Activa Girl books and stories free download online pdf in Gujarati

એક્ટિવા ગર્લ

એક્ટિવા ગર્લ

અમદાવાદ માં આજકાલ ટ્રાફિક એક મોટી સમસ્યા બની ગઈ છે..એમાં પણ સવારે બધાને ઓફીસ જવાના અને આવવાના સમયે તો આ પરિસ્થિતિ વધુ વિકટ જોવા મળતી.આજે પણ પંચવટી ખાતે આવેલી HDFC બેંક ની શાખા માં કામ કરતો સુધીર પટેલ આજે પણ રોજ ની માફક ઓફીસ થી ઘરે જતી વખતે S. G હાઈવે પર પકવાન સર્કલ જોડે ટ્રાફિક માં ભરાઈ ગયો હતો.

ટ્રાફિક માં રેસ અને બ્રેક ને વારાફરથી યોગ્ય રીતે ઉપયોગ કરીને સુધીર ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો..અચાનક સુધીર ની નજર બાજુમાં ઉભેલી એક્ટિવા પર બેસેલી છોકરી પર પડી..એ છોકરી નો આખો ચહેરો દુપટ્ટાથી બાંધેલો હતો..બંધાયેલા ફેસ પર એ છોકરીની ફક્ત આંખો જ દેખાતી હતી.

આજકાલ દુપટ્ટો બાંધવાની ફેશન બની ગઈ હતી.કોઈ છોકરી આ રીતે ટ્રાફિક માં પોતાની બાજુ માં ઉભી હોય એવું સુધીર જોડે પ્રથમ વખત બન્યું હોય એવું નહોતું,આવું તો ઘણીવાર બનતું હતું કે કોઈ સુંદર છોકરી આ રીતે થોડો સમય એક સિગ્નલ થી બીજા સિગ્નલ સુધી એની હમસફર બની જતી.અને ટ્રાફિક નો ત્રાસ પણ આવા સમયે આનંદદાયક બની રહેતો.

પણ આજે જોડે ઉભેલી બ્લેક કલર ની એક્ટિવા પર બેસેલી છોકરી ને જોઈ સુધીર ને કંઈક ગજબ નું આકર્ષણ થઈ રહ્યું હતું..જેમ ચુંબક ની નજીક આવતાં લોખંડ એની તરફ આકર્ષાય એમ સુધીર નું હૃદય એ પાણીદાર આંખો તરફ ખેંચાઈ રહ્યું હતું..એ આંખો માં એક ઊંડાઈ હતી..જેમાં ડુબી જવાની ઈચ્છા સુધીર ને થઈ રહી હતી.

સુધીર ની તરફ એ છોકરી એ નજર કરી..એક બે સેકંડ જોયું..સુધીર એને હાઈ કહેવા હાથ ઉંચો કરવા જ જતો હતો પણ એ છોકરી એ નજર ફેરવી લીધી.. અને સિગ્નલ રેડ માં થી ગ્રીન થઈ ગયું અને બધા વેહિકલ એક પછી એક ધીરે ધીરે આગળ વધવા લાગ્યા.પકવાન હોટલ થી જમણી તરફ જજીસ બંગલો તરફ જતા રસ્તા ઉપર ટર્ન લઈને એ છોકરી એક્ટિવા લઈને નીકળી ગઈ.સુધીર નું ઘર સોલા ભાગવત હોવાથી એ સીધો જ આગળ વધ્યો.

સુધીર ના મન ની વાત મન માં જ રહી ગઈ..એક્ટિવા બેસેલી એ છોકરી ને જોતાં જોતાં એ પોતાની બાઈક પર આગળ તો વધ્યો પણ એનું મન ત્યાં જ અટકી પડ્યું....એક્ટિવા નો નમ્બર પણ સુધીરે જોઈ લીધો.."GJ-1JR-2292".

ઘરે જઈને હાથ પગ ધોઈને સુધીરે એની મમ્મી મંજુલા બેને બનાવેલું ટામેટાનું શાક,ગરમાગરમ રોટલી,છાશ,આથેલા મરચાં અને શેકેલાં પાપડ ના લિજ્જત દાર ભોજન ને ન્યાય આપ્યો અને હાથ ધોઈને ઉભો થયો.!!

