Ketluy khute chhe - 3 books and stories free download online pdf in Gujarati

કેટલુંય ખૂટે છે !!! - 3

જમાઈ

(3)

બી.આર.ચોપરા નું મહાભારત તેને ખુબ ગમતુ. આમ તો મહાભારત વ્યાસ મુનિ નું પણ બી.આર.ચોપરા એ જે ટી.વી. પર બતાવ્યુ, એ પૂર્ણિમા એ નાનપણ માં જોયુ, કૉલેજ કાળ માં ફરી થી જોયુ અને મેળ પડ્યો ત્યારે ડાઉનલોડ કરી ત્રીજી વાર પણ જોયુ. પૂર્ણિમા ની પોતાની અટક વ્યાસ – તેને મહાભારત ના રચાયિયા વ્યાસ મુની સાથે અનુબંધ હોય તેવી વાત ની લાગણી કરાવતી. મહાભારત માં જે છે તે બધું જ સંસારમાં છે. –‘ જે સંસાર માં છે તે બધું જ મહાભારત માં છે અને જે મહાભારત માં નથી, તે સંસાર માં નથી.’ આ મહાભારત ની વાત પર પૂર્ણિમાને વિશ્વાસ હતો. એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કરી હવે પૂર્ણિમા વ્યાસ શ્રીમતી પૂર્ણિમા ગૌતમ ડોળીયા બનવા જઈ રહી હતી. ગૌતમ દસ કિલોમીટર દુર નાના શહેર માં રહેતો.

લગ્ન નક્કી થઇ ગયા પછી પૂર્ણિમા અને તેની મમ્મી તો ખરીદી માં વ્યસ્ત થઇ ગયાં. ગૌતમ નો પરિવાર આમ તો જ્ઞાતિ માં આગળ પડતો – પાંચ માં પુછાતો. ગૌતમ ને સરકારી નોકરી. તેના પપ્પા પણ સરકારી શાળા માં આચાર્ય તરીકે નિવૃત્ત થઈને પેન્શન મેળવતા હતા. ગૌતમની મમ્મી બે વર્ષ પહેલાજ મૃત્યુ પામ્યાં હતાં. એક નણંદ હતી તૃષા – જેને ગૌતમ ના ગામ માં જ પરણાવેલી. પૂર્ણિમા ને સાસરે સાસુ,નણંદ,જેઠ,દિયર કોઈ જવાબદારી નહતી. ફક્ત ત્રણ જણ – પૂર્ણિમા,ગૌતમ અને ગૌતમ ના પિતા – પુર્ણિમા ના પપ્પાજી – કનૈયાલાલ.

લગ્ન ની તારીખ નજીક આવતી ગઈ. ઘર માં એક અનેરો ઉલ્લાસ હતો. પણ, પૂર્ણિમા ના કાકાને આ સંબંધ માં થોડી શંકા રહેતી. અલબત્ત, તેમને ગૌતમ કે તેના પિતા કનૈયાલાલ વિશે કોઈ ફરિયાદ ન હતી. પણ, ગૌતમ ના બનેવી – કનૈયાલાલ ના જમાઈ – તૃષા ના પતિ નો સ્વભાવ તેમને થોડો વિચિત્ર લાગતો. આમતો બનેવી ના સ્વભાવ ની બહુ ચિંતા કરવાની જરૂર નહી. પણ, આ કિસ્સા માં વાત અલગ હતી. જીજાજી - જીજાજી કરતાં ગૌતમ નું મ્હો નહતું સુકાતું અને જીજાજી પાછા હતા પણ હાજરા હજુર એ જ ગામ માં. બધાને પોતાના ખુશમિજાજ અને બોલકણા સ્વભાવથી આંજી દેનાર જીજાજી નો સ્વભાવ પૂર્ણિમા ના કાકા ને થોડો દોઢ ડાહ્યો લાગેલો. કાકાએ પૂર્ણિમા ના પપ્પા ને, પોતાના મોટા ભાઈ ને મનની વાત પણ કરેલી. પણ પૂર્ણિમા ના પપ્પાએ વાતને ગંભીરતા થી નહી લીધેલી.

