Agent Azad - 8 books and stories free download online pdf in Gujarati

એજન્ટ આઝાદ - 8

બીજો દિવસ થયો અને જુગનુએ સી. બી. વિક્રાંત દ્વારા આઝાદને સંપર્ક કર્યો. આઝાદે ફોનમાં કહ્યું, “કેમ ફટાકડા આજ સવાર સવારમાં મને યાદ કર્યો?” જુગનુ ગુસ્સે થઈ બોલ્યો, “એય કૂતરા મારી મજાક બહુ થઈ. તું મને હાસ્યનું પાત્ર સમજે છે પણ મને મારા ડ્રગ્સ મળવા દે પછી તને ખબર પડશે કે જુગનુ શુ ચીજ છે?” આઝાદે ફરી મજાક કરતા કહ્યું, “અરે હવે મને એ નથી સમજાતું કે તું માણસ છો કે વસ્તુ? ક્યારેક કહે છે કે હું બૉમ્બ છું તો ક્યારેક કહે છે કે હું ચીજ છું. યાર આતંકવાદી તરીકેની કઈક તો ઈજ્જત રાખ. સાવ સામાન્ય વસ્તુ જેટલી જ ઓકાદ! વાંધો નય એ તારો અંગત પ્રશ્ન છે. તો મેજર સાહેબને રવાના કર્યા?”

જુગનુ મજબૂર હતો તેથી પોતાની ઉપર થતો મજાક સહન કરતા બોલ્યો, “હા તે અડધી કલાકમાં ભારત પહોંચી જશે. એ ભારત પહોંચે એટલે એ જ ફ્લાઈટમાં તું રશિયા આવી જા.” આઝાદ કહે, “મારે થોડું કામ બાકી છે. હું કાલની ફ્લાઈટમાં પહોંચું છું.”

જુગનુ આઝાદને ગુસ્સે થઈ કહેવા લાગ્યો, “એય એય..આઝાદ આ ચિટિંગ કરશ તું. તે મને મેજર મળી જાય એટલે તરત આવવાનું કહ્યું હતું. તું આવ કે ન આવે મને એનાથી મતલબ નથી તું બસ મને એટલું જણાવ કે મારા ડ્રગ્સ ક્યાં છે?” આઝાદ કહે, “શાંતિ રાખ..હજુ મારી એક શરત બાકી છે ને. તો મારી શરતની રાહ જો. હું એ પુરી કર્યા વગર તને ડ્રગ્સ તો નહીં જ આપું.” જુગનુ કહે, “વાંધો નય પણ જો કાલ ન આવ્યો તો મારું જે થવું હોય એ થાય પણ હું તને અને તારા પરિવારને જીવતા નહિ છોડું. તને તો ખબર છે ને મારી પાસે બધી જ માહિતી હોય છે.”

આઝાદ કહે, “મારામાં માં ભારતીનું લોહી વહે છે. હું તારી જેમ દેશદ્રોહી નથી. મારા વચનનું મૂલ્ય મારા જીવ કરતા વધારે છે. મારે તો મારા વચન પ્રમાણે ચાલવું જ પડશે નહિતર કાલ સવારે તારી જેવા કહેશે કે ભારતના જવાનના બોલ માત્ર શબ્દો પૂરતા જ છે.” જુગનુ કહે, “તો જોવ છું ભારતીયના બોલની કિંમત કેટલી છે? પણ એમ ન સમજતો કે જુગનુ ઝૂકી જશે. કારણ કે હું પરમાણુ બૉમ્બ જેટલો જ વિનાશ સર્જી શકું તેમ છું.” આઝાદ તેનો મજાક ઉડાવતા બોલ્યો, “જો વળી પાછી ઓકાદ દેખાડી દિધીને કે તું બૉમ્બ છે. માણસ થાને નહિતર વહેલા ફૂટી જઈશ.” એટલું સાંભળતા જ જુગનુએ કોલ કટ કરી નાખ્યો.

થોડો સમય ગયો. લગભગ બપોર થવા આવી હતી. આઝાદને સમાચાર મળ્યા કે મેજર સાહેબ હેમખેમ આવી ગયા છે. તે સીધો તેમની પાસે પહોંચી ગયો.

