Premalaap - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમાલાપ ભાગ-૨

"પ્રેમાલાપ"

ભાગ-૨

"પ્રેમાલાપ" ભાગ-૧ માં આપણે પ્રેમની ઘણી મીઠી માધુરી વાતોનો મેળાપ કર્યો સાથે સારા પ્રતિસાદ મળ્યા અને આપના બધા જ પ્રતિસાદને આપણે દિલ ખોલીને વધાવ્યા છે. પ્રેમની વાત કરવા શબ્દ કયારેય ખૂટે એવું લાગે છે તમને? ફરી એ જ પ્રેમ, પ્રેમ અને ફક્ત પ્રેમની જ વાતો લઈને આપની સમક્ષ રજુ થઇ છું.

પ્રેમને કાયમ અકબંધ રાખતા મહત્વના પરિબળોની ચર્ચા આપણે કરીશુ "પ્રેમાલાપ" ભાગ-૨માં. એ મહત્વના પરિબળોના સહારે પ્રેમની મજબૂત દીવાલ ચણતા ઇમારતની મજબૂતીની ચિંતા કાયમ માટે દૂર થઇ જાય છે અને એ જ પરિબળો સાથેની ચર્ચા થોડા રમૂજ સાથે કરીશુ એટલે મઝા રહેશે.

૧) ધીરજ:- પ્રેમને ક્ષિતિજ સુધી પાંગરવા માટે સમય લાગે છે. ખરું ને?

* પ્રેમ થાય ત્યારે જીવન જાણે ગુલાબના પુષ્પની જેમ મહેકે, મન પતંગિયાની જેમ ઉડાઉડ કરે અને બસ સપનાઓ જ જોવાનું મન થાય આ બધું વિચારીને જેટલી મઝા આવે છે એટલી જ મઝા એની અનુભૂતિમાં આવતી જ હશે ને! બસ એ જ પ્રેમ, લાગણી, સ્નેહ અને સપનાઓને પાંગરવા માટે સમય તો લાગે ને?

* દરેક વસ્તુને સમય આપવો પડે એ વાત આપણે બધા જ જાણીએ છે. પ્રેમ થાય પછી એ પ્રેમને અનંતકાળ સુધી અકબંધ રાખવા માટે આખી જિંદગી એમાં પ્રેમ, લાગણી, વિશ્વાસ, માન-સમ્માન અને સ્નેહનું સિંચન કરવું પડે તો જ એ પ્રેમ ચરમસીમા સુધી પહોંચે એ વાતમાં માલ તો છે!

* સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે, ધીરજ રાખી બસ એ પ્રેમની અનુભૂતિ કરી એને સમય આપવો પડે ત્યારે એ પ્રેમ ક્ષિતિજ સુધી આપણો સાથ બનીને રહે અને એ જ જીવનના દરેક પડાવમાં પ્રેમ મહત્વની ભૂમિકા ભજવે.

૨) વિશ્વાસ:- શબ્દ નાનો એની તાકાત ઘણી.

* માણસ જીવે છે, એ પણ એક વિશ્વાસ સાથે. વિશ્વાસમાં કેટલી તાકાત હોય એ આપણે જાણીએ છે બસ એ જ વિશ્વાસ પ્રેમમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રેમમાં વિશ્વાસની મજબૂત ડોર સોનામાં સુગંધ ભળે એમ ભળી જાય છે.

* વિશ્વાસની અનુભૂતિ કરવાની જરૂર જ નથી પડતી સમય સાથે એ પણ પોતાના પરચા પાથરી જ દે છે. વિશ્વાસ એ એવી મજબૂત ડોર છે જે સંબંધને ક્ષિતિજ સુધી, અનંતકાળ સુધી ટકાવી રાખવા માટે પૂરતી છે અને એ જ ડોરના સહારે પ્રેમ જો પાંગરતો રહે તો કોણ કહે છે કે સમય સાથે પ્રેમ બદલાઈ જાય છે??

* પ્રેમમાં વિશ્વાસની જો કમી હોય તો એ પ્રેમ આપણે ચટણી વગર ફાફડા જેવી ફીલિંગ આપવી જાય. હા હા હા.. ખરું ને?

