Eidi books and stories free download online pdf in Gujarati

ઈદી

ઈદી-એક અધુરી પ્રેમ કહાની નો અંજામ

પવિત્ર રમઝાન માસ પૂર્ણ થઈ ગયો હતો અને આજે રમઝાન ઈદ નો તહેવાર હતો. ઇસ્લામ ધર્મ ધરાવતાં દરેક વ્યક્તિ માટે આ દિવસ નું આગવું મહત્વ હતું. મુસ્લિમ લોકો માટે આ દિવસ હિંદુ લોકો ના દિવાળી ના તહેવાર ની સમકક્ષ હતો. મહિના સુધી ના રોઝા તોડવાનો આ દિવસ સમગ્ર વિશ્વ માં જ્યાં જ્યાં મુસ્લિમ વસ્તી હોય ત્યાં ખૂબ જ હર્ષોલ્લાસ થી ઉજવાતો.

ઈદ હોય એટલે એમાં લોકો પરસ્પર એકબીજા ને ઈદી આપતાં.. આ ઈદી માં નાની મોટી ભેટ સોગાત આપવામાં આવતી. મુંબઈ માં પણ ઈદ નો તહેવાર ઝાકમઝોળ સાથે ઉજવાઈ રહ્યો હતો. મસ્જિદો ને રોશની અને ફૂલો થી શણગારવામાં આવી હતી. લોકો ખૂબ ખુશ હતાં. આ બધી ખુશીઓ વચ્ચે અમુક લોકો એવાં હતાં જેમનાં માટે બે ટંક નું ભોજન મળવું પણ મુશ્કેલ હતું. ઘણીવાર તો એમને વગર રમઝાન મહિના એ રોઝા કરવા મજબુર થવું પડતું.

લોકો ને પોતાની ખુશી વચ્ચે આવાં ગરીબ લોકો ની કોઈ ચિંતા જણાતી નહોતી.. પોતાનાં પાછળ હજારો રૂપિયા વાપરતાં લોકો ને આ ગરીબ અને જરૂરિયાત મંદ લોકો માટે કંઈપણ કરવાનું સૂઝતું નહીં.. આમ પણ માણસ જેમ જેમ વિકસિત થઈ રહ્યો છે એમ એમ માનવતા જાણે મરી પરવડી છે.

પણ કહેવાય છે ને કે ક્યારેક ઈશ્વર પોતે ના આવી શકે ત્યારે અમુક ફરિશ્તાઓ ને ઇન્સાન સ્વરૂપે આ ધરતી પર મોકલી આપે છે.. આવો જ એક વ્યક્તિ હતો રેહાન મલિક.. ઉંમર ત્રીસેક વર્ષ.. દેખાવડો પણ હંમેશા ગંભીર રહેતો ચહેરો. નાની ઉંમરે જ પોતાની બુદ્ધિ અને મહેનત ના જોરે લખનૌ થી મુંબઈ આવીને રેહાને કરોડો ની સંપત્તિ કમાઈ હતી. રેહાન ની માલિકી ની રેહાનિયા ઇન્ડસ્ટ્રી અત્યારે મુંબઈ ની ટોપ લિસ્ટેડ ઇન્ડસ્ટ્રી માં થી એક હતી.

રેહાન જ્યારે લખનૌ માં હતો અને જ્યારે એનો પગાર અમુક હજાર રૂપિયા હતો ત્યારે પણ એ રમઝાન માસ માં કમાયેલી એની બધી મૂડી ગરીબ લોકો પાછળ ખર્ચી દેતો.. આજે એ કમાણી કરોડો માં પહોંચી ગઈ હોવા છતાં એનો એ ક્રમ બદલાયો નહોતો. આજે પણ એને વીસ વીસ લાખ ના ચેક શહેર ના દરેક અનાથાશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં મોકલાવી દીધાં હતાં.

રેહાન માનતો કે પોતે રોઝા નથી રાખી શકતો કે કોઈ ધર્મ વિધિ નથી કરી શકતો પણ જો દુઃખી અને ગરીબ લોકો ની મદદ કરશે તો એનું પુણ્ય એને અવશ્ય મળશે. પોતાનાં થી બનતી આર્થિક મદદ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી એને સુકુન મળતું.. એ લોકો ના ચહેરા પર આવતું એક હાસ્ય રેહાન ને જાણે કોઈએ ઈદી આપી હોય એવું લાગતું હતું.

