Redlite Bunglow - 24 books and stories free download online pdf in Gujarati

રેડલાઇટ બંગલો ૨૪

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૪

પોતાના ગ્રાહકને સાચવવા રચના રાજી થઇ ત્યારે અર્પિતાને મનમાં દુ:ખ જરૂર થયું હતું. પોતે રચનાની જાણ બહાર એક બાજી ખેલી રહી હતી. એમાં રચનાને મહોરું બનાવવાની જરૂર પડી હતી. એટલે અર્પિતા જ રાજીબહેન પાસે ગ્રાહક માગવા ગઇ હતી. તેની રચનાને ખબર જ ન હતી.

અર્પિતા જ્યારે રાજીબહેન પાસે ગઇ ત્યારે તે પોતાના બેડરૂમમાં લેપટોપ પર કામ કરી રહ્યા હતા. રચનાએ જોયું કે આજે આખું શરીર ઢંકાય એવો ગાઉન પહેરીને બેઠા છે. તેને નવાઇ લાગી. તેણે એસી તરફ જોયું. એસી બંધ હતું. અને પંખો ધીમો ચાલી રહ્યો હતો. પણ જ્યારે નજીક ગઇ ત્યારે ખ્યાલ આવ્યો કે આખો ગાઉન પારદર્શક હતો. એમાંથી એમણે પહેરેલા બ્રા અને પેન્ટી સ્પષ્ટ દેખાતા હતા. અર્પિતાને હવે એમના કપડાંની નવાઇ ન હતી. હવે તે કૂતુહલથી પણ જોતી ન હતી. તેના માટે હવે નવું કશું ન હતું. રાજીબહેને ઇશારાથી અર્પિતાને બેસવા કહ્યું. તેમને લાગ્યું કે અર્પિતા પરમ દિવસની કોલેજક્વીન સ્પર્ધા માટે ચર્ચા કરવા આવી હશે. પણ જ્યારે પોતાનું કામ પતાવી તેને પૂછ્યું કે,"શું વાત છે અર્પિતા?" ત્યારે અર્પિતાએ જલદી જવાબ ના આપ્યો.

તેને મૂંઝાતી જોઇ તે ફરી બોલ્યા:"કંઇ તકલીફ તો નથી ને અર્પિતા?"

અર્પિતા શબ્દો ગોઠવતી સહેજ ગભરાતી બોલી:"મેમ, આજે એકાદ ગ્રાહક મળી શકે?"

"શું...?" રાજીબહેનની સામે અપેક્ષા બહારનો પ્રશ્ન અને વાત હતી. તે નવાઇથી તેની સામે આંખ ફાડીને જોઇ રહ્યા.

"આજે એક ગ્રાહક આપો તો સારું." અર્પિતાએ પોતાની વાત ફરી મૂકી.

"કારણ શું? આપણી વાત તો થઇ હતી કે કોલેજક્વીન સ્પર્ધા સુધી તારે અને રચનાએ ગ્રાહકને સંતોષવાના નથી. તમારી સ્પર્ધાની તૈયારી પર જ ધ્યાન આપવાનું છે...." રાજીબહેનને અર્પિતાની માગણી સમજાતી ન હતી.

"તમારી વાત સાચી છે. પણ મારે પૈસાની જરૂર છે. આજે કદાચ મા મળવા આવવાની છે. મેં એને પાર્ટટાઇમ નોકરી કરી મદદ કરવાનું વચન આપ્યું હતું. એટલે તેને આપવાના થશે." અર્પિતાએ વાત બનાવીને મૂકી.

"અરે! એના માટે ગ્રાહક પાસે જવાની જરૂર નથી. હું તને આપી દઉં છું. અને મા આવે તો મારી સાથે મુલાકાત જરૂર કરાવજે." રાજીબહેને બાજુમાં પડેલું પર્સ ખોલતાં કહ્યું.