* વિશ્વાસ એ પ્રેમનું અભિન્ન અંગ કહી શકાય. પ્રેમમાં જો "શક" નામનો કીડો ઉધઈ ની જેમ ઘર કરવા લાગે એટલે એ ઇમારતને કોરી ખાય અને પછી એ પ્રેમની ઇમારત ધારાશાહી થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે જ પ્રેમમાં વિશ્વાસની કમી ના થવા દઈએ સાથે સાથીને વફાદાર રહીએ તો જીવનના અડધા પ્રોબ્લેમ તો એમ જ સોલ્વ થઇ જાય છે.

પ્રેમમાં ૩ "સ" બહુ જ મહત્વના ભાગ ભજવી જાણે છે એ છે,

* સમર્પણ

* સંપૂર્ણ સ્વીકાર

* સમજણ અને સમજદારી

૩) સમર્પણ:- પ્રેમ તો નિઃસ્વાર્થ હોય ને ઈ જ પ્રેમમાં સમર્પણ પણ હોય એટલે વાત જ કાંઈક અલગ હોય. કોઈ વ્યક્તિના પ્રેમમાં પુરે-પૂરું સમર્પિત થઇ જવું પણ જરૂરી છે. મીરાંબાઈ રામની ભક્તિમાં જેવા સમર્પિત હતા એમ પ્રેમમાં સમર્પણ એ સતી સીતા જેવું કામ કરે છે.

* સમર્પણનો મતલબ એ નથી કે આખી જિંદગી એના ગુલામ થઇ ને રેહવું, અહીંયા વાત એ થાય છે કે જીવનમાં ગમતી વ્યક્તિની "સામે" થઈને નહિ પરંતુ "સાથે" રહીને જીવવામાં જ ખરી મઝા છે. જીવન આખું પ્રેમની ગંગા સમાન વહાવી દેવું, એવું પણ નથી, પરંતુ જે વ્યક્તિને પ્રેમ કર્યો છે એ વ્યક્તિના જીવનમાં સમર્પિત તો રહી જ શકીએ. મનમાં રહેલા અહંકારને બાજુ પર ખસેડી પ્રેમનું પુષ્પ ખીલવી શકીએ. સમર્પણ કરવું એ કોઈ નાનું એવું કામ નથી સાહેબ, ઘણા જ સંસ્કારોથી ઉપર અને અહંકારને મારીને, જે ભેટ કોઈને આપીએ અને એ પણ જિંદગીભર માટે, બસ એ જ પ્રેમ છે.

* હનુમાનજીની આખી જિંદગી પ્રભુ રામ અને માતા સીતાની ચરણોમાં સમર્પિત કરી દીધી એ વાત બધા જ જાણીએ છે એ સમર્પણ માટે કેટલો મજબૂત નિર્ધાર જોઈએ સાહેબ. કાચા માણસના કામ નહિ! પ્રેમ કરો તો દરેક વસ્તુને પર રહીને કરો તો જ એ પ્રેમ જિંદગીભર "બદલાશે" નહિ.

૪) સંપૂર્ણ સ્વીકાર:- જીવનમાં પ્રેમનો સંપૂર્ણપણે સ્વીકાર કરી શકીએ છે તો પછી એ પ્રેમ કરનાર વ્યક્તિનો કેમ નહિ?? શરૂઆતમાં પ્રેમ આંખોથી થઇ જાય છે બસ એ જ આખોમાં સમય જતા એ પ્રેમ ખૂંચવા લાગે છે એનું સૌથી વિશાળ કારણ એ છે કે આપણે પ્રેમનો સ્વીકાર તો ઉમળકાભેર કરી લઈએ છે પરંતુ એ પ્રેમીનો સ્વીકાર, એના અસ્તિત્વનો સ્વીકાર, એની ખૂબી-ખામીનો સ્વીકાર બસ સંપૂર્ણપણે સ્વીકાર, સ્વીકાર અને સ્વીકાર નથી કરી શકતા અને એટલે જ સમય જતા એ પ્રેમ "બદલાઈ" ગયો હોય એવો ભાસ થાય છે. દોસ્ત, પ્રેમ નથી બદલાયો, તમારો જોવાનો નઝરીયો બદલાયો છે, સામે વાળા વ્યક્તિના અસ્તિત્વને જોવાનો નઝરીયો બદલાયો છે. જો પ્રેમ કરતા પહેલા સંપૂર્ણપણે દિલથી એ પ્રેમી સાથે સંકળાયેલી બધી જ વસ્તુઓનો સ્વીકાર કરીએ તો જ જીવનમાં પ્રેમની કમી ક્યારેય નહિ વર્તાય.