"બેટા, સુધીર બધું ઠીક તો છે ને..??આજે પ્રથમ વાર તે મારી બનાવેલી રસોઈ ના વખાણ ના કર્યા..?"મંજુલા બેને નેપકીન થી હાથ લૂછતાં સુધીર ને જોઈને કહ્યું.

પરીવાર માં સુધીર અને મંજુલા બેન બે જ વ્યક્તિ હતાં.. પતી અશોક ભાઈ ના અવસાન પછી માં દીકરો એકબીજા ની પુરતી કાળજી રાખતાં.. પોતાના દીકરા નું મગજ અત્યારે બીજે ક્યાંક ઘુમી રહ્યું છે એ સમજવામાં મંજુલા બેન ને વાર ના થઈ.

મંજુલા બેન ના સવાલ નો સુધીરે સાચો જવાબ આપી દીધો..આજે કઈ રીતે સિગ્નલ ઉપર એક છોકરી ની આંખો જોઈને એનું મન ત્યાં જ અટકી ગયું છે એ જણાવ્યું..

"બેટા ખાલી આંખો જોઈને પ્રેમ..ફિલ્મી લાગે છે..પણ સારું થયું તને કોઈક તો ગમ્યું..સારું એ સુંદર આંખોવાળી છોકરી ને જલ્દી શોધી કાઢ અને એના ઘર નું એડ્રેસ લેતો આવ..હું માંગુ લઈને જાઉં..હવે મને પણ હવે કામ નથી થતું.."દીકરા ના માથા માં હાથ ફેરવતાં ફેરવતાં મંજુલા બેને કહ્યું.

આ વાત ને લગભગ પંદર દિવસ વીતી ગયા..પણ સુધીર ના મગજ માં થી એ સુરમયી આંખો જતી નહોતી..દિવસે ને દિવસે એ આંખો નો નશો સુધીર ને સુવા નહોતો દેતો કે ના થોડી પણ શાંતિ બક્ષતો.

આજે ફરીથી એ દિવસ વાળી ઘટના પાછી બની..ટ્રાફિક ના એજ સિગ્નલ પર ફરી વાર એક્ટિવા સુધીર ની બાજુ માં આવીને ઉભું રહ્યું..આજે પણ ચહેરા પર દુપટ્ટો બંધાયેલો હતો..!!

"આજે તો આ છોકરી જોડે વાત કરવી જ પડશે.."સુધીરે મનોમન નક્કી કર્યું..અને જેવું સિગ્નલ ખુલતાં ની સાથે એ છોકરી એ એક્ટિવા રાઈટ સાઈડ ટર્ન લીધું.. એવો સુધીર પણ એની પાછળ પાછળ દોરાયો..એ છોકરી એ ડાબી તરફ આવેલા H. P પેટ્રોલ પમ્પ ની બાજુ ના રસ્તા પર એક્ટિવા વાળી.. હજુ એ છોકરી એક્ટિવા ને લઈને વધુ દૂર નહોતી ગઈ..સુધીરે બાઈક એની લગોલગ ચલાવતાં ચલાવતાં જ મોટે થી બુમ પાડી ને કહ્યું..

"એક્સકયુઝ મી મીસ.."

એ છોકરી એ સવાલ સૂચક દ્રષ્ટિ એ સુધીર તરફ જોયું અને પૂછ્યું.."કોણ??,કોનું કામ છે તમારે?"

"મીસ.. બે મિનીટ.. ફક્ત બે મિનિટ તમારા જોડે વાત કરવી છે..પ્લીઝ એક્ટિવા ઉભું રાખો ને.."એક સજ્જન વ્યક્તિ ના જેમ સુધીરે કહ્યું.

સુધીર ની વાત સાંભળી એ છોકરી એ થોડું આગળ જઈ એક સોસાયટી ના ગેટ ની જોડે એક્ટિવા ને ઉભું રાખ્યું..સુધીરે પણ બ્રેક કરી પોતાનું બાઈક એની નજીક ઉભું કરી દીધું.

