Upla dhoranma in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | ઉપલા ધોરણમાં

Featured Books
Share

ઉપલા ધોરણમાં

1

"ભાઈ બહેનો, આપણે સાથે મળી કામ કરીએ છીએ?” ઊંચા સ્ટેજ પરથી નેતાએ પ્રશ્ન કર્યો.

મહેરામણમાંથી પ્રચંડ ઘોષ ઉઠ્યો “હા..”

“આપણે આગળ જઈ રહ્યા છીએ કે પાછળ?” નેતાએ ફરી પ્રશ્ન વહેતો મુક્યો.

“આગળ”. જનતા જનાર્દન બોલી ઉઠી.

યુવાનોને બોર્ડની જાહેર પરીક્ષામાં પાસ થવા બદલ અભિનંદન આપવા આ વિસ્તારના ખુબ લોકલાડીલા નેતા આવેલા. એ સાથે આ વિસ્તારમાં થયેલાં કામોનો પણ પોતે ક્યાસ કાઢી રહ્યા હતા.

નેતાએ જનસમુદાય પર આંખો ઠેરવી કહ્યું “ વિકાસનો આપણો રસ્તો બગીચામાં ટહેલવા જેવો સરળ ન હતો પરંતુ પર્વત પર ટ્રેકિંગ કરવા જેવો મુશ્કેલ હતો. આપણે સહુ સાથે ,મળી એ કરી શક્યા છીએ જે થોડા સમય પહેલા માત્ર કલ્પના જ હતી. હવે તમે જ મને કહો, આપ સહુના માટે હું આ વિસ્તારના વિકાસમાં નિષ્ફળ થયો છું કે સફળ?”

“સફળ, સફળ”. પ્રચંડ ઘોષ એક કિલોમીટર દૂર સુધી ગગન ગજાવી રહ્યો.

લોકોના લાડીલા નેતાએ કહ્યું “ સફળ થયેલાં યુવાન ભાઈ બહેનો, આપણી સહુની જિંદગી એક પરીક્ષા છે જેનો અભ્યાસક્રમ ક્યારેય કોઈ જાણી શકતું નથી. તેનાં પેપર ક્યારેય સેટ થતાં નથી. યાદ રાખો, જિંદગી એટલે આગળ જવું, વધુ આગળ જવું. ઉપલા ધોરણમાં જવું. એક ધ્યેય નક્કી કરો, મનોમન સફળતાની કલ્પના કરો, એ કેવી રીતે પામવા શું જોઈશે એનું આયોજન કરો. સિદ્ધ કરો અને તુરત નવું વધુ ઊંચું ધ્યેય નક્કી કરો.

યાદ રાખો, જિંદગી ડગલે ને પગલે નવું પેપર કાઢે છે અને અભ્યાસક્રમ ઓચીંતો બદલાય છે. આપણે અઘરું પેપર લખી અને પાસ જ થવાનું છે. એમાં ગ્રેસ માર્ક નથી કે નથી કોઈ વૈકલ્પિક પ્રશ્ન.

તો અત્રે એકઠા થયેલા યુવાનોને પરીક્ષામાં પાસ થવા બદલ અભિનંદન.

હવે તમે સહુ એ કહો, જિંદગીની આ પરીક્ષામાં પરીક્ષક કોણ હોય?”

“આપણે જેના માટે કામ કરીએ છીએ એ” કોઈએ કહ્યું.

“ તો તમે સહુ મારા પરીક્ષક છો. હું તમારી પરીક્ષામાં પાસ થયો છું?”

મેદનીએ મોટેથી “ હા” નો જયઘોષ કર્યો.

“ વહાલા દોસ્તો, હું તમારો નેતા નહિ, તમારામાંનો જ એક છું. સદાય તમારી સાથે જ છું. આવો આપણે નવી ઊંચાઈઓ સર કરી , નવાં ઉપલાં ધોરણો પાસ કરી વિશ્વને બતાવીએ. બોલો -’માય નેશન સ્ટ્રોંગેસ્ટ’.”

આભ ફાડતો અવાજ થયો “ માય નેશન સ્ટ્રોન્ગેસ્ટ”.

