Meghali Raat books and stories free download online pdf in Gujarati

મેઘલી રાત

એક તો મેઘ નું શહેર અને આકાશ માં પણ ઘેરાયેલો કાળો-ડીબાંગ મેઘ. તમન્ના ને થયું એને જે મેઘની રાહ જોવાની આદત પડી ગઈ હતી તે આ મેઘ નહતો. આત્યારે એની સામે જે મેઘ ચકરડાં લઇ રહ્યો હતો તે તો ભગવાન ઇન્દ્ર નો મેઘ હતો. તમન્ના નો મેઘ .....!!! તો ખબર નહિ આ બરોડા નગરી માં ક્યાં ભરાઈ ગયો હતો...!!!

બરોડા ના રેસક્રોસ રોડ પર ઉભી તમન્ના પોતાની ઉપર ઘેરાયેલા વાદળો જોઈ રહી હતી અને ઘરે પહોંચવાની ઉતાવળ સાથે બરોડા ને મન ભરી ને જોવા માંગતી હતી..કેમ તે અહીં જ તો...!! તમન્ના એક ઓફિશિઅલ મિટિંગ પતાવી ને બહાર આવેલી. “ વરસાદ તો પડશે જ ..” એને મનોમન વિચાર્યું અને મોબાઈલમાં જોઇને ટેક્ષી બુક કરાવવા નું શરુ કર્યું. હજુ તો એને અમદાવાદ પહોંચવાનું હતું , જોકે ટીમે તો એની પાસે પૂરતો હતો પણ વરસાદની બીક ....!!!! ( બીક અને વરસાદની..! જે ક્યારેય કોઈ રંગોમાં ભીંજાયા જ ના હોય ને એમને બીક હોય, પોતાના કોરા અસ્તિત્વ પર કોઈના રંગથી ભીંજાઈ જવાની...! )

તમન્ના ને શાની બીક ...! એ પણ વરસાદની....!! ના..ના... વરસાદ તો એને ગમતો હતો પણ સમયસર ઘરે પહોંચવું જરૂરી હતું. તમન્નાએ પોતે જ સેટ કરેલી જીંદગી ના ભાગ રૂપે સ્તો....હજુ એ ટેક્ષી બુક કરી શકે એ પેહલાં જ વરસાદ તો ચાલુ થઇ ગયો.. અહી ઝાડે પછી પોતાની જવાબદારી નિભાવી..જે માણસજાત એને સાચવવા માં વામણી સાબિત થાય છે, એને ઝાડે ફરી એકવાર મદદ કરી.. ઓથ આપીને ....!! એના સ્વભાવગત લક્ષણ મુજબ... તમન્ના એક ઝાડની ઓથે ઊભી રહી.

હવે આગળ શું કરવું એમ એ વિચારતી જ હતી ત્યાં જ એની આગળ એક ગાડી આવીને ઉભી રહી. એ હજુ કઈ વિચારે એ પહેલા જ ગાડીમાંથી એક માણસ બહર નીકળી ગાડી ના દરવાજા ને અઢેલી ને ઉભો ..તમન્ના ણી તરફ જોઇને સ્તો....!! અરે મેઘ...!! આ તો મેઘ છે....!!! સપનાઓ આ રીતે પણ સાચાં પડતાં હશે એવું તમન્ના હવે માનતી નહોતી.

આ બાજુ મેઘ ઓફીસ થી ઘરે જવા નીકળ્યો, ત્યારે એક એ પોતે મેઘ અને બીજો ઈન્દ્રદેવ નો મેઘ ...બંને એ એકમેક ને મળીને શુભસાંજ કહ્યું.આમતો મેઘ ને ઘરે જવાની કોઈ ઉતાવળ નહોતી પણ ખેર, ઘરે યો જવું જ રહ્યું...!! એ ઘરે જઈ રહ્યો હતો ... તો રસ્તામાં .. આ શું....એક જાણીતો ચહેરો ....!! જાણીતો અને માનીતો પણ ......!! એક ઝાડની નીચે અત્યારે.... અહીં....બરોડામાં....એ પણ રેસક્રોસ રોડ પર....!! ના...ના... સપનું તો નહિ હોય ને...એના સ્વભાવગત લક્ષણ મુજબ....!!

