Murderer's Murder - 22 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 22

‘પ્રકાશ અને મનસુખભાઈના પ્રિન્ટ્સ, સ્પૉટ પર મળેલા ફિંગરપ્રિન્ટ્સ અને ફૂટપ્રિન્ટ્સ સાથે મેચ થતા નથી.’ ફાઇલમાં લખાયેલા વાક્યએ ઝાલાને નિરાશ કરી દીધા હતા.

ઘણા સમયથી વહાણવટે ગયેલો દરિયા-ખેડું પોતાની જોરુ, પ્રિયતમા કે પરિવારને મળવાની અથાગ તાલાવેલી સાથે પાછો ફરતો હોય અને ચાંચિયાઓ તેને રસ્તામાંથી જ બંદી બનાવી લે તેવી લાચારી ઝાલાએ અનુભવી.

‘જો પ્રકાશ અને મનસુખભાઈ પણ નિર્દોષ છે તો હત્યારો આવ્યો ક્યાંથી ? શું તે જમીન ફાડીને નીકળ્યો હતો કે પરગ્રહવાસીની જેમ ઊડતી રકાબીમાં આવ્યો હતો ? હમણાં થોડા સમય પહેલા જમણા પગે ઈજા પામ્યો હોય તેવો કોઈ માણસ ડાભીના ધ્યાન પર આવ્યો નથી. શું ડાભી કોઈને મિસ કરી ગયા છે ? કે પછી હું જ કંઈ ભૂલ કરી રહ્યો છું ?’ ઝાલા આંખો બંધ કરી વિચારતા રહ્યા. કોઈ હઠયોગી ધૂણી ધખાવીને બેસી જાય, કોઈ દીક્ષિત જૈન મુનિ સામયિક કરવા બેસી જાય, કોઈ વિચારશીલ બૌદ્ધિક મનન-ચિંતનમાં ધ્યાનસ્થ થઈ જાય એવી રીતે ઝાલા એકાગ્ર બન્યા.

“સર, આજે વહેલા આવી ગયા ?” ડાભીનો અવાજ સંભળાયો ત્યારે દીવાલ પર લટકતી ઘડિયાળના મોટા કાંટાએ 360 ડિગ્રીની મજલ કાપી નાખી હતી.

“પોસ્ટમૉર્ટમ રિપૉર્ટનું શું થયું ?” ઝાલાએ સહેજ ઊંચા અવાજે પૂછ્યું.

“કાલે જ ફોન કર્યો હતો, આજ સાંજ સુધીમાં આવી જશે. શું થયું સાહેબ, કોઈ નવીન સમાચાર છે ?” અનુભવી ડાભીથી ઝાલાનો ઉદ્વેગ છૂપો ન રહ્યો. મોટાભાગના માણસો સહકર્મચારીઓની ટેવો-કુટેવો વિશે તેની પત્ની જેટલું જ જાણતા હોય છે, બસ પત્નીની જેમ તેવો દાવો નથી કરતા હોતા.

“ફોરેન્સિક રિપૉર્ટ આવી ગયો છે, પ્રકાશ અને મનસુખભાઈ નિર્દોષ છે. આપ કોઈને મિસ તો નથી કરી ગયા ને ?” ઝાલાએ ઉપરી અધિકારીના રૂઆબથી પૂછ્યું.

“સાહેબ, હું તો ચેરમેને આપેલી યાદી પ્રમાણે ચાલ્યો છું.” ડાભી થોડા અસ્વસ્થ બન્યા.

“કાલે મહાકાલ જ્યોતિષમાંથી પણ કોઈ ઠોસ માહિતી ન મળી. હા, ત્યાં એક માણસને જોતાં એવું લાગેલું કે આને ક્યાંક જોયો છે, પણ એ તો ગોત્રી પાસેની સોરઠીયા પૉલિમર્સમાં નોકરી કરે છે. તમને યાદ હશે કે ત્યાં એક ધાડ પડી’તી અને તમે તે કેસ ઉકેલ્યો હતો.”

“હા સાહેબ, એ તો ક્યાંથી ભૂલાય ! આપ કોઈ અગત્યના કેસમાં બિઝી હતા એટલે તે આખો કેસ મેં જ હેન્ડલ કરેલો. આપ એક-બે વાર મારી સાથે આવ્યા હતા, પણ પછી તો બધી તપાસ મેં જ કરેલી. માર્ચના પહેલા અઠવાડિયામાં ધાડ પડી’તી અને બાવીસ માર્ચે તો તમામ ગુનેગાર પકડી ફાઇલ બંધ કરી દીધેલી.” ડાભીના અવાજમાં ગર્વ છલકાયો.

