Kayo Love - 43 books and stories free download online pdf in Gujarati

કયો લવ ભાગ : ૪૩

કયો લવ ?

ભાગ (૪૩)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે ?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ?” ભાગ: ૪૩

ભાગ (૪૩)

“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી. ”

(ભાગ: ૪૨ માં આપણે વાચ્યું કે રુદ્ર હજુ પણ પ્રિયાને તેની સાથે બનેલા બનાવને કહેતો નથી. પ્રિયાની જિજ્ઞાસા વધતી જ જતી હતી. તેઓ બંને એક ગામડામાં આવી પહોંચ્યા હતાં જ્યાં તેઓની નજદીકી વધતી જતી હતી.........ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ: ૪૨ જરૂર વાંચજો.....)

હવે આગળ...........

પ્રશાંત, બધાને એક કમરામાં તેડી ગયો. ત્યાં જ સફેદ સ્વચ્છ ગાદી પર બેઠેલા એક જાજરમાન શ્વેત રંગની કોટન સાડીમાં વૃદ્ધા બેસેલા દેખાયા. પ્રશાંત, અંકુશ, અને રુદ્ર તેમને જઈને પગે લાગ્યાં.

પ્રિયા આ બધું જ અસમજમાં દૂર ઊભી જોઈ રહી હતી. રૂદ્રે પ્રિયાને હાંક મારતા બોલાવી અને કહ્યું, “ પ્રિયા, ‘આજી’ આદિત્યનાં દાદીમાં. પરંતુ એમને બધા ‘આજી’ કહીને સંબોધે છે.

આ સાંભળીને પ્રિયા, આજી સામે ધીમે પગલે આવી. કમરામાં અજીબ પ્રકારની શાંતિ હતી. બંને એકમેકના ચહેરા જોઈ રહ્યાં હતા. પ્રિયા જોઈ રહી હતી કે આજીના ચ્હેરા પર કેટલી શાંતતા છવાયેલી હતી. એમનો ચહેરો કેટલો સૌમ્ય લાગતો હતો. કેટલી પવિત્ર એમણી આંખો દેખાતી હતી. એમનું સ્મિત દુઃખી માણસને પણ હસતો કરી દે. એમનું વ્યક્તિત્વ ગજબનું ચુંબકીય આકર્ષણ ધરાવતું હતું. જાણે એના સમસ્ત દેહમાંથી પ્રકાશ ઝરતો હોય તેવું તેજ દેખાતું હતું.

અનાયસે જ પ્રિયાએ આજીના બંને હાથોને ઘણી નાજુકતાથી પકડી થોડા ઉપર લીધા. એ થોડું ઝુકી અને બંને હાથોની બની રહેલી હથેળીના વચ્ચે પ્યારથી આંખો બંધ કરીને ચુંબન કર્યું. એણે ખબર નહીં પડી કે એણે એવું કેમ કર્યું ? પરંતુ એણે આવું કર્યું. ચુંબન લેતાં જ એણે કોઈ બેહદ પવિત્ર આત્માને સ્પર્શ કર્યો હોય તેવી અવર્ણનીય લાગણીનો અનુભવ કર્યો. છતાં આ ઘટના એના માટે પહેલી વાર બની હતી.

“બચ્ચી..” આજીના મુખમાંથી એકદમ ધીમા સ્વરે પરંતુ મીઠો અવાજ નીકળ્યો. અને પ્રિયાના માથે એણે પ્રેમથી હાથ ફેરવ્યો.

“પ્રિયા..!! આજે આદિત્યના દાદીમા એટલે કે આજીનો જન્મદિવસ છે. ૯૪ યર્સ આજે પૂરા થયા.” રૂદ્રે જાણકારી આપી.

પ્રિયાએ જન્મદિવસની આનંદિત થઈ ભારે ઉમળેકાથી શુભેચ્છાઓ આપી. આજીએ બેસવા માટેનો ઈશારો કર્યો. બધા આજુબાજુએ ગોઠવેલી સફેદ ગાદી પર જઈ બેસ્યા. ત્યાં જ પ્રશાંતના પત્ની રાગિણી કમરામાં આવીને પાણીના ગ્લાસ આપ્યા. પ્રશાંતે, પ્રિયા સાથે રાગિણીનો પરિચય કરાવ્યો.

