Ghar Chhutyani Veda - 17 books and stories free download online pdf in Gujarati

ઘર છૂટ્યાની વેળા - 17

ભાગ - ૧૭

પ્રવાસના બીજા દિવસે આરામ કરવા માટે રજા હતી કોલેજમાં, પણ રોહનને આરામની જરૂર ના લાગી. સવારે ઉઠી જમવાનું બનાવી, અધુરી નોવેલ લઇ બેઠો, પણ અવંતિકાનો ચહેરો, એની વાતો, એના વિચારો નોવેલની અંદરથી ડોકાઈ રહ્યા હતા, પહેલીવાર રોહન નોવેલને બંધ કરી દીવાલ સાથે ટેકો લઇ વિચારવા લાગ્યો, વિચારોમાં માત્ર અવંતિકા જ હતી, અવંતિકા હવે રોહનને પણ ગમવા લાગી હતી, પણ સાથે સાથે એ વિચાર આવતો હતો કે પોતે ગરીબ છે અને અવંતિકા એક પૈસાદાર ઘરની છોકરી, ભલે અવંતિકાને એ વાતથી કોઈ ફર્ક નહિ પડે પણ તેના ઘરના સભ્યોને તો ચોક્કસ પડશે જ અને એ એવું પણ સમજી લેશે કે રોહને અવંતિકાને પ્રેમમાં ફસાવી છે, માત્ર અને માત્ર પૈસા માટે. ત્યારે શું કરીશ ? એમ વિચારી રોહનનું દિલ પાછુ પડી રહ્યું હતું. હજુ એ વિચારો ચાલી જ રહ્યા હતા ત્યાં મોબાઈલમાં રીંગ વાગી, સ્ક્રીન ઉપર અવંતિકા જ લખેલુ હતું.

રોહન : "હેલ્લો..."

અવંતિકા : "હેલ્લો, કેમ છો તમે ?"

રોહન : "મઝામાં. તમે ?"

અવંતિકા : "હું પણ મઝામાં."

રોહન : "કેમ અચાનક ફોન ??"

અવંતિકા : "કઈ નહિ એમ જ, ફ્રી બેઠી હતી, કઈ કામ નહોતું, તો વિચાર્યું કે તમને ફોન કરી લઉં, એકલા એકલા બેસી કંટાળો આવતો હતો. તમે કામમાં હોય તો હું પછી વાત કરું."

રોહન : "અરે ના હું પણ ફ્રી જ છું, કામ પૂરું કરી શાંતિથી બેઠો જ હતો."

અવંતિકા : "તો વાંધો નહિ, મને કોઈ મારા કારણે ડીસ્ટર્બ થાય એ પસંદ નથી."

રોહન : "હા એ તો લાગે જ છે તમને જોઇને."

અવંતિકા : હસતા હસતા. "એમ, બીજું કઈ તો નથી લાગતુંને મને જોઇને ?"

રોહન : "ના બીજું કઈ નહિ પણ તમે ખુબ જ સારા છો."

અવંતિકા : "થેન્ક્સ" રોહન સામે નાં હોવા છતાં અવંતિકાની આંખો શરમથી ઝુકી ગઈ.

રોહન : "જમવાનું બનાવી લીધું તમે ?"

અવંતિકા : "હા, મેં અને મમ્મીએ બનાવી લીધું છે, હવે પપ્પા બપોરે ઓફિસથી આવે એટલે જમીશું, તમે શું જમશો ?"

રોહન : "મેં પણ વહેલા ઉઠી જમવાનું બનાવી લીધું છે. થોડીવાર પછી હું પણ જમીશ."

અવંતિકા : "મને કોઈવાર તમારા હાથનું બનાવેલું જમવાનું ટેસ્ટ કરાવશો ? મેં ક્યારેય ઘરે કોઈ પુરુષે બનાવ્યું હોય એવું જમવાનું નથી જમી. હોટેલમાં તો મસાલેદાર વાનગી ઘણી ખાધી પણ ઘરનું ક્યારેય નથી જમી."

રોહન : "ચોક્કસ, ક્યારેક ખવડાવીશ બસ."

અવંતિકા : "થેન્ક્સ."

રોહન : "અરે પહેલા ખવડાવવા તો દો અને મારી રસોઈ તમારા સ્ત્રીઓની જેમ ટેસ્ટી ના હોય, મારું બનાવેલું મને તો ભાવે છે, તમને ભાવે કે ના ભાવે એની ખાતરી ના આપી શકું. કારણ કે આજ સુધી મારી રસોઈ બીજા કોઈએ ટેસ્ટ નથી કરી."

અવંતિકા : "ઓહો તો તો તમારી રસોઈનો ટેસ્ટ કરનાર હું પહેલી વ્યક્તિ હોઈશ, હું કેટલી ભાગ્યશાળી કહેવાય, હવે તો મને એ દિવસની ઉતાવળ રહેશે."