આજે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ માં ચેક પહોંચાડ્યા પછી રેહાન પોતાનાં નિત્યનીયમ મુજબ દર વર્ષ ની જેમ હાજી અલી ની દરગાહ પર નમાઝ પઢવા આવ્યો.. નમાઝ કર્યા પછી એ દરગાહ ની બહાર બેસેલાં લોકો માં ફૂડ પેકેટ અને કપડાં નું પોતાનાં હાથે વિતરણ કરતો.. ઘણાં લોકો રેહાન નાં માથે હાથ મૂકી એને આશીર્વાદ આપતાં ત્યારે એને જે ખુશી મળતી એ ખુશી શાયદ એ કરોડો રૂપિયા ખર્ચી ને પણ ના મેળવી શકત એ નક્કી હતું.

દરગાહ ની બહાર બધાં લોકો લાઈન બંધ બેઠાં હતાં.. રેહાન એક પછી એક બધાં ને ફૂડ પેકેટ અને કપડાં આપતો આગળ વધી રહ્યો હતો એવું એક પાંચ વર્ષ નું નાનું બાળક દોડીને રેહાન ની સમીપ આવ્યું અને બોલ્યું..

"મને બહુ ભૂખ લાગી છે.. મને પહેલાં આપો ને જમવાનું.. "

"એ છોકરાં જા તું લાઈન માં જ્યાં હતો ત્યાં જઈને બેસી જા.. તારો વારો આવશે એટલે મળી જશે.. "રેહાન ની સાથે હાજર એની ઓફીસ ના એક માણસે એ છોકરા ને ધમકાવતાં કહ્યું.. . એ વ્યક્તિ ના ધમકાવવા થી એ બાળક ઉદાસ ચહેરે પાછું જતું હતું એટલે રેહાને એને પોતાની જોડે બોલાવી ને કહ્યું..

"એ અહીં આવ.. લે આ જમવાનું લેતો જા.. "

"તમે બે પેકેટ આપશો.. મારી અમ્મી માટે.. એ બીમાર છે અને એમને ત્રણ દિવસ થી કંઈ નથી ખાધું.. "એ બાળક માસૂમિયત થી બોલ્યું.

"હા કેમ નહીં.. લે બેટા આ જમવાનું તારી અમ્મી માટે પણ લેતો જા"રેહાને જમવાનું બીજું પડીકું એ બાળક ને આપતાં કહ્યું. એ બાળક ને જોઈ રેહાન નું દિલ જાણે પીગળી ગયું.. એ બાળક ની માસૂમિયત એના હૃદય ને સ્પર્શી ગઈ.. આ નાનકડું ફૂલ જેવું બાળક બે ટાઈમ જમી પણ નથી શકતું સરખી રીતે એ જોઈ એને આઘાત લાગ્યો.

"શુક્રિયા.. "આટલું કહી એ બાળક જમવાના પેકેટ લઈને ત્યાંથી જતું હતું ત્યારે રેહાન ને કંઈક સૂઝ્યું એટલે એને એ બાળક ને અટકાવી પોતાની તરફ બોલાવી ને કહ્યું.. "લે બેટા આ દસ હજાર રૂપિયા.. તારા અને તારી અમ્મી ના કંઈક કામ આવશે. "

"ના મારે એની જરૂર નથી.. અમ્મી એ કહ્યું છે કે જરૂર કરતાં વધુ મદદ લેવી પાપ કર્યા બરાબર છે. આ તમે જમવાનું આપ્યું એટલું બહુ છે.. આતો અમ્મી ની તબિયત ઘણા દિવસ થી ખરાબ છે એટલે કંઈ કામ નથી કરી શકતાં એટલે અહીં આવવું પડ્યું.. મારાં અને એમનાં માટે જમવાનું લેવા. "પોતાની કાલી ઘેલી ભાષા માં એ બાળક બોલી રહ્યું હતું.

