Kayo Love - 35 books and stories free download online pdf in Gujarati

કયો લવ ભાગ : ૩૫

કયો લવ ?

ભાગ (૩૫)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ: ૩૫

***

“ખોલને દરવાજો… પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક… દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું..… પ્રિયા કરગરતી હતી. ”

***

ભાગ: ૩૪ માં આપણે વાચ્યું કે રિધીમાએ રોબર્ટ વિશેની ગહેરી ચાલને વિગતમાં જણાવીને એક એક રહસ્યને છતો કર્યો પરંતુ હજુ પણ પ્રિયાની જિજ્ઞાસા સંતોષાઈ ન હતી. ત્યાં જ રોઝે આદિત્યની બહાદુરીની વાત પણ જણાવી જેમાં સોનીના રોમેરોમમાં આદિત્ય માટેની પ્યારની લાગણી ઉભરાઈ આવી હતી..... ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે. એના માટે ભાગ:૧ થી ભાગ: ૩૪ જરૂર વાંચજો...)

***

હવે આગળ.....

પ્રિયા નીલ સરને જોતાની સાથે જ કોલેજનાં ક્લાસમાં પહેલા દિવસની મુલાકાતોની ધકધક કરતી યાદોને આંખો સામે ઝડપથી જોવા લાગી. પ્રિયા પોતાને મહેસૂસ કરવા લાગી કે તે દિવસે જેવું દિલમાં નીલ સરને જોતા જ થડકારો થયો હતો એવી જ દિલની હાલત આજે પણ હતી. પ્રિયાનું જીગર જોરથી ધબકી રહ્યું હતું.

એઝ યુઝવલ, નીલ સરને હમેશાં ભણાવા સાથે મતલબ રહેતો. પરંતુ અહિયાં જ્યારથી પ્રિયા અને નીલ એકમેકને ઓળખતા થયેલા ત્યારથી બંનેમાં એક અલગ પ્રકારનું અટેચમેન્ટ જોડાયેલું હતું. પ્રિયાને ફરી એવી જ મસ્તી તો સુજી હતી કે નીલને પહેલાની જેમ પોતાનાં તરફ ધ્યાનાકર્ષક કરે. પરંતુ તેનું દિમાગ આવી બધી મસ્તી કરવા માટે ચૂપ કરી રહ્યું હતું. જયારે દિલ એણે પ્રોત્સાહિત કરી રહ્યું હતું કે હવે મસ્તી કરી જ લે ને..!!

પ્રિયાએ ઝટથી દિલની વાત સાંભળી.

ક્લાસનું વાતાવરણ શાંત હતું. નીલ સર આવતાની સાથે જ ભણાવા લાગ્યા હતાં. ત્યાં જ પ્રિયા જોર જોરથી ખાસવા લાગી. નીલ સર સહિત બધા જ વિધાર્થીઓનું ધ્યાન પ્રિયા તરફ મંડાયુ. આ ક્લાસમાં સોની પણ હતી જ સાથે રોનક પણ આ જ ક્લાસમાં હતો.

“સોરી સર!! ઉહું... ખાંસી… ઊહું… ઊંહું… હું… ખા.....!!” પ્રિયા બેસતાં બેસતાં જ મુઠ્ઠી વાળીને ખાંસવાનો ડોળ કરતી નીલ સર ભણી જોતી અને ફરી નજર મુઠ્ઠી પર નાંખી ખાંસતી જતી હતી.

નીલ સરને પહેલાની જેમ જ આજે ફરી હસી પડાયું. પ્રિયા આ વખતે હસી નહીં ફક્ત હોઠ નીચે દાંત દબાવતાં જાણે નીલને પોતાનાં તરફ ધ્યાન દોરીને મોટી જીત હાંસિલ કરી હોય તેમ કાતિલ નજરોથી જોવા લાગી.