લગ્ન ના થોડા દિવસ અગાઉ ખબર પડી કે ગૌતમ ને કાર ડ્રાઈવિંગ નહતું ફાવતું. અને પૂજ્ય જીજાજી ને સારી રીતે ફાવતું એટલે કાર – કનૈયાલાલ ની કાર એમના દીકરી જમાઈ ને ઘેર જ રહેતી અને જયારે ગૌતમ કે કનૈયાલાલ ને ક્યાંક જવું હોય તો જમાંઈરાજા કાર મૂકી જતા અને ગૌતમ ડ્રાઈવર બોલાવી લેતો. ઘણી વાર ડ્રાઈવર ના બોલાવતા, ખુદ જમાઈ ડ્રાઈવ કરી બધાને લઇ જાય એવી પણ ગોઠવણ થતી. અને ઘણું ખરું એક જ ગામ માં રહેતાં જીજાજી સાસરી ના કોઈ પણ કામ માટે સમય કાઢી શકતા અને એ બહાને ભાઈ – બહેન પપ્પા બધાં સાથેજ ફરવા જતા. આ કાર જમાઈ ના ઘરે જ રહે છે એ વાત પૂર્ણિમા ના કાકા સાથે એના પપ્પાને પણ થોડી અજુગતી લાગી. પણ હવે વેવાઈ ના ઘરની વાત માં શું કહી શકાય?

લગ્ન લેવાઈ ગયાં. હનીમુન પતાવી ગૌતમ નોકરી પર જવા લાગ્યો અને પૂર્ણિમા એ ઘરની જવાબદારી ઉપાડી લીધી. પૂર્ણિમા ઘર કામ માં કુશળ હતી જ. સાસુ વગર ના ઘર માં ગોઠવાતાં એને કોઈ તકલીફ ના પડી. શનિ-રવિ દરમ્યાન કે અન્ય રજા ના દિવસે કાર લઇ ને ફરવા જવાનું હોય ત્યારે ઘણું ખરું ડ્રાઈવર ને બદલે જીજાજી જ સાથે આવતા. અને એમ પહેલાં ની જેમજ બધાં સાથે જ ફરતાં. પૂર્ણિમા ને આ વાત ખૂંચતી. તે ઘણી વાર ગૌતમ ને કહેતી કે જીજાજી ને બદલે ડ્રાઈવર સાથે હોય તો થોડી પ્રાઈવસી મળે. પણ ગૌતમ જવાબ આપતો,”આપણી રૂમ માં પ્રાઈવસી મળેજ છે ને? અને જીજાજી – દીદી હોય તો બધાં સાથે મઝા આવે. અમે આવી રીતે જ ફરતાં આવ્યાં છીએ અત્યાર સુધી. હવે હું ને તું એકલાં જઈએ તો જીજાજી ને ખોટું ના લાગે? અને તને શો વાંધો છે એ સાથે હોય તો?” શરૂઆત માં થોડા દિવસ પૂર્ણિમા ચુપ રહી પણ પછી એને અતિશય કંટાળો આવવા માંડ્યો. એક વખત એણે ગૌતમ ને કહી દીધું.”એમના લગ્ન ને દસ વર્ષ થયાં. એ જયારે નવાં-નવાં પરણ્યાં ત્યારે તમને સાથે લઇ ને ફરતાં હતાં? અને જો ફરતાં હોય તો પણ મારે આવી રીતે નથી ફરવું.” ગૌતમ અને પૂર્ણિમા વચ્ચે એ દિવસે ઝઘડો થયો. અને ત્યાર પછી તો આવા ઘણા ઝઘડા થયા. કાર ને બદલે બાઈક લઇ ને જવાનું ગોઠવે તોય જીજાજી એમનું બાઈક લઇ ને સાથે આવવા તૈયાર થઇ જાય. અને ગૌતમ પૂર્ણિમા ને કહેતો ,”એ સામે ચાલી ને કહે તો મારાથી ના કેમ પડાય? એમને ખોટું લાગે.” ફક્ત સાથે ફરવા પુરતી જ વાત નહતી. ઘર માં કઈ વસ્તુ લાવવી થી માંડી કઈ વસ્તુ ક્યા ગોઠવવી બાબત માં ગૌતમ નાં બહેન-બનેવી બોલતાં અને એમના કહ્યા પ્રમાણે જ થાય તેવો આગ્રહ રાખતાં. જીજાજી ને મજાક – મશ્કરી કરવાની ટેવ વધારે હતી. એમાં મર્યાદા પણ ઘણી વાર ચુકાઈ જતી. પૂર્ણિમા ને આ વાત ખૂંચતી પણ ગૌતમ તો હસી કાઢતો. પૂર્ણિમા ને આ વાત નો ત્રાસ લાગતો. ઘણી વાર તેને લાગતું કે કદાચ ગૌતમ નાં મમ્મી હોત તો દીકરી-જમાઈ નું આટલું વર્ચસ્વ ના હોત. તો ઘણી વાર તે વિચારતી કે સાસુ હોત તો તો નણંદ વધારે જોર કરત.

