબ વિચાર્યુ.
કોઇની સાથે એકાદ-બે મુલાકાત થાય અને કોઈ ગમવા માંડે એવું બને ખરું ? આ વિષે વિસ્તાર થી સમજવું

ધરતીમાં બીજ રોપાય પછી તરત જ છોડ ઉગી નીકળતા નથી.બીજ વવાય પછી તેને પાણી સીંચવું પડે છે, વધુ પડતા તાપમાન થી તેનું રક્ષણ કરવું પડે છે તે જ રીતે વધુ પડતા વરસાદ માં તે કોહવાઇ ન જાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે. એક નાનકડું બીજ પણ અંકુરિત થતાં પહેલાં કેટકેટલી માવજત માંગી લે છે, જ્યારે આ તો લાગણીની વાત છે, કોઇની સાથે એકાદ-બે મુલાકાત થાય અને કોઈ ગમવા માંડે એવું હું સ્વીકારી જ ના શકું.

મનોમન કોઇની કલ્પના કરવી, કોઇના વિચારો આવવા,તેઓને વારંવાર મળવું, તેઓની કોઇક વાત ગમી જવી પછી ધીમે ધીમે સંબંધ બંધાય ને લાગણી પ્રગટે એ સ્વીકારી શકાય કારણ એ પેલા ધરતીમાં રોપાયેલા બીજ જેવી ઘટના છે .પરંતુ પહેલી જ મુલાકાત માં લાગણીનો જુવાળ પ્રગટે એ વાત સાથે હું સહમત નથી.

આપણે સૌ પ્રેમ ઝંખીએ છીએ. લાગણીમાં ઓળઘોળ થવું આપણને ગમે છે -પણ પહેલી નજરે લાગણી જન્મે એને લાગણી નહીં આકર્ષણ કહેવાય. આ આકર્ષણ ઝાઝું
ટકતું નથી ,જ્યારે કોઈ માણસ સાથે આપણે લાગણીથી જોડાઇ એ તો તે સંબંધ ચિરકાળ સુધી જળવાઈ રહે છે. તેમાં લેવાની નહીં આપવાની વૃત્તિ વધુ ગતિશીલ હોય છે. જ્યાં આપણે લાગણીથી બંધાઇ એ ત્યાં કોઇ ગણિત કામ નથી આવતું -ત્યાં તો હોય છે માત્ર ને માત્ર નિર્ભેળ ને નિર્દોષ પ્રેમ. કોઇના માટે લાગણી થવી એટલે સામી વ્યક્તિ જેવી છે તેવી -તેના સંપૂર્ણ વ્યક્તિત્વ નો સ્વીકાર. ,તેને સમજવી, તેને સાચવવી અને આપણા થકી તેને ભરપૂર સુખનો અહેસાસ થાય તેમ વર્તવું.

જેમ યોગ્ય હવા , પાણી ને માવજત મળતાં બીજ અંકુરિત થાય છે તેમ આપણે કોઈને મળીએ ત્યારે તેનું આપણી સાથેનું વર્તન, અરસપરસ સુખ-દુખ ની વાતો ની વહેંચણી ને પરસ્પર ને સમજવાની તથા સુખ આપવાની ભાવના મનમાં પ્રગટે ત્યારે જ લાગણી અંકુરિત થઈ કહેવાય તેવું મારું માનવું છે.

સંવેદના ! આપણે સૌ આપણી આપણી આ ભાગદોડ ભરી જિંદગી થી કંટાળી ગયા હોઇએ , આપણને ક્યાંક કોઇ ખાલીપો લાગતો હોય અને આપણું સંવેદન તંત્ર એટલું જાગૃત હોય કે આપણને એ ખાલીપાનો અહેસાસ થતો હોય ત્યારે એ ખાલીપાને પૂરવા આપણે કોઇ એવી વ્યક્તિ નો સાથ ઝંખીએ છીએ જે આપણને , આપણી ભાવનાઓને સમજી શકે , આ કોઈકની શોધમાં શક્ય છે કે આપણને કોઈક ગમી પણ જાય , પરંતુ આ એક એવી ભાવના છે જે સમય જતાં નીખરે છે , એ સમયની ધીરજપૂર્વક રાહ જોવી, ક્યાંક એવું ન બને કે આપણે જેને લાગણીનો -આત્મીયતા નો સંબંધ માની મનોમન ખુશ થઈએ એવી સંબંધ એક શિષ્ટાચાર જ હોય........માટે જ ધીરજ રાખી આગળ વધવું જેથી દુઃખી થવું નો પડે. ખરું ને ?

