Mari aadat books and stories free download online pdf in Gujarati

મારી આદત - Letter to your valentine

મારી આદત

દર્શિતા જાની

ડીયર તું,

તું પણ વિચારતી હોઈશ ને કે જે વ્યક્તિ તું સામે હોય ત્યારે ૧૦ મિનીટ ફોન કે લેપટોપ બાજુએ મુકીને વાત પણ નથી કરી શકતો તે તારા માટે લેટર શું કામ લખે નહી?

પણ આજે સાચે હું લખવા પર મજબુર છુ જાન. મને ય યાદ નથી તને કેટલા વર્ષો પછી જાન કહું છુ એટલે તારું ચોંકવું બહુ સ્વાભાવિક છે. ખરેખર તો ઘણી કબુલાત કરવી છે જે તારી આંખ માં આંખ નાખી કરવાની હિમત નથી મારા માં. ઓફીસ માં ૨૦૦ લોકો જેના થી ધ્રુજે છે તે જ તારો પતિ પોતાના હ્રદય ની લાગણીઓ ને હોઠ પર લાવતા તારા થી ધ્રુજે છે અને એટલે જ આજે શબ્દો નો સહારો લઉં છુ.

આપણી પિક્ચર માં હોય તેવી કોઈ લવસ્ટોરી નહોતી કે નહોતા આપણા લવમેરેજ, મમ્મી પપ્પા એ જ તને પસંદ કરી હતી મારા માટે અને ખાલી બે જ મુલાકાતો પછી આપણી સગાઈ થઇ ગઈ હતી. અને તે પણ ઓછુ હોય તેમ ત્રણ જ મહિના માં આપણા લગ્ન થઇ ગયા હતા. એટલે કોઈ પ્રેમી જોડા ની જેમ તારી સાથે સમય વિતાવવાનો સમય જ ના મળ્યો મને.

તું તો જાણે જ છે મેં ઝીંદગી માં કેટલા ઉતાર ચઢાવ જોયા છે. મારા બાળપણ માં પપ્પા ના ઓછા પગાર ને કડક સ્વભાવ ને લીધે હું ક્યારેય મારી મરજી મુજબ જીવી શક્યો જ નહી. ક્યાંક તે જ કારણ હતું કે હું એટલો અંતર્મુખી થઇ ગયો કે તારી સામે પણ દિલ ખોલી ને મારી લાગણીઓ વ્યક્ત ના કરી શકું.બહુ નાની ઉમરે જ પૈસા જ સર્વસ્વ છે તે મને આ દુનિયા એ બતાવી દીધું હતું, અને એટલે જ ભણવાનું પૂરું કરી હું પૈસા પાછળ એટલો ભાગ્યો કે બધી લાગણીઓ પાછળ છુટી ગઈ.

અફસોસ તો અત્યારે એ થાય છે કે જીવન માં જે કંઈ પણ હાસિલ કરવાનું હતું તે બધું જ મેળવી લીધા પછી પણ જયારે અટકવાનું હતું ત્યારે અટક્યો નહી. હું ભાગતો જ રહ્યો વધુ મેળવવા માટે. અને તેમાં હું તે પણ ભૂલી ગયો કે મારી તારા પ્રત્યે પણ ફરજ છે કંઇક.

પણ બહુ સાચું કહું તો હું મારી ફરજો ચુક્યો તેમાં વાંક મારો નહી તારો છે. તે ક્યારેય કોઈ ફરિયાદ જ નથી કરી. તે ક્યારેય મને એહસાસ જ નથી થવા દીધો કે હું આ બધા માં તને જ ભૂલું છુ. ક્યારેક તું પણ ઝઘડી હોત, લડી હોત તો હું આમ અત્યારે મારી દરેક ભૂલો પર પસ્તાવો ના કરતો હોત.

તારા એકસીડન્ટ ને આજે ૩ દિવસ થયા છે જાન, ૨ દિવસ તો હું હોસ્પિટલ ની દોડધામ માં હતો એટલે બહુ ખબર ના પડી મને પણ ગઈ કાલ રાત થી તારી ગેરહાજરી મને બહુ ખરાબ રીતે હેરાન કરે છે. સાચું કહું છુ બહુ યાદ આવે છે તારી...

ગઈકાલે સાંજે ઘરે આવ્યો ને આમ સાવ શાંત અંધકાર ભર્યું ઘર મને ભીતર સુધી ડરાવી ગયું. મેં ક્યારેય આ ઘર તારા વગર કલ્પ્યું જ નથી, તું તો પિયર પણ ૨ દિવસ માટે ત્યારે જ જાય જયારે હું કોઈ બીઝનેસ ટુર પર હોય. અને આમ અચાનક મને એકલો ઘર માં રહેવાનું કહે તો કેમ ચાલે? જ્યારથી આ ઘરમાં આવી છે હું ઘરે આવું ને સોફા પર બેસું ત્યાજ તું પાણી લઈને આવે એ જ નિત્યક્રમ રહ્યો છે. પણ ગઈકાલે એ તને ના જોવું કેટલું બિહામણું હતું તેની તું કલ્પના પણ કરી શકે નહી.