નવા નવા લગ્ન જીવન નો નશો પૂજ્ય જીજાજી ના પ્રતાપે પૂરે પૂરો ચઢ્યો જ નહતો તો ઉતરે ક્યાંથી??? પૂર્ણિમા આં બાબતે પોતાના મમ્મી – પપ્પા સમક્ષ ફરિયાદ કરતી. પણ દીકરી ના ઘરની આવી આંતરિક બાબત માં માં-બાપ કેટલું બોલે? કાકા અવશ્ય કહેતા ,”મેં તો પહેલાં જ મોટાભાઈ ને કહેલું કે આમના ઘર માં જમાઈ દોઢ ડાહ્યો છે અને પાછો નજીક છે તે તને ઉપાધિ રહેશે.” પૂર્ણિમા ઘણી વાર હતાશ થઇ જતી. નશો તો નહતો પણ લગ્ન જીવન ના ફળ સ્વરૂપ બાળક આવવાની તૈયારી હતી. અને હવે પૂર્ણિમાને આશ્વાસન આપવા માં આવતું કે બાળક ના પગલે શાંતિ થશે.

હતાશા ને લીધે હોય કે બીજું કોઈ કારણ હોય ખબર નહી, પણ પૂર્ણિમા ની તબિયત સારી નહતી રહેતી. અને દુકાળ માં અધિક માસ આવે એમ પૂર્ણિમા નું પહેલું બાળક મૃત અવતર્યું. હતાશા વધી ગઈ. ગૌતમ પણ હતાશ થયો. પૂર્ણિમા ને અત્યારે ગૌતમ ની હૂંફની જરૂર હતી પણ ગૌતમ નોકરી ના કામ માં વ્યસ્ત હતો. થોડા દિવસ પિયર આરામ કરી પૂર્ણિમા સાસરે ગઈ. તેના સસરા કનૈયાલાલ પ્રેમાળ અને સજ્જન હતા. પૂર્ણિમા ને તેમણે દીકરી જ ગણેલી. બાળક ના મૃત્યુ બાદ પૂર્ણિમા ની હતાશા ઓછી થાય એ હેતુ થી કનૈયાલાલ ગામની લાઈબ્રેરી માં થી સારાં પુસ્તકો લઇ આવતા. ગૌતમ તો ન હોય પણ બપોરે સસરા વહુ ને દીકરી ની જેમ પોતાની સામે બેસાડી આગ્રહ પૂર્વક સરખું જમી લેવાનું કહેતા. અને કોઈક વાર જરૂર લાગે તો ઘર નાં નાનાં-મોટાં કામ માં મદદ પણ કરતા. પૂર્ણિમા ને કનૈયાલાલ માં એક પ્રેમાળ પિતા મળી ગયા હતા.

દુઃખ કે સુખ કશું શાસ્વત નથી પૂર્ણિમા ફરી ગર્ભવતી બની. સસરા વિશેષ – થાય એટલી કાળજી રાખવા માંડ્યા. આ વખતે ગૌતમ પણ વધુ ધ્યાન આપતો. પૂર્ણિમા ને જે ખાવા નું મન થાય તે હાજર કરતો. પૂર્ણિમા પોતે વધુ સભાન હતી. છતાં, ઈશ્વર જાણે કસોટી કરી રહ્યો હતો. અને...... પાંચમે મહિને બાળક અંદર મૃત્યુ પામ્યું. પૂર્ણિમા નો જીવ પરાણે બચ્યો. મેડીકલ કારણ તો ખબર નહી, પણ પરિણામ વરવું આવ્યું. પૂર્ણિમા વધારે હતાશ થઇ ગઈ. કનૈયાલાલ તેમની પત્ની ના ફોટા સમક્ષ રીતસર આંસુ પડી રહ્યા. ગૌતમ મુઝાયો. અને ખબર નહી કેમ, જયારે પૂર્ણિમા ને જરૂર હતી ત્યારે એ પૂર્ણિમા થી વધુ ને વધુ દુર રહેવા લાગ્યો. કદાચ એને પણ ઘેરો આઘાત લાગ્યો હતો. બે-બે બાળકો ગુમાવ્યા પછી જયારે પૂર્ણિમાને ગૌતમ ની, એના સહારા ની વધારે જરૂર હતી ત્યારે ગૌતમ એની ફરજ ચુક્યો. ઈરાદો નહી હોય એનો. પણ, બેધ્યાન પણે એ પૂર્ણિમા થી વિમુખ થઇ ગયો.

