Satya Asatya - 18 books and stories free download online pdf in Gujarati

સત્ય અસત્ય - પ્રકરણ - 18

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૮

માણસમાત્ર સમયને બાંધી શકતો નથી. દુનિયાનું દરેક દુઃખ સમય સાથે ઘટી જાય છે. વહેતા સમય સાથે સત્યજીત અને અમોલાના સંબંધો પણ વહેતા રહ્યા. શરૂઆતમાં નમ્ર પછી ઊગ્ર વિરોધ દર્શાવીને થાકેલા સત્યજીતે એક વર્ષની અંદર પોતાની જાતને એટલી બધી સંકોચી લીધી કે એણે કોઈ બાબતમાં પ્રતિભાવ આપવાનું કે કંઈ પણ બોલવાનું બંધ કરી દીધું.

અમોલાએ એ બાબતે સોનાલીબહેનને ફરિયાદ કરી. એમણે સત્યજીતને એ વિશે લાંબુ-ચોડું ભાષણ આપી દીધું. અમોલા ખૂબ સહજતાથી બે રૂપમાં જીવતી હતી. એક, ઘરની બહાર પાર્ટીમાં - બેડરૂમમાં અને બીજું, ઘરના ડ્રોઇંગરૂમમાં. દારૂ પીતી, સિગરેટ પીતી, બીજા પુરુષો સાથે ખુલ્લેઆમ ફ્‌લર્ટ્‌ કરતી અમોલાને સોનાલીબહેન ઓળખતાં નહોતા અને ઘરમાં ‘મમ્મીજી મમ્મીજી...’ કરીને એમની આગળપાછળ ફરતી, એમની હાજરીમાં લાડ કરીને સત્યજીતને જમાડતી કે બ્રેકફાસ્ટ કરીને જવાનો આગ્રહ કરતી અમોલાને સત્યજીત ઓળખી શકતો નહોતો...

લગ્નની પહેલી એનિવર્સરીએ સત્યજીતની મરજી વિરુદ્ધ અપાયેલી પાર્ટીમાં અમોલાએ શરમાતા શરમાતા જાહેર કરી દીધું કે, પોતે મા બનવાની છે. સત્યજીત ફાટી આંખે જોઈ રહ્યો. લગભગ દરેક વખતે એની પાસે ઝનૂનપૂર્વક પોતાનો અધિકાર માગતી અમોલા એને વચન આપતી... કહેતી કે, ‘‘મને બાળકો ગમતાં જ નથી. મારે કોઈ લપ નથી જોઈતી.’’

આજે પાર્ટીમાં એની આ જાહેરાતથી સોનાલીબહેનની આંખોમાં પાણી આવી ગયાં. એમણે હાથમાં પહેરેલું હીરાનું બ્રેસલેટ ઉતારી પુત્રવધૂને પહેરાવી દીધું. ઠક્કરસાહેબે બંને માટે પોતાની એક ફેક્ટરી એમના નામે કરવાની જાહેરાત કરી દીધી. પાર્ટીમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હતું. જ્યારે સત્યજીત વધુ ને વધુ સંકોચાતો, એકલો પડવા માટે કોઈ અંધારો ખૂણો શોધી રહ્યો હતો.

*

પ્રિયંકાનાં પહેલા બે સેમિસ્ટરનું રિઝલ્ટ એના હાથમાં હતું. ઉત્સાહથી છલકાતાં અવાજે એણે મહાદેવભાઈને ફોન કર્યો, ‘‘દાદાજી, આઇ એમ સેકન્ડ ઇન યુનિવર્સિટી.’’

‘‘મને ખાતરી હતી બેટા, તું જ્યાં જઈશ ત્યાં બેસ્ટ જ સાબિત થઈશ.’’

‘‘મારે ઘરે આવવું છે.’’ એનો અવાજ પલળી ગયો.

‘‘આવ.. હું આજે જ સિદ્ધાર્થ સાથે વાત કરીશ. તને ટિકિટ મોકલાવે.’’

‘‘ટિકિટ નહીં, ટેક્સી મોકલાવવાનું કહો.’’ એ ખડખડાટ હસવા લાગી, ‘‘હું મુંબઈ એરપોર્ટથી બોલું છું. પંદર મિનિટમાં ઘરે આવીશ. માને કહો કે સુખડી બનાવી રાખે.’’

‘‘અરે મારી દીકરી...’’ મહાદેવભાઈ તો રડવા જ લાગ્યા. લગભગ એક વર્ષ ને બે મહિના પછી પ્રિયંકાને જોવાનો ઉત્સાહ એમની આંખોમાંથી વહેવા લાગ્યો.

‘‘બાપુને કહેતા નહીં હોં. હું એમને ઓફિસ મળવા જવાની છું.’’ પ્રિયંકાએ સરપ્રાઇઝ સાચવી રાખવાની તાકીદ કરી.

‘‘અરે, શીલાવહુ...’’ ફોન મૂકીને મહાદેવભાઈ તૈયારીમાં લાગી ગયા.

