Mamu Boy - 1 books and stories free download online pdf in Gujarati

“મામુ બોય”

મામુ બોય

ભાગ:૧

એ મામુ લાગતો બોય. મામુબોય, મને બસ માં ટકટક કરતો નિહાળતો રહ્યો. એમ નહીં કે હું રૂપ રૂપની ભંડાર છું એટલે એ જોતો રહ્યો!! પરંતુ એણી ટીકટીક નજરો મારી સાથે બગલમાં બેસેલા સાથી સામે જ ફરી રહી હતી. મારો એ સાથી મારાથી છવ્વીસ વર્ષ મોટો.

***

હું બિન્દાસ આજની થનગનતી યુવાન ગર્લ. પાર્ટીઓમાં જતી અવનવા ચટપટા અટપટા ફ્રેન્ડ બનાવાનો શોખ અને એવું જ ફ્રેન્ડ સર્કલ. શરાબ, હરવું ફરવું અને સિગારેટના ધુમાડાવાળી મારી જિંદગી. બધી જ રીતે બોલે તો એકદમ ફ્રીફ્રીફ્રીફ્રી...

વિચારતાં હશે કે આને માં બાપ છે કે નહીં? આ તો એકદમ બીન-સંસ્કારી છોકરી. છે ને મોમ પણ છે અને ડેડ પણ છે. બધું જ છે પણ એનું કરવાનું શું? એ બધાં જ એમના લાઈફમાં બિઝી ઔર અપુન અપને લાઈફ મેં.

હું મારું કહું તો વીસ વર્ષની માત્ર મારી ઉંમર પરંતુ હું જાણે ઘણી ઉંમરમાં પણ મોટી થઈ ગઈ હોય એવી રીતે ટ્રીટ કરતી અને હા લાઈફ પણ એવી રીતે જ જીવતી.

***

બસ નો સ્ટોપ આવતાં હું અને મારો સાથી નીચે ઉતર્યા. એ મામુ બોય પણ અમારા પાછળ ઉતર્યો. અમે બંને વાતો કરતાં પોતાનાં રસ્તે જ જતાં હતાં ત્યાં તો મામુબોયે મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો, “ શું છે આ..?”

“શું છે આ ? દેખાતું નથી હું અને મારો બોયફ્રેન્ડ અમારા રસ્તે જઈ રહ્યા છે.” હું રોષે ભરાયેલી કહેવા લાગી.

એ બોલી ઉઠયો, “અરે વાહ બોયફ્રેન્ડ!! મેડમ, તમારા રોજે રોજ નવા બોયફ્રેન્ડ ??”

હું મોટેથી બોલી ઉઠી, “ અરે અજીબ હરકત કરે છે, હાથ છોડ મારો..”

મારા સાથીએ સામે આવવાની કોશિશ તો કરી પરંતુ મેં તેણે રોક્યો.

***

અમારી બંનેની પહેલી મુલાકાત જીમખાનામાં થયેલી. પહેલા દિવસે મેં એણે જોયો. જોઈને હસવું રોકી ના શકાય. ચાલતો જાણે એમ કે કોઈ બોડી બિલ્ડર હોય. શરીરે દેખાવ જેટલું હોય તો માત્ર હડ્ડી જ હડ્ડી દેખાતી હતી. બોલવાનું પણ એવું જ હારું ઢીલુંપોચું. અરે મને ત્યારે વિચાર આવ્યો, આ બોડી ક્યારે બનાવી રહેશે કે પછી હડ્ડીમાંથી હડ્ડી બની જશે.!!

હું ટાઈમપાસ કરવાં જતી કે ફિટનેસ માટે જતી એનું મને પણ ખબર પડતી ના હતી. આખા જીમખાનામાં મારી બધા જ સાથે દોસ્તી. પછી એમાં કોઈ સ્ત્રી, મોટા પુરુષ કે આખો સ્ટાફ જીમનો હોય..!! સામેવાળા દોસ્તી કરવા ના આવે, હું સ્વયં જાઉં દોસ્તી કરવા. શોખ દોસ્તો બનાવવાનો.!!