પણ ના....આ સ્વપ્ન નહોતું...એની સ્વપ્નપરી ખરેખર જ મેઘ ના જીવન માં સો સો સૂર્યનારાયણ એકસાથે ઉગ્યા હોય એવી ક્ષણો લઈને એની સામે ઉભી હતી. જીવનના કેન્દ્રબિંદુ સમી આ છોકરી ....ના હવે તો સ્ત્રી....મેઘ ને ગાડી ને બ્રેક મારવાની જરૂર જ ના પડી.. એના પગ કોઈ રોબોટિક ઈફેક્ટની જેમ જ ગાડીની બ્રેક તરફ વળી ગયા...તમન્ના જ્યાં ઉભી હતી ત્યાં ગાડી પાર્ક કરી ગાડી ને અઢેલી ને તમન્નાની સામે ઉભો રહ્યો... વરસતા વરસાદ માં સ્તો....! કેટલાં વર્ષો પછી એ પલળી રહ્યો હતો ....!!! બંને વરસાદ માં....!!!

તમન્ના માટે તો આ સાવ અણધાર્યું જ હતું...મેઘ બરોડામાં રહેતો હતો એતો એને ખબર હતી.. પણ આમ અચાનક મળી જશે એવું તો એને ધાર્યું જ નહોતું. છેવટે એણે જ બોલવાનું શરુ કર્યું..” મેઘ તું..!! “

જવાબમાં મેઘે સ્માઈલ આપી. આજ સ્માઈલે તો તમન્નાની આખી જીંદગી માંગી લીધી હતી અને એને આપી પણ દીધી હતી..પણ મેઘ ને એની કદાચ ખબર નહોતી.

“ હું તો જાણે કે અહી જ રહું છું. રેસક્રોસ રોડ પર.. પણ તું અત્યારે ...!! તને બરોડા ક્યાર થી ગમવા માંડ્યું...!! “ મેઘ બોલ્યો..

“હું મારા ઓફીસના કામ થી અહી આવી હતી...” તમન્ના બોલી. “ અને હવે બંને મેઘ તને અહીંથી જવાની ના પાડે છે...” હસતા હસતા મેઘ બોલ્યો... “ પણ મેઘ ઘરે તો જવું જ પડશે .” “ તો જજે ને .. મારે તને રાખવી પણ નથી ...પણ આજે તો આવા તોફાની વરસાદ માં તું અમદાવાદ સુધી તો નહિ જ જઈ શકે..” મેઘે તમન્ના ને ગાડી માં બેસાડી, પોતે ગાડી માં બેસતાં કહ્યું...

“ હા તારી વાત સાચી , પણ ઘરે મારી દીકરી અને જય રાહ જોશે ને.....!! “ તમન્ના એ ચિંતા ના સુર માં કહ્યું.... “ તે કાયમ તો તું એમની સાથે રહે જ છે ને..હવે આજે જયારે પ્રકૃતિ જ એમ ઈચ્છે છે કે તું મારા ઘરે રહે, તો તું કે હું શું કરી શકીએ...? “ મેઘ ના અવાજ માં તમન્ના એના ઘરે રોકાશે એ વાત નો આનંદ સ્પષ્ટ જણાઈ આવતો હતો..

ઘરે પહોચીને મેઘે ઘર ખોલ્યું.. “ તારી પત્ની ઘરે નથી..? “ તમન્ના એ પૂછ્યું... “ ના એ અમદાવાદ જ છે.. તને કઈ વાંધો તો નથી ને ...?!! “ મેઘ હસ્યો..જવાબ માં તમન્ના એ સ્માઈલ આપી અને ઘર માં દાખલ થઇ.. “ અરે તું તો સાવ પલળી ગયો છે..! “ મેઘની તરફ જોતાં બોલી... “ તે આજ નો થોડો ...!! “ મેઘ સાવ ધીમા અવાજે બોલ્યો. તમન્ના એ એ સાંભળ્યું નહી. મેઘ તમન્ના ને પાણી આપીને કપડા બદલવાં અંદર જતો રહ્યો.

