pappa books and stories free download online pdf in Gujarati

પપ્પા

પપ્પા

( ‘ભરતી અને ઓટ’ વાર્તાસંગ્રહ, વાર્તા નં. 3 ‘પપ્પા’ )

“પપ્પા ક્યારે આવશે ?“ ચાર પાંચ વર્ષનો વિરાટ તેની મમ્મીને ભોળાભાવે પૂછી લેતો. પણ સામેથી કશો જવાબ મળતો નહિ, વિરાટનો આ પ્રશ્ન તેની મમ્મીના ચાંદલા, સિંદૂર વગરના ચહેરામાં કાન વાટે થઈને સીધો હદયમાં ભોંકાતો અને ઝળઝળિયાં રૂપે આંખો વાટે બહાર આવતો. પછી ઘેરો નિસાસો અને થોડા ડૂચકા.

પણ એક દિવસ વિરાટને તેના નાના એ કહ્યું હતું “આજે તારા પપ્પા આવવાના છે” આ સાંભળીને નાનકડો વિરાટ ગેલમાં આવી ગયો હતો. તે દિવસે વિરાટ નાના મોટા સહુને અપાર ખુશીથી કહેતો હતો “આજે મારા પપ્પા આવવાના છે”.

સાંજે આવેલા ચાર પાંચ મહેમાનોમાં વિરાટની નજર તેના પપ્પાને શોધતી હતી, એ નજરમાં ઘણા સમયથી ન જોયેલા પપ્પાને જોઈ લેવાની ઉત્કંઠા, પપ્પાના હાથોથી ઊંચકાઈ જવાની ઉતાવળ, પપ્પાની છાતીએ ચોંટી જવાની તલપ હતી, પણ એ નજરને નિરાશા મળતા વિરાટે તેના નાનાને પૂછ્યું હતું “પપ્પા ક્યાં ?“ નાનાએ એક વ્યક્તિ તરફ અંગુલીનિર્દેશ કર્યો, વિરાટની આંખોએ એ દિશાનો તેજ ગતિએ પીછો કર્યો, વિરાટ થોડી ક્ષણો પેલા વ્યક્તિ તરફ તો થોડી ક્ષણો પોતાના નાના તરફ જોઈ રહ્યો, પછી અચાનક “આ મારા પપ્પા નથી“ કહીને બીજા રૂમમાં દોડી ગયો હતો.

પણ થોડા દિવસ પછી જ વિરાટ તેની મમ્મીની આંગળી પકડીને આ વ્યક્તિના ઘરમાં રહેવા આવી પહોચ્યો હતો. નવું ઘર વિરાટ માટે અજાણ્યું હતું, તેથી વિરાટ આખો દિવસ મમ્મીની આગળ પાછળ ફરતો રહેતો, અને પાછા પોતાના જુના ઘરે જવાની જિદ પકડતો. વિરાટની મમ્મી તેનું મન બીજી દિશામાં વાળવાનો પ્રયત્ન કરતી, પણ વિરાટ જિદ્દી હતો જે હઠ લઈને બેસતો તે મૂકતો નહિ, તેથી મમ્મી ખીજાતી, પરિણામે વિરાટ રડવા લાગતો. વિરાટને તેના નવા પપ્પા સુધીર રમાડવાની કોશિશ કરતો કે તેને બહાર ફરવા લઇ જવાનો પ્રયત્ન કરતો પણ વિરાટ તેનાથી દૂર જ રહેતો. પણ એ નાનકડું મન ચોકલેટ અને રમકડાની લાલચ સામે કયા સુધી ટક્કર લઇ શકે ? વિરાટ પહેલીવાર સુધીર સાથે બહાર ગયો, અને પાછો આવ્યો ત્યારે તેના ચહેરા પર ખુશી અને હાથોમાં રમકડા અને ચોકલેટ હતી. ધીર ધીરે વિરાટને આ નવા પપ્પા સાથે ફાવી ગયું, વિરાટ જે માંગ મૂકતો, તે પૂરી થઇ જતી.વિરાટને હવે નવા ઘરમાં અને નવા પપ્પા સાથે મઝા આવવા લાગી હતી.

