Samvedna no Tar - 3 books and stories free download online pdf in Gujarati

સંવેદનાનો તાર -  3

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843

શીર્ષક : સંવેદના નો તાર - 3

શબ્દો : 2081

સજેસ્ટેડ શ્રેણી : પત્રમાળા

પ્રિય સખી !


તારી કુશળતા ઇચ્છતો હું અહીં કુશળ છું. મારો આ અગાઉનો પત્ર મળી ગયો હશે. સખી ! અગાઉ મેં વાત કરી હતી થોડા સખત સ્વભાવ ના થવાની , તું એ બાબતે કંઇક વધુ કહીશ તો મારા માટે તે આવકાર્ય હશે તેમ મેં કહેલું એ તને યાદ હશે જ. પણ એ બાબતે તું કંઇક પ્રકાશ પાડે તેમ પહેલાં જ એક બીજો વિચાર ઘુમરાવા લાગ્યો એટલે તારા ઉત્તર ની રાહ જોયા વગર જ તને ફરી પત્ર લખવા બેસી ગયો.

તું જાણે છે કે મનમાં કોઇ પણ પ્રશ્ન ઉદભવે એટલે એ બાબતે તને જાણ કરવાની મારી આદત છે.

સખી ! આપણે આપણા સમગ્ર જીવનકાળ દરમ્યાન કંઈ કેટલાય પ્રસંગે જવાનું બનતું હોય છે. આપણે સૌ સામાજિક પ્રાણી છીએ એટલે વ્યવહાર સાચવવા સંબંધિત વ્યક્તિને ત્યાં તેમના સારા માઠા પ્રસંગે હાજરી આપવી એ આપણી ફરજ બને છે. એમાં ય કોઇના સારા પ્રસંગે કદાચ હાજરી ન આપી શકીએ તો વાંધો નહીં પણ કોઇને ત્યાં કોઇ દુઃખદ પ્રસંગ બને તો તેમના દુઃખ માં સહભાગી થવા જવું એ આપણી પહેલી ફરજ બને છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે અચાનક કોઇક સમાચાર મળે અને આપણે આપણા કોઈ નિજી કામમાં અટવાયેલા હોઇએ તો ઇચ્છવા છતાંય આવા પ્રસંગે હાજરી આપી શકતા નથી.ન જઇ શકવાના આપણી પાસે ઘણાં કારણો હોય છે -તેનો મતલબ એવો નથી કે તમે ત્યાં જવા નથી માગતા પણ કદાચ લોકો આપણી આ મજબુરી ના સમજે અને આપણી ગેરહાજરી ની નોંધ લે ત્યારે આપણને દુઃખ થાય છે. આ થઇ એક સહજ અને સામાન્ય વાત પણ એથી ય આગળ હું જે કહેવા માગું છું તે એ કે શું આવા સમયે કોઇની હાજરી કે ગેરહાજરી અગત્યના છે ખરાં ?


જે દુઃખદ પ્રસંગ બન્યો છે તેને કોઈ કાળે આપણે મિટાવી શકીએ તેમ નથી એ હકીકત છે અને આવી પડેલ દુઃખ ને સહન કર્યે જ છૂટકો. આવા સમયે ધીરજ ધરી , મન પરના બોજ ને એક તરફ રાખી જે કામ કરવાનું છે તે કરવું જ પડતું હોય છે, તો આવા સમયે શું આપણે કોઇની હાજરી કે ગેરહાજરી ને મહત્વ આપશું ? જો હા તો મારું માનવું એટલું જ છે કે આવી પડેલા દુઃખ સમયે જો તમે આવી નોંધ લો છો તો જે માણસ આજ દિવસ સુધી તમારી સાથે હતું જે આજે હવે નથી રહ્યુ તેના જવાનું તમને ભીતર થી એટલું દુઃખ નથી એવું લાગ્યા વિના ન રહે. કોણ આ પ્રસંગે આવ્યું અને કોણ ન આવ્યું એની નોંધ લો
એ આ તબક્કે શું વ્યાજબી છે ? આજસુધી જે તમારી આસપાસ હતા તે હવે પછી નહીં હોય.કંઇ કેટલાય કામ એવા હશે જે તેમનાથી પુરા નહીં થઇ શક્યા હોય તો શું એ બધા વિચારો હવે નહીં કરવા પડે કે અચાનક એક માણસ બધું અસ્તવ્યસ્ત મૂકી આપણી વચ્ચે થી ચાલી નીકળ્યો છે તો હવે શું એવું કરશું કે જેથી જે પરિવાર કોઇ એકના જવાથી વેરવિખેર થઈ ગયું છે તેને સંભાળી શકાય ?

