Prem Path - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પથ ૩

પ્રેમ પથ

મિતલ ઠક્કર

પ્રકરણ-૩

આકાશનો ફોન આવ્યો ત્યારથી જ સંગીતાને કોઇ શંકા થઇ રહી હતી. તે કોફીશોપમાં પહોંચી અને તરત જ આકાશે એક કવર પકડાવ્યું એટલે સંગીતાને ખ્યાલ આવી ગયો કે તેનો ઇરાદો શું હશે. આકાશે આ રીતે લવલેટર આપવા બોલાવી એ સંગીતાને ગમ્યું નહીં. આવા છીછરા છોકરાને તો પાઠ ભણાવવો જોઇએ એવો વિચાર મનમાં આવી ગયો. એક ક્ષણ તો ગુસ્સામાં એમ થયું કે આકાશને થપ્પડ ઝીંકી દે. પણ તેના ચહેરા પર રમતી નિર્દોષતાએ તેને અટકાવી. સંગીતાને કવર આપ્યા પછી તે ઊભી થઇ ગઇ એટલે આકાશે તરત જ પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો. તેને ખ્યાલ આવી ગયો કે સંગીતાને કોઇ ગેરસમજ થઇ રહી છે. તેને થયું કે સંગીતા લેટરને લવલેટર સમજી રહી છે. પણ તેણે એ વાતથી બીજી કોઇ ગેરસમજ ના થાય કે આડકતરો પ્રેમનો ઉલ્લેખ ના થાય એટલે વાતને વાળી લીધી.

"સંગીતા, કોઇ ગેરસમજ ના કરતી. આમાં પૈસા નથી. તને પાછી બોલાવવા કંપનીએ કોઇ લાલચ કે લાંચ આપી નથી. આ તો તારા ઇપીએફનો લેટર છે. તારા ફંડના પૈસા તને પાછા મળી જશે. તારા બેંકના ખાતામાં જમા થઇ જશે એનો લેટર છે..."

આકાશનો ખુલાસો સાંભળી સંગીતા પાછી બેસી ગઇ અને કવર ખોલી જોયું તો આકાશની વાત સાચી હતી. સંગીતાને થયું કે તે લવલેટર સમજીને ઊભી થઇ ગઇ હતી એ વાતનો અણસાર આકાશને આવી ગયો હશે. તેણે એ લવલેટર નથી એમ કહેવાને બદલે કંપનીની કોઇ લાલચ નથી કહીને વાતને સરસ રીતે વાળી લીધી. સંગીતાને તેના પર માન થયું. આકાશે મારું કામ આસાન કરી દીધું અને હું એના પર ગુસ્સે થવા જઇ રહી હતી. સંગીતાએ તરત હસીને કહ્યું:"થેન્કયુ આકાશ! પણ તેં શું કામ તસ્દી લીધી. હું એક દિવસ આવીને બધું પતાવી જાત."

"તારી નવી નોકરી છે. શું કામ રજા લેવાની. મને થયું કે કંપનીવાળા તો જલદી કાર્યવાહી કરશે નહીં. એટલે મેં એકાઉન્ટ વિભાગમાં વાત કરીને લેટર તૈયાર કરાવી લીધો. અને એમાં આભાર શું માનવાનો."

"તેં આટલું ધ્યાન રાખ્યું એ સારી વાત છે."

"એમાં શું મોટી વાત છે. હવે આભાર પુરાણ બંધ કર અને એ કહે કે નવી નોકરી કેવી છે?"

"બહુ સારી છે! ખાસ કામ જ કરવાનું રહેતું નથી..."

"અને પગાર વધારે હશે કેમ?"

"હા, એવું જ છે...."

"તું તો ફાવી ગઇ. આપણે ત્યાં તો ખર્ચ ઓછો થાય એટલે એક કર્મચારીને બે-બે ત્રણ-ત્રણ જણનું કામ સોંપાય છે. એક જ મહિનામાં મને એ વાતનો ખ્યાલ આવી ગયો છે. સારું છે તું નીકળી ગઇ...."

"મારી જગ્યાએ નવું કોણ આવ્યું?"

"કોઇ નહીં. મને લાગતું નથી કે જલદી કોઇ આવશે.."

"તો પછી મારું કામ કોણ સંભાળે છે?"

"બીજું કોણ સંભાળી શકે? હમણાં તો મને જ સોંપ્યું છે. કહે છે કે સારું કામ કરીશ તો પગાર વધારી આપીશું."

"ઓહ! મારું કામ તારા ભાગે આવી ગયું એટલે તને તકલીફ વધી ગઇ હશે. સોરી! મારા લીધે તારો વર્કલોડ વધી ગયો..."

"હું કામથી ગભરાતો નથી. હમણાં તો એકલો જ છું એટલે સમય ઘણો હોય છે. અને પહેલી જ નોકરીમાં સારો અનુભવ મળશે તો ભવિષ્યમાં કામ લાગશે."