લિ. તારો ભક્ત સંવેદન

9

.
પ્રિય સખી !

આજે તો વરસાદ અનરાધાર વરસી રહ્યો છે અને વાતાવરણ માં એટલી ભીનાશ છે કે થાય છે કે બસ આમ જ વરસાદ વરસતો રહે ને બારીમાંથી હું વરસતા વરસાદ ને નિહાળ્યા કરું.

આવી જ એક વરસાદી સાંજે આપણે એકમેક ની સંગે વાતોમાં મશગૂલ હતા.સમય જાણે થંભી ગયો હતો. કંઇ કેટલીય વાતો આપણે કરી , એવું લાગતું હતું જાણે દુનિયા આપણાથી જ બની છે. તું હું હતી કે હું તું હતો એ વિસરીને આપણે એકબીજામાં લીન બની ગયા હતા. કેટલીયે વણકહી વાતો એમ જ ઉકેલાતી રહી ને આપણી દોસ્તી પ્રગાઢ બનતી ચાલી.

તેં કહ્યુ કે જે કોઈ પરિસ્થિતિ છે તેને સ્વીકારી ને ચાલીએ તો દરેક પરિસ્થિતિ ને હળવાશથી લઇ શકાય . એવું જ માણસનું -જે જેવા છે તેવા તેને સ્વીકારી લઇએ તો કોઈપણ વ્યક્તિ માટે અણગમો ન થાય. કેટલી સાચી ને સચોટ વાત તેં કરી.

આજસુધી એ જ અવઢવમાં હતો .દરેક વ્યક્તિ ની ખૂબીઓ મને અવશ્ય ગમતી પણ તેમની કેટલીક ખામીઓ ને કારણે મને તેમનાથી દૂર રહેવાનું મન થતું. આ મારા સ્વભાવ ની પણ ખામી જ ગણાય એ સ્વીકારવું મને ગમે છે અને સ્વીકારું છું પણ દરેક જીવને ચાહતા તેં જ મને શીખવ્યું.

આ સ્વીકાર ની ભાવના જો માણસ કેળવી શકે તો દુઃખ કે અણગમો ન રહે . જરુર છે માત્ર જે છે , જેવા પણ છે તેવા તેમને સ્વીકારવા ની. હા તેનો મતલબ એવો નથી કે માણસે પોતાના અવગુણ ને ઢાંકવા. દરેકે પોતાની ખામીઓ ને દૂર કરવાના પ્રયત્નો અવશ્ય કરવા જ જોઈએ. સહુ ને પ્રિય બનવું હોય ,સૌના હ્રદયમાં સ્થાન મેળવવું હોય તો સૌ પ્રથમ પોતાની ખામીઓ પ્રત્યે સજાગ બની તેને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ.

સખી ! તું આમ જ મને હંમેશા કંઈક ને કંઈક સમજાવતી રહે છે તેથી જ મારા વ્યક્તિત્વ માં હું આમ બદલાવ લાવી શક્યો છું
જેમ માણસમાં ગુણો તેમ અવગુણો પણ હોવાના જ. જગત પર નો કોઇ જીવ સંપૂર્ણ નથી જ , પણ આ વાત એકવાર મનમાં ઉતરે તો માણસ થોડો સજાગ બની પોતાનામાં રહેલા દોષો અવશ્ય દૂર કરી જ શકે તેમાં લગીરે સંશય નથી.જરુર છે માત્ર સજાગ થવાની .ખરું ને ?

સખી ! હંમેશા આવું જ બને છે . જ્યારે જ્યારે આપણે મળીએ છીએ , આપણે આ જ રીતે કોઇ ને કોઇ વિષયે ચર્ચા કરતા રહીએ છીએ. આમ જ ચર્ચા કરતાં કરતાં ક્યારે એકબીજાની નજીક આવી ગયા તે ખબર પણ ના રહી ને પરસ્પર એવા સંકળાઇ ગયા કે મનમાં કોઇ પણ વાત આવે તો શબ્દ દેહે મળીને પણ એકબીજાની સમજણ નો વ્યાપ વધારતા રહીએ છીએ. મને આનંદ છે કે મને તારા જેવી સખી મળી જે મને સતત સમજણ આપતી રહે છે ને મારી સમજણનો વ્યાપ વધારતી રહે છે.