“શું કહ્યું તમે ?” ઝાલા ચોંક્યા.

“આપ કોઈ અગત્યના કેસમાં બિઝી હતા...”

“અરે, તારીખ કઈ બોલ્યા ?”

“માર્ચના પહેલા અઠવાડિયામાં ધાડ પડી’તી અને બાવીસ માર્ચે ગુનેગાર પકડી ફાઇલ બંધ કરી દીધેલી.”

“બાવીસ માર્ચ પછી આપણે સોરઠીયા પૉલિમર્સમાં ગયા હતા ?”

“ફાઇલ બંધ થઈ ગયા પછી ત્યાં શું કામ હોય ?”

ઝાલાના ચહેરા પર ચમક આવી, “હું જે માણસની વાત કરી રહ્યો છું એનું નામ તેજપ્રતાપ છે. મેં તેને ક્યાંક જોયો હોય એવું લાગતું હતું. સી.જે.દેસાઈએ જણાવ્યું કે તે સોરઠીયા પૉલિમર્સમાં નોકરી કરે છે. આથી, મને લાગેલું કે સોરઠીયા પૉલિમર્સમાં પડેલી ધાડ દરમિયાન આપણે ત્યાં ગયા હોઈશું અને તેને જોયો હશે. પણ, એવું નથી. તમે કહો છો કે બાવીસ માર્ચે ફાઇલ બંધ થઈ ગઈ હતી અને પછી આપણે ત્યાં ગયા જ નથી. જયારે, તેજપ્રતાપ તેની પછી એટલે કે પહેલી એપ્રિલથી ત્યાં જોડાયો હતો.”

“મતલબ, આપે તેને બીજે ક્યાંક જોયો છે. પણ, ક્યાં ?”

ઝાલા ડાભીના પ્રશ્નનો જવાબ આપે એ પહેલા હેમંત કૅબિનમાં પ્રવેશ્યો, “સૉરી સર, એક કામ આવી ગયું હતું એટલે મોડો પડ્યો. વિશેષના કૉલ રેકૉર્ડ્સ હજુ આવ્યા નથી, પણ મહાકાલ જ્યોતિષના તમામ મુલાકાતીઓના નામ અને નંબર મેં મોડે સુધી ચેક કર્યા હતા. તેમાંથી તેજપ્રતાપ નામના માણસનો નંબર એક શકમંદના કૉલ-લિસ્ટમાં છે. મતલબ, આરવીને ઓળખતા હોય તેવા એક માણસ સાથે તે સંપર્કમાં છે.”

“કોણ છે એ ?” ઝાલા ખુરશીમાંથી અડધા ઊભા થઈ ગયા.

“દુર્ગાચરણ, એ માણસ દુર્ગાચરણ છે ! દુર્ગાચરણના ફોનમાંથી તેજપ્રતાપ સાથે ઘણી વાર વાત થઈ છે.” હેમંતે ફોડ પાડ્યો.

“ઓહ... મને પણ યાદ આવ્યું. આપણે દુર્ગાચરણના ઘરે ગયા ત્યારે મેં તેને ત્યાં જોયો હતો. તેના પડોશમાં રહે છે. તે દિવસે પોલીસજીપ જોઈને બહાર નીકળ્યો હતો.” ઝાલાએ વિશ્વાસથી કહ્યું.

“તો પછી ઉઠાવી લાવીએ બંનેને અહીંયા...” ડાભી ખુરશીમાંથી ઊભા થઈ ગયા.

“હું ય આવું છું.” ઝાલા પણ જોડાયા.

****

પોલીસ ટીમ પૂજનપાર્ક રૉ-હાઉસ પહોંચી ત્યારે નાઇટ ડ્યૂટી કરીને આવેલો દુર્ગાચરણ પલંગ પર લાંબો થઈને સૂતો હતો. દેહાતી પત્નીએ તેને જગાડ્યો.

“કા હુઈ ગવા ?” તે આંખો ચોળી બેઠો થયો.

“ચલ પોલીસ સ્ટેશન, થોડી પૂછપરછ કરવી છે.” ડાભીએ કડકાઈથી કહ્યું.