આ નવો ફ્રેન્ડ મામુ બોય સાથે ફ્રેન્ડશીપ તો થઈ બટ એના પછીની આખી લાઈફ જ મારી પલટી ગઈ.

એ દિવસે બન્યું એવું કે મારી કારમાં થોડો પ્રોબ્લેમ આવી ગયેલો. કારને સર્વિસમાં અપાયેલી. સ્કૂટી તો હતી પરંતુ તે ઘરે ના રહેતી. હું મારા સમયે ક્યારે પણ જીમમાં જતી. પછી એ રાત હોય કે દિવસ. સાથે જ મને આદત છે હું જીમ બાદ ખાસો કારનો મોટો રાઉન્ડ લઈને ઘરે પહોંચું.

એમ પણ હું કોઈની પણ લિફ્ટ તો લઈ જ લેતી પરંતુ તે રાત્રે આ મામુબોયને સામે જ સ્કૂટી લઈને બહાર નીકળતાં જોયો અને અમસ્તાજ પૂછી પાડ્યું, “ ક્યાં, દિવાન નગર..?”

સંજોગે એણે પણ ધીરેથી કહ્યું, “હા”

મેં એના જવાબની રાહ નાં જોઈ કે નાં એવું પણ પૂછ્યું નહીં કે, દિવાન નગરને ત્યાં છોડ જે..!!

હું ડાયરેક્ટ જઈને એણી પાછળ બેસી જ ગઈ. એણે કંઈ પૂછ્યું નહીં અને સ્કૂટી ચાલુ કરી.

થોડી વારમાં હું અકળાઈને પૂછવા લાગી, “એહ, નાના છોકરાની સાઈકલ ચલાવી રહ્યો છે કે? આટલું ધીમું, ઊભી રાખ તો..”

એણે એક શબ્દ કાઢ્યો નહીં ચુપચાપ સ્કૂટી થોભાવી. એ ઉતર્યો અને હું આગળ બેસી. એના પાછળ બેસતાની સાથે જ હું ઝડપથી સ્કૂટી ભગાવી મૂકી.

એણે થોડી વારમાં કહ્યું, “દિવાન નગર તો ગયું, તમને ક્યાં જવું છે?”

મેં સામેથી ઉત્તર આપ્યો, “અરે ડર નહીં હું તને કિડનેપ નથી કરવાની. એક રાઉન્ડ લેવા દે. તને તારા રસ્તે છોડી દઈશ.”

મારું આવું વર્તન જોઈને એણે અજીબ તો ફીલ થયું જ હશે કે કેવી છોકરી છે જાણે આખી પ્રોપર્ટી એના ડેડની હોય.!!

***

શું કરું હું એવી જ છું. લોકોને વર્તન મારું ખરાબ જરૂર લાગતું હશે કે કોઈ સૂઝ નામની ચીજ જ નથી. હા છું એવી પણ દિલથી સાફ છું. મારા મોમ ડેડ પર તો હું હુકમ ચલાવી નથી સકતી, કે ના હું તેમની બની શકું કે ના તેઓ મારા બની શકે. એટલે બહારનાં લોકો જ મારા પોતાનાં થઈ ગયેલા અને હું એમના પર એવી રીતે હક જતાવતી જાણે તેઓ મારા પોતાના હોય.

ધનાઢ્ય મહેતા પરિવારની એક માત્ર સંતાન હું એટલે કે અનિકા. મારા દાદાની જેટલી મિલકત એ બધી જ મારા નામની. મોમ ડેડ સાથે તો રહું છું ફક્ત ઔપચારિક ખાતર અને એવા જ સંબંધો. મોમ ડેડ શિખામણ આપવા આગળ તો આવે, હું ફક્ત ત્યારે એટલું જ કહેતી કે મને તમારો સમય જોઈએ. મોમ ડેડ કહેતાં સમય, પૈસા બધું જ તારા માટે જ છે. જેટલો બાકીનો સમય એમણે મળતો તો તેઓ પોતાનો જીવ હળવો કરવા માટે બંને અલગ અલગ ફરતાં.