આપણે છૂટા પડ્યા પછી પણ ક્યાંય સુધી આ વિશે વિચારતો રહ્યો ને આમ જ તને પત્ર લખી નાખ્યો. આશા છે આ વિષે તું કંઇક વધુ પ્રકાશ પાડીશ.

તારી કુશળતા ઇચ્છતો હું અહીં જ અટકું ?

લિ. તારો મિત્ર

10

પ્રિય સખી!


ગઇકાલે આપણે મળ્યા. આમ તો મળ્યા ન કહેવાય કારણકે હું શ્રોતાગણમાં સામેલ હતો અને તું મંચસ્થ હતી. એક પછી એક કવિઓ પોતાની કવિતા રજુ કરતા હતા અને શ્રોતાઓ એ કવિતા થી ખુશ થઈ તેઓને તાળીઓના ગડગડાટ થી વધાવતા હતા.અદભૂત માહોલ હતો.. તમામ શ્રોતાઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા

.
હું પણ એ જ શ્રોતાગણમાં હતો જે તું જાણે જ છે.બધા મંચસ્થ કવિઓ પોતપોતાની રચના સંભળાવતા હતા ને શ્રોતાઓની તાળીઓ મેળવી ગદગદિત થઈ સૌનો આભાર માનતા હતા.

આમે ય જ્યારે માણસને કોઈ સાંભળનાર મળે છે ત્યારે તે અત્યંત આનંદ અનુભવતો હોય છે . હું તો દરેકની રચના ખુદ તેઓના જ મુખેથી સાંભળી ખુબ ખુશ થયો.
દરેકના અનુભવો જુદા, પોતાની રચના પેશ કરવાની શૈલી અલગ ને સૌના અલગ અલગ અંદાજ ને છતાં તેઓનું સંવેદન તંત્ર એટલું જાગૃત કે જે કંઈ અનૂભવે તેને કાગળ પર ઉતારી પોતાની સંવેદના લોકો સુધી પહોંચાડી સૌને ભાવવિભોર કરી દે.


તું કહીશ કે આ બધી ઘટનાની અત્યારે વાત કરવાનો શો અર્થ ? પણ કેટલીક ઘટના એવી હોય છે જેને વાગોળવી આપણને ગમતી હોય છે.

હું ખુશ તો અનહદ હતો જ પણ રાહ જોતો હતો તારો વારો આવવાની. તું બોલે અને હું તન્મય થઈ તને સાંભળતો રહું, તારા મુખેથી વહેતી વાણીમાં ઓગળતો રહું. બસ તને સાંભળ્યા જ કરું. એક પછી એક કવિઓ બોલતા રહ્યા, તેમણે અનુભવેલા ભાવવિશ્વમાં સૌને તરબોળ કરતા રહ્યા ને સૌ ઝૂમતા રહ્યા એ વાતાવરણમાં.
અનુભવ તો દરેકને દરેક રીતે થતો જ હોય છે પણ તેને કવિતાનું રુપ આપવું એ દરેકના વશ ની વાત નથી હોતી. એક જ ઘટનાને અલગ અલગ રીતે રજુ કરવાની કળા કવિ માં જ હોય છે. અનુભૂતિ સરખી જ પણ તેને રજુ કરવાની કળા બધા પાસે હોતી નથી. કવિ સંમેલન માં કવિના મુખેથી કવિતા સાંભળવી એક પણ એક લ્હાવો છે.

આમ જ તારો વારો પણ આવ્યો જેની હું રાહ જોતો હતો. તું બોલવા ઊભી થઈ. તારી એ કવિતા હજુ પણ મમળાવું છું

" ના મળી શક્યો મને તમને મળ્યા પછી
હું અરીસે પણ નથી તમને મળ્યા પછી."

કેટલી સરસ વાત.પ્રેમમાં તો સહુ કોઇ ક્યારેક ને ક્યારેક તો પડે છે પણ પ્રેમમાં આટલા તન્મય બની જવું કે પોતાની જાતને પણ ભૂલી જવી અને અત્ર તત્ર સર્વત્ર પોતાના પ્રિય પાત્રને જ અનુભવવું એ કેટલી ઉચ્ચ કોટિ નો પ્રેમ . માણસ અરીસામાં પણ પોતાના બદલે અન્યને અનુભવે એટલી ઊંચી કક્ષાએ ત્યારે જ પહોંચી શકે જ્યારે તે પોતાને પણ ભૂલવા લાગે. અને આવો પ્રેમ એ જ કરી શકે જેણે ઇશ્વર ને ઓળખ્યો હોય.પોતાની જાતને ભૂલવી સહેલી નથી પણ જ્યાં હું થી પર સુધીની યાત્રા દરમિયાન અનેક અવરોધો પાર કરીને ય માણસ પ્રેમ કરવાનું ન ભૂલે ત્યાં જ આવું શક્ય બને છે તેવું મારું માનવું છે.