સમયનું ચક્ર ફરતું રહ્યું, વિરાટનો એક નાનો ભાઈ આયુષ પણ આ દુનિયામાં આવી પહોચ્યો. વિરાટનો આખો દિવસ આ નાના રમકડાને રમાડવામાં જ પસાર થઇ જતો. ઘરમાં બધાના લાડકોડને કારણે આયુષ પણ તોફાની અને જિદ્દી થતો ગયો. ઘણીવાર વિરાટ અને આયુષ વચ્ચે રમકડા કે અન્ય વસ્તુને લઈને નાની મોટી તકરાર થતી ત્યારે સુધીર હંમેશા વિરાટનો જ પક્ષ લેતો, વિરાટની જિદ્દ ખોટી હોય કે વાંક હોય છતાં સુધીર વિરાટનું પલડું ભારે રાખતો, વિરાટની મમ્મીની મનાઈ હોવા છતાં સુધીર વિરાટની બધી ઇચ્છાઓ પૂર્ણ કરતો.

જોતજોતામાં આયુષ પણ ત્રણ ચાર વર્ષનો થઇ ગયો અને વિરાટ હવે સમજણો થવા માંડ્યો હતો. એક સાંજે આયુષ વિરાટ અને બીજા બાળકો સાથે શેરીમાં રમતો હતો, અચાનક જ આયુષ કશી વાત પર જિદ્દ લઇને ધમપછાડા કરવા લાગ્યો અને મોટેથી રડવા લાગ્યો. તેના મમ્મી અને પપ્પા બંને બહાર દોડી આવ્યા અને આયુષને ખૂબ મનાવ્યો, સમજાવ્યો પણ આયુષ એક નો બે ન થયો. તેથી સુધીર આયુષ પર ગુસ્સે થયો અને ક્રોધાવેશમાં સુધીરે આયુષને બે તમાચા જડી દીધા ”સાવ બગડીને ધૂળ થઇ ગયો છે, સમજતો કેમ નથી ?“. આયુષની મમ્મીએ પણ કહ્યું “સારું કર્યું, બહુ બગડી ગયો છે“. બરોબર ત્યારે જ બાજુમાં રહેતા એક કાકીએ સુધીરને ટકોર કરી “એ બસ ભાઈ હવે, બાળકો તો તોફાન કરે“ “પણ કાકી એના તોફાન તો જુઓ અત્યારથી આટલી જિદ !” સુધીરે આયુષ સામે જોતા કહ્યું. આયુષ હજું રડતો હતો અને વિરાટ તેને મનાવતો હતો. પેલા કાકી થોડું હસીને કહેવા લાગ્યા “એ’ય સાચું, છોકરાઓને જરા ડારો તો રાખવો પડે, અને સગા હોય તે જ મારે કઈ પારકા થોડા મારે“.