દિવાન નગરને થોડે દૂર આવેલો મોટો આલીશાન બંગલામાં એકલી જ ચીખો પાડીને હું કહેતી, “તમારા પૈસા મને કામના નથી, મારા માટે સમય નથી..?? મારા માટે સમય નથી?? તો મને જન્મ આપવા માટે સમય હતો??????”

***

આખા રસ્તે તે મામુ લાગતો છોકરો ચુપ જ રહ્યો. એક શબ્દ નહીં બોલ્યો. હું એણે છોડીને એટલે કે એની સ્કૂટીને હવાલે કરી મારા બંગલે ચાલીને આવી. મોબાઈલમાં જોયું, રાતનાં દસ વાગી ગયેલાં. બંગલામાં પહોંચતા જ મોમ ડેડના ઝગડાનો શોર આવવા લાગ્યો. હું દાદરા ચઢી મારા આલીશાન રૂમમાં બાથ લેવા માટે ગઈ. આ તો રોજનું જ હતું.

બાથ લઈને આવી. બેડ પર પડતાં જ મને આખી રાત તે મામુ બોયનો વિચાર આવવાં લાગ્યો. હું કેટલી રૂડલી રીતે વર્તી તો પણ આટલું શાંત દિમાગ એણે રાખ્યું. શું હશે એનામાં એવું કે મને તે એક શબ્દ નહીં બોલ્યો. પરંતુ તે એટલો દુઃખી કેમ લાગતો હતો? ચાલો, હું તો મારી લાઈફથી દુઃખી થઈને બહાર સુખ શોધતી ફરું છું એટલે કદાચ હું એવી હોઈશ. પરંતુ તે છોકરો કેમ આટલો ગમગીન લાગતો હતો? કંઈ તો પૂછવું જોઈતું હતું મને, નામ પણ પૂછ્યું નહીં! એક સ્માઈલ પણ નહીં કે એક સવાલ પણ નહીં. ચાલો હશે એનું કંઈક એમ મારા મન ને મનાવીને હું સુઈ ગઈ.

હવે જીમમાં અમારી મુલાકાતો તો રોજ થવા લાગી પરંતુ એક મહિનો પૂરો થઈ ગયો હશે તો પણ એ છોકરો મોઢાથી કંઈ ઉચ્ચારે જ નહીં. હું એણે સામેથી હાયહેલ્લો કરતી. એ ફક્ત ડોકું ધુણાવતો. હું મનોમન જોક કરતી ગઈ કે કદાચ આ છોકરો ડરતો તો નહીં હોય ને મારાથી, કે ફરી લિફ્ટ લેવા પાછી તો સ્કૂટી પર નહીં બેસી જાય ને ચૂપચાપ..!! પરંતુ જે હોય તે મને આ બોય વિષે જાણવાની જિજ્ઞાસા વધી.

દિવસો વીત્યા પરંતુ કોઈ જ ફરક નહીં. હું અકળાઈ. આવું બધું રોજ રોજનું શાંત જોઈને. પણ હું કેમ અકળાઈ રહી હતી? એનો જવાબ મને આ છોકરા પાસેથી જ મેળવવો હતો. વર્કઆઉટ પૂરું કરી એ જીમની બહાર ગયો. મારી નજર હંમેશા એના પર રહેતી. હું પણ એની પાછળ ગઈ અને સામે જઈને પૂછી પાડ્યું, “ નામ શું છે તારું? તું સાચે જ બોડી બનાવવા આવ્યો છે? તો આમ મુરઝાયેલા ચહેરાથી બોડી થોડી બની જવાની?.”

એ કંઈ બોલ્યો નહીં.

હું બેચન બની ફરી કહેવાં લાગી, “અરે ઓ, ફરી લિફ્ટ નથી માંગવાની.”

એ ધીમેથી બોલ્યો પણ બોલ્યો ખરો, “કોણે કીધું હું બોડી બનાવા આવ્યો છું? મારો ચહેરો જ આવો છે મુરઝાયેલો.”

