Ek Muththi Tadko in Gujarati Short Stories by Ashok Jani books and stories PDF | એક મુઠ્ઠી તડકો

Featured Books
  • DARK ROOM - 3

    વ ળ ત ર નો શા પમારા ગળામાંથી અવાજ બહાર પણ ન નીકળી શક્યો. લાશ...

  • બિલ્લી બંગલો - ભાગ 5

    આગળના ભાગમાં આપણે જોયું મોટી છોકરી છોકરાને ઘરે મોકલી દે છે અ...

  • બે બ્રાહ્મણ ની વાત

    બે બ્રાહ્મણ ની વાત તાલાલા ના બાજુના ગામ ની આ વાત છે. વાત છે...

  • જ્યાં-જેક રૂસો

    જ્યાં-જેક રૂસો (1712–1778), યુરોપના પ્રબુદ્ધ યુગના અગ્રણી તત...

  • વસવસો

    ઓફિસે થી થાકેલો પતિ પોતાના ઘરની બહાર ઉભો રહીને ડોરબેલ વગાડે...

Categories
Share

એક મુઠ્ઠી તડકો

એક મુઠ્ઠી તડકો

લેખક : અશોક જાની ‘આનંદ’

E-mail :

અત્યંત અડાબીડ અને ગાઢ જંગલમાં એ લોકોનો વાસ હતો પચીસ પચાસ પરિવારનું એ જૂથ વરસોથી અહીં જ રહેતું હતું જંગલમાં જ પથ્થરોની આડશોએ તેમના રહેઠાણ બનાવ્યાં હતાં, જંગલની વનસ્પતિ અને પ્રાણીઓને મારી તેઓ પોતાના પેટની આગ ઠારતાં. પથ્થરયુગના માનવીથી એમની પરિસ્થિતિ કોઇ રીતે પણ સારી કે સુધરેલી ન હતી, બલ્કે છેલ્લા કેટલાંય વરસોથી તેનાથી પણ બદતર થઇ ગઇ હતી. વરસોથી તે જંગલ પર ઘટાટોપ વાદળાં છવાયેલા રહ્યાં હતાં સફેદ રૂના પેલ જેવાં અને કોરાં ચોમાસામાં ગાઢ અને કાળાં. આ જંગલ પર એમનો પૂરાણો પ્રેમ પ્રસ્થાપિત કરતાં હોય એમ વરસોથી આમ છવાયેલા હતાં. આના કારણે આ જંગલવાસીઓએ વરસોથી સૂર્ય કે સૂર્યનો તડકો જોયો ન હતો. એ જૂથના કેટલાંક વૃધ્ધોએ સાવ બાળપણમાં તડકો જોયો હશે એ પોતાના પોતરાં-પોતરીને તેના વિષે વાર્તા કહેતાં. કોઇ જમાનામાં અહીં સૂર્ય દેખાતો કે તડકો વર્તાતો ત્યારે પણ તે વૃક્ષોમાંથી ચળાઇને આવતો જોવા મળતો. ઊંચા ઊંચા વૃક્ષોના પાંદડાઓમાંથી ત્યારે અલપ ઝલપ સૂર્ય દેખાઇ જતો. પણ હવે તો દિવસ દરમ્યાન ગાઢ વાદળોમાંથી ગળાઇની અને વૃક્ષોમાંથી ચળાઇને આવતું ઝાંખુ અજવાળું જ તેમના માટે સર્વસ્વ હતું. ઉજાશમાં જ કરવા પડે એવાં કેટલાંક કામ તેઓ આ સમય દરમ્યાન નિપટાવી લેતાં.

શિયાળામાં તો તેમની હાલત એનાથી પણ કફોડી થતી ઝાંખા ઉજાશનો સમય ટુંકાઇ જતો વળી ઠંડીમાં ધ્રુજતાં આ લોકોની તડકાની હુંફ પેઢીઓથી છિનવાઇ ગઇ હતી. સુકાં લાકડાના તાપણાં અને વૃક્ષોના મોટાં પાનના ઓઢણ જ એમનો સહારો થઇ પડતાં. કેટલાંય વરસોની એમની આ દુર્દશા જોઇ તેમના એક વૃધ્ધની ધીરજ ખૂટી ગઇ. બાળકોને સૂરજ અને તડકાની વાતો કરતાં આ વડીલે તેમની કિશોરાવસ્થામાં તડકો અને સૂરજ બન્ને જોયેલાં. ઠંડીથી કાંપતા એક બાળકને અઠ્ઠ્યાસી વરસના આ વૃધ્ધે ખભે બેસાડી દીધો અને કહ્યું: “ ચાલ દીકરા..! આપણે તડકાને શોધી લાવીએ. આપણે સૂરજને ખોળી લાવીએ...!!” પેલું અબૂધ બાળક કંઇ સમજે તે પહેલાં તેમણે એક દિશામાં ડગુમગુ પગલે ચાલવા માંડ્યું

તેની સાથે રમતાં બીજાં બાળકો અને કિશોરો પણ થોડી આતુરતા, થોડી ઇંતજારી અને ઘણાં બધા ઉત્સાહ સાથે જોડાયાં. પેલા વૃધ્ધને પણ ખબર ન હતી કે કઇ દિશામાં આગળ વધવું પણ તેણે બસ એક દિશા પકડી આગળ વધવા માંડ્યું. કોઇ મોટેરાં સામે મળ્યાં અને પૂછ્યું તો વૃધ્ધને બદલે બધાંએ સામુહિક જવાબ વાળ્યો “તડકો શોધવા જઇએ છીએ.” પહેલાં તો તેમણે હસી કાઢ્યું પણ તેમની ચાલની મક્કમતા પારખી જતાં પેલા વૃધ્ધને વાર્યો, “અદા ક્યાં લઇ જાવ છો બધાંને !! એમ કંઇ તડકા મળતા હશે...!!?”

