Yuvan lekhako ane vadil lekhako books and stories free download online pdf in Gujarati

યુવાન લેખકો અને વડીલ લેખકો

યુવાન લેખકો અને વડીલ લેખકો

યશવંત ઠક્કર

‘યહાં વહાં સારે જહાં મેં તેરા રાજ હૈ જવાની ઓ દીવાની તૂ ઝિંદાબાદ...’

આજે દરેક ક્ષેત્રમાં યુવાનોની બોલબાલા છે. સૌ કોઈ યુવાનોને રાજી રાખવા માંગે છે. યુવાન નેતાઓ, યુવાન મતદારો, યુવાન ભકતો, યુવાન ગ્રાહકો, યુવાન જાનૈયાઓ, યુવાન, યુવાન અને યુવાન! બધા ક્ષેત્રોમાં યુવાનોની બોલબાલા હોય તો સાહિત્ય ક્ષેત્ર કેમ બાકી રહે? આજકાલ યુવાન લેખકોની બહુ માંગ છે. લેખકોમાં સાહિત્ય ઓછુંવધતું હશે તો ચાલશે, પરંતુ લેખકો યુવાન હોવા જોઈએ. મંચ પર અને ફેસબુક પર શોભે એવા હોવા જોઈએ.

એક જમાનામાં જાન કાઢવી હોય તો વડીલોને આગળ કરવામાં આવતા. વડીલોને અનલિમિટેડ માનપાન આપવામાં આવતાં. કોઈ વડીલ રિસાયા હોય તો જાનની બસ એ વડીલના આંગણે જઈને ઊભી રહેતી, વરનાં માતાપિતા એ વડીલને પગમાં પડતાં, માફી માંગતાં અને એ વડીલને માન સહિત જાનની બસમાં બેસાડતાં. જાનને મોડું થઈ જતું, પરંતુ વડીલનું વડીલપણું અકબંધ રહેતું. આજે કોઈ વડીલ એવું કરે તો વરરાજા જ એના પપ્પાને શું કહે? કહે કે: ‘પપ્પા, કાકા બહુ ટણી કરતા હોય તો મૂકોને પડતા. એ જાનમાં વાતે વાતે વિવેચન કરશે. એના બદલે મારો એક ભાઈબંધ વધારે લઈ લો, એ વરઘોડામાં નાચશે તો ખરો.’ જો કે આજકાલ માનભૂખ્યા વડીલો નામશેષ થઈ ગયા છે. જાનમાં વડીલને શોધવા એટલે ન્યૂઝચેનલમાંથી ન્યૂઝ શોધવા જેવું અઘરું કામ છે. વળી, આજકાલ વડીલો પણ પરિવર્તનના પવનને પારખીને પાતળા પરોણા જેવા પાધરા થઈ ગયા છે.

જેમ કેટલાક વડીલો સમય વર્તે સાવધાન થઈ ગયા છે એમ કેટલાક વડીલ લેખકો પણ સાવધાન થઈ ગયા છે. કોઈ નવાસવા લેખકની વાર્તા કે કવિતાને અરધીપરધી વાંચીને ઘા કરી દેનારા વડીલ લેખકો હવે નવા લેખકોનાં પુસ્તક વિમોચનના કાર્યક્રમોમાં આશીર્વચનો આપવા પધારે છે. પછી ભલે એમને એ પુસ્તકોમાં ભલી વાર ન લાગી હોય. વિમોચન કાર્યક્રમોમાં એમને ગુજરાતી સાહિત્ય વિશેની ચિંતા વ્યક્ત કરવાનો મોકો મળે છે. આવા વડીલ લેખકો વિમોચનના કાર્યક્રમોમાં મોટાભાગે કોઈને અપ્રિય લાગે એવું બોલતા નથી. તેઓ જલેબી જેવી મીઠી અને ગોળગોળ વાતો કરીને ઘીના ઠામમાં ઘી પાડી દે છે.