આ પાંચ વર્ષ નાં માસુમ બાળક ની ખુદારી જોઈ રેહાન ને કંઈક યાદ આવી ગયું.. એના શબ્દો રેહાન ને કોઈક ની યાદ અપાવતાં હતાં.. રેહાને એ બાળક ની જોડે ઘૂંટણીયે બેસી એનો ચહેરો પોતાનાં હાથ માં લઈને પૂછ્યું..

"બેટા તારું નામ શું છે.. ?"

"મારું નામ શાહિદ .. . "એ છોકરાં એ જવાબ આપ્યો. અને પછી ત્યાંથી એ બાળક ચાલવા લાગ્યો.

શાહિદ નામ સાંભળતા જ રેહાન ને જાણે હૃદય માં ઘણા સમય થી સ્થિર રહેલું દર્દ શુળ ની માફક ભોંકાયું હોય એવું મહેસુસ થયું.. !

ફૂડપેકેટ અને કપડાં વહેંચવાનું કામ પોતાનાં સ્ટાફ નાં લોકો ને આપી રેહાન એ છોકરાં ની પાછળ પાછળ દોરવાયો.. આ બાળક અને એની અમ્મી ની કોઈપણ રીતે મદદ કરી એમની જીંદગી માં ખુશીઓ ભરી પોતાનાં દિલ ને ચેન પડશે એવી વાત રેહાન જાણતો હતો. શાહિદ ની પાછળ જતાં જતાં રેહાન ના મન માં પોતાના ભુતકાળ ની યાદો ની પરત એક પછી એક ખુલી રહી હતી.

***

આજ થી લગભગ સાતેક વર્ષ પહેલા પોતે જ્યારે લખનૌ માં એક જગ્યા એ ક્લાર્ક ની નોકરી કરતો એ સમય નો પ્રસંગ રેહાન ના મન માં ઉપસી આવ્યો.

"યાર આજે તો શેઠ મફત માં મારી લેશે મારી.. "સવાર ના પહોર માં નોકરીના સમયે બાઈક પંક્ચર થઈ જતાં બાઈક પંક્ચર કરાવતાં રેહાને ગેરેજ નાં માલિક ખાન ચાચા ને કહ્યું.

"અરે દીકરા જે થાય એ સારા માટે થાય છે.. બસ દસ મિનિટ માં તારું બાઈક ઠીક કરી દઉં થોડી ધીરજ રાખ.. "ચાચા એ કહ્યું.

ચાચા ની વાત સાંભળી રેહાન ગેરેજ ની બહાર મુકેલા બોકડા પર બેઠો. અચાનક રેહાન ની નજર સામે થી આવતી એક છોકરી પર પડી.. પહેરવેશ પર થી રેહાન સમજી ચુક્યો હતો કે એ છોકરી એમનાં જ ધર્મ ની છે.. શું ગજબ નું આકર્ષણ હતું એ હુશનપરી માં.. જાણે ફુરસત નાં સમય માં ખુદા એ ઘડેલી બેનમુન કારીગરી જ જોઈલો.. આંખો મા કાજળ અને ખુલ્લી લહેરાતી ઝુલ્ફો એનાં રૂપ માં વધારો કરી રહી હતી.. એ જ્યારે રોહન ની નજીક થી પસાર થઈ ત્યારે એનાં શરીર માં થી આવતી અત્તર ની ખુશ્બુ રેહાન ને પાગલ કરી મુકવાં કાફી હતી.

"ચાચા આ કોણ છે.. ?"રેહાને તરત જ ખાન ચાચા ને સવાલ કર્યો.

"અરે રે તો સાનિયા બેટી છે.. હનીફ મિયાં ની દીકરી.. "કામ કરતાં કરતાં ખાન ચાચા એ જવાબ આપ્યો. એ દિવસે રેહાન ની બાઈક તો ઠીક થઈ ગઈ પણ એનામાં પંક્ચર પડી ગયું.

