Premni aankho books and stories free download online pdf in Gujarati

પ્રેમની આંખો

પ્રેમની આંખો

"એક શમણું આંખમાં અચરજ પામતા તૂટી ગયું, દેખાઈ વિચિત્રતા એવી કે ડરના મારે ઉડી ગયું...”

એક MNC એવી પ્રતિષ્ઠિત કંપનીમાં સારી એવી પોસ્ટની જગ્યા માટેની ઇન્ટરવ્યુની ખૂબ જ મોટી લાઇન લાગેલી હતી.નોકરી માટેની ખાલી જગ્યા તો માત્ર 10 જ હતી પરંતુ નોકરીની લાઇન બતાવતી હતી કે નોકરીની આશામાં 300થી પણ વધુ ઉમેદવારો લાઈનમાં હતા.નંદીનીએ લોકોની વાતોથી જ અંદાજ લગાવી લીધો હતો કે નોકરી માટે આવેદન કરવા વાળા વધુ છે. તે મનમાં ને મનમાં જ વિચારતી હતી કે આટલા બધા આંખો વાળાની વચ્ચે આ આંધળી છોકરીને કોણ નોકરીએ રાખશે ??? પટ્ટાવાળો નંદીનીનું નામ બોલ્યો. નંદીની પોતાની મોટી બહેન સુરભી સાથે અંદર જવા માટે તૈયાર થઈ પરંતુ પટ્ટાવાળાએ સુરભી ને અંદર જવાથી રોકી. સુરભી બતાવવા માંગતી હતી કે તેની બહેન આંધળી છે પરંતુ નંદીનીએ તેમના હાથ દબાવીને આવું કરવાથી રોકી લીધી અને એકલા જ ઓફિસની અંદર ગઈ.

નંદીનીને મનમાં એમ જ હતું કે હું આંધળી છું તો શું થયું મારી પાસે શિક્ષણરૂપી આંખો તો છે જ પરંતુ તેનો આવો ભ્રમ થોડી જ વારમાં તૂટી ગયો.તેને આ નોકરી માટે પસંદ કરવામાં ન આવી.તે બહાર નીકળી પોતાની બહેન સાથે ફરી પોતાના ગામ તરફ જવા નીકળી ગઈ. તે ખૂબ જ દુઃખી હતી અને સુરભી ને કહી રહી હતી કે, પિતાજીએ પોતાના બધા પૈસા મારા ભણતર માટે ખર્ચી નાખ્યા છે ને હવે મને નાનકડી નોકરી પણ નહીં મળે તો બે ટાઇમની રોટલી પણ નસીબ નહીં થાય.

તેમની આ બધી વાત તેમની સીટ પાછળ બેઠેલો વિશાલ સાંભળી રહ્યો હતો.તે નંદીનીના ઘરની બાજુમાં રહેતો હતો. અને મનોમન નંદીનીને ખૂબ ચાહતો હતો.પરંતુ તે જાણતો હતો કે નંદીની તેને ક્યારેય પસંદ નહીં કરે.વિશાલને સમજાતું ના હતું કે તે કેવી રીતે નંદીનીને મદદરૂપ થાય. તે બીજા દિવસે નંદીનીના ઘરે ગયો અને નંદીનીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ''હું તને પ્રેમ કરું છું,હું સહેજ પણ સુંદર નથી,તારે આંખો હોત તો તું મને ના રિજેક્ટ જ કરી દેત'' નંદીનીની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે તે પાગલ હોય છે જે પોતાના ચાહવાવાળા ને અસ્વીકાર કરી દે છે.પરંતુ વિશાલ, હું તને પ્રેમ નહીં કરી શકું તું તારા માટે કોઈ આંખ વાળી છોકરી શોધી લે.

વિશાલ નિરાશ થઈને ચાલ્યો ગયો.થોડા જ દિવસોમાં તેને ઇનશોરન્સ કંપનીમાં નોકરી મળી ગઈ અને તે ગામ મૂકીને ચાલ્યો ગયો.

