Murderer's Murder - 37 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 37

ડાભીની મનીષાબેન પરની શંકા સાવ ખોટી ન હતી. ઝાલાએ થોડી વાર વિચારીને કહ્યું, “દુર્ગાચરણની ફરી પૂછપરછ કરીએ, કદાચ કોઈ એવી વાત આપણા ધ્યાન પર આવે જેને આપણે અજાણતા નજરઅંદાજ કરી હોય.”

બંને દુર્ગાચરણની પૂછપરછ કરવા કૅબિન બહાર નીકળ્યા.

****

ડાભીએ દુર્ગાચરણને સીધું જ પૂછ્યું, “શું તું ક્યારેય આરવીની મમ્મીને મળ્યો છે ?”

“હા. નયે સાલ કી શામ નેપાલી સે ઓવર લેકર કે હમ અપને કૈબિન મેં બેઠે થે તબ આરવી મેમસાબ અપને માતાજી કે સાથ નિકલી થી. તબ હમ આરવીજી કી મમ્મી કો નહીં જાનત રહે, પર સાથ મેં આરવીજી થી ઇસલિયે દિલચસ્પી દિખાયે. ઉનકા ફોન બિગડ ગયા થા. વહ આરવીજી સે કહ રહી થી કિ દીપાવલી કી છુટ્ટિયાં શુરુ હો જાને કી વજહ સે ઉનકા ફોન ચાર-પાંચ દિન તક ઠીક નહી હો પાયેગા. ઉનકી બાતે હમેં સુનાઈ દી ઔર હમને ઉનકો રોકા. હમ બોલે, “હમરા એક પડોસી ફોન રિપૅરિંગ કા કામ કરતા હૈ. આપ હમકો ફોન દે દીજિયે તો હમ ઉસે સહી કરવા લેંગે.”

“પછી ?”

“ઉન્હોંને હમકો ફોન દિયા ઔર દુસરે દિન રાત કો હમને વહ રિપૅર કરવા કે વાપિસ દે દિયા.”

“ફોનમાં શું ફૉલ્ટ હતો ?”

“વહ કીપેડ વાલા પુરાના ફોન થા. ઉન્હોંને બતાયા થા કિ ચાલુ ફોન મેં ઉનકો સામને વાલે કા આવાજ સુનાઈ દેતા હૈ પર સામને વાલે કો ઉનકા નહીં. દુસરા, ફોન કાટને કા બટન બિગડ ગયા થા. હાલાંકિ ઉનકે પાસ એક અતિરિક્ત ફોન થા ઇસલિયે, બિગડે ફોન કા સિમકાર્ડ ઉસી મેં રખકર, અપના દુસરા નંબર લિખવાકર બોલી થી, “ફોન રિપૅર હો જાને કે બાદ ઇસી ફોન સે ફોન કરના, ફોન સહી સહી ઠીક હુઆ હૈ યા નહી ઉસકા પતા ચલ જાયેગા.””

“તો ફોન રિપૅર થઈ જતા તેં તેમને ફોન કર્યો હશે.”

“હા કિયા થા. પડોસી કે વહાં સે ફોન લાકર હમ અપને ઘર પહુંચે કિ તુરંત કિયા થા.”

“ફોન પર શું વાત થઈ હતી ?” ડાભી વધુ ને વધુ પ્રશ્નો પૂછતા જતા હતા.

“હમ બતાયે કિ ફોન રિપૅર હુઈ ગવા હૈ, સ્પીકર બદલ દિયા હૈ લેકિન ફોન કાટને કા બટન ઠીક નહીં હો પાયા. ઉન્હોંને પૂછા, “ક્યોં ?” તો હમ બોલે, “ઉસકે લિયે પૂરા કીપેડ બદલના પડતા હૈ ઔર હમરે પડોસી કે પાસ વહ સ્ટોક મેં નહીં હૈ.” હાલાંકિ ઉસને પૂરા ફોન કા સર્વિસ કર દિયા થા ઔર બટન થોડા જોર સે દબાને સે કૉલ કટ જાતા થા. ફિર ઉન્હોંને ખર્ચ કે બારે મેં પૂછા. લેકિન તભી આરવી મેમસાબ હમરે ઘર આઈ ઔર ઉનકો દેખકર કે હમ હડબડા ગયે. હમ ઝટ સે બોલે “દોસો રૂપયે” ઔર હમને ફોન કાટ દિયા.”

આ સાંભળી ઝાલા અને ડાભી ચમક્યા.

“પાંચમના દિવસે એટલે કે 25મી તારીખે સવારે આરવીની લાશ મળી હતી. બેસતું વર્ષ તેના ચાર દિવસ પહેલા એટલે કે 21મી તારીખે હશે.” ઝાલા ગણતરી કરીને બોલ્યા.

“સાહેબ, આ વખતે બે ચોથ હતી એટલે બેસતું વર્ષ 21મીએ નહીં પણ 20મી તારીખે હતું.” ડાભીએ ધ્યાન દોર્યું.

ઝાલાએ બે પળ વિચાર્યું અને મનોમન બબડ્યા, ‘ડાભી વારંવાર મને તેમનું પુન:મૂલ્યન કરવાની ફરજ પાડે છે અને ફરી ફરી સાબિત કરે છે કે મેં તેમનું અવમૂલ્યન કર્યું હતું.’ તેમણે ડાભી સામે શાબાશ નજરે જોયું અને દુર્ગાચરણને અનુલક્ષીને બોલ્યા, “તો બેસતા વર્ષે રાત્રે એટલે કે 20મી તારીખે તેં મનીષાબેન પાસેથી બગડેલો ફોન લીધો. મનીષાબેન પાસે બીજો ફોન હતો એટલે તેમણે બગડેલા ફોનનું સિમકાર્ડ તેમાં જ રહેવા દઈ, તને ફોન આપ્યો. પછી, બીજા દિવસે એટલે કે 21મી તારીખે એ ફોન રિપૅર થઈ જતા તેં મનીષાબેનને તે જ ફોનમાંથી ફોન કર્યો. પણ, મનીષાબેન સાથે તારી વાત ચાલુ હતી ત્યારે આરવી તારા ઘરે આવી અને તે ઝટપટ વાત પતાવી ફોન ખિસ્સામાં મૂકી દીધો.”