"મેમ, રહેવા દો." અર્પિતાએ ઊભા થઇ તેમના હાથ પર હાથ મૂકી પૈસા કાઢતા અટકાવ્યા. તેને રાજીબહેનની ત્વચા આ ઉંમરે પણ પોતાનાથી નાજુક લાગી. પછી બોલી:"હું ઉધાર-ઉછીના લેવા માગતી નથી. આમ પણ તમે મારા પર ઘણો ખર્ચ કરી ચૂક્યા છો."

"તું નાહકની ચિંતા કરે છે. પૈસા રાખી લે..." તેમણે ફરી પર્સમાં હાથ નાખ્યો.

"ના મેમ, મારે મારા હકના પૈસા માને આપવા છે." અર્પિતા દ્રઢ આત્મવિશ્વાસ સાથે બોલી.

"જબરી ખુદ્દાર છે તું..." કહી તે હસ્યા.

"પણ હું પછીથી એટલી જ ગદ્દાર લાગીશ એ તું ક્યાં જાણે છે નીચ બાઇ!" એમ મનમાં બબડીને અર્પિતા ઊભી થઇ અને બોલી:"હું તમારી ચિઠ્ઠીની રાહ જોઇશ."

"ઠીક છે." રાજીબહેને તેનાથી પ્રભાવિત થઇને કહ્યું.

"મેમ, એક વિનંતી છે...આ વાત રચનાને કરશો નહીં." કહી અર્પિતા એમના રૂમમાંથી નીકળી ગઇ હતી. અને રચનાને એમ કહી પોતાનો ગ્રાહક સાચવવા કહી દીધું કે મા આવવાની છે. અને રચનાને આપેલી પિલ્સ શેની છે એની તેને ખબર ન હતી. રચનાને તે અન્યાય કરી રહી છે એવું સતત અનુભવતી અર્પિતા જીવ બાળતી હતી. તે રચનાની મિત્રતાનો ગેરલાભ ઊઠાવી રહી હોવાનું સમજતી હતી પણ રાજીબહેનનું સત્યાનાશ વાળવા અસત્યનો સહારો લેવાની પોતાની મજબૂરીમાં મન મનાવતી હતી. પોતે આપેલી પિલ્સ કેવું કામ કરવાની છે એની રાહ જોતી અર્પિતાની આંખ ક્યારે મળી ગઇ તેનો ખ્યાલ જ ના રહ્યો.

સવારે ઊઠી ત્યારે અર્પિતાને પહેલો વિચાર રચનાનો આવ્યો. અર્પિતા દોડતી તેની રૂમ પર ગઇ અને જોરથી દરવાજો ખખડાવ્યો.

રચનાએ થોડીવારે ઊંઘરેટી આંખે દરવાજો ખોલ્યો. તે થાકથી ચૂર થઇ ગઇ હોય એવું દેખાતું હતું. તે કંઇ પણ બોલ્યા વગર પોતાના બેડ પર પાછી જઇને સૂઇ ગઇ.

"રચના, તું સારી છે ને?" અર્પિતાએ તેની સ્થિતિ જોઇ ખબર પૂછી.

"તારો ગ્રાહક તો ભારે પડ્યો!" થાકેલી રચના માંદલુ મુસ્કુરાઇ.

"કેમ? પિલ્સની અસર ના થઇ?" અર્પિતાએ આશ્ચર્યથી પૂછ્યું.

"ઘોડાપૂર આવે ત્યારે બધું જ તણાઇ જતું હોય છે એ તો તું જાણતી જ હશે." રચના ધીમેથી બોલતી હતી.

"હવે, ઉખાણા પૂછતી હોય એમ વાત ના કર. જે હોય તે કહે. મને ચિંતા થાય છે." અર્પિતા રચનાની વાતોથી અકળાઇ હતી.

"વાત એમ છે કે તારી ગોળી તો એને દૂધમાં પાઇ હતી. પણ ઊંઘવાને બદલે એણે તો મને ઉજાગરો કરાવ્યો." રચનાએ તેને કહેવાનું શરૂ કર્યું:"હું ગઇ ત્યારે તે શાંતિથી મોબાઇલ જોતો બેઠો હતો. એમાં શું જોતો હતો એની ખબર નથી પણ ગંભીર થઇને બેઠો હતો. મને થયું કે ઉત્સાહ ઓછો છે એટલે પહેલાં જ તારી પિલ્સ આપી ઢીલો કરી દઉં. મેં એને પૂછ્યું તો દૂધ પીવા તૈયાર થઇ ગયો...."

