Pehli Navaratri in Gujarati Short Stories by Ninad books and stories PDF | પહેલી નવરાત્રિ

The Author
Featured Books
Categories
Share

પહેલી નવરાત્રિ

એક રાત સપનામાં વહી ગઇ...એક વાત દિલમાં જ રહી ગઇ...

ક્યારેક વસતું હતું કોઈ નજરમાં... ઉંમર વીતી ગઈ અને એ તસવીર દિલમાં કેદ થઈ ગઈ...

નવલી નવરાત્રિની પહેલી રાત આવી. જે રાતની છેલ્લા છ-છ મહિનાથી નિરજ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો એ રાત આવી પહોંચી. આમ તો નિરજ ક્યારેય નવરાત્રિની આટલી આતુરતાથી રાહ ન જોતો. એને તો ગરબા રમવાનો કે ઢોલના તાલે નાચવાનો કોઈ શોખ જ ન હતો. એ તો નવરાત્રિનાં દિવસોમાં રાત્રે લગભગ કોઈક શાંત જગ્યા એ બેસવા જતો રહેતો. પણ આ વખતે તો નવરાત્રિની વાત જ અલગ હતી. અત્યાર સુધી એને કોઈ સાથે પ્રેમ પણ થયેલો નહીં, પણ આ વખતે તો કિંજલ સાથેની એની પહલી નવરાત્રિ હતી. અને આ વખતે તો નિરજ કિંજલ સાથે ઢોલના તાલે ગરબે ઘુમવા સવારથી જ થનગની રહ્યો હતો અને સાંજ પાડવાની રાહ જોઈ રહ્યો હતો. સાંજનાં ૬ તો ક્યારનાં વાગી ચૂક્યા હતા પણ રાત ઢળતી ન હતી. "નવરાત્રિની આ રાત અને કિંજલ બેઉ એક સરખા જ છે.", નિરજ મનમાં જ વિચારી રહ્યો, "બંનેને રાહ જોવડાવવી જ ગમે છે. એમાં પણ જ્યારે તમને એમનો ખાસ ઇંતેજાર હોય ત્યારે તો કિંજલ મેડમ ખાસ મોડા મોડા જ આવે. જે દિવસે કોઈ ઓફિસ આવે એ પહેલા એની સાથે વાત કરવા માટે એક કલાક વહેલો ઓફિસે પહોંચી જાવ તે દિવસે અગાઉથી નક્કી કરેલું હોવા છતાં પણ તે એક કલાક મોડી જ આવે. ખબર નહીં મને રાહ જોવડાવવામાં એને શું મજા આવતી હશે? 'કેવી રીતે વિતે છે વખત શું ખબર તને, તે તો કદીયે કોઈ ની પ્રતિક્ષા નથી કરી.... એ શું કે રોજ તું જ કરે મારૂ પારખું, મે તો કદીયે તારી પરીક્ષા નથી કરી." આમ વિચારતો હતો ત્યાં જ જમવાનો સાદ પડ્યો. ફટફટ જમવાનું પતાવીને એ તૈયાર થઈ ગયો. મોરપીચ્છ કલરનાં કેડિયા અને ચોરણી પહેરીને તે એકદમ ગામડાનાં યુવાન જેવો જ લાગતો હતો. તૈયાર થઈ નવરાત્રિ નો પાસ લીધો અને બાઇકની ચાવી લઈ ને બહાર નીકળ્યો ત્યાં જ ફોન ની રિંગ વાગી. કિંજલનો જ ફોન હતો. જેવો ફોન ઉપડયો ત્યાં જ સામેથી કિંજલ બોલવા લાગી, "શું કરે છે યાર? તૈયાર થયો ક નહીં? આજે લેટ ન કરતો મને સમયસર નવરાત્રિ રમવા પહોંચવું છે. કેમ કઈ બોલતો નથી? જલ્દી કર ને..." નિરજ: "અરે પણ તું કઈ બોલવા દે તો બોલું ને. જો હું તો તૈયાર જ છુ બસ તું લેટ ન કરતી આજે. ચલ હું આવું છુ તૈયાર રહેજે."