બે મહિના ડોક્ટર ના કહ્યા મુજબ પૂર્ણિમાએ આરામ કરવા નો હતો. ત્યાર બાદ ઘર નું કામ કરી શકાય. તેને સંપૂર્ણ આરામ મળી રહે એ માટે ઘર માં રસોઈ કરવાવાળી થી માંડી દરેક કામ માટે કામ વળી રાખી દીધી કનૈયાલાલે. અને એ પોતે પિતાની જેમ પૂર્ણિમા નું ધ્યાન રાખી રહ્યા. ધીમે ધીમે પૂર્ણિમા સ્વસ્થ થવા લાગી અને રસોઈ જાતે બનાવવા લાગી. પણ અન્ય દરેક કામ માટે કનૈયાલાલ ના આગ્રહથી કામવાળી ચાલુ રહી. દુઃખ નું ઓસડ દહાડા એ કહેવત અનુસાર ઘર માં વાતાવરણ ધીમે ધીમે હળવું થવા માંડ્યું.

એક દિવસ ... જમાઈ રાજા – ગૌતમ ના પૂજ્ય જીજાજી ઘરે આવ્યા. ગૌતમ તો નોકરી પર હતો. અને એ વાત જીજાજી જાણતા જ હતા. કનૈયાલાલ નો એ દરરોજ નો મંદિર જવાનો સમય. એ વાત પણ જમાઈ ને ખબર. આજે એમણે આવીને સીધું પૂર્ણિમા ના બેડ રૂમ તરફ પ્રયાણ કર્યું. કામવાળી ને અજુગતું લાગ્યું. પણ જમાઈ ની બાબત માં કોણ બોલે? પણ બે-ત્રણ મહિના ના અનુભવે કામવાળી જમાઈ નું અછકલું – અણછાજતું વર્તન સમજી ગયેલી. અને પંચાવન વર્ષની એ પ્રૌઢા પોતાની છઠ્ઠી ઇન્દ્રીય ના અવાજ ને સાંભળી જમાઈની પાછળ દબાતે પગલે બેડ રૂમ તરફ જઈ ઉભી રહી.

જીજાજી એ સુતેલી પૂર્ણિમા ના હાથ પર પોતાનો હાથ દાબ્યો. પૂર્ણિમા ભડકી ને ઉઠી ગઈ જીજાજી ને પોતાના બેડ રૂમ સુધી આવી ગયેલા જોઈ એ અકળાઈ પણ કઈ બોલે એ પહેલાં જીજાજીએ જ બોલવાનું શરુ કર્યું,” તું અકળાઈ ગઈ છે ને? હું બધું જાણું છું. ગૌતમ તને સાચવવાને બદલે પોતે જ હતાશ થઈને બેસી ગયો છે. પણ તું ગભરાઈશ નહી, હું છું ને?” પૂર્ણિમા ઝડપથી ઉભી થઇ ગઈ. અને એણે ત્રાડ પડી,”થપ્પડ મારું એ પહેલાં નીકળ મારા રૂમની બહાર. અને તું સમજે છે શું મને? મોટો જમાઈ ઘરનો! મને ‘તું’ કહેવાનો તને હક નથી. ગૌતમને જે કહું એ પણ મનેતો તારે ભાભી જ કહેવું પડે. મને તારી આ રીતે બોલાવવાની રીત પસંદ જ નહતી. મેં તો ગૌતમ ને ફરિયાદ પણ કરેલી. પણ એ જ મુરખો છે તે તારું આ રૂપ જાણતો નથી. પણ હવે તારી વાત છે. આવવા દે એને . ઘર નો ઉમરો ભુલાવી દઉ તને. અને આ લાળ ટપકાવવાની ભૂલ તો ફરી કરીશ જ નહી....”

“એરે જા હવે, કોઈ તારી વાત નહી માને..... ગૌતમને તો મારા પર પૂરો ભરોસો છે. બહુ ભોળો છે એ . અને તારો મારા પ્રત્યે થોડો અણગમો છે એ વાતની બધાને ખબર છે. એટલે મારી ફરિયાદ કરીશ તો એ લોકો એને તારું નાટક જ માનશે. કોઈ નહી માને તારી વાત.” - જીજાજી એ અટ્ટ હાસ્ય કર્યું.

