Devil - EK Shaitan -31 books and stories free download online pdf in Gujarati

ડેવિલ એક શૈતાન-૩૧

ડેવિલ : એક શૈતાન

ભાગ-૩૧

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-ડેવિલ અર્જુન ને મારી નાંખવાનો પ્રયાસ કરે છે પણ એમાં અસફળ જાય છે-ડેવિલ પોતાની અર્જુન સાથે જૂની દુશમની ની વાત જણાવે છે-અર્જુન ડેવિલ સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી શોધી શકતો-બિરવા અને અર્જુન વચ્ચે સંબંધ બગડી જાય છે-બિરવા ડેવિલ નો પીછો કરે છે-ડેવિલ પોતાની ઓળખાણ આપી પીનલ ને પોતાના સુધી પહોંચાડવાનું બિરવા ને કહે છે-અર્જુન પર એક અજાણ્યા નમ્બર પર થી કોલ આવે છે-હવે વાંચો આગળ...

"રાધાનગર ના લોકો ની ફિકર કરવામાં તું તારી જાન ની ફિકર કરવાનું ભુલી ગયો" અજાણ્યા નમ્બર પરથી આવેલા કોલ માં ઉચ્ચરાયેલા આ શબ્દો નો મતલબ શું?અને કોલ કરનાર વ્યક્તિ કોણ હતું?એ વિશે અર્જૂન વધુ કંઈ પૂછે એ પહેલાં તો કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.

ત્રણ ચાર વાર અર્જુને એ નમ્બર પર કોલ કરવાનો પ્રયત્ન કરી જોયો પણ એ નમ્બર સ્વિચ ઓફ આવતો હતો..કોઈએ અવાજ બદલી ને વાત કરી હોય એવું અર્જુન ને લાગતું હતું..આખરે પોતાને કોઈ જાન થી મારી નાંખવાની ધમકી આપી રહ્યું હોય એવું અર્જુને મનોમન નક્કી કર્યું અને એ નમ્બર ની કોલ ડિટેઇલ કઢાવવા માટે સાયબર સેલ ને જાણ કરી દીધી.

લાયબ્રેરી ને બંધ થવાનો સમય થઈ ગયો હોવાથી થોડો સમય બાદ પીનલ ને લાયબ્રેરી થી લેવા માટે અર્જુન જીપ લઈને નીકળી પડ્યો.છ વાગવામાં પાંચ મિનિટ વાર હતી અને એની જીપ મહાત્મા ગાંધી લાયબ્રેરી આગળ આવીને ઉભી રહી.

આ અર્જુન નો રોજ નો ક્રમ હતો એ થોડો સમય પહેલાં જ ત્યાં પહોંચી જતો અને પીનલ ના આવવાની રાહ જોતો..આજે એના આવ્યા ને ૨૦ મિનિટ જેટલો સમય થઇ ગયો પણ પીનલ બહાર ના આવી એટલે અર્જુને પીનલ ના નમ્બર પર કોલ લગાવ્યો પણ નમ્બર સ્વિચ ઓફ આવ્યો..

"પીનલ નો ફોન સ્વિચ ઓફ તો ક્યારેય આવ્યો નથી..આવું ના જ બને"મનોમન આટલું બોલી મુખ પર ચીંતા ના ભાવ સાથે અર્જુન દોડીને લાયબ્રેરી માં પ્રવેશ્યો.

અત્યારે લાયબ્રેરી માં કામ કરતા કાન્તીભાઈ કરીને પ્યુન લાયબ્રેરી ની લાઈટો બંધ કરી રહ્યા હતા..અર્જુન ને દોડતો આવતો જોઈ એ અટક્યા અને અર્જુન ના નજીક આવતા જ બોલ્યા

"કેમ સાહેબ આમ દોડતાં દોડતાં આવો છો..મેડમ ની કોઈ વસ્તુ રહી ગઈ છે કે શું?"

"ના કાકા...પીનલ ક્યાં ગઈ..હું ક્યારનોય બહાર રાહ જોઉં છું પણ એ ના આવી..ફોન પણ બંધ આવે છે અને અહીં પણ એ દેખાતી નથી..ક્યાં ગઈ એ?"હાંફતા હાંફતા અર્જુને કહ્યું.