થોડી ક્ષણો પછી નિરજ પહોંચ્યો કિંજલનાં ઘર પાસે. અને કિંજલને જોતાં જ એની સુંદરતામાં ખોવાઈ ગયો. મરૂણ રંગના કચ્છી ભરત ભરેલા ચણિયા ચોળી પહરેલી એ ગામડાની કોઈ કામણગારી છોરી જ લાગી રહી હતી. ચહેરા પર હતું તેજ સ્મિત. અને એને જોઈને નિરજના મનમાં બસ એક જ ગરબો વાગવા માંડ્યો, "હે તને જાતાં જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયું." મન તો થયું કે કિંજલને કહી દે કે ટે કેટલી સુંદર લાગે છે પણ કંઈક અજાણ્યો ડર લાગ્યો અને એ ચૂપ જ રહ્યો. કિંજલને લઈને ગ્રાઉંડ તરફ જવા નીકળ્યો. રસ્તામાં નિરજ વિચારતો હતો કે કિંજલ અને પોતાની વચ્ચે જે થોડું ઘણું પણ અંતર છે એ હવે ન રહે. અને આ બાજુ કિંજલ પણ વિચારતી હતી કે એ નિરજનાં ખભા પર હાથ મૂકીને બેસી શકે પણ શરમાતી હતી. ત્યાં જ નિરજે કહ્યું, "કિંજલ, યાર આ મારો ખભો આજે કંઈક ખાલી-ખાલી લાગે છે." અને બસ કિંજલે પોતાનો હાથ એના ખભા પર મૂકી દીધો. અને નવરાત્રિની એ રાતની અને ગરબા રમવાની કલ્પનામાં રસ્તો ક્યાં કપાઈ ગયો એ ખબર જ ન રહી.

ફ્રેન્ડ્સ પણ ત્યાં આવી ને તે બેઉની જ રાહ જોઈ રહ્યા હતા. આરતી થઈ ચૂકી હતી અને ગરબા રમવાના શરૂ થયા. નિરજ અને કિંજલ પોતાના ફ્રેન્ડ્સનાં ગ્રુપ સાથે ગરબા રમવા લાગ્યા. જેમ જેમ રાત જામતી ગઈ અને ગરબા રમતા ગયા તેમ તેમ બેઉનો તાલ પણ મળતો ગયો અને બેઉ ગરબા રમવામાં એક મેકમાં ખોવાઈ ગયા. કિંજલ એક તો જોરદાર જ લાગતી હતી એમાં પણ દરેક તાલે એની ઘુમરડી ફરતીચુંદડીને જોઈને નિરજને તો જાણે વૃંદવનમાં કોઈ ગોપી સાથે રાસ રમતો હોય એવું જ લાગ્યું. ગરબામાં બ્રેક પડ્યો અને કિંજલ પાણી પીવા ગઈ ત્યારે નિરજને તેની બેસ્ટ ફ્રેન્ડ તૃષા એ કહ્યું, "તું તો ક્યારેય ગરબા રમવા નથી આવતો ને? આજે અચાનક ગરબાનું ભૂત કેમ વળગ્યું તને? કે પછી આ કિંજલ નો જાદુ છે? આમ પણ તમારી બેઉની જોડી એકદમ સરસ જામે છે.". આવું સાંભળીને નિરજ જરા શરમાઇ ગયો. પણ તૃષાએ કહેવાનું ચાલુ રાખ્યું, "તો શું વિચારે છે? તે એને પ્રપોઝ કરી દીધું કે કરવાનો છે? કે એ અમારે જ કરવું પડશે?". નિરજ સહેજ શરમાઇ ને ખચકાઈને બોલ્યો, "હેં? શું પ્રપોઝ? હા... હા કરી દઇશ ને. હજી થોડાં સમય પછી..." તૃષાએ એની વાત વચ્ચેથી જ કાપતા કહ્યું,"શું થોડા સમય પછી? છ મહિનાઓથી તું એની પાછળ પાગલ થયો છે. એની સિવાય બાકી બધાં ને જ ખબર છે કે તું એને પ્રેમ કરે છે તો હવે એને પણ જાણી લેવું જોઈએ. આજે જ કહી દેજે." "અરે યાર અત્યારે ગરબા રમવામાં મજા આવે છે તો એ કરવા દે ને પ્રપોઝ ને એ બધું યાદ કરાવીને ટેન્શન શું કામ આપે છે?", એમ કહી નિરજે તૃષાની વાતો ને અટકાવી દીધી પણ મનમાં વિચારવા લાગ્યો કે તૃષાની વાત તો સાચી છે હવે કિંજલ ને કહી દેવું જોઈએ. પણ કહેવું કેવી રીતે? અને શું કહવું? કહી તો દઉં પણ પછી કિંજલને કદાચ એ ન ગમે અથવા તે ના પડે તો? "કાશ એક પળ મને એવી મળે કે જેમાં હું જેમ ધરું એમ જ થાય. કિંજલને મારા દિલની વાત જાણવું અને એ જિંદગી ભર માટે મારા દિલની રાણી બની જાય.", નિરજ મનોમન વિચારી રહ્યો.

"જિંદગી કે સફર મેં અધૂરી રહતી હૈ ખ્વાહિશે...

સાપને પૂરે હોતે હૈ તો બસ એક લમ્હે કે લિએ...

સાથ માંગા થા હમસફર કા ખુદા સે...

હમસફર મિલા તો બસ એક લમ્હે કે લિએ...