એક દિવસ ગામમાં કોઈ NGO વાળા લોકો આવ્યા.તેમની નજર નંદીની ઉપર પડી તો તેમને લાગ્યું કે નંદીનીની આંખો સરખી થઇ શકે છે. નંદીનીને આ વાત સાચી ના લાગી પરંતુ જ્યારે NGO વાળાએ આશ્વાસન આપ્યું તો તેની ખુશીનો પાર ના રહ્યો.થોડા દિવસોમાં NGO વાળાએ નંદીનીની આંખોનું ઓપરેશન કર્યું અને નંદીની બંને આંખોથી જોઈ શકતી હતી. હવે નંદીની પાસે આંખો હતી અને એ પણ એક નહીં બે-બે. જે તેની સુંદરતામાં વધારો કરી રહી હતી.

આ વખતે તેમણે MNC કંપનીમાં નોકરી માટે અરજી કરી અને તે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ અને આઠ લાખ વાર્ષિક પગાર સાથેની નોકરી મળી ગઈ.બધું વ્યસ્થિત રીતે ગોઠવાઈ ગયું પરંતુ તેને વિશાલની યાદ આવતી હતી.તેણે વિશાલના ઘર સુધી તપાસ પણ કરી લીધી પરંતુ વિશાલનો કોઈ પણ પતો ના હતો.

બીજી બાજુ નંદીનીના મમ્મીએ એના માટે લગ્નની તૈયારી ચાલુ કરી દીધી હતી.પરંતુ નંદીનીના દિલમાં તો વિશાલ જ વસી ગયો હતો. વિશાલને શોધવાનું નંદીનીની તપાસે એક મોટું મિશનનું સ્વરૂપ લઇ લીધું હતું તે વિચારતી હતી કે જો એક છોકરો આંધળી છોકરીને અપનાવવા તૈયાર થતો હોય તો એમનું હૃદય કેટલું સુંદર હશે. તે વિશાલને સરપ્રાઈઝ આપવા માંગતી હતી,તે વિશાલનો હાથ પકડી કેહવા માંગતી હતી કે ચાલ વિશાલ આપડે લગ્ન કરી લઈએ.પરંતુ તેના માટે વિશાલ નો પતો મળવો પણ જરૂરી હતો.વિશાલની શોધખોળ હવે Whatsapp,Facebook,Twitter,Google આ બધી જગ્યાએથી પ્રાર્થના સુધી પોહચી ગઈ હતી.

એક દિવસ તેને બ્લાઇન્ડ સ્કૂલમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવી. જે સ્કૂલમાં તે પહેલાં ભણતી હતી. તે પોતાની બહેન સુરભી સાથે સ્કૂલે પોહચી અને સ્કૂલનો દાદરો ચડતી હતી ત્યારે ત્યાં નીચે ઉભેલો કોઈ વ્યક્તિ સુરભી સાથે અથડાયો ને પડ્યો.નંદીનીએ દોડીને તેમનવ ઉભા થવામાં મદદ કરી.જો કે તે વિશાલ જ હતો.જેવી સુરભીની નજર વિશાલ ઉપર પડી તરત જ તેનાથી બોલાય ગયું - વિશાલ તું ?? વિશાલ પણ સુરભીનો અવાજ ઓળખી ગયો. વિશાલે કહ્યું- સુરભી તું ? અહીંયા શુ કરી રહી છો..?

સુરભીએ કહ્યું પેહલા તું કહે કે,તું અહીંયા શું કરી રહ્યો છો ? વિશાલે કહ્યું કે એક એક્સિડન્ટમાં મારી બંને આંખો ગુમાવી બેઠો છું,તો અહીંયા બ્રેઇન લિપિ શીખી રહ્યો છું.નંદીની વિશાલને જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે શું આ વિશાલ છે ?? આટલો કાળો, આટલો કદરૂપો અને આંખો ના હોવાથી વધારે ડરાવણો લાગે છે.

