Murderer's Murder - 17 books and stories free download online pdf in Gujarati

મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 17

25મી તારીખે સાંજે જ, બલર પરિવારે આરવીની અંતિમ વિધિ કરી નાખી હતી. શોક પાળવાના શોખીન લોકો 26મી ઑક્ટોબરની સવારથી બલર બંગલે આવવા લાગ્યા હતા.

એ વાત સાચી હશે કે રડવાથી હળવું થવાય છે, પરંતુ દવાનો ઓવરડોઝ પણ નુકસાન જ કરતો હોય છે. બદલાતા રહેલા આગંતુક સામે સતત રડતા રહેલા મનીષાબેનની તબિયત બગડવા લાગી હતી. અભિલાષા તેમને છાના રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી.

બપોરે સાડા બાર પછી લોકો મોઢે આવતા બંધ થયા ત્યારે, જમવાની અનિચ્છા છતાં સૌએ થોડું ખાઈ લીધું. બાદમાં, મનીષાબેન સૂઈ ગયા ત્યાં સુધી અભિલાષા તેમના માથે હાથ ફેરવતી રહી ; દીકરી દીકરી મટીને ‘મા’ બની ગઈ હતી.

મનીષાબેન સૂઈ ગયા છે તેની ખાતરી થયા બાદ અભિલાષા પોતાના બેડરૂમમાં ગઈ. લલિત ‘મૃત્યુનું રહસ્ય’ પુસ્તક વાંચતો બેઠો હતો.

તેનું સ્નાયુબદ્ધ શરીર સશક્ત દેખાતું હતું. સતત અને સખત કસરતથી તેનું શરીર કસાયેલું લાગતું હતું. ડૉક્ટર તરીકે અતિ વ્યસ્ત હોવા છતાં તે છેલ્લા સાત વર્ષથી નિયમિત જિમમાં જતો હતો. તેના શરીર પર ચરબીનું નામોનિશાન ન હતું. તે સ્વિમિંગ પૂલમાં પડતો ત્યારે તેના આકર્ષક દેહને જોઈ આસપાસ ઊભેલી સ્ત્રીઓના મોંમાંથી હાયકારો નીકળી જતો. સુંવાળો ચહેરો હોવા છતાં, કુસ્તીબાજ જેવી જાંઘ અને પહોળી ભુજાઓથી તે ડૉક્ટર નહીં પણ યોદ્ધો લાગતો.

અભિલાષાને જોઈ તેણે પુસ્તક બંધ કર્યું. “મમ્મી સૂઈ ગયા ?” તેણે પૂછ્યું.

“હા.” અભિલાષાએ એકાક્ષરી જવાબ આપ્યો.

“મન બેચેન હોય ત્યારે કોઈ પણ સાથી ઊંઘ જેટલો અસરકારક નથી નીવડતો.”

“સાચી વાત છે.”

“મમ્મીને તારી જરૂર છે. એમને થોડા દિવસ અહીં જ રોકી રાખીએ.”

“એવું જ કરીશું.”

લલિત થોડી વાર અભિલાષા સામે જોઈ રહ્યો, કંઈક અસમંજસમાં હોય એમ વિચારતો રહ્યો અને ગળું ખોંખારીને બોલ્યો, “મેં મમ્મીને અને આરવીને દિવાળી કરવા ન બોલાવ્યા હોત તો આ ઘટના ન ઘટત.” તેના સૌમ્ય ચહેરા પર અપરાધભાવ છવાયો.

અભિલાષા બેડ પર બેઠેલા લલિતની નજીક ગઈ, તેણે લલિતનું માથું પોતાની છાતી સરસું ચાંપ્યું. તેના હૂંફાળા સીનામાં લલિતને અદ્ભુત રક્ષણ અનુભવાયું. અભિલાષાના સુંવાળા બદનની અત્તરશી મહેક કોઈ અજબ અનુભૂતિ પ્રેરતી હતી. પત્નીના મુલાયમ સ્તનયુગ્મની દર્રામાં તેણે પોતાનું માથું ઓર જોસથી ભીંસી દીધું. પોતે આ રૂપાળી અર્ધાંગનાની આગોશમાં સમાઈ જવા માંગતો હોય તેમ તેણે બંને હાથ અભિલાષાની કમર ફરતે વીંટાળ્યા.