રોહન : "ચોક્કસ, ક્યારેક મારી રસોઈના વખાણ હું બીજા કોઈના મોઢેથી સંભાળીશ, અત્યાર સુધી તો મેં જાતે જ મારી રસોઈના વખાણ કરી લીધા છે."

અવંતિકા : "હા હા હા... (હસવા લાગી.) સારું ચાલો પછી વાત કરીએ, પપ્પાની કાર ગેટની અંદર આવી ગઈ છે, તમે પણ જમી લો અને હું પણ જમી લઉં, બાય."

રોહન : "ઓકે, બાય.."

બંનેની વાત પૂર્ણ થયા બાદ અવંતિકા પોતાના પરિવાર સાથે જમવા બેઠી, આ તરફ રોહન પાછો વિચારોમાં ખોવાઈ ગયો, અવંતિકા પ્રત્યેનું આકર્ષણ તેને ખેચવા લાગ્યું, તેનો મીઠો અવાજ, કાળજી લેવાવાળો સ્વભાવ, તેની સુંદરતા રોહનને આકર્ષી રહી હતી, અત્યાર સુધી ક્યારેય જમવામાં ટેસ્ટના શોધતો રોહન આજે પહેલીવાર પોતાના જમવાનું પોતાની જાતે જ ચકાસવા લાગ્યો. અવંતિકા જયારે જમવા માટેનું કહેશે ત્યારે તેના માટે શું બનાવીશ ? એ અત્યારથી જ વિચારવા લાગ્યો.

એમ જ દિવસો વીતવા લાગ્યા, કોલેજમાં પણ હવે રોહન પુસ્તકો કરતાં મિત્રો પાસે વધુ સમય ફાળવવા લાગ્યો, લેકચર બાદ બધા સાથે કેન્ટીનમાં પણ બેસતા, ક્યારેક મેદાનમાં પણ બધા સાથે બેસતા. રોહન,વરુણ અવંતિકા અને સરસ્વતીની મૈત્રી ગાઢ થવા લાગી, રોહન અને અવંતિકા એકબીજાની નજીક આવવા લાગ્યા, વરુણ અને સરસ્વતી પણ એ સમજી શકતા હતા, અને એ બંને રોહન અને અવંતિકાને એક કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા હતા, ક્યારેક ક્યારેક કોઈ કામનું બહાનું કાઢી વરુણ અને સરસ્વતી રોહન અને અવંતિકાને એકલા બેસવા દેતા, પણ બંનેમાંથી કોઈ પહેલ કરી શકતું નહિ. બસ એમની વાતોમાંજ રહેતા. ચેટીંગ ગ્રુપમાં પણ બધા રાત્રે મોડા સુધી વાતો કરતાં, રોહન રાત્રે થોડીવાર વાંચતો પછી એ પણ જોડાઈ જતો. ક્યારેક અવંતિકા સાથે પર્સનલ ચેટ પણ કરી લેતો. પણ ના ક્યારેય અવંતિકાએ પોતાનો પ્રેમ કબુલ કરવાની હિંમત કરી ના ક્યારેય રોહન કરી શક્યો. એટલા સમય દરમિયાન એ ચાર તમે માંથી તું કહેતા થઇ ગયા.

નવરાત્રીના દિવસોમાં કોલેજમાં ગરબાનું આયોજન રાખવામાં આવ્યું, એ ગરબા દિવસે જ રાખવામાં આવ્યા, બધા વિદ્યાર્થીઓ રંગબેરંગી કપડામાં કોલેજ આવ્યા, છોકરીઓ ચણીયા ચોળીમાં અને ઘણા છોકરાઓ કેડિયું અને કુર્તા પહેરી આવ્યા હતાં. રોહન એ દિવસે આવવાની ના પાડતો હતો પણ વરુણની જીદ અને અવંતિકાને પ્રેમે તેન આવવા ઉપર મજબુર કર્યો, વરુણ તેને લેવા માટે તેના ઘરે સવારે જ પહોચી ગયો અને પોતાની સાથે પોતાના ઘરે જ લઇ ગયો, ત્યાં વરુણે રોહન માટે ટ્રેડીશનલ કપડાં રાખ્યા હતાં, બંને તૈયાર થઇ વરુણની કારમાં કોલેજ આવ્યા.

સરસ્વતી પણ અવંતિકાના ઘરે જ તૈયાર થવા માટે ગઈ હતી, એ બંનેને અવંતિકાના પપ્પા જ કોલેજ મુકવા માટે આવવાના હતાં, ટ્રેડીશનલ કપડા પહેરી એકટીવા લઇ આવવું ફાવે એમ નહોતું. રોહને ગ્રુપમાં મેસેજ કર્યો હતો. પણ સરસ્વતી અને અવંતિકા તૈયાર થવામાં વ્યસ્ત હોવાના કારણે મોબાઈલ જોયો પણ નહિ.