નીલ સરને હસતાં જોતા ક્લાસમાં પણ હળવું હાસ્ય રેલાયું. સાથે જ બીજી બધી છોકરીઓનો પણ અંદરથી ગણગણાટ ચાલું થઈ ગયો હતો કે જરૂર નીલ સર અને પ્રિયાનાં વચ્ચે કોઈ લવ અફેર ચાલું થઈ ગયો છે. પરંતુ પ્રિયા આ બધી જ બ્લા...બ્લા થી અણજાણ હતી તે તો પોતાની મસ્તીમાં જ મસ્ત હતી. સોની બધું જ જોતી પણ પ્રિયાની આ મસ્તીભરી મજાકને નાદાની સમજીને વાતને દિમાગ પર લેતી નહીં, જયારે રોનકની પ્રિયા તથા સોનોની એક એક હરકત પર હવે નજર રહેતી. લેકચર પૂરો થતાં જ નીલ સર ત્યાંથી જતા રહ્યાં. હવે રોજનું જ રૂટીન ચાલું થઈ ગયું હતું તેથી પ્રિયા હવે સામન્ય રીતે વર્તતી.

***

વચ્ચે જ થોડા દિવસો માટે કલાસીસની રજાઓ પડી હતી. તે દિવસોમાં આદિત્ય, પ્રિયા, રુદ્ર, સોની, સૌમ્ય અને રોઝે ખૂબ એન્જોય કર્યું હતું એ પણ સૌમ્યે ખરીધેલા નવા ફાર્મહાઉઝ પર.

એના થોડા દિવસો બાદ એસ.વાય.બીકોમનું રિઝલ્ટ આવી ગયું હતું. પ્રિયા, સોની તથા આખુ ગ્રૂપ પાસ થઈને ટી.વાય.બીકોમમાં ગયા. વેકેશન પૂરું થઈ ગયું હતું તેમ જ કોલેજ પણ હવે સ્ટાર્ટ થઈ ગઈ હતી. કોલેજનાં થોડા દિવસો બાદ રોનક ફરી સોની સામે આવીને ઊભો થઈ ગયો હતો. તેણે કહ્યું, “ સોની, જે થયું એ બધું ભૂલી જા. આપણે નવી શુરુઆત કરી ઓન્લી ફ્રેન્ડશીપ તો કરી જ શકીએ ને?”

સોની મોઢું ફુલાવીને ઊભી હતી. ગ્રુપના બધા જ ફ્રેન્ડો કોલેજનાં મુખ્ય ગેટની બહાર ઉભા હતા જેમાં પ્રિયા, કાયા કોમલ, અક્ષય અને વિનીત પણ ત્યાં જ હાજર હતા. આ મામલામાં કોઈએ એક શબ્દ પણ ન ઉચાર્યો. રોનક જાણે જીદ પર આવ્યો હોય તેમ ફ્રેન્ડશીપ કરવા માટે પણ જબરજસ્તી કરવા લાગ્યો. “સોની!! એટલું ઘમંડ નહીં બતાવ.” રોનકે ગુસ્સાથી કહ્યું.

પ્રિયા આ બધું જ શાંતિથી જોઈ રહી હતી.

“રોનક પ્લીઝ. મને ફ્રેન્ડશીપમાં પણ નથી ઇન્ટરેસ્ટ.” સોનીએ શાંતિથી કહ્યું.

“ઓહ! અચ્છા..તો તને આદિત્યમાં ફક્ત ઇન્ટરેસ્ટ છે.” રોનકે ગુસ્સાથી લાલ ડોળા દેખાડતાં જાણે સોનીને ડરાવતો હોય તેવી રીતે કહ્યું.

પ્રિયાથી હવે રહેવાયું નહીં. તે આગળ આવી અને મોટા અવાજથી કહેવાં લાગી, “ તું એણે લાલ ડોળા બતાવશે એટલે એ ડરી જવાની છે? અહિયાં કોઈ ડરવાનું નથી તારી લાલ આંખો જોઇને. એણે નાં પાડી ને ફ્રેન્ડશીપ કરવા માટે તો કેમ જબરજસ્તી કરી રહ્યો છે?”

“તું વચ્ચે કેમ બોલી રહી છે? અમારો પર્સનલ મામલો છે.” રોનકે પ્રિયાને ગુસ્સાથી કહ્યું.

“તો આદિત્ય વાળો મામલો પણ એનો પર્સનલ છે તું એણે નહીં કહી શકે આદિત્યમાં ઇન્ટરેસ્ટ છે એન ઓલ..!!”પ્રિયાનો અવાજ મોટો થતો જતો હતો.

“પ્રિયા તું ચૂપ રહે. હું કીધું ને અમારો બંનેનો મામલો છે.” રોનકનો ગુસ્સો વધતો જતો હતો.