“પુલિસ સ્ટેશન ?” તે ગભરાયો.

દુર્ગાચરણ વધુ દલીલ કરે એ પહેલા જ ડાભીએ તેને ફેંટ પકડીને ઊભો કર્યો.

“હમરા કૉલર કાહે પકડ રહે હો ?” દુર્ગાચરણે વિરોધ નોંધાવ્યો, પણ ડાભીએ તેને ખેંચ્યો અને તે લથડ્યો.

“ઓહ, આ તો વિચાર્યું જ નહીં !” ઝાલા બોલી ઊઠ્યા. ડાભી પણ તેમનો કહેવાનો અર્થ પામી ગયા.

સૂક્ષ્મદર્શક યંત્રમાં આંખ માંડીને સૂક્ષ્મતમ બૅક્ટેરિયા શોધી રહેલા વૈજ્ઞાનિકને સામે ઊભેલો હાથી ન દેખાય એવું જ અહીં થયું હતું. આરવીના હત્યારાને શોધવા મથતી પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતા ; ગુનેગાર છટકી ન જાય એ માટે સોસાયટી રજિસ્ટર અને આસપાસના સીસીટીવી કૅમેરાના રેકૉર્ડિંગ જોયા હતા, સોસાયટીમાં રહેતા લંગડા માણસોનું લિસ્ટ મેળવ્યું હતું, પરંતુ રાત્રે ચોકી કરતો દુર્ગાચરણ જ જમણા પગે ખોડંગાતો હશે એવી શંકા ઝાલા, ડાભી કે એક પણ પોલીસકર્મીને પડી ન હતી.

અત્યાર સુધી આ વાત ધ્યાન પર નહીં આવવાના અન્ય કારણો પણ હતા. પાછલી વખતે તેઓ દુર્ગાચરણને મળવા આવ્યા ત્યારે તે પલંગ પર જ બેસી રહ્યો હતો. એક વાર તેણે ઊભા થવાનો પ્રયત્ન કરેલો, પણ અધૂરી ઊંઘ અને નાદુરસ્ત તબિયતના કારણે સહેજ લથડીને ફરી પલંગ પર બેસી ગયો હતો. પોલીસ રવાના થઈ ત્યારે ઊભા થઈને દરવાજા સુધી આવવાની તસ્દી પણ તેણે લીધી ન્હોતી. બાબુભાઈએ ચોપડામાં રહેલા રહીશોના નામ ચેક કર્યા ત્યારે તેમને ય દુર્ગાચરણ યાદ ન્હોતો આવ્યો, કારણ કે ચોપડામાં સોસાયટીમાં રહેતા રહીશ અને તેમના નોકરોના નામ હતા, ચોકીદારના નહીં.

ડાભીએ તેને જબરદસ્તી પોલીસ જીપમાં બેસાર્યો. હેમંત અને બીજો કૉન્સ્ટેબલ પડોશમાં રહેતા તેજપ્રતાપને ઢસડી લાવ્યા. “હમેં કહાં લે જા રહે હો ? હમને ક્યા કિયા હૈ ?” તેજપ્રતાપ કાલાવાલા કરી રહ્યો હતો.

બે વરરાજા અને ખાખી કપડાંવાળા જાનૈયા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યાં સુધી તેજપ્રતાપ પોતાના ગુના વિશે પૂછતો રહ્યો. દુર્ગાચરણ તો વાઘના પાંજરામાં આવી પડ્યો હોય એમ ડઘાઈ ગયો હતો. તે કંઈક વિચારી રહ્યો હોય તેવું લાગતું હતું. જીપ પોલીસ સ્ટેશન પહોંચી કે બંનેને રિમાન્ડ રૂમમાં લઈ જવામાં આવ્યા. એક કૉન્સ્ટેબલ દોડીને લાકડાનું ટેબલ લઈ આવ્યો અને ઝાલા તેના પર બેઠા. બીજો કૉન્સ્ટેબલ લાકડાનો તેલ પાયેલો દંડો લઈ આવ્યો.

ડાભીએ સુરપાલને પહેલાથી ફોન કરી દીધો હતો, તે પોલીસ સ્ટેશન પર તેમની રાહ જોતો બેઠો હતો. દુર્ગાચરણ અને તેજપ્રતાપના ફિંગરપ્રિન્ટ્સ તથા ફૂટપ્રિન્ટ્સ મેળવી તે રવાના થયો.

ક્રમશ :