"સાહેબ..મેડમ તો લગભગ ચાર વાગ્યા પહેલાં જ અહીં થી નીકળી ગયા હતા.."કાન્તીભાઈ એ કહ્યું.

"ચાર વાગે...તમને કંઈ કહ્યું...ક્યાં જાય છે એ?"અર્જુન હજુ પણ આ બોલતા હાંફી રહ્યો હતો.

"સાહેબ મેડમ તો મને કે કોઈને કંઈ કહ્યા વિના જ ચાલ્યા ગયા..."કાન્તીભાઈ એ કીધું.

"સારું બીજું કંઈપણ યાદ હોય કે એને કોઈ મળવા આવ્યું હોય આજે?"અર્જુને કાન્તીભાઈ સામે જોઈ કહ્યું.

કાન્તીભાઈ એ માથા માં હાથ ફેરવતા કંઈક વિચારતા હોય એમ ભાવ સાથે કહ્યું.."હા સાહેબ મને યાદ આવ્યું મેડમ ને કોઈનો કોલ આવ્યો હતો...એ કોલ પત્યા પછી એ ફટાફટ નીકળી ગયા.."

"સારું કાન્તિ કાકા હું ઘરે ચેક કરતો આવું..મને લાગે છે પીનલ કોઈ કામ થી ઘરે ગઈ હશે"કાન્તીભાઈ ની રજા લઈ અર્જુન લાયબ્રેરી ની બહાર નીકળી ને જીપ માં બેઠો.

અર્જુને જીપ ને ચાલુ કરી અને પોતાના ઘર તરફ ભગાવી મુકી.. જીપ ચલાવતાં ચલાવતાં અર્જુન મનોમન વિચારી રહ્યો હતો કે "આજે મારા ઉપર કોઈ અજાણ્યા નમ્બર થી ધમકીભર્યો કોલ આવવો અને આમ પીનલ નું કોઈ ને કંઈ કીધા વગર ગુમ થઈ જવું..વધારા માં એનો ફોન પણ બંધ..લાગે છે પીનલ કોઈ મોટી મુસીબત માં છે...!!અરે હા મારી જાન એટલે પીનલ પણ થાય જ ને..હું એને મારા જીવ કરતાં પણ વધુ ચાહું છું તો શું કોલ કરનાર પીનલ ના સંદર્ભ માં કંઈ કહેવા માંગતો હતો...હા એવું જ હશે..."

સેંકડો વિચારો ના હિલોળા અત્યારે અર્જુન માં મગજ માં ઘુમી રહ્યા હતા..એને પોતાના ઘર જોડે આવીને જીપ ઉભી રાખી અને નીચે ઉતરી ને ઘર ના મેઈન ડોર સુધી ગયો તો અર્જુન ની આંખો એ જોઈ ફાટી રહી ગઈ કે ઘર માં હજુ લોક હતું.એનો મતલબ પીનલ ઘરે આવી નહોતી.."મારા મન નો વ્હેમ સાચો હતો કે પીનલ નું જરૂર કોઈએ કિડનેપ કર્યું છે..અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડેવિલ જ હોઈ શકે..મારી સાથે નો બદલો એ પીનલ ને કિડનેપ કરી લેવા માંગે છે..મારી પીનલ અત્યારે મહા મુસીબત માં છે..."મનોમન આવું વિચારી અર્જુન નો જીવ ગભરાઈ ગયો અને એ ત્યાં જ ઘર ના મેઈનડોર આગળ ફસડાઈ પડ્યો.

અર્જુન ની આંખ માંથી આંસુ પણ નીકળી પડ્યા..પાંચ સાત મિનિટ એમ જ બેસી રહ્યા પછી અર્જુને પોતાની આંખ ના આંસુ લૂછયાં અને ઉભો થયો અને બોલ્યો..."ડેવિલ જો પીનલ ને કંઈપણ થયું તો હું તારી એ દશા કરીશ કે શૈતાન ની રૂહ પણ કાંપી ઉઠશે...હું તારા સુધી પહોંચી ને જ રહીશ.."મક્કમ નિર્ધાર કરી અર્જુન જીપ માં બેઠો અને જીપ ને પુરપાટ વેગે પોલીસ સ્ટેશન તરફ ભગાવી મુકી.