"હેલ્લો મીસ.. મારુ નામ સુધીર છે..તમને યાદ નહીં હોય પણ આજ થી લગભગ બે વિક પહેલાં તમે મારા જોડે સિગ્નલ પર ટ્રાફિક માં અટવાઈ પડ્યાં હતાં..મેં એ સમયે તમારી આંખો જોઈ હતી..બસ આંખો જોઈને હું તમને પ્રેમ કરી બેઠો..એ દિવસ પછી ક્યારેય મારા મન ને રાહત નથી મળી.."એક શ્વાસે સુધીરે ઘણું બધું કહી દીધું.

"પણ mr. સુધીર હું તમને ઓળખતી પણ નથી..અને આમ ના જાણ ના પહેચાન અને તમે આમ કઈ રીતે પોતાના પ્રેમ નો પ્રસ્તાવ મુકી રહ્યા છો..?"કોકિલકંઠી કોયલ બોલતી હોય એવા સુમધુર અવાજ માં એક છોકરી એ કહ્યું.

"સારું તો એ માટે આપણે ઓળખાણ કરી લઈએ..આજે રાતે નવ વાગે શંભુ કાફે.." આટલું કહી સુધીર ત્યાં થી નીકળી ગયો.

એ દુપટ્ટો બાંધેલ યુવતી સુધીર ને જોતાં જ રહી ગઈ..રાતે જવું કે નહીં એ પ્રશ્ન નો જવાબ શોધતી એ યુવતી પોતાના ઘર તરફ નીકળી ગઈ.

રાતે જમવાનું પતાવીને સુધીર સમયસર શંભુ કાફે પહોંચી ગયો અને બહાર જ બાઈક સ્ટેન્ડ કરીને એ યુવતી ના આવવાની રાહ જોવા લાગ્યો..થોડીવાર માં એ યુવતી એક્ટિવા લઈને આવતી દેખાઈ..ક્લીનશેવ કરેલાં ચહેરા માં આકર્ષક અને સોહામણા લાગતા સુધીર ના ચહેરા ની ચમક એ યુવતી ને આવતી જોઈને વધુ ખીલી ઉઠ્યો.

એ યુવતી એક્ટિવા પાર્ક કરીને સુધીર તરફ આગળ વધી હજુ પણ એને દુપટ્ટો બાંધી રાખ્યો હતો..રાત ના સમયે પણ આ અવતાર માં એ યુવતી ને જોઈ સુધીર ને થોડું આશ્ચર્ય જરૂર થયું.પણ એને એના ચહેરા પર એવા કોઈ ભાવ દેખાવા ના દીધા.

"વેલકમ મીસ.. "સસ્મિત સુધીરે કહ્યું..મિસ ની પાછળ એક નાનકડો પ્રશ્નાર્થ હતો જે એ યુવતી જાણે સમજી ગઈ.

"મીસ.. અદિતિ.."એ યુવતી એ ટૂંક માં પતાવ્યું.

"અહીં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર..મિસ અદિતિ.ચાલો ત્યાં કોર્નર માં ટેબલ ખાલી છે ત્યાં જઈને બેસીએ.."સુધીરે ટેબલ તરફ હાથ બતાવી કહ્યું.

અદિતિ પણ સુધીર ની પાછળ પાછળ આવીને ટેબલ પર બેસી ગઈ..સુધીરે તરત જ પૂછ્યું..

"કોફી..?"

સુધીર ના પ્રશ્ન નો અદિતિ એ ડોકું હલાવી હકાર માં જવાબ આપ્યો..એટલે સુધીરે વેઈટર ને બે કોલ્ડ કોફી લાવવાનો ઓર્ડર આપ્યો.

કોફી આવ્યા પછી અદિતિ એ કહ્યું..સુધીર તમને હું એક વાત કહેવા માગું છું..જે જણાવ્યા પછી તમારો મારા તરફ નો પ્રેમ અને આકર્ષણ ઘટી પણ જાય એવું બને..!!

સુધીર અદિતિ ની વાત માં શું રહસ્ય છે એ જાણવા અધીરો બન્યો..અદિતિ ની આંખો હજુપણ ઝરણા જેવી લાગી રહી હતી.