એક સ્ત્રી તેના જીવનમાં અનેક ચરિત્રો ભજવી જાણતી હોય છે. ઘડીભર પહેલાની પ્રેમાળ દીકરી સમજદાર પત્ની બની ગઈ હતી. તેણે કહ્યું, “તમારે એવો બોજો રાખવાની જરૂર નથી. જો તમે તેમને ન બોલાવ્યા હોત તો ય આ ઘટના ઘટી હોત. જે થવાનું હોય તે થઈને જ રહે છે. તે ત્યાં રાજકોટમાં હોત તોય કદાચ...” વાક્ય અધૂરું છોડી અભિલાષા ચૂપ થઈ ગઈ. બહાર આવવાની જ રાહ જોતા હોય તેમ તેની આંખમાંથી અશ્રુ દદડ્યા. પતિને હૂંફ આપી રહેલી સ્ત્રીને હૂંફની જરૂર પડી. લલિતે તેના આંસુ હળવેકથી લૂછ્યા. પણ, તે કંઈ કહે તે પહેલા મનીષાબેનના ખાંસવાનો અવાજ સંભળાયો.

“મમ્મી ઝબકીને જાગી ગયા લાગે છે” કહી અભિલાષા પોતાનો રૂમ છોડી મનીષાબેન પાસે દોડી ગઈ.

અભિલાષા ચાલી જતા, રૂમમાં એકલો પડી ગયેલો લલિત મનમાં બબડ્યો, ‘ભોળી અભિલાષા, તું જાણતી નથી કે આરવીના મૃત્યુનું કારણ હું જ છું.’

****

ડાભી ચોકી પર પહોંચ્યા ત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યા હતા. તેઓ સીધા ઝાલાની કૅબિનમાં ગયા અને કહ્યું, “સાહેબ, એક ખરાબ સમાચાર છે.”

“પોલીસ સ્ટેશનમાં સારા સમાચાર નોંધવામાં આવતા ય નથી.”

ડાભીએ ઝાલાની મજાક પર ધ્યાન ન આપ્યું, તેમને મીડિયા ચેનલની જેમ સમાચાર પ્રસારિત કરવાની ઉતાવળ હતી. “કેસની અગત્યની કડી નેહા, કૉમામાં ચાલી ગઈ છે. તેને માથામાં અંદરના ભાગે ગંભીર ઈજા થઈ છે.”

“આ તો ખરેખર ખરાબ સમાચાર છે. પણ, આપણા માટેના ખરાબ સમાચાર, બીજા માટે સારા સમાચાર હોઈ શકે છે.”

“મતલબ ?”

“મહેન્દ્ર... જો મહેન્દ્રની ધરપકડ કરવાની થાય તો તેના વિરુદ્ધ પુરાવા જોઈએ અને અત્યારે નેહા જ તે એકમાત્ર પુરાવો છે. બીજી કોઈ ખબર ?”

“છેલ્લા ચોવીસ કલાકમાં હોટેલમાં ચેક ઇન – ચેક આઉટ થયેલા કસ્ટમર લિસ્ટની પ્રિન્ટ આઉટ લઈ લીધી છે, બધા નામ મેં જાતે ચેક કર્યા છે, પરંતુ કંઈ શંકાસ્પદ લાગ્યું નથી.”

“રૂમ નંબર 2231માં કોઈ ગયું-આવ્યું જ નથી, તો આપણે કોના પર શંકા કરી શકીએ ?” ઝાલાએ કહ્યું અને ડાભીને બેસવા માટે ઇશારો કર્યો.

બોસની નમ્રતા દરેક નોકરને માછલી પકડવાના કાંટા જેવી લાગતી હોય છે. ડાભી થોડા ઉચાટ સાથે સામેની ખુરશીમાં ગોઠવાયા. કાગળિયામાં વાંચેલી ગન વિશેની વિગતો ઝાલાએ ડાભીને જણાવી.

