Chhatani books and stories free download online pdf in Gujarati

છટણી

છટણી

“ગરબે ઘૂમતી છોરીઓ હો હો ... ગરબે ઘૂમતી ગોપીઓ .. ” મનમાં બબડતા ભીખો ફાઈલો ભરેલુ કબાટ સાફ કરે છે, પાતળી મૂછો, કાળા ધોળા વાળ, ઝીણી આંખો ને મનમાં બબાલ કરવાની ભાવનાને પહેરવેશ માં સફેદ બુશટ, ફોર્મલ પેન્ટને એમાય અડધી બાયો ચડાવેલી કે જેથી બધાને હાથ મા ચિત્રાવેલું ખોડીયાર માં નું નામ દેખાય..જય ખોડીયાર માં

સવારના ૧૦:૩૦ વાગ્યા હતા ને કંપનીનો લગભગ ૮૦% સ્ટાફ આવી ચુક્યો હતો.

એટલામાં કંપનીનો એચ.આર. અંદર પ્રવેશે છે.

“ઓં હો સાહેબ આવી ગયા ગુડ મોર્નિંગ” ભીખો સાહેબ ને ચીડવતા

મંગલ (એચ.આર.) : “ગુડ મોર્નિંગ ભીખલા... ફટાફટ ચા લાય હેડ.”

“સાહેબ બનવા તો દો અજી” પાપણો ભેગી કરીને ભીખલો ગયો અંદર.

“અને સાંભળ બપોર પછી પેલી લાલ કવર વાળી બધી ફાઈલો મારા ટેબલ પર મૂકી દેજે” કોમ્પુટર ચાલુ કરતા મંગલ બોલ્યો.

“હારું સાહેબ પણ મારે બપોર પછી વહેલા નીકળવાનું છે ને લાલ કવર વાળી તો કેટલી બધી ફાઈલો છે” ભીખો આજીજી કરતો બોલ્યો.

“ના, ભીખલા આજે તારે ક્યાય નથી જવાનું, આજે બહુજ કામ છે”

“અરે પણ સાહેબ મેં તો તમને કાલનું કીધું હતું” મંગલ ની નજીક આવીને ભીખો બોલ્યો.

“સારું નીકળજે પણ ૬ વાગ્યા પછી”

“અરે સાહેબ આવું થોડું હોય મારે તો ૨ વાગતા જવાનુ જ છે” થોડોક ગુસ્સે થઈને

“કીધું ને ૬ વાગ્યા પછી નીકળવાનું છે..વધારે ડબ ડબ ના કરીશ મારી જોડે”

“કંપની ના નિયમો બદલો સાહેબ સુખી થશો, કંપની સિવાય પણ પોતાના કામ હોય છે”

“જો ભીખલા હું ખાલી મારું કામ જ કરું છું, તારે કેવું હોય તો મોટા સાહેબ ને કેવાનું અને તું ચા લાય પેલા જા” અંદર તરફ ઈશારો કરતો મંગલ બોલ્યો.

ભીખો ટણીમાં ને ટણી માં અંદર ચા બનાવા જતો રહ્યો.

સવાર ના ૧૧:૦૦ જેવું વાગ્યું હતું અને કંપનીનો સ્ટાફ પણ બધો આવી ગયો હતો.

દરરોજ ની જેમ આજે પણ બધા પોતાના કામ માં મશગુલ હતાને ક્યાંક ગપાટા મરાતા હતા.

એચ.આર ની ખુલ્લી કેબીન, મેનેજર ની કેબીન અને મોટા સાહેબ ની કેબીન સિવાય નો એરિયા કંપની ના માણસો માટે એટલે માણસો ખુલ્લી રીતે બધી વાતો કરી સકતા હતા.

ગઈકાલ રાત ની ક્રીકેટ મેચ ની વાતો ચાલતી હતી ને એમાંય એક બોલ્યો ખબર નઈ આજે તો મારી ડાબી આંખ બહુજ ફરકે છે.

બીજો બોલ્યો : “અલ્યા ઉંધા, ડાબી નઈ જમણી ફરકવી જોઈએ કાલે સેલેરી આવાની છે, કાલે ૧ તારીખ.”

