Murderer's Murder - 27 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 27

ડાભી આવી ગયા છે એવી ખબર મળતા ઝાલા કૅબિન છોડી રિમાન્ડ રૂમમાં પ્રવેશ્યા. સોસાયટીથી થાણાં સુધીની સફરમાં, રામુએ પોતે નિર્દોષ હોવાની માળા જપે રાખી હતી જે હજુ ય ચાલુ હતી.

“ચૂપ !” ડાભી તાડૂક્યા અને ઝાલાને જોઈ ઓર જોરથી ગર્જ્યા, “દુર્ગાચરણે કહ્યું છે કે તે આરવીની હત્યા કરીને ચાલ્યો જાય પછી બલર બંગલોનો દરવાજો તું બંધ કરવાનો હતો.”

ઝાલા ડાભીની વજીરચાલ સમજી ગયા અને રાજાની જેમ સ્થિર ઊભા રહ્યા.

“ખબર નહીં તે મને શા માટે ફસાવી રહ્યો છે ! બાકી, હું સાવ નિર્દોષ છું, સાહેબ.” રામુનો ચહેરો રડું-રડું થઈ ગયો.

“જો તું ખરેખર નિર્દોષ છે તો આ તને ફસાવવાની કોઈ ચાલ છે. અમે તને બચાવી શકીએ, પણ...” ઝાલાએ જાળ પાથરી.

“પણ શું ?”

“અમે બધું જાણતા હોઈએ તો જ તને મદદ કરી શકીએ. આજ સુધી બલર પરિવારમાં છુપાવવા જેવું કંઈ બન્યું હોય તો કહી દે.” પાથરેલી જાળ પર ઝાલાએ ચણ વેર્યું.

દાણા વેરી રહેલા પારધીમાં પક્ષીઓને ભગવાન દેખાતા હોય છે, રામુને ઝાલા દેવસમા લાગ્યા. તેણે ડરતાં-ડરતાં કહ્યું, “સાહેબ, તમને ઝાટકો લાગે એવી એક વાત છે.”

“શું ?”

બલર પરિવારના સભ્યો આસપાસ નથી ઊભા તેની ખાતરી કરતો હોય તેમ, રામુએ ચારે તરફ જોયું અને ધીમેથી બોલ્યો, “જીજા-સાળીનો સંબંધ અભડાઈ ચૂક્યો હતો.”

ઝાલા અને ડાભીના ચહેરા પર ચમક આવી. “તને કેવી રીતે ખબર ?” ઝાલાએ પૂછ્યું.

“મેં મારી સગી આંખે જોયું છે ; મે મહિનાના અંત ભાગની વાત છે, એ દિવસે રવિવાર હતો. વરુણભાઈ તેમના મિત્રો સાથે ફરવા ગયા હતા અને શેઠ-શેઠાણી નજીકના સંબંધીને ત્યાંથી મોડી રાત્રે આવવાના હતા. આરવીદીદી બપોરના શોમાં મૂવી જોવા ગયા હતા. લલિત સાહેબ અભિલાષા મૅડમ અને નિખિલ સાથે ખરીદી કરવા જવાના હતા, પરંતુ ઇમરજન્સી આવી પડતા તેમને હોસ્પિટલ ભાગવું પડ્યું અને અભિલાષા મૅડમ નિખિલને લઈ પોતાની સહેલી સાથે શોપિંગ કરવા ઉપડી ગયા. બપોરે સાડા ત્રણથી સાડા ચારના સમયગાળામાં ઘરે કોઈ ન્હોતું. સાડા ચારે આરવીદીદી પાછા ફર્યા અને “કેટલી ગરમી છે” કહી ઉપર ચાલ્યા ગયા. પછી, પાંચ-દસ મિનિટમાં લલિત સાહેબ આવ્યા અને મને ચા મૂકવાનું કહી તેઓ પણ સીડી ચડી ગયા.