"તારો સ્વભાવ પરોપકારી છે! તું મને મદદ કરતો હતો એટલે મારું કામ સરળ થતું હતું. એ અનુભવ તને કામ લાગશે. પણ પગાર વધારવાની માંગ ચાલુ રાખજે. મેનેજર તો શોષણ કરે એવો છે.."

આકાશ ફીક્કું હસ્યો. સંગીતા સમજી ગઇ કે પગાર વધારવાની વાત કરવાનો કોઇ અર્થ નથી એ વાત આકાશ બહુ જલદી સમજી ગયો છે.

બંની થોડીવાર ઓફિસની વાત કરી. સંગીતાએ તેને કોઇ કામમાં સમજ ના પડે તો ફોન કરવાની વાત કરી. કોફી પીને બંને છૂટા પડ્યા.

રાત્રે ઊંઘવા પડેલી સંગીતાને આજે આકાશનો ચહેરો દેખાવા લાગ્યો. તેણે એને કેવો ધારી લીધો! બિચારો મારું કામ કરીને આવ્યો હતો અને હું એને મારવાનું વિચારી રહી હતી. આકાશ સાથેની છેલ્લા એક માસની વાતો તેને યાદ આવી ગઇ. પહેલા જ દિવસથી તે પોતાના કામમાં ચોક્કસ હતો. જ્યારે તેને ખબર પડી કે સંગીતાને કામ વધારે રહે છે ત્યારે તેણે સામે ચાલીને મદદ કરવાની ઓફર કરી હતી. સંગીતાને પહેલાં તો થયું કે તેની સુંદરતાને કારણે સહવાસમાં રહેવા તે મદદ કરવાની ઇચ્છા જતાવી રહ્યો છે. પણ સંગીતાએ તેને કોઇ કામ ના આપ્યું તો એ એક સપ્તાહ સુધી તેની આસપાસ દેખાયો પણ નહીં. સંગીતાને થયું કે તેણે આકાશને સમજવામાં ભૂલ કરી છે. એક દિવસ સંગીતાને વહેલું જવાનું હતું. મેનેજરે અરજન્ટ લેટર કરવા કહ્યું હતું. તેણે આકાશને વાત કરી. તેણે તરત જ હા પાડી. પછી સંગીતા તેની મદદ લેવા લાગી હતી. આકાશ તેની વચ્ચે એક ચોક્કસ અંતર રાખીને કામ કરતો હતો. તે સંગીતા પર લટ્ટુ છે એવું તેના વર્તન પરથી ક્યારેય સંગીતાને લાગ્યું ન હતું. તે માત્ર સહકારની ભાવનાથી જ કામ કરતો હતો. ક્યારેય તેણે ખરાબ તો શું પ્રેમની નજરથી પણ તેની તરફ જોયું ન હતું.

એક દિવસ તે કોમ્પ્યુટર પર કામ કરતી હતી અને હાથરૂમાલ નીચે પડી ગયેલો એ ઊંચકીને ફરી કામે લાગી ગઇ પછી એ વાતની સરત જ ના રહી કે ઓઢણી પડી ગઇ છે. થોડીવારે તેની પાછળ ઊભા રહી ફૂટપટ્ટીથી ઓઢણી ઊંચકી તેના ટેબલ પર મૂકી ગયો ત્યારથી તેના પ્રત્યે માન વધી ગયું હતું. અને આજે આકાશ તેનું કામ કહ્યા વગર કરીને આવ્યો એ પછી તે આત્મીય લાગ્યો હતો. સંગીતા લગ્ન માટે છોકરાઓ જોઇ રહી હતી ત્યારે તેને આકાશ જ[વા છોકરાની નવાઇ લાગી રહી હતી. કેટલાક છોકરા તેને જોવા આવે ત્યારે ખરેખર માત્ર શરીર જોવા આવ્યા હોય એમ તાકી રહેતા હતા. સંગીતાને શરમ આવી જતી હતી. જાણે કોઇ સુંદર છોકરી ક્યારેય જોઇ ના હોય એમ શું જોયા કરતા હશે. જ્યારે આકાશની નજરમાં તેને એવું કશું ક્યારેય દેખાયું ન હતું. શું એ ચોરીછૂપી પોતાને જોયા કરતો હશે? તે મનમાં ને મનમાં પ્રેમ કરતો હશે? મારા માટે તેને કોઇ લાગણી થતી નહીં હોય?

અચાનક સંગીતાને થયું કે આજે તે આકાશ વિશે આટલું બધું કેમ વિચારી રહી છે? તેણે એક મહિના સુધી સાથે કામ કર્યું ત્યારે તો ઘરે આવ્યા પછી ક્યારેય તેના વિશે કંઇ વિચાર્યું નથી. આજે એક જ મુલાકાતથી એના વિશે વધારે વિચારો કેમ આવી રહ્યા છે. શું આકાશ તેને ગમવા લાગ્યો છે? આકાશ માટે કોઇ લાગણી થઇ રહી છે?

