Murderer's Murder - 33 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 33

“વિશેષ, તું ક્યાં હતો ? મેં તને કેટલા ફોન કર્યા પણ તારો ફોન સ્વિચ ઑફ જ આવે છે. મારે તને એક જરૂરી વાત કહેવી હતી.” નેહાએ અધીરાઈથી કહ્યું.

પણ, નેહા શું કહેવા માંગે છે તે સાંભળ્યા વગર વિશેષ બોલવા લાગ્યો, “આરવીએ મારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. મારે તારી સાથે વાત થઈ પછી તરત વડોદરા પોલીસનો ફોન આવ્યો હતો. મને ખબર હતી કે આવું જ કંઈક થશે. એટલે હું સવારથી જ ઘરેથી નીકળી ગયો હતો, મમ્મીને પણ ‘આબુ જવાનો છું’ એવું ખોટું કહ્યું હતું. સવારથી ફોન પણ સ્વિચ ઑફ રાખ્યો છે, તારી સાથે વાત કરવા સ્વિચ ઑન કર્યો હતો. પણ, આપણી વચ્ચે વાતચીત થયા પછી વડોદરા પોલીસનો ફોન આવ્યો. જોકે, હું ય એમ હાથમાં આવું એવો નથી. ‘વડોદરા પોલીસ’ સાંભળીને જ ફોન કાપી નાખેલો. ત્યારથી ફોન ફરી સ્વિચ ઑફ કરી દીધો છે.”

“અરે પણ...” નેહા કંઈક કહેવા ગઈ.

“મેં બહુ ક્રાઇમ શો જોયા છે. હું જાણતો હતો કે ફોનના આઈએમઈઆઈ નંબર વડે પોલીસ મને ટ્રેસ કરી શકશે. તે છેલ્લા કૉલથી તેમને મારું લોકેશન મળી જાત એટલે મેં હોટેલ ય બદલી નાખી. અત્યારે હું બીટા હોટેલના ફોનમાંથી વાત કરી રહ્યો છું. છેલ્લા કેટલાંય કલાકોથી પોલીસથી કેમ બચવું એ વિશે વિચારી રહ્યો છું, પણ કંઈ સૂઝતું નથી. પહેલા તો વિચાર્યું, ‘આરવીને ફોન કરું,’ પણ મારું તો નહીં જ માને એવું લાગ્યું. આમેય, તેનો નંબર મને યાદ નથી અને ફોન સ્વિચ ઑન કરી નંબર લખવા જાઉં તો પોલીસ મને ટ્રેસ કરી લે. એમ તો તારો નંબર પણ યાદ ન્હોતો, પણ આ લેન્ડલાઇન નંબર યાદ આવી ગયો. ઘણા સમય પહેલા તેં મને આ નંબર પરથી ફોન કરેલો ત્યારે મેં કહ્યું હતું કે ‘વડોદરાના STD કોડમાં એક એક આંકડો ઘટાડતા જઈએ એટલે તારો નંબર બની જાય છે.’ મને તારો નંબર ‘0265 264 63 **’ યાદ આવી ગયો. તું પ્લીઝ આરવીને સમજાવ કે ફરિયાદ પાછી ખેંચી લે.” વિશેષ ખૂબ ઉચાટમાં હોય એવું લાગતું હતું.

“અરે પણ જે મરી ચૂક્યું હોય તેની સાથે કેવી રીતે વાત કરાય ? કોઈએ આરવીની હત્યા કરી નાખી છે.” નેહાએ જોરથી કહ્યું.

“શું ?” વિશેષના અવાજમાં કંપ આવ્યો.

“હું ક્યારની એ જ કહેવાનો પ્રયત્ન કરી રહી છું પણ તું સાંભળે તો ને ? તારો મારા પર ફોન આવ્યો ત્યારે મને ય ખબર ન્હોતી કે આવું કંઈ થયું છે. પછી, પોલીસનો ફોન આવ્યો ત્યારે ખબર પડી. તેઓ મારી ઘરે પૂછપરછ કરવા આવ્યા હતા. આ વાતની જાણ થયા પછી મેં તને કેટલાંય ફોન કર્યા પણ તારો ફોન સ્વિચ ઑફ જ આવે છે. પોલીસને લાગે છે કે તેં આરવીની હત્યા કરી છે.”

કાનમાં પ્રવેશેલા નેહાના શબ્દો, શબ્દો નહીં, પણ પિગાળેલું લોખંડ હોય તેમ વિશેષ સુન્ન થઈ ગયો. “પ... પણ, મને આ વિશે કંઈ ખબર જ નથી.” તે એકદમ ગભરાયો.