આઝાદને જોઈ મેજર સાહેબ દોડી આવ્યા અને તેને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા, “વાહ મારા સિંહ વાહ! શુ તારા વખાણ કરું. જ્યાંથી હજી સુધી કોઈ ઓફિસર પાછો નથી આવ્યો ત્યાંથી તું મને હેમખેમ લઈ આવ્યો. ખરેખર તું સાચો દેશભક્ત છો. પણ તે આ કર્યું કઈ રીતે?” આઝાદ કહે, “મેજર સાહેબ હવે હું તમારી પાસે કઈ પણ નહીં છુપાવી શકું માટે જે છે તે જણાવું છું. જુગનુએ તમારા જીવના બદલે મને ડ્રગ્સનું સ્મગલિંગ કરાવ્યું હતું. જેથી હું દેશદ્રોહી સાબિત થાવ અને આજીવન જેલમાં સડુ. પણ ઈશ્વરની રજા સિવાય પાંદડું પણ નથી હલતું. મારા નસીબ સારા હતા કે મારો પ્લાન કામ કરી ગયો. મેં જુગનુના ડ્રગ્સ છુપાવી દીધા છે. જેને મેળવવા તેણે તમને આઝાદ કર્યા છે. માટે હવે મારે કાલ એની પાસે જવાનું છે. હું વધારે કઈ નહિ બોલું પણ ફક્ત તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. હવે ત્યાં મોત આવે તોપણ મંજુર છે.”

આઝાદની વાત સાંભળી મેજર સાહેબને હરખના આંસુ આવી ગયા. તે આઝાદને ભેટી પડ્યા, “આઝાદ તે જે કર્યું છે એ સગો દીકરો પણ ન કરે. તે મારા ખાતર દેશદ્રોહીનો કલંક લાગવા માટે પણ તૈયાર થઈ ગયો. ધન્ય છે તારા માબાપ જેણે તારા જેવા સપૂતને જન્મ આપ્યો. જા બેટા, જુગનુનો નાશ કરી તારા મામાની મોતનો બદલો લઈ લે. એના મૃત્યુથી મારી પણ પ્રતિજ્ઞા પુરી થશે. જા મારા આશીર્વાદ હમેશા તારી સાથે છે.”

મેજર સાહેબની વાત સાંભળી આઝાદ બોલ્યો, “પણ સાહેબ તમને કેમ ખબર કે હું મારા મામા સુરજસિંહની હત્યાનો બદલો લેવા માટે જોખમ ખેડી રહ્યો છું?” મેજર સાહેબ બોલ્યા, “આઝાદ, મારા મિત્રની આંખમાં જે દેશદાઝ મને જોવા મળી હતી એ દેશદાઝ મેં તારી આંખોમાં પણ જોઈ હતી. હું ત્યારે જ સમજી ગયો હતો કે સુરજસિંહની મૃત્યુ સાથે તારો કઈક તો સંબંધ છે પણ મને ખાતરી ત્યારે થઈ જ્યારે થોડીવાર પહેલા જ સ્વાતિએ તારી હકીકત મને જણાવી.”

આઝાદ કહે, “સ્વાતિએ જણાવી? પણ સ્વાતિ છે ક્યાં?” મેજર સાહેબ કહે, “હમણાં તારા આવ્યા પહેલા અહીં જ હતી. લગભગ તેના રૂમ ગઈ લાગે છે.” આઝાદ ફટાફટ સ્વાતિના રૂમનો દરવાજો ખખડાવવા લાગ્યો, “સ્વાતિ દરવાજો ખોલ હું આવી ગયો.” અંદરથી સ્વાતિ બોલી, “તને મારી વાત સમજાતી નથી તો મારી પાસે શુ કામ છે? જા તારા મેજર સાહેબ આવી ગયા ને તેની સાથે ગપ્પા માર.” આઝાદ બોલ્યો, “સોરી બે હજારવાળી નોટ. યાર મારી ભૂલ થઈ ગઈ. પણ દરવાજો તો ખોલ. ચાલ હું તારું બધું જ સાંભળીશ. પણ મને અંદર આવવા દે.”

સ્વાતિ કહે, “મારે તારી સાથે કઈ પણ વાત નથી કરવી. હું જે બોલીશ એ તને નહિ સમજાય. જા મને એકલી છોડી દે.” આઝાદ થોડો દુઃખી થઈ ગયો હોય એમ બોલ્યો, “મેં બહુ મોટી ભૂલ કરી છે કે તું મારી સાથે વાત પણ નથી કરવા માંગતી? શુ તું મને છેલ્લી વાર પણ મળવા નથી માંગતી? સોરી સ્વાતિ બની શકે તો મને માફ કરજે. હું તને ડિસ્ટર્બ નહિ કરું.”