“સોની તું એમ ચૂપ કેમ છે? એણે તું કેમ આવી રીતે ઝેલી રહી છે? મારાથી તમાચો ન મારી જવાઈ એના પહેલા તું એણે ભગાડ અહિંયાથી.” પ્રિયાએ સોની પર ગુસ્સો ઠાલવ્યો.

સોની ચુપચાપ બધું જ સાંભળી રહી હતી કારણકે સોનીને પ્રિયાને બીજી નવી ઉલઝનમા નાંખવું ન હતું. એક તો જેમતેમ કરીને રોબર્ટ વાળો ગંભીર મામલો પત્યો હતો એમાં આ બીજી નવી રોનકવાળી આફત!!

પ્રિયાને તો ક્યારનો સખત ગુસ્સો રોનક પર હતો જ જ્યારથી રોનક ફક્ત સોની સાથે હમેશાં સેક્સનો સબંધ બાંધવા માટે ભાર આપતો. પ્રિયાથી રહેવાતું ન હતું તેણે પોતાનાં ગુસ્સાને કન્ટ્રોલમાં રાખ્યો હતો.

આખુ ગ્રૂપ ચૂપ જ હતું. ત્યાં જ વિનીત સામે આવીને રોનકને સમજાવા લાગ્યો, “ ભાઈ, બસ કરના અબ. સોની નાં બોલ રહી હે તો જબરદસ્તી કાય કી!!”

“અરે તું તો પ્રિયા કી સાઈડ હી લેગા..આખિર પ્રિયા કે પીછે જો પડા હે..”રોનક ગુસ્સામાં બેકાબુ બનતો જતો હતો.

આટલું સાંભળીને પણ વિનીત શાંત થઈને મોઢા પર સ્માઈલ લાવીને કહી રહ્યો હતો..“હા ભાઈ બસ ક્યાં અબ..!!”

પ્રિયાએ વચ્ચે જ ઝંપલાવ્યું, “વિનીત હવે રહેવાં દે. આ છોકરો બગડેલો છે. એણે જેટલું સમજાવા જશે એટલું એ વધારે....” પ્રિયાનાં અધવચ્ચે જ શબ્દો કાપતાં રોનકે પોતાનો પિત્તો ગુમાવ્યો, “ પ્રિયા તું તો મારે વિષે ન જ બકે એટલું સારું. તારું કેરેક્ટર પહેલા કેવું છે એ જો..” એટલું કહી રોનક અટક્યો પછી વિનીત સામે નજર કરતાં કહેવાં લાગ્યો, “ વિનીત તને ખબર જ છે ને પ્રિયાનું નીલ સર સાથે ચક્કર ચાલી રહ્યું છે. અને સાથે જ એણે રુદ્રને પણ ફસાવી રાખ્યો છે એમાં તું આવી છોકરી પાછળ પડ્યો છે. અને હજું પણ કેટલા બોયફ્રેન્ડ હશે જ.....!!”

“જસ્ટ સ્ટોપ ઈટ રોનક!! તું ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે....!!” સોની મોટા અવાજે બરાડી.

પ્રિયા આ સાંભળી હેબતાઈ જ ગઈ. હસતાં વિનીતે અચાનક પોતાનું બીજું જ રૂપ ધારણ કરી લીધું હોય તેમ ખીજમાં જ રોનકનો કોલર પકડીને કહેવા લાગ્યો, “ શું બોલ્યો તું પ્રિયા વિષે?? તારી હિમ્મત કેવી રીતે થઈ પ્રિયા માટે આટલું ઘીલોનું બોલવા માટે..પ્રિયા જે કરતી હોય એ..!! એણી લાઈફ છે. પણ એની નીજી લાઈફ વિષે તને આમ બધા સામે કહેવાનો કોઈ હક નથી.”

ત્યાં જ વિનીતને કંઈક યાદ આવ્યું હોય તેમ કહેવાં લાગ્યો, “હલો હલો રોનક! તું મારી શું વાત કરે છે. તું પણ તો પ્રિયાની પાછળ ગાંડાની જેમ હતો જ ને..!! એ તો પ્રિયાએ તને ભાવ ન આપતા તે સોનીને ફ્રેન્ડશીપની જાળમાં ફસાવી ગર્લફ્રેન્ડ બનાવી..કેમ બરાબર ને..!!”