બસ પછી તો રેહાન રોજ આ સમયે સાનિયા ને જોવા આવી જતો.. સાનિયા પણ હવે એ નોટિસ કરતી કે રેહાન એને જોવા ત્યાં બેસી રહે છે. આમ ને આમ ઘણો સમય વીતી ગયો પણ રેહાન ની હિંમત ન થઈ કે સાનિયા જોડે વાત કરી શકે.

એક દિવસ સાનિયા નીકળી ત્યારે રેહાન એની તરફ જોઈ રહ્યો હતો.. અચાનક સાનિયા એના તરફ પાછી ફરી અને કહ્યું..

"રોજ આ રીતે જોતો જ રહીશ કે પછી આગળ વધીશ.. "

સાનિયા તો આટલું બોલી ત્યાંથી નીકળી ગઈ પણ રેહાન નાં દિલ માં ખલબલી મચાવતી ગઈ.. બીજા દિવસે રેહાન હિંમત કરી સાનિયા ની જોડે વાતચીત નો દોર આગળ વધાર્યો. ધીરે ધીરે મિત્રતા અને પછી ક્યારે એકબીજાનાં ગળાડૂબ પ્રેમ માં પડ્યાં એની બંને માં થી કોઈને ખબર જ ના રહી.. સમય અને સંજોગો મળતાં એ બંને બધી મર્યાદા પણ ઓળંગી ગયાં અને શારીરિક રીતે પણ એક મેક ના થઈ ગયાં.. સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી બંને એ એકબીજા સાથે.

આવી જ એક બપોરે એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી રેહાને સાનિયા ની ખુલ્લી ઝુલ્ફો માં હાથ ફેરવતાં કહ્યું..

"સાનિયા હવે આ બધું છેલ્લી વાર નું છે.. આગળ હવે આપણે નિકાહ પછી જ એકબીજાની સમીપ આવીશું.. "

"હા રેહાન હવે જલ્દી આપણે નિકાહ કરી લેવા જોઈએ.. પછી હું તારી સાથે હમેશા માટે આવી જઈશ.. પછી તું મને બહુ પ્રેમ કરજે.. મારા સિવાય તારા પ્રેમ માં કોઈ નો ભાગ ના પડવો જોઈએ.. "રેહાન ની ખુલ્લી છાતી માં પોતાની આંગળીઓ ના હળવાં સ્પર્શ સાથે સાનિયા એ કહ્યું.

થોડું વિચાર્યા બાદ રેહાને કહ્યું.. "પણ યાર મારાં પ્રેમ માં એક વ્યક્તિ ભાગ પડાવશે.. "

"કોણ.. બોલ.. કોણ છે એ ફૂલટા.. નામ બોલ એ ડાકણ નું.. "ગુસ્સા ભર્યા સ્વરે રેહાન ની છાતી માં ધીરેથી મુક્કો મારી સાનિયા એ કહ્યું.

"અરે આખી વાત તો સાંભળ મારી માં.. એ બીજું કોઈ નહીં પણ આપણી દીકરી હશે ઝોયા.. "શાહિદે હળવેક થી હસીને કહ્યું.

"ઓહ.. તો નક્કી પણ કરી લીધું જનાબે કે દીકરી જ આવશે.. અને એનું નામ ઝોયા હશે.. કહેવું પડે તમારું તો.. પણ રેહાન જો દીકરો આવ્યો તો.. ?"આંખો પહોળી કરી સાનિયા એ સવાલ કર્યો.

"તો એ મારા પ્રેમ માં ભાગ પડાવશે.. અને એનું નામ આપણે શાહિદ રાખીશું.. "સાનિયા ના ગાલ પર એક નાનકડું ચુંબન કરી રેહાને કહ્યું.

"હા પણ એ માટે અબ્બુ જોડે મારી સાથે નિકાહ કરવાની રજા માંગવી પડશે.. એ પણ જલ્દી. પછી રેહાન અને સાનિયા માં થી આપણે ઝટ રેહાનિયા બની જઈએ. "રેહાન ના માથે ટપલી મારી સાનિયા એ કહ્યું.