‘છેલ્લી વાર’ શબ્દ સાંભળતા જ સ્વાતિ ફટાફટ બહાર આવી અને આઝાદની સામે રડતી રડતી તેને મારવા લાગી, “તને શોખ થયો છે ને મારીથી દૂર જવાનો? જા જા મારાથી એટલો દૂર થઈ જા કે મને તારું થોબડું પણ યાદ ન આવે. તારા થોબડાની મને આદત પડી ગઈ છે આઝાદ. જા ચાલ્યો જા.” એમ કહી તે રડતી રડતી તેને ભેટી પડી. આઝાદ પણ તેને ભેટી બોલ્યો, “સ્વાતિ તને છોડીને હું ક્યાં સુધી જઈશ? મને પણ આ બે હજારની નોટની આદત પડી ગઈ છે.”

આઝાદ તેની જાત સંભાળતા સ્વાતિની બથમાંથી છૂટો પડ્યો અને તેના ગાલ પર હાથ રાખી બોલ્યો, “સ્વાતિ હું પણ માણસ છું ને? ક્યાં સુધી મારી જાત પર કાબુ રાખી શકવાનો હતો? તું ઘણા સમયથી મારા મોઢે કઈક સાંભળવા માંગતી હતી ને. ચાલ હવે તને કહી દઉં. હું તને ખૂબ ખૂબ ને ખૂબ પ્રેમ કરું છું. જ્યારે તને મેં પહેલી વખત જોઈ હતી ત્યારે જ હું તારા તરફ આકર્ષાયો હતો. જ્યારે તું મારી વધુ નજીક આવી ત્યારે મને તારાથી પ્રેમ થઇ ગયો હતો. પણ કદી તને કહેવાની હિંમત ક્યાં હતી?”

સ્વાતિ બોલી, “આઝાદ તું મને ચાહતો હતો તો મને બોલ્યો કેમ નહિ? તારા આ શબ્દો સાંભળવા હું કેટલી તડપી છું એ તને નહિ ખબર હોય. પણ એ જરૂરી નથી. આજ તે તારા દિલની વાત કહી દીધી એ જ બહુ છે. હું પણ તને ખૂબજ પ્રેમ કરું છું અને હવે તારાથી દૂર રહેવું અસંભવ છે.”

સ્વાતિ જેટલી ખુશ હતી એટલુ જ દુઃખ વ્યકત કરતા આઝાદ બોલ્યો, “સ્વાતિ તને મારી ફીલિંગ્સ ન જણાવું એટલી ક્ષમતા તો છે મારામાં પણ હું મારી જાતને કઈ રીતે છેતરી શકું? પણ સ્વાતિ મેં તને ભલે પ્રેમ કર્યો પણ હું તારી સાથે હંમેશા નહિ રહી શકું. હું જે કાર્ય માટે જઇ રહ્યો છું ત્યાંથી મારા જીવતા આવવાની શક્યતા ખૂબ ઓછી છે. માટે તું મને ભૂલી જા. મારા પ્રેમ કરતા મારા દેશની રક્ષા મારા માટે વધુ મહત્વની છે. હું તને વિધવા જોવા નથી માંગતો. બસ તને આટલું કહેવા જ આવ્યો હતો. સોરી પણ હું તને નહિ સ્વીકારી શકું. તું ખુશ રહે એ જ મારી છેલ્લી ઈચ્છા છે. હું કાલ સવારે રશિયા જઇ રહ્યો છું.”

સ્વાતિ બોલી, “આઝાદ તું મને ખુશ જોવા માંગે છે ને?” આઝાદે હકારમાં માથું હલાવ્યું. સ્વાતિ બોલી, “તો મારી એક ઈચ્છા પૂરી કરીશ? જો ના ન કહેતો.” આઝાદ કહે, “જરૂર પુરી કરીશ. તું બસ હુકમ કર.” સ્વાતિ કહે, “રશિયા જતા પહેલા મારી સાથે લગ્ન કરી લે. બીજાની પત્ની બનવા કરતા મને એક દેશભક્તની વિધવા બનવામાં વધારે ખુશી મળશે. બસ તું મને સ્વીકારી લે.”

આઝાદ કહે, “સ્વાતિ એ હું નહિ કરી શકું. પ્લીઝ મારી વાત માન. તને વિધવા જોઈને મેજર સાહેબ જીવતા જીવ મરી જશે. શુ આ માટે હું તેમને હેમખેમ લાવ્યો હતો?” સ્વાતિ કહે, “તો તું તારા મેજર સાહેબનો જ હુકમ માનીશ એમ ને? વિષ્ણુકાકા.. વિષ્ણુકાકા.” મેજર સાહેબ તરત જ ત્યાં પહોંચી ગયા અને કહેવા લાગ્યા, “શુ થયું સ્વાતિ બેટા?” સ્વાતિ કહે, “કાકા આઝાદને ઓર્ડર આપો કે તે રશિયા જતા પહેલા તેના નામનું મંગળસૂત્ર મારા ગળામાં નાખતો જાય. મારે તેને આજીવન મારા હૃદયનો કેદી બનાવવો છે.”