પરંતુ કેટલાક વડીલ લેખકોને એવું લાગે છે કે આજકાલના યુવાનો રાતોરાત કવિ-લેખક બની ગયા છે. ‘ધીરજનાં ફળ મીઠાં’ એ કહેવતમાં વિશ્વાસ ધરાવતા વડીલ લેખકોની વિચારસરણી પર સોશ્યલ વેબસાઇટ, બલૉગ, ફેસબુક, વોટ્સએપ્પ, ઇબુક, વગેરે આધુનિક માધ્યમોના લીધે કારમો ઘા પડ્યો છે.

એક જમાનો એવો હતો કે આધ્યાપકને માટે લેખક બનવું સરળ હતું. આધ્યાપક લેખક બનતા એટલે એમને વિદ્યાર્થીઓના રૂપે તૈયાર વાચકવર્ગ અને શ્રોતાવર્ગ મળી જતો. પછી એવો જમાનો આવ્યો કે પત્રકાર માટે લેખક બનવું સરળ થઈ ગયું. પત્રકારનું લખાણ બીજા કોઈ ન છાપે પણ એ જે છાપાનો પત્રકાર હોય એ છાપું તો છાપે. વળી, પત્રકારની ચાર આંખની શરમ ભરનારા તો છાપે. અને છાપું વાંચનારા તો પૈસા વસૂલ કરવાના હેતુથી પત્રકાર-લેખકનાં લખાણો વાંચે જ.

હવે જમાનો આવ્યો છે એન્જિનિઅર બનીને પછી લેખક બનનારાઓનો. આ એન્જિનિઅર લેખકોએ સામયિકો, છાપાંઓ, તંત્રીઓ, સંપાદકો, સાહિત્યકારો, વિવેચકો, આલોચકો, પ્રકાશકો, વિક્રેતાઓ વગેરે બધાને બાયપાસ કરી દીધા છે. આજનો આ એન્જિનિઅર-લેખક કલમના ખોળે માથું નથી મૂકતો, પોતાના ખોળામાં લેપટોપ લઈને બેસે છે.

વડીલ લેખકોએ લેખન ક્ષેત્રે પ્રસિદ્ધ થવામાં અર્ધી જિંદગી ખર્ચી નાખી હોય છે. સંપાદકોનો ‘સાભાર પરત’નો ત્રાસ સહન કરીને, વિદ્વાનોની જોહુકમી સહન કરીને, પ્રકાશકોને મનમાની સહન કરીને, સાત સાત કોઠાઓ વીંધીને એમણે લેખક તરીકેની ઓળખ મેળવી હોય છે. વડીલ લેખકો પણ ક્યારેક કોઈની વહાલાંદવલાંની નીતિનો ભોગ બન્યા હોય છે. એમના જમાનામાં પણ બધું સારું સારું જ નહોતું. એમણે ખૂબ સહન કર્યું હોય છે. હવે, જ્યારે એ વડીલ લેખકોને નવા લેખકો પર વડીલગીરી કરવાનો વખત આવ્યો છે ત્યારે જ જમાનો બદલાઈ ગયો છે. એમની નજર સામે જ ઊગીને ઊભો થયેલો યુવાન રાતોરાત લેખક જ નહિ, સંપાદક, વિવેચક, માર્ગદર્શક, આયોજક, નિર્ણાયક, પ્રકાશક, વગેરે વગરે થઈ જાય છે. ‘આ તો લાવ્ય ઘોડો અને કાઢ્ય વરઘોડો’ જેવી વાત થઈ ગઈ છે.

નવલેખકોનો આત્મવિશ્વાસ હવે મુદ્રિત પુસ્તકોની બાબતમાં પણ રંગ લાવી રહ્યો છે. આજે જે વડીલ લેખકો છે એમણે એવો જમાનો જોયો છે કે જે જમાનામાં કોઈ લેખકને પોતાનું પહેલું પુસ્તક છપાવવું એટલે એક વરો ઉકેલવા જેવું અઘરું કામ હતું. પ્રથમ પુસ્તક છપાવવામાં જ લેખકની યુવાની વીતી જતી હતી. જયરે આજના કેટલાક લેખકો પહેલે જ ધડાકે પાંચ પાંચ પુસ્તકો છપાવી શકે છે અને એ પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે વડીલ લેખકોને બોલાવી શકે છે.