***

સાંજ ના સાડા સાત થયા હતા..અર્જુન ને આમ અત્યારે બહુ દિવસ પછી આ સમયે પાછો આવેલો જોઈ પોલીસ સ્ટેશનમાં હાજર દરેક પોલીસકર્મી ને કંઇક અજુગતું બન્યા ની ગંધ આવી ગઈ.

અર્જુને પોલીસ સ્ટેશન માં પગ મુક્ત ની સાથે જ નાયક,જાની અને જાવેદ ને અંદર પોતાની કેબીન માં આવવા કહ્યું..પાંચ મિનિટ માં તો બધા અર્જુન ની કેબીન માં અદબ વાળી ઉભા હતા.

"નાયક હું તમને એક વાત કહેવા માગું છું...સાંજે મારા પર એક ધમકીભર્યો કોલ આવ્યો હતો એ તો તમને ખબર જ છે?"અર્જુને કહ્યું..અત્યારે અર્જુન ના ચહેરા પર ચીંતા સ્પષ્ટ દેખાતી હતી.

"હા સર ..અમને ખબર છે..તમે સાયબર સેલ માં કોલ કરી એની ડિટેઈલ મંગાવી એ પણ અમને ખબર છે..."નાયકે કહ્યું.

"હા પણ એ કોલ મારા માટે નહોતો..મતલબ કે મારી જાન ને કોઈ ખતરો નથી.. પણ..."આટલું બોલી અર્જુન ના ગળા માં ડુમો ભરાઈ ગયો અને એ બોલતાં બોલતાં અટકી પડ્યો.

"પણ શું સાહેબ...અને આજે તમે આટલા બધા ટેંશન માં...શું બન્યું છે એવું...અમને જણાવો અમે તમારી કોઈ મદદ કરી શકીએ એમ હોય તો..."જાની એ કહ્યું.

"જાની તમારી જ મદદ ની જરૂર પડશે...કેમકે મારી પત્ની પીનલ નું કિડનેપ થઈ ગયું છે..."અર્જુન આટલું બોલીને રડી પડ્યો.

અર્જુન ની વાત સાંભળી પહેલાં તો ત્યાં ઉપસ્થિત એના બધા જ સાથી કર્મચારીઓ ચોંકી ગયા..પહેલાં તો થોડો સમય કોઈને શું કરવું એની ગતાગમ ના પડી.. પણ પછી નાયક અર્જુન ની નજીક ગયો અને પાણી નો ગ્લાસ અર્જુન ને આપ્યો...અર્જુને થોડું પાણી પીધું પછી નાયકે અર્જુન ની સામે જોઈને કહ્યું.

"સાહેબ આમ હિંમત ના હારશો.. અમે બધા આપની પડખે ઉભા છીએ કંઈ નહીં થાય ભાભી ને..પણ ભાભી નું કિડનેપ કરવાની હિંમત કોના માં થઈ?"

અર્જુન થોડો સ્વસ્થ થયો પછી બોલ્યો.."નાયક પાકું તો ખબર નથી કે પીનલ નું કિડનેપ કોને કર્યું છે..અને સાચું કહું તો મને તો એ પણ ખબર નથી કે પીનલ નું કિડનેપ જ થયું છે..પણ મારા પર અજાણ્યા નમ્બર પરથી આવેલો ધમકીભર્યો કોલ,પીનલ નું લાયબ્રેરી માંથી કોઈને કીધા વગર ક્યાંક નીકળી જવું અને એના ફોન નું અત્યારે બંધ આવવું આ બધી વાત પરથી મને એવું લાગે પીનલ ની જાન ખતરા માં છે...અને એનું કિડનેપ ડેવિલે કર્યું છે.."અર્જુને કહ્યું.

"શું કહ્યું સાહેબ..ભાભી ના ગુમ થઈ જવા પાછળ ડેવિલ નો હાથ છે...તો તો ભાભી બહુ મોટી મુશ્કેલી માં છે..આપણે જલ્દી માં જલ્દી ડેવિલ સુધી પહોંચવું પડશે.."જાની એ કહ્યું.