" પણ તારી પાસે ક્યાં દૂધ હતું?" અર્પિતાએ નવાઇથી પૂછ્યું.

"અલી તેં કીધું હતું એટલે દૂધની બોટલ લઇને ગઇ હતી. બાકી સરબત અને ડ્રાયફૂટસ તો ત્યાં કિચનમાં હોય જ છે..." આટલું બોલતા હાંફી ગઇ હોય એમ રચના સહેજ થોભીને બોલી:"મેં તરત અંદર જઇ પિલ્સને દૂધમાં ઓગાળીને આપી દીધી. અને એની સાથે બતાવવા ખાતર પ્રેમચેષ્ટાઓ કરવા લાગી. તેણે ઠંડો રીસ્પોન્સ આપ્યો. પણ મારી સાથે મસ્તી કરતો હતો. એ મસ્તી ધીમે ધીમે વધવા લાગી. પછી તો એ આક્રમક બની ગયો..."

"પેલું કયું?.… હં.… જાપાની તેલ લગાવીને આવ્યો હશે.… હા.. હા… હા...." અર્પિતા જોરથી હસવા લાગી.

"તને મજાક સૂઝે છે લુચ્ચી! મારી શું હાલત થઇ હશે એની તને ખબર છે? આ બંને પગમાં સખત કળતર થાય છે. આજે તો ડાન્સની પ્રેક્ટિસ કરવાની પણ તાકાત નથી." રચનાએ તેને હસતાં અટકાવી કહ્યું.

"સોરી! મારા લીધે તારી આ સ્થિતિ થઇ. મારે તને મોકલવી જોઇતી ન હતી. પ્લીઝ તું રાજીબહેનને કંઇ કહેતી નહીં હો." અર્પિતાએ બે હાથ જોડી માફી માગી અને વિનંતી કરી.

"ગાંડી! એમાં માફી અને વિનંતી કરવાની હોય? આપણે બે જ તો છે એકબીજાના સુખ-દુ:ખના સાથી. પણ એક સાચી વાત કહું? પહેલી વખત મને ચરમસુખનો અનુભવ થયો....!" કહી રચના શરમાઇ ગઇ.

"મારે તો રાજીબહેનને ચરમદુ:ખનો અનુભવ કરાવવો છે" એમ મનમાં જ બોલતી અર્પિતાએ ખુશ થઇ કહ્યું:"શું વાત છે!"

"આજ સુધી ગ્રાહકો પોતે જ ક્લાઇમેક્સનો અનુભવ કરી જતા હતા. પહેલી વખત કોઇ પુરુષનો લાંબો સંગ મને એ અવર્ણનીય અનુભૂતિ કરાવી ગયો!" બોલતાં રચનાનો ચહેરો ખીલી ઉઠ્યો.

અર્પિતા મનમાં જ બોલી રહી. "મારી બહેન રચના! મને તો ખબર જ હતી કે મારી પિલ્સથી ગ્રાહક બેકાબુ બની જવાનો છે. મેં એના માટે ઊંઘ આવી જાય એવી ગોળી આપી જ ન હતી. એ પિલ્સ તો વાયગ્રાની હતી. જે ખાઇને ગ્રાહકે હદ બહાર આનંદ માણ્યો હશે અને તેને પણ પોતાની શક્તિ માટે નવાઇ લાગી હશે! મારે તો તને થાકથી નબળી બનાવી દેવી હતી.

"ચાલ, તું હજુ થોડો આરામ કરી લે. ભલે ડાન્સ ના કરતી. તારા બદલે આપણે વીણાને નચાવીશું! તું બીજી તૈયારી કરજે." કહી અર્પિતા ઊભી થઇ.

"વીણાને કેમ નચાવવાની છે? એને છમ્મકછલ્લો બનવું છે કે શું?" રચનાએ નવાઇ પામી પૂછ્યું.