આટલા વર્ષો માં મારો ગમે તેટલો મગજ ગરમ હોય, હું ગમે તેટલો મોડો આવું ક્યારેય તે મને જમ્યા વગર નથી સુવા દીધો, તું રાત્રે ૨ વાગે પણ મને ગરમ ગરમ પરોઠા બનાવી જમાડતી પણ કાલે રાત્રે ફ્રીજ માંથી બ્રેડ બટર લઈને ખાતી વખતે સમજાયું કે ખરેખર તારા વગર હું કંઈ કરી શકું એમ જ નથી.મેં તો આટલા વર્ષો માં તને એમ પણ નથી કીધું કે તું બહુ સારી રસોઈ બનાવે છે, મેં તો ક્યારેય કોઈ નોંધ જ નથી લીધી કે તું કેટલી હદે મારા માટે તકલીફો ઉઠાવે છે. તું સાજી છે કે માંદી, તારો મૂડ છે કે નહી રસોઈ બનાવવાનો તેની મેં ક્યારેય ચિંતા જ નથી કરી જાન. દિલ થી માફી માંગું છુ તારીહું તો મહીને દિવસે તને ફાઈવસ્ટાર હોટલ માં જમાડી ને બહુ સારો પતિ હોવાનો ગર્વ અનુભવતો પણ આજે ખરેખર આ બધું વિચારીને પોતાની જાતને કેટલી વામણી અનુભવું છુ તે હું જ જાણું છુ.

સવારે ઓફીસ થી ફોન આવ્યો ને અર્જન્ટલી ઓફીસ જવું પડે એમ હતું. રોજીંદો કોઈ દિવસ હોય તો ઉઠીને બ્રશ કરું ત્યાં ચા નાસ્તો તૈયાર જ હોય ને નાહવા જાઉં ત્યાં ટુવાલ ને ગરમપાણી પણ બાથરૂમ માં રેડી જ હોય. નાહી ને બહાર આવું તો દરરોજ મારા પહેરવાના કપડા ઈસ્ત્રી થઈને તૈયાર રાખ્યા હોય તે. હું તૈયાર થઇ નાસ્તો કરી બુટ ની દોરી બાંધતો હોય કે લેપટોપ બેગ, રૂમાલ ને મોબાઈલ આપવા તું હાજર જ હોય. પણ આજે કોઈ જ વસ્તુ મને મળતી નહોતી. મોજા ને રૂમાલ શોધવામાં જ મને તો અડધી કલાક લાગી ગઈ. તું કેમ મેનેજ કરતી હોઈશ બધું?

મારી ઓફીસ માં બધા મને સમય નો પાબંધ કહે છે, પણ હું બધી જ જગ્યા એ સમયસર પહોંચી શકું છુ તો ખાલી ને ખાલી તારે લીધે. તું સમય થી પણ વહેલી ચાલી છે એટલે જ હું સમયસર પહોચી શકું છુ બધી જગ્યા એ.

મારી ઝીણી થી ઝીણી જરૂરિયાત તે તૈયાર રાખી હોય છે, મારા કહેતા પહેલા જ તું સમજી જાય છે કે મારે ક્યારે શું જોઇશે? અને એક હું છુ જેને તારી કોઈજ વસ્તુ ની જાણ નથી હોતી.

રોજ હું ઓફીસ માં હોઉં ત્યારે તું ત્રણ થી ચાર ફોન કરે તો હું અકળાઈ જતો પણ આજે સાચે તારા એક ફોન માટે હું તરસી ગયો હતો.

જેમ તેમ ઓફીસ ના કામ પતાવી એ જ ભેંકાર ને તારા વગર ના સુના ઘરે પહોંચ્યો ત્યારે આપણા દીકરા નું રીઝલ્ટ ટેબલ પર પડેલું જોયું. તે પુરા ક્લાસ માં ફર્સ્ટ આવ્યો હતો, મને તો યાદ પણ નથી કે મેં ક્યારે તેને છેલ્લે પૂછ્યું હતું કે તેના ભણવામાં શું ચાલે છે, આ પણ તારી જ મેહનત છે કે તે પણ ક્લાસ માં ફર્સ્ટ આવે છે. ક્યારેક તેની સ્કૂલબસ ના આવે તો તેને લેવા મુકવા પણ તું જ જાય છે. પેરેન્ટ્સ મીટીંગ હોય કે એન્યુઅલ ફંક્શન બધું જ તું એકલી મેનેજ કરે છે, મને તો કોઈ વસ્તુ ની જાણ જ નથી હોતી અથવા એમ કહું કે મેં કોઈ દિવસ જાણ રાખવાની કોશિશ જ નથી કરી.

