Maan gaye ustaad books and stories free download online pdf in Gujarati

માન ગયે ઉસ્તાદ

માન ગયે ઉસ્તાદ !

ગબનના કેસમાં સજા પામેલ કેતન બે દિવસ પહેલા જેલમાંથી છૂટી ગયો હતો તેની જાણ ઈ. વાગલેને મળી હતી. કંપનીના પૈસા ઉચાપત કર્યા પછી ઘણી મહેનત કરવાં છતાં તેનો પોલીસને પત્તો નહોતો લાગ્યો. પણ હવે તે જેલ બહાર આવી ગયો છે એટલે કોઈ પણ હિસાબે તેનો સંપર્ક કરી ઉચાપત કરેલા પૈસા ક્યા રાખ્યા હતા તે જાણવું જરૂરી છે તથા તે પાછા મેળવવા શું કરવું તે માટે શું રસ્તો છે તેના વિચારમાં તે હતો ત્યાં જ સામે કેતનને ઉભેલો જોઈ બોલાઈ ગયું કે શેતાનને યાદ કર્યો અને શેતાન હાજર.

‘સાચી વાત છે, ઈ. વાગલે. પણ હું શેતાન હોત તો આમ તમારી સામે હાજર ન થાત.’

‘તો શું જેલમાંથી છૂટ્યા બદલ મીઠાઈ આપવા આવ્યો છે?’

‘એવું જ કાંઈક.’

‘એટલે?’

‘મેં ઉચાપત કરેલા પૈસા હું પાછા આપવા આવ્યો છું.’

‘શું? પૈસા પાછા આપવા? આ તો ન મનાય એવી વાત છે!’

‘નવાઈ પામી ગયાને? તમારી કારકિર્દીમાં તમને આવો કોઈ અનુભવ નહીં થયો હોય તેની મને ખાતરી છે. પણ આ સત્ય છે અને હું પૈસા પાછા આપવા મારી કંપનીમાં તમને સાથે લઇ જવા આવ્યો છું.’

‘પણ આ બધા પૈસા હતાં ક્યા? સાચું કહું? અમે ઘણી શોધખોળ કરી પણ તે ક્યાં છૂપાવ્યા છે તેની જાણ ન થઇ હતી એટલે તારા છૂટવાની રાહ જોતો હતો કારણ આ પૈસા પાછા મેળવવા એ મારા માટે એક ચેલેન્જ હતી.’

કેતન મલકાયો અને કહ્યું કે પૈસા ક્યા છૂપાવ્યા હતાં તે તેની અંગત વાત છે. તમને મમમમથી કામ છે કે ટપટપથી?

‘લાગે છે કે જેલવાસ સહન કર્યા બાદ અક્કલ ઠેકાણે આવી.’

‘ના સાહેબ, છેક એવું નથી. આટલા વર્ષો દરમિયાન જેલમાં મને અવારનવાર વિચાર આવતો કે મેં ખોટું કર્યું છે અને એકવાર હું બહાર આવીશ પછી તમે પણ મારી પાછળ આદુ ખાઈને પડશો જ જેથી મારી બાકીની જિંદગી હરામ થઇ જશે. એટલે બહુ મંથન કર્યા પછી નક્કી કર્યું હતું કે છૂટ્યા બાદ બધા પૈસા કંપનીને પાછા આપી દઈશ. હવે આપ જો મારી સાથે આવો તો તમારી સાક્ષીએ તે પરત કરી આવીએ ’

xxxxxxxxxxx

સાધારણ સ્થિતિમાં ઉછરેલ અને સામાન્ય નોકરી કરનાર કેટલાય યુવાનો દિવાસ્વપ્નો જોતાં હોય છે અને કેતન પણ તેમાં અપવાદ ન હતો. તેનું એવું એક સ્વપ્ન હતું વિશ્વપ્રવાસનું. ઓછા પગારની નોકરીમાં આની શક્યતા ઓછી. પણ કેતન જુદી જ માટીનો માણસ. એકવાર ઈચ્છા થઇ તો તેને કેમ પાર પાડવી તેના રસ્તા તે શોધતો રહ્યો. આ કામ સહેલું ન હતું તેની તેને ખબર હતી એટલે ધીરજ ધરવા સિવાય કોઈ અન્ય માર્ગ ન હતો. પણ ભાગ્યે તેને સાથ આપવાનું ધાર્યું હોય તેમ તે તક અચાનક એક દિવસ તેના ખોળામાં આવી પડી.

આમ તો ઓફિસમાં તે પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરતો. વળી ઉપરીઓની નજરમાં તે વિશ્વાસુ છે તેવી તેની છાપ હતી એટલે અવારનવાર બઢતી મળતી રહેતી. એટલે જ્યારે કંપનીના કેશિયર નિવૃત્ત થયા ત્યારે મેનેજમેન્ટે તે સ્થાન કેતનને આપવાનું નક્કી કર્યું.