"વાહ શું નામ આપ્યું છે આપણી જોડી નું.. રેહાન અને સાનિયા એટલે રેહાનિયા.. હું જો ક્યારેક પોતાનો બિઝનેસ શરૂ કરીશ તો મારી કંપની નું નામ રેહાનિયા જ રાખીશ.. હા બસ આવતાં મહિને આવું છું તારા ઘરે.. હું રહ્યો અનાથ, આગળ-પાછળ કોઈ છે નહીં એટલે મારે જાતે જ આવવું પડશે તારો હાથ માંગવા"આટલું કહી રેહાન સાનિયા ને વળગી પડ્યો અને બંને પાછા પ્રેમસાગર માં ડૂબી ગયાં.

***

હજુ તો પોતાની ભુતકાળ ની હસીન યાદો વિશે રેહાન વિચારતો હતો એટલામાં એ બાળક એક ચાલી માં આવેલાં મકાન ની અંદર પ્રવેશ્યો.. રેહાન પણ એની પાછળ મકાન ના દરવાજા સુધી ગયો અને અંદર શું વાતચીત થાય છે એ માટે કાન બારણે માંડ્યા.

"અમ્મી જો.. તારા માટે હું શું લાવ્યો.. "જુના પુરાણા ખાટલા માં સુતેલી પોતાની અમ્મી ને ઉઠાડી પોતાની જોડે રહેલાં ફૂડ પેકેટ ને બતાવી શાહિદે કહ્યું.

"અરે વાહ તું મારા માટે જમવાનું લાવ્યો.. મારો વ્હાલો દીકરો.. "આટલું કહી એ સ્ત્રી એ શાહિદ ને ગળે લગાવી દીધો.. અને પછી માં અને દીકરા એ એકબીજાને પોતપોતાનાં હાથ થી ખવડાવવાનું શરૂ કર્યું.

આ તરફ એ સ્ત્રી નો અવાજ સાંભળી રેહાન સ્તબ્ધ બની ગયો. શાહિદ ની અમ્મી બીજું કોઈ નહીં પણ સાનિયા છે એ જોઈ રેહાન ને આંચકો લાગ્યો.. રેહાને મનોમન વિચાર્યું કે "મારા જોડે કરેલી બેવફાઈ ની સજા સાનિયા ને મળી ગઈ છે.. એ એનાં જ લાયક હતી.. "આટલું વિચારી રેહાન એ મકાન ના બારણે થી જ પાછો વળતો હતો.. પણ એ બાળક વિશે વિચારી એનાં પગ અટકી ગયાં.. સાનિયા ના પાપ ની સજા આ બાળક ભોગવે એ વ્યાજબી તો નહોતું એમ વિચારી રેહાન મકાન ની અંદર પ્રવેશ્યો.

આમ પણ ઘણા સવાલો એવાં હતા જેના જવાબ હજુ સાનિયા જોડે લેવાનાં બાકી હતાં.. રેહાન ના પગરવ નાં અવાજ થી સાનિયા નું ધ્યાન ભંગ થયું અને એને બારણાં તરફ નજર કરી તો સામે રેહાન ને જોઈ એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. અનાયાસે એ પોતાનાં ખાટલા માં થી ઉભી થઈ ગઈ અને એટલું જ બોલી શકી.. "રેહાન.. "અને ત્યાં જ જમીન પર ફસડાઈ પડી.

સાનિયા ના નીચે જમીન પર પડતાં જ શાહિદે "અમ્મી અમ્મી"કરીને રડવાનું શરૂ કર્યું.. કેવી થઈ ગઈ હતી સાનિયા.. ક્યાં એ સાનિયા જેને પોતે પહેલી વખત જોઈ હતી અને ક્યાં આ સાવ નંખાઈ ગયેલી સાનિયા. એનો ચહેરો પણ સાવ નિસ્તેજ હતો. જે અધર હંમેશા ગુલાબ ની પાંખડી જેવાં દેખાતાં એ અત્યારે સાવ રસવિહીન ભાસતાં હતાં. આમ તો સાનિયા પ્રત્યે પોતનાં દિલ માં જે ગુસ્સો હતો એની આગ તો ક્યારેય શાંત થાય એવી નહોતી પણ માણસાઈ ખાતર રેહાન સાનિયા ને દવાખાને લઈ ગયો.