"પણ ડેવિલ સુધી પહોંચવા નું કઈ રીતે..અમદાવાદ થી લાવેલા ડેટા માંથી પણ અમારી વચ્ચે ના કોઈપણ જૂની દુશમની ના સંબંધ વિશે માહિતી ના મળી...પણ પીનલ લાયબ્રેરી માંથી ગઈ એ પહેલાં એના પર કોઈક નો કોલ આવ્યો હતો એવું ત્યાં કામ કરવા વાળા કાન્તીભાઈ એ કહ્યું..તો એ કોલ કોનો હતો એની માહિતી મળી જાય તો ડેવિલ સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું મળી જાય એવું હું માનું છું.."અર્જુને વારાફરથી જાવેદ,જાની અને નાયક સામે જોઈ કહ્યું.

"સાહેબ આજે તમારા પર આવેલા ધમકીભર્યા કોલ અને પીનલ ભાભી પર આવેલા લાસ્ટ કોલ ની ડિટેઈલ અને એમના મોબાઈલ લોકેશન વિશેની માહિતી હું કાલ બપોર સુધી માં કઢાવી લઈશ.. મને પીનલ ભાભી નો નમ્બર આપો.."જાવેદે કહ્યું.

અર્જુને જાવેદ ને પીનલ નો ફોન નમ્બર લખાવ્યો..જાવેદ તરત જ એ નમ્બર લખી કેબીન માંથી બહાર નીકળી ગયો.

જાવેદ ના ગયા બાદ થોડો સમય શાંતી રહી પછી નાયકે કંઈક વિચાર્યું અને પછી અર્જુન તરફ નજર કરીને બોલ્યો.."સાહેબ તમે જે અમદાવાદ થી ડેટા લાવ્યા એ હું ચેક કરી શકું..એવી કોઈ વસ્તુ ભગવાન કરે ને મારી નજર માં આવી જાય જે તમારા ધ્યાન માં નથી આવી.."

"સારું..તું આ ડેટા લેતો જા.."આટલું કહી અર્જુને અમદાવાદ થી લાવેલ સી.ડી નાયક ને આપી દીધી..આજે રાતે પોતે ફુલ નાઈટ આ ડેટા ચેક કરશે એમ કહી નાયક પણ બહાર નીકળી ગયો.

હવે કેબીન માં જાની અને અર્જુન હાજર હતાં... જાની એ કહ્યું"સર એક કામ કરીએ તો આપણે આખા શહેર માં જ્યાં શક્ય બને એટલી જગ્યાએ આપણી પુરી ટીમ જોડે સઘન તપાસ કરાવીએ તો..એવું પણ બને કે ભાભી ક્યાંક મળી પણ જાય.."

"હા જાની તારી વાત તો સાચી છે...મારા થી આમ હાથ પર હાથ ધરે બેસી તો નહીં જ રહેવાય..ચાલો ત્યારે આપણે સમગ્ર શહેર ને ખૂંદી વળીએ.. ક્યાંક પીનલ સુધી પહોંચવાનો કોઈ રસ્તો મળી જાય.."અર્જુને જાની ની વાત માં સુર પરોવ્યો.

ત્યારબાદ અર્જુન,જાની, વાઘેલા અને અશોક અલગ અલગ ટીમ બનાવી રાધાનગર શહેર માં પીનલ ક્યાં છે..એ વિશે ની નાના માં નાની કડી શોધવા નીકળી પડ્યા.

***

આ તરફ ડેવિલ હાઉસ માં ડેવિલ અત્યારે ખુશી ના માર્યો ડાન્સ કરી રહ્યો હતો..એના ચહેરા પર પોતાનો પ્લાન એકદમ યોગ્ય રીતે આગળ વધ્યો હોવાની ખુશી સાફ દેખાઈ રહી હતી..પીનલ અત્યારે સામે લોખંડ ના ટેબલ પર બેહોશ પડી હતી..બસ એના લોહી નું DNA બદલવા માટે નું કેમિકલ તૈયાર થઈ જાય પછી પીનલ ને માનવ માંથી શૈતાન બનાવવાની પ્રક્રિયા ને અંજામ આપવાનો હતો.