"નવરંગપુરા માં બે વર્ષ પહેલાં કોલેજ માં થી આવતી એક યુવતી જોડે એસિડ એટેક ની ઘટના બની હતી..એ યાદ છે..?"અદિતિ એ કહ્યું.

"હા હા..યાદ છે..ન્યુઝ પેપર માં અને ન્યુઝ ચેનલ પર પણ એ ઘટના વિશે બહુ આવ્યું હતું..એ છોકરી એ કોઈ મજનુ ટાઈપ છોકરા નો પ્રેમ પ્રસ્તાવ ના સ્વીકાર્યો એટલે એ છોકરા એ ખુનન્સ માં આવી એ માસુમ છોકરી ના ચહેરા પર એસિડ નાંખી ને એનો ચહેરો વિકૃત બનાવી દીધો."યાદ હતું એટલું બધું સુધીરે જણાવ્યું.

"પછી યાદ છે આગળ શું થયું..?"અદિતિ એ સવાલ કર્યો.

"પછી એ યુવક ને લોકો એ ઢોર માર મારી પોલીસ ને હવાલે કરી દીધો અને કોર્ટે એને ત્રણ વર્ષ ની સજા કરી.."સુધીરે કહ્યું.

"કોઈને યાદ છે એ છોકરી નું શું થયું..વગર વાંકે..કોઈ ગુના વગર એને કેવી સજા મળી..શારીરિક ની સાથે માનસિક રીતે પણ એ થાકી ગઈ હતી..તો પણ એ છોકરી હિમંત ના હારી..રિકવરી આવ્યા પછી અભ્યાસ પૂર્ણ કર્યો અને અત્યારે કોલ સેન્ટર મેનેજર તરીકે ઇસકોન બ્રોડ વે કમ્પની માં કામ કરે છે.."અદિતિ એ કહ્યું.

"પણ તને કઈ રીતે એ છોકરી વિશે આટલું બધું ખબર?"સુધીરે સવાલ કર્યો.

અદિતિ એ ચહેરા પર નો દુપટ્ટો દૂર કર્યો અને સુધીર સામે જોઈ કહ્યું.."કેમકે સુધીર એ છોકરી હું છું..જે આંખો જોઈને તને પ્રેમ થયો હતો એ આંખો ધરાવતો ચહેરો આવો વિકૃત છે. "આંખો માં ઉભરતા આંસુ સાથે અદિતિ એ કહ્યું.

સુધીર અદિતિ નો ચહેરો જોતો જ રહી ગયો..એસિડ ના લીધે સળગવાને લીધે એના ચહેરાનો જમણી તરફ નો ભાગ દાઝી ગયો હતો..ચામડી ચોંટી ને વિકૃત બની ગઈ હતી..અદિતિ દ્વારા ચહેરા પર હંમેશા દુપટ્ટો બાંધવાનું કારણ સુધીર સમજી ગયો.

થોડો સમય ચૂપ રહ્યાં બાદ સુધીરે કહ્યું..

"અદિતિ મને પ્રેમ થયો હતો તારી આંખો જોઈને..અને હજુપણ તારી આંખો ને હું બેહદ પ્રેમ કરું છું..પણ આજે તારો આ ચહેરો..."આટલું બોલીને થોડો સમય સુધી સુધીર અટકી ગયો.

"કીધું હતું ને કે મારો આ ચહેરો જોઈને તારા પર સવાર પ્રેમ નું ભુત ઉતરી જશે.."અદિતિ ના અવાજ માં નિરાશા સાફ છલકી રહી હતી..

"અરે મારી વાત તો પુરી સાંભળ.."સુધીરે કહ્યું.

સુધીર ની વાત ને સાંભળ્યા વીના જ અદિતિ નીકળી જવા માંગતી હતી એટલે એ ઉભી થઈ અને ખુરશી ખસેડી ચાલવા લાગી..સુધીરે એનો હાથ પકડી એને ઉભી રાખી ને કહ્યું..