તારા આ શેર પર તો તને જેટલી પણ દાદ આપું ઓછી જ પડે. પણ સાચું કહું તો સાચા અર્થ માં તેં પ્રેમ ને પચાવ્યો છે. નિસ્વાર્થ ભાવે તું સદાય સૌને ચાહતી રહી છે અને કદાચ એટલે જ તું તારા દરેક ભાવને એક ઉચ્ચતાના શિખરે લઇ જઇ શકે છે. સામાન્ય માણસનું આ કામ નથી. ખરે જ સૌને સાંભળવાની મજા આવી પણ તને સાંભળી ને તો હું ધન્ય બની ગયો.બસ આમ જ લખતી રહે . વધુ તો શું કહું ? ફરી મળીશ આમ જ.

લિ તારો મિત્ર

11

પ્રિય સંવેદના

આનંદમાં હોઇશ. થોડા દિવસ પહેલા મે એક શેર સાંભળ્યો હતો..

" મિલન પણ કદી યે નજીકે ન આવ્યુ
જુદાઈ અહીં તો ન દાદર ચડી છે. "


આખી ગઝલ સરસ હતી પણ એ ગઝલનો આ શેર મને ખૂબ ગમ્યો. કેટલી ઉદાત્ત ભાવના એ દ્વારા વ્યક્ત થાય છે. જેના માટે પણ આ ભાવ હશે તે કેટલી ઉચ્ચ કોટિ નો હશે કે માણસ દૂર હોવા છતાંય દૂર નો લાગે. મને તો આ શેર દ્વારા સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચે ની ભેદરેખા સ્પષ્ટ થઈ. સ્થૂળ રીતે ભલે ક્યારેય મિલન શક્ય ની બન્યું હોય પણ સૂક્ષ્મ રીતે જોઈએ તો ક્યારેય અલગ થયા જ નથી.

માણસ સમજણ અને ચાહત ની કેટલી ઊંચાઇ ને આંબી ગયો હશે , તેની ચાહત કેટલી તીવ્ર હશે કે પોતે પોતાની પ્રિય વ્યક્તિ થી અલગ છે જ નહીં. આટલી ઊંચી ભાવના ત્યારે જ દ્રઢ બને જ્યારે તે પારલૌકિક એવા પ્રેમને પામ્યો હોય. બાકી સ્થૂળતા માં જ્ સુખ માનનારા સામાન્ય માનવીનું આ ગજું નથી.

હું તો માનું છું કે જે કંઈ ગમે છે , મનને હરી લે તેવું છે તેને પામવા કરતાં તેને જોવામાં જો સુખ માની શકાય તો સુખ હાથવેંતમાં જ છે.

પ્રેમની જ વાત કરું તો પ્રેમ પામવા માં નહીં આપવામાં આનંદ માને. અહીં એ પ્રેમની વાત છે જે અંતરનો છે.

માણસ જેને પ્રેમ કરે છે એ માણસ માટે તેને એટલી શ્રધ્ધા છે, એટલો આદર છે કે ઘડી માટે પણ તેને તે પોતાનાથી અલગ માની શકતો નથી. અંતરથી બંને એટલા નજીક છે કે બંને એકબીજાને અલગ માનતા જ નથી. પોતાના દેહમાં જેના સૂક્ષ્મ આત્મા છે તે બીજાનો છે, બીજા માટે છે કદાચ તેથી જ તેને વિરહની વેદના નથી લાગતી. બંનેનું અલગ હોવું તેને સ્વીકાર્ય નથી કારણ સૂક્ષ્મ ભાવે તેણે તેને ચાહ્યો છે.

જ્યાં અંતર જ એક હોય ત્યાં વિરહને અવકાશ રહેતો જ નથી.આટલી ઊંચી ને ઉદાત્ત ભાવના પાસે તો ખુદ ઈશ્ર્વર ને પણ નમવું પડે છે.

