Ek kadam prem taraf - 9 books and stories free download online pdf in Gujarati

એક કદમ પ્રેમ તરફ - 9

એક કદમ પ્રેમ તરફ - 9

(આગળના ભાગમાં આપણે જોયું કે વિવાન ગાયન સ્પર્ધામાં વિનર બને છે, તેના મૉમ વિવાનને લંડન બોલાવે છે, મોહિનીને સપનું આવે છે કે વિવાન તેને પ્રપોઝ કરે છે, એ જ સપના મુજબ મોહિની પર વિવાનનો ફોન આવે છે કે વિવાન તેને મળવા બોલાવે છે.)

હવે આગળ.....

મોહિની તેના રૂમમાં તૈયાર થાય છે, જેવુ તેણે સપનામાં પહેર્યું હતું તેવું જ તે સ્કાઇબ્લૂ જીન્સ અને ગ્રીન કલરનું ક્રોપ ટોપ પહેરે છે, તેના હેરને પોની લઈને બાંધી દે છે, કાનમાં ટોપને મેચિંગ થાય તેવી ઈયરરિંગ્સ પહેરે છે, ચહેરા પર એકદમ લાઇટ મેકઅપ કરે છે, એક હાથમાં વોચ અને એક હાથમાં સિમ્પલ બ્રેસલેટ પહેરીને તે તૈયાર થઈ જાય છે.

મોહિની તૈયાર થઈને નીચે આવે છે ત્યાં વિવાન તેને લેવા આવી જાય છે, મોહિની વિવાન સાથે જાય છે, વિવાન મોહિનીને જોયા કરે છે, મોહિની તેને પૂછે છે,"શું જુએ છે?"

"તને..... યુ લૂક વેરી બ્યુટીફૂલ...."

"થેન્કયુ....."

વિવાન ગાડી સ્ટાર્ટ કરીને હાઇવે તરફ વાળે છે, મોહિની વિવાનને પૂછે છે," તું મને ક્યાં લઈ જાય છે? તારે શું મહત્વની વાત કરવાની છે??"

"એ કહેવા જ તને લઈ જાવ છું, તું બસ જોયા કર...."

મોહિની ચૂપ થઈ જાય છે અને વિવાન ગાડી ચલાવ્યા કરે છે, એક દોઢ કલાકમાં તેઓ એક શાંત પ્રાકૃતિક સ્થળે પહોંચી જાય છે, વિવાન ગાડી સાઇડમાં પાર્ક કરે છે અને બંને ગાડીમાથી નીચે ઉતરે છે.

મોહિની કુદરતી નજારો જોઈને ખુશ થઈ જાય છે, નદીકિનારાની સામેની તરફ ઊંચા ભેખડો અને હરિયાળી વૃક્ષો આવેલા છે, એ ભેખડોમાથી નદીનું પાણી ખળ ખળ કરતું વહેતું આવે છે, પક્ષીઓનો મીઠો કલરવ સંભળાઈ છે, નદીના કિનારા પર પાણીથી ભીની થયેલી માટીની મસ્ત સુગંધ આવી રહી છે.

વિવાન અને મોહિની એ ભીની માટી પર ચાલે છે, મોહિની પોતાના સેન્ડલ પગમાથી ઉતારીને હાથમાં પકડી લે છે તે જોઈને વિવાન પૂછે છે,"તે સેન્ડલ કેમ હાથમાં લઈ લીધા?"

"અહી માટીમાં ખુલ્લા પગે ચાલવાની વધુ મજા આવશે."

વિવાન પણ તેના શૂઝ કાઢીને હાથમાં પકડી લે છે, બન્ને કુદરતી સૌંદર્યને માણતા માણતા ચાલે છે, ચાલતા ચાલતા બન્નેના હાથની આંગળીઓ એકબીજા સાથે ટકરાઇ છે, વિવાન મોહિનીની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી દે છે, મોહિની પણ ઇનકાર કર્યા વગર ચાલ્યા કરે છે.