“તેં પોલીસનો ફોન કાપ્યો, હોટેલ બદલી અને તારો ફોન પણ સ્વિચ ઑફ રાખ્યો. આ બધી બેવકૂફીઓથી એમની શંકા ઓર મજબૂત થઈ હશે.”

“પણ, મને એમ કે આરવીએ મારા વિરુદ્ધ હેરેસમેન્ટનો કેસ કર્યો છે.”

“આવી નાનકડી શંકાથી તું આ હદે વર્ત્યો એ આશ્ચર્યજનક છે. એક કામ કર, તું અત્યારે જ પોલીસ સ્ટેશન જા અને તારી જાતને સરન્ડર કરી દે.”

“તું પાગલ થઈ ગઈ છે ? એ લોકો મને મારી નાખશે !”

“જો તેં કંઈ કર્યું નથી તો ડરે છે શા માટે ? અને આમેય, તું ક્યાં સુધી ભાગતો ફરીશ ? તું છુપાતો ફરીશ એટલે એ લોકો એવું જ માનશે કે તું જ ગુનેગાર છે.”

“ના, હું પોલીસ પાસે નહીં જાઉં.”

“તું અત્યારે ક્યાં બીટા હોટેલમાં છે ને ?”

“હા, બીજા માળે, રૂમ નંબર 2231માં...”

“એક કામ કર, અત્યારે આરામથી સૂઈ જા. હું કાલે સવારે ત્યાં આવીશ અને આપણે સાથે પોલીસ સ્ટેશન જઈશું.”

“ના. પોલીસ પાસે જઈશું તો તે લોકો મારું એન્કાઉન્ટર કરી નાખશે.”

“તારું ચસકી ગયું છે ? એમ પોલીસ કોઈના એન્કાઉન્ટર ન કરે. અહીં ગુનેગાર ય નિર્દોષ છૂટી જાય છે, જયારે તું તો નિર્દોષ છે. ચિંતા ન કર, ખોટા વિચાર કર્યા વગર સૂઈ જા. હું વહેલી સવારે ત્યાં આવી જઈશ.” નેહાએ ફોન મૂક્યો અને પલંગ પર લાંબી થઈ.

****

સવારે સાત વાગ્યે તે બીટા હોટેલ તરફ રવાના થઈ ત્યારે જાણતી ન હતી કે તેનો પીછો થઈ રહ્યો છે. તે હોટેલમાં પ્રવેશી ત્યારે સાતને પચીસ થઈ હતી. નેહા જાણતી હતી કે વિશેષ કયા રૂમમાં રોકાયો છે, માટે તે લિફ્ટનો ઉપયોગ કરી સીધી બીજા માળે ગઈ હતી. રૂમ નંબર 2231ના દરવાજે પહોંચી તેણે ડૉર બેલ વગાડ્યો. એકાદ મિનિટ ઊભા રહેવા છતાં દરવાજો ન ખૂલ્યો ત્યારે તેણે નોક કર્યું, પણ હાથનો ધક્કો વાગતા દરવાજો ઊઘડી ગયો. દરવાજો ઊઘડ્યો ત્યારે સાતને અઠ્યાવીસ થઈ હતી. તરત જ નેહા રૂમની અંદર પ્રવેશી અને તેણે દરવાજો બંધ કરી દીધો.

****

નેહાની બંધ આંખો સામે ભૂતકાળના પ્રસંગો તાજા થઈ રહ્યા હતા ત્યારે, ડાભી અને ઝાલાને એક ચોંકાવનારી માહિતી મળી હતી. હેમંતે વિશેષના કૉલ રેકૉર્ડ્સ સ્ટડી કર્યા હતા. પહેલી નજરે તેમાં કંઈ શંકાસ્પદ ન્હોતું દેખાયું છતાં, સાવધાની ખાતર તેણે કૉલ રેકૉર્ડ્સના કેટલાક નંબર પર રેન્ડમ ફોન કર્યા હતા. તેમાં એક ફોન સાઇકાયટ્રિસ્ટ ડૉ. જતીન બારેચાને લાગ્યો હતો. બાદમાં, કૉલ રેકૉર્ડ્સ જોતા ખબર પડી કે વિશેષે તે નંબર પર ચાર વાર વાત કરી હતી.

