Nava Padoshi - 2 books and stories free download online pdf in Gujarati

નવા પાડોશી - 2

(ગતાંકથી ચાલુ.....

રૂપેશના ગાયનના શોખથી અમારી હાલત ખરાબ થઇ ગઈ, અમો હવે માત્ર ભગવાનના ભરોસે હતા અને એ દયાળુને અમારી દયા આવી હોય એમ મારો મિત્ર મહેશ મને મળવા આવ્યો, અમારો સ્વભાવ સારી રીતે જાણતો મારો મિત્ર અમારા પતિપત્નીના ચડેલા મુખ જોઈને પૂછી બેઠો ‘બેઉ વચ્ચે ઝઘડો થયો છે કે શું ?’

‘ના, ના, યાર એવું કશું નથી’ મેં કહ્યું, પછી મેં તેને મારી મુસીબત વિસ્તારપૂર્વક જણાવી અને આ મુસીબતનું મારણ આપવા વિનંતી કરી, ‘સારું, હું કંઇક વિચારું છું’ મારા મિત્રે મને આશ્વાસન આપ્યું.

બીજે જ દિવસે તે મને ઓફીસે મળવા આવ્યો ‘જો ભાઈ તારી મુસીબતનો એક ઈલાજ મળી ગયો છે પણ એ ઈલાજ સોએ સો ટકા કામ કરશે કે નહિ એ ખાત્રીપૂર્વક કહી શકતો નથી’. આકરા ઉનાળામાં અકળાઈ ઉઠેલો માણસ વરસાદી ટાણું થતા જેમ ઝૂમી ઉઠે તે જ રીતે હું પણ ખુશ થઇ ગયો. .

‘બોલ, જલ્દી બોલ મારે શું કરવાનું છે ?’ મેં ઉતાવળે તેને પૂછ્યું.

‘તારે કશું કરવાનું નથી, માત્ર પેલા તારા પાડોશીને હોટલમાં લઇ આવવાનો છે’.

‘હોટલમાં ?’ હું કઈ સમજ્યો નહિ.

‘જો મેં એક યોજના બનાવી છે, તેમાં થોડો ખર્ચો થશે‘ મહેશે વાતની શરૂઆત કરી ‘તારે તારા પેલા પાડોશીને એટલું જ કહેવાનું છે કે હોટલમાં સંગીતના મહાજ્ઞાની પધાર્યા છે અને તારે રૂપેશને એમની મુલાકાત માટે હોટલમાં લઇ આવવાનો છે બસ, પછી તારું કામ પૂરું.

‘પણ મારે પેલાને કઈ હોટલમાં લઇ આવવો ? અને ત્યાં શું.....’ ‘એ બધી ચિંતા તુ રહેવા દે’ મને અધવચ્ચે જ બોલતો અટકાવીને મહેશે કહ્યું ‘તારે માત્ર પેલા સાથે વાત કરી, એ ક્યારે મળવા આવે છે તે પ્રમાણે સારી હોટલમાં એક રૂમ બુક કરી દેવાનો છે અને ચાર પાંચ કલાક અગાઉ મને જાણ કરી દેવાની.

હું મૂંઝવણમાં પડી ગયો, મહેશની યોજના પર મને શંકા થઇ આવી પણ મરતો શું ન કરતો એ ન્યાયે મેં સાંજે જ રૂપેશને મળવાનું નક્કી કર્યું.

સાંજે હું રૂપેશના ઘરે ગયો, મને આમ અચાનક આવેલો જોઈને રૂપેશને આશ્ચર્ય થયું છતાં તેણે વિવેક કર્યો ‘આવો ને, કેમ છો..?’.

‘આવો, આવો, બેસોને હું આપનાં માટે ચા બનાવું છું’ દક્ષાબેને થોડો ઉત્સાહ બતાવ્યો.

‘ના દક્ષાબેન, ચા તો મેં હમણા જ પીધી, આ તો જરા રૂપેશભાઈને એક વાત કહેવી હતી તેથી આવ્યો છું’ મેં કહ્યું.

‘બોલોને શું વાત છે ?’ રૂપેશ હજુ મૂંઝવણમાં હતો.