થોડે આગળ જઈને મોહિની અને વિવાન ઊભા રહે છે, નદી પરથી આવતા શીતળ પવનને કારણે મોહિનીની વાળની લટો તેના ચહેરા પર આવી જાય છે, મોહિની તેને સરખી કરે છે પણ ફરીથી પવનની લહેર સાથે વાળની લટો વિખેરાય જાય છે, મોહિની ફરીથી તેને સરખી કરવા જાય છે પણ વિવાન તેનો હાથ પકડી લે છે અને કહે છે," એમ જ રહેવા દે, સારી લાગે છે."

મોહિની જવાબમાં માત્ર સ્માઇલ કરે છે, વિવાન મોહિનીનો હાથ પકડીને તેનો ચહેરો પોતાના ચહેરા સામે રાખીને કહે છે,”મોહિની…મારે તને એક વાત કહેવી છે.”

“હા બોલને…શુ કહેવું છે?”

“હું બે દિવસ પછી લંડન જતો રહેવાનો છું એટલે તારી સાથે મારે અમુક વાતો શેર કરવી છે”

“હમ્મ…..”

“આ નદી જેમ અવિરતપણે વહ્યા કરે છે તેમ જ હું મારો પ્રેમ તારા પર વહાવવા માંગુ છું, પવન જેમ તેની શીતળતાનો અહેસાસ કરાવે છે તેમ જ હું મારા પ્રેમનો તને અહેસાસ કરાવવા માંગુ છું.” વિવાન મોહિની સામે ઘૂંટણ પર બેસીને તેને કહે છે,“મોહિની I love you….”

મોહિની તેનું સપનું સાચું પડવાથી એકદમ ખુશ થઈ જાય છે, વિવાનની પ્રેમનો ઇજહાર કરવાની રીત જોઈને તે ઈમ્પ્રેસ થઈ જાય છે, તેને પણ વિવાન ગમતો હોય છે તેથી તે પણ વિવાન સામે ઘૂંટણ પર બેસી જાય છે અને કહે છે,“ I love you too….. વિવાન “

મોહિની પણ તેને લવ કરે છે તે જાણીને વિવાન ખુશીથી ઝુમી ઉઠે છે તે મોહિનીને ભેટી પડે છે મોહિની પણ તેની કમર ફરતે તેના હાથ વીંટાળી દે છે.

થોડીવાર બાદ બન્ને એકબીજાથી છુટા પડે છે, વિવાન મોહિનીનો હાથ પકડીને ગાડી જ્યાં પાર્ક કરી છે ત્યાં આવે છે અને કહે છે, “તારા માટે હજુ એક સરપ્રાઈઝ છે.”

વિવાન મોહિનીને લઈને એક કેફે પર આવે છે, આ કેફેની ખાસિયત એ છે કે ત્યાં બેસવા માટે ટેબલ અને ચેરની જગ્યાએ નાની નાની બોટ ડિઝાઇન કરેલી છે, આખા કેફેનું ઇન્ટિરિયર સમુદ્ર થીમ પર કરવામાં આવ્યું છે.

તમને એવો અહેસાસ કરાવવામાં આવે કે તમે સમુદ્રની વચ્ચે બેઠા છો, મોહિની આ જગ્યા જોઈને ખુશ થાય છે, તેઓ બન્ને વિવાને પહેલેથી બુક કરાવેલ બોટ પર જઈને બેસે છે.

એક વેઈટર આવીને હાર્ટ શેપની રેડ વેલવેટ કેક મૂકી ગયો, જેના એક કોર્નર પર મોહિની અને બીજા કોર્નર પર વિવાન લખેલું હતું અને નીચે લવલી કપલ લખેલું હતું, મોહિની કેક જોઈને સરપ્રાઈઝડ થઈ જાય છે, તે વિવાનને પૂછે છે,”આ બધું કેવી રીતે?”

વિવાન હસતા હસતા કહે છે,”તને કહ્યું હતુંને સરપ્રાઈઝ છે તારા માટે….”

“ઓહહ….થેંક્યું ફોર ધીસ અમેઝિંગ સરપ્રાઈઝ…”

મોહિની અને વિવાન સાથે મળીને કેક કટ કરે છે અને એકબીજાને કેક ખવરાવે છે, ત્યારબાદ બન્ને નાસ્તો કરે છે ત્યાં સાંજ થઈ જાય છે, નાસ્તો પતાવીને બન્ને બહાર આવે છે.

