Collage yuvanone takor in Gujarati Motivational Stories by Vivek Tank books and stories PDF | કોલેજ યુવાનોને ટકોર

કોલેજ યુવાનોને ટકોર

કોલેજના યુવાનોને ટકોર

( Think Civil Service )

કોલેજ એ ખુબ મજાની જગ્યા છે. આપણા માટે કોલેજ એ સ્વતંત્રતાનો પર્યાય છે. આ કાળમાં યુવાન નવા મિત્રો બનાવે છે, નવી દુનિયા જાણે છે, નવા વિચારો કરે છે, અને પોતાના સપનાઓને રંગવાનું ચાલુ કરે છે.

તમે આર્ટસ, કોમર્સ, સાયન્સ નાં કોઈ પણ કોર્સમાં હોય ઉપર લખ્યું એ થવાનું જ… મે મારા કોલેજના અનુભવથી એક વાત જોઈ કે એ વખતે અમને સારી રીતે માર્ગદર્શન આપવા વાળું કોઈ હતું જ નહી. B.pharm પછી શુ એ વિશે કહેનાર કોઈ ન હતુ. બધા કૂવાનાં દેડકા જેવા હતા એટલે કોઈ ખાસ દૂર દૂરનું વિચારી શકતું નહિ.… જો કદાચ એ વખતે જ સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC-GPSC) વિષે અમને ખબર પડતી હોત તો બે વાર સિવિલ સર્વિસનો કોર્ષ કોલેજ કાળમાં જ પૂરો કરી નાખ્યો હોત.

UPSC-GPSC જેવી સિવિલ સર્વિસ પરીક્ષાઓ દ્વારા યુવાનો IAS, IPS, IFS, ડે. કલેકટર, ડી. વાય. એસ.પી., મામલતદાર, જેવા મહત્વના પદ પ્રાપ્ત કરી શકે છે..

બસ એ જ અનુભવથી હું આજના કોલેજના યુવાનોને ટકોર કરવા માંગું છું કે તમે કોલેજ કાળથી જ થોડી થોડી વાંચનવૃતિ કેળવો. એ વાંચનથી તમારો પોતાનો એક દ્રષ્ટિકોણ બનશે. દરેક વાતમાં પોતાનો એક તર્ક હશે. અને એ ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. તમે જો સિવિલ સર્વિસની પરીક્ષા આપશો તો એમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે વ્યવહારુ જીવનમાં પણ આ તર્કનો ખૂબ ઉપયોગ થશે.

કોલેજકાળમાં ભરપૂર ફાજલનો સમય મળતો જ રહેતો હોય છે. એ સમયમાં તમે સિવિલ સર્વિસનો સિલેબસ જુવો. તેમાં કઈ કઈ પોસ્ટ હોય છે તે જુવો, તેમાં ક્યા ક્યા વિષયો આવે છે એ જુવો. તેમાં જરૂરી વિવિધ પુસ્તકોનું લીસ્ટ તૈયાર કરો. અને થોડું થોડું વાંચન શરુ કરો..… તમારી પાસે ઘણો સમય છે..… એટલે તમે દરેક વિષયને શાંતિથી સમજીને ધીમે ધીમે આરામથી વાંચી શકશો. તે વિષયને લગતી રસપ્રસ કોઈ નોવેલ, રેફરન્સ બૂક પણ વાંચી શકાય... દા.ત. ડીસ્કવરી ઓફ ઇન્ડિયા ( જ. નહેરૂ ), અડધી રાત્રે આઝાદી ( અનુવાદ – અશ્વિની ભટ્ટ ), મારી વિદેશયાત્રાનાં પ્રેરક પ્રસંગો ( - સ્વામી સચ્ચિદાનંદ ), ઈતિહાસ (- ચંદ્રકાંત બક્ષી ), ધૂમકેતુ કે કનૈયાલાલ મુન્શીનાં પુસ્તકો....