“હું પણ કંઈક જાણી લાવ્યો છું” ડાભીએ કહ્યું. “પોતાના પર થયેલા હુમલા પછી ભાસ્કરભાઈ શૂટિંગ શીખ્યા હતા. વિશેષ પણ શૂટિંગ શીખેલો છે. અત્યારે બંને બાપ-દીકરો વડોદરા રાઇફલ ક્લબના સભ્ય પણ છે. થોડાં વર્ષો પહેલા વિશેષે જાણ્યું કે ‘નાગન્ટ એમ 1895’ ગેસ સીલ રિવૉલ્વર છે, માટે તે શોખથી એએસી ટાયરન્ટ(AAC Tyrant) સપ્રેસર ખરીદી લાવ્યો હતો. ભાસ્કરભાઈની કબૂલાત મુજબ, છેલ્લા કેટલાય વર્ષોથી રિવૉલ્વર ઘરે જ પડી રહેતી હતી અને ક્યારેક વિશેષ તેને સાથે લઈ જતો હતો. જોકે, ભાસ્કરભાઈએ તેને તેમ ન કરવા સમજાવ્યો હતો.”

“અમુક ચોક્કસ ઉંમરના ગાળામાં છોકરાઓને હથિયાર, ગાડી અને સ્ત્રીઓ પ્રત્યે અનહદ આકર્ષણ થતું હોય છે. આ વખતે પણ વિશેષ ‘એમ 1895’ સાથે લઈને જ નીકળ્યો હશે. હોટેલ એન્ટ્રન્સમાં મેટલ ડિટેક્ટર નથી એટલે ચાલ્યું ગયું.”

“એવું પણ બને કે વિશેષને કોઈનાથી જોખમ લાગતું હોય અને તે આ ગન પોતાની પાસે સલામતીના હેતુથી રાખતો હોય. ભલે, પ્રથમ નજરે આ આત્મહત્યા લાગે, પણ મામલો દેખાય છે એટલો સીધો નથી.” ડાભીએ શંકા વ્યક્ત કરી.

ઝાલાને કંઈ સૂઝતું ન હોય તેમ હોઠ બહાર કાઢી માથું ધુણાવ્યું. તેમણે ફોરેન્સિક રિપૉર્ટની ફાઇલ ડાભી તરફ સરકાવી. ડાભી તે વાંચવા લાગ્યા, વંચાતા જતા શબ્દો સાથે ડાભીનું આશ્ચર્ય બેવડાતું ગયું. ફાઇલ વંચાઈ ગયા પછી તેમણે ઝાલા સામે જોયું. ડાભીની આંખમાં કેટલાંય પ્રશ્નો હતા, પણ તે કંઈ પૂછે તે પહેલા જ ઝાલાએ તેમને કાગળ આપ્યો. આ એ જ કાગળ હતો જેમાં તેમણે આગળ શું કરવું તેના મુદ્દાઓ લખ્યા હતા.

ડાભી કાગળ વાંચવા લાગ્યા...

- હરિવિલા સોસાયટીમાં રહેતા, જમણા પગે ઈજા પામેલા કે ખોડંગાતા રહીશોનું લિસ્ટ બનાવવું. તે દરેકની ફૂટપ્રિન્ટ્સ મેળવી તેને સ્પૉટ પર મળેલા પગલાં સાથે મેચ કરવી.

- છેલ્લા કેટલાક સમયમાં હરિવિલા સોસાયટીના કોઈ સભ્ય, આરવીના મિત્રો કે કુટુંબીઓમાંથી કોઈ ‘મહાકાલ જ્યોતિષ’માં ગયા છે કે કેમ તેની માહિતી મેળવવી.

- દુર્ગાચરણના કૉલ રેકૉર્ડ્સ ચેક કરવા અને તેણે વિશેષના પાછા જવાનો સમય ખોટો કેમ લખ્યો છે તે અંગે કડક પૂછપરછ કરવી.

- દરવાજા પર મળેલા ચીકાશવાળા ડાઘ વિશે મનીષાબેનને પૂછવું.

- આરવી પાસે એવું શું હતું જે મહેન્દ્રને જેલમાં ધકેલી શકવા સક્ષમ હતું તે વિશે ચોક્કસ માહિતી મેળવવી.

- વરુણને નજરઅંદાજ ન કરવો.

- આરવીને રાજકોટની ગાયનેક હોસ્પિટલનું શું કામ પડ્યું અને તેમાં લલિતનો શો રોલ હતો તે વિશે તપાસ કરવી.

- આરવી અને વિશેષના પોસ્ટમૉર્ટમ રિપૉર્ટ માટે ઉતાવળ કરાવવી.

- નેહાની પૂછપરછ કરવી.

ક્રમશ :