સખી ! મારી તો એવી સમજણ છે કે કોઈ કોઈ નું દુઃખ લઇ શકતું નથી.હા , કોઇના સુખમાં ભાગીદાર ન થઇએ પણ જ્યારે કોઈના માથે દુઃખ આવી પડે તો ચોક્કસ તેમના દુઃખ માં ભાગીદાર થવું જોઈએ, તેમને દિલાસો આપી તેઓ જો ભાંગી પડ્યા હોય તો તેમને તેમની એ હતાશા માંથી બહાર લાવવાના આપણાથી બનતા પ્રયત્નો કરીએ. પણ કદાચ કોઇક અંગત કારણોસર કોઇ આવા સમયે આપણી પાસે ન પણ પહોંચી શકે તો તેને નજરઅંદાજ કરી દઇએ.આખર આપણું દુઃખ એ આપણું જ છે તેને કોઇ આપણી પાસેથી લઇ શકે તેમ નથી જ.તો ધીરજ રાખી આવી પડેલ કપરા સમયનો ધીરજપૂર્વક સામનો કરીએ .કોણ આવ્યુ કોણ ન આવ્યુ એ વિચારવા ના બદલે હવેનો સમય કેવી રીતે પસાર કરવાનો છે એનો વિચાર કરીને એવું આયોજન કરીએ જેથી જે ગયું છે એની ગેરહાજરી માં પણ સરળતાથી જીવી શકાય. ખરું ને સખી !


ફરી મળીશ આમ જ અચાનક.


લિ . તારો મિત્ર

પ્રિય સખી !


મારો પત્ર મળી ગયો હશે. તું આનંદમાં હોઇશ. અહીં હું પણ આનંદમાં છું અને તને યાદ કરું છું. સખી ! હું જાણું છું કે તું મારા પત્રની રાહમાં હોય છે અને એટલે જ અતિશય વ્યસ્તતા વચ્ચે ય તને પત્ર લખવાનો સમય ફાળવી લઉં છું.


સખી ! તેં ઘણીવાર જોયું હશે કે માણસ ને જવાનું ક્યાંક હોય અને તે પહોંચી ક્યાંક જાય છે. આવું કેમ બનતું હશે તે આજસુધી હું સમજી શક્યો નથી.


મારા મત મુજબ કદાચ એવું બનતું હોય છે કે માણસ પોતાના ધ્યેય પર મક્કમ નથી હોતો.

કદાચ તેનું કોઈ ધ્યેય જ હોતું નથી એવું હું માનું છું કારણકે જો માણસ મનથી કટિબદ્ધ હોય કે મારે અહીં પહોંચવું છે તો ચોક્કસ તે ત્યાં પહોંચી જ શકે જરુર હોય છે માત્ર મનને સ્થિર કરવાની. પણ કોણજાણે કેમ માણસ અહીં જ પાછો પડે છે. તે પોતાના મનને કોઇ એક જગ્યાએ સ્થિર કરી શકતો નથી પરિણામે તે જ્યાં પહોંચવા માગે ત્યાં પહોંચી શકતો જ નથી.

જો માણસ પોતાનું લક્ષ્ય નક્કી કરે અને એ જ રસ્તા પર આગળ વધતો રહે તો ચોક્કસ પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી શકે પણ આપણા સૌના મન એટલા ચંચળ છે કે આપણે સતત આડા રસ્તે ફંટાતા રહીએ છીએ. ચાલીએ છીએ આપણા નક્કી કરેલા માર્ગે પણ અધવચ્ચે રાહ બદલી કોઇ બીજા જ રાહ પર ચાલવા લાગીએ છીએ પરિણામે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચવાના બદલે કોઇ અન્ય જગ્યાએ પહોંચી જઇએ છીએ.