હકીકત માં બિરવા ડેવિલ નો પીછો કરીને ડેવિલ હાઉસ નહોતી આવી..એને અહીં લાવવામાં આવી હતી..ડેવિલ છુપા વેશે હંમેશા અર્જુન પર નજર રાખતો હતો..બિરવા અને અર્જુન વચ્ચે ની નજદીકી એના માટે એક દિવસ ફાયદેમંદ થવાની હતી એ જાણતો હતો.

બિરવા ની આંખો માં અર્જુન માટે ઉભરાતો પ્રેમ ડેવિલ ની લુચ્ચી નજર થી બચ્યો નહોતો.. પણ જ્યારથી અર્જુન અને બિરવા અમદાવાદ થી પરત ફર્યા હતા ત્યારથી બંને વચ્ચે અબોલા ચાલતાં હતા...બે ત્રણ દિવસે અર્જુન સાથે પોલીસ સ્ટેશનમાં ટિફિન લઈને જતી બિરવા નું આમ અર્જુન થી અલગ થઈ જવું ડેવિલ ના ધ્યાનમાં આવી ગયું.

બસ પછી તો શું?અર્જુન ની દુઃખતી નસ એટલે કે એની પત્ની પીનલ સુધી પહોંચવા માટે બિરવા નો કઈ રીતે ઉપયોગ કરવો એનું ડેવિલે મનોમંથન કર્યું...બિરવા ની રોજ ની દિનચર્યા વિશે તપાસ કરી..રોજ સાંજે બિરવા લાયબ્રેરી સામે આવેલા ગાર્ડન માં કસરત કરવા આવતી એની ડેવિલ ને ખબર પડતાં એનું શૈતાની મગજ કામે લાગી ગયું.

આગળ પણ નાયક ને બચાવવા માં બિરવા એ જ બુદ્ધિ લગાવી હતી અને એ જાસૂસી દિમાગ ધરાવતી એ વાત થી ડેવિલ વાકેફ હતો..બસ પછી તો બિરવા ના ગાર્ડન માં જોગીંગ કરવાના ટાઈમે એ લાયબ્રેરી સામે ગાર્ડન ની બાજુ માં રાખેલા બોકડા પર બેસી રહેતો..અને એના ધાર્યા પ્રમાણે બિરવા એની નોંધ પણ લેવા લાગી.

બિરવા પોતાનો પીછો કરવાની છે એ વાત થી ડેવિલ આશ્વસ્ત હતો..એના બધા પાસા સરખા પડ્યા અને બિરવા એની પાછળ પાછળ ડેવિલ હાઉસ સુધી આવી ગઈ..અને પોતે કેટલી આસાની થી એના કુમળા મન નો ફાયદો ઉઠાવી એને પોતાની વાતો માં ભોળવી દીધી અને પીનલ ને પોતાના સુધી લાવવા મનાવી લીધી.

ડેવિલ ના કહ્યા મુજબ બિરવા એ પીનલ દ્વારા પોતાના પર મુકવામાં આવતા આંધળા વિશ્વાસ નો ફાયદો ઉઠાવવા એક તરકીબ આજમાવી જે મુજબ આજે સાંજે ચાર વાગ્યા આજુબાજુ એને પીનલ ને ફોન લગાવ્યો..અને અર્જુન નું એક્સિડન્ટ થયા ની ઉપજાવી કાઢેલી વાત જણાવી..અને પોતે લાયબ્રેરી બહાર કાર માં એની વેઇટ જોવે છે એમ જણાવ્યું..બિરવા ની વાત સાંભળી પીનલ આઘાત માં વગર વિચારે લાયબ્રેરી માં થી નીકળી બહાર કાર માં બેસેલી બિરવા જોડે જઈ બેસી ગઈ..પાછળ ડેવિલ પણ બેઠો હતો..એને જોઈ પહેલાં તો પીનલ ને અજુગતું લાગ્યું પણ બિરવા એ ડેવિલ ની ઓળખાણ પોતાના અંકલ તરીકે આપતાં પીનલે વધુ પુછતાછ ના કરી.

