Asatyana Prayogo - 1 books and stories free download online pdf in Gujarati

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા )

અસત્યના પ્રયોગો

( મારી આત્મશ્લાઘા )

અર્પણ

જેના ન હોવાના આઘાતમાં મારાં હોવાં વિષે વિચારતો અને લખતો થયો એ ..પ્રેરણામૂર્તિ

સ્વ. માતૃશ્રી જયકુમારીબેન(કાકી)ના ચરણોમાં ...

અને

મારા વિવેચકની ભૂમિકામાં ટીકાકાર અને ટોકનાર

પિતાશ્રી મધુકાંતભાઈ અને પત્ની સૌ. દીપ્તીને,

મને હમેશાં પ્રોત્સાહિત કરનાર

પુત્ર તથ્ય, દીકરી ફલક અને સાસુમાં ડૉ. કમળાબેનને

તેમજ

પરિવારજનો. મિત્રો અને હિતેચ્છુઓને ...

***

પડ્યો’તો તે‘દિ .. ગોડસેની ગોળીએ, દેહ માત્ર વીંધાઈને,

મરું છું..રો..જ..,મૂલ્યોની વેદીએ, સ્વાર્થ સારું હોમાઈને ..

! હેરામ !

પહેલું પાનું

મહાત્મા ‘સત્યના પ્રયોગો’ લખે ... તો ખોટા મહાત્મા એટલેકે સાચુકલા નહી, પણ એની ભૂમિકા ભજવનારે તો ‘અસત્યના પ્રયોગો’ જ લખવા જોઈએ ને ? મોહનદાસ ‘સત્યના પ્રયોગો’ થકી ‘મહાત્મા’ બન્યા, તો આપણે દીપક્દાસ ‘અસત્યના પ્રયોગો’ થકી શું તીર મારીએ છીએ ... એવો એક પ્રયોગ કરીને જોઈએ તો ખરા. એવા એક તોફાની વિચાર સાથે આ ‘અસત્ય’ની શરૂઆત કરી રહ્યો છું.

શીર્ષક ભલે “અસત્યના પ્રયોગો’ હોય, પણ એનો પ્રતિભાવ તો સત્ય હશે એ જ આપવો પડશે. અને એ પણ .. ખરેખર પૂરું વાંચ્યા પછી જ. .. ફેસબુક પર “લાઈક”ની જેમ જોયા વગર બટન નહી દબાવવાના. ઓકે ?

તો ... આ ‘અસત્યના પ્રયોગો’નું સત્ય એ છે કે, આ લખાણ મારા જીવનના ઘણા એવા અનુભવો વિષે છે, કે જ્યારે મેં જાણે અજાણે કૈક ખોટું કર્યું હોય, અને મને કુદરતી જ તરતજ એની સજા મળી હોય. અથવા તો એ ખોટું કે અસત્ય ચાલ્યું ના હોય કે ટક્યું ના હોય. અને એમાય મજાની વાત તો એ છે કે, મને આવી ખબર પડવા માંડી હોવા છતાં, જાણી જોઇને મેં કૈક ‘અસત્યનો પ્રયોગ’ કર્યો હોય અને ખાત્રી કરી હોય કે.. ઓ કે.,.આ કુદરત દ્વારા સ્વીકાર્ય નથી થયું. એટલે ..આમ તો આ મારી આત્મશ્લાઘા જ કહેવાય.

ચાર લીટીમાં આ વાત કદાચ નહી સમજાય. પણ પૂરું વાંચ્યા પછી સમજાશે અને મારી વાત પર વિચાર કરતા થશો, એવી મને શ્રધ્ધા છે.

કોઈનેય બદનામ કરવાનો ઈરાદો નહી હોવાથી, કે કોઈનેય કોન્ટ્રોવર્સીમાં - વિવાદમાં- નહી લાવવા સારું, મેં અસત્ય અંગે ક્યાંય કોઈના નામનો ઉલ્લેખ કર્યો નથી.

અને હા...ખાસ એ સ્પષ્ટતા પહેલે જ પાને કરું છું કે.. એ સત્ય છે કે, “સત્યના પ્રયોગો” જેવાં મહાન પુસ્તકને શીર્ષકમાં અસમાનતા સિવાય બીજી કોઈ રીતે આ સર્જન સાથે લેવા દેવા નથી કે એવો કોઈ આશય પણ નથી. હા, એ પુસ્તક વાંચીને મને થોડી ઘણી પ્રેરણા અને અમુક વિચારો વિષે ઉઘાડ જરૂર થયા છે.

***

હું અને ગાંધી (?)