રૂદ્ર પ્રિયાને બીજી પણ માહિતી આપતા કહ્યું, “ પ્રિયા તારી જિજ્ઞાસા નો થોડો અંત અહિયાં કરીશ.” એટલું કહેતા તે હસ્યો અને કહેવાં લાગ્યો, “ પ્રશાંત અને અંકુશ બંને ભાઈઓ થાય. આદિત્યના મોટા કાકાના દીકરા છે. તેઓ આજ ગામમાં વસવાટ કેટલા વર્ષોથી કરે છે. તેઓનો મુખ્ય ધંધો ડ્રાઈવરનો છે. એમના પિતા પણ ડ્રાઈવર છે. આપણે જવાના તો હતાં માથેરાન. પરંતુ તે પ્લાન મેં કેન્સલ કર્યો. માથેરાનથી થોડા નજદીકનું ગામડું જ્યાં આપણે પહેલા ઉતર્યા એ. અને હમણાં આપણે છે એ ગામમાં આજી કેટલા વર્ષોથી રહે છે. તેઓ....” રુદ્ર આગળ બોલવા જતો હતો પરંતુ તે અટક્યો.

“ઓહ !! કાકા કાકી આવો આવો પધારો.” પ્રશાંત અને અંકુશ બંને સાથે ઊભા થઈને આદિત્યના મોમ ડેડને આવકાર આપતાં કહેવાં લાગ્યાં. રુદ્ર પણ ઊભો થઈ ગયો. પ્રિયાને પણ બધા સાથે પરિચય કરાવ્યો. આદિત્યના મોમ ડેડ આજીને પગે લાગી ભેટી પડ્યા.

“દા..આઆઆ....દી....” કમરાના બહારથી ઉત્સાહિત અવાજ આવવા લાગ્યો. બધા જ સમજી ગયા કે નક્કી આ આદિત્યનો જ અવાજ હશે.

“ઓહ માય ગોડ !! મારી બ્યુટી ડાર્લિંગ છે ક્યાં..??” આદિત્ય પ્રવેશતા જ કહેવાં લાગ્યો. અને આજીને જોતાં જ એ ભેટી પડયો અને એમના ચહેરા ભણી જોતાં ઉત્સાહથી કહ્યું , “ આજી શું વાત છે યાર !! તમે તો ચાંદને પણ શરમાવે એવા ખીલેલા લાગો છો. માનવા પડે આજી તમને..!! સેન્ચ્યૂરી તો તમે આસાનીથી મારી નાંખશો !!” એટલું કહી આદિત્યએ આજીને આંખ મારી.

આદિત્યનું આટલું કહેતાં જ બધા હસી પડ્યા. મરકમરક હસતાં આજીએ હળવેથી આદિત્યના ખભે ધબ્બો માર્યો.

એણે પ્રિયા સામે જોયું અને મોટેથી કહ્યું, “ અરે આજી !! પ્રિયાને મળ્યા કે નહીં? એ પણ મારી જેમ બિન્દાસ સ્વભાવની.”

“પ્રિયા..!!” આદિત્યે કહ્યું. અને તરત જ તે આજી સામે જોતાં કહેવાં લાગ્યો, “ આજીને બિન્દાસ સ્વભાવવાળા લોકો ઘણા ગમે હા. કેમ આજી બરાબર ને ..!!”

આદિત્ય આવ્યો ત્યારથી એણી બડબડ ચાલુ હતી. તે કોઈને બોલવાનો મોકો આપતો જ ન હતો. ત્યાં જ આદિત્યના મોમે આદિત્યને ઠપકો આપતા કહ્યું, “ અરે આદિત્ય આજ નો દિવસ તો શાંત થા જરા. ક્યારનો બડબડ કર્યાં રાખે છે.”

આ સાંભળીને બધા હસી પડ્યા.

“મોમ શું યાર ? આજનો દિવસ શાંત બેસવા માટે આપણે બધા મળી રહ્યાં છે?? આજી તો રોજ જ શાંત રહે છે. આજે તો બ્લાસ્ટ કરવાનો દિવસ છે.” ખુશીના મારે ઉત્સાહી આદિત્યની જીભ આજે સ્થિર બેસતી નહોતી.