રસ્તા માં પીનલે પુછ્યું કે "અત્યારે અર્જુન ની સાથે કોણ છે?"

બિરવા એ કહ્યું "અત્યારે નાયક ભાઈ અર્જુન ની સાથે છે.."

અર્જુન ને હવે કેમ છે એમ પુછવા પીનલ નાયક નો નમ્બર ડાયલ કરવા જ જતી હતી એટલા માં ડેવિલે તાત્કાલિક ક્લોરોફોર્મ વાળો રૂમાલ પીનલ ના મોં પર રાખી દીધો અને પીનલ વધુ વિચારે એ પહેલાં બેહોશ થઈ ગઈ.

ડેવિલે પીનલ નો ફોન લઈ સ્વિચ ઓફ કરી દીધો..પછી થોડે દુર જઈ બિરવા ને કાર માં થી ઉતરી જવા કહ્યું અને પોતે ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાઈ ગયો અને કાર ને લઈને ડેવિલ હાઉસ પહોંચી ગયો.પીનલ ને કાર માંથી લાવી લોખંડ ના ટેબલ પર સુવડાવતાં ડેવિલ હાંફી ગયો..પીનલ ને ઘેન નું ઈન્જેકશન મારી એ ત્યારબાદ શાંતિ થી સોફા માં બેઠો.ડેવિલ ની કાર માં થી ઉતરી બિરવા ઓટો કરી પોતાના ઘરે જતી રહી.

"બસ ચોવીસ કલાક અને અર્જુન સાથે ના મારા બદલા ની આગ બુઝી જશે..મારા દીકરા ના આત્મા ને શાંતી મળશે.."ચહેરા પર એક ગજબ ના સુકુન સાથે ડેવિલે કહ્યું અને પછી પોતાના જીત ની ગંધ પહેલાં જ આવી ગઈ હોય એમ હોલ માં રહેલા કાચ ન ડ્રોવર માં થી સિગ્નેચર વહીસ્કી ની બોટલ કાઢી એના પેગ બનાવી મારવાનું શરૂ કર્યું.

ડેવિલ ના લીધે અત્યાર સુધી વીસ નિર્દોષ લોકો ના ભોગ લેવાઈ ગયા હતા..જેમાં ભારતી બેન સિવાય કોઈની પણ હત્યા પોતાના હાથે કરી નહોતી..એમાં ભારતીબેન ની હત્યા પોતાને હાથે કરવાનું પણ કોઈ પ્લાનીંગ નહોતું...આતો એ દિવસે સાંજે ભારતીબેન ની હત્યા આરઝુ ના શૈતાન અવતાર દ્વારા કરાવાની હોવાથી ડેવિલ વેશ ધારણ કરી લાયબ્રેરી માં જ બેઠો હતો..!

એજ સમયે ભારતીબેને ફોન કરી પોતે ડેવિલ વિશે કંઈક જાણતાં હોવાની વાત પીનલ ને કરી એટલે ના છુટકે ડેવિલે તક નો લાભ લઈ પોતાના સગા હાથે બ્લેડ કટર વડે ભારતી બેન નું ગળું રેતી નાંખીને એમની કરપીણ હત્યા કરી દીધી હતી.

આટઆટલી નિર્દોષ લોકો ની હત્યા પછી પણ ડેવિલ નો મકસદ અધુરો હતો..એને હજુ પોતાના દીકરા ની મોત નો અર્જુન જોડે બદલો લેવાનો તો હતો જ પણ આ ઉપરાંત આખી દુનિયા ને એ બતાવવા માંગતો હતો કે પોતે શું છે??અર્જુન સાથે ની દુશમની અને પોતાની જાત ને પ્રસ્થાપિત કરવા ની મહેચ્છા રાધાનગર માં લોહી ની નદીઓ વહેડાવી ગઈ હતી જેનો ડેવિલ ને લેશ માત્ર પણ રંજ નહોતો..અત્યારે દારૂ ના નશા માં ડૂબેલો ડેવિલ બસ ચોવીસ કલાક વિતવાની રાહ જોઈ બેઠો હતો.!!