આ બાજુ તમન્ના એ એની મમ્મીને, જ્યાં એણે એની દીકરી ને રાખી હતી ત્યાં અને જયને ફોન કરીને પોતાની પરિસ્થિતિ વિષે જાણ કરી...જયે અને એની મમ્મી બંને એ એને ત્યાં જ રોકાઈ જવાની સલાહ આપી કેમ કે વરસાદ અમદાવાદમાં પણ ખુબ જ હતો. અને એના રોકવાના કોઈ જ એંધાણ દેખાતા નહોતા. ફોન પર વાત પતાવ્યા પછી એ ઉભી થઇ..ધીમે ધીમે અજાણ્યા ઘરમાં ચાલતાં રસોડા સુધી પહોંચી. મેઘ તો કપડાં બદલીને અહી ચા બનાવતો હતો..

તમન્નાને દરવાજા પાસે ઉભેલી જોઇને મેઘ બોલ્યો.. “ આવ ને અંદર... હવે તું તો આજે મારી મેહમાન કહેવાય ..અને મેહમાન પાસે તો ચા બનાવાડાવાય નહિ ને.. “ મેઘ હસ્યો... “ હા, એ વાત ખરી પણ હું ચા સારી જ બનાવું છું ...હા કદાચ તારી માયા જેટલી સારી નહિ બનાવતી હોઉં પણ પીવાલાયક તો ખરી જ .. “ “ તો લાવ આજે મને બનાવવા દે “ એમ કહી ને તમન્ના એ ચા બનાવવાનું શરુ કર્યું. મેઘે કંઈપણ આનાકાની કર્યા વગર એને ચા બનાવવા દીધી.

બેઠક રૂમમાં બેસીને બંને ચા પીતા. ચા પીતાં પીતાં મેઘે તમન્નાને એના કામ વિષે પૂછ્યું. અને પોતાની પણ ઓફીસ વિષેની વાતો કરી. જમવાનું ઓનલાઈન ઓર્ડેર કરી મંગાવ્યું .જમીને મેઘે તમન્નાને ઘર બતાવ્યું અને પછી એના ઘરની લોબીમાં આવીને બંને ખુરશીમાં બેઠા. “ સરસ ઘર છે તારું...” તમન્ના એ કહ્યું.

જવાબ માં મેઘ ફક્ત “ હમમમ “ એમ બોલ્યો. “ તમન્ના ક્યાં હતી આટલાં બધા વર્ષ ..?!!” મેઘ કઈક બીજુંજ વિચારતો હતો.

“ ક્યાં હતી એટલે...?! અહી જ તો હતી મેઘ.. હું તો પહેલેથી જ તો અમદાવાદમાં જ છું ને....!! તને ખબર તો છે..” “ હું તો અહી જ છું..” તમન્ના ફરી ઘૂંટતી હોય એમ બોલી. ત્યારપછી બંને એ પોતપોતાના ફેમીલી વિષે વાતો કરી..એમ કરતાં લગભગ રાત ના ૧૨ વાગી ગયા.. “ સુઈ જઈશું ...મેઘ ..?!! “ તમન્ના ઘડિયાળ સામે જોતાં બોલી.. વરસાદ તો હજુપણ સતત એકધારો વરસતો જતો હતો.. મેઘ ના માટે તો વગર પીધે નશા જેવું હતું...એક વરસાદનો અવાજ અને એમાં સંગીતની જેમ ભળી જતો તમન્નાનો અવાજ.

“ તમન્ના ક્યાં હતી આટલાં બધા વર્ષ ..?!! “ તમન્નાની વાત તો જવાબ આપ્યા વગર મેઘ જાણે કોઈ મોહિનીવશ હોય એમ બોલ્યો..તમન્ના કંઈપણ બોલ્યા વિના મેઘની સામે જોઈ રહી.બંનેના મનમાં ઘડીકમાં પંદર વર્ષ પહેલાંના મેઘ ને તમન્ના કોલેજમાં સાથે જીવતાં હતાં , તો ઘડીકમાં વરસાદની આ મેઘલી રાત્રે એકબીજાની આંખોમાં કેટલાય ના બોલાયેલા શબ્દો અને ના ભજવાયેલા દ્રશ્યો શોધતા હતાં.