આજના ઈન્ટનેટનાં યુગમાં તો ઓનલાઈન પણ ઘણું બધું તમે જ્ઞાન મેળવી શકો. આપણે ફિલ્મો, ગીતો, કોમેડી વિડીયો જોતા હોઈએ છીએ તો સાથે સાથે Youtube પર “ભારત એક ખોજ”, “સંવિધાન” , “રક્તરંજીત”, “પ્રધાનમંત્રી” જેવી સીરીઝનાં એપિસોડ જોઈ શકો છો.

કોલેજકાળમાં તમે એક બીજું સરસ કામ એ પણ કરી શકો કે તમે તમારા શહેરનાં કલેકટર, જિલ્લાવિકાસ અધિકારી, ડેપ્યુટી કલેકટર, મામલતદાર, પોલીસ અધિક્ષક ( SP), નાયબ પોલીસ અધિક્ષક ( Dy.sp) વગેરે જેવા અધિકારીઓની ઓફીસ પર જાઓ. તેની કામગીરી શું હોતી હશે, તેઓ પાસે કેવી સતા હોય છે, એની પ્રાથમિક માહિતી પણ મેળવી શકો અને કોઈ સારા અધિકારી હોય તો એ યુવાનોને માર્ગદર્શન માટે મળતા પણ હોય છે તો તેવા અધિકારીને મળો. તેમને મળવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે તમને સતત પ્રેરણા મળતી રહેશે. તમારો સિવિલ સર્વિસ પ્રત્યેનો જોશ જાગતો રહેશે.

મને મારા બાળપણનો એક પ્રસંગ યાદ છે કે હું ધો. 8 માં હતો ત્યારે અમારે શાળામાં ધ્વજ વંદન માટે મુખ્ય અતિથી તરીકે જિલ્લા કલેકટરશ્રી પધારેલા. ત્યારે તેમની એન્ટ્રી, તેનો પ્રભાવ, તેની સતા જોઇને મને ઘણી નવાઈ લાગેલી. તેમના હાથે મને પ્રમાણપત્ર પણ મળેલ. અને બધાને કહેતો ફરતો કે કલેકટરનાં હાથે આ પ્રમાણપત્ર મળ્યું… અને જ્યારે જ્યારે કલેકટર બંગલો પાસેથી પસાર થતો ત્યારે ત્યારે વિચારતો કે આ કલેકટરને જીલ્લાનો રાજા કેમ કહેતા હશે ?? એ કરતા શું હશે ?? પણ હમેશા કલેકટર પ્રત્યે માન થતું.… જોકે ત્યારે મને ખબર નહોતી કે કલેકટરને મળી પણ શકાય, નહીતર હું જરૂર મળવા ગયો હોત...

કોલેજકાળમાં તમે છાપું વાંચવાની આદત કેળવી શકો. ખાસ કરીને અંગ્રેજી છાપું. એનાથી બે ફાયદા થશે . એક તો તમારું અંગ્રેજી ખૂબ સારું થઇ જશે અને બીજું તમને દેશ-વિદેશ વિષે ખબર પડવા માંડશે અને નોલેજ પણ વધશે. નુકસાન કાંઈ જ નથી. અરે ગુજરાતી છાપાઓની બુધવાર અને રવિવારની પૂર્તિનાં પણ સારા સારા લેખ વાંચી શકો. આ છાપા વાંચવાની આદત તમને ભવિષ્યની તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે.....

કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે રમતા રમતા કોલેજકાળ માં તમે આ બધું કરતા જશો તો તમે ઘણા આગળ નીકળી જશો. સિવિલ સર્વિસ માટે તમે ઘણું બધું કરી નાખ્યું હશે અને તમને ખબર પણ નહિ હોય… જ્ઞાન સાથે ગમ્મતની જેમ....

આ લેખ ગમે તો આપના મિત્રો, સંબંધીઓ, કોલેજના યુવાનોને જરૂર શેર કરો.. જ્યોત સે જ્યોત જલાતે રહો...

- વિવેક ટાંક

( ડેપ્યુટી કલેકટર, પોરબંદર )

Rate & Review

Rajendra Patel

Rajendra Patel 6 months ago

Minaxi

Minaxi 2 years ago

Chetan

Chetan 3 years ago

Vijesh Patel

Vijesh Patel 4 years ago

bharat patel

bharat patel 4 years ago