સૌ પ્રથમ તો આપણે આપણું લક્ષ્ય નક્કી કરતાં પહેલાં એ સમજી લેવાની જરૂર છે કે આપણે જે ધ્યેય નક્કી કર્યુ છે ત્યાં સુધી પહોંચવા માટે નો જે રસ્તો છે એ રસ્તે ઘણી મુશ્કેલીઓ આવશે , આપણે ધારીએ છીએ એટલો એરસ્તો સહજ ને સરળ નથી , ઘણા પથરાળા માર્ગ પસાર કરવાના છે, ઘણી લોભામણી ને લલચામણી કેડી આવશે જેને પાર કરવાની છે, જો લલચાઇશું નહીં તો જ મંઝિલ સુધી પહોંચી શકીશું. જો આ વાત એકવાર મગજમાં સારી રીતે ઉતરી જાય તો ચોક્કસ પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી શકાય એમાં સંશય નથી.
સખી! મને લાગે છે કે આપણે સૌ કદાચ જે રાહ પસંદ કરીએ છીએ એમાં સ્હેજ મુશ્કેલી આવી કે આપણે આપણા રસ્તે થી ફંટાઈ જઇએ છીએ ને બીજા રાહ પર ચાલવા લાગીએ છીએ પરિણામે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચવાના બદલે કોઇ અન્ય જગ્યાએ પહોંચી જઇએ છીએ પણ આવું શા માટે થાય છે તે વિચારીએ તો જરુર એક વાત સમજી શકાય કે આપણે રસ્તે ચાલતાં જે લોભામણી ને લલચામણી લાલચ આવી એ જોઇ લલચાઇને રસ્તો બદલી નાખ્યો હતો.


જે મંઝિલ સુધી પહોંચવું છે એ રસ્તે ગમે તેટલા વિઘ્નો આવે પણ એ પાર કરવાની હામ રાખીએ ને પોતાનામાં જ શ્રધ્ધા રાખીએ તો જરુર પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી શકાય એમાં સંશય નથી.
આ તબક્કે હું એટલું જ કહેવા માગું છું કે આપણે શરુઆતથી જો એ સમજી લઇએ કે જે માર્ગ પસંદ કર્યો છે એ ગમે તેટલો વિકટ હોય એ રાહ છોડવો નથી તો ચોક્કસ આપણે આપણી મંઝિલ સુધી પહોંચી શકીશું. જરુર છે મનને મક્કમ કરી આગળ વધવાની ખરું ને?


તું આ વિશે વધુ કહીશ તો ચોક્કસ મને ગમશે જ. ચાલ રજા લઉં. .ફરી મળીશ આમ જ .

લિ. તારો મિત્ર

પ્રિય સખી !


આનંદમાં હોઇશ. આજે ફરી તારી સમક્ષ શબ્દ દેહે ઉપસ્થિત થયો છું. થોડા સમયથી મારા નીજી કામમાં એવો અટવાયેલો હતો કે તને અક્ષરદેહે મળવા ઇચ્છું તો પણ મળી શકતો ન હતો .
કેવી છે આ જીવનની ભાગદોડ નહીં ? આપણે સૌ સતત આ જ રફતાર માં અટવાતા રહીએ છીએ અને છતાં આ રફતાર ને અટકાવી શકતા નથી.


ઉપરાંત એક ન સમજી શકાય એવી ક્યાંક છૂપી તો ક્યાંક દેખીતી પ્રતિક્ષા આપણને ચેન થી જીવવા દેતી નથી. ક્યારેક ખૂબ કમાઇ લેવાની પ્રતિક્ષા , ક્યારેક ચરબીના થર ઉતારવાની પ્રતિક્ષા તો ક્યારેક દવાખાને જતાં જ લાંબી લાઈન માં બેસી ડૉક્ટર ના આવવાની ને આવ્યા પછી વારો આવવાની પ્રતિક્ષા.


જ્યાં જુઓ ત્યાં બસ લાઇન જ લાઇન ને એ લાઇનમાં ઊભા ઊભા વારો આવવાની રાહમાં સતત કંટાળો અનુભવતા આપણે બસ આમ જ રાહમાં ને રાહમાં જીવ્યા કરીએ છીએ. આમ જ ખવાઈ ને ચવાઇ જતો સમય. ઓનલાઈન ની અદ્યતન સુવિધાઓ વચ્ચે ય કેટલીક કતારો એવી છે જે નો સામનો કર્યે જ છૂટકો.


