Udi Gayu Pankhi books and stories free download online pdf in Gujarati

ઊડી ગયું પંખી

" પા પા પગલી દીકરી તારી, જોય મનડું હરખાય,

કાલી ઘેલી બોલી તારી, દલડાં ને સ્પર્શી જાય.

કાળજું બાપનું દીકરી તું તો, વિરહ ના જીરવાય,

આંસુડાં ની ધાર બની, જોને અમી એ ઉભરાય."

દીકરી અને બાપ આ બે શબ્દો એકબીજાથી એટલા જોડાયેલા છે કે એમ કહું તો ભારોભાર માયા, લાગણી ભરેલા છે આ સંબંધ માં. એક દીકરી ને પૂછશો ને કે કેટલો પ્રેમ કરે છે તારા પિતા ને તો એ માપ બતાવી નઈ શકે. કારણ કે દીકરી ની બાપ પ્રત્યેના પ્રેમ ની કોઈ સીમા જ નથી હોતી. જેમ નદી અમાપ વેહતિ રહે છે એમ દીકરી નો પ્રેમ પણ બાપ માટે નિરંતર વહેતો જ રહે છે. તો બાપ ને પૂછશો કે કેટલો પ્રેમ કરો છો દીકરી ને તો ભલા માણસ એ બાપલા ના આખો માંથી આંસુ ટપ ટપ વહેવા લાગશે. બાપ ને મન તો દીકરી એની ઢીંગલી જ છે. ગમે એટલું એના માટે કરશે તોય હજી વધારે કરવાની ઈચ્છા બાપના મન માં બાકી રહી જતી હોય છે. આ સંબંધ જ એવો છે જ્યાં કોઈ વાતની માંગણી નથી હોતી બસ અનરાધાર પ્રેમ અને વાત્સલ્ય વરસાવવાની,જતાવવની હોડ હોય છે એકબીજા પ્રત્યે.

દીકરી ને તો માં નું બીજું રૂપ ગણવામાં આવે છે. માવતર જેવો વ્હાલ એક દીકરી જ પૂરી કરી શકે છે. જેમ બાળપણ માં એ પોતાની ઢીંગલી ની સારસંભાળ રાખે છે. એના કપડા, એના વાળ નું ધ્યાન રાખે છે. એમ મોટી થતાં એ પુરા ઘરની સારસંભાળ રાખે છે. કદાચ બાપ પોતાની દવા લેવાનું ભૂલી જાય પણ દીકરી દવા આપવાનું કે બાપની દરેક વસ્તુ નું ધ્યાન રાખવાનું કદી નથી ભૂલતી. બાપ ની કાળજી પણ એ બાપ ની માં બની રાખે છે. હક થી કહી શકે છે. જીદ કરી શકે છે. અને ભોળો બાપલોય એક સારા દીકરાની માફક એની બધી વાત માની લેય છે.

દીકરી ના વિરહ નું, એના વિદાય નું દુઃખ બાપ કાળજે કેમ ઝીલી જીવતો હસે એ એક દીકરી નો બાપ જ જાણી શકે છે. ભગવાન ને ઘરેય જ્યારે દીકરી વિરહ નો પ્રસંગ આયો હસે ત્યારે એ પણ આમજ રોયો હસે. ભગવાન હોય કે માણસ બાપ તો બાપ જ હોય છે. દીકરી વિરહ ની પીડા જેટલી એને થાય છે એટલી જ આ ધરતી પર ના બાપ ને પણ થાય છે.

દ્રુપદ રાજા દેવતાઓ પાસે વરદાન માં પોતાની દીકરી દ્રોપદી માટે અપાર દુઃખ અને અન્યાય માંગે છે. કે આજીવન સુધી એ પીડા ભોગવે. પણ જ્યારે ભગવાન તેને સત્ય નો બોધ સમજાવે છે તેનું અભિમાન ચૂર કરે છે ત્યારે એને દીકરી ની મહતા સમજાય છે અને પોતાની દીકરી ની ખુશી માટે એને સરો વર મળે એ માટે સ્વર્ગથી પણ સુંદર સ્વયંવર રચે છે. અને જ્યારે કોઈ પણ માછલી ની આંખ વીંધી ના શકે તો એ બાપ ચિંતાતુર બની જાય છે કે શું મારી દીકરી ના નશીબ માં કોઈ મહારથી નથી ? શું એના લગ્ન નઈ થાય ? આ ચિંતાતુર બાપ મનોમન અસમંજસ માં સરી પડે છે ત્યારે અર્જુન માછલી ની આંખ વીંધી દ્રોપદી ને જીતી લેય છે. આજ દ્રોપદી ની વિદાય વખતે એ દ્રુપદ પણ અસહાય બની આંસુ વહાવે છે.