“ભાઉ, એના માટે બધું જ એરેજ કરેલું છે.” અકુંશે કીધું.

“શું કરેલું છે મને તો કઈ દેખાતું નથી.” આદિત્ય બોલી ગયો.

“આજીના ઈચ્છાને માન આપતા એમનું બર્થડે રાત્રે ઉજવવામાં આવશે.” પ્રશાંતે કીધું.

“ઓ.કે રાત્રે ધમાલ. મોટા કાકા ક્યાં ગયા? આદિત્યએ પૂછ્યું.

“હા તેઓ ગયા છે થોડુંક કઈ કામ બાકી હશે એણે આટોપવા.” પ્રશાંતે કહ્યું.

“રુદ્ર તું આમ જ કેમ ઊભો છે. પ્રિયાને બહાર ફરવા માટે લઈ જાઓ. રાગિણી ભાભી..” એણે રુદ્ર અને રાગિણી ભાભીને ઈશારો કરતાં કહ્યું.

રાગિણી, પ્રિયા અને રુદ્રને કમરાની બહાર તેડી ગઈ.

તેઓ ત્રણેય લાંબી લોબી વટાવીને જમણી બાજુ પડતી ખુલ્લી જગ્યે આવ્યાં. જ્યાં ફક્ત વાડી જ વાડી દેખાતી હતી.

“આ વાડીમાં જ થોડે અંદર પ્રાથમિક શાળા આવેલી છે. આજે રવિવાર છે એટલે બાળકોનો કોઈ કોલાહલ નથી સંભળાતો.” હાથના ઈશારાથી રાગિણી કહેતી જતી હતી. રુદ્ર અને પ્રિયા બંને ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં.

“અને આ લોબીના છેવાડે એટલે કે ડાબી સાઈડ ના થોડા અંતરે મહિલા આશ્રમ આવેલો છે..” રાગિણી બીજી પણ માહિતી આપવા જતી હતી ત્યાં જ પ્રિયાએ તેણે અટકાવતા કહ્યું, “ શું અમે એ સ્કૂલ જોઈ શકીએ?”

“હા કેમ નહીં.” રાગિણી સ્કૂલના ગેટ સુધી મૂકી ગઈ. ગેટ બંધ હતો પરંતુ આખી સ્કૂલની ઈમારત દેખાઈ આવતી હતી. જે બેહદ સુંદર દેખાતી હતી.

સ્કુલની બાજુમાં જ મોટો બગીચો હતો. તેનો ગેટ હમણાં ખુલ્લો હતો. એમાં નાના બાળકોને રમવા માટેની બધી જ સ્લાઈડો હતી. આ બધું તો સામાન્ય હતું પરંતુ જે રીતે બગીચા થતાં સ્કૂલનું શાંતિમય વાતાવરણ મહેસૂસ થતું હતું તે વર્ણન કરવું પ્રિયા અને રુદ્ર માટે અશક્ય બન્યું હતું. એકંદરે પ્રિયાને આ જગ્યાથી પ્યાર થઈ ગયો હતો એમાં પણ એનો લવ સાથે હોય તો વાત જ કહેવાની શું આવે!!

તેઓ બંને ફરતાં ફરતાં આંબાની વાડીએ આવ્યાં. એકદમ એકાંત અને સૂમસામ લાગતાં વાડામાં અને ઠંડા પવનની જોરદારની લહેરકીઓ સાથે પ્રિયાના કપડા પોતાના શરીર સાથે ચોટી જતા હતાં. એના વાળ અસ્તવ્યસ્ત થઈ રહ્યાં હતાં. ત્યાં જ પ્રિયાએ એક આંબાના ડાળને ત્યાં સફેદ દોરડાથી બાંધેલો હીંચકો દેખાયો. એ જોતાની સાથે જ પ્રિયા નાના બાળકની જેમ ભાગી અને ત્યાં આવીને ઊભી રહી ગઈ. એણે ઉપર નજર કરીને જોયું. એક વાર એણે બંને દોરડાને મજબૂતીથી ખેંચીને જોયું.