એક કેશિયરની જવાબદારી શું છે તે કેતન સારી રીતે સમજતો હતો અને એટલે તે કામ તે સભાનતાથી કરતો હતો. પણ સાથે સાથે તેનાં વિશ્વપ્રવાસની ઈચ્છા પણ બળવત્તર બનતી જતી હતી એટલે હવે તે માટે જરૂરી પૈસા ઉભા કરવા એક કેશિયર હોવાને કારણે મળતી તકનો લાભ લેવા તે પોતાની બુદ્ધિને કામે લગાડવા માંડ્યો. તેની કંપની એક સામાન્ય કંપની હતી અને તેનું કામકાજ બહુ મોટા પાયે ન હતું એટલે ત્યાં બધું વિશ્વાસ પર ચાલતું. તેને લઈને ઉપરીઓ પણ સ્ટાફના ઉપર ખાસ નજર ન રાખતાં એટલે કેતનને તેની મુરાદ પાર પાડવાની સરળ તક મળી તેમાં નવાઈ ન હતી.

સૌથી પહેલા તો તેણે જુદી જુદી પાંચ બેંકમાં જુદા જુદા નામે ખાતા ખોલ્યા. (વર્ષો પહેલા ખાતા ખોલવાનું સરળ હતું – ન સરનામાની સાબિતી, ન પાન કાર્ડ, ન આધાર કાર્ડ). ત્યાર બાદ જ્યારે પણ ઓફિસના ખર્ચા માટે બેંકમાંથી પૈસા ઉપાડવાના હોય ત્યારે કેશિયર તરીકે તે જ જતો. આવે સમયે તે ચેકમાં જરૂર હોય તેનાથી વધુ રકમ ભરતો પણ ચોપડે અને કાઉન્ટર સ્લીપમાં પૂરી રકમ ન જમા કરતાં ઓછી રકમ જ નોંધતો. આમ વધારાની ઉપાડેલી રકમ તે પોતાના જુદા જુદા ખાતામાં ભરી આવતો.

આ પહેલાં તેણે તપાસ કરી હતી કે વિશ્વપ્રવાસ માટે કેટલી રકમ જરૂરી છે. પણ પાંચ-સાત વર્ષ પછી તે રકમ વધવાની એટલે તે મુજબ વ્યવસ્થા કરવી રહી. તેની ગણતરી હતી કે તેની આ ગબન પ્રવૃત્તિ ગમે ત્યારે પકડાવાની અને પકડાશે ત્યારે તે ગુનો પણ કબૂલ કરી લેશે જેથી તેને ત્રણ-ચાર વર્ષની જેલની સજા થશે. પણ તેણે જે રીતે ઉચાપત કરેલી રકમની વ્યવસ્થા કરી છે તેનાં સગડ પોલીસના હાથમાં નહીં આવે.

સમય જતાં તેની પદ્ધતિ મુજબ જરૂર મુજબની રકમ તેના પાંચ બેંક ખાતામાં જમા થઇ ત્યારે તેણે પહેલું કામ કર્યું તે રકમને લાંબા ગાળાની ડિપોઝીટમાં ફેરવી નાખી. તેની ગણતરી હતી કે જ્યારે તે બધી ડિપોઝીટની મુદત પૂરી થશે ત્યારે મુકેલી રકમ લગભગ બમણી થઇ જશે એટલે તેની સજા પૂરી થશે ત્યાં સુધીમાં વિશ્વપ્રવાસ માટે જરૂરી રકમ તેના ખાતાઓમાં જમા થઇ જશે એવી તેની ગણતરી હતી. ત્યાર બાદ તેનો આગળનો પ્લાન નિર્વિઘ્ને પાર પડશે.

xxxxxxxx

એક દિવસ તે ઓફિસમાં કામસર ગેરહાજર હતો ત્યારે કંપનીમાં પૈસાની જરૂર પડતા મેનેજરે પ્યુનને બેંકમાં મોકલ્યો. પણ બેંક મેનેજરે તેને પાછો મોકલ્યો એમ કહીને કે કંપનીના ખાતામાં પૂરતું બેલેન્સ નથી.

કંપની મેનેજરે કેશબુક જોતાં જણાયું કે ચોપડે તો બેલેન્સ બોલે છે તો બેંક મેનેજરે કેમ કહ્યું કે પૂરતું બેલેન્સ નથી? આમ બનવું અશક્ય છે માની મેનેજરે બેંકમાં ફોન કર્યો ત્યારે પણ બેંક મેનેજરે કહ્યું કે તમારી કંપનીના ખાતામાં બેલેન્સ ઓછું જ છે.