હું હસી ખૂબ હસી. બહાર આવતા જતા લોકોની નજર અમારા તરફ પડી. એણે આ બધું ગમ્યું નહીં.

હું ચાહતી હતી કે તે વધારે વાત કરે પરંતુ તે એટલું જ કહી નીકળી ગયો. હું અસંતુષ્ટ નજરે તેણે જતા જોઈ રહી. મને એ ખબર પડી રહી ન હતી કે હું શેના માટે એ છોકરાની લાઈફ વિષે જાણવાનો પ્રયત્ન કરી રહી હતી.?

***

દિવસો એમ જ વિતતા જતા હતાં. મારી જિજ્ઞાસા વધવા લાગી એના જીવનની તમામ જાણકારી હું હાંસિલ કરીને જ રહીશ એવું મનમાં જ ઠરાવી લીધું. એટલે મેં શુરૂઆત જીમથી જ કરી. જીમનાં એક ટ્રેનરના મોઢેથી મેં એનું નામ સાંભળ્યું હતું, “મામુ.” હું તે દિવસથી જ મનોમન એનું નામ મામુ બોય રાખી દીધું હતું.

***

ત્રણ મહિના જેટલા વીતી ગયા હશે. એક સાંજે જીમની બહાર હું નીકળતી હતી ત્યારે એણે મને રોકી. એ ધીમેથી બોલ્યો, “ મેડમ મને જોબ કરવી છે. તમારા ધ્યાનમાં મારે લાયક કોઈ કામ નજરે હોય તો મને કહેજો.”

હું ઉકળી અને કહ્યું, “હું તને મેડમ લાગુ છું? મારા સ્ટાઈલીશ પોશાક જોઈને તું અનુમાન લગાવી દીધું હેં! સાચું કહું તને, વીસ વર્ષની થઈ ગઈ છું તો પણ હું કોઈ જ કમાવાના ધંધા નથી કરતી. ભિખારી તો મને કહેવાય, દાદાની પ્રોપર્ટી પર જીવું છું. તું મારી પાસે શું જોબ માગે છે?”

મને તે દિવસે શું થઈ ગયેલું ભગવાન જાણે પરંતુ મેં મારા હૈયાનો આક્રોશ એની સામે આવું એકસામટું બોલીને હળવો કર્યો હતો.

એણે એટલું જ કહ્યું, “ઓ.કે.”

મને મારા પર ગુસ્સો આવ્યો. હું શું બોલી ગઈ એનું તરત ભાન થતાં વળતો જવાબ વાળતા હળવે રહીને કહ્યું, “ અરે યાર સોરી, શું કરું કોઈ પોતાનું નથી દિલનો ઉભરો ઠાલવવા માટે એટલે જે આવ્યું તે બકી દીધું યાર તારી સામે. મને ચાર દિવસ આપ હું તારા જોબનું કંઈક કરું છું.”

એ તો કંઈ બકવાનો ન હતો. એ ટકટક કરતો ફક્ત જોતો રહેતો.

“તારું નામ મને જાણવા નથી મળ્યું.” મેં પૂછી પાડ્યું.

“વંશ” એ ફક્ત એટલું બોલ્યો.

હું નાની સ્માઈલ આપતી રહી ગઈ.

***

મારા મોમ ડેડની ઓળખાણ તો ખાસી વિસ્તરેલી હતી. તેઓ બંને મારા દાદાનો બિઝનેસ સંભાળતા. પરંતુ મને એમની કોઈ પણ મદદ લઈને માથાનો ભાર વધારવાનો ન હતો. વંશને કદાચ કોઈ જીમના સ્ટાફે જ જણાવ્યું હશે કે મહેતા’ઝ કંપની આ છોકરીના ઘરની જ કંપની છે..!