“રુદ્ર.. પાછળથી ધક્કો મારજો. જ્યાં સુધી મારા પગ આકાશને ટચ ના થાય...” એટલું કહીને તે લાકડાથી બનેલું પાટલા જેવા લાગતાં હીંચકા પર જઈ એડજસ્ટ કરતી ગોઠવાઈ. તેણે પોતાના શુઝવાળા પગ જમીન પર ખોસ્યા અને હીંચકાવાનું ચાલુ કર્યું. રુદ્ર હસતો એણે જોઈ રહ્યો.

“ઓય્ય !! તું ફક્ત મને જોવાનું કામ કરશે? અરે મેં શુઝ પહેર્યા છે ભીની માટીમાં મને ફાવતું નથી.” પ્રિયાના શુઝ વારે વારે માટીમાં અટકી જતા હતાં.

રુદ્ર કઈક અલૌકિકતાથી પ્રિયાને નિહાળી રહ્યો હતો. પ્રિયાના કહેવાંથી તે પાછળ આવીને ધક્કો મારવા લાગ્યો. પહેલા સ્લો પછી જોરથી ધક્કો લગાવ્યો.

“ઓહ વાઉં મજા આવે છે..!! રુદ્ર હજુ જોરથી ધક્કો લગાવ.” પ્રિયા કઈક આનંદમાં આવી કહી રહી હતી.

“પ્રિયાઆઆ...!! ના ભાઈ, મને સ્વિમિંગ કરતાં આવડે છે પણ આકાશમાં ઉડતાં નથી આવડતું.” રુદ્ર હસતો કહી રહ્યો હતો.

“રુદ્ર હું ઉડી જઈશ. તો ઉડવા દે મને....” તે ગેલમાં આવી કહેતી જતી હતી.

રુદ્ર એણે જોર જોરથી ધક્કો મારતો જ જતો હતો.

પ્રિયા જેમ જેમ ઉંચે જતી તેમ એનો ઉલ્લાસ વધતો જતો હતો. એણે લાગતું કે એ સ્કાયને કિસ કરીને પાછી વળતી હતી.

“આ સોંગ યાદ આવે છે મને તો....” પ્રિયાએ બાવરી થઈને કહ્યું. અને એ હવાનાં ઝોકાઓ સાથે ગુનગુનાવા લાગી.

“સુન જા...આ ઠંડી હવા

આ હા... થમ જા...એ કાલી ઘટા

કુછ પ્યારી પ્યારી બાતે હમારી

આ જાતે-જાતે તુમ ભી સુન જા.”

રુદ્ર આખા સમગ્ર વાતાવરણને બદલે પ્રિયાને માણી રહ્યો હતો. એની એક એક અદાને, એક એક હરકતને અનિમેષ નજરે નિહાળી રહ્યો હતો. એણે એમ થતું કે આખી જિંદગી પ્રિયા સાથે આ જ પળને રોકીને જીવી લે.

“ઓહ્હ !! પ્રિયા તું અદભૂત છે. તારો સ્વર.... કહી નાં શકાય એવો !!” રુદ્ર કહેતો જતો હતો.

એટલામાં જ પ્રિયાના જમણા પગનો શુઝ ઢીલો થઈ ગયો. એણે જોરથી પગને ઉલાળ્યો અને એનું શુઝ ક્યાક જઈને પડ્યું. પ્રિયા હસી. અને એણે ડાબા પગનું પણ એવી જ રીતે શુઝ હવામાં ઉડાવ્યું. ત્યાં જ રુદ્ર એણે કહ્યું, “ ગાંડી થઈ ગઈ કે?” અને બંને જણા પાગલની જેમ હસ્યા.

“ઓહ આટલી ખૂશીમાં હું ભૂલી ગઈ. તમને બેસવું છે?” પ્રિયા નાના બાળકની જેમ પૂછ્યું.

“ના મારે નહીં.” રુદ્ર હજુ એવો જ જોરનો ધક્કો લગાવી રહ્યો હતો.

“રુદ્ર સ્ટોપ કર હવે.” પ્રિયાએ કહ્યું અને રૂદ્રે ધક્કો મારવાનું ધીમું કરીને પછી બંધ કર્યું.