મેઘે ફરી બોલવાનું શરુ કર્યું. “ તને મળ્યા પછી અને તારાથી છુટા પડ્યા પછી , મેં સતત તને જ શોધ્યા કરી.....તે છેક આજ સુધી....આજે તું અહી છું મારી સાથે , તો પણ તને જ શોધું છું... મારી આ તલાશ શું મને કયારેય જંપવા દેશે ખરી...?!! તમન્ના ઘણાબધાં પ્રશ્નો મનમાં જ રાખીને હું તારાથી છુટો પડી ગયો...અન એ બધા જ પ્રશ્નો મારી બાણશૈય્યા બની ગયા...હું કાયમ વણઉકેલ્યા પ્રશ્નો , સંબંધો અન લાગણીઓ સાથે જીવું છું.... કદાચ હવે જ મારા જીવવાનો પર્યાય બની ગયા છે…..

તારાથી છુટા પડ્યાં પછી સમજાયું કે તું , કોલેજમાં પતંગિયાની જેમ ઉડતાં અને ઝરણાંની જેમ ખળ-ખળ કરતાં ક્યારે મારા શ્વાસ બની ગઈ , અથવા મેં આ તારી સાથેની પ્રેમ નામની રમતમાં મારા શ્વાસ ગીરવે મુક્યા...… તારી પાસે..... અને ....તું તો જતી રહી .... એ બધું જ લઇ ને તારી સાથે.… હું તને રોકી પણ ના શક્યો....એ મજબૂરીઓણી કથા કરવાનો ક્યાં મતલબ છે હવે....!! મારા જીવનમાંનીપ્રેમ નામની બધી સિલક તારા નામે કર્યા પછી .... હવે જીવવા.....શ્વાસ લેવા અને કોઈની સાથે પ્રેમ થી વાત કરવા પણ, તારી જરૂર પડે છે.....!! હું મારી જીંદગી જેટલી જીવ્યો છું, એના કરતાં વધારે તો તું મારી અંદર જીવતી છું.....કેમ કે હું તો સૂઈ પણ જાઉં છું.… પણ મારી અંદર જીવતી તું ક્યાં સુએ છે...?! તું તો સ્વપ્નમાં પણ ચાલ્યા કરે છે..વાદળની જેમ...… દરિયાની લહેરોની જેમ......

આટલું બોલતા તો જાણે મેઘ ને હાંફ ચડી ગયો....દિલ હથેળી પર મૂકી ને બોલતો હોય એમ બેચેન હતો એ....એણે તમન્નાની સામે જોયું..તમન્ના ખુરશી માંથી નીચે ફર્શ પર પેલા થાંભલાને અઢેલીને બેસી ગઈ હતી...અંધારામાં એનો ચહેરો દેખાતો નહોતો, પણ એની હાલત સ્પષ્ટ હતી મેઘને....એ અને મેઘ ક્યાં અલગ જીવ્યા હતા...?!! મેઘ એની પાસે ગયો..એના ખોળામાં માથું મુકીને વર્ષોનો થાક ઉતરતો હોય એમ સુતો..એને તમન્નાની સામે જોયું....તમન્ના ખોબે-ખોબે રડી રહી હતી...કહેવાની જરૂર ખરી, કે આટલાં વર્ષો થી કેદ તમન્ના આજે આંસુઓની ધાર સાથે વહી નીકળી હતી...એ તમન્ના નામની નદી મેઘ નામના સાગરની જ હતી, જે આજથી પંદર વર્ષ પેહલાં નીકળેલું એ ઝરણું નદી બનીને પોતાના સાગરની વાટે ચડ્યું હતું....

“ જો કશું જ ના હોય તારું તો.....

છોડીને આવ તું......

જો સઘળું હોય તારું તો .....

છોડીને બતાવ તું.........

જીંદગી પર્યાય માંગે છે અસ્તિત્વનો...

મારામાંથી ડોકિયું કાઢી બતાવ તું....

વન ઉગ્યું છે મારામાં પ્રેમ નામનું.....

મૂળિયાં તું છે એમ બતાવ તું........”

***