દિલ્હીમાં રાષ્ટ્રપતિભવનના મ્યુઝીયમમાં “વોક વીથ ગાંધી” માં ગાંધીજીના વર્ચ્યુઅલ વિડીયોમાં ગાંધીજી તરીકેનું જીવન પર્યંતનું સંભારણું રહેશે એ મારે માટે અત્યાર સુધીની સૌથી મોટી ધન્ય તક હતી. આંતરરાષ્ટ્રીય હિન્દી ફિલ્મ “ગાંધીજી માય મેન્ટર”માં ગાંધીજીના વિચારોને આમજનતા સુધી પહોંચે એ રીતે સમજવાની કસરત થઈ, તો “સરદારપટેલ” નાટકમાં રાજકારણી ગાંધી, “યુગપુરુષ”માં મૂલ્યોને પ્રયોગમાં મુકતા મોહન થી મહાત્માની સફર, શ્યામ બેનેગલ સહિતના અનેક દસ્તાવેજી ચિત્રો, વાયબ્રન્ટ ગુજરાત જેવાં ઈવેન્ટ્સ, આકાશવાણી અને “મહાત્મા અમદાવાદમાં” વિશેની ડીવીડીમાં ગાંધીજીનો અવાજ ... એમ વારંવાર અનેક માધ્યમમાં જુદા જુદા વિષયોને લઈને ગાંધીજી સાથેનો નાતો બનતો ગયો છે.

આમતો કદાચ હું ગાંધીજીને કદાચ ક્યારેય ન વાંચત, પણ અભિનેતા તરીકે ગાંધીજીના વિચારોને સમજવા મેં ગાંધીજીને થોડા ઘણા, ઉપર ઉપરથી વાંચ્યા, અને એમના દસ્તાવેજી ચિત્રો જોયાં અને મહાત્માની નિખાલસ નિર્દોષતાને અને વિનમ્રતાને સમજી શક્યો. એ તો ખરું જ ..પણ શરીર દુબળું રાખવા ખોરાક પર પણ કાબુ રાખવાના પ્રયોગો જીવનમાં કરવાથી અને ખાસ કરીને પાત્રની ગરિમા જાળવવા પ્રાસંગિક ધુમ્રપાન અને મદ્યપાન સંપૂર્ણ બંધ કરવાથી મને ધન્યતા પ્રાપ્ત થઈ. તો અભિનેતા તરીકે શો પૂરો થયા પછી, કે એ વેશભૂષામાં હોઉં એ દરમ્યાન દર્શકોએ જાણે સાક્ષાત (‘સત્ય’) ગાંધીજી હોય એવો આદર મને પગે લાગીને મને (અસત્ય)ને આપ્યો છે. આ બધાં માટે હું પર્સનલી ગાંધીજીનો ઋણી છું અને રહીશ.

મને આ લખવાનો વિચાર આવવો અને ગાંધીજીની ભૂમિકા અભિનેતા તરીકે જીવવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એ માટે હું ઈશ્વરનો આભારી છું.

જેમ કસ્તુરબાના સાથ અને સહકાર વગર કદાચ ગાંધીજી મહાત્મા ન બની શક્યા હોત, એમ મારી કસ્તુરબા દીપ્તી માટે પણ હું એવું જ કબુલ કરું, તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. એ તો બસ “આ અમારે નરસિંહ મહેતા જેવા છે.” એમ બોલીને બળાપો કાઢવા સિવાય બીજું કરે પણ શું ?

અને છેલ્લે આ પુસ્તક પ્રસિદ્ધ કરવું જોઈએ કે નહી, એ માટે એની પ્રથમ પ્રત વાંચીને પ્રમાણિક અભિપ્રાય અને સૂચનો આપવા માટે તસ્દી લીધી, એ માટે મારા મિત્ર પ્રોફેસર હિમાંશુ જોષીનો ખાસ આભારી છું.

***

લેખક તરીકે મારા દ્વારા મારો પરિચય

આમતો દરેક બાથરૂમ સિંગર પોતાને સારો ગાયક માનતો જ હોય છે, એમ કયારેક ક્યારેક મેં થોડું થોડું નિજાનંદ માટે થોડીક કવિતાઓ ને એવું બધું લખ્યું છે, ક્યારેક મિત્ર દિગંત સોમપુરાના આગ્રહથી ‘ગુજરાત ટાઈમ્સ’ (યુ.એસ.એ.) માટે સંકલન પ્રકારના લેખ અને મોટે ભાગે મારી દિગ્દર્શિત ફિલ્મો, એડ-ફિલ્મો, દસ્તાવેજી ચિત્રો લખ્યાં છે. હા, થોડુંક જેને મારા લખાણ અને સંશોધનમાં વિશ્વાસ હતો તેવા મિત્રોના દસ્તાવેજી ચિત્રો માટે પણ લખ્યું છે. એમતો “સરદાર પટેલ” અને બીજાં નાટકો, “ડોક્ટરની ડાયરી”ની વાર્તા પરથી ટીવી સીરીય્લ્સના એપીસોડસ, કેટલાક ટીવી કાર્યક્રમોના શીર્ષક ગીત, અનેક એપીસોડસની એન્કરીંગની સ્ક્રીપ્ટ્સ, “આત્મ ગીતા” પુસ્તકમાં પ્રસ્તાવના તો કોઈ પુસ્તકમાં લેખ ...ઓહ્હો...આ તો જેમ યાદઆવતું જાય છે, એમ યાદી વધતી જાય છે.! .. ટૂંકમાં ... મને મારા લખવા પર થોડો આત્મવિશ્વાસ છે, અને આટલો અનુભવ છે એટલે સાહસ કર્યું છે. એટલે આગળ વાંચશો તો નિરાશ નહી થાવ, એવું આશ્વાસન હું પહેલા જ આપી દઉં છું.