ઘરે જતા રસ્તામાં મોહિની વિવાનને પૂછે છે,”તારું પેકીંગ થઈ ગયું?”

“ના બાકી છે કાલે કરી લઈશ.”

“ક્યારે નીકળવાનું છે તારે?”

“પરામદિવસે સવારની ફ્લાઈટ છે એટલે કાલે સાંજે અહીંથી નીકળી જઈશ.”

“આઈ વિલ મિસ યુ...”

“મી ટુ બેબી… બટ ડોન્ટ વરી… હું તને કોલ કરતો રહીશ.”

વાતો વાતોમાં મોહિનીનું ઘર આવી જાય છે, મોહિની કારમાંથી ઉતરવા જાય છે ત્યાં જ વિવાન તેને રોકે છે, “મોહિની….”

“હં…..” મોહિની તેની સામે જુએ છે.

વિવાન મોહિનીની નજીક જઈને બન્ને હાથોથી તેનો ચહેરો પકડે છે અને તેના કપાળ પર એક કિસ કરે છે અને કહે છે, “બાય…”

મોહિની શરમાઈને દોડતી અંદર જતી રહે છે અને વિવાન પણ એક સ્માઈલ સાથે ત્યાંથી નીકળી જાય છે.

***

લંડન એરપોર્ટ પર વિવાનની ફ્લાઈટ લેન્ડ થઈ એ સાથે જ તેના વિચારોને પણ બ્રેક લાગી, આખા રસ્તે તે માધવગઢ વિશે જ વિચારતો આવ્યો હતો.

લંડન એરપોર્ટ પર તેના મોમ તેને રિસીવ કરવા આવ્યા હોય છે, વિવાનને એરપોર્ટમાંથી બહાર આવતા જોઈને તેના મોમ તેની સામે જાય છે અને પ્રેમથી તેને ભેટી પડે છે.

“હેય મોમ….. શુ થયું??” વિવાન તેની મોમના આંખમાં આંસુ આવેલા જોઈને પૂછે છે.

“નથિંગ…. આ તો બે વર્ષ પછી તને જોઈને ખુશીના આંસુ આવી ગયા.”

“ok હવે હું અહીંયા છુ ત્યાં સુધી નો આંસુ, ઓન્લી સ્માઈલ…” વિવાન તેની મોમના આંસુ લૂછતાં કહે છે.

નંદની વિવાન સામે સ્માઈલ કરે છે અને બન્ને કારમાં બેસીને ઘરે આવે છે, ઘરે આવીને વિવાન મોહિનીને પોતે પોહચી ગયો છે તેવો મેસેજ કરે છે અને ફ્રેશ થવા જતો રહે છે.

તે ફ્રેશ થઈને આવે છે ત્યાં તેના મોમ તેના માટે જમવાનું બનાવી રાખે છે, તે જમીને જેટલેગને કારણે આરામ કરવા જતો રહે છે.

બીજા દિવસે સાંજના ટાઈમે તે તેના ડેડને મળવા જાય છે, થોડી સામાન્ય વાતચીત પછી તે તેના ડેડને કહે છે,“મારે તમારી સાથે માધવગઢ વિશે વાત કરવી છે.”

માધવગઢનું નામ સાંભળી વિવાનના ડેડ ધનરાજ ચૌહાણ એક ક્ષણ માટે આંખો મીંચી દે છે. વિવાન તેની વાત આગળ વધારતા કહે છે,”હું જ્યારે માધવગઢ ગયો ત્યારે મેં ત્યાં હવેલીમાં તમારા અને દાદાજીના ફોટા જોયા, ત્યાં બધા તમને માધવગઢના મહારાજ તરીકે ઓળખે છે, હું ત્યાંનો વારસદાર છું, માધવગઢ આપણું રાજ્ય છે આ વાત તમે મારાથી કેમ છુપાવી?”