"એને નાચવાનું મન થઇ ગયું છે તો એક દિવસ એનો શોખ પૂરો કરી લેવા દે." કહીને અર્પિતા મનમાં જ બોલી:"રાજીબહેનને નચાવવામાં તેની પણ મદદ લેવાની છે..."

***

વર્ષાબેન ઘરે આવ્યા ત્યારે મન અને દિલથી હળવા થઇ ગયા હતા. પણ હેમંતભાઇના સંગને લીધે શરીરમાં થોડું કળતર થતું હતું. તેમને સમજાતું જ ન હતું કે હેમંતભાઇને ક્યારે જાત સોંપી દીધી તેનો ખ્યાલ કેમ ના રહ્યો? ખેતરમાં આગ લાગવાની ઘટનાએ પોતાને ક્ષુબ્ધ કરી દીધી હતી. એનો આઘાત એટલો વસમો હતો કે કોઇ વાતનું ભાન જ રહ્યું ન હતું. અને હેમંતભાઇએ એટલો સધિયારો આપ્યો કે તેમના સહારામાં તે તણાઇ ગયા. પોતે જ એમને વળગીને રડતી હતી. અને આ કાયાનું કામણ જ એવું છે કે ભલભલાની આંખો લપસી જાય. હેમંતભાઇ પણ મારા સપના જોતા જરૂર થઇ ગયા હશે. બાકી ગામમાં મરદો શોધતી ઘણી બાઇઓ છે. તેમને અચાનક લાલજી યાદ આવી ગયો. એ પણ મોહી જ પડ્યો છે ને? એનું કહેણ હજુ ઊભું જ છે. બીજા તો ન જાણે કેટલાય લપાતા-છુપાતા આ કાયાને આંખમાં ભરીને ફરતા હશે. હેમંતભાઇની વાત જ અલગ છે. મારી ઘેલી વર્તણૂકથી જ એમને આવેગ આવી ગયો હશે. ન જાણે કેટલા સમયથી તડપતા હશે? છેલ્લા કેટલાક દિવસથી તો એ પારકા નહીં પણ પોતાના જેવા લાગતા હતા. પોતાની પ્રત્યે કેટલો પ્રેમભર્યો વ્યવહાર રાખતા હતા. ફી માટે પણ મદદ કરી અને પાકનો નાશ થયો તો પણ ચિંતા કરવાની ના પાડી. પોતાનો બધો જ ભાર તેમણે નિસ્વાર્થ ભાવથી ઊપાડી લીધો. આવા માણસને જાત તો શું આખું જીવન સોંપી દેવાય.... એવું વિચારીને વર્ષાબેન શરમાઇ ગયા. હેમંતભાઇને યાદ કરીને તે ઘર અને પરિવારની ચિંતાઓ વચ્ચે હળવાફુલ થઇ ગયા. તેમણે હેમંતભાઇએ આપેલી નોટોની થપ્પી પર હાથ ફેરવ્યો. અને વિચાર કરવા લાગ્યા. "આ તેમને હેમંતભાઇએ કરેલી મદદ હતી કે તેઓ ખુશ થયા તેની બક્ષિસ હતી?

વર્ષાબેન ઝટપટ રસોઇ કરવા લાગી ગયા. બાળકોને જમાડીને તે હરેશભાઇને થાળી આપવા જતા હતા. તેમને થયું કે ખેતરની આગની વાત કેવી રીતે કરવી? વાત જાણીને હરેશભાઇ ખાઇ શકશે નહી. આખા વર્ષનું અનાજ બળી ગયું હોય ત્યારે કોળિયો કેવી રીતે ગળે ઉતરી શકે? તેમણે નક્કી કર્યું કે હરેશભાઇ જમી લે પછી યોગ્ય લાગશે તો જ આજે વાત કરશે.

વર્ષાબેન જમવાનું લઇને ગયા ત્યારે લાલુ મજૂર હરેશભાઇની સેવામાં હતો. વર્ષાબેને તેને એક થાળી આપી એટલે તે ખાવા પાછળ વાડામાં ગયો.