‘વાત એમ છે કે મારો એક મિત્ર આજે મળ્યો, તેને પણ તમારી જેમ સંગીતમાં ઊંડો રસ છે, તેણે મને આંધ્રપ્રદેશના સંગીતના એક બહુ મોટા જ્ઞાનીની વાત કરી, દેશ-વિદેશમાં તેમના ઘણા શિષ્યો છે, જેઓ આપણા શહેરમાં પધાર્યા છે અને કાલે સાંજે તો પાછા જતા રહેવાના છે, મારો મિત્ર કહેતો હતો કે તેઓ સમગ્ર દેશમાં ભ્રમણ કરીને સારા કલાકારોની શોધ કરે છે, સંગીતસેવકોને પ્રેમથી આવકારે છે અને યોગ્ય વ્યક્તિને મોટી તકો પણ આપે છે, મારો મિત્ર તો તેમના વખાણ કરતા થાકતો જ નથી, સંગીતની વાત નીકળતા મેં મારા મિત્રને તમારી વાત કહી કે અમારે રૂપેશભાઈ પણ સંગીતમાં ખૂબજ રસ ધરાવે છે’.

હું બીજી કોઈ બાબતે રૂપેશને મળ્યો હોત તો તે ચોક્કસ મારા પર અવિશ્વાસ કરત પણ સંગીતનું અને ખાસ તો પહેલા સંગીતના મહાજ્ઞાનીની વાત સાંભળતા જ રૂપેશની આંખોમાં ચમક આવી.

‘તું ફટાફટ સરસ ચા બનાવ’ રૂપેશે દક્ષાને આદેશ આપ્યો, પછી મને વિનંતી જેવા સ્વરમાં કહ્યું ‘એ ગુરુજી સાથે મારી મુલાકાત કરાવી આપો પ્લીઝ’.

‘હા, હા, ચોક્કસ, એ માટે તો અહી આવ્યો છું, હું હમણાં જ મારા મિત્રને ફોન કરીને આપણી મુલાકાતનો સમય મેળવી લવ છું’ હું મનોમન હરખાયો.

મેં ત્યાંથી જ મહેશને ફોન કર્યો, રૂપેશની સામે જ વાત કરી અને કાલે બપોર પછીનો સમય નક્કી કર્યો.

રૂપેશના ચહેરા પરથી લાગતું હતું કે ખૂબજ ખુશ થયો હતો, તેણે મને ધરાર ચા સાથે નાસ્તો પણ કરાવ્યો. વિજયસ્મિત સાથે હું તેના ઘરની બહાર નીકળ્યો. હવે એકજ કામ બાકી હતું, હું હોટલ તરફ ચાલી નીકળ્યો...

આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો, મુલાકાત તો બપોર પછીની હતી છતાં રૂપેશ તે પહેલા એક બે વાર મારા ઘરે આવીને મને તૈયાર રહેવાનું સૂચન કરી ગયો. હું મનોમન ખુશ થતો રહ્યો. તે અતિ ઉત્સાહમાં હતો, જાણે કોઈના લગ્નમાં જવાનું હોય તેવી ચીવટથી તે તૈયાર થયો હતો, મારે ભાગે બહુ તૈયાર થવાનું ન હતું. અમે ત્રણેય ઘરની બહાર નીકળ્યા, હું, રૂપેશ અને તેનું હાર્મોનિયમ. ઘર પાસેથી જ રીક્ષા કરીને અમે હોટલ તરફ પ્રયાણ કર્યું, રસ્તામાં રૂપેશે ઉત્સાહપૂર્વક સંગીત, સૂરો, રાગ વગેરેની વાતો કર્યે રાખી, મારી પાસે હા હા કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. જો કે ચાલુ રીક્ષામાંથી કૂદી પડવાની કે પેલાને ધક્કો મારી દેવાની મારામાં હિંમત ન હતી નહીતર મેં ચોક્કસ તેમ કર્યું હોત. આખરે અમે હોટલ પહોચ્યા, મહેશ હોટેલના દરવાજા પાસે જ અમારી રાહ જોઈને ઉભો હતો, મેં એ બંનેની મુલાકાત કરાવી ‘આ રૂપેશભાઈ છે, મેં જેમની તને વાત કરી હતી એ, અને આ મારો મિત્ર છે મહેશ, ગુરુજી સાથેની મુલાકાત મહેશે જ ગોઠવી આપી છે’.