અને એક પળ માટે પૂર્ણિમા નો ચહેરો ઝંખવાયો. પણ બીજી જ પળે કામવાળી જે બહારથી બધું સાંભળી રહી હતી એ દરવાજો ખોલી અંદર ધસી. અને બોલી,” તું જા હવે જમડા, મેં બધી વાત સાંભળી છે. ગૌતમભાઈ વધારે પડતા ભોળા છે પણ હું સાક્ષી છું ને !!!. અને હું તો કનૈયાલાલ ને જ કહી દઈશ. કામવાળી કનૈયાલાલ ને વર્ષોથી રાખડી બાંધતી. ભલે ઘર નું કામ છેલ્લા થોડા સમય થી કરતી પણ ઓળખાણ જુની હતી. બધાને વિશ્વાસ હતો તેની પર. છોભીલો પડેલો જમાઈ ઝડપથી બહાર સરકી ગયો.

એ સાંજે બેડ રૂમ માં આખો વૃતાંત ગૌતમ સમક્ષ પૂર્ણિમા એ કહી સંભળાવ્યો. અને કામવાળી એ મર્યાદા તોડી કનૈયાલાલ ને વાત કરી. ઘર માં સન્નાટો છવાઈ ગયો. ગૌતમ ચુપ થઇ ગયો. એ દિવસ થી એણે જીજાજી સાથે સંબંધ ઓછો કરી નાંખ્યો. અને સાથે ફરવાનું તો સદંતર બંધ. કનૈયાલાલે કાર વેચી દીધી. કાર હોય તો સાથે જવાનો વારો આવેને? પૂર્ણિમાએ વાંધો લીધો કે એમને ના લઇ જવા એ આપણી મરજી છે, અને એમણે હરકત કરી છે એવી. પણ એના વાંકે આપણે શું કામ આપણી કાર વેચી દેવી? પણ કનૈયાલાલ દીકરી ને મન દુઃખ થાય તેવું કોઈ કામ નહતા કરવા માંગતા. અને એટલેજ જમાઈ ને એમણે વહુ નો પક્ષ લઇ કઈ કહેવાનું ટાળ્યું. પણ પૂર્ણીમાની જે આશા હતી, કે ગૌતમ તેના જીજાજી સમક્ષ પૂર્ણિમા સાથે આવું વર્તન કરવા બદલ ઝઘડશે કે ઠપકો આપશે, એમાંનું કશું જ ના બન્યું. પૂર્ણિમા ને આ વાત નો અસહ્ય આઘાત લાગ્યો. બે બાળકો ગુમાવવા કરતાં પણ મોટો આઘાત. એ વિચારી રહી,”આ ગૌતમ પોતાના ઘરના માણસ ને ટોકી નથી શકતો તો બહાર ના થી મારું શું રક્ષણ કરશે?”

પૂર્ણિમા એ જમાઈ ના આવા દુર્વ્યવહાર ની આખી વાત તેની મમ્મી ને કરી. મમ્મી ને પણ ગુસ્સો તો ખુબ આવ્યો. પણ એમણે પૂર્ણિમા ને આશ્વાસન આપ્યું,” એવું જ હોય બેટા, જમાઈ ને શું કહે? તને ખબર છે ને દ્રૌપદી ઉપર નજર બગાડનાર જયદ્રથ ને દૂર્યોધન, ધ્રુતરાષ્ટ્ર કે ગાંધારીએ તેના આવા વર્તન બદલ ઠપકો આપ્યા નો કોઈ પ્રસંગ મહાભારત માં પ્રચલિત નથી. દીકરી ના બાપ કે ભાઈ ની મજબુરી કેવી હોય છે એ જેણે પોતે દીકરી પરણાવેલી ના હોય તેને ક્યારેય ના સમજાય.અને હા, ભીમ જેવા પતિ બધાને નથી મળતો જે પત્ની ના અપમાન નો બદલો લે ”

‘પણ મમ્મી, એ હજારો વર્ષો પહેલાં ની વાત “ – પૂર્ણિમા બરાડી.

“બેટા, તું જાણે છે જે સંસાર માં છે એ બધું મહાભારત માં છે. કોણ પોતાની બહેન નો સંસાર બગાડે? એટલે ગૌતમ એના બનેવી ને કઈ ના કહે તો તું ગૌતમ પર ખોટું ન લગાડીશ. અને શું હજારો વર્ષ પહેલાં અને પછી, આ જમાઈ છે અને જયદ્રથ જમાઈ હતો. બધું એ ક જ છે, જમાનો બદલાય છે, પણ અમુક સંબંધો એના એ જ રહે છે.” – પૂર્ણિમા નાં મમ્મી બોલ્યાં.

અને અમે ક્યાં આ બાબતે ગૌતમને કશું કહી શક્યાં? એ ય જમાઈ છે..

***