વાત હવે વધારે વણસી ગઈ હતી. અહિયાં શાંતિથી ઉકેલ લાવવાનાં બદલે એકમેકનું સિક્રેટ ઉછળી રહ્યું હતું.

પ્રિયા તરત જ પોતાને સંભાળીને રોનકનાં ગાલ પર તમાચો મારવા માટે હાથ લંબાવ્યાં જ હતાં ત્યાં જ સોનીએ તેણે રોકી. “સોની તું મને રોક નહીં, એણી જબાન વધારે લાંબી થતી જાય છે.” સોનીના રોકતા જ તમાચો મારવા માટેનાં હાથને પ્રિયાએ જોરથી ગુસ્સાને મુઠ્ઠી વાળીને રોક્યો. તો પણ એ રોનકના નજદીક જઈને કહેવાં લાગી, “ રોનક, મારા કેરેક્ટરને જ્જ કરવા વાળો તું કોણ?? આ વખતે તને છોડી રહી છું બીજી વાર મારી સામે દેખાતો નહીં.”

લોકોનું ટોળું જમા થવાનાં પહેલા જ રોનક ત્યાંથી જતો રહ્યો. તેમ જ આખુ ગ્રૂપ વિખેરાયું અને પોતપોતાનાં માર્ગે જતાં રહ્યાં.

પરંતુ રોનકનું એક વાર નહીં દર વખતે ભારી બેઈજ્જ્તી થતાં તે ઘવાયો હતો. એનો અહં છિન્નભિન્ન થયો હતો. એનું મન ચિરાયું હતું. દર વખતે છોલાયું હતું. એણે મનોમન નક્કી જ કરી લીધું હતું કે હવે તે પ્રિયાની લાઈફ બગાડીને જ રહેશે.

એક વાર ફરી પ્રિયાએ પોતાની જિંદગીમાં મોટું તૂફાનનું સ્વાગત કરી લીધું હતું.

આ તૂફાન પ્રિયા તથા પ્રિયા સાથે સંકળાયેલ બધાની જ લાઈફને અસ્તવ્યસ્ત કરવાની હતી.

***

રોઝ પ્રિયાનાં બેડરૂમમાં હતી. પ્રિયા અને રોઝ હવે સારી ફ્રેન્ડો બની ગયેલી હતી. પ્રિયા કોલેજથી સીધી પોતાનાં બેડરૂમમાં આવી. તેનું ટમેટા જેવું લાલ નાક જોતાં જ રોઝે કહ્યું , “ હેય!! ક્યાં હુવાં ??”

પ્રિયા પોતાને રોકી નાં શકી. એ રોઝને ભેટી પડી અને દબાવી રાખેલા અશ્રુંને ખુલ્લા મનથી રડી.

અચાનક ભેટી પડેલી પ્રિયાને જોતા જ રોઝને આશ્ચર્ય થયું. પરંતુ રોઝે એણે રડવા લીધી. પછી પીઠને ધીરેથી સહેલાવીને કહેવાં લાગી, “ એહ સ્ટ્રોંગ ગર્લ!! આજ ઇતને આંસુ કયું??”

રોઝનું આટલું સાંભળીને જાણે પ્રિયાએ પોતાનાં દિલને કઠણ કર્યું હોય તેમ પોતાનાં આંસુઓને બંને હાથે લુછતાં કહેવાં લાગી, “ રોઝ, મેં ફ્રેશ હો કર આતી હું.” એમ કહી એ બેડરૂમમાંથી સડસડાટ બહાર નીકળી ગઈ.

સોની ઘરેથી ફ્રેશ થઈને જરા પણ સમય બગાડ્યા વગર પ્રિયાને ઘરે આવી. રોઝનો આજે આશ્ચર્યનો પાર ન હતો. બેડરૂમમાં આવતાં જ સોનીએ પૂછ્યું, “રોઝ!! પ્રિયા કહાં પર હે??”

“પ્રિયા ફ્રેશ હોને ગઈ હે. હા, પર હુવા ક્યાં હે?” સોનીના હાવભાવ વાંચતા રોઝે કહ્યું.

પ્રિયા જ્યાં સુધી ન આવી ત્યાં સુધી સોનીએ ચુપકીદી જાળવી રાખી.

