Maansaaina Diva - 6 books and stories free download online pdf in Gujarati

માણસાઈના દીવા - 6

માણસાઈના દીવા

( 6 )

ઇતબાર

ઝવેરચંદ મેઘાણી

પહેલો પહોર પૂરો કરીને રાત વધુ બિહામણો પછેડો પહેરતી હતી. આભના તારા, આફતમાં ઘેરાઈ ગયેલી જિંદગી વચ્ચેય સજ્જનો જેવા, વિશ્વાસે ચમકતા હતા. અંધારું વધુ ઘૂંટાયું તેમ તેમ ચાંદરડાં ચમક આપી રહ્યાં.

હોઠે આવેલી વાત પણ પાછી ઊતરી જાય, એવો એક અંધારો વગડો હતો. જાળાં-ઝાંખરાંય જાણે સાંભળી જશે, સાંભળીને ક્યાંઇક ચાડી ખાશે, એવી શંકા નીડરને પણ થાય.

મહારાજ રવિશંકર તો સાક્ષાત અભય હતા; પણ સાથે હતું આફતનું પડીકું—ભીખો દેદરડાવાળો. મૂંગા મૂંગા જ બેઉ જણા જ્યારે બોરસદથી કાવીઠાને સીમાડે પહોંચ્યા ત્યારે રાત પહેલા પહોરને ગળી જઈ બીજા પહોરનો ભક્ષ કરવા બેઠી હતી.

"હવે," જુવાન ભીખાએ ગામને પાદર પહોંચી કહ્યું, "તમે અહીં બેસો. હું જઈને એને લઈ આવું."

મહારાજ મનમાં ચમક્યા : આ તો એકલો જવા માગે છે ! બોરસદની લૉક-અપ, બ્રાહ્મણ અમલદાર, એણે ભળાવેલું જીવનનું સર્વસ્વ, આ જુવાન ડાકુનું અજાણ્યું જીવન, એની અણતાગ મનોદશા—બધાની સંકલિત ચિત્રમાળા સડસડાટ કરતી ચિત્તના પટ પર ઝળકતી ચાલી ગઈ; અને એક જ મિનિટમાં એમણે જવાબ વાળ્યો : "જા !"

’જા’ : એના એ એકાક્ષરી શબ્દને જો જોખી શકાય, તો મણીકાનો ભાર થાય.

ભીખો કશું બોલ્યા વગર મહારાજને મૂકી ચાલતો થયો; અને બ્રાહ્મણનું શરીર જ્યાં હતું ત્યાંથી પગલું પણ આઘુંપાછું થયું નહિ.

એને ખબર હતી કે માણસને હાથતાળી દઈ ચાલ્યા જવા જેવી અનુકૂળ રાત્રી હતી. દિનના ઊગેલા સદાવેશોને રાત શોષી લેતાં વાર લગાડતી નથી. પણ એણે 'જા' કહી દીધું હતું. તર્કવિતર્કનાં દ્વાર બંધ કરીને એ બેઠા રહ્યા. વિચારોને રોકવા માટે તો આકાશમાં સપ્તર્ષિનું મંડલ પૂરતું હતું.

ભીખો જ્યારે પાછો આવ્યો ત્યારે પૃથ્વીમાંથી પ્રગટ થયા જેવો જણાયો. ચોર હતો, કેદી હતો, ગુપ્ત કામે આવ્યો હતો; પગનો સંચળ થાય તો તે પાટણવાડિઓ નહિ !

આવ્યો—પણ એકલો.

મહારાજના શ્વાસ ઊંચા થયા નહોતા, એટલે હેઠા બેસવાપણું નહોતું. પૂછ્યું પણ કશું જ નહિ. ભીખાને જ બોલવા દીધો.

"એ તો મારે ગામ દેદરડે ગયો લાગે છે."

"વા...રુ !" મહારાજે વધુ કશું ન કહ્યું.

"આપણે ત્યાં જઈશું ?" ભીખાએ પૂછ્યું.

"ચાલો."

બસ, એટલું જ કહીને મહારાજે ચાલવા માંડ્યું. પોતે જાણે કે સંચો હતા : ભીખો સંચાલક હતો. પોતાની જાતને એણે ડાકુના હાથમાં સોંપી દીધી હતી. ઊંચી હવામાં પંખી અનાયાસે તરે, તેમ બ્રાહ્મણનો આત્મા કોઈ ઉન્નત દિગંતમાં મસ્ત પંખે લહેરાતો હતો. ભીખો આગળ નહિ પણ પાછળ ચાલતો હતો. બ્રાહ્મણે પાછું વળી જોવાની લાલચ એ ચાર ગાઉના પંથમાં એક વાર પણ સેવી નહિ. પગરખાં બેમાંથી એકેનાં પગમાં હતાં નહિ. જીભ અને પગ — બંનેનાં — મૌનનું શિક્ષણ પામ્યાં હતાં. એક ચોર હતો, બીજો બ્રાહ્મણ હતો : બંને સંયમી !

દેદરડાની ભાગોળે, રાત્રી જ્યારે ત્રીજા પહોર સાથે છાનગપતિયાં કરતી હતી ત્યારે, બેઉ પહોંચી ગયા. આંહીં તો પગ અટકવાનું કોઈ કારણ નહોતું; કારણ કે આ ભીખાનું પોતાનું જ ઘર અહીં હતું. મહારાજ ગામ તરફ ચાલતા જ હતા; પણ આજ્ઞા દેતો હોય તેમ ભીખો પાછળથી બોલ્યો :

"મહારાજ !"