મેજર સાહેબ બોલ્યા, “આઝાદ એમ જ થશે જેમ સ્વાતિ કહે છે. કાલ સવારે તારા લગ્ન થઈ જવા જોઈએ અને એ પણ મારી ભત્રીજી સાથે. ઇટ્સ માય ઓર્ડર સોલ્જર.” આઝાદ કહે, “મેજર સાહેબ તમને નથી ખબર સ્વાતિ શુ કહી રહી છે. એ અશક્ય છે.” મેજર સાહેબ બોલ્યા, “આઝાદ સ્વાતિએ ઘણા સમય પહેલા તેના દિલની વાત મને જણાવી દીધી હતી અને ત્યારથી જ મેં તને મારો જમાઈ માની લીધો હતો. સ્વાતિની પસંદને હું સલામ કરું છું. વિદેશમાં મોટી થઈ હોવા છતાં ભારતીય નારીના બધા સંસ્કાર એમાં જોવા મળે છે. તું તેનો સ્વીકાર કરી લે.”

આઝાદ કહે, “પણ સાહેબ. મારા જીવતા રહેવાની કોઈ ગેરન્ટી નથી. તમે શું તેને વિધવા જોવા માંગો છો?” મેજર સાહેબ જરા પણ સંકોચ વગર બોલ્યા, “હા. એક દેશભક્તની અને માં ભારતીના સપૂતની વિધવા બનશે તો તેમાં મને ગર્વ થશે. હવે તારે શુ સાંભળવું છે? રહી વાત તારા માબાપની તો મેં એમને પહેલે જ મનાવી લીધા છે. એ બંને સવારે અહીં આવી જશે. હવે બીજો કોઈ પ્રોબ્લેમ છે?”

સ્વાતિ ખુશ થતા બોલી, “આઝાદ હવે તું છટકી નહિ શકે. માટે હાર સ્વીકારી લે અને મને તારી પત્ની બનાવી લે.” આઝાદ મેજર સાહેબની વાત ટાળી શકે તેમ નહતો. તેથી તે બોલ્યો, “વાંધો નય હવે તમે કહી જ રહ્યા છો તો હું તૈયાર છું. પણ આ દુઃખ મને હમેશા રહેશે કે સ્વાતિ મારે કારણે વિધવા બનશે.” સ્વાતિ કહે, “આઝાદ મને વિશ્વાસ છે કે તને કઈ નહિ થાય. તું ચિંતામુક્ત થઈ તારા મિશન પર જા. મને ગર્વ થાય એવું કામ તું કરવા જઈ રહ્યો છો.”

રાત્રીનો સમય થયો અને આઝાદના માતા પિતા મેજર સાહેબના ઘર આવી ગયા અને આઝાદને મળી બધી વાતચીત કરી લીધી. આઝાદ આ પરિસ્થિતિથી ખુશ પણ હતો અને દુઃખી પણ. ખુશ એટલે હતો કે તેને બેહદ પ્રેમ કરનારી પત્ની મળવાની હતી અને દુઃખ એ હતું કે તેના લીધે જ તે વિધવા થવાની હતી.

બીજો દિવસ થયો અને બંને પક્ષની સાક્ષીમાં આઝાદે સ્વાતિ સાથે કોર્ટમાં લગ્ન કર્યા. બંને દંપતીએ મેજર સાહેબ અને માબાપના આશીર્વાદ લીધા. બપોર થઈ અને આઝાદ પોતાના વચન પ્રમાણે જુગનુ સાથે અંતિમ યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો. તેણે તેના માબાપ અને મેજર સાહેબના આશીર્વાદ લીધા અને છેલ્લી વખત સ્વાતિને ભેટી કહ્યું, “સ્વાતિ તારું ધ્યાન રાખજે.” સ્વાતિ કહે, “હા મિસ્ટર જેન્ટલમેન.” એ સાંભળી આઝાદ હસીને બોલ્યો, “મારી બે હજારવાળી નોટ ક્યારેય નહીં સુધરે.” આઝાદે સાવધાનની સ્થિતિમાં ઉભા રહી મેજર સાહેબને સલામી આપી. મેજર સાહેબે પણ ફોજી અંદાજમાં સલામી આપી કહ્યું, “બેસ્ટ ઓફ લક સોલ્જર. જય હિન્દ.”