આમ શક્ય ન હોય એમ માની કંપની મેનેજરે હવે બેંકની પાસબુક અને કેશબુક લઈને તપાસ આદરી તો જણાયું કે કેશબુકમાં લખેલી રકમ કરતા બેંકમાંથી વધુ રકમ ઉપાડાઈ છે. એનો અર્થ એ થયો કે મેનેજમેન્ટે મુકેલા વિશ્વાસનો કેતને દુરૂપયોગ કર્યો છે અને ખાસ્સી રકમ ઉચાપત કરી છે. આજે આવ્યો નથી માટે જરૂર તે આ રકમ લઈને ભાગી ગયો હશે. આ તો પોલીસ કેસ થયો એટલે ફરિયાદ કરવી જ રહી.

પોલીસમાં ફરિયાદ કરતાં ઇન્સ્પેકટર વાગલેએ જરૂરી પૂછતાછ કરી અને પછી કેતનનાં ઘરનું સરનામું માંગ્યું. ત્યાં હવાલદારને મોકલ્યો તો તેનું ઘર બંધ હતું. તેને શોધવા શું પગલાં લેવા તે માટે મેનેજર સાથે ચર્ચા કરી પણ તરતમાં કોઈ કડી મળી નહીં એટલે મેનેજરને પોતાની રીતે તપાસ કરવા કહ્યું અને કેતનની ભાળ મળે ત્યારે જણાવવા કહ્યું.

પરંતુ મેનેજરના આશ્ચર્ય વચ્ચે બીજે દિવસે કેતન કામ પર હાજર થયો. જાણે કશું બન્યું નથી એમ મેનેજરે વર્તાવ કર્યો અને પછી પોલીસસ્ટેશને ફોન કરી ઇન્સ્પેકટરને કેતન આવ્યાની જાણ કરી.

થોડીવારમાં ઇન્સ્પેકટર વાગલે આવી પહોંચ્યો અને મેનેજરની કેબિનમાં કેતનને બોલાવ્યો. ઈ.ને જોઇને કેતનને સમજાઈ ગયું હતું કે હવે તેનો ભાંડો ફૂટી ગયો છે. પણ આ અરીસ્થીતી માટે તે તૈયાર હતો એટલે જ્યારે તેને સવાલ કરવામાં આવ્યો કે શું તેણે કંપનીના પૈસાની ઉચાપત કરી છે ત્યારે ગરીબડા મોઢે હા પાડી. પૈસા ક્યા છે તે વિષે પૂછતાં તેની જરૂર હતી એટલે તે વપરાઈ ગયા છે એમ કહ્યું. શું જરૂર હતી અને કેવી રીતે વાપર્યા તેનો જવાબ તેણે આપવાનું ટાળ્યું અને કહ્યું કે વખત જતાં તે આ બધા પૈસા પરત કરશે, ફક્ત તેને થોડો સમય આપો.

મેનેજરે કહ્યું કે હવે તે શક્ય નથી કારણ પોલીસ કેસ થઇ ગયો છે. હા, જો તે રકમ તરત પરત કરી દેશે તો તેને હળવી સજા થાય તેમ કરવા તે પ્રયત્ન કરશે એમ જણાવ્યું. પણ તે શક્ય નથી એમ કેતને કહ્યું. અંતે તેની ધરપકડ થઇ અને કેસ દાખલ થયો.

કોર્ટમાં પહેલી સુનાવણી વખતે જ કેતને પોતાનો ગુનો કબૂલ કરતાં જજે તેને પાંચ વર્ષની કેદની સજા અને દંડ ભરવા કહ્યું. જો દંડ ન ભરી શકે તો બીજા છ મહિના કેદ લંબાશે તેમ પણ જજે ઓર્ડરમાં જણાવ્યું.

xxxxxxxx

સારી ચાલચલગતને કારણે જેલમાંથી મુદતના એક અઠવાડીયા પહેલા જ કેતન છૂટી ગયો હતો. છૂટ્યા બાદ તેણે પહેલું કામ બધી બેંકોમાં જઈ મુકેલી ડિપોઝીટ ઉપાડી લેવાનું કર્યું. તેની ગણત્રી મુજબ મુકેલી રકમથી લગભગ બમણી રકમ મળી હતી. હવે તે કંપનીના પુરા પૈસા પાછા આપી દે ત્યારબાદ પણ વિશ્વપ્રવાસ માટે પૂરતી રકમ બચે તેમ હતું. તેથી જ તેણે સજ્જનતાનો ડોળ કરી ઈ. વાગલેને મળી પૈસા પરત કરવાનું નાટક કર્યું.

માધુરી ટ્રાવેલ એજન્સીમાં બેઠા બેઠા કેતનને આ બધું યાદ આવ્યું અને મનમાંને મનમાં મલકાયો કે કેટલા વર્ષ પછી અને કેટલી મહેનત(!) પછી પોતાની આ વિશ્વપ્રવાસની ઈચ્છા પૂરી થાય છે. પોતાના સફળ પ્લાનિંગ માટે પોતાની જાતને શાબાશી આપતો હોય તેમ તે મનોમન બોલ્યો ‘માન ગયે ઉસ્તાદ.’