ત્રીજો બોલ્યો : “યાર હજુ ચા ના આવી, એના વગર કામ જ નઈ થતું” ઘડિયાળ જોતા

એટલામાં ભીખાએ જોશ થી દરવાજો ખોલ્યો , હાથ માં ચા ભરેલી પ્લેટ અને બીજા હાથમાં કપડું, લગભગ તો રોજ નક્કી હોયજ કે કોઈના કોઈ ઉપર તો ભીખલો ચા ઢોળશેજ.

ભીખો હંમેશા કોઈના કોઈ જોડે બબાલ કરેજ એટલે એ તો દાઝ માં હતોજ.

અંદર પ્રવેશીને તરત ફૂલ એ.સી. ધીમું કરી દીધું.

“એ.સી. ધીમું રાખવાનું હો..” નાક ફુલાવીને ચાર નવા કંપની ના માણસોને ધમકાવતો બોલ્યો.

જ્યારથી આ કંપની ચાલુ થઇ ત્યારથી ભીખો અહી નોકરી કરે છે. સૌથી જુનો માણસ અને આખી કંપની માં એની જ ધાક.

“ભીખાભાઈ બહુ કર્યું તમે તો ચા નું આજે, આટલી બધી વાર” ટોળામાંથી અવાજ આવ્યો.

ભીખો કઈ બોલ્યોજ નઈ.

“આવતા અઠવાડિયેતો ૨ દિવસ ની રજા લઇ લેવી છે યાર..કંટાળ્યા” એક જુનો કંપનીનો માણસ બોલ્યો.

“હા, તમને તો હવે રોજ રજા જ મળવાની છે.” ભીખા ની જીભ લપ્સી.

બધાને નવાઈ લાગી પણ ઇગ્નોર કરી વાતને.

જુના એમ્પ્લોઇએ ભીખાને બહાર તરફ જવાનો ઈશારો કર્યો કે એટલામાં એક નવી લેડી એમ્પ્લોઇ પર ચા ઢોળી.

“માં ખોડીયાર, શું કરો છો મેડમ!”

મેડમ નવા હતા એટલે કઈ બોલ્યા નઈ ને અંદર ની તરફ મોઢું બગાડીને ગયા.

એટલામાં મંગલ અને મોટા સાહેબ અદર આવ્યા ને ભીખા ને પણ જોડે આવવાનું ઈશારા થી કીધું.

મોટા સાહેબ આવ્યા એટલે બધા કામમાં જોડાવા લાગ્યા.

ભીખો ચા ની પ્લેટ ત્યાજ ટેબલ પર મુકીને અંદર મોટી કેબીન માં ગયો.

બરાબર લંચ ટાઇમ થયોને ભીખો પ્લેટ લેવા આવ્યોને હાથ માં ૯ લાલ કવર વાળી ફાઈલો હતી.

ઓફીસ માં બહુ બધી હલચલ થવા લાગી, ધીમેધીમે હલચલ વધવા લાગી.

ઓફીસ ના માણસો ને હવે નવાઈ લાગવા માંડી કે નક્કી દાળ માં કઈક કાળું છે.

આખો દિવસ મોટા સાહેબ પણ કેબીનની બહાર નીકળ્યા નઈ જે આગ માં ઘી નાખવા જેવી વાત હતી.

એક બે માણસોએ તો એચ.આર. ને જઈને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ કઈ મેળ પડ્યો નઈ.

લંચ નો ટાઇમ પૂરો થયો ને લગભગ ૩:૩૦ વાગતા એચ.આર. , મોટા સાહેબ અને મેનેજર ત્રણેય એક કેબીન માં ભેગા થયા મિટિંગ માટે.

કેટલાક તો કેબીન ની કાચ વાળી બારીમાંથી જોતા હતા કે કઈ વાત પર આટલી બધી ચર્ચા થવા લાગી છે.

એટલામાં ધડામ દઈને અવાજ આવ્યો પાછળ થી.

“એ માં..ખોડીયાર” ભીખો નીચે પડ્યો લાલ કવર વાળી ફાઈલો સાથે.

જોડે બેઠેલા ૩ જણા ફટાફટ આવ્યા ને ફાઈલો ઉપાડી, અને નજર પડી તો ૯ ફાઈલો કે જેમાં ૫ સૌથી જુના એમ્પ્લોઇઝ ની અને ૪ નવા એમ્પ્લોઇઝ ની ફાઈલો હતી.