ઇશ્વર એવું જ ઇચ્છે છે કે માણસ માણસ વચ્ચે પ્રેમ હોય, સહકાર હોય , સ્નેહ હોય પરંતુ ભૌતિકતા પાછળ અટવાતા આપણને ખુદ પોતાની જાત માટે પણ પ્રેમથી જોવાનો સમય નથી.જો માણસ ખરેખર પ્રેમ નું મૂલ્ય સમજે ને જગત આખા ને પ્રેમ થી મૂલવતાં શીખે તો વેર-ઝેર , ઇર્ષ્યા -અદેખાઈ નું કોઇ સ્થાન જ ન રહે.અને તો આ જગત પર પ્રેમનું સામ્રાજ્ય સ્થપાય ને જગત પર એક પ્રકારની અનોખી શાંતિ ચોક્કસ સ્થપાય.

પ્રેમ ત્યારે જ સાચો પુરવાર થાય જ્યારે તે ઈચ્છા -આકાંક્ષા, સ્વાર્થ ને અપેક્ષા થી પર હોય અને તો જોજનો દૂર વસતી વ્યક્તિ ને પણ આપણે આપણી સમીપ અનુભવી શકીએ.

સ્થૂળતા થી પર થઈ સૂક્ષ્મ તરફ જવા માટે નું પહેલું પગથિયું છે નિર્વિકાર પ્રેમ.

અમૂલ્ય એવા આ જીવનને આપણે પ્રેમ થી સભર બનાવીએ. પ્રેમને એક અલૌકિક ચીજ સમજી તેનું અવમૂલ્યન કરીએ તો જ સાચા અર્થ માં પ્રેમ પામી શકીએ.

આપણે પણ આવી જ ઉદાત્ત ભાવના કેળવીને પરસ્પર ને પ્રેમ થી, સમજણ થી જોતાં શીખીએ તો અમૂલ્ય, અલૌકિક એવી શાંતિ આપનો જગત પર જરુર સ્થાપી શકીએ. જગત પર પ્રેમનું વાવેતર કરી સૌને એ પ્રેમ માં તરબોળ કરી એક અનોખી સુખાનુભૂતિ કરી શકાય. આથી વધુ તો હું કંઈ જ કહી શકવા શક્તિમાન નથી. કહેનારે થોડા શબ્દો માં જ એટલું ઊંડાણ ભરી દીધું છે કે મારા દરેક શબ્દો વામણા જ લાગે. તું મને આપવા વિષે વધુ સમજાવીશ એવી આશા સાથે અહીં જ અટકું છું.

લિ. તારો મિત્ર


12

પ્રિય સખી !


આનંદમાં હોઇશ. મારો પત્ર મળી ગયો હશે. પત્ર લખવાથી માણસનું મન હળવાશની અનૂભૂતિ કરે છે એટલે માણસ પત્ર લખતો હશે નહીં ?

જ્યારે માણસ માણસથી દૂર હોય , ઇચ્છવા છતાંય દૂર રહેતા આપ્તજનને મળી શકાય તેમ ન હોય ત્યારે માણસ પત્ર લખીને મિલન જેટલું સુખ માણી શકે છે અને એ રીતે પરસ્પર ની નજીક હોવાનો અહેસાસ કરી શકે છે માટે જ જ્યારે રુબરુ મુલાકાત શક્ય ન બને ત્યારે અક્ષરદેહે માણસ પોતાના સ્વજન ની નજીક પહોંચી આત્મીયતા નો અનુભવ કરે છે.

પત્ર લખવા માટે શબ્દો ની જરુર પડે છે. જો માણસ પાસે શબ્દો ની જો હોય તો તે પોતાની ભાવના ની , પોતાની લાગણી ની અભિવ્યક્તિ કરી શકતો નથી. પોતાના મનની વાત વ્યક્ત કરવા માણસે શબ્દો નો સહારો લેવો પડે છે. અને એટલે જ માણસ શબ્દો શોધે છે. એવા શબ્દો કે જે તે કહેવા માંગે છે તે યથાર્થ રીતે કહી શકે.આ શબ્દો જ એક એવું માધ્યમ છે કે જેના થકી માણસ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. માણસને માણસની નજીક આવવામાં આ શબ્દો જ સહાયભૂત બને છે.