પગ નીચે ટેકીને પ્રિયાએ હીંચકા મારવાનું બંધ કર્યું અને તે ઊભી થઈ ગઈ.

“જસ્ટ વાઉં..!!” એટલું કહેતાની સાથે એ રુદ્રને ભેટી પડી. અચાનક ગળે મળવાથી રુદ્ર સમજી ના શક્યો કે શું કરવું. પરંતુ એણે ગમ્યું અને એ પણ પ્રિયાને જોરથી પકડી લીધી.

“રુદ્ર ચાલ હવે તારો ટર્ન..” પ્રિયાએ ધીમેથી રુદ્રને અળગો કરતાં કહ્યું. રુદ્ને પ્રિયાથી અળગો થવા ગમતું ન હતું. તેણે હજુ વધારે સમય પ્રિયાને વળગી રહેવાનું મન થયું હતું.

“આ કોઈ ગેઈમ થોડી રમી રહ્યાં છે જો આમાં દાવ આવે.” રૂદ્રે કહ્યું.

“ગેઈમ હોય કે ન હોય. લાઈફને માણતા શીખવાનું મારી જેમ.” પ્રિયાએ રૂદ્રનો હાથ ખેંચતા કહ્યું.

“અચ્છા એટલે તું જે કહે, કરે એ બધું જ મારે કરવાનું..?” રૂદ્રે એનો હાથ ખેંચ્યો. તે સાથે જ પ્રિયા રુદ્રના ચહેરાના નજદીક આવી ગઈ અને પ્રિયાની આંખોમાં આંખ નાંખીને તે જોતો રહ્યો.

“તને એમ લાગે છે કે મારું બધું જ માનવું જોઈએ?” પ્રિયાએ પણ રુદ્રની આંખમાં સ્થિર થઈને પૂછ્યું.

“તું કહે તો ઝેર પીયને દેખાડું.” રૂદ્રે પ્રિયાની આંખોમાં તટસ્થ નજરે કહ્યું.

પ્યારમાં ઇશ્કમાં આંખોનો પણ અજબ ખેલ હોય છે. એ મારી નાંખે કે મરાવી નાંખે એટલી ગજબ હદ સુધી એ ખેલ ખેલી શકે છે.

“રુદ્ર મને આ જવાબની અપેક્ષા ન હતી. પાછું એવું નહીં બોલતો.” પ્રિયાએ આંખોમાં કોઈ અજબ પ્રકારની ચમક લાવીને મદમસ્ત કરતાં સ્વરે રુદ્રના હોઠ પર પોતાના હાથ રાખતાં કહ્યું.

રુદ્ર બીજો કઈ જવાબ આપે એના પહેલા જ પ્રિયાએ જાણે કશું જ બન્યું ન હોય તેવી રીતે કહેવાં લાગી, “ રુદ્ર તું બેસ ને હીંચકા પર.”

રુદ્ર બેસવા જ જતો હતો ત્યાં તો આદિત્ય દૂરથી મોટેથી કહેતો આવ્યો, “ અરે !! હનીમૂન માટે આ જ પ્લેઝ ગમી કે ?”

“અચ્છા, મને એમ કે તું સોનીને પણ લેતો આવશે.” રૂદ્રે કહ્યું અને બંને જણા હાથ મળાવીને ગળે મળ્યા.

રુદ્રને ગળે લગાવીને જ આદિત્યે, “ભાભી” કહીને પ્રિયાને સલામ ઠોકી. પ્રિયા હસી. અને એણે ફ્લાઈંગ કિસ આદિત્ય સામે ફેંકી. આદિત્યે જાણે હવામાં કેંચ પકડ્યો હોય કિસનો એવી રીતે મુઠ્ઠી બંધ કરી.

રુદ્ર આદિત્યને ગળે મળતાં જ ધીમેથી કહી રહ્યો હતો, “ શું ભાભી? હજુ થઈ નથી. તું આદું ખાઈને અમારા બંને પાછળ પડયો છે.”

આટલું સાંભળતાની સાથે જ આદિત્યે ઝટકો મારીને રુદ્રથી અળગો થયો અને જોશથી કહેવાં લાગ્યો, “ પ્રિયા, સાંભળ !! રુદ્ર શું કહે છે મને !!”