હું તો ખાલી તેની ફી ભરીને, તેને પોકેટમની ના પૈસા આપીને અને રાત્રે થોડો સમય તેની સાથે વિતાવીને બહુ સારો પિતા બની ગયો તેવું જ સમજતો હતો. પણ ખરેખર તો એક પિતા તરીકે પણ હું મારી ફરજ ચુક્યો જ છુ ને જાન?

મને તો તે પણ નથી ખબર કે તેના રસ નો વિષય શું કે તેને આગળ શું બનવામાં રસ છે...

હજી રીઝલ્ટ મુકું ત્યાં જ એક ફાઈલ પર નજર પડી, મમ્મી ની મેડીકલ હિસ્ટ્રી ની ફાઈલ હતી. આજે કેટલા સમયે તે ફાઈલ પણ જોઈ હશે મેં. ફક્ત ડોકટરો નો ને દવાઓ ના પૈસા આપી દેતો હું એ તો ક્યારેય જોતો જ નહોતો કે મારી મમ્મી ની રાત દિવસ સેવા તો તું જ કરતી હતી. દવાઓ પ્રમાણે તેની પરેજી પડાવવાની, રોજ ટાઇમસર દવાઓ આપવાની અને રેગ્યુલર ડોક્ટર પાસે લઇ જવાની જવાબદારી તો તે જ નિભાવી હતી હંમેશા.

જાન, આજે ખરેખર અફસોસ થાય છે કે મારી નજર સામે જ ચાલતું બધું હું કંઈ જોઈ જ ના શક્યો. આજે હું સ્વીકારું છુ કે અમે પુરુષો ની જાત બહુ સ્વાર્થી હોય છે, પોતાની અટક આપીને આજીવન પત્ની પર બધી જ જવાબદારીઓ નાંખી દઈએ છીએ. વારે તહેવારે કોઈ ગીફ્ટ, સોના ના ઘરેણાં, નાની મોટી વિકેન્ડ ટ્રીપ આપીને કે બેડ પર થોડો પ્રેમ જતાવીને તો એમ સમજતા હોઈએ કે મારા જેવો પતિ દુનિયા માં થાય જ નહી. પણ એ ક્યારેય નથી સ્વીકારતા કે પત્ની ના હોય તો આ કંઈ શક્ય જ નથી.

મારી પાસે અત્યારે શબ્દો ખૂટે છે તને કહેવા માટે, અત્યાર સુધી હું સાંભળતો હતો કે લાગણીઓ આંસુઓ થી લખાઈ છે પણ આજે અનુભવું છુ,

તારી યાદો આજે જીદ પર આવી છે,

વર્ષો પછી મારા શબ્દો માં ભીનાશ લાવી છે.

જાન તું મારી ચાહત હોય તો ભૂલી શકાય,

આદત હોય તો બદલી શકાય,

લત હોય તો મૂકી શકાય,

પણ તું…

તું તો મારા શ્વાસ છે, તું જ કહે તારા વગર કેમ જીવી શકાય?

ત્રણ દિવસ થી તું હોસ્પિટલ માં છે, બસ હવે બહુ થયું. જલ્દી થી આવીને મારી અંધકારભરી ઝીંદગી માં અજવાળું કરી જા. હું આજે પહેલી વાર કબુલ કરું છુ કે હું તારા વગર નહી જીવી શકું. આઈ લવ યુ જાન. આઈ લવ યુ સો મચ.

અત્યારે ખરેખર તું હોત તો મારા પ્રેમ થી નખશીખ ભીંજવી હોત તને પણ નથી તો તારી યાદો ની સ્યાહી થી આ કાગળ મારા આંસુઓ થી ભીંજવું છુ હું.

હું બહુ સારો પતિ, પિતા કે પુત્ર પુરવાર નથી થયો પણ હવે પૂરી કોશિશ કરીશ તારે લાયક બનવાની, હું તને પામીને કેટલો ધન્ય છુ તે એહસાસ મને આજે થયો છે, હું મારી તમામ ભૂલો સુધારવા માંગું છુ, પ્લીઝ મને એક તક આપ.

મારી બધી જ ભૂલો કબુલી ને અને સુધારવાની તૈયારી સાથે તને આજે હું કંઇક પૂછવા માંગું છુ, આવતા મહીને વેલેન્ટાઇન ડે છે, ત્યાં સુધી માં તો તું પણ પૂરી સાજી થઇ ગઈ હોઈશ.

શું તને મારી સાથે મારી વેલેન્ટાઇન બનીને પેરીસ આવી ને મારી અંદર જ વસતા એક નવા માણસ ને ઓળખવું ગમશે?

વિલ યુ બી માય વેલેન્ટાઈન??

-તને અનહદ પ્રેમ કરતો તારો નાસમજ પતિ.

***

Darshita Jani