રોઝ માટે અસહ્ય બની ગયું કે થયું શું હશે? એટલામાં જ પ્રિયા ફ્રેશ થઈને આવી. તે આવતાની સાથે જ જાણે બધું જ ભૂલીને મૂડને રમતમાં ફેરવતી હોય તેવી રીતે મજાક કરતી સોનીને કહેવાં લાગી, “ અરે સોની, તું હમણાં શું કરી રહી છે અહિયાં? ખાધું પીધું કે નહીં? કે તને પણ મારી જેમ રોઝ વગર રહેવાતું નથી??”

સોની પ્રિયાના ચહેરા ભણી જોતી રહી. તેણે ત્વરાથી જવાબ આપ્યો, “ તું ગુસ્સે છે?”

“નહીં..” પ્રિયાએ કહ્યું.

“તો નારાજ..?” સોનીએ પૂછ્યું.

“નહીં.” પ્રિયાએ ટુંકો જવાબ આપ્યો.

રોઝ બનેનાં એક પછી એક ચહેરા ભણી શાંતિથી જોતી રહી અને મનમાં રહેલી દુવિધાને ઉકેલવા માટે મંથી રહી.

“ચાલ સોની,પહેલા જમીએ..પછી બીજી વાત.” એટલું કહીં પ્રિયાએ રોઝને પૂછ્યું, “ આપને ખાના ખાયા?”

રોઝે ફક્ત ‘ના’ માં ડોકું ધુણાવ્યું. એણે કંઈ ખબર જ પડી રહી ન હતી કે બન્યું શું છે?

સોની સમજી ગઈ કે પ્રિયા રોનક વાળા બનાવ પર કંઈ જ બોલવા માંગતી નથી. “નાં તમે જમો હું પછી મળું છું.” એટલું કહી સોની પોતાનાં ઘરે જતી રહી.

પ્રિયા નોર્મલ થઈ રોજની જેમ જ વર્તતા રોઝે પણ કોલેજમાં કંઈ થયું હશે એમ પોતાનાં મનને મનાવી જ્યાં સુધી પ્રિયા સામેથી ન કહે ત્યાં સુધી ન પૂછવામાં જ ભલાઈ સમજી.

***

બીજી બાજુ રોનક પ્રિયાની જિંદગીને બરબાદ કરવા કાવતરાઓને અંજામ આપવા માટે તૈયાર થઈ ગયો હતો. સૌથી પહેલા એણે રુદ્ને સાંજે મોબાઈલ જોડ્યો, “ હેલ્લો રુદ્ર??”

“હા રુદ્ર બોલું છું.”

“હું પ્રિયાનાં કોલેજથી બોલું છું. વધારે સવાલો નહીં પૂછો.”

“કોણ બોલો.....” રુદ્રને અધવચ્ચે જ અટકાવતાં. “તારું ભવિષ્ય ન બગડે એટલા ખાતર તને જાણ કરી રહી છું. પ્રિયા તને ધોખો આપી રહી છે એનું લવ અફેરર્સ કોલેજના સર નીલ સાથે જોરેશોરથી વાગે છે. ન વિશ્વાસ હોય તો કોલેજનાં કોઈ પણ વિદ્યાર્થીને પકડીને પૂછી લે.” રોનકે સમયનો બરબાદ કરવા વગર છોકરીનાં અવાજમાં કહ્યું.

સામે છેડેથી ફોન કટ થઈ ગયો.

રોનકે ઘણી બુદ્ધિ લગાડીને એવું એપ્સ યુઝ કર્યું હતું જેમાં પોતાનાં અવાજને સ્ત્રીનાં સ્વરમાં કન્વર્ટ કરી શકે.

રૂદ્રે તે નંબર પર ઝડપથી કોલ લગાવ્યો પરંતુ ફોન સ્વીચ્ડ ઓફ આવ્યો.

અણજાણ સ્ત્રીનો એમાં પણ પ્રિયા વિષેની જે બકવાસ સાંભળવા મળી હતી એનાથી તો રુદ્રનું માથું જ ભમી રહ્યું હતું. એણે પ્રિયા પર પૂર્ણવિશ્વાસ હતો તેમ છતાં રુદ્રનું દિલોદિમાગને જાણે કંઈ સુજતું જ ન હોય તેમ દિલ સાથે દિમાગ પણ અનેકો વિચારોથી ઘેરાવા લાગ્યું.