પ્રિયાએ આંખના ઈશારાથી આદિત્યને પૂછ્યું. જયારે રુદ્ર સ્થિર થઈને આદિત્ય શું કહેવાનો છે એ વાત સાંભળતો રહ્યો.

“એ કહે છે મને કે બે કલાક માટે કોઈ રૂમની વ્યવસ્થા થતી હોય તો કરીને આપ.” આદિત્યે સરળતાથી કહ્યું. અને રુદ્ર એણે ઘુરીને જોઈ રહ્યો.

“શું સાચ્ચે જ તમે અહિયાં હનીમૂન મનાવાના છો ? આઈ મીન આ આંબાના ઉપવનમાં..” એ મજાક કરતો રહ્યો. પ્રિયાએ નાની સ્માઈલ આપી. રૂદ્રે એણે પાછળથી બોચીમાં પકડ્યો અને મોઢા પર હાથ રાખતાં કહ્યું, “ પ્રિયા, એણે જ્યારથી સોની મળી છે ત્યારથી એણે હનીમૂન સિવાય ના શબ્દો મળતાં નથી.”

આદિત્યે, મોઢા પરથી રુદ્રનો હાથ હટાવતા કહેવાં લાગ્યો, “ ના પ્રિયા ના, આવું રુદ્ર સાથે બની રહ્યું છે. જ્યારથી એણે પ્રિયા નામની ખુબસુરત છોકરી ભટકાઈ છે ત્યારથી એ પાગલ બની ગયો છે. એક આદિત્ય નામનો દોસ્ત છે એ પણ ભૂલી ગયો છે...” એટલું સાંભળતા રૂદ્રે એની બોચી છોડી દીધી અને કહેવા લાગ્યો, “ આદિત્ય નામનો દોસ્ત છે એટલે શું ? એટલે હું તારી સાથે હનીમૂન મનાવુ એમ ..?”

“સાંભળ્યું પ્રિયા..!! થઈ ગયો છે ને રુદ્ર તમારા ઇશ્કમાં પાગલ. એણે બોલવાનું પણ ભાન નથી રહ્યું હવે તો...” આદિત્યે ઉંચો થઈ થઈને કહેતો હતો.

પ્રિયાનો ચહેરો આ સાંભળી ગુલાબી થઈ ગયો હતો.

“આદિત્ય..” રૂદ્રે એટલું જ કહ્યું.

“રુદ્ર- પ્રિયા તમે કહો તો નજદીકના રિસોર્ટમાં રૂમ બુક કરી દવ ? આવતીકાલે સવારે નીકળો છો ને?” આદિત્ય કઈક ઝડપથી બોલી રહ્યો હતો અને પ્રિયા રુદ્ર બંને મુંગા મોઢે સાંભળી રહ્યાં હતાં.

“આજે રાત્રે એટલે કે આજીનો જ્ન્મદિવસ સાંજે છ વાગ્યા સુધી ઉજવી લેવામાં આવશે અને અહીંના લોકો સાત થી આઠ વાગ્યા સુધીમાં તો સુઈ જાય છે. રુદ્ર તું પ્રિયાને કયા જંગલમાં લઈને આવ્યો છે? પહેલી વાર તમને ફરવાનો મોકો મળ્યો છે તો કોઈ સારી રોમેન્ટિક સ્થળે લઈ જતો. અહિયાં શું બંને ભજન ગાવા આવ્યાં??” આદિત્યે કહી ગયો.

“હતું બીજે જવાનો જ પ્લાન. પછી મને એમ લાગ્યું કે ચાલો આદિત્યના ગામમાં જઈને આટો મારી આવીએ. એમ પણ તે કહી રાખ્યું તું કે અમે બધા આજીના જન્મદિવસ પર ગામ ભેગા થવાના છો એટલે તું પણ સમય હોય તો આવી જજે. અને હું પ્રિયાને લઈને શામિલ થવા આવી ગયો.” રુદ્ર આદિત્યને બધી જ માહિતી પ્રિયા સામે વિગતમાં કહેવાં માગતો ન હતો એણે એમ જ હતું કે આદિત્યને બધી જ વાત ખબર હશે પરંતુ આદિત્ય આ વાતથી બેખબર હતો.