૫) સમજણ અને સમજદારી:- સમજણ હોય એના કરતા "સાચી સમજણ" અને સમજદારી હોય એ વધારે મહત્વનો ભાગ ભજવે છે. કઈ પરિસ્થિતિમાં કઈ કઈ રીતે વર્તન કરવાથી સમસ્યાનો તોડ જલ્દી આવશે એ સમજણ હોવી પણ જરૂરી છે એવી જ રીતે જીવનમાં પ્રેમ કરી વખતે પણ સમજદારી અને સમજણ મહત્વનો ભાગ ભજવે છે સાહેબ. બંને પાત્ર એકબીજાને સાચી સમજણ દ્વારા સમજી શકે અને એકબીજાની ભાવનાઓની કદર કરી શકે એ પણ ખુબ જરૂરી છે. પ્રેમની કસોટી થાય એ સ્વાભાવિક છે પરંતુ એ પ્રેમની કસોટીમાંથી એ જ વ્યક્તિ પાર ઉતરે જેમાં બંને પાત્ર વચ્ચે સાચી સમજણ અને સમજદારી હોય એટલે જ તો પ્રેમને મજબૂતીની ઇમારત બનવી રાખવા બંને પાત્ર વચ્ચે સાચી સમજણ હોવી ખુબ જરૂરી છે અને એટલે જ આપણે જીવનમાં એક વસ્તુ યાદ રાખવી કે કોઈ પણ સમસ્યા આવે ત્યારે સાચી સમજણથી ૧૦ વાર વિચારીને જ પગલું ભરવું કારણ કે આપણું એક પગલું આપણા પ્રેમ સાથે સંબંધમાં પણ મુશ્કેલી સર્જી શકે છે. જીવનમાં સમજણ અને સમજદારી પૂર્વક ઉઠાવેલું દરેક પગલું પ્રેમમાં સફળતાની સાચી સીડીઓ સર કરવી શકે છે.

* જો આપણે પ્રેમ કરનારની ખૂબી થી લઈને ખામી બધી જ વાતુંને પ્રેમ કરીશુ તો પછી સમય જતા પ્રેમમાં બદલાવ અવની બીક કે દર નહિ રહે. શરૂઆતમાં જ બધા પાસ સવળા પડ્યા હશે ને તો ભવિષ્યમાં પાસ અવળા પાડવાનો દર મનમાં કયારેય નહિ આવે.

જેમ મેં પહેલા કહ્યું એમ પ્રેમની પરિભાષા બધા માટે અલગ જ હોય છે અને એ વાત આપણે માનવી જ રહી. પરંતુ "પ્રેમ" તો આદિકાળથી એ જ લાગણી, સ્નેહ અને મજબૂત બંધનથી બંધાતો આવ્યો છે તો એ "પ્રેમ" માં ફેરફાર ના હોઈ શકે. "પરિભાષા" બદલી પરંતુ "પ્રેમ" નહિ .. આ વાક્યમાં માલ તો ખરો!

પ્રેમની આસપાસ બીજા ઘણા પરિબળો છે જે જીવનભર પ્રેમને કાયમ રાખવા માટે જરૂરી છે એવા બધા જ પાસાઓની આપણે ચર્ચાવિચારણા કરીશુ અને આપના અભિપ્રાય સાથે આ પ્રેમના પ્રકરણમાં આપણને વધારે ને વધારે મઝા આવતી રહેશે તો પછી આપના અભિપ્રાય, આપના મનની વાત, પ્રેમની પ્રેમાળ પરિભાષા આપના મતે શું હોઈ શકે, અને બીજું ઘણું બધું જે પ્રેમને જિંદગીભર કાયમ રાખવા મતે જરૂરી મહત્વની ભૂમિકા ભજવે છે એ બધી જ વાતો મને જાણવાની જીજ્ઞાશા રહેશે. પ્રેમના બીજા મહત્વના પરિબળોની ચર્ચા આગળના "પ્રેમાલાપ" માં કાંઈક નવા રસધાર સાથે કરીએ..

આપના અભિપ્રાયની રાહમાં...

બિનલ પટેલ

૮૭૫૮૫૩૬૨૪૨