મેં ફ્રીઝમાંથી દૂધ કાઢ્યું તો તે બગડી ગયું હતું, હું તાબડતોબ દૂધ લેવા ગયો. સોસાયટીના નાકે આવેલી દૂધની દુકાન બંધ હતી, તેથી દૂરની દુકાને જઈ, દૂધ લઈ પાછા ફરતા મને વાર લાગી. જો કે મોડું થઈ ગયું હોવા છતાં મેં ચા ધીમી આંચે જ પકાવી ; ચામાં સહેજ પણ ઓગણીસ-વીસ થાય તો લલિત સાહેબ ગુસ્સે થઈ જાય છે. બાદમાં, ચાનો કપ ભરી બીજી ડિશમાં બિસ્કિટ મૂકી હું ઉપર ગયો.

લલિત સાહેબના રૂમનો દરવાજો આડો કરેલો હતો ; ઘાંય-ઘાંયમાં મેં નોક કર્યા વગર દરવાજાને ધક્કો માર્યો અને...” મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશેલો દર્શનાર્થી ભગવાનની મૂર્તિના બદલે વલ્ગર ડાન્સ જોઈ જાય તેવો તેનો ચહેરો થઈ ગયો.

“અને શું ?”

“અંદરનું દ્રશ્ય ચોંકી જવાય તેવું હતું. બેડ પર તે બંને એકબીજાની બાહોમાં પડ્યા હતા, એકેયના શરીર પર કહેવા પૂરતું ય કપડું ન્હોતું. હું અવાચક બની ગયો. મને જોઈ તે બંને પણ ગભરાયા ; વેરવિખેર પડેલા પોતાના કપડાં ઉઠાવી તેમણે શરીર ઢાંકવાનો પ્રયાસ કર્યો. હું ઝડપથી રૂમની બહાર નીકળી પગથિયાં ઊતરી ગયો. પછી, બે-પાંચ મિનિટમાં લલિત સાહેબ નીચે આવ્યા. તેમણે કહ્યું, “સંજોગો જ એવા સર્જાયા કે આ બધું બની ગયું.” તેમના અવાજમાં ભય હતો. મેં કહ્યું, “તમે બેફિકર રહો, આ વાત મારા પેટમાં જ રહેશે.” પણ, તેમની મૂંઝવણ દૂર ન થઈ. “ક્યારેય કંઈ પણ જોઈતું હોય તો માંગી લેજો.” એમ લાલચ આપી તેઓ ફરી ઉપર ચાલ્યા ગયા.”

‘જો જીજા-સાળી વચ્ચે આડા સંબંધો હતા તો અભિલાષાને મારવાની આરવીની યોજનામાં લલિત પણ સામેલ હોઈ શકે. અને તેવું છે તો દુર્ગાચરણના ગયા પછી બંગલોનો દરવાજો કોણે બંધ કર્યો છે તે પ્રશ્નનો જવાબ મળી જાય છે. બીજી બાજુ, અભિલાષાને આ સંબંધોની જાણ થતાં તેણે આરવીનું કાટલું કાઢી નાખ્યું હોય એવું પણ બની શકે !’ ઝાલાએ વિચાર્યું.

“આવી વાતો પેટમાં પડ્યા પછી ઝાઝો સમય ટકી શકતી નથી ; તારું પેટ પણ સાફ થઈ ગયું હશે.” ડાભીએ કડકાઈથી કહ્યું.

જવાબ આપવાના બદલે નોકર નીચું જોઈ ગયો.

“બીજું કોણ કોણ જાણે છે આ વિશે ?”

“શેઠાણી...” રામુ ધીમેથી બોલ્યો. “આરવીદીદી ભણવાનું પૂરું કરી રાજકોટ ચાલ્યા ગયા પછી મારાથી બોલાઈ ગયું હતું.”

“કોની મુક્તાબેનની વાત કરે છે ?”

રામુએ હામી ભણી. “લલિતભાઈના મમ્મી બીમાર હતા ત્યારથી જ મારે તેમની સાથે ખૂબ બને છે.”

“શું ? લલિતના મમ્મી ? લલિત મુક્તાબેનનો પેટજણ્યો દીકરો નથી ?” ઝાલાને કેસમાં નવો ફણગો ઊગતો દેખાયો.