“ બોલો, મારું રાષ્ટ્ર આગવું રાષ્ટ્ર”

મહત્તમ યુવાનો ધરાવતી મેદનીએ દોહરાવ્યું “મારું રાષ્ટ્ર આગવું રાષ્ટ્ર’.

નેતા સહુ સામે હાથ હલાવી અભિવાદન કરતા સ્ટેજ પરથી ઉતર્યા. તેમનું વ્યક્તિત્વ જ પ્રભાવશાળી હતું. સાદા પણ ઇસ્ત્રીબંધ ડ્રેસમાં તેઓ આગવા તરી આવતા હતા. તેમના વક્તવ્યને વધાવતો તાળીઓનો ગડગડાટ ક્યાંય સુધી આભમાં પડઘાઈ રહ્યો. નેતાએ આગળ ઉભેલા સહુ સાથે આંખમાં આંખ મિલાવી સ્મિત કર્યું . કેટલાકને વંદન કર્યાં તો કેટલાક હાથ મેળવવા દોડી આવ્યા. કોઈ કોઈએ તો નેતાનાં ઝડપી પગલાંઓ સાથે સેલ્ફી ખેંચવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો.

એકાએક નેતા થંભી ગયા. પાછળ ચાલતા કમાન્ડોએ પોતાના પગને બ્રેક મારી. એક પ્રભાવશાળી વયસ્ક તેમની સામે હાથ હલાવતા હતા તેમની પાસે નેતા ઉભા રહ્યા. તેમનો ચરણસ્પર્શ કરવો હોય તેમ સહેજ ઝૂક્યા. વયસ્કે તેમને આલિંગનમાં લીધા અને બોલી ઉઠ્યા “ શાબાશ બેટા. તું તો ગમે તેવું અઘરું પેપર પાસ કરી નાખે છે.ઉપર ને ઉપર જા. મારા આશીર્વાદ છે.”

“ હા સાહેબ. આપના આશિષ થી હું એક પછી એક સોપાન સર કરું છું. આપે કહેલું એ મનમાં કોતરી રાખ્યું છે - ‘જુઓ, વિચારો, મનને પૂછો, અંતરને પૂછો અને કરો.’ આપનો એ મંત્ર મેં યાદ રાખ્યો છે.”

વયસ્કને આલિંગન આપી નેતા આગળ ગયા. હવે એમની આંખો જનસમુદાય પર ન હતી પણ ક્યાંક દૂર ખોવાયેલી હતી.

(ક્રમશ:)

2

તેની આંખો સામે ભૂતકાળનું એ દ્રશ્ય તાજું થઇ ચિત્રપટની જેમ રમી રહ્યું. તે ફાટેલાં ,મેલાં કપડાંમાં હાથમાં કપ રકાબીઓ ખણખણાવતો “ ગરમ ચાય સાહેબ” કહેતો એ પોશ ઓફિસની ચમકતા કાચની કેબિનમાં દાખલ થાય છે. કાળા ચામડાંની રીવોલ્વીગ ચેરમાં બેઠેલા સાહેબ આખી સુનકાર ઓફિસમાં એકલા બેઠા છે.

“અરે દીકરા, રવિવારે હું તો કામે આવ્યો, તું પણ આ ધોમધખતા તાપમાં ચાલુ છે? સારું. લાવ એક ગરમ ચા.”

તે કીટલીમાંથી કપમાં ચા રેડે છે અને બાજુની ટ્રેમાં પડેલું એક કોસ્ટર લઇ તેનાપર કપ મૂકે છે. ચાની મીઠી સુગંધથી રૂમ ભરાઈ જાય છે.

સાહેબ પૂછે છે “ બેટા , તું ભણે છે?”

તે કહે છે “ બે ચોપડી તો ભણ્યો છું. ભણવું છે પણ સંજોગો એવા થયા કે મારે ગામડેથી અહીં આવી મજૂરી કરવી પડી . હું અહીં એકલો છું. મા ગામડે છે. બાપા ખેતમજુર હતા, ખેતરમાં સાપ કરડતાં મરી ગયા.કાળુકાકા પૈસા આપે એમાંથી થોડું ખાવામાટે રાખી મા ને મોકલું છું.”