શબ્દો નો વિનયપૂર્વક નો ઉપયોગ થાય તો માણસના સંબંધ માં એક નવી જ વિભાવના ઉમેરાય છે. માણસને માણસથી જોડવામાં આ શબ્દો જ મદદરૂપ બને છે. શબ્દો દ્વારા માણસ પોતાની લાગણીઓ વ્યક્ત કરી બીજા માણસ સુધી પોતાના મનની વાત પહોંચાડે છે અને સામી વ્યક્તિ શબ્દો ના માધ્યમથી જ એ લાગણીનો પ્રતિભાવ આપે છે. આમ શબ્દો દ્વારા પરસ્પર ના હ્રદય ની વાત જાણી માણસ એકબીજાની નજીક આવી શકે છે ને નજીક આવ્યા પછી પરસ્પર સુખ-દુખ વહેંચી હળવો થઈ જીવી શકે છે.

અલબત્ત આજના યંત્રયુગમાં યંત્ર માફક દોડતો ,યંત્ર માફક શ્વસતો માણસ શબ્દો નો વૈભવ ખોઇ બેઠો છે. આજે માણસ માણસને નથી મળતો -એક છાયા બીજી છાયા ને મળતો હોય તેવું લાગે છે. ચહેરાઓના વનમાં ભૂલા પડેલા માણસને માત્ર ચહેરાની જ પહેચાન છે. આ ચહેરાધારી શરીરની ભીતર ધબકતા સંવેદન તંત્રની આજના માણસને મન કોઇ કીમત નથી..ચહેરાથી ચહેરો મળે છે ને છૂટો પડે છે. શબ્દો ની આપલે દ્વારા એ ચહેરાની ભીતર સુધી પહોંચવું માણસને હવે ગમતું નથી

શબ્દો ની આપ-લે થાય, શબ્દો નો ઉચિત ઉપયોગ થાય તો ચહેરાથી ચહેરો મળવાના બદલે એક વ્યક્તિત્વ બીજા વ્યક્તિત્વ ને મળે, લોકો એકબીજા ના હૈયા સુધી પહોંચે ને આત્મીયતા ની એ કક્ષાએ પહોંચી શકે જ્યાં પરસ્પર ને સમજવાની એક વિશાળ દ્રષ્ટિ નો આર્વિભાવ થાય..સમજણપૂર્વકનો શબ્દો નો ઉપયોગ સંબંધોની મીઠાશ વધારે ને તેની સૌરભ ચોતરફ ફેલાય. આત્મીયતા વધારવામાં, આત્મીયતા ની અનુભૂતિ માં શબ્દો માધ્યમ બને છે અને તેથી જ શબ્દો ની કીમત જેટલી પણ આંકીએ ઓછી જ છે.માત્ર હાવભાવ થી માણસ પૂરેપૂરો વ્યક્ત થઈ શકતો નથી માટે જ તે શબ્દો નો સહારો લે છે અને આ શબ્દો સાથેનો તેનો હાવભાવ તેને પૂરેપૂરો વ્યક્ત થવામાં સહાયક બને છે.

શબ્દો ના ઉપયોગ થકી માણસનું મૂલ્ય અંકાય છે. જેટલી તમારી વાણી સારી તેટલું તમારું વ્યક્તિત્વ અને એ વ્યક્તિત્વ ના પરિણામ સ્વરૂપ તમારું મૂલ્ય ઊંચું. માટે જ શબ્દો નો જે વૈભવ આપણે ખોઇ બેઠા છીએ તેને ફરી અપનાવીએ.જે વિસરી ચુક્યા છીએ તેને ફરી યાદ કરીએ. આ યંત્રયુગમાં યંત્ર સમાન બની ગયેલા આપણે આપણી જાતને ઢંઢોળીને જાગૃત કરીએ ને શબ્દો ના સરોવર માં ડૂબકી લગાવી ખોવાઈ ગયેલા આપણા શબ્દો ને શોધી તેનો યથોચિત ઉપયોગ કરીએ.રુબરુ ન મળી શકાતું હોય તેવા સ્વજનોને સુંદર, ભાવભીનો પત્ર લખી તેની નજીક હોવાનો તેને અહેસાસ કરાવીએ.આમ શબ્દો ન સામિપ્ય કેળવી શબ્દો ના મહિમા ને ફરી આવકારીએ ...ખરું ને ?

લિ. તારો મિત્ર

13

પ્રિય સંવેદના,

સવારના સોનેરી કિરણો ની સાથે જ તારી યાદ આવી ગઈ. સૂરજ ઉગતા ની સાથે જ તારું સ્મરણ ને રાત્રે નીંદર ના ખોળે પણ તારું સ્મરણ રુપે મારી સાથે જ હોવું અને એની વચ્ચેના સમયગાળા દરમિયાન વ્યસ્તતા એ જ મારો જીવનક્રમ થઈ ગયો છે.