***

પીનલ ની શોધ માં રાધાનગર માં શોધખોળ કરી રહેલાં પોલીસકર્મીઓ હાથ માં કંઈ ના લાગતા હતાશ અને નિરાશ ચહેરે સવારે પાંચ વાગે પોલીસ સ્ટેશન પાછા ફર્યા.બધા ના ચહેરા પર ઉદાસી અને હતાશા હતી.

અર્જુન ને તો અત્યારે કઈ રીતે દુઃખ વ્યક્ત કરવું એ જ સમજાતું નહોતું..પોતાના પ્રાણ થી પણ વ્હાલી પીનલ અત્યારે કઈ હાલત માં હશે એમ વિચારી અર્જુન ના આખા શરીર માં એક અજાણી ચીંતા નું લખલખું પસાર થઈ ગયું હતું..!!

આંખો બંધ કરી અર્જુન પોતાની કેબીન ની ખુરશી માં બેઠો બેઠો કોરી આંખે રડી રહ્યો હતો..પીનલ નો માસુમ હસતો ચહેરો અને પોતાના આવનારા બાળક વિશે વિચારી અર્જુન જેવો બાહોશ ઓફિસર પણ અંદર થી તૂટી ગયો હતો..આમ ને આમ વિચારો ના ઘોડા દોડાવતાં દોડાવતાં અર્જુન થાક ના લીધે સુઈ ગયો.

રાતભર નાયક અર્જુને અમદાવાદ થી લાવેલ ડેટા ને ચેક કરતો રહ્યો..અર્જુન ના જેમ નાયક ને પણ એમાં કંઈપણ જાત નો નવો કલ્યુ કે ડેવિલ સાથે સંકળાયેલ કોઈ લિંક ના મળી..આમ ને આમ સવાર ના સાત વાગી ગયા..ચા વાળો ચા લઈને આવ્યો.

"સાહેબ ગરમાગરમ આદુ વાળી ચા..સ્પેશિયલ તમારા માટે.."નાયક ની સામે જોઈ ચા લઈને આવવા વાળા છોકરા એ કહ્યું.

"સારું કર્યું તું ચા લઈને આવ્યો..આજે તો આખો કપ ચા નો ભરી દે"આંખો ચોળતાં ચોળતાં નાયકે કહ્યું..નાયક ની વાત સાંભળી એ છોકરા એ ચા નો કપ ભરી ને નાયક બેઠો હતો ત્યાં ટેબલ પર મુકી દીધો.

ચા પીધા પછી થોડો મૂડ પાછો આવતા નાયકે હજુ એકવાર બધો ડેટા ચેક કરી લેવાનું વિચાર્યું..અને પાછી નજર કોમ્પ્યુટર પર ગડાવી દીધી.

એક પછી એક અર્જુન દ્વારા સોલ્વ કરવામાં આવેલ કેસ અને અપરાધી વિશે ની માહિતી નો ડેટા ચેક કરતાં કરતાં અચાનક એક કેસ વિશે વાંચતા નાયક ની આંખ માં એક ચમક પ્રસરાઈ ગઈ અને એ આ વિશે અર્જુન ને માહિતગાર કરવા માટે અર્જુન ના કેબીન ની તરફ ઉતાવળા પગલે નીકળી પડ્યો.

***

આખરે ડેવિલ કોણ છે? નાયક ને શું માહિતી મળી હશે? અર્જુન ડેવિલ સુધી પહોંચી શકશે અને પીનલ ને બચાવી શકશે? અર્જુને ડેવિલ ના દીકરા ને કેમ માર્યો હતો? શું આવશે આ બદલા ની આગ નો અંજામ? આવા જ સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન નો નવો ભાગ આવતા સપ્તાહે.

વાંચક મિત્રો નો અંતઃકરણ થી પહેલાં તો ખુબ ખુબ આભાર માનવો ઘટે..આપ સૌ નો અપ્રિતમ પ્રેમ આ નોવેલ ને મળ્યો છે..પોતાના અંત તરફ આગળ વધતી આ નોવેલ પછી હજુ પણ કંઈક સારું આપ માટે લાવવાનો પ્રયાસ કરીશ.

ઓથર :- જતીન. આર.પટેલ