તકદીર સે મિલતી હૈ મહોબ્બત કિસી કો...

હમને મહોબ્બત કા ખ્વાબ ભી દેખા તો એક લમ્હે કે લિએ...

જિસ લમ્હે કી ચાહત મેં જિંદગી લૂંટા દી...

વોહ લમ્હા હમેં મિલા તો બસ એક લમ્હે કે લિએ...

જિસ લમ્હે કી યાદ મેં આજ ભી ખોયા રહતા હૂઁ...

જિસ લમ્હે કી ચાહ મેં ડૂબા ડૂબા રહતા હૂઁ...

ખુદા કરે મિલ જાયે વોહ મુઝે એક લમ્હે કે લિએ...

ઉસ લમ્હે કો મૈ કૈદ કર લૂંગા જિંદગી ભાર કે લિએ..."

ગરબાનો બીજો રાઉન્ડ શરૂ થયો અને સૌ ફરીથી ગરબે ઘુમવામાં મશગુલ બન્યા. ઢોલનાં તાલે અને ગરબાનાં સૂરે રાસની રમઝટ બોલી. નિરજ અને કિંજલ પણ રમી રહ્યા હતા. પણ નિરજ બસ એ જ વિચારતો રહ્યો કે કિંજલને પ્રોપોઝ કરવું તો કેવી રીતે? અને અંતે કંઈક વિચારીને એને એ ફાઇનલ કર્યું. ગરબા પતી ગયા અને સૌ પોતપોતાના ઘરે જવા છૂટા પડ્યા. નિરજ કિંજલને લઈને તેને ઘરે મુકવા જવા નીકળ્યો. અને એણે વાતો શરૂ કરી. વાતો હતી આજની રાતની, કિંજલની ગરબા રમવાની કળાની અને નિરજની પહલી નવરાત્રિની રાતની પણ થોડી વારમાં વાતોની દિશા બદલાવી અને નિરજ હવે કિંજલને કહી રહ્યો હતો કે તે પોતે કિંજલ માટે શું અનુભવે છે, એની આંખોમાં જોયા કરવું એને કેટલું ગમે છે. એને હંમેશા હસતી જોવા માટે એ કઈ પણ કરી શકે એમ છે. બસ એક જ ઇચ્છા છે કે હવે આગળની આખી જિંદગી એને કિંજલ સાથે જીવવી હતી. એક આઇસ્ક્રીમ પાર્લર પાસે એણે બાઇક ઊભી રાખી અને કિંજલને આઇસ્ક્રીમ ખાવા લઈ ગયો. બેઉ સામસામેની ખુરશીઓમાં ગોઠવાયા અને આઇસ્ક્રીમ ઓર્ડર કર્યો. આઇસ્ક્રીમ આવ્યો ત્યાં સુધી એ જ બધી વાતો ચાલી. આઇસ્ક્રીમ આવ્યો એટ્લે બેઉ એ આઇસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું અને વાતો બંધ થઈ ગઈ. ત્યાં જ અચાનક જ નિરજે પોતાનો હાથ કિંજલનાં હાથ પર મૂક્યો અને એની સામે જોયું. કિંજલ પણ શું થઈ રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરતી હોય તેમ નિરજ સામે જોઈ રહી. કદાચ તેને પણ ખ્યાલ હતો જ કે નિરજનાં મનમાં શું ચાલી રહ્યું છે.

નિરજે કિંજલની આંખમાં આંખ પરોવીને વાતની શરૂઆત કરી, "તને પહેલી વાર જોઈ ત્યારે જ હું તારામાં ખોવાઈ ગયો હતો. સોળે કળાએ ખીલી ઉઠેલી સંધ્યાની જેમ એ વરસાદી સાંજે તું મારી સામે આવી ગઇ. થોડી જ ક્ષણ પહેલા જે એક રાખોડિયું પેન્સિલ સ્કેચ હતું તેને તે એક રંગીન તૈલચિત્ર બનાવી નાખ્યું. એક જ ક્ષણમાં તને જોઈ અને ચેહરો આંખોના કૅમેરાથી દિલમાં કંડારાઈ ગયો હતો. એક માસૂમ, શાંત અને નમણો ચહેરો... એવો ચહેરો જેના પર રમતું સ્મિત જોઈને કોઈપણ વ્યક્તિ બે પળ માટે પોતાના બધા જ દુખ ભૂલીને એક વાર તો એની સામે સ્મિત આપવા મજબૂર થઈ જ જાય. અને હું તો એ સ્મિત ની પાછળ પાગલ બની ચૂક્યો છુ. તારી નાની નાની ભૂરા રંગની આંખો, નાના ગુલાબી હોઠ, એ હોઠ પર રેલાતું એ સ્મિત, ગુલાબી ગાલ, અને સ્પષ્ટ પણ કલાકો સુધી સાંભળ્યા કરવાનું મન થાય એવી વાતો. આમ તો એ બધાનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડે, અરે ઓછા શું પડે એનું વર્ણન શબ્દોમાં કરી શકાય એમ જ નથી એવી એક ઢીંગલી જેવી તું. તારી બધી જ નાની નાની વાતો અને હરકતો મને દરેક પળ દરેક ક્ષણ તારી વધારે ને વધારે નજીક લાવે છે. મારે મારી આગળની જિંદગીની દરેક ક્ષણ બસ તારી જ સાથે વિતાવવી છે. તારો એ હસતો ચેહરો, એ નાની ભૂરી આંખો, એ ગુલાબી હોઠ અને એ હોઠ પર રમતું સ્મિત મારે રોજ જોવું છે, અને મારી દરેક સવાર તારા જ હાથની ચા સાથે પડે અને સાંજે ઘરે આવું ત્યારે તારો હસતો ચાહેરો જોવા મળે એવું હું ઇચ્છુ છૂ. કિંજલ,