બસ પછી તો વાત પતી ગઈ પણ પેલા કાકીનું છેલ્લું વાક્ય “સગા હોય તે જ મારે કઈ પારકા થોડા મારે“ વિરાટના મનોચેતનમાં વંટોળની જેમ ઘૂમરાવા લાગ્યો. વિરાટ હવે પોતાના અને પારકાનો ભેદ સમજવા માંડ્યો હતો. વિરાટ મનોમન વિચારવા લાગ્યો “હું પણ આયુષની જેમ જ તોફાન કરું છું, જિદ્દ કરું છું, છતાં પપ્પા મને કયારેય વઢતા નથી, મને ક્યારેય મારતા નથી...તો શું હું પપ્પા માટે પારકો ? વિરાટના કોમળ હદય અને કાચા મનમાં આ વાત તીક્ષ્ણ ભાલાની માફક ઊંડે સુધી ઉતરી ગઈ. વિરાટના મનમાં પોતાના સંબંધો વિષે અનેક પ્રશ્નો થવા લાગ્યા. આ પ્રશ્નોએ વિરાટના દિલોદિમાગનો કબજો લઇ લીધો. વિરાટ બદલાવા લાગ્યો. તે બધાથી દૂર રહેવા લાગ્યો, ગુમસૂમ રહેવા લાગ્યો, તોફાનો અને જિદ્દ બંધ થયા. જેમ સરોવરના શાંત અને ચોખ્ખા પાણીમાં કોઈ અચાનક પથ્થરનો ઘા કરે અને જે રીતે પાણી ડહોળાઈ જાય ને વલયો સર્જાય, આ વલયો જેમ દૂર થતા જાય તેમ મોટા થતા જાય, એ જ રીતે વિરાટ પોતાના પરિવારથી દૂર થતો ગયો. વિરાટનું આ વર્તન મમ્મીપપ્પાથી અજાણ ન રહ્યું, કારણ પણ પૂછ્યું પણ વિરાટ “કશું નથી” કહીને દૂર ચાલી જતો. મમ્મીપપ્પા વિરાટને ખુશ રાખવા તમામ પ્રયત્ન કરતા પણ પરિણામ શૂન્ય. વિરાટના મનમાં ગાંઠ વળી ગઈ હતી “પપ્પા મને સગો દીકરો ગણતા નથી, જો ગણતા હોત તો મને વઢે, મને મારે. આ ઘટનાની સીધી અસર વિરાટના અભ્યાસ પર પડી, અભ્યાસમાંથી મન ઉડી ગયું, સ્કુલેથી ફરિયાદ આવવા માંડી, ’વિરાટ અભ્યાસમાં ધ્યાન આપતો નથી’ ‘હોમવર્ક કરતો નથી’. વિરાટની મમ્મી તેના અભ્યાસ પાછળ વધારે સમય આપવા લાગી, પણ પરિસ્થિતિમાં બહુ ફર્ક પડ્યો નહિ.