વરુણ અને રોહન કોલેજ પહોચી અવંતિકાની રાહ જોવા લાગ્યા. ઘણીવાર થઇ ગઈ પણ અવંતિકા અને સરસ્વતીનું ઠેકાણું નહોતું.

રોહન : "આ છોકરીઓ કેમ તૈયાર થવામાં આટલી બધી વાર લગાવતી હશે ?"

વરુણ : "બીજા બધાની ખબર નહિ પણ અવંતિકાને જોવા માટે તું બેસી રહ્યો છું એટલે એ તારા માટે તૈયાર થવામાં આટલી બધી વાર લગાવતી હોય એમ લાગે છે."

રોહન : "ના હો એવું કઈ નહિ હોય, સરસ્વતી પણ ક્યાં આવી છે હજુ ?"

વરુણ : "એ બંને સાથે જ આવવાના હશે, હજુ એ લોકોએ મેસેજ પણ નથી જોયા."

રોહન : "હા યાર, જોને આ છોકરીઓ સજવા ધજવામાં કોઈ રાહ જોતું હોય એ પણ ભૂલી જાય"

વરુણ :"કઈ નહિ ભાઈ, આવતા જ હશે."

રોહન હાથમાં મોબાઈલ લઇને વારંવાર અવંતિકાના ઓનલાઈન થવાની રાહ જોઈ રહ્યો હતો, થોડીવારે મોબાઈલ અને થોડીવારે રસ્તા તરફ નજર નાખ્યા કરતો. ગ્રુપમાં મેસેજ આવ્યો, મેસેજ સરસ્વતીનો હતો, "હું અને અવંતિકા નીકળી ગયા છીએ, પાંચ મીનીટમાં કોલેજ પહોચીશું. તમે થોડા દૂર ઉભા રહેજો, અવંતિકાના પપ્પા એમની કારમાં અમને મુકવા માટે આવે છે." રોહને તરત રીપ્લાય આપ્યો : "હા. જલ્દી આવો."

રોહનના ચહેરા પરની ખુશી જોતા વરુણે કહી દીધું : "અવંતિકાનો મેસેજ હતો ને ? કેટલીવારમાં આવે છે ?"

રોહન : "ના, સરસ્વતીનો હતો, ગ્રુપમાં. થોડીવારમાં જ આવી જશે, પણ એક પ્રોબ્લેમ છે, અવંતિકાના પપ્પા પણ સાથે આવે છે એટલે સીધા એ લોકોને આપણે નહિ બોલાવી શકીએ, એ નીકળી જાય પછી જ વાત થશે."

વરુણ : "તો એમાં શું છે ? તું તો અવંતિકા સાથે વાત કરવા કેટલો ઉતાવળો થયો છે ? આટલી રાહ જોઈ છે તો થોડીવાર વધારે રાહ નહિ જોઈ શકે ?"

રોહન : "ખબર નહિ યાર મને કેમ આવું થાય છે ?"

વરુણ : "પ્રેમ થાયને એટલે આવું જ થાય, થોડીવારની રાહ પણ જાણે કલાકોની રાહ જોઈ હોય એવું લાગવા લાગે. પણ યાર તમે એકબીજાને પ્રપોઝ ક્યારે કરશો ?"

રોહન : "રાહ તો મારાથી પણ નથી જોઈ શકાતી, ઘણીવાર હિમ્મત કરી પણ કહી જ નથી શકતો."

વરુણ : "તું કેમ ડરે છે એ મને જ ખબર નથી પડતી, એવું નથી કે અવંતિકા તને પ્રેમ નથી કરતી, એ પણ તને પ્રેમ કરે છે, એના મનમાં પણ તારા માટે ફીલિંગ છે, એટલે ના કહેવાનો પ્રશ્ન જ નથી એનો. એ એવું જ વિચારીને બેસી રહી હોય કે તું સામેથી પ્રપોઝ કરીશ."

રોહન : "હા, મને પણ એવું જ લાગે છે કે પહેલ મારે જ કરવી પડશે."

વરુણ : " જો રોહન, આજે ખુબ જ સારો સમય છે, તમને આજે વાત કરવાનો સમય પણ મળી જશે, આપણે બપોરે મેદાનમાં બેસીસું, ત્યારે હું અને સરસ્વતી કોઈ બહાને તમને એકલા મુકીશું ત્યારે તું પ્રપોઝ કરી શકે છે."

રોહન : "હું આજે પ્રયત્ન કરીશ."