“તમે તો એ પણ નથી ખબર પડવા દીધી કે ઇન્ડિયામાં આપણી આવી કોઈ સંપત્તિ પણ છે, શું કામ ડેડ?, એવું તો શું છે કે તમે આ બધું છુપાવ્યું.” વિવાન તેના ડેડને પ્રશ્નો કરે છે.

“હા…. એ વાત સાચી છે કે માધવગઢ આપણું રાજ્ય છે, વર્ષોથી આપણા પૂર્વજો ત્યાં રાજ કરતા આવ્યા છે, પરંતુ અમુક સંજોગોને કારણે જ અમે તારાથી આ બધું છુપાવ્યું છે, મેં જે પણ કર્યું તારા હિત માટે જ કર્યું છે.”

“ડેડ તમારે મને બધું જ જણાવવું પડશે, એવું તો શું છે એ હવેલીમાં કે એના માટે થઈને તમે મારી પાછળ એમિલીને પણ ઇન્ડિયા મોકલી આપી”

હવે વધુ સમય સત્ય છુપાવવાનો કોઈ અર્થ નથી એમ સમજીને ધનરાજ ચૌહાણ વિવાનને બધું જ કહેવા તૈયાર થાય છે.

“હું તને બધું જ કહીશ પણ તારે મને પ્રોમિસ કરવું પડશે કે આ વાત જાણ્યા પછી તું ક્યારેય માધવગઢને યાદ નહીં કરે, તારે એમજ સમજવું પડશે કે માધવગઢ સાથે આપણે કોઈ જ સંબંધ નથી.”

“ok…” વિવાન વાત જાણવાની ઉત્સુકતામાં ટૂંકમાં જ જવાબ આપી દે છે.

“તો સાંભળ….” ધનરાજ ચૌહાણ માધવગઢનો ઇતિહાસ વિવાન સામે રજુ કરે છે.

આ વાત વર્ષો પહેલાની છે, જ્યારે ઇન્ડિયામાં રાજાશાહી ચાલતી હતી ત્યારની, માધવગઢના આસપાસના રાજ્યો સાથે મિત્રતા સભર સંબંધો હતા.

મારા પરદાદાના પરદાદા અજેન્દ્ર ચૌહાણ જ્યારે રાજગાદી પર હતા ત્યારે તેમની પાસે એક એવી તલવાર હતી જેનાથી તેઓ ક્યારેય દુશ્મન સામે પરાજિત ના થતા, તેઓ માતાજીના ઉપાસક હતા અને કહેવાય છે કે એક યજ્ઞ વખતે તેમને આ તલવાર મળી હતી.

જો સાચી નીતિથી પોતાની પ્રજાના રક્ષણ માટે યુદ્ધ કરવામાં આવે તો આ તલવાર વડે હમેશાં વિજય જ મળતો હતો, પરંપરાગત એ તલવાર તેમના વારસદારોને મળતી રહી.

મારા પરદાદા દિગ્વિજય ચૌહાણ જ્યારે ગાદી પર આવ્યા ત્યારે રાજગઢના રાજા ભુપેન્દ્રસિંહ હતા, દિગ્વિજય અને ભુપેન્દ્રસિંહ વચ્ચે પાકી મિત્રતા હતી, ભુપેન્દ્રસિંહને રાજ્યની સીમાઓ વિસ્તારવાનો શોખ હતો આથી તેમણે આસપાસના નાના નાના રાજ્યો સાથે યુદ્ધ કરી તેને રાજગઢમાં ભેળવી દેવાનો નિર્ણય કર્યો.

એ યુદ્ધમાં વિજય પામવા તેમણે તેના મિત્ર દિગ્વિજય પાસે પરાજિત ન થવાય એવી એ તલવારની માંગણી કરી, પરંતુ તેમણે તલવાર આપવાની મનાઈ કરી દીધી, તેમણે ભુપેન્દ્રસિંહને સમજાવ્યું કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં આ તલવાર મદદરૂપ નહિ નીવડે ઉલટાનું એનાથી વિપરીત પરિણામ આવશે.