ડોક્ટરે ગ્લુકોઝ ના બાટલા ચડાવી જરૂરી ટ્રીટમેન્ટ આપી એટલે સાનિયા ભાન માં આવી ગઈ.. ડોકટર ની રજા લઈ રેહાન એને મળવા એની પાસે ગયો.

"હવે કેમ છે તને.. ?"ના મન નાં ખબરઅંતર પૂછતો હોય એમ રેહાન બોલ્યો.

"મને પૂછે છે કેમ છે.. રેહાન તારા ગયાં પછી મારા માટે તો બધું જેમ તેમ છે.. "ડૂસકું ભરીને સાનિયા એ કહ્યું.

"મારા ગયાં પછી.. અરે જતી તો તું રહી હતી.. એ દિવસ ની મુલાકાત પછી અચાનક તું ગાયબ જ થઈ ગઈ.. જ્યારે તપાસ કરી તો ખબર પડી કે તારાં નિકાહ નક્કી થઈ ગયાં છે.. એ પણ લખનૌ નાં મોટા પૈસાદાર કુટુંબ માં.. બસ પછી હું તને બીજાની થતી જોઈ શકું એમ નહોતો એટલે અહીં મુંબઈ આવી ગયો.. અરે કેમ આવું કર્યું મારાં જોડે.. મારા સાચા પ્રેમ ની આ સજા.. તે કરેલાં કર્મો ની સજા તું અત્યારે ભોગવી રહી છો.. મારી સાથે કરેલી બેવફાઈ નું પરિણામ સ્વરૂપ તારી આ દયનીય હાલત થઈ ગઈ છે"આટલું કહી રેહાન રડી પડ્યો.. અને બસ રડતો જ રહ્યો.

થોડીવાર થઈ એટલે રેહાન થોડો સ્વસ્થ થયો એટલે સાનિયા એ પોતાની બાજુ માં પડેલા કાચ ના જગ માં થી એક ગ્લાસ પાણી ભરી રેહાન ને આપ્યું અને કહ્યું.

"બોલી રહ્યો કે હજુ કંઈ બાકી છે બોલવાનું.. ??જો તારી વાત પૂર્ણ થઈ હોય તો હું પણ મારી સફાઈ માં પોતાની વાત રજૂ કરી શકું.. ?"

"અરે તું શું તારી સફાઈ આપતી.. તે મારી સાથે દગો કર્યો છે એ વાત સાચી છે.. પણ હા બોલ હું પણ સાંભળું તું તારી સફાઈ માં શું બોલે છે.. "કટાક્ષ ભાવે રેહાન બોલ્યો.

"રેહાન આપણે બંને જ્યારે છેલ્લી વખત મળ્યા એ વાત ની મારા ઘરે બધાને ખબર પડી ગઈ હતી.. તારા અને મારાં વચ્ચે નાં પ્રેમ સંબંધ વિશે કોઈએ મારાં પરિવાર ના સભ્યો ને જણાવી દીધું એટલે મને માસી ના ઘરે કાનપુર મોકલી દીધી.. ત્યાં થી જ મારી સગાઈ કરવામાં આવી અને હું તને કંઈ કહું એ પહેલાં જ ઉતાવળ માં મારા નિકાહ ની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ.. હું મજબુર હતી.. મારા પર ચોકી પહેરો હતો.. ઘર માં થી બહાર નીકળવા ની પણ કાનપુર માં માસીના ઘરે છૂટ નહોતી.. "આટલું કહી સાનિયા અટકી ગઈ.

"તો પછી તે તારી મરજી વિરુદ્ધ નિકાહ કર્યાં હતાં એમ કહેવા માંગે છે તું.. તો પછી તારો એ શોહર ક્યાં છે અને તું અહીં મુંબઈ માં શું કરે?"સવાલ સૂચક નજરે રેહાને સાનિયા તરફ જોઈ એક પછી એક સવાલો નો મારો ચલાવતાં રેહાન બોલ્યો.

"મેં એવું કીધું કે એ લોકો મારાં નિકાહ કરાવવા માંગતા હતાં.. મેં એવું નથી કીધું કે મારાં નિકાહ થઈ ગયાં છે.. "જાણે મોટો ઘટસ્ફોટ કરતી હોય એમ સાનિયા બોલી.