સંવેદના ! મેં ક્યાંક વાંચ્યું હતું કે ક્યાં ટકવું ,ક્યાં અટકવું અને ક્યાંથી છટકું એ જો માણસ શીખી જાય તો તેને કોઇ દુઃખ ન રહે . કેટલી સાચી વાત છે. માણસ લાગણી ઝંખે છે અને એ લાગણીનો તેને જ્યાં અહેસાસ થાય ત્યાં તે ટકી જાય છે. આપણે મનોમન કોઈકની સાથે એવા જોડાઇ જઇએ છીએ કે અટકવું આપણને ગમતું જ નથી. એ સમયે આપણે એ પણ નથી વિચારી શકતા કે જ્યાંથી આપણે આગળ વધવાની શરુઆત કરીએ છીએ એનું પરિણામ કેવું હશે . જ્યાં આપણી લાગણીનો ઇચ્છિત પ્રતિભાવ મળે, જ્યાં આપણે ઝંખેલી અપેક્ષાઓ ની પૂર્તિ થાય ત્યાં આપણે મનોમન ખૂબ આગળ નીકળવા લાગીએ છીએ. એ સમયે આપણે એમ નથી વિચારી શકતા કે કેટલાક માણસો નો સ્વભાવ જ એવો હોય છે કે તેઓ દરેક વ્યક્તિ સાથે આત્મીયતા થી વર્તતા હોય છે .તેમની પ્રત્યેક વ્યક્તિ સાથે સારી રીતે વાત કરવાની, સૌના હમદર્દ હોય તે રીતે સૌની વાત સાંભળવાની આ આદત થી ઘણીવાર એવું બને કે આપણે તેને આપણા માનવા લાગીએ, અને સમય જતાં આપણને જ્યારે સમજાય કે કોઇપણ વ્યક્તિ આપણી સાથે સારું વર્તી એ તો તેનો સ્વભાવ છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. તેના સારા સ્વભાવ ના કારણે આપણે સતત તેનો સાથ ઝંખીએ છીએ પરિણામે સામેની વ્યક્તિ આપણાથી દૂર ભાગવા લાગે છે. આપણે અટકવું ભૂલી જઇએ એટલે તેઓ આપણાથી છટકવા લાગે. આમ આ ક્રમ ચાલતો જ રહે છે માટે જ આપણે આપણી જાતે ક્યાં અટકવું એટ શીખી લેવું પડે જેથી કોઇને આપણાથી દૂર ભાગવું ન પડે.

સંવેદના ! તને મારો સ્વભાવ ગમ્યો, મારી સાથે વાતો કરવામાં તને આનંદ આવે છે એ સારું છે પણ સાચું કહું તો સૌની સાથે હળીમળીને રહેવું એ મારો નિજી સ્વભાવ છે. કોઈનું પણ દુઃખ આપણાથી હળવું બનતું હોય તો કરવું જોઈએ તેવું હું અંગતપણે માનું છું પણ બંધાવું એ મારો સ્વભાવ જ નથી . જગતમાં એવા કેટલાય લોકો છે જેઓને હમદર્દી ની જરુર છે, એવી દરેકની વાત સાંભળી તેમનું દુઃખ ઓછું થાય તેવા પ્રયત્નો હું ચોક્કસ કરું પણ એશ પ્રત્યેક સાથે જો હું બંધાવા લાગું તો કેટલા ને ન્યાય આપી શકું ?જેનું પરિણામ આપણે જાણતા નથી , જે આપણા હાથમાં નથી એવા સંબંધો માં આગળ વધી દુઃખી થવા કરતાં દૂર રહીને કોઈનું દુઃખ દૂર થતું હોય તો તેને હું વધુ શ્રેયસ્કર ગણું છું.

આશા છે મારી વાત તને સમજાશે. તને જ્યારે પણ મારી જરૂર લાગે માત્ર સાદ કરજે દોડી આવીશ તારી પાસે. પણ બંધાવું મને મંજૂર નથી. હું મારી સમષ્ટિ માં ખુશ છું. બની શકે તો મને સમજવાનો પ્રયત્ન કરજે. તારો આ દોસ્ત તારા એક સાદ થી દોડ્યો આવશે તારી પાસે. વધુ તો શું કહું ? ફરી મળીશ આમ જ .

લિ . તારો ભક્ત સંવેદન

14.