દિગ્વિજયની વાતને ભુપેન્દ્રસિંહે અલગ અર્થમાં લીધી કે તેની રાજ્યની સીમા મોટી થશે એ વાતથી તેમને ઈર્ષ્યા થાય છે એટલે જ તલવાર આપવાની ના પાડે છે, ત્યારથી તે માધવગઢ સાથેની મિત્રતા તોડી નાખે છે અને રાજગઢ અને માધવગઢ વચ્ચે શત્રુતાની શરૂઆત થાય છે, આ દુશ્મની પેઢી દર પેઢી તેઓએ શરૂ રાખી.

તારા દાદાના સમયમાં ઇન્ડિયા આઝાદ થયું તેથી રાજાશાહી તો બંધ થઈ ગઈ પરંતુ એ દુશ્મની એમ જ રહી, એ દુશ્મનીના કારણે તારા જન્મ પછી તને મારવાના એક બે વખત પ્રયાસ કરવામાં આવેલા તેથી જ હું તે બધું છોડીને અહીં લંડન આવી ગયો જેથી હું તને સલામત રાખી શકું.

મેં માત્ર તારી સલામતી માટે જ તારાથી આ વાત છુપાવી રાખી હતી, હું નહોતો ઇચ્છતો કે બે રાજ્યો વચ્ચેની દુશ્મનીનો તારા પર પડછાયો પણ પડે.

મધવગઢના ઇતિહાસની આ વાતો સાંભળીને વિવાનને અતિ આશ્ચર્ય થાય છે, એ જ સમયે મોહિનીનો ફોન આવતા વિવાન ત્યાંથી જતો રહે છે.

“હાઈ મોહિની, કેમ છે?”

“હું મજામાં… તું કેમ છે… તારી યાદ આવે છે..”

“હું ડેડ સાથે અગત્યની વાત કરતો હતો….”

“ઓહહ….. ક્યાંક તે એમને આપણા વિશે તો વાત નથી કરીને?”

“અરે ના પાગલ, હું બીજી વાત કરતો હતો, પણ હા મારે તારી સાથે પણ ત્યાં આવું પછી મહત્વની વાત કરવાની છે.”

“શું વાત છે???” મોહિની ચિંતાના સ્વરમાં પૂછે છે.

“હું તને ઇન્ડિયા આવીને રૂબરૂ મળીને કહીશ…. એટલું પણ કઈ ખાસ નથી…” વિવાન મોહિનીની ચિંતા દૂર કરવા કહે છે. “ok મારે થોડુંક કામ છે હું તને પછી ફોન કરીશ… બાય દિકુ ટેક કેર… લવ યુ….”

“લવ યુ ટુ વિવાન…. બાય…”

ધનરાજ ચૌહાણને નિરાંત થાય છે કે આ વાત હવે અહીંયા જ પુરી થઈ પરંતુ તેમને ન’હોતી ખબર કે વાત અહીંયા જ પુરી નથી થઈ તેમને હજુ ભૂતકાળનો સામનો કરવાનો બાકી છે.

આ બાજુ વિવાન મોહિની સાથે વાત પતાવીને ફરી પાછો તેના ડેડ પાસે આવે છે કારણ કે તેના મનમાં હજુ થોડાક સવાલો હતા.

વિવાન તેના ડેડને પૂછે છે,”એ તલવાર છેલ્લે ક્યાં હતી??”

“આપણી હવેલીમાં આવેલા મ્યુઝિયમમાં મુકવામાં આવી છે એ તલવાર…”

“…પણ હું જ્યારે હવેલી ગયો ત્યારે તો તે તલવાર ત્યાં ન હતી અને ત્યાંના માણસે કહ્યું કે એ તલવાર ચોરાઈ ગઈ છે, તો કોણે એ ચોરી કરી??”

“ બેટા એ તલવાર ચોરાઈ નથી……”

(ક્રમશઃ)

દોસ્તો, હવેલીમાંથી તલવાર ચોરાઈ નથી તો એ ક્યાં ગાયબ થઈ ગઈ?? માધવગઢ અને રાજગઢની દુશ્મનીની અસર વિવાન અને મોહિનીના પ્રેમ સંબંધ પર કેવી થશે??

આ દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ….

આપને આ સ્ટોરી કેવી લાગી તેના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ….

Thank you.

  • - Gopi Kukadiya.