"કેમ ?"

"તમે મારે ઘેર ના આવશો."

"ત્યારે ?"

"અહીં ગામ બહાર બેસો."

"વારુ ! જા."

સૂર્યાસ્ત વેળાનો બોરસદનો બ્રાહ્મણ અમલદાર કલ્પનામાં તરવરી ગયો. એના શબ્દોના ભણકારા પડ્યા : 'મારું સર્વસ્વ તમને સોંપું છું.' દિલમાં એક વધુ થડકારો થયો, પણ માથા પર વશિષ્ઠ અને અરુંધતી ચમકતાં હતાં.

નિર્જન સરકારી ચોરાને પગથિયે પોતે બેઠા રહ્યા. હવે શું થાય છે તે જોવું હતું.

થોડી વારે જુવાન કેદી પાછો આવી ઊભો રહ્યો — અને બ્રાહ્મણને જગતમાં જીવવા જેવું જણાયું : ત્યાં તો ઇતબારનાં ઊંડાં મૂળનેય હચમચાવી નાખે તેવા બોલ ભીખાના મોંમાંથી પડ્યા :

"મહારાજ ! એ તો મારે ખેતરે ગયો જણાય છે. ઘેર નથી."

"વારુ, જા ખેતરે."

એ શબ્દો નીસર્યા, અને તે સાથે જ કેદીએ પગ ઉપાડ્યા.

બ્રાહ્મણનો પ્રાણ જાણે જુગાર ખેલતો હતો ! હોડમાં મૂકવાનું કશું જ એણે બાકી રાખ્યું નહિ. ભીખાને હાર્યે પોતે પણ જીવતા રહી શકે તેમ નહોતું.

થોડી જ વારે ડાકુ પાછો આવ્યો, ને બોલ્યો : "એ તો ખેતરેથી નાસી ગયો છે."

"વારુ."

ત્યાં તો ભીખો બોલ્યો :

"હવે શું કરવું ? ચાલો, પાછા બોરસદ જઈએ."

રાતના બે થયા હશે. મહારાજે ગણતરી કરી : પાંચેક બજ્યાને સુમારે ચાલીશું, તો પરોઢે અંધારામાં પહોંચી શકાશે. હવે પોતે જ ભીખાને કહ્યું :

"તું થાકી ગયો હોઈશ. અહીં સૂઈ રહીએ."

"ક્યાં ?"

"તું તારે ઘેર જઈને સૂઈ રહે. હું .... ઘાંયજાને ઘેર સૂઉં છું. તું વે'લો પરોઢે આવજે."

"સારું."

ઘાંયજાને ઘેર બ્રાહ્મણને એ ત્રણેક કલાક જે નિદ્રા આવી તે રોજના કરતાં જુદી નહોતી. ઘસઘસાટ ઊંઘતા હતા. સ્વપ્ન વિનાની નીંદર હતી. ઇતબારનું ઓશીકું હતું. એને સૂતી વેળા હૃદયમાં અમૃત સીંચનારો કદાચ આવો કોઈ ભાવ હશે કે, ભીખાનાં છૈયાંને અને બૈરીને પોતે અત્યારે સુખની એક રાત આપી છે — જે પાછી કોણ જાણે કેટલાં વર્ષો લગી મળશે નહિ.

પ્રભાતનાં કિરણો ફૂટે તે પૂર્વે, અંધારૂં ભેદાયું નહોતું ત્યારથી, ઊભો ઊભો બોરસદનો બ્રાહ્મણ અમલદાર બારણું ઉઘાડું રાખીને રાહ જોતો હતો. એના તકદીરની ત્રાજૂડી તે દિવસના ભગવાન સવિતાને હાથ હતી. જેવા એણે બેઉ જણાને દૂરથી જોયા તેવા એણે જાણે ભળભાંખડામાં પણ ભગવાન દિવાકરને દીઠા. કૌતુક તો એ હતું કે આવનારા બે હતા તેમાંથી માર્ગમાં પાછા ત્રણ બની ગયા હતા. પણ ત્રીજો ખોડિઓ કાવીઠાવાળો નહોતો — શંકરિયો હતો. શંકરિયો પણ એ પ્રભાતે પોતાને ગામથી રજૂ થવા આવી પહોંચ્યો હતો. ખોડિઆનો એ સાગરીત–ગુનેગાર હતો.

કેદી હેમખેમ પાછો મળ્યો એનો હર્ષ એક અમલદાર શું કરીને બતાવી શકે ? લાગણીને દાખવવાનું વાહન એની પાસે બીજું કશું નહોતું. ઘરમાં જઈને એણે ઘરવાળીને હર્ષભેર કહ્યું :

"ચા મૂકો ઝટ, ચા !"

એ બંને કેદીઓને પાસે બેસાડીને પોતે ચા પાઈ; પોતે પણ સાથે પીધી. જાણે પોતે કૃતકૃત્ય બની ગયો. પછી બેઉને લૉક–અપમાં લીધા.

"એને મારપીટ ના કરશો." મહારાજે લૉક–અપ સુધી જઈ પાછા વળતાં અમલદાર પાસેથી ખાતરી લીધી; અને કેદીઓને કહ્યું : "હું ધારું છું કે તમને ત્રણ વર્ષથી વધુ ટીપ નહિ પડવા દઉં."

***

Share

NEW REALESED