એમાંની એક લાઇન એટલે નાનીમોટી બીમારી માં લેવાતી કૌટુંબિક ડૉક્ટર ની મુલાકાત. સ્હેજ તાવ આવ્યો કે પ્રેશરમાં વધઘટ થઈ કે પછી સ્હેજ અમસ્તા સુસ્તી જેવું લાગ્યુ કે ડૉક્ટર ની મુલાકાત લેવી જ રહી તો ત્યાં ય વારો આવવાની રાહ જોઈ જોઈને કંટાળો જ અનુભવવાનો . આમ ડગલે ને પગલે વેઠવી પડતી પ્રતિક્ષા ને તેને કારણે ઉદભવતો. કંટાળો હવે સામાન્ય બની ગયું છે.
સખી ! મને લાગે છે કે આપણે સમજણ ના એક એવા ઉંબર પર આવીને ઊભા હોઇએ છીએ કે એક તબક્કે આપણે એવું જ લાગ્યા કરે છે કે આપણી આ પ્રતિક્ષા નો જાણે અંત જ આવતો નથી. કોઇ ધનાઢ્ય ની મોટી મોટી ગાડીમાં આરામથી તેમનો પાળેલો ડૉગ એરકન્ડીશનની હવા ખાતો મહાલતો હોય પણ તેનો માલિક કાં તો બેન્ક ની , કાં તો કોઇ બીલ ભરવાની અથવા તો રેસ્ટોરન્ટ માંથી સરસ મજાનું મનભાવન ખાવાનું લેવાની લાઇન માં ઊભો હોય. અરે ખાવામાં પણ લાઇન જ લાઇન.

કદાચ આમ જ આપણો મોટાભાગનો સમય વેડફાતો રહે છે છતાં આપણે નિરુપાય બની જોયા કરવા સિવાય કંઈ કરી શકતા નથી. શું આમ જ આપણે સૌ કતારમાં ઊભા ઊભા પ્રતિક્ષા કર્યા કરીશું . કદાચ જો ભીડ ઓછી થાય તો આ પ્રતિક્ષા પણ ઓછી થાય અને આપણો ઘણોબધો સમય આપણે બચાવી શકીએ કે ઇચ્છેલા કામ પાછળ એ સમય ખર્ચી શકીએ. જરુર છે જેમ બને તેમ આ ભીડ ઓછી કરવાની.

આપણે સૌ જો આ વાત સૂપેરે સમજી શકીએ તો ઘણાં પ્રશ્નો આપોઆપ હલ થઈ જાય. જરુર છે માત્ર ને માત્ર પોતાની સમજણને વિકસાવવાની ને આપણી ઇચ્છાઓ પર લગામ રાખવાની. માનસિકતાની એ સીમા પર પહોંચવાની જ્યાં ભૌતિકતા વામણી પુરવાર થાય .જો આમ થાય તો ચોક્કસ એક નવા પરિમાણ સુધી પહોંચી શકાય.ખરું ને સખી ?


જે પ્રતિક્ષા ની કતાર માં આપણે ઊભા રહેવું પડે છે એ પ્રતિક્ષા ત્યારે જ ઓછી થાય જ્યારે આપણે આપણી માનસિકતા ને એક ઊંચા સ્તર પર લઈ જઇએ અને ભૌતિકતા માં ન અટવાતા સૂક્ષ્મ તરફની ગતિ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરી એક નવી કેડી કંડારી કે જ્યાંથી આપણી દ્રષ્ટિ ને આપણે વિશાળ બનાવી શકીએ.

હું તો માનું છું સખી ! કે આ પ્રતિક્ષા , આ કતાર , આ ભાગદોડ એ બધું જ આપણે જ ઊભું કરેલું છે તો આપણે જ એમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરીએ ને આપણી આ રફતાર ને થોડી ધીમી પાડી શાંત ચિત્તે વિચારીએ કે એવું શું કરીએ કે જેથી આપણાથી જ ઊભી થયેલી આ ભીડને નાથી શકાય. જો ભીડને નાથી શકાશે તો જ પ્રતિક્ષા નો પણ અંત આવશે જ એમાં સંશય નથી.ચાલ રજા લઉં . ફરી મળીશ. આમ જ ....


લિ. તારો મિત્ર.

પ્રિય સખી!


આજે બીજા કોઇની વાત ન કરતાં મુળ વાત પર આવું તો આજે મારે તારી જ વાત કરવી છે. કેવો છે તારો સ્વભાવ કે તું સતત અન્ય માટે જ જીવે છે , બીજા ની પરવા , બીજાની ચિંતા ને બીજાના જ વિચારો. .તેં ક્યારેય તારા માટે વિચાર કર્યો છે ખરો ? તું તારા માટે ક્યારેય જીવી છે ખરી ? સતત અન્ય માટે જીવવું સારું જ છે દરેક જણ આવું નથી કરી શકતા. અરે , માણસ આજનો માણસ પોતાના માટે જ જીવે છે., પોતાને ગમતું જ વર્તે છે. પોતાને ગમે તેમ જ જીવવાનું ને પોતાને ગમે તેમ જ કરતો રહે છે એવા સમયમાં અન્યને શું ગમશે ? તેઓને શું ભાવશે ને એવું શું કરું કે બીજાને ગમે એવી તારી ભાવના - તને નથી લાગતું કે ખોટી છે ?. આખર ક્યાં સુધી તું આમ બીજા માટે જીવીશ ? ક્યાં સુધી બધાનો વિચાર કર્યા કરીશ ? સૌ પોતાના માટે જ જીવે છે તો તારે પણ હવે જે થોડી પણ જીંદગી બચી છે તે તારા પોતાના માટે જીવવી જોઈએ એવું તને નથી લાગતું ? ક્યાંક કોઈ મેળાવડા માં જા , તને વાંચન ખૂબ ગમે છે તો લાયબ્રેરીમાં જઇ મનગમતા પુસ્તકો વાંચ. ક્યારેક પડોશમાં જઇ પડોશી સાથે વાતો કરી તારું મન હળવું કર.ક્યારેક મનગમતી ફિલ્મ જોઈ મનને ખુશીથી ભરી દે.તું ખૂશ નથી એવું કહેવા નથી માગતો પણ તેં તારી જાતને જે સિમિત કોચલામાં પુરી દીધી છે તેમાંથી બહાર આવ.