હેમંતે આ માહિતી ઝાલા અને ડાભીને આપી કે તેઓ ડૉ. બારેચા પાસે પહોંચ્યા. તેમણે તેમને વિશેષ વિશે પૂછ્યું. પહેલા તો ડૉક્ટરે પોતાના પેશન્ટ વિશે કોઈ પણ જાતની માહિતી આપવાનો ઇન્કાર કર્યો, પણ ઝાલાએ વિશેષના મૃત્યુ વિશે જણાવતા, તેમને આઘાત લાગ્યો.

“વિશેષ મારી પાસે બે મહિનાથી આવતો હતો.” તેમણે કહ્યું. “તે ક્રાઇમ શો, સસ્પેન્સ મૂવીઝ અને થ્રિલર સ્ટોરીઝનો દીવાનો હતો, સહેજ પણ ફ્રી પડે કે તેમાં ખોવાઈ જતો. પણ, દીવાનગી અને ગાંડપણ વચ્ચે એક પાતળી રેખા હોય છે, જે વિશેષ પાર કરી ગયો હતો. શોખના અતિરેકે તેને બીમાર કરી દીધો હતો, તે સાઇકોસિસ(મતિભ્રમ)નો શિકાર બન્યો હતો. કોઈપણ ઘટના કે બાબતને તે પોલીસ અને ગુનેગારના દ્રષ્ટિકોણથી વિચારવા લાગ્યો હતો. તેને સતત લાગતું કે તેની વિરુદ્ધ કોઈ કાવતરું ઘડાઈ રહ્યું છે અને પોલીસ તેની ધરપકડ કરવા માંગે છે. ધીમે ધીમે તે પોલીસથી ભયંકર રીતે ડરવા લાગ્યો હતો.”

“તેને કેપિઓફોબિયા હતો ?”

“હા. પોલીસચોકી કે પોલીસ સ્ટેશન હોય તેવા વિસ્તારમાં જવાનું તે ટાળતો અને ચોકડી કે રસ્તા પર પોલીસવાળાને જુએ તો ગાડી બીજા રસ્તે લઈ લેતો. તેને હંમેશા લાગતું કે પોલીસ તેને પકડીને જેલમાં પૂરી દેવા માંગે છે.”

“આ બીમારીને એકઝેટ શું કહેવાય, તેના વિશે વધુ જણાવશો ?”

“તેને પૅરાનોઈડ પર્સનાલિટી ડિસઑર્ડરનો પ્રકાર ગણી શકાય. સામાન્ય રીતે આવા માણસો લોકો સાથે બહુ હળતા-ભળતા નથી, તેઓ નજીકના વ્યક્તિઓ પ્રત્યે વધુ પઝેસિવ હોય છે. તેમને રિલેશનમાં રહેલ વ્યક્તિ પર શંકા થયા કરે છે અને તેઓ તેની પાછળ પડી જાય છે. આમ તો તેઓ તમારા મારા જેવા સામાન્ય જ દેખાય છે, તેમનો પહેરવેશ, વર્તન એ બધું ય સામાન્ય હોય છે, માટે તેઓ સામેથી તેમના ભય વિશે ન જણાવે ત્યાં સુધી તેમને ઓળખી શકાતા નથી.”

“શું તે પોતાની પાસે ગન રાખતો હતો ?”

“હા. તેણે મને કહ્યું હતું કે તેના પપ્પા પાસે પરવાનાવાળી ગન છે અને તેને બહુ ડર લાગે ત્યારે તે તેને સાથે લઈને નીકળે છે. આમ કરવાથી તેને એક પ્રકારની સલામતી અનુભવાતી હતી. જોકે, મેં તેને તેમ ન કરવા સમજાવ્યું હતું.”

“બીજા કોઈને તેની બીમારી વિશે ખબર હતી ?”

“નહીં. તેણે આ વિશે કોઈને કહ્યું ન હતું, તેના મમ્મી-પપ્પાને પણ નહીં.”

“આવા માણસની આત્મહત્યા કરવાની શક્યતા કેટલી ?”

“તેના ભયની માત્રા ભયંકર રીતે વધી જાય અથવા તે એટલો બધો ગભરાઈ જાય કે તેને કંઈ સૂઝવાનું જ બંધ થઈ જાય ત્યારે કરી શકે. પણ, એવો કોઈ નિયમ નથી.”

ડૉક્ટર બારેચા સાથે વાત કરી ઝાલા અને ડાભી રવાના થયા. ત્યારે નેહાની બંધ આંખો સામે રૂમ નંબર 2231ની અંદરનું દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું.

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)