"મૈંને લિખી હૈ જો વોહ ઘઝલ હો તુમ...

ઇસ્સ જહાં મેં સબ સે ખૂબસુરત હો તુમ...

બિન તેરે મૈ જી ના પાઉંગા...

મેરે લિએ મેરી જિંદગી હો તુમ...

સુબહ કી સુરજ કી પહલી કિરણ હો તુમ...

રાત કી ચાંદની સી હો તુમ...

જાના નહીં કભી છોડ કે મુઝે...

મેરી જિંદગી કી ઇક્લૌતી ખુશી હો તુમ...

આસમાન મેં ઊડતી આઝાદ તિતલી હો તુમ...

પાની મેં તૈરતી માછલી સી હો તુમ...

પ્યાર કા મતલબ અગર જાનતા હૂઁ મૈ...

તો ઉસકી ઇક્લૌતી વજહ હો તુમ...

દૂર ના જાના તું મુઝસે કભી...

ના છોડના કભી મુઝે તનહા...

બિન તેરે મૈ જી ના પાઉંગા એક પલ ભી...

મેરી હાર સાંસ હાર ધડકન મેં રહતી હો તુમ..."

શું તું આખી જિંદગી મારી સાથે મારી પત્ની બનીને રહીશ? વિલ યુ મેરી મી કિંજલ?" આટલું બોલીને કિંજલનાં જવાબની પ્રતિક્ષામાં નિરજ તેની આંખોમાં તાકી રહ્યો અને એની આંખોમાં આવતા અકળ ભાવોને કળવા મથી રહ્યો.

કિંજલ હજી શું થઈ ગયું અને નિરજ શું બોલી ગયો એ જાણે સમજી જ નાં હોય એમ સાવ મૂક થઈ ને બેઠી હતી અને નિરજ એની આંખોમાં તાકી રહ્યો હતો ત્યાં જ અચાનક નિરજનાં ફોનની રિંગ વાગી. નિરજે ફોન રિસીવ કર્યો, સામે છેડેથી કિંજલનો અવાજ આવ્યો, "નિરજ, આઇ એમ રિઅલિ સોરી પણ હું તારી સાથે આજે ગરબામાં નહીં આવી શકું. રોહન સાથે મારી એંગેજમેંટ ફિક્સ થઈ ગઈ છે આજે. હી લોવેસ મી અ લોટ એંડ મને પણ એ ગમતો હતો. અને આજે એંગેજમેંટ ફિક્સ થઈ છે તો હું આજે તેની જ સાથે ગરબામાં જવાની છું. તો તું ખોટું નાં લગાડતો પ્લીઝ પણ હું આજે તારી સાથે નહીં આવી શકું."

"ઇટ્સ ઓકે કિંજલ. એન્જોય. એંડ યસ, કોંગ્રૈચ્યુલેશન્સ કિંજલ. બાઇ, હેવ સમ ગ્રેટ ટાઈમ." બસ આનાથી વધારે નિરજ કશું જ બોલી ન શક્યો અને કપડાં બદલી અને એ જ પોતાની જૂની જગ્યા બોરતળાવ પાસે બેસવા જતો રહ્યો અને મનમાં જ વિચારી રહ્યો...

"સૂરજ ગયા, રોશની ગઇ, બસ રાત રહ ગઇ...

તુમ ગયે, તુમ્હારી યાદે ગઇ, બસ તનહાઈ રહ ગઇ..

બહોત કુછ કહના થા, બહોત કુછ સૂનના થા, બસ ખામોશી રહ ગઇ...

અશ્ક બહ નીકલે આંખો સે ઔર દિલ કી બાત દિલ મેં હી રહ ગઇ...."