સાચે જ વીસમી મિનિટે ઘરનો બેલ રણક્યો. દરવાજો ખોલીને સામે ઊભેલી પ્રિયંકાને જોતા જ શીલાબહેન એને ભેટીને રડવા લાગ્યા. મહાદેવભાઈએ આગળ વધીને એના માથે હાથ ફેરવ્યો. પ્રિયંકા ઘરમાં દાખલ થઈને પાછળ પાછળ એની બેગ લઈને આદિત્ય પણ ઘરમાં દાખલ થયો.

‘‘મેડમ, બેગ ક્યાં મૂકું ?’’ એનો ચહેરો એકદમ ગંભીર હતો.

શીલાબહેને હાથથી રૂમ બતાવ્યો, ‘‘અંદર મૂકી દે.’’ બેગ મૂકીને રૂમમાંથી બહાર આવી આદિત્ય ઊભો રહ્યો. શીલાબહેને પર્સમાંથી કાઢીને સોની નોટ આપી. આદિત્યએ નોટ લઈ સલામ કરી. ભીની આંખે ઘરને જોઈ રહેલી પ્રિયંકાને ખડખડાટ હસવું આવી ગયું, ‘‘મોમ, આ આદિત્ય છે.’’ શીલાબહેનના ભવાં સંકોચાઈ ગયાં, ‘‘દોસ્ત છે મારો.’’

‘‘તો તું છે આદિત્ય !’’ મહાદેવભાઈએ આગળ વધીને એના ખભે ધબ્બો માર્યો. આદિત્ય મહાદેવભાઈને પગે લાગ્યો. બંને જણા ભેટી પડ્યા, ‘‘ખરેખર બેટા, તું ઈશ્વરનો મોકલેલો મારી પ્રિયંકાને મળી ગયો. તું હતો એટલે મારી ચિંતા એટલી ઓછી થઈ ગઈ કે...’’

‘‘તમે ઓળખો છો આને ?’’ શીલાબહેનનો ગુસ્સો વધી ગયો.

‘‘મોમ, મારા એવા કોઈ દોસ્ત છે ખરા, જેને દાદાજી ન ઓળખતા હોય !’’

‘‘હાસ્તો, આ ઘરમાં માની જ કોઈને પડી નથી... હું રાતદિવસ તારી રાહ જોઉં, તને ફોન કરું, પણ મને નથી કહેવાતું આદિત્ય વિશે...’’

‘‘હવે કહું છું ને !’’ પ્રિયંકાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો, ‘‘હું આદિત્ય સાથે લગ્ન કરવા માગું છું. બાપુ અને તને મળવા જ લઈ આવી છું.’’

‘‘એટલે તું બધું નક્કી કરીને આવી છે.’’

‘‘મેં રજા આપી છે, શીલાવહુ. મારી સાથે આદિત્ય લગભગ ત્રણ-ચાર દિવસે નિયમિત વાતો કરતો રહ્યો છે. હું એનાં મમ્મી-પપ્પાને નડિયાદ જઈ મળી પણ આવ્યો છું.’’ શીલાબહેનને ગુસ્સો તો બહુ આવ્યો, પણ આ ઘરમાં હજીયે મહાદેવભાઈની આણ પ્રવર્તતી હતી. એ કશું બોલી શક્યાં નહીં, પરંતુ આદિત્યને સવાલો પૂછીને એમણે થકવી નાખ્યો. એની સાત પેઢીનો ઇતિહાસ જાણી લીધો. એની આવક, જમીનો, મકાનો, મા-બાપ, ભાઈ-બહેન...

‘‘જુઓ, મને તો કંઈ વાંધો નથી.’’ દોઢ કલાકના ઇન્ટરવ્યૂ પછી એમણે કહ્યું, ‘‘તારા બાપુને મળી લેજો સાંજે. એ જેમ કહે તેમ...’’

‘‘બાપુએ તો હા જ પાડી છે.’’ પ્રિયંકાએ આત્મવિશ્વાસથી કહ્યું.

‘‘એટલે આ ઘરમાં સૌ જાણે છે...’’ શીલાબહેને છણકો કર્યો,‘‘હું નથી આવવાની તમારાં લગ્નમાં.’’

‘‘અરે એમ તે કંઈ હોય સાસુમા.’’ આદિત્ય ઊઠીને એમની બાજુમાં બેસી ગયો. એણે શીલાબહેનને ખૂબ મનાવ્યાં. સાંજે જાતે ડિનર બનાવીને સૌને જમાડ્યા. ઘરના કોઈને લાગ્યું જ નહીં કે આદિત્ય એમને પહેલી વાર મળતો હતો. કેટલાંય વર્ષોથી આ ઘરમાં આવતો-જતો રહ્યો હોય એટલી સ્વાભાવિકતાથી એ સૌની સાથે ભળી ગયો. સિદ્ધાર્થભાઈ સાથે દેશનું પોલિટિક્સ, મહાદેવભાઈ સાથે ગાંધી અને ધર્મ, તો શીલાબહેન સાથે અવનવી રેસિપીની વાતો કરીને એણે સૌનાં દિલ જીતી લીધાં.