‘ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ’ રૂપેશ મહેશ સાથે હસ્તધૂન કરતા બોલ્યો.

‘કેમ છો રૂપેશભાઈ, ચાલો ઝડપ કરો, ગુરુજી ખૂબજ વ્યસ્ત છે, મુશ્કેલીથી પંદર વીસ મિનિટ મુલાકાત માટે આપી છે’ રૂપેશ ઉતાવળ કરતા બોલ્યો.

હું, રૂપેશ અને મહેશ ત્રણેય હોટલમાં દાખલ થયા, હવે મારા દિલમાં ગભરામણ થવા લાગી, જો આમાં કોઈ લોચો થાશે તો આપણી હાલત ઢીલી થઇ જાશે ! આવી આશંકાઓ વચ્ચે અમે હોટલના બીજા માળે એક રૂમ પાસે પહોચ્યા, મહેશે ઈશારો કરીને અમને ઉભા રહેવાનું કહ્યું, પ્રથમ તે એકલો રૂમમાં ગયો, થોડી વારે બહાર આવીને અમને કહ્યું ‘આવો’. મહેશ સાથે હું અને રૂપેશ રૂમમાં પ્રવેશ્યા, ઓરડામાં મોહક ધૂપસળીની સુગંધ આવતી હતી, બલ્બમાથી આછો પીળો પ્રકાશ રેલાતો હતો, ઓરડાના ખૂણામાં રહેલા બેડના કિનારે ‘ગુરુજી’ બેઠા હતા. ખંભા સુધી લાંબા વાળ, મોટા કપાળમાં ચંદનનું તિલક, મોટી આંખો, ભરાવદાર શરીર, હાથોની આંગળીઓમાં જુદા જુદા નંગની વીંટીઓ, હોઠો પર રમતું સ્મિત, ગુરજીએ રેશમી કાપડનો ઝબ્બો, સોનેરી કિનારીવાળું લુંગી જેવું પહેરણ પહેર્યું હતું. ગુરુજીની બેઠકના બન્ને છેડા પાસે એક એક શિષ્ય ઉભા હતા, તેમની પાસે એક હાર્મોનિયમ પડ્યું હતું. ખરેખર તે કોઈ દૈવીપુરુષ લાગતા હતા, મહેશે વાતાવરણ એટલું સરસ જમાવ્યું હતું કે ઘડીભર તો હું પણ ભૂલી ગયો કે આ બધું નાટક છે.

રૂપેશે પોતાનું હાર્મોનિયમ બાજુમાં મૂકીને ગુરુજીના ચરણસ્પર્શ કર્યા, ગુરુજી તેના મસ્તક પર પ્રેમથી હાથ મૂકીને બોલ્યા ‘ખુશ રહો, હમને સુના હૈ આપકો સંગીત મેં રુચિ હૈ ?’

‘અભી શીખ રહા હું, આપકી કૃપા હોગી તો મેં અપને આપકો ખુશકિસ્મત સમજુંગા’ રૂપેશે પણ હિન્દીમાં ઠોક્યું.

ગુરુજીના ચહેરા પર સંતોષનો ભાવ આવ્યો. ‘બહોત ખૂબ, હમ આપકી આવાજ સુનને કે લીએ બેતાબ હૈ’

ગુરુજીના શિષ્યોએ ગુરુજી સામે નીચે ફરસ પર એક ચાદર પાથરીને રૂપેશ માટે બેસવાની વ્યવસ્થા કરી, રૂપેશે તેના પર પોતાના હાર્મોનિયમ સાથે બેઠક લીધી. શરૂઆત કરતા પહેલા ફરી એક વાર રૂપેશે બે હાથ જોડીને ગુરુજીને પ્રણામ કરી તેની આજ્ઞા માંગી, ગુરુજીએ હકારમાં માથું હલાવીને આજ્ઞા આપી. અને રૂપેશે પોતાની બંને આંખો બંધ કરી શરૂઆત કરી.....