તું જેને મારા મારા કહી તેમને ગળે વળગાડે છે ને તેમની આસપાસ જ તારી દુનિયા તેં બનાવી છે એ લોકો તારા ત્યાં સુધી જ છે જ્યાં સુધી તારું શરીર ચાલે છે. જે સમયે તું પથારીમાં પડી એ સમયે એ લોકોને તને કેમ છે એટલું પૂછવાનો પણ સમય નહીં હોય.


આવું બધું કહી હું તને ઉશ્કેરવા નથી માંગતો પણ તને સમજાવવા માંગુ છું કે જેમ સૌ પોતાના જ માટે જીવે છે એમ તું પણ તારા માટે થોડુંક જીવતાં શીખ જેથી અંત સમયે એક સંતોષ તો અવશ્ય મળે કે આપણે આપણા માટે જીવ્યા ખરા.


સખી ! મેં એ સતત નોંધ્યું છે કે તું હંમેશા તારી જાતને ભૂલતી રહી છે. ક્યારેક તારા માથાનો દુઃખાવો, ક્યારેક બેચેની , ક્યારેક તાવ તો ક્યારેક કળતર વચ્ચે ય તેં તારા કામને પ્રાધાન્ય આપ્યુ છે , પરિણામે સૌને તારી એવી આદત પડી ગઈ છે કે તારી ગેરહાજરી માં સૌ પાંગળા બની જાય છે.
સાચું કહું તો મને ઘણીવાર એવું લાગે છે કે સૌને તારી નહીં તારાથી થતા કામોની જરુર છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે આજના સમયમાં સૌને હાથપગ ની જરુર હોય છે - હૈયાની નહીં.. કદાચ તારા માટે આ વાત સો ટકા સાચી મને લાગે છે . સૌને તારી જરુર એટલા માટે છે કે તારા હાથ પગ ચાલે છે. જો તારા હૈયાની સૌને જરુર હોત તો સો ટકા તારી સાથે કામ શેર કરી કામ વહેંચી લીધું હોત. આ વાત તું જેટલી વહેલી સમજી શકે એટલું સારું છે કારણ આમ જ તું જવાબદારી ઉઠાવતી રહીશ ત્યાં સુધી સૌ તને સાચવશે અને જ્યારે તારાથી કોઇક કામ નહી થાય ત્યારે આ જ લોકો પાસે તને કેમ છો ? એમ પૂછવાનો પણ સમય નહીં હોય. તું જેને પ્રેમ સમજે છે એ પ્રેમ નથી એ છે સૌની જરુરિયાત જે તને તેઓથી દૂર થવા દેતી નથી. આટલું કડવું ને કઠોર સત્ય તું જેટલું વહેલું સમજીશ એટલું તારા માટે વધુ સારું છે એવું હું માનું છું. વાસ્તવિકતા સ્વીકારી ને જીવતાં શીખી જવાય તો દુઃખ નો સામનો કરવો પડે નહીં. ચાલ આજે ખૂબ કડવી વાત કરી તારો મૂડ બગાડ્યો એટલે વધુ ન લખતાં અંતમાં એટલું જ કહીશ કે મને તારી ચિંતા છે , તારા ભોળપણ ને તારું પરગજુ પણું મને ખૂબ ચિંતિત રાખે છે એટલે મારે ખાતર પણ તું હવે તારા માટે વિચાર. હું તો સદા તને તારી કોઇપણ પરિસ્થિતિ માં ય આવકારીશ જ.વધુ તો શું કહું ?

લિ. તારો મિત્ર

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843