“ચાલ પછી સાંજે જોઈએ શું કરવાનું છે. જમવાનું રેડી છે. અહિયાં બધું સમય પર થાય છે.” આદિત્ય એટલું કહીને પ્રિયા રુદ્રને તેડી ગયો.

સાંજે બરાબર છ વાગ્યે આજીનો જન્મદિવસ શાંતિથી પોતાના પરિવાર સાથે ઉજવવામાં આવ્યો. મહિલા આશ્રમની બધી જ મહિલાઓ પણ શામિલ હતી. પરંતુ જ્યાં આદિત્ય હોય ત્યાં શાંતિ શેની? એણે ધમાલ મસ્તી તો કરી જ હતી. રાતનું ભોજન સાત વાગ્યે પતી ગયું હતું. કામ આટોપીને આઠ વાગ્યા સુધીમાં બધા જ સુવાની તૈયારી કરતાં હતાં. રાતના ઠંડી પણ એટલી જ પડી રહી હતી. આદિત્ય સમજી ગયો હતો કે રુદ્ર પ્રિયા બોર થતાં હશે એટલે એણે વાડીમાં જ ચાર પાંચ ખુરશી ગોઠવવા કહ્યું.

ઠંડી એટલી હતી કે વાડીમાં ખુરશી પર પણ એમ જ બેસી શકાય એવું ન હતું. વાડીમાં ચારેતરફ અંધારું હતું. ફક્ત ઓટલા પર રહેલો બલ્બનો આછો પ્રકાશ દેખાતો હતો. પ્રશાંત અને અંકુશ ક્યાંકથી નાના લાકડાનો ઢગલો લઈને આવ્યાં. એ લાકડાને ઊભા વ્યવસ્થિત ગોઠવીને આગ લગાવી. આદિત્ય, પ્રિયા રુદ્રને લઈને આવ્યો.

પ્રિયા આ બધું જોતાની સાથે જ. “ ક્યાં બાત હેં ? આ તો ફાયર કેમ્પ જેવું થઈ ગયું.”

બધાને ઠંડી લાગી રહી હતી. પોતપોતાના બંને હાથોને એકમેક સાથે ઘસીને ગરમીનો અહેસાસ કરવાં લાગ્યાં હતાં. બધા જ ખુરશી પર જઈ ગોઠવાયા. ત્યાં જ રાગિણી બધાને એક એક શોલ આપી ગઈ. રાગિણી જતી હતી ત્યાં જ પ્રશાંતે એણે હાથ પકડીને રોકી અને કહ્યું, “ રાગિણી બેસને સાથે.”

આદિત્ય વચ્ચે જ બોલી પડયો, “ ઓહ હો. આગ લગાડતાં જ આગ લાગી ગઈ.”

પ્રશાંત અને રાગિણી બંને શરમાયા. બંને નવપરણિત હતાં. રાગિણી પ્રશાંતના બાજુમાં જઈ ગોઠવાઈ.

“ભાઉ, મેં તો કરી લીધા લગ્ન. તમે ક્યારે કરશો?” પ્રશાંતે પૂછ્યું.

આદિત્ય મોટે મોટેથી કહેવાં લાગ્યો, “ અરે ભાઉ, પ્રિયાની બેસ્ટ ફ્રેન્ડ સોની. એના પર આદિત્યનું દિલ આવી ગયું છે. પણ ..!!” એમ કહેતા વાતનો દોર ચાલુ થયો. પ્રિયા અને રુદ્ર બંને સાથે જ બેઠા હતાં. તેઓ થોડી થોડી વારે એકમેકને જોઈ લેતાં. પરંતુ બંને શાંત હતાં, જેટલું બોલવાનું આવતું એટલું જ બોલી રહ્યાં હતાં.