પણ રૂપેશના બે જ મિનિટના ગાયન બાદ ઓરડામાં એક વિચિત્ર અવાજ થયો, રૂપેશ ગાતા ગાતા અટકી ગયો, ગુરુજી વિચિત્ર પ્રકારનો અવાજ કરીને માથું ધૂણાવતા પોતાની બેઠક પરથી ઉભા થઇ ગયા, તેની આંખો વધારે મોટી થઇ ગઈ અને તેમાં ક્રોધ સ્પષ્ટ દેખાતો હતો, ગુરુજી જોશથી શ્વાસ લેતા હતા, તેના રોમે રોમમાં જાણે આગ ભભૂકી ઉઠી હતી, ગુરુજી રૂપેશ સામે આંગળી ચીંધીને મોટેથી બરાડી ઉઠયા ‘ચુપ કર, ચુપ કર કમબખ્ત, તું ઇસે ગાના કહેતા હૈ ? અરે એ તો સંગીતકા ખૂન હૈ ખૂન, મેંને તેરે જેસા બેસૂરા આદમી અપની પૂરી જીંદગી મેં નહિ દેખા’, રૂપેશ ડઘાઈ ગયો, કાપો તો લોહી ન નીકળે એવી તેની હાલત થઇ ગઈ, પણ આટલાથી ગુરુજીને સંતોષ ન હોય એમ તેણે ચાલુ રાખ્યું ‘અબે તું તો સૂરોકા ગલા ઘોંટ રહા હૈ ગલા, તું પાપી હૈ, હલકટ તેરે જેસા આદમી ઇસ ધરતી પર બોઝ હૈ, સુન બે સાલે, અગર આજ કે બાદ તુંને ગાનેકી કોશિશ કી તો મેં તેરા ગલા દબા દૂંગા, ઔર અગર તું એક હી બાપકી ઔલાદ હૈ તો આજ કે બાદ અપના મુંહ કભી મત ખોલના, કમસે કમ ગાને કે લીયે તો હરગીઝ નહિ’. સાવ અણધાર્યો આવો હુમલો થતા રૂપેશ આવેશ અને ડરને કારણે ધ્રુજવા માંડ્યો, તેના શરીરે પરસેવો વળી ગયો. ગુરુજીના આવા શબ્દો અને રૂપેશની હાલત જોયા પછી મને મનમાં ડર બેસી ગયો કે આમાં ક્યાંક ધીંગાણું ન થઇ જાય !. તોય ગુરુજી તો ચાલુ જ હતા ‘સુન નાલાયક, બેસૂરે, જિસ શહેરમેં તેરા જેસા પાપી હો, હલકટ હો, વહા મેં સાંસ ભી નહિ લે શકતા, પછી પોતાના શિષ્યોને ઉદેશી કહ્યું ‘હમારે જાને કા પ્રબંધ કરો, અભી ઇસી વક્ત’ એમ કહેતા ગુરુજી ઓરડાની બહાર નીકળી ગયા, જતા જતા મહેશ સામે જોઈને તેને પણ કહ્યું ‘તું ભી મુઝે અપના મુંહ કભી મત દિખાના’. ગુરુજી પાછળ તેના બેઉ શિષ્યો પણ રૂપેશને જાણે આંખોથી ગાળો દેતા હોય એમ ઓરડાની બહાર નીકળી ગયા. રૂપેશનો ચહેરો લાલ થઇ ગયો હતો, તે હજી ધ્રુજતો હતો, તેના ચહેરા પર વિચિત્ર પ્રકારના ભાવો હતા. તેની આવી હાલત કરવા બદલ મને તેની દયા આવી, મેં હળવેકથી રૂપેશને કહ્યું ’ચાલો રૂપેશભાઈ ઘરે....

બે દિવસ પછી હું મહેશના ઘરે હતો, પેલા ગુરુજી બનેલા મહેશના બનેવીલાલ અને નાટકોના અદાકાર સાથે, અલબત અત્યારે તેના વાળ ટૂંકા હતા અને તેણે સફારી સૂટ પહેર્યો હતો, હું મહેશને પેલા શિષ્યો બનેલા વ્યક્તિઓ અને હાર્મોનિયમનું ભાડું ચૂકવતો હતો છતાં હું ખુશ હતો કારણ કે બે દિવસથી મેં ખૂબજ સરસ ઊંધ ખેંચી હતી, ખૂબજ જ સરસ ......