રુદ્રે પોતાના વિચારોને પડતાં રાખી પ્રિયાને મોબાઈલ કર્યો. અહિયાં પ્રિયા ભલે બધા સાથે સારો દેખાવ કરી રહી હતી પરંતુ તે અંદરથી તૂટી ગઈ હતી. એનું મન બેચેન થઈ રહ્યું હતું. રુદ્રનો કોલ જોતાં જ પ્રિયાએ રિસિવ કર્યો નહીં. રૂદ્રનાં એવાં કેટલાય મિસ્ડકોલ થઈ ગયા હશે પરંતુ પ્રિયાએ કોઈ આન્સર આપ્યો નહીં. પ્રિયાએ પોતાનો મોબાઈલ જ હવે સ્વિચ ઓફ કરી દીધો. એનો મૂડ એવો બગડેલો હતો કે તેણે વાત કરવાનું મન જ થતું ન હતું. મૂડ સારો થશે ત્યારે રુદ્રને કોલ કરશે એમ વિચારીને એણે મોબાઈલ બંધ કરી દીધો.

રૂદ્રે ફરી ટ્રાઈ કર્યો. ફોન સ્વીચ્ડ ઓફ આવતાં જ હવે રુદ્રનું દિમાગ શંકાનું કામ કરવા લાગ્યું.

અરે હમણાં તો ચાલું હતો પ્રિયાનો મોબાઈલ. મારો કોલ જતાં જ સ્વિચ ઓફ કરી દીધો!! શું કરું? સૌમ્યને કોલ કરું? નહીં..નહીં સ્ટડીઝમાં બિઝી હશે કદાચ..!! સોનીને કોલ..!! નાં રહેવાં દે આવતીકાલે બપોરે જ કરીશ.

રુદ્રને આખી રાત ઊંઘ નાં આવી. તેનું દિમાગ વિચારોના વંટોળમાં ફસાતું જતું હતું. તે બેડ પર જેવો ઊંઘવા માટે પડ્યો તેવો જ ફરી વિચારોમાં વ્યસ્ત થઈ ગયો, “ આ સર...આ નીલ સર કોણ હશે..? હું તો જાણતો પણ નથી. શું આ વાત સાચી હશે..?? નાં નાં...અને જો આ વાત સત્ય જ હોય તો....??”

રુદ્રને ઊંઘ આવતી ન હતી, તે પડખા ફેરવીને રહી ગયો. રાતનાં ત્રણ વાગ્યાં હતાં. એ બેડ પરથી ઉઠ્યો અને ફરી પ્રિયાને ફોન કર્યો પરંતુ ફોન બંધ. રુદ્રને લાગ્યું જાણે એનું ગળું સુકાઈ ગયું છે એણે ઝડપથી પાણીના ઘુંટડા પીધા.

અને ગુસ્સામાં જ મોબાઈલને સ્વિચ ઓફ કરી દીધો અને ફરી બેડ પર પડ્યો.

***

બીજી તરફ પ્રિયાને પણ ઊંઘ ન આવતી હતી. એણે પહેલા ચેક કર્યું કે રોઝ સુઈ ગઈ છે કે નહીં. રોઝ સુતેલી હતી. રાતનાં સાડા ત્રણ થયા હતા. પ્રિયાએ પોતાનો મોબાઈલ લીધો અને સીધી બાલ્કનીમાં ઊભી રહેવાં માટે જતી રહી. અનાયસે જ એના દબાવેલા આંસુ બહાર આવી ગયા. એ રાતનાં સુમસામ માહોલને જોતી રહી અને રડતી રહી. એણે મોબાઈલ સ્વિચ ઓન કર્યો. રુદ્રના મિસ્ડ કોલ હતાં જ. એણે પિક્ચર ગેલેરીમાં જઈને રુદ્રનાં ફોટા કાઢ્યા. મોબાઈલ નજદીક લઈને એણે રુદ્રનાં ફોટા પર હળવી કિસ કરી.

પ્રિયાના આંખોમાંથી હજુ પણ આંસુઓ વહી રહ્યાં હતાં.

એણે રુદ્રનો ફોટો જોતાં કહ્યું, “ હું તારા ઇશ્કમાં છું રુદ્ર.....!!”

“આજે રોનકે જે કોલેજમાં મારા કેરેક્ટર વિષે કહ્યું એ તમારી સામે કહેતે તો તમે મારા વિષે શું વિચારતાં રુદ્ર...??” પિક્ચરમાં જ રુદ્રનાં ગાલોને સહેલાવતાં પ્રિયા આંસુ રેલાવીને પ્રશ્નો પૂછી રહી હતી.