“ઠેંકુ, ચિંતા ના કરો તમારું નામ નથી” ભીખો પેલા ૩ ની સામે જોઇને બોલ્યો ને ફટાફટ પેન્ટ ઉચો કરતો કરતો સર ની કેબીન માં મૂકી આવ્યો.

કંપની ના માણસો માં હવે થોડો ભય થવા લાગ્યો કે ખરેખર આ શું છે બધું?

એમાંથી એક બોલ્યો : “કદાચ જુના માણસો માટે મોટી પાર્ટીનું આયોજન થવાનું હશે”

એમ કરીને બધા હસવા લાગ્યા.

“સાહેબ, હવે હું જઉં મારે મોડું થાય છે” ભીખો અંદર આવતાની સાથે બોલ્યો

“ના હમણાં નહી કલાક માં કામ પૂરું થઇ જાય પછી” એચ.આર. ફાઈલો ચેક કરતા કરતા બોલ્યા.

ભીખો બપોર ની ચા બનાવા જતો રહે છે.

એચ.આર. બહાર આવીને (નોટીસ બોર્ડ પર કાગળ લગાવતા) : “નોટીસ માં જેનું નામ છે એ લોકોએ ૩૦ મિનીટ પછી અંદર આવવું વારાફરતી”

એમ્પ્લોઇઝ વારાફરતી એક બીજાનું મોઢું જોવા લાગ્યા.

કદાચ બઢતી ની વાત હશે દિવાળી આવે છેને એટલે, કાતો કદાચ કંપનીનો કોઈ નવો નિયમ હશે અથવા કોઈની બદલી ની વાત હશે..આવી અટકળો સાથે લોકો ગુપચુપ વાતો કરવા લાગ્યા ને ઓફીસ માં ધીમે ધીમે અવાજ થવા લાગ્યો.

પણ નવાઈની વાત એકે એક સાથે ૯ લોકો ની બદલી ને બઢતી?

૧૫ મિનીટ પેલા જ ભીખો ચા લઈને આવ્યો, બધા એ પીધી પણ કોઈએ આ વખતે એની લવારી સાંભળીજ નઈ ને બધાનું ધ્યાન નોટીસ બોર્ડ પર હતું.

૪:૨૦ વાગતા જ ભીખાએ બુમ પાડી “જેની જેની છટણી થવાની છે એ લોકો નોટીસ વાંચીને લાઈન માં ઉભા રહો” ભીખલા ની જીભ ફરીથી લપ્સી.

બધાની આંખો પહોળી થઇ ગઈ.

એક સૌથી જુના એમ્પ્લોયી બોલ્યા : ”હા, બરોબર દિવાળી આવીને એટલે આ કંપનીએ ફરીથી એની જાત બતાવાનું ચાલુ કર્યું, ગઈ દિવાળીએ પણ એવુજ કર્યું હતું ને આજે પણ”

નવા એમ્પ્લોયી તો માથું ખંજવાડવા લાગ્યા કે આપડે આવી કંપની માં ક્યાં ફસાઈ ગયા, આને તો પેટ પર લાત મારી કેવાય, આવી કંપની કોઈ દિવસ નફો કરી ના શકે.

આવી કંપનીજે કીધા વગર બસ સહી કરાવી દે જેથી કોઈ કેસ પણ ના કરી શકે.

કંપની પોતાના ફાયદા માટે છટણી કરી શકે છે તો આપડે પણ સમય આયે વટક પણ થઈશું જ.

બહુજ શોર થવા લાગ્યો.

એક એક કરીને ૯ લોકો ને અંદર બોલાવ્યા ને સ્વેછાઈએ સહી કરવાનું કહી દીધું.

“હાશ હું તો બચ્યો, મારા સિવાય આ કંપની ને કોઈ મળવાનુંજ નથી” ભીખાના મન માં ગલવલિયા થવા લાગ્યા.

“સાહેબ, હવે તો હું જઉં ને” ભીખો બોલ્યો

“હા ભાઈ તમે જાવ હવે” એચ.આર. ફાઈલો પર લાલ કલર નો સિક્કો મારતા બોલ્યા.

“કંપની છોડી દો, દર વર્ષે છટણી થાય છે..જય ખોડીયાર” ભીખો ઓફીસ બહાર જતા જતા બકતો ગયો.