"અદિતિ લીસન મી યાર..તારો ચહેરો કે દેખાવ મારા માટે મહત્વ નો નથી..મારા માટે મહત્વ નું છે તારું દિલ..જે ચોવીસ કેરેટ ના સોના જેવું શુદ્ધ છે..દેખાવ તો સમય સાથે બદલાઈ જશે..ચહેરા પર ચમકતી લીસી ચામડી એક દિવસ ઘરડી થઈ જશે પણ એક વસ્તુ કાયમ એમની એમ રહેશે એ છે તમારું દિલ.."સુધીર અદિતિ ની આંખો માં જાણે ખોવાઈ ગયો હોય એમ જોતાં જોતાં બોલ્યો.

"એનો મતલબ..."અદિતિ આટલું બોલી અટકી ગઈ..એના ચહેરા પર અજાણી ખુશી છવાઈ રહી હતી.

"એનો મતલબ હા હું હજુ એ તને પ્રેમ કરું છું..તારા ચહેરા પર ની મક્કમતા અને તારું અદ્ભૂત વ્યક્તિત્વ જોઈને તો હું આભો જ બની ગયો છું ..ગજબ ની હિંમત છે તારા માં યાર...તું આજ થી મારી આદર્શ છે..તું જેવી છે જેમ છે એવી જ મને મંજુર છે..પણ એ પહેલાં મારી એક શરત છે.."સુધીરે અદિતિ ની સામે જોઈને કહ્યું.

"શરત કેવી શરત..?"અદિતિ એ સવાલ સૂચક નજરે સુધીર સામે જોઇને કહ્યું.

"હા મારી શરત એ છે કે આજ પછી તું દુપટ્ટો નહીં બાંધે..આખી દુનિયા ને ખબર પડવી જોઈએ કે મારી થનારી પત્ની કેટલી સુંદર છે.."સુધીરે એક મોટી મુસ્કાન ચહેરા પર લાવતાં કહ્યું.

"હા સુધીર મને તારી દરેક શરત મંજુર છે.."અદિતિ ની આંખ માં આટલું બોલતાં બોલતાં તો હર્ષ ના આંસુ ઉભરાઈ ગયાં.

"તો પછી હું કાલે જ મારી મમ્મી ને તારો હાથ મારા માટે માંગવા માટે તારા ઘરે મોકલી દઉં છું..શું તું મારી સાથે લગ્ન કરીશ..?"સુધીર ની આંખો માં એક સચ્ચાઈ હતી અદિતિ માટે એક અખૂટ પ્રેમ હતો.!!

સુધીર ની વાત નો શું જવાબ આપવો એ તો અદિતિ ને ના સૂઝ્યું એટલે એ કંઈપણ બોલ્યાં વિના સુધીર ને વળગી ગઈ અને એના અધર પર પોતાનાં અધર રાખી એના પ્રેમ નો મુક સ્વીકાર કરી લીધો.

ત્યાં હાજર સૌ આ પ્રેમી યુગલ ને જોઈ રહ્યાં.. બધાં ને સમજતાં વાર ના થઈ કે શું થઈ રહ્યું છે..અને અદિતિ દ્વારા સુધીર ના પ્રેમ નો સ્વીકાર કરતાં ની સાથે આખું કાફે તાળીઓ ની ગળગળાટ થી ગુંજી ઉઠ્યું.

પ્રેમ ચહેરા થી નહીં પણ વ્યક્તિ ના સ્વભાવ થી થાય છે એવાત સુધીરે સાબિત કરી દીધી."કેમકે સુંદર લોકો સારા હોય એવું ના પણ બને..પણ સારા લોકો અવશ્ય સુંદર હોય છે."સુધીર જેવા લોકો ના લીધે જ હજુપણ પ્રેમ ને ભગવાન નું રૂપ ગણવામાં આવે છે.

***

માતૃભારતી પર આ મારી બીજી રચના છે..પ્રથમ રચના " એક વૈશ્યા ની દીકરી" ને સૌ વાંચકો નો અદભુત અને અવિશ્વનિય પ્રતિસાદ સાંપડ્યો એ જોઈ ખુબ આનંદ ની લાગણી થઈ..આ રચના ને પણ એટલો જ પ્રેમ મળશે એવી આશા.એક શોર્ટ નોવેલ ",દિલ કબુતર"પણ આપ માટે ટૂંક સમય માં લાવીશ.

ઓથર:- દિશા. આર. પટેલ.

Share

NEW REALESED