પણ...યાદ કરતાં એવું યાદ આવે છે કે, સન ૧૯૮૯ના સપ્ટેમ્બરમાં મારી માં જયકુમારીનું માત્ર બાવન વર્ષની યુવાન વયે અચાનક જ ટૂંકી માંદગી બાદ અવસાન થયું, એ મારી જીંદગીમાં મારા માટે પહેલો અને સૌથી મોટો આઘાત હતો. એ પછી વિચારે ચઢી જતો અને દુનિયાના ક્રમ, “આવું શાને થાય છે?” એવું બધું વિચારતો થયો અને જીવનમાં પહેલીવાર મારી માં ને સંબોધીને બે-ચાર પાના લખ્યાં ...એ મારું પહેલું મૌલિક લખાણ .... એમ કહી શકાય

એ પછી દુનિયાને અને જીવન-મૃત્યુના સત્યને સમજવા તરફ વિચાર અને વાંચન દોરવાયાં અને હું લખતો થયો. જો કે, મામા નવીનભાઈ અંજારિયા “કચ્છમિત્ર”ના તંત્રી હતા અને પપ્પા મધુકાન્તભાઇનો પણ થોડો રસ કળા અને લખવા તરફ ખરો ... એટલે લખવું એ મારા જનીન – genes – માં ખરું.

પણ ... આ કૌશલ્યનો સારો એવો પ્રયોગ અને અનુભવ મને દીપ્તી સાથે પ્રેમ થયો પછી એને લાંબા લાંબા પ્રેમપત્રો લખવામાં મળ્યો. થેંક ગોડ.. એ વખતે મોબાઈલ નહોતા, નહિતર કદાચ મને આ શૃંગારિક અનુભવનો લાભ મળત જ નહી. અને મારી આલેખન-પ્રતિભા અંદર જ ધરબાયેલી રહેત. પણ... બત્રીસ બત્રીસ પાનાના લાંબા પ્રેમ પત્રો પછી પણ દીપ્તીએ મારી સાથે લગ્ન કર્યાં, એટલે આત્મવિશ્વાસ વધ્યો. કારણકે, હું તો ડીપ્લોમાં ઇન્જિનીયર અને નાટ્યવિદ્યા સ્નાતક હતો, પણ દીપ્તી એમ.એસ.ડબ્લ્યુ એટલેકે મારા કરતાં વધુ ભણેલી તો કહેવાય જ, પણ ગુજરાતી સાહિત્ય અને સંગીતમાં પણ એને રસ હતો. એટલે ... સારાં લેખન કૌશલ્ય થકી પહેલી સફળતા પુરવાર થઈ. ( જો કે એવું મને લાગે છે હોં ...) મેં હજી દીપ્તીને પૂછવાની હિંમત નથી કરી, કે “એજ કૌશલ્ય પ્રતિભા પણ લગ્ન કરવાના કારણોમાનું એક હતું, કે પછી “આવા ડોબા સાથે શાંતિથી જીવન નીકળી જશે.” એ હતું ?” ... જવાબ ગમે તે હોય ...હવે લગ્ન જીવનના અઠ્ઠયાવીસ વર્ષ પછી બહુ ફેર નથી પડતો. કારણકે, મારામાં એટલી સમજણ આવી ગઈ છે કે, એક બીજા સામે ડોબા જેવાં થઈને રહેવામાં જ સંસાર સુખમય પસાર થશે.

એટલે મારી દ્રષ્ટીએ હું સહન થઇ શકે અને વાચકના હ્રદય-મન સુધી પહોંચી શકું, એટલું સરળ અને અસરકારક લખું છું, એવું મારું માનવું છે. હવે આ પુસ્તક વાંચ્યા પછી ‘સત્ય–અસત્ય’ તમે જાણો. લેખકની કોઈ જવાબદારી કે બાહેંધરી રહેતી નથી. લખ્યા પછી વંચાયેલો માલ પાછો લેવામાં આવશે નહી.

***