વિચારમાં ને વિચારમાં સંગીતાની આંખ ક્યારે મળી ગઇ એનો ખ્યાલ જ ના રહ્યો.

સવારે ઊઠીને તે પરવારીને મમ્મીને કિચનમાં મદદ કરવા ગઇ.

શીલાબેન કહે:"બેટા, રસોઇ તૈયાર થઇ જ ગઇ છે. પહેલાં તું ટિફિન બાંધી લે."

"હા મા, પછી આ વાસણ ઘસી નાખું.."

"તું એની ચિંતા ના કર હું કરી દઇશ. તને મોડું થશે. નવી નોકરીમાં સમય સાચવવાનો."

"વાંધો નહીં મા રીક્ષા મળી જ રહે છે.."

"નવી નોકરીમાં ફાવી ગયું છે ને?"

"મા, અહીં તો કામ ઘણું ઓછું છે. ત્યાં એક કર્મચારીને ત્રણ જણનું કામ સોંપાતું હતું. અહીં એક જણ જેટલું કામ કરવા ત્રણ કર્મચારી છે..."

"ચાલ તારે સારું થઇ ગયું. માલિક કેવા છે?"

"સારા લાગે છે. હું તો એક જ વખત મળી હતી. કોઇ વાત થઇ નથી..."

"તું પપ્પાને કેમ કહેતી હતી કે તને જોવા આવેલો છોકરો કંપનીનો માલિક હોવાથી ત્યાં કામ કરવા માગતી નથી?"

"મા, મને એકદમ એવું લાગ્યું કે જે છોકરો મારી સાથે લગ્ન કરવાની ઇચ્છા સાથે આવ્યો હોય એના હાથ નીચે કામ કરવાનું મુશ્કેલ બનશે."

"પણ વાંધો આવ્યો નથી ને?"

"અત્યાર સુધી તો નહીં. તે મારા કામમાં માથું મારતા નથી."

"બેટા, મોટી કંપની છે. એમની પાસે એવી ફુરસદ પણ ના હોય."

"મમ્મી, એમના લગ્ન થઇ ગયા હશે?"

"મને શું ખબર. તને હવે તો વધારે ખબર હોવી જોઇએ! તારા પપ્પા તો કહેતા હતા કે હજુ ઠેકાણું પડ્યું લાગતું નથી. મોટા માણસ છે. ધંધામાંથી નવરાશ ના મળતી હોય એવું બની શકે. આપણે શું?"

સંગીતાને મમ્મીની વાત સાચી લાગી. એ લગ્ન કરે કે ના કરે આપણે શું લેવાદેવા. ઓફિસમાં બીજી ઘણી કુંવારી છોકરીઓ છે. એમને પણ છોકરા જોવા આવતા હશે. એમના વિશે કંઇ વિચારતી રહેતી હશે? દસ દિવસમાં ક્યારેય તેને બોલાવી નથી. હું કામ કરી રહી છું એ વાતનો તેમને કોઇ મતલબ નથી? પછી એકદમ યાદ આવતાં સંગીતા બોલી:"મા, હમણાં તો કોઇ છોકરો જોવા આવવાનો નથી ને?"

"ના. પણ હવે તું કોઇને જલદી પસંદ કરી લે તો સારું છે. આ રીતે સંબંધ ઠુકરાવતી રહીશ તો જલદી કોઇના માગા નહીં આવે. સમાજમાં આમ પણ વાત થવા લાગી છે કે રજનીભાઇની છોકરી બહુ ભાવ ખાય છે..."

"મા મને છોકરો પસંદ તો આવવો જોઇએ ને? આખી જિંદગી મારે કાઢવાની છે..." કહી સંગીતા ઓફિસ જવા નીકળી ગઇ.

સંગીતા ઓફિસ પહોંચી ગઇ. તે આરામથી પોતાનું કામ કરે તો પણ ચાર કલાકમાં પૂરું થઇ જાય એમ હતું. તેની ઝડપ એટલી હતી કે આજનું કામ એક જ કલાકમાં પૂરું થઇ ગયું. તે કંપનીનો ઇતિહાસ જોતી બેઠી હતી ત્યારે પિયુને આવીને કહ્યું કે મેનેજર બોલાવે છે. તેને થયું કે કોઇ નવું કામ આવ્યું લાગે છે. હવે સમય પસાર કરવાનું મુશ્કેલ નહીં બને.

તે મેનેજરની કેબિનમાં ગઇ. મેનેજરે તેને એક કાગળ ધર્યો અને તે વાંચીને સહી કરવા કહ્યું. તે કાગળનું લખાણ વાંચી નવાઇ પામી. તેની ધારણા બહારનું લખાણ હતું. અચાનક આ કેમ? હિતેનનો આ નિર્ણય હશે કે કંપનીનો? પોતે કાગળ સ્વીકારી લેવો જોઇએ કે પપ્પાને વાત કરવી જોઇએ? સંગીતાને સમજાતું ન હતું કે શું નિર્ણય કરવો.

વધુ હવે પછી...