"મતલબ તે નિકાહ નથી કર્યા તો પછી બહાર બેઠો છે એ શાહિદ.. ?"મન માં અણુબોમ્બ ફૂટ્યો હોય કંઈક અનિચ્છનીય જવાબ મળશે એવી આશા એ રેહાને પૂછ્યું.

"રેહાન એ તારી અને મારી છેલ્લી મુલાકાત ની નિશાની છે.. મારી નિકાહ ની તૈયારીઓ ચાલતી હતી એ સમયે મને ચક્કર આવ્યાં અને હું પડી ગઈ.. અમ્મી અને માસી મને ડોક્ટર જોડે લઈ ગયાં તો ડોક્ટરે મારી તપાસ કરી કહ્યું હું પ્રેગ્નેન્ટ છું.. અને મારા પેટ માં બે માસ નો ગર્ભ નિર્માણ પામી રહ્યો છે. એ લોકો મારું એબોર્શન કરાવી દેવાનાં હતાં.. મને એ માટે બહુ સમજાવવામાં આવી પણ હું કોઈપણ ભોગે તારા પ્રેમ ની એ નિશાની ને ખોવા નહોતી માંગતી.. એટલે એ લોકો બળપૂર્વક મારું એબોર્શન કરાવી દેવાનાં હતાં.. પણ મને એ મંજુર નહોતું એટલે હું એબોર્શન ની આગળની રાતે ત્યાંથી નીકળી ને મારી સહેલી વહીદા ના ઘરે દિલ્હી ભાગી ગઈ.. "આટલું બોલી સાનિયા થોડો સમય રોકાઈ ગઈ.. એની વાત સાંભળી રેહાન ને અત્યારે સાનિયા ને ગુનેગાર ગણવા બદલ પસ્તાવો થઈ રહ્યો હતો.

રેહાન સાનિયા ની બાજુ માં બેઠો અને એનાં હાથ માં પોતાનાં હાથ પરોવી ને પૂછ્યું..

"પછી આગળ શું બન્યું.. ?"

"રેહાન ત્યાં દિલ્હી માં મારી કુખે પુત્ર રત્ન જન્મ્યો જેનું નામ મેં તારા કહ્યા મુજબ શાહિદ રાખ્યું.. શાહિદ ત્રણ વર્ષ નો થયો ત્યાં સુધી હું ત્યાં દિલ્હી માં જ રહી.. મેં તને શોધવાનો અને તારો કોન્ટેક્ટ કરવાનો બહુ પ્રયત્ન કર્યો પણ તું ના મળ્યો. તારો નમ્બર પણ બંધ આવતો હતો.. એક દિવસ છાપા માં વાંચ્યું કે તું બહુ મોટો માણસ બની ગયો છે અને મુંબઈ માં રહે છે ત્યારે તને મળવાની આશા એ હું મુંબઈ આવી ગઈ.. તે પણ તારા વચન મુજબ તારી કંપની નું નામ રેહાનિયા રાખ્યું એ જાણી મને મારા પ્રત્યે તારા દિલ માં હજુપણ પ્રેમ હાજર છે એ સમજાઈ ગયું.. "સાનિયા એ કહ્યું.

"તો પછી તું મને મળવા કેમ ના આવી.. હું અધુરો હતો તારા વગર.. આ કરોડો ની સંપત્તિ પણ મારા માટે કાગળ ના ટુકડા થી વધુ નહોતી.. "રેહાન સાનિયા ની તરફ જોઈને બોલ્યો.

"હું આવી હતી તે મળવા.. તને મળવા માટે મેં બહુ કોશિશ કરી પણ મને ગેટ થી અંદર પ્રવેશ નહોતો મળતો. તારી ઓફીસ ના ચોકીદારો પણ મારી વાત સાંભળ્યા વગર મને હડધૂત કરી કાઢી મુકતાં. આખરે થાકી હારી મેં નિયતી ને આજ મંજુર હશે એ વાત સ્વીકારી નાનું મોટું ઘર કામ કરી ચાલી નાં એ મકાન માં રહેવાનું શરૂ કર્યું.. બસ એ વાત ને બે વર્ષ વીતી ગયાં અને કિસ્મત નું ચક્કર ફરી પાછું ગોળ ફર્યું ને તને આ પવિત્ર રમજાન ઈદ ના દિવસે મારી સામે લાવી ને ઉભો કરી દીધો.. "આટલું કહી સાનિયા રેહાન ને વળગી ને રડવા લાગી.