વૃધ્ધે જવાબ વાળ્યો, “મેં જોયો છે તડકાને...” એક કિશોરને બતાવતાં ઉમેર્યું “આ આવડો હતો ત્યારે હવે તો નહીં જ ચાલે તડકા વિના. તમે ય ચાલો તમને ય તડકો જોવા મળશે. તડકાની હુંફ શેકવા મળશે..” વૃધ્ધના અવાજમાં નર્યી મક્કમતા નિતરતી જોઇ કેટલાંક મોટેરાં તેમાં જોડાઇ ગયાં બીજા હસીને ઉભા તમાશો જોતાં હોય એમ ઊભાં રહી ગયાં. એકાદ મોટાએ વૃધ્ધના ખભેથી બાળક લઇ લીધું એકાદ કિશોરના ખભે હાથ ટેકવી ચાલતો એ વૃધ્ધ સહુથી આગળ અને પાછળ આખું ય ઝુંડ બસ બધાં ય ચાલતાં રહ્યાં ગીચોગીચ વૃક્ષોની વચ્ચેથી નીકળતી પગદંડીઓ પર, ક્યાંક ખડકાળ જમીન અને ચટ્ટાનો વચ્ચેથી. રાત પડી તો એક આશ્રય શોધી સહુએ વિસામો કર્યો. સવાર પડતાં જ તેમની મજલ શરૂ થઇ.

એ જ રીતે એ જ ઝડપે.

બીજો દિવસ પૂરો થવામાં હતો, વૃક્ષોની ગીચતા બપોર પછી ઓછી થવા માંડી હતી. સૌથી આગળ ચાલતાં વૃધ્ધે હાથનું નેજવું કરી દૂર મીટ માંડી. ખાસ્સે દૂર એક પહાડ જેવી ઊંચી ટેકરીનું શિખર સોના જેવું ચળકી રહ્યું હતું. વૃધ્ધની અનુભવી આંખે વરતી લીધું કે એ તડકો જ લાગે છે, એ તડકો જ હતો. એના સાથીદારોને એ વાત જણાવ્યા સિવાય તેણે આગળ વધવાનું ચાલુ રાખ્યું. તનથી થાકેલાં એ બધાંના મનમાં જુસ્સો હજુ અકબંધ હતો. પેલી ટેકરી નજીક આવી રહી હતી શિખર પરનું ચળકતું સોનુ ઢળીને નીચે તળેટી તરફ ફેલાઇ રહ્યું હતું. ટેકરી પાછળનું આકાશ ધીમે ધીમે વાદળો છટતાં ઉઘડી રહ્યું હતું. એ વૃધ્ધ સિવાય આખા ઝુંડમાંથી કોઇએ પણ આવું ભૂરું આકાશ જોયું ન હતું. પેલી ટેકરી તરફ હાથ કરતાં વ્રુધ્ધે જાણે હાક મારી, “જુઓ.. જુઓ, તડકો...!!” હવે આખી ટેકરી તડકાથી નિતરતી હતી. આંખમાં અચંબો આંજી સહુ અબાલ વૃધ્ધ તડકાથી ચળકતી ટેકરી જોઇ રહ્યાં. એ ઓછું હોય એમ એક બીજું કૌતુક સર્જાયું, ટેકરી પાછળના નિરભ્ર આકાશમાં એક વિશાળ ઇન્દ્રધનુ ફુટી નીકળ્યું. આવું સુભગ દ્રશ્ય તો એ વૃધ્ધે પણ આખા જન્મારામાં જોયું ન હતું. બધાંના આનંદની અવધિ ન રહી. થાક ભૂલી સહુ નાચી ઊઠ્યાં. વૃધ્ધને થયું કે આ ઉંમરે તેણે કરેલી મહેનતનો શિરપાવ ઈશ્વરે એક ક્ષણમાં જ આપી દીધો.

આનંદથી એ અધમુઓ થઇ ગયો હોય એમ જમીન પર આળોટી પડ્યો, બીજાંઓએ જ્યારે ધ્યાન આવ્યું ત્યારે તેને ઊભો કર્યો. તડકો હજુ પણ વિસ્તરી રહ્યો હતો. તળેટી પાર કરી તે લોકો તરફ અને બે ચાર ક્ષણોમાં તેમને વળોટી ગયો. બધાં ફરી નાચીને આનંદ પ્રદર્શિત કરી રહ્યાં. ત્યાં સૂર્યાસ્ત થયો અને ધીમે ધીમે ઉજાસ ઓછો થઇ અંધકારમાં પરિણમ્યો.

આખું ઝુંડ ટોળે વળી બેસી ગયું, સહુ પહેલાં બધાંએ વૃધ્ધનો આભાર મારી તેને પ્રણામ કર્યા; ત્યાર બાદ હવે શું કરવું એની ચર્ચા થઇ અને નક્કી થયું કે તેમનામાંથી બે ત્રણ મોટાં પાછા તેમની વસ્તીમાં જાય અને વસ્તીમાં રહેલાં સહુને અહીં લઇ આવે. બાળકો સહિત બાકીના અહીં જ રહે અહીં રહેવા માટેની વ્યવસ્થા ચકાસી તેની વ્યવસ્થા કરે.

ચાર પાંચ દિવસ બાદ ઘણા લોકોએ પહેલી વાર સૂરજ જોયો અને.....

*****************