વરુણ : "પ્રયત્ન નહિ, કરવાનો જ છે આજે. તારાથી ના થઇ શકતો હોય તો હું અને સરસ્વતી વાત કરીએ, પણ અમે કહીશું અને તું કહીશ એમ ઘણો ફર્ક છે."

રોહન : "ઓકે મારા ભાઈ બસ. આજે હું કરીશ પ્રપોઝ."

વરુણ : "તો આજે મારા તરફથી પાર્ટી પાકી"

રોહન અને વરુણ હસવા લાગ્યા ત્યાં જ કોલેજના ગેટમાંથી એક કાર આવતી દેખાઈ, પ્રવાસના દિવસે અવંતિકાના પપ્પા લેવા માટે આવ્યા હતા એટલે રોહને કાર જોઈ હતી, કારને અંદર આવતા જોઈ રોહન ઓળખી ગયો અને વરુણને કહ્યું :"હાસ... આવી ગઈ રાજકુમારીઓ."

કારમાંથી સરસ્વતી પહેલા ઉતરી, અને પાછળ અવંતિકા, આજુબાજુ ઉભેલા બધાની નજર અવંતિકાને જોઈ થંભી ગઈ, રોજ ડ્રેસ અને જીન્સ ટોપમાં આવતી અવંતિકા આજે ચણીયા ચોળી પહેરીને આવી હતી, જાણે કોઈ સ્વર્ગની અપ્સરા ધરતી ઉપર ગરબા રમવા માટે આવી હોય એવી લાગી રહી હતી. રોહન પણ દુર રહી તેને જોઈ સ્તબ્ધ થઇ ગયો હતો, અને મનોમન વિચારી રહ્યો હતો, કે અવંતિકા જેવી વ્યક્તિ તો કિસ્મત વાળાને જ મળે અને હું એ કિસ્મતવાળી વ્યક્તિ છું, આજે હું એને પ્રપોઝ ચોક્કસ કરીશ."

કારમાંથી ઉતરી અવંતિકાની નજર રોહનને જ શોધી રહી હતી, અને દુર ઉભેલા રોહનને તેણે જોઈ પણ લીધો, માત્ર રોહન સમજી શકે એવું સ્મિત આપ્યું. અવંતિકાએ તેના પપ્પાને બાય કહ્યું, તેના પપ્પાની કાર રીવર્સ લઇ કોલેજની બહાર નીકળી, અવંતિકા જ્યાં સુધી કાર દેખાઈ ત્યાં સુધી જોતી રહી, કાર ના દેખાતા તરત રોહન તરફ ચાલવા લાગી.

રોહન પાસે પહોચી અવંતિકાએ કહ્યું : સોરી, થોડું મોડું થઇ ગયું."

રોહન : "વાંધો નહિ, આજે તો તું બહુ સુંદર લાગે છે."

અવંતિકા : "થેન્ક્સ, તું પણ આજે ટ્રેડીશનલ ડ્રેસમાં સરસ લાગે છે."

વરુણ અને સરસ્વતી રોહન અને અવંતિકાને વાતો કરતાં જ સાંભળી રહ્યા હતાં, સરસ્વતીએ મઝાક કરતાં કહ્યું : "અમે પણ અહિયાં ઉભા છીએ હો.."

રોહન : "ઓહ સોરી. તું પણ સરસ લાગે છે સુરુ."

વરુણ : "ચાલો હવે ગરબા રમવા જઈએ નહિ તો કોઈ એમ વિચારશે કે આ લોકો તૈયાર થઈને વાતો કરવા જ આવ્યા છે કે શું ? થોડીવાર ગરબે રમી અને પછી બહાર બેસીસું."

બધા સાથે "હા ચાલો" એમ કહી કોલેજની અંદર જ્યાં ગરબા રાખ્યા હતા ત્યાં ગયા."

કોલેજની યુવાની ગરબે હિલોળા લઇ રહી હતી, રોહન અને વરુણે થોડીવાર ગરબાના તાલે ઝૂમી એકતરફ ઉભા થઇ ગયા, અવંતિકા અને સરસ્વતી મન મુકીને ઝૂમી રહ્યા હતા, ઘણાંની નજર અવંતિકા તરફ જ હતી પણ અવંતિકા ગરબા રમતા પણ રોહનને જ જોઈ રહી હતી, થોડી થોડીવારે એકબીજા સામે હસી પણ લેતા હતા. બે કલાક જેવું ગરબે રમી અવંતિકા રોહન વરુણ અને સરસ્વતી કેન્ટીન તરફ જવા માટે નીકળ્યા, વરુણ બધા માટે જ્યુસ લઇ આવ્યો અને ત્યાંથી બધાએ મેદાનમાં બેસવા જવા માટેનું નક્કી કર્યું...

વધુ આવતા અંકે.....

નીરવ પટેલ "શ્યામ"