રુદ્ર તું ભલે મને પ્રેમ કરતો હોય પણ આવી અફવાઓથી એક વાર તો મારા કેરેક્ટર વિષે શંકા કરતે જ ને રુદ્ર...?? એટલું કહી પ્રિયા જાણે કોઈ અઘટનાનાં વિચાર કરતી હોય તેમ કહેવાં લાગી.

તેના દિલો દિમાગ પર રોનકના અપશબ્દોની ગહેરી ચોટ લાગી હતી. અચાનક જ એણે કોઈ ઊંડો અહેસાસ થયો હોય તેમ એણે રુદ્રને કોલ લગાવ્યો. એણે ઘણી વાર ટ્રાઈ કરી પરંતુ ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો.

પ્રિયા ફરી રુદ્રનો ફોટો જોતાં કહેવાં લાગી, “રુદ્ર!! નીલ સર સાથે મારું કયું અફેર્સ રહેવાનું? નીલ સર જેઓ મને પહેલા સર તરીકે નથી મળ્યા પરંતુ એક અણજાણ હેન્ડસમ યુવક તરીકે મારા મનમાં એમની છબી વસેલી. અને એ જ વ્યક્તિને હવે સર તરીકે એનો જોબ જવાબદારી નિભાવતાં મેં એમણે જોયા તો શું એણી સાથે પલભરની મસ્તી એ અફેર્સ ગણાતી?”

પ્રિયા બેચેન બની રહી હતી. એનો જીવ ઉચાટ અનુભવી રહ્યો હતો. પરંતુ પ્રિયાને આવી ઉચાટભરી લાઈફ પસંદ ન હતી. તેને જાણે પોતાનાં વિચારોને ખંખેરી નાખ્યાં હોય તેમ તે હવે કોઈ નિર્ણય પર આવી ગઈ. તેણે હવે નક્કી જ કર્યું હતું કે તે જેટલી સાદાઈથી રહે તેટલું જ વધારે નકામું સાંભળવાનું મળે એના કરતાં એનાથી જ ઉલટું કરીને લાઈફને એન્જોય કેમ ન કરી શકાય ?? બંને રીતે જીવીએ તો પણ સાંભળવાનું તો રહેતું જ હોય છે. એણે પોતાનાં આંસુઓને દ્રઢપણે લુછી નાખ્યાં અને ગુસ્સેથી કહ્યું, “ સબ સે બડા રોગ,ક્યાં કહેંગે લોગ.” ની ઐસી કી તૈસી...”

એ ફરી રાતનાં શાંત વાતાવરણે જોતી રહી અને જાણે કોઈ તાજગીનો અનુભવ કર્યો હોય એમ હળવાશ અનુભવી પોતાનાં રૂમમાં ઊંઘવા માટે જતી રહી.

***

રુદ્ર બેડ પર તો પડ્યો પરંતુ એણે નીલ સર નામની શંકા ઊંઘવા દેતી ન હતી. તે બબડ્યો, “નીલ, નીલ સર..સર..”

અને જાણે ઝટકામાં એણે યાદ આવ્યું હોય તેમ, “ ઓહ નીલ સર, જેમણી સાથે પ્રિયાએ મને મુલાકાત મોલમાં કરાવી હતી. એ નીલ સર જ્યાં મારી ઉપસ્થિતીનો પ્રિયાએ કોઈ ગણકાવ કર્યો ન હતો. એ નીલ જેનાથી હું જલીને રાખ બન્યો હતો અને ગુસ્સામાં જ બંનેને વાતો કરવામાં મશગુલ છોડીને આવ્યો હતો. ઓહ્હ એ નીલ જે મારાથી પણ હેન્ડસમ અને પ્રિયાની આંખોની ચમક ત્યારે નજરે ઊડીને દેખાતી હતી....!! કદાચ સાચ્ચે જ તો પ્રિયા-નીલ...ચક્કર...!! હા !! એટલે જ તો પ્રિયા મને કેટલા વર્ષોથી રખડાવી રહી છે. એણે જવાબ હજુ સુધી આપ્યો જ ક્યાં છે..? એટલે જ તે કહેતી હતી, “આટલો લવ સારો નહીં.”

(કમશઃ ...)