થોડા દિવસો બાદ મામુ બોય સાંજે મારા બંગલે પહોંચ્યો હતો. ચાર દિવસ તો કીધું હતું જોબ માટે પરંતુ દસ દિવસ જેવા થઈ ગયા હતા તો પણ હું હજુ સુધી એના જોબ માટેનો બંદોબસ્ત કરી શકી નહીં. યાદ જ ન હતું રહ્યું. રમા કાકુ ઉપર આવીને મને કહી ગયા, “ બચ્ચી, વંશ નામનો છોકરો તમને મળવા માંગે છે? શું નીચે હોલમાં બેસાડું?”

મને સારું લાગ્યું કે વંશ મળવા માટે અહીં બંગલે આવ્યો. પાર્ટી શાર્ટી વધારે પડતી કરી લીધી હતી તેથી હું જીમમાં લાસ્ટ કેટલા દિવસથી જઈ નહીં શકી. હું ઉત્સાહથી કહ્યું, “અરે રમા કાકુ, નીચે નહીં ઉપર મોકલો.”

રમા કાકા અમારો જુનો વફાદાર નોકર હતો. પરંતુ મારા કહેવાં બાદ તેમના ચહેરા પર અજીબ પ્રકારનો ડર દેખાવા લાગ્યો. હું સમજી ગઈ કે ઘરમાં મોમ ડેડ હશે. એમને બંનેને નવા ફ્રેન્ડો બનાવાના મારા શોખથી નફરત હતી. એમને સ્ટેટ્સ વાળા બધા જ લોકો પસંદ હતાં તેઓ મોટા માણસો સાથે દોસ્તી રાખતાં. પરંતુ મારો જ શોખ તેઓને ખટકતો.

હું શાંતિથી કહ્યું, “કાકુ તમે મોકલો, એ કોઈ અટપટો ચટપટો ફ્રેન્ડ નથી. એમનું નામ વંશ છે. હું મેનેજ કરી લઈશ તમે મોમ ડેડથી શું ડરો છો.”

કાકુ હકારમાં ડોકું હલાવતાં આછું સ્મિત વેરતા જતા હતા ત્યાં જ મેં ફરી કહ્યું, “ કાકુ બે કપ કોફી.”

કાકુ ‘જી’ કહીને જતાં રહ્યાં.

થોડી જ મિનિટોમાં વંશ ઉપર દરવાજાને ત્યાં ટકોરા મારતો જાણે સંકોચ સાથે ઊભો હોય તેવું તેના ચહેરા પરથી કળી શકાતું હતું. એણે જોઈને મેં સામે જ કહ્યું, “વંશ મને મળવા આવવાનું હોય તો હસી ખૂશીથી આવવાનું, એમ ચહેરા પર સંકોચના ભાવ નહિ લાવવાનું યાર.”

“મેડમ, મેં તમને ઘણા બધા મેસેજ અને કોલ કર્યાં પરંતુ તમારો કોઈ સામેથી જવાબ નહીં એટલે અહીં આવવા પડ્યું.” એના સંકોચનો ખુલાસો કરતા તે બોલ્યો.

“હા હશે એ, પાર્ટી પછી મને કંઈ ભાન નથી રહેતું. તું એ છોડ બધું, બોલ શું લેશે? હું કોફી મંગાવી છે. ચાલશે ને?” મેં પૂછ્યું.

ત્યાં જ કાકુ બે કોફીના કપ મૂકીને જતા રહ્યાં.

મેં એણે કોફી ભરેલો કપ આપ્યો અને બીજો મેં લીધો. હું ધીરે ધીરે ઘુંટડા ભરતા એણે જોતી રહી. એ ઝડપથી કોફી પી ને મુદ્દા પર આવ્યો.

એ કંઈ બોલે એના પહેલા મેં એણે રોક્યો, “ અરે તું ઘાઈ કેમ કરે છે? જલ્દી જવું હોય તો આવ્યો કેમ?”

એ કહેવાં લાગ્યો, “ મેડમ, એટલું જરૂરી કામ તો હતું નહીં પરંતુ જોબ..”