‘‘હું તો સ્વપ્નેય કલ્પના નહોતી કરી શકતી કે તમારી દીકરી આવો સારો, સમજદાર ને પૈસાવાળો છોકરો ગોતી લાવશે.’’ એ રાત્રે શીલાબહેને સંતોષથી બેડરૂમમાં સિદ્ધાર્થભાઈને કહી જ નાખ્યું.

સાચો ધડાકો તો ત્રીજે દિવસે થયો. એ બંને જણા લગ્ન રજિસ્ટર કરીને જ જવા માગતા હતા. ઘણી રકઝક પછી હંમેશની જેમ આખરે પ્રિયંકાનું ધાર્યું જ થયું. પ્રિયંકા અને આદિત્યના લગ્ન રજિસ્ટર થઈ ગયા. બંને જણા લગ્ન કરીને સોમનાથ-ચોરવાડ ફરી આવ્યા. અઠવાડિયું નડિયાદ રહ્યા ત્યાં તો પાછા ફરવાનો સમય થઈ ગયો.

નીકળવાના આગલા દિવસની રાત્રે નડિયાદના ઘરમાં આદિત્યની બાજુમાં સૂતેલી પ્રિયંકા પટેલ છત તરફ તાકી રહી હતી. રાતના દોઢનો ટકોરો પડ્યો, ને આદિત્યની આંખો અચાનક ખૂલી ગઈ. એણે જોયું તો પ્રિયંકા જાગતી હતી. એની ઉઘાડી આંખોમાંથી સરકતા આંસુ કાનની પાછળ થઈને ઓશીકામાં સંતાઈ જતા હતા.

આદિત્ય બેઠો થઈ ગયો, ‘‘પ્રિયા ! શું થયું ?’’

‘‘કંઈ સમજાતું નથી આદિત્ય, પણ આજે મન બહુ ઉદાસ થઈ ગયું. રહી રહીને ડૂમો ભરાય છે.’’

‘‘નથી જવું ?’’

‘‘ના. જવું તો છે, હાથમાં લીધેલું કામ અધૂરું નહીં છોડવાનું એવું દાદાજી પાસે શીખી છું હું.’’ પ્રિયંકાએ ઊંડો શ્વાસ લીધો, ‘‘આદિ, તને ગુસ્સો તો નહીં આવે ને ? મારે એક વાત કહેવી છે.’’

આદિત્યએ બંને હાથે પ્રિયંકાનો ચહેરો પકડીને નજીક લીધો, ‘‘સત્યજીતને મળવું છે તારે ?’’ પ્રિયંકાની આંખો છલકાઈ પડી.

‘‘તને... તને કેવી રીતે ખબર ?’’

‘‘હું તારી જગ્યાએ હોઉં તો મને પણ આવો જ વિચાર આવે.’’

‘‘તને ખરાબ નહીં લાગે ?’’

‘‘શા માટે ? પ્રિયા, તું પત્ની છે મારી. હું તારો માલિક નથી. તારા પોતાના ઇમોશન્સ છે, તારી ઇચ્છાઓ છે, તારી લાગણીઓ છે એ બધું સમજું અને પછી તને સ્વીકારુું તો જ આપણો સંબંધ સાચો. તારા ભૂતકાળથી તને કાપીને, તારી ઇચ્છાઓ દબાવીને, હું ઇચ્છું એમ જીવવાની તને ફરજ પાડું તો રાક્ષસ કહેવાઉં.’’ એણે બંને હાથ કાન ઉપર મૂકીને, આંખો પહોળી કરીને જીભ બહાર કાઢી, ‘‘રાક્ષસ જેવો લાગું છું તને ?’’

‘‘આદિ... બસ આવા જ કારણો મને વધારે ને વધારે પ્રેમ કરવા મજબૂર કરી નાખે છે.’’

‘‘હું છું જ એવો... એટલો પ્રેમ કરાવીશ કે તું થાકી જઈશ.’’ એણે હાથ લંબાવીને પ્રિયંકાને બાહુપાશમાં લઈ લીધી પછી હળવે હાથે એની પીઠ પસવારતા એણે ઉમેર્યું, ‘‘કાલે જઈશું, આપણે બંને.’’ પછી હસતાં હસતાં કહી નાખ્યું, ‘‘બેસી નહીં રહું ત્યાં. તને વાત કરવા દઈશ... પણ મારેય જોવો છે સત્યજીતને. મળવું છે...’’

‘‘આદિત્ય, હું તને કહેવાની જ હતી કે તું પણ એને મળ... તું કેવી રીતે મારા દિલની વાત સમજી જાય છે ?’’

‘‘ડોબી, કારણ કે હું તારા દિલમાં વસુ છું.’’ એ પ્રિયંકાને વહાલ કરતો રહ્યો અને આદિત્યના સ્નેહમાં ભીંજાયેલી પ્રિયંકા પોતાના આવા સદ્‌નસીબ પર ઈશ્વરનો આભાર માનતી રહી.

(ક્રમશઃ)