પ્રિય સંવેદના,

મા-બાપ એક એવો પ્રેરણાસ્ત્રોત જે બાળકને ડગલે ને પગલે સમજણ આપી તેને વિકસતા શીખવે. જન્મથી જ પોતાના બાળકની સંભાળ એ રીતે લે છે જાણે તેઓનું સમગ્ર વિશ્વ પોતાના બાળકમાં જ સમાયું હોય. માતા-પિતા નું સર્વસ્વ એટલે પોતાનું બાળક .

બાળક પહેલો અક્ષર શીખે છે -બા.એ પહેલા અક્ષર થી લઇ બાળક મોટું થાય , પોતાની કારકિર્દી બનાવે , પોતાનું કુટુંબ વસાવે તો ય મા-બાપ પાસે બાળક હંમેશા બાળક જ રહે છે. મા- બાપ આપણને જગત દેખાડે છે ,જગતમાં જીવતાં શીખવે છે.

બાળકનો સૌથી પહેલો કોઈ ગુરુ હોય તો તે છે મા.બાળકના જન્મ પહેલાથી જગદીશ ઇશ્વર મા ના સ્તનમાં દૂધ મૂકે છે એ જ તેની પોતાના બાળક માટે ની વહાલની પારાશીશી છે. સમય જતાં બાળક પોતાના પિતાને ઓળખતું થાય છે. બાપ માન્યતા છે તો મા હકીકત છે. મા બાળકને બાપ તરીકે જેને ઓળખાવે તેને બાળક બાપ માને છે . આમ બાપ એ માન્યતા છે ને મા એ હકીકત છે.

મા બાળકનું લાલન-પાલન કરી તેને મોટું કરે છે તો બાપ તેનું ભરણપોષણ કરે છે , તેની કારકિર્દી ઘડે છે. આમ પ્રત્યેક ના જીવનમાં માતા-પિતા નો ફાળો અમૂલ્ય હોય છે. માણસ કદાચ બધું જ ઋણ ચુકવી શકે પરંતુ પોતાના માતા-પિતા નું ઋણ માણસ ક્યારેય ચુકવી શકતો જ નથી. એક બાળક માટે મા-બાપ જેટલું કરે છે તે જગતમાં કોઇ જ કરી શકતું નથી.

આજના યંત્રયુગમાં ,ચહેરાઓ ની ભીડમાં માણસનું સંવેદન તંત્ર બુઠ્ઠું બની ગયું છે. લાગણીથી જોવાની માણસની દ્રષ્ટિ ધૂંધળી બની ગઈ છે. જે માતા-પિતા વિના બે ડગ ભરવા મુશ્કેલ હતા એ જ બાળક આજે મોટું થતાં મા-બાપ ને વિસારે પાડી બેઠો છે. આજે ઠેરઠેર વૃધ્ધાશ્રમ જોવા મળે છે તે માણસ લાગણી હીન ને કૃતઘ્ની બની ગયો છે તેની સાબિતી છે. માતા-પિતા પોતાના ચાર પાંચ સંતાનો ને સાચવી શકે છે પણ એ જ સંતાનો પોતાના માતા-પિતા ને સાચવી શકતા નથી.

જે મા સરસ મજાનું હાલરડું ગાઇ બાળકને સુવાડતી , અમી ભરી નજરે જમાડતી ને જેના બાળોતિયા ખુશી ખુશી ધોતી એ જ મા ને ઉંમરને કારણે ઊંઘ નથી આવતી તો બાળક તેના પર ગુસ્સો કરે છે.

જે બાળકના તોફાન થી ઘર હર્યુ ભર્યુ લાગતું હતું એ જ બાળક ને
ઘરમાં ઘરડા મા-બાપ નું ખાંસી થી ખાંસવું કર્કશ અવાજ લાગે છે.

જરુર છે જાગ્રત થવાની. પોતાના બધિર બની ગયેલા સંવેદન તંત્ર ને ઢંઢોળવાની અને માતા-પિતા ના હ્રદયને ઓળખવાની. તો જ માવતર નું મૂલ્ય સમજાશે અને માવતર ને સન્માન પૂર્વક જીવવાની હૂંફ આપી શકાશે.

જેણે જીવન આપ્યુ , જીવતાં શીખવ્યું ,જીવનમાં ઉન્નત મસ્તકે ચાલવાને કાબેલ બનાવ્યા, એ માતા-પિતા ને કોટિ કોટિ વંદન કરીએ ને તેમને એ સન્માન આપીએ જેના તેઓ અધિકારી છે.

લિ . તારો ભક્ત સંવેદન