મેં એણે વચ્ચે અટકાવતા કહ્યું, “અરે હાં યાર તારો જોબબબબ..બબબ. હું પણ મારી નકામી પાર્ટીઓમાં બીઝી હોવાનાં કારણે...અરે જોબ મળી રહેશે યાર. શું પૈસાની કોઈ જરૂરત આવી પડી છે.?”

એણે મારું આખું વાક્ય પૂરું થવા દીધું અને શાંતિથી કહ્યું, “હા પૈસાની તો જરૂરત છે. પણ મને જોબ મળી ગયો છે એ જ કહેવાં આવ્યો કે તમને વિના કારણ હેરાન થવું પડે એટલે જોબ વિષે કહી દેવું સારું.”

“ઓહ એ તો સારી વાત છે જો સેલેરી ત્યાં ઓછી હોય તો કહેજે.” હું થોડી નિરાશ થતાં કહ્યું.

“થેંક યુ મેડમ, તો હું નીકળું છું?.” જાણે જવા માટે એ મારી સહમતી માંગતો હોય તેવી રીતે પૂછ્યું.

“એહ તું મને મેડમ કેમ કહે છે યાર? અનિકા નામ છે મારું.”

હું ઉકળી કારણ, મને કોઈ પોતાનું માનતું જ નથી. ના મારા મોમ ડેડ કે નાં બહારના જે ફ્રેન્ડો બનાવું તેઓ..!! મને કોઈ પોતાનું જોઈતું હતું યાર કોઈ મને સમજી શકે એવું. મારું નેચર, મારું બધું જ જાણે એવો સાચો સાથી જોઈતો હતો. અને વંશમાં હું તે સાચો સાથી શોધી રહી હતી. પરંતુ તે પણ કોઈ અલગ જ રિશ્તો મારી સાથે નિભાવી રહ્યો હતો.

“અનિકા મેડમ ક્યાં ખોવાયા?” જાણે એ મને ખુશ કરવાં માટે બોલતો હોય તેવી રીતે કહ્યું.

એના શબ્દોથી મારી લાગણીની વિચારધારા તૂટી. હું પોતાને સંભાળતા કહ્યું, “ ઓ.કે. તને અહીં સારું લાગતું હોય તો ફરી આવી શકે હા.”

***

જીમની મુલાકાતો દરમિયાન તે વધારે તો નહીં પંરતુ થોડોક ખૂલીને મારી સાથે વાતો કરવાં લાગ્યો હતો. પરંતુ હા, અમે દોસ્તો બન્યા છતાં વંશ ફરી મારે બંગલે આવ્યો ન હતો કે ના તે બહાર કોઈ દિવસ મને મળ્યો હતો. અમે જીમ દરમિયાન જ બધી વાતો કરતાં. વાતો દરમિયાન તેણે મને એમ પણ કહ્યું હતું કે હું જીમ શા માટે જોડાયો એની વાત માંડીને એક દિવસ કહેશે.

એવામાં જ મને મારાથી પણ ઉંમરમાં મોટો એક વ્યક્તિ મળ્યો. ફ્રેન્ડશીપ કરવાનો મને ગાંડો શોખ. ઉત્સવ એમનું નામ. હું અવારનવાર પાર્ટી, ક્લબો જોઈન કરતી. અને આવી જ પાર્ટીમાં કેટલો શરાબ પેટમાં ઢીંચી દેતી એનું ભાન નહીં રહેતું. પરંતુ એના પછી મારી તબિયત કેટલા દિવસ સુધી બગડેલી રહેતી. રૂમમાં પડી રહેતી. નોકરો ઘણા હતાં એટલે તેઓ જ મારી સેવાચાકરી કરીને મને હોશમાં લાવતાં.

***

એક દિવસ મને એનો ચહેરો ઘણો દુઃખી લાગ્યો. એ સાંજે વંશ મને કહેવાં લાગ્યો, “મેડમ, હું તમને મારી પર્સનલ લાઈફ વિષે કહેવાં માગું છું.”

હું પણ એ જ દિવસની રાહ જોઈ રહી હતી કે વંશ પોતાના વિષે મને જણાવે.

(ક્રમશ..)