એરપોર્ટ આવતા આઝાદે જોયું કે જીગર તેની રાહ જોઇને ઉભો હતો. તે આઝાદને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો, “શુ યાર લગ્ન કરી પતિ થઈ પતિ ગયો પણ મિત્રને યાદ ન કર્યો?” આઝાદ કહે, “સોરી યાર આ ઉતાવળ હતી. પણ તું અહીં કેમ? શુ વિદેશમાંથી આવશ?” જીગર કહે, “આવતો નથી વિદેશ જવ છું.” આઝાદ કહે, “જવ છું? પણ ક્યાં?” જીગર કહે, “રશિયા અને એ પણ તારી સાથે. તારા પપ્પાએ મને બધી વાત જણાવી દીધી છે કે તું શા માટે રશિયા જાસ. યાર થોડી દેશભક્તિ અમને પણ કરવા દે.” આઝાદ તેની વાત સાંભળી હરખના આંસુ વહાવા લાગ્યો, “હે ઈશ્વર તું આટલી બધી કૃપા મારા પર ન વરસાવ.પહેલા પત્ની અને હવે મિત્ર વિનાશના પંથે મારો સાથ દેવા જઇ રહ્યા છે.”

આઝાદના શબ્દો સાંભળી જીગર બોલ્યો, “આઝાદ મિત્રતા નામ માટે થોડી રાખી છે? નિભાવવા રાખી છે! રશિયામાં મારા ઘણા મિત્રો છે તે પણ આપણી મદદ કરશે.” આઝાદ કહે, “સારું તો તે જંગના મેદાનમાં ઉતરવાનું નક્કી કરી જ લીધું છે તો પછી રાહ શેની? ચાલો નીકળીએ.”

બંને રશિયા આવી ગયા. જુગનુ પાસે જતા પહેલા આઝાદ અને જીગરે પોતાનો અંતિમ પ્લાન તૈયાર કરી લીધો અને બંને છુટા પડી ગયા. આઝાદે જુગનુને કોલ કર્યો, “જુગનુ હું આવી ગયો છું. તારું ઠેકાણું ક્યાં છે? મને જણાવ હું ત્યાં આવું છું.” જુગનુએ જવાબ આપ્યો, “તારે એ ચિંતા કરવાની જરૂર નથી. તું જ્યાં ઉભો છો ત્યાં જ રહે. તારું સ્થળ મને મેસજ કરી દે મારો માણસ તને પિકપ કરી લેશે.” જુગનુના કહેવા પ્રમાણે આઝાદે તેનું સ્થળ જણાવી દીધું.

થોડીકવાર પછી એક કાળા રંગની કાર આવી. તેમાંથી જુગનુનો માણસ ઊતર્યો. તેણે આઝાદને કારમાં બેસવા કહ્યું. આઝાદ જેવો કારમાં બેઠો તેવો જ પેલા માણસે તેના આંખ પર પટી બાંધી દીધી અને તેના હાથમાં હાથકડી બાંધી દીધી. તેને બેહોસીનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. આઝાદને બેભાન કરી જુગનુ પાસે લઈ જવામાં આવ્યો.

લગભગ કલાક જેવું થયું આઝાદ ભાનમાં આવ્યો. એ જ રૂમ હતો જ્યાં તેને પહેલી વખત રાખવામાં આવ્યો હતો. તેને ખુરશીમાં બાંધી રાખવામાં આવ્યો હતો. તેના હલચલનને જોઈને જુગનુના માણસે જુગનુને કોલ કરી જણાવ્યું, “બોસ હી ઇસ અવેક નાવ. પ્લીઝ કમ ઓન ફોરેસ્ટ બેઝ શોર્ટલી.” જુગનુ કહે, “ઓકે.”

હવે જુગનુ આઝાદનું શુ કરશે? શુ ખરેખર આઝાદની આ છેલ્લી લડાઈ છે? જો છેલ્લી હશે તો તેમાં તે બચશે કે પછી શહીદ થશે? ખાસ વાત તો એ કે શું આઝાદ પોતાનુ ધ્યેય પાર પાડી શકશે? આ બધા પ્રશ્નોનો ઉકેલ આવતા પ્રકરણમાં કરીશું.

To be continued......

આ સ્ટોરીનો આઠમો ભાગ બની શક્યો એનો શ્રેય માત્રને માત્ર મારા પ્રિય અને સહકારી એવા વાંચકોને જ અર્પણ છે. કારણકે તેમના સહકાર વગર આ સ્ટોરીના આટલા એપિસોડ બને એ શક્ય નહતું માટે મારા પ્રિય વાંચકોનો હું આભારી છું. સહકાર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.