ગમે તેવો પત્થર દિલ માણસ કેમ ના હસે...., ગમે એવો કઠોર કેમ ના હસે..., પણ એક દીકરી ના બાપ તરીકે તો અંદરથી તો મીણ જેવો મુલાયમ જ હસે. હિમાલય પણ પીગળી ગયો જ્યારે એ પુત્રી પાર્વતી ની વિદાય કરે છે. દીકરી ની વિદાય કરવી એટલે ભલા માણસ કાળજા ને શરીર થી અડગુ કરવું. સમજી શકો છો એક કાળજાને શરીર થી અલગ કરતાં કેટલું દુઃખ ,કેટલી પીડા થતી હસે જે આ બાપ ને દીકરી ના વિરહ ટાણે થાય છે.

અરે દીકરી એ તો સમજણ ની મૂર્તિ છે મારા વ્હાલા, જ્યારે સાસરે ગયા પછી જો સાસરા માં કોઈ નાની મોટી તકલીફ પડે તો એ બાપ આગળ કદી એની ફરિયાદ નથી કરતી. બાપ અગર કોક દિ પૂછે ને બેટા કેમ છે સાસરામાં તો એ દીકરી હસતા મોઢે બોલશે મારે તો મોજે મોજ છે અહી સાસરા માં, એ જાણે છે કે જો બાપ ને ખબર પડે કે દુઃખી છું તો એનાથી વધુ દુઃખ, વધુ પીડા એ એના બાપ ને થશે અને એ પીડા એ જીરવી નઈ શકે. એટલે જ તો સમજદાર બની દીકરી એ પીડા નો ગુટડો પોતે જ પી લે છે. આવો પ્રેમ મારા વ્હાલા બાપ દીકરી નો... !

કવિ કહે છે...

" દીકરી મારી લાડકવાયી, લક્ષ્મી નો અવતાર,

એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર...! "

દીકરી એતો શાક્ષાત લક્ષ્મી છે. કહેવાય છે કે જે બાપ ને ઘેર દીકરી આવે એ બાપ નું ભાગ્ય બદલાઈ જાય છે. એના જીવન ના અંધકાર માં આશા નો ઉમંગ નો સૂરજ ઉગી જાય છે. આ છે દીકરી.... એક પુરુષ એની પત્ની માટે જેટલી ચિંતા નથી કરતો એનાથી વધુ એ એની દીકરી ની કરે છે. આ બાપ દીકરી નો સંબધ જ એટલો ગાઢ હોય છે કે તાતણે

તાટણાં માં પ્રેમ અને લાગણી નીતરતી દેખાય છે.

એ દૃશ્ય જ જરા આંખ સામે લાવી જુઓ કે બાપ દીકરી ને વિદાય કરતો હોય ત્યારે કેવો બાળક બની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. જાણે સઘળું એનું લૂંટાઈ ગયું હોય, છીનવાઈ ગયું હોય એમ એક ખૂણામાં બેસી રોતો હોય છે. ૨૫ વરસ થી જે પ્રેમ એ દીકરી ને કરતો હોય છે એક પળ માં એને આમ દૂર જતી જોઈ કેમ સહન કરી શકે એ બચારો બાપલો. એને મન તો જાણે કાળા ડીબાંગ વાદળો ભરેલું આભ એના ઘર પર જ પડ્યું હોય એવી અનુભૂતિ દિલ માં ભરીને રુદન કરતો હોય છે.

ભલા માણસ આ છે બાપ દીકરી નો પ્રેમ....

વધુ નાં કહીશ બે પંક્તિ કહી રજા લઉં છું સૌની..!

"બાપ ને આંખ આંસુડાં આજ રૂડા લાગે છે,

લાગે, દીકરીના વિરહ નો અવસર લાગે છે.

કેવો ગરીબડો, લાચાર આ ડોશો લાગે છે,

ઊડી ગયું પંખી, હવે ઉપવન સુનું સુનું લાગે છે."