“બિલકુલ નહીં. ડૉક્ટર સાહેબ તો વૈભવીબેનના દીકરા છે. ખાસ્સા વર્ષો પહેલા વૈભવીબેન બીમાર પડી ગયા હતા, કહોને કે સાવ પથારીવશ જ થઈ ગયેલા. ત્યારે, તેમની દિવસ-રાત સેવા-ચાકરી કરી શકે એવાં સિસ્ટરની જરૂર પડી હતી. મુક્તાબેન ત્યારે નર્સ તરીકે આવ્યા હતા. તેમણે ચોવીસ કલાક વૈભવીબેનની દેખભાળ રાખવાની હતી અને તેઓ સાજા થઈ જાય ત્યાં સુધી બલર પરિવારમાં રહેવાનું હતું. પણ, સતત બે વર્ષ સુધી સેવા કર્યા પછી ય વૈભવીબેનની તબિયત સુધરી નહીં અને તેઓ સ્વર્ગે સિધાવી ગયા. બાદમાં, મુક્તાબેને શેઠે સાથે લગ્ન કરી લીધા. તેઓ આ ઘરમાં નર્સ તરીકે આવ્યા ત્યારથી જ મારે તેમની સાથે સારું બને છે.”

“શું મહેન્દ્રભાઈ અને મુક્તાબેન એકબીજાને પહેલાથી ઓળખતા હતા ?” ડાભીએ પૂછ્યું.

રામુ થોડો મૂંઝાયો અને કહેવા લાગ્યો, “એ તો ખબર નથી, પણ... મુક્તાબેનના નર્સ તરીકે આવ્યાના થોડા મહિનામાં જ તેમની વચ્ચે અંતરંગ સંબંધો બંધાવા શરૂ થઈ ગયા હતા. તે બંને ઘણી વાર બંધ રૂમમાં પૂરાઈ રહેતા. શેઠ તો પહેલેથી જ રંગીન મિજાજના છે અને પત્ની બીમાર હોવાથી તેમને શારીરિક જરૂરિયાતો ઊભી થઈ હતી. તો સામે પક્ષે યુવાન અને સુંદર મુક્તાબેન વિધવા હતા ; તેમને મહેન્દ્રભાઈ જેવા શિક્ષિત-સક્ષમ માણસ સાથે ઘરોબો કેળવવામાં કોઈ નુકસાન ન હતું. બંનેની પોતપોતાની જરૂરિયાતો હતી અને એ જરૂરિયાતો તેમને એકબીજાની નજીક લાવતી ગઈ.”

“તો મુક્તાબેન મહેન્દ્રભાઈના બીજા પત્ની છે અને લલિત મુક્તાબેનનો ઓરમાયો દીકરો.”

“હા.”

“શું વરુણ પણ ?”

“ના, વરુણ મુક્તાબેનની કૂખે જન્મ્યો છે.”

એટલામાં હેમંત રિમાન્ડ રૂમમાં પ્રવેશ્યો, “સર, આરવી અને વિશેષના પોસ્ટમૉર્ટમ રિપૉર્ટ આવી ગયા છે.”

ડાભીને પૂછપરછ ચાલુ રાખવાનો ઇશારો કરી ઝાલા બહાર નીકળ્યા.

‘જયારે પણ એમ લાગ્યું છે કે કેસ સૉલ્વ થઈ ગયો છે ત્યારે બાવળના જંગલમાં નવો બાવળ ઉમેરાયો છે.’ વિચાર આવતાં, ફાઇલ ખોલવા લાંબા થયેલા ઝાલાના હાથમાં થરથરાટ થયો. મોટો ઉચ્છવાસ બહાર કાઢી તેમણે ફાઇલ ખોલી. રિપૉર્ટ વંચાઈ ગયા પછી તેમના ચહેરા પર આકરો અજંપો છવાયો. તેઓ દાંત ભીંસીને બબડ્યા, ‘તો હત્યાની રાત્રે દુર્ગાચરણ સિવાય બે અલગ અલગ માણસોએ આરવીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.’

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)