પરંતુ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. કેટલાક વડીલ લેખકોને આવા કાર્યક્રમોમાં બોલવાનો મોકો મળે છે ત્યારે તેઓ નવલેખકોને ઠપકો આપવાનું ચૂકતા નથી. કોઈક સાસુ નવવધુને પરિવારની મર્યાદા, પરંપરા, રીતરિવાજના પાઠ ભણાવે એમ વડીલ લેખકો તરવરિયા નવલેખકોને જોડણી, વ્યાકરણ, શૈલી, રજૂઆત વગેરે બાબતમાં ઠપકો આપે છે. પરંતુ નવલેખકો એ વડીલ લેખકોને એવો જવાબ આપે છે કે: ‘વડીલો, તમે અમારા LIKE, COMENTS, DOWNLOAD, FOLLOWERSના આંકડા જુઓ પછી વાત કરો. તમારી પાસે અમારી જેટલા આંકડા છે? અમારા જેવું માર્કેટિંગ છે? જોડણી, વ્યાકરણ અને શૈલીને કોણ પૂછે છે? આજનો જમાનો ટેકનૉલોજિનો ઉપયોગ કરવાનો છે. ઝડપનો છે. તમે પ્રસિદ્ધિ માટે જેટલી રાહ જોઈ એટલી રાહ જોવામાં અમે માનતા નથી.’

વળી, જૂના લેખકો બહુ સાહસિક નહોતા. પહેલું પુસ્તક છપાવતા પહેલાં તેઓ દર દરની ઠોકરો ખાતા હતા. પ્રસ્તાવના માટે વિદ્વાનોને રાજી કરતા હતા. પ્રકાશકોની દુકાને દુકાને ભટકતા હતા. પ્રકાશકો પણ એમને પુસ્તક પ્રકાશન માટે તડપાવતા હતા. આજે પણ એવું વાતાવરણ છે જ. પરંતુ આજના લેખકો સાહસિક છે. એમને પ્રસ્તાવનાની જરૂર નથી. એમને પ્રૂફરિડિંગની જરૂર નથી. એમને પ્રકાશકોની જરૂર નથી. તેઓ ખુદ પ્રકાશકો બની શકે છે. એમને પરંપરાગત વિક્રેતાઓની જરૂર નથી. એમની પાસે આધુનિક વિક્રેતાઓ છે. એમની પાસે ચારથી પાંચ હજાર ફેસબુક મિત્રો વત્તા પ્રશંસકોની મોટી ફોજ છે. આજનો લેખક એના પુસ્તકની હજાર નકલો તો ફેસબુક પર એક પોસ્ટ મૂકતાની વારમાં વેચી શકે છે. વળી, વિવેચકો એના પુસ્તક વિશે શું કહેશે એની એને પરવા નથી. એ દિલથી માને છે કે: ‘સબ સે બડા રોગ, ક્યા કહેંગે વિવેચક લોગ.’ કોઈ કોઈ નવલેખક તો વિવેચકોને આગોતરા ચેતવણી આપી દે છે કે: ‘ખબરદાર! મારા પુસ્તક વિષે કોઈએ કશું આડુંઅવળું લખ્યું છે તો જોયા જેવી થશે. મારી ફેસબુક પોસ્ટ કોઈની સગી નહિ થાય.’ જૂના લેખકમાં આત્મવિશ્વાસનો અભાવ હતો. આજના લેખકમાંથી આત્મવિશ્વાસ ઓવરફલો થઈ જાય છે.

વડીલ લેખકોને જાતી જિંદગીએ આ બધું જોવું પડે છે! એટલે એમનાથી ક્યારેક બોલ્યા વગર રહેવાતું નથી અને નવલેખકોથી એમનું ડહાપણ સહેવાતું નથી. બંને વર્ગના લેખકો પાસે પોતપોતાની ખૂબીઓ છે. જો વડીલ લેખકો અને નવા લેખકોની વચ્ચે ગઠબંધન થાય તો એના જેવું એકેય નહિ. પરંતુ એવું ગઠબંધન રેઢું પડ્યું છે?

***