વિરાટની મનરૂપી હોડી આ આવી ચડેલા વાવાઝોડાથી દિશાવિહીન થઈને કોઈ અજાણ્યા વમળ તરફ આગળ વધવા લાગી હતી. અને એક દિવસ સ્કુલેથી ફોન આવ્યો “વિરાટ આજે સ્કૂલમાં ગેરહાજર છે” મમ્મીને ફાળ પડી, વિરાટ તો સમયસર જ સ્કૂલે રવાના થયો હતો. તેણીએ તુરતજ સુધીરને ફોન કરીને જાણ કરી, સુધીર મારતી ગાડીએ સ્કૂલે પહોચ્યો, કલાકોની જહેમત પછી સ્કૂલ પાસેના એક બગીચામાંથી વિરાટ મળી આવ્યો. સુધીર તેને ગાડીમાં બેસાડીને સીધો ઘરે લઇ આવ્યો. “શું થયું છે બેટા, કેમ આવું કર્યું ? તને કોઈ તકલીફ છે ? સ્કૂલે કોઈ હેરાન કરે છે ?” ઘરે પહોચતા જ મમ્મીપપ્પાએ પ્રશ્નોનો મારો ચલાવ્યો. જવાબમાં વિરાટ મૌન જ રહ્યો. વિરાટના આ મૌનથી તેની મમ્મી અકળાઈ ઉઠી, તેણી વિરાટ પર ખૂબ ગુસ્સે થઇ અને વિરાટના આવા વર્તન માટે જવાબ માંગ્યો. વિરાટ અંદરથી બળતો હતો, અને આ બળતરાથી ઉત્પન્ન થતો તાપ તેના મગજ સુધી જઈ પહોચ્યો, અને પોતાના ગુસ્સાના પ્રતિઘાત રૂપે વિરાટે જાહેર કરી દીધું “મારે હવે ભણવું નથી” વિરાટની મમ્મી ઘડીભર દિગ્મૂઢ થઇ ગઈ આ જવાબ સાંભળીને ! બંને માટે આ જવાબ કલ્પનાતીત હતો. “આ શું વાત થઇ બેટા, તારે ભણવાનું છે” સુધીર વ્યગ્રતાથી બોલી ઉઠ્યો. પણ વિરાટ એક નો બે ન થયો, ‘બસ હવે આગળ ભણવું નથી’ વિરાટ રટ લઈને બેસી ગયો. સુધીરને વિરાટનું ભવિષ્ય ડામાડોળ લાગવા માંડ્યું. સુધીર આજ પહેલી વાર વિરાટ ઉપર ગુસ્સે થયો “તારે આગળ ભણવાનું છે અને માત્ર ભણવાનું છે“ સુધીરે વટહુકમ જાહેર કરી દીધો. ગઈકાલ સુધીનો નાનકડો વિરાટ આજે અચાનક મોટો થઇ ગયો “મારી વાતમાં તમે દખલ ન દો“ વિરાટે આજે તમામ મર્યાદા ઓળંગી દીધી. ”વિરાટ” સુધીરના ગળામાંથી ઉગ્ર ચીસ નીકળી ગઈ, અમાપ ગુસ્સામાં સુધીરે વિરાટના ગાલ પર સણસણતો તમાચો જડી દીધો. સુધીરનો ચહેરો ક્રોધાવેશ લાલ થઇ ગયો હતો, સુધીરની આંખોએ આજે તેના કદની હદ વટાવી હતી. સુધીરને આગળ શું કરવું કે શું કહેવું તેની ગતાગમ પડતી ન હતી, એક સાથે સેંકડો વિચારો તેના મગજમાં આવ જા કરતા હતા. તેનું મગજ વિચારશૂન્ય થઇ ગયું હતું. પણ સુધીર આગળ કશું કહે કે કરે તે પહેલા તો વિરાટ સુધીરની બાહોમાં વીંટળાઈ ગયો હતો. વિરાટ પોતાનું મસ્તક જોસથી સુધીરની છાતીમાં દબાવતો હતો, તેના હાથ સુધીરની કમર ફરતે સાંકળની જેમ વીંટળાઈ ગયા હતા. વિરાટ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો, તેના હલક્માંથી માત્ર એક જ અસ્પષ્ટ સ્વર નીકળતો હતો “પપ્પા“ “પપ્પા” તેની આગળ વિરાટ કશું બોલી શકતો ન હતો. સુધીર એટલો આવેશમાં હતો કે તેને થોડી ક્ષણો પછી જ ખ્યાલ આવ્યો કે વિરાટ તેને વળગી પડ્યો છે. સુધીરને વિરાટની આ પ્રતિક્રિયાથી આશ્ચર્ય થયું, સુધીરે પણ વિરાટને પોતાની બાહોમાં સમાવી લીધો. વિરાટ હજી રડતો હતો. સુધીરની આંખો પણ ભીની થઇ ગઈ, સુધીરે પુનર્લગ્ન પહેલા વિરાટની મમ્મીને વચન આપેલું કે વિરાટને સગા દીકરા કરતા પણ વિશેષ રાખીશ, આજ અજાણતા જ એ વચનનો ભંગ થયો હતો. સુધીરે ભીના સ્વરે વિરાટને કહ્યું “મને માફ કરી દે દીકરા, મેં તારા ઉપર હાથ ઉગામ્યો” વિરાટે રડતા રડતા જ કહ્યું “ના ના, પપ્પા મારી ભૂલ થઇ ગઈ, મને માફ કરી દો, હું હવે આવું કયારેય નહિ કરું. વિરાટના અશ્રુઓ સાથે જાણે નફરત, નિરાશા, ઉણપ બધું વહી ગયું હતું. વિરાટના મનમાં ઉઠેલું વાવાઝોડું પસાર થઇ ગયું હતું અને તેની મનરૂપી હોડીને સાચી દિશા મળી ગઈ હતી. વિરાટનું દિલ આજે તૃપ્ત થઇ ગયું હતું...

યાયાવર કલાર

94274 11600