વિશાલે તરત જ સુરભી ને નંદીની વિશે પૂછ્યું પણ નંદીનીએ તરત જ ઇશારો કર્યો કે તેમના વિશે કશું ન બતાવે.સુરભીએ કહ્યું કે નંદીની તો નથી આવી શકી. વિશાલ થોડો ઉદાસ થઈ ને કહ્યું,પણ નંદીનીને તો મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવી છે. નંદીનીએ કંઈક ઇશારામાં સુરભીને બતાવ્યું અને સુરભી સમજી ગઈ અને કહ્યું કે હા, આમંત્રિત કરી હતી પરંતુ તેની આંખોના આંધળાપણા ના કારણે તે નથી આવી શકી.

વિશાલ વધારે ઉદાસ બની ગયો અને સુરભી પાસે થી દુર જતો રહ્યો અને તેમનો મોબાઈલ ફોન કાઢીને કોઈ નંબર ડાયલ કરવા લાગ્યો. નંદીનીએ સુરભીને કહ્યું કે વિશાલ આપડા ઘરની નજીકમાં રહે છે.આપણે ખોટું તો બોલી ગયા છીએ પરંતુ આ જૂઠ વધારે ટકવાનું નથી. માટે નંદીનીએ ફેંસલો કર્યો કે તે હવે મુખ્ય મહેમાન નહીં બને નહિતર આજ જ વિશાલને બધી સાચી ખબર પડી જશે. તે અને સુરભી સ્કૂલની બહાર નીકળતી હતી ત્યારે જોયું કે વિશાલ કોઈ સાથે ખૂબ જ ગુસ્સાથી વાત કરી રહ્યો હતો.

બંને બહેનો ધીમા પગલે વિશાલની બાજુમાંથી પસાર થઇ રહી હતી. વિશાલના ફોન પરની વાતથી નંદીનીને ઝટકો લાગ્યો અને તે ત્યાં થોડી વાર માટે ઉભી રહી ને વિશાલની વાત ધ્યાનથી સાંભળવા લાગી.વિશાલ ફોન ઉપર NGOના લોકોને ખીજાઈ રહ્યો હતો અને કહી રહ્યો હતો કે નંદીની આજે પણ નથી જોઈ શકતી.ને છેલ્લે વિશાલની આંખોમાં આંસુ આવી ગયા અને NGO વાળાને કીધું કે તમે લોકોએ મારી નંદીનીની જિંદગી ખરાબ કરી નાખી,કદાચ મારી પાસે હજી બીજી આંખો હોત તો હજી પણ ફરી વખત નંદીની માટે આંખો દાન કરી દેત..આટલું બોલીને ફોન મૂકી દીધો.

આ બધી વાત સાંભળીને નંદીનીની આંખોમાં આંસુ આવી ગયા અને વિશાલ પાસે જઈને તેને વળગી પડી અને માફી માંગવા લાગી.તેણે સુરભી પાસે જે જે ખોટું બોલાવ્યું હતું તે બધું કહી દીધું. વિશાલે હસીને કહ્યું અરે ગાંડી ! હું તો જાણતો જ હતો કે તને આંખો મળવાથી તું મને પસંદ નહીં કરે એટલા માટે તો તારાથી દૂર ચાલ્યો ગયો હતો. નંદીનીએ કહ્યું કે વિશાલ મારે તારી જરૂર છે,હું કદાચ સુંદરતાને વધારે મહત્વ આપતી હતી પરંતુ મને માફ કરી દે..

નંદીની વિશાલ સાથે બ્લાઇન્ડ સ્કૂલના દાદર ચડી રહી હતી કારણ કે તેને દુનિયાની સામે એક એવા વ્યક્તિને લાવવા હતા જે તેની નજરમાં ભગવાન હતા..

_અભય પંડ્યા

(ઉત્તમ મિશ્રા ની વાર્તામાંથી નામ, પાત્ર અને સ્થળ ના બદલાવ સાથે અનુવાદિત)

મિત્રો, આપના સૂચન આવકાર્ય છે અને આપના પ્રતિભાવ મને +91-7878571515 પર વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો. ધન્યવાદ