એનું રુદન સાંભળી બહાર બેઠેલો શાહિદ પણ અંદર આવ્યો અને પોતાની અમ્મી ને એક અજાણ્યા પુરુષ ને વળગીને રડતી જોઈ આશ્ચર્ય પામી એ બોલ્યો..

"અમ્મી આમ કેમ રડે છે અને આમને તું ઓળખે છે આ એ જ અંકલ છે જેમને મને તારા અને મારાં માટે જમવાનું આપ્યું હતું.. "

રેહાને શાહિદ ને તેડી લીધો અને એનાં ગાલ ચુમી ને કહ્યું..

"બેટા ખાલી દુઃખ માં રડાય એવું ના હોય ક્યારેક વધુ પડતી ખુશી પણ તમારી આંખો માં આંસુ લાવી દે.. તારી અમ્મી બહુ ખુશ છે એટલે રડે છે.. અને હું અંકલ નથી તારો અબ્બુ છું.. તારો ડેડી.. "

રેહાન ની વાત સાંભળી શાહિદે પોતાની અમ્મી તરફ સવાલ સૂચક નજરે જોયું.. એટલે સાનિયા એ શાહિદ અને રેહાન ની ફરતે હાથ વીંટાળીને કહ્યું.. "હા દીકરા આ તારા અબ્બુ છે.. "

"અને હવે તમે બંને એ ચાલી ના ઘર માં નહીં રહો.. તમે મારી સાથે મોટા ઘર માં રહેશો.. જ્યાં બધી વસ્તુઓ હશે તારા માટે શાહિદ.. દુનિયા ની દરેક ખુશીઓ તને મળશે ત્યાં.. અને મારા માટે ત્યાં હશે મારો પરિવાર.. મારુ ફેમિલી.. "આટલું કહી રેહાને સાનિયા અને શાહિદ ના કપાળ પર એક નાનું ચુંબન કરી લીધું.

દવાખાને થી રજા લઈ રેહાન સાનિયા અને શાહિદ ની સાથે નીકળી પડ્યો પોતાનાં ઘર ની તરફ.. હવે એ મકાન ઘર બની જવાનું હતું એ નક્કી હતું.. આજે ખરેખર સાનિયા અને શાહિદ સ્વરૂપે રેહાન ને ઈદી મળી ગઈ હતી.. કુદરત દ્વારા અપાયેલી ઈદી!!!

***

જો કોઈ વ્યક્તિ ના ચહેરા પર તમે હાસ્ય લાવી શકતાં હોય તો એ માટે પ્રયત્ન કરતાં રહો.. કેમકે એમનું એ હાસ્ય અને ખુશી અલ્લાહ કે ઈશ્વર ની બંદગી થી ઓછી નહીં હોય.. રેહાન ની જેમ જો લોકો નું ભલું કરશો તો તમને એનાં ફળસ્વરૂપ ઈદી મળશે એ પણ ઈશ્વરે તમારાં માટે નક્કી કરેલી ઈદી.. !!

રમઝાન નાં પવિત્ર અવસર પર આ સુંદર નાનકડી વાર્તા લખવાનો ઉદ્દેશ એ હતો કે તમે પણ વાર તહેવારે ગરીબ અને જરૂરિયાત મંદ લોકો ની સેવા કરશો તો ક્યારેય ઉપરવાળો તમને દુઃખી નહીં કરે.. આ સ્ટોરી અંગે નો તમારો પ્રતિભાવ મારાં whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો.

આ સિવાય મારી અન્ય રચનાઓ આખરી દાવ, બેકફૂટ પંચ અને ડેવિલ પણ તમે માતૃભારતી પર વાંચી શકો છો.. આભાર.. !!

-જતીન. આર. પટેલ