વર્ષાબેને હરેશભાઇને જમવાનું આપ્યું એટલે તેમણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો:"આજે ખેતીકામ કેટલું થયું?"

"તમે પહેલાં જમી લો..." વર્ષાબેન આદેશાત્મક સ્વરે બોલ્યા એટલે હરેશભાઇ ચૂપચાપ જમવા લાગ્યા.

હરેશભાઇએ જમી લીધું એટલે વર્ષાબેન થાળી લઇને ઘરે જવા લાગ્યા.

"અરે! તું ક્યાં ચાલી? બેસ તો ખરી. આપણી ખેતીની વાત તો બાકી રહી." હરેશભાઇએ વર્ષાબેનને અટકાવ્યા.

વર્ષાબેન કેવી રીતે શરૂઆત કરવી એની મૂંઝવણમાં હતા.

હરેશભાઇએ તેમનો હાથ પકડી લીધો:" વર્ષા, શું વાત છે? તું ખેતીની કોઇ વાત કેમ કરતી નથી?"

"કેવી રીતે કહું? આપણું ખેતર આજે આગમાં બળી ગયું...." વર્ષાબેન રડવા જેવા થઇ ગયા.

"શું વાત કરે છે. એ કેવી રીતે? તું તો કંઇ વાત જ કરતી નથી ને?" હરેશભાઇ આઘાતમાં હચમચી ગયા.

બપોરે આગના સમાચાર આવ્યા અને તે જોઇ આવ્યા એ બધી વાત વર્ષાબેહેને હરેશભાઇને કરી. પણ હેમંતભાઇ સાથે બંધ કમરામાં શું થયું એ બધું તેમણે છુપાવ્યું.

આગની ઘટનાની વાત સાંભળી હરેશભાઇના રોમેરોમમાં આગ ફેલાઇ ગઇ હોય એમ ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. "લાગે છે કોઇને આપણી સાથે વેર છે. પહેલા મારી સાથે અકસ્માતની ઘટના અને હવે આ ખેતર સળગવાની ઘટના. દાળમાં કંઇક કાળું તો છે વર્ષા. મારા પગ ચાલતા હોત તો આવું ના થયું હોત. મારી મજબૂરીમાં કોઇ મારા વિરુધ્ધ કાવતરું રચી રહ્યું છે. પહેલાં તો ગામમાં કોઇના ખેતરમાં આગ લાગી નથી. મારા જેવા ગરીબની કોને ઇર્ષ્યા આવી રહી છે...?"

"તમે શાંત થાવ. તબિયતને સાચવો. જે થવાનું હતું તે થઇ ગયું. એ હવે પાછું આવવાનું નથી. હેમંતભાઇ કહેતા હતા કે વધારે તાપમાં કોઇ જ્વલનશીલ પદાર્થ ઉડતો આવ્યો હોય કે પછી કોઇ ભૂલથી બીડીનું ઠૂઠું નાખી ગયું હોય તો પણ આવું બની શકે છે. છતાં એ તપાસ કરવાના છે. એમણે કહ્યું છે કે તમે ચિંતા ના કરશો. હું મદદ કરીશ....બહુ સારા માણસ છે હેમંતભાઇ." વર્ષાબેને તેમને પરિસ્થિતિ સમજાવી.

હરેશભાઇએ થોડીવાર વિચાર કર્યો અને પૂછ્યું:" વર્ષા, ક્યાંક આ કાવતરું હેમંતભાઇનું તો નહીં હોય ને?"

હેમંતભાઇના સવાલથી વર્ષાબેન ચોંકી ઉઠ્યા. ***

હરેશભાઇને હેમંતભાઇ પર શંકા જવાનું શું કારણ હતું? હેમંતભાઇએ કોને ફોન કર્યો હતો? અને કયા કામના રૂપિયા આપવાના હતા? અર્પિતા વીણા પાસે રાજીબહેન વિરુધ્ધ કયું કામ કરાવવા માગતી હતી? એ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.