“ઔર ઉસી દિન રાત કો હમને ફોન વાપિસ ભી કર દિયા.”

“ફોન રિપૅર થઈ ગયો છે તે જણાવવા, તેં મનીષાબેનને કેટલા વાગ્યે ફોન કર્યો હતો ?”

“કરીબ ચાર સાઢે ચાર બજે.”

“તારી અને મનીષાબેન વચ્ચે તેં કહ્યું તે પ્રમાણે વાતચીત થઈ હોય તો તે બે મિનિટથી વધારે ન ચાલી હોય.”

દુર્ગાચરણે માથું હલાવ્યું.

“તે દિવસે આરવી તારા ઘરે કેટલો સમય રોકાઈ હતી ?”

“શાયદ તીસ-પૈતીસ મિનટ.”

“ડાભી, 21મી તારીખના મનીષાબેનના કૉલ રેકૉર્ડ તપાસો, સાંજના ચાર વાગ્યાની આસપાસના આઉટ ગોઇંગ કૉલનું ડ્યુરેશન જણાવો.”

ડાભી બહાર ગયા અને થોડી વારમાં પાછા ફર્યા. તેમના હાથમાં એક કાગળ હતો. તેમણે તે કાગળ ઝાલાને આપતા કહ્યું, “સ્ત્રીઓનું મન અંતરિક્ષ કરતા પણ વધુ રહસ્યમય હોય છે.”

ઝાલા કાગળમાં નજર નાખીને બોલ્યા, “છતાં કોઈ પણ ભેદ કાયમ માટે અભેદ્ય રહેતો નથી.” પછી, ખાતરી કરવા પૂછતાં હોય તેમ તેમણે દુર્ગાચરણને ફરી પૂછ્યું, “મનીષાબેનના મોબાઇલમાં બે ફૉલ્ટ હતા. એક સ્પીકર ખરાબ થઈ ગયું હતું અને બીજું ફોન કાપવાનું બટન, બરાબર ?”

“જી સાહબ.” દુર્ગાચરણે હામી ભણી.

“તેમાંથી સ્પીકર બદલાઈ ગયું, પણ ફોન કાપવાનું બટન ન બદલી શકાયું.”

“જી બિલકુલ.” દુર્ગાચરણે માથું હલાવ્યું.

“આ ચાર વાગ્યાનો કૉલ મનીષાબેનના બાર વગાડવાનો છે.” ઝાલાએ દાંત ભીંસ્યા.

21મી તારીખે સાંજે ત્રણ ને પંચાવને મનીષાબેનના ફોનમાંથી તેમના બીજા નંબર પર કૉલ થયો હતો, મનીષાબેનનો બગડેલો ફોન રિપૅર થઈ જતા દુર્ગાચરણે તેમને ફોન કર્યો હતો. દુર્ગાચરણના ખુલાસા મુજબ તે કૉલ બે મિનિટથી વધારે ચલાવો ન જોઈએ, પરંતુ તે બત્રીસ મિનિટ સુધી ચાલ્યો હતો. નાનકડા વિરોધાભાસથી ગુનેગારનો આભાસ કરી લેતી પોલીસ માટે મનીષાબેનના કૉલ રેકૉર્ડ અને દુર્ગાચરણે કહેલી વાતનો તફાવત બહુ મોટી વાત હતી. મનીષાબેન નિર્દોષ હોવાની સંભાવનામાં મસમોટું ભગદાળું પડ્યું હતું.

આ કડી મળતાં જ ઝાલાએ ડાભીને કહ્યું, “મનીષાબેનના ફોનમાં કૉલ કાપવાનું બટન ખરાબ થઈ ગયું હતું. દુર્ગાચરણના પડોશીએ તે ન બદલ્યું કારણ કે તેની પાસે સ્પેર કીપેડ ન હતું. હવે, લાલ બટન જોરથી દબાવે તો જ ફોન કપાય એમ હતો, પણ દુર્ગાચરણની મનીષાબેન સાથે વાત ચાલતી હતી ત્યારે આરવી દુર્ગાચરણના ઘરે આવી અને ચોકીદારે હડબડીમાં ફોન કાપ્યો. અહીંથી સ્ટોરીમાં ટ્વિસ્ટ આવ્યો છે ; ફોન કાપવાનું બટન રિપૅર ન્હોતું થયું અને ચોકીદારે તે બરાબર દબાવ્યું નહીં. કૉલ ચાલુ રહ્યો અને દુર્ગાચરણ તથા આરવી વચ્ચે થયેલી બધી વાતો મનીષાબેને સાંભળી લીધી.”

“માટે એ સાબિત થાય છે કે તેમણે કોલ્ડ ડ્રિંકના ગ્લાસ અને રેડિયમનું દિલ જાણી જોઈને બદલ્યા હતા. મનીષાબેન બહુ મોટી રમત રમી ગયા છે.”

“બહુ રમી લીધું, હવે પેવેલિયન ભેગા થવાનો સમય આવી ગયો છે.” ઝાલાએ કહ્યું અને ડાભી, મહિલા કૉન્સ્ટેબલ મંજુલા સહાય તથા કિરણ સોલંકીને લઈ બલર બંગલે ગયા.

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)