જ્યાં ત્યાની ગપ્પાબાજી થયા બાદ અંકુશને ઊંઘ આવતી હતી એટલે એ જતો રહ્યો. પ્રશાંત અને રાગિણી પણ જતા રહ્યાં. રાગિણી ફરી આવી અને પ્રિયાના હાથમાં ચાવી આપી. પ્રિયા કઈ પૂછે એના પહેલા જ રાગિણીએ કહ્યું, “ તમારા બંનેનો સામાન એક જ કમરામાં રાખવામાં આવ્યો છે. કમરાને લોક કરેલો છે એની ચાવી. કઈ જોઈતું હોય તો મારો સામેનો જ કમરો છે. બેફીકર થઈને રાતના પણ દરવાજે ટકોરા મારી શકો છો.” એટલું કહી રાગિણી જતી રહી. રુદ્ર, આદિત્યની સામે જોઈ રહ્યો અને આદિત્યે ફટથી આંખ મારી.

“ચાલ દોસ્ત, મને ઊંઘ લાગી રહી છે. સોનીને સપનામાં પણ જોવી છે ને. કોઈ પ્રોબ્લેમ હોય તો મને, નહીં તો રાગિણી ભાભીને જણાવજે.” એટલું કહીને આદિત્યે કઈક મસ્તીભર્યો ઈશારો કરતો જતો રહ્યો.

રુદ્ર પ્રિયા આખા વાડીમાં શાંત થઈને બેસ્યા હતાં. થોડી પળો બંનેની શાંતિમાં ગઈ.

“પ્રિયા તું સાડી પણ લાવી હતી પહેરવા માટે...તું ખુબસુરત દેખાઈ રહી છે.” રૂદ્રે કહ્યું.

“ના. આજીનો બર્થડે છે એમ મને ક્યાં ખબર હતું. રાગિણી ભાભીની છે. તમે કોમ્પ્લીમેન્ટ જરૂર આપશો મને સાડીમાં એટલે જ હજુ સુધી પહેરી રાખી છે.” પ્રિયાએ કહ્યું.

“કોમ્પ્લીમેન્ટ શું? તું બેહદ સુંદર છે. તો છે. તારામાં એવું કઈ તો છે જેણે મને જ નહીં કોઈ પણ છોકરાને તું આસાનીથી આકર્ષિત કરી શકે.” રૂદ્રે સહેજતાથી કહ્યું.

પ્રિયા ખુરશી પરથી ઊભી થઈ અને એણે બધી જ ખુરશીઓ એક પર એક રાખીને ગોઠવી દીધી. “મને નીચે બેસવું છે.” પ્રિયાએ નાના બાળકની જેમ કીધું.

તેઓ જ્યાં હતાં ત્યાં જમીન સુકી હતી પરંતુ વાતાવરણમાં ભીનાશ હતી. રૂદ્રે ત્યાની જ એક શોલ જમીન પર પાથરી દીધી. પ્રિયા, રુદ્રથી થોડુંક અંતર રાખીને બેઠી. સળગતી આગને શાંત થઈને બંને ક્યાય લગી જોતાં રહ્યાં.

“તું કંઈ બોલતી કેમ નથી.” રૂદ્રે ધીમા સ્વરે પૂછ્યું.

“શું?” પ્રિયાએ એટલું જ કહ્યું.

“તું નજદીક પણ નહીં આવીશ બેસવા માટે.” રૂદ્રે પૂછ્યું.

બંને પહેલી વાર આવી એકાંતની પળ માણી રહ્યાં હતાં. એ પણ રાતના સૂમસામ જગ્યે. બંનેને કશું જ ખબર પડતી ન હતી કે શું વાત કરવી જોઈએ. વાત કરવાં જેવું કઈ યાદ પણ આવી રહ્યું ન હતું. દિલો દિમાગથી બંને એકેમેકને પામવા માટે તડપતા હોય તેવું બંને અંદરખાનેથી મહેસૂસ કરી રહ્યાં હતાં.

રુદ્ર પ્રિયાની નજદીક ખસ્યો. એણે પ્રિયાનો ચહેરો પોતાની તરફ કર્યો. બંને હાથોમાં એનો ચહેરો લીધો.

“પ્રિયા..” રુદ્ર ધીમેથી બોલ્યો. અને પ્રિયાની આંખોમાં આંખ નાંખી.

“હું તને ચાહું છું. દિલથી દિમાગથી. બસ તું .. તું જ મને બધે દેખાય છે યાર. નથી રહેવાતું તારા વગર. શું કરું ...!!” રુદ્રથી રહેવાનું નહીં એ બોલી જ પડયો.

(ક્રમશઃ..)