“બેટા, આગળ આવવું છે? કઈં આગળ કરવું છે?”

“ એમતો સાહેબ, મેં પણ સાંભળ્યું છે આપણા વડાપ્રધાન એક વખત ચા વેંચતા.પણ એ જ્યાં હતા અને છે ત્યાં પહોંચ્યા એ વચ્ચેનો રસ્તો ખબર નથી પડતી.”

“ એક એક ડગલું પહોંચાય. તું બહારની સીડી એક સાથે દસ પગથિયા કૂદીને પણ ન ચડી શકે. એક એક કરીને આવ્યોને? એમ જ એક એક ડગલું આગળ વધવું. એક ગીત છે ‘ ડગલું ભર્યું કે ના હટવું’ ”.

“ સાહેબ, મને એવી કવિતાઓ ક્યાંથી આવડે? ફિલમના ગીતો બીજા છોકરાઓ ખોટેખોટાં ગાય છે એ આવડે.”

“ ચાલ તો તને એક કામ સોંપું. મજૂરી આપીશ હોં !”

“ શું કામ છે સાહેબ?”

સાહેબે એક ફાઈલો અને કેટલીયે ચીજવસ્તુઓથી ફાટ ફાટ થતાં કબાટ સામે આંગળી ચીંધી કહ્યું” આ કબાટ ખુબ ભારે છે. એને બીજા રૂમમાં લઇ જવો છે. કેમ કરવો એ તું વિચાર.”

“હું શું કરું, સાહેબ? બધી ફાઈલો દરેક ખાના નો જુદો નીચે ઢગલો કરી ખાલી કબાટ બીજા રૂમમાં લઇ જાઉં અને જ્યાં હતી ત્યાં ફાઈલો ને વસ્તુઓ મુકું.”

“અને કબાટ ખુબ ભારે છે એ કેવી રીતે ફેરવીશ?”

તે મૌન રહ્યો. સાહેબ કહે “ દરેક કામનો ઉકેલ આપણા મગજમાં હોય જ. જુઓ, વિચારો, પહેલા મગજને, પછી હૃદયને(સાહેબે છાતી પર હાથ રાખી હૃદયનું સ્થાન બતાવ્યું) પૂછો અને.. બસ કરો શરુ.”

તેણે થોડી વાર વિચાર્યું અને એક સાથી ચાવાળા છોકરાને બોલાવી લાવ્યો. બંનેએ કબાટ ખાલી કર્યો, બે પાઇપના ટુકડાઓ નીચે મૂકી દોરડેથી બાંધી ગાડી ફેરવતા હોય એમ કબાટ બીજા રૂમમાં લઇ ગયા અને ફાઈલો ગોઠવી.

સાહેબે એની પીઠ થાબડી શાબાશી આપી અને મજૂરી પણ. તેણે સાહેબને નીચા નામી સલામ કરી. આજે રાત્રે પણ જમાશે એ વિચારી એ ખુશ થયો.

સાહેબે કહ્યું “ તું રાત્રે ભણવા જા . કાળુ ને કહી તને દાખલ કરાવું.”

“સાહેબ, ભણવું તો ગમે છે પણ પાસ થવા સમજવું ને યાદ રાખવું અઘરું પડે છે.”

“ એમાં શું, એ ચોપડીની સામે જો, વાંચ, યાદ કર શું વાંચ્યું. દાખલો હોય તો પહેલાં સહેલો પછી અઘરો કર. પાસ થઈશ જ. હું પોતે પણ ગામડાના ખેડૂતનો દીકરો હતો, ધીમે ધીમે સખત મહેનત કરી આજે આ કેબિનમાં બેઠો છું. બે માણસની પરિસ્થિતિ ક્યારેય સરખી હોતી નથી. જિંદગીની પરીક્ષાનું પેપર દરેકને માટે જુદું હોય છે બેટા!”

બીજી એક વાર એમણે મોડી સાંજે તેને બોલાવ્યો અને કેટલાંક અગત્યનાં પેપર નામના પહેલા અક્ષરમાં અને પછી કોઈ ચોક્કસ નંબરના ક્રમમાં ગોઠવવા કહ્યું. હવે તે ભણતો હતો અને તેને એ બી સી ડી આવડતી હતી એટલે તે કરી શક્યો. એને સાહેબે ઘણું વધુ મહેનતાણું આપ્યું.

અવારનવાર સાહેબ તેને સહેલાં, સહેજ અઘરાં અને બુદ્ધિ માંગીલે તેવાં કામ સોંપતા ગયા અને તે બળ ,બુદ્ધિ વાપરી કરતો રહ્યો.મહેનતાણું લઇ માને મોકલતો રહ્યો અને એ રાત્રે ભરપેટ જમતો રહ્યો.

સાહેબની બદલી વધુ મોટા સાહેબ તરીકે બીજે થઇ.

તેમણે કહ્યા મુજબ તે વધુ નવાં ઊંચાં ધ્યેય રાખતો, પહેલાં જોઈ વિચારી મગજને પૂછતો પછી હૃદયને અને પછી કરતો.

તેણે પોતાની ચાની લારી નાખવા વિચાર્યું. પૈસા ભેગા કરવા તે દિવસે કેળાં અને રાત્રે ચણા ખાઈ થોડા મહિના રહ્યો.

રાત્રી શાળા પછી તે એક રાજકીય પક્ષની ઓફિસની બહાર સુઈ જતો. ત્યાં જ તેણે એક સ્ટવ લઇ ચા બનાવવા મંડી. પક્ષ કાર્યાલયવાળા તેની સોડમદાર ચા અને વધુતો તેની મીઠી વાતોથી ખુશ રહેતા.

તે સામેથી ઓફિસના લોકો પાસે કામ માંગતો અને હોંશે હોંશે કરતો. સફાઈથી શરુ કરી ઓફિસના પોસ્ટરો ગણવાં ,ચોંટાડવાં, ફાઈલો મુકવી અને એવા કામો કરવા લાગ્યો.

(ક્રમશ:)


3

તેને પોસ્ટરો ગોઠવવાનું અને બેનરો સંકેલવાનું કામ મળેલું.એક વખત પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ એક એવા સુત્રની શોધમાં હતા કે જે તેમની પાર્ટી જે નવી વસ્તુઓ કરવા માંગતી હતી તેના પ્રત્યે ધ્યાન ખેંચે.કોઈએ મજાકમાં તેને પૂછ્યું કે કોઈ સૂત્ર સૂચવે.થોડા વિચાર બાદ તે બોલી ઉઠ્યો “ નયે તૌર સે લિખેંગે હમ મિલકર નઈ કહાની”. સહુની આંખમાં ચમક આવી ગઈ. “વાહ રે છોરા! તેં તો કમાલ કરી.” સહુએ કહ્યું.

તે ચા વેંચનારામાંથી પોસ્ટરો ચોંટાડતો અને એથી ઉપલા ધોરણમાં- સૂત્રો ડિઝાઇન કરતી ટીમનો પહેલાં સહાયક અને પછી ઇન્ચાર્જ બની ગયો.


નજીકની રાત્રિશાળામાં અભ્યાસ કરી તે ઠીકઠીક સારા ગુણ લઇ એસ.એસ.સી. પાસ થયો તેનું ગણિત બહુ સારું પણ નહીં અને નબળું પણ નહીં . ભાષાઓ પર તેનું પ્રભુત્વ તેણે જાતે કેળવેલું.વિજ્ઞાન અને ભૂગોળમાં તેને ખુબ રસ પડતો. તેણે નવરાશે અખબારો અને પ્રચાર સાહિત્ય વાંચી ઘણું સામાન્ય જ્ઞાન મેળવ્યું. કોઈ પણ પ્રશ્ન તે ઊંડો વિચાર કરી સફળતાથી ઉકેલતો.

એક વખત એક ઉચ્ચ વર્ગની વૈભવી સોસાયટીમાં એક પ્રચાર સભામાં લાઈટો ફિક્સ કરવા, માઈક ઓપરેટ કરવા અને એવા પરચુરણ કામ માટે મુખ્ય નેતાએ તેને સાથે લીધો.સભાને દિવસે જોરદાર વરસાદ પડયો. મુખ્ય નેતા પાણીમાં ફસાઈ ગયા અને સભામાં પહોંચી શક્યા નહીં . તેણે નેતા જે વાત કરવાના હતા તે મુદ્દાઓ સિનિયરો પાસે માંગ્યા અને પોતાને એક વખત એ સભામાં બોલવા એક તક આપવા વિનંતી, આજીજી કરી. તે તો અગાઉથી પહોંચી ગયેલો પણ એ વિસ્તાર સુધી કાર્યાલયથી કોઈ પહોંચી શકે તેમ ન હતું. મુખ્ય નેતા તો ફસાઈ ગયેલા. તેને અચકાટ સાથે એક તક આપવામાં આવી. તેનું વક્તવ્ય એવુંતો જોરદાર રહ્યું કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ અવાચક રહી ગયા. વક્તવ્ય પૂરું થતા તાળીના ગડગડાટ સાથે તેને વધાવી લેવામાં આવ્યો.વક્તવ્ય તેણે શીઘ્ર,ફક્ત મુદ્દાઓ ધ્યાનમાં રાખી તૈયાર કરેલું.તેમાં ઘણા અપીલ કરતા વાક્યો હતા અને ચોટદાર શૈલી હતી. તે સફળ થયો. “એક અઘરું પેપર પાસ કર્યું.હવે વધુ ઉપલા ધોરણમાં” તેણે પોતાને મનમાં કહ્યું.

એક ઝૂંપડપટ્ટીમાં તેને સભા સંબોધવા કહેવાયું. ત્યાં તેના જેવા અનેક ગરીબ,અનાથ, મજૂરી કરી ખાતા અને અત્યંત ગરીબ લોકો રહેતા હતા. મોટા ભાગના લોકો તેમને પૈસા,દારૂ અને મફત વસ્તુઓ આપે તેને માટે મત આપવા લલચાઈ જતા કે ધાકધમકીઓને વશ થઇ જતા. તેણે લોકોને પ્રશ્નો પૂછી, તેમના મનમાંથી જવાબો કઢાવી અને પછી સમજાવ્યું કે લોકશાહી શું છે, શા માટે મત આપવો જોઈએ, સાચી પાર્ટીને મત આપવાથી શું લાભ થશે, લાભ એટલે શું, કલ્યાણ એટલે શું વગેરે જે તેઓ જાણતા જ ન હતા અને તેમની ભાષામાં તેમના જેવા દેખાતા માનવીએ કહ્યું.તેણે સમજાવ્યું કે મત એ મફત શર્ટ, સાડી કે દારૂની બોટલ જેવી ક્ષુલ્લક વસ્તુઓ માટે નથી, તે ઘણી મોટી, અમૂલ્ય એવી લોક કલ્યાણ નામની વસ્તુ સાથે સંકળાયેલ છે.

બધા જ ઝુંપડાવાસીઓ તેની સાથે થઇ ગયા અને એ વિસ્તારમાં તેની પાર્ટીને અભૂતપૂર્વ જીત મળી.

“ વધુ એક ઊંચું પેપર, અજાણ્યા અભ્યાસક્રમ સાથે” તેણે પોતાને કહ્યું.હવે તેને ભાગ્યે જ મત આપવા આવતા વૈભવી ભદ્ર લોકોને સંબોધન કરવા જવાનું કહેવામાં આવ્યું.પહેલાં તો તેઓ એકઠા થાય એમ જ ન હતા. અહીં તેણે ઘડાયેલા કાર્યકર્તાઓની સલાહ લેવાનું મુનાસીબ માન્યું. તેણે એક વખતના આ કાર્યાલયના બોસનો પણ સંપર્ક સાધ્યો અને તેમનું માર્ગદર્શન મેળવ્યું.તેમણે જ તો તેને પ્રથમ વખત ઓટલે ચા બનાવવામાંથી કાર્યાલયમાં પ્રવેશ આપેલો.

તેણે જેટલા પણ આવેલા તેમને સીધું પૂછ્યું “ ધારો કે તમને કોઈ પાર્ટી ગમતી નથી. સત્તા એક સરમુખત્યારની જાય છે. તો શું થાય?”

કોઈએ જે સૂઝે તે જવાબ આપ્યા પણ મુખ્યત્વે તેઓ મૌન જ રહ્યા.

તેણે કહ્યું “તે તમને ધંધો કરવા પણ દે અને બંધ પણ કરાવી દે. તેની સામે તમે અવાજ ઊંચો કરો તો જેલ, દેશનિકાલ કે દુનિયા નિકાલ થઇ જાય.ધારોકે રાજાશાહી આવે. તે કહે તે ધંધો તે કહે તે શરતે કરવો કે રાતોરાત બંધ કરવો પડે. લોકશાહી બીજા કરતા અનેક ગણી પોતીકી વ્યવસ્થા છે અને તમારો, સાથે પુરા સમૂહ,પુરા દેશનો વિકાસ લોકશાહીથી જ શક્ય છે. અને એ માટે મત તો આપવો જ પડે, બલ્કે પાર્ટી માટે ફંડ પણ. “ તેણે એ લોકોના બધા સવાલોના જવાબ શાંતિથી આપ્યા.ધરાર ગુસ્સે થઇ અપમાન કરતા ‘ભદ્ર’ લોકોના પણ.

તેને પાર્ટીની કલ્પના બહારનું ડોનેશન મળ્યું અને પાર્ટીને ત્યાં સંપૂર્ણ જીત મળી. ત્યાં રેકોર્ડ મતદાન થયું. તે હવે પાર્ટીનો સ્ટાર પ્રચારક બની ગયો.

(ક્રમશ:)

4

સફળતાને પોતાના દુશ્મનો વળગેલા જ હોય છે. તેજોવધ,ઈર્ષ્યા અને દ્વેષ ને કારણે પાર્ટીમાં જ તેનું અપમાન થવા લાગ્યું, તેને પછાડવાના, નીચો દેખાડવાના પ્રયત્નો પૂર જોશથી ચાલવા લાગ્યા.

‘જુઓ, વિચારો, મગજને પછી હૃદયને પૂછો અને કરો’ એ પેલા સાહેબે આપેલો મંત્ર તે કાયમ અમલમાં મુકતો. વિચારીને પગલું ભરતો હોઈ એ દર વખતે સફળ થતો.અને દુશ્મનો નિષ્ફળ.

એક વખત જાણીજોઈને તેને એક દૂરના શહેરમાં પૂરતાં સરનામાં વિના અને તેનો પગ ટેકવવાની કોઈ જગ્યાની વ્યવસ્થા વિના પાર્ટીની કાર લઇ મોકલવામાં આવ્યો. તેણે ગુગલ મેપ ઇન્ટરેક્ટિવ મોડમાં ચાલુ રાખ્યો અને તે શહેર, તેમાં પાર્ટીની ઓફિસ શોધી પહોંચી ગયો. પાર્ટીની ઓફિસની સામે જ એક ચા ની લારીપર રામ રામ કહી પોતે ચા વેંચતો તે કાળુભાઈની ઓળખાણ દઈ રહેવાની વ્યવસ્થા વિષે પૂછ્યું. નજીક ધર્મશાળા હતી પણ ચાવાળા એ જુના ધંધાભાઇને પોતાને ઘેર જ રાત રહેવા આગ્રહ કર્યો જે તેણે સ્વીકાર્યો અને એ બહાને રાત્રે પાર્ટીનો પ્રચાર એની વસ્તીમાં કર્યો,તેમની મુશ્કેલીઓ જાણી. બદલામાં તેને ઓછા દૂધ અને સારા મસાલા સાથે વધુ સ્વાદિષ્ટ ચા બનાવતાં શીખવ્યું. હજુ તેના પગ ધરતી પર હતા. આંખો ઊંચે મીટ માંડતી પણ ધરતી પરથી નજર ઉઠાવતી નહિ.

તેને હવે મુખ્ય કાર્યાલયમાં મુકવામાં આવ્યો જેથી તે અહીં નડતો બંધ થાય પણ એ તક તેણે મોટા મહાનુભાવો સાથે ઓળખાણ અને તેમની પાસેથી જીવન ઉપયોગી ચીજો શીખવામાં વાપરી.

હવે તે બહારથી પહેલા કરતા અલગ જ, સુધરેલી રીતભાત, બોલચાલવાળો બની ચુકેલો. કોલેજનો અભ્યાસ પણ તેણે પૂરો કરી લીધો.


ઉગતા સૂર્યને લોકો પૂજે એવું કાયમ નથી હોતું. તેની આડે છાપરું, છજું કે નેવું કરી લોકો તેનો પ્રકાશ અટકાવે તો છે. તેનો રાજકીય કારકિર્દીનો સિતારો તેજસ્વી થતો જતો હતો પણ પાછળ ટાંટિયાખેંચ ચાલુ થઇ ગયેલી. તેના વિરુદ્ધ કાનભંભેરણીઓ પણ શરુ થઇ ગયેલી. તેણે જોયું કે પાર્ટીના કાર્યકરોની ઘણી નબળાઈઓ હતી. ઘણાને ડમી નામે અનેક ધંધાઓ હતા, ઘણાને બસ, ટોપ પર પહોંચવાની વાસના હતી. તે માટે તેઓ ગમેતે હદ સુધી જવા તૈયાર હતા. કેટલાક લોકો બોલતા બહુ પણ કરી શકતા કાઈં નહીં . દરેકને સત્તા સત્તાને ખાતર જ જોઈતી હતી અને એમાં તે વચ્ચે એવો આવતો કે જાણે ગળામાં અટવાઈ પડેલો કોળીઓ. ન ગળેથી નીચે ઉતારી શકાય ન ઓકી શકાય.

એક વખત તે એક રેલીને સંબોધવા જઈ રહેલો. આસપાસ જોવાની ટેવને કારણે તેને કૈંક અજુગતું થઇ રહ્યું હોવાની ગંધ આવી. કેટલાંક વાહનોએ રોંગ સાઇડથી તેને આંતરી આગળ જવા કોશિશ કરી. અમુક ચાવીરૂપ સ્થાનોએ બાલ્કનીમાં છુપાઈને તેને કોઈ જોઈ રહ્યું હોય તેવું લાગ્યું. એક ખાસ મિત્રનો તેને સંદેશ મળ્યો કે તેના જીવન પર જોખમ છે. સહેજ પણ અચકાયા વિના તેણે પોતાનો માર્ગ બદલી નાખ્યો. તેણે તેના સાથીઓને કહ્યું કે તે સામાન્ય પ્રજા સાથે લોક સંપર્ક માટે BRTS માં જશે.અગાઉથી પહોંચવા બીજા કાર્યકરોને માટે તેણે ઉબેરની ટેક્ષી બોલાવી અને પાર્ટીની કાર બગડી છે તેમ કહી પરત કાર્યાલય પર મોકલી દીધી. એક બે સિનિયર કાર્યકરોને તેણે સાથે રાખ્યા. રસ્તામાં તેને પોતે એક કોલેજના વિદ્યાર્થીઓ જે પ્રથમ વખત વોટ આપવાના હતા, તેમને નિર્ધારિત બે દિવસ પછી ને બદલે આજે મળશે એમ જણાવ્યું અને એ કોલેજ પહોંચી ગયો. ઉત્સાહી વિદ્યાર્થીઓને મળી તે બહાર નીકળતો હતો ત્યાંજ પાર્ટીના અઘ્યક્ષનો ગભરાયેલા અવાજમાં ફોન આવ્યો કે તે ઠીક તો છે ને? પૂછતાં જણાવ્યું કે જે સ્થળે મિટિંગ હતી ત્યાં સ્ટેજપર બૉમ્બ બ્લાસ્ટ થયો. લોકો રાહ જોઈ ચાલવા લાગેલા. ઉબેર વાળા કાર્યકરો કોઈ કામ માટે નીચે હતા એટલે કોઈ જાનહાની થઇ નહિ. પોતે પોતાની સતર્કતાથી બચી ગયેલો. તેણે ઈશ્વરનો આભાર માન્યો. એક એવી પરીક્ષા જેમાં બીજા પ્રયત્નને કોઈ અવકાશ ન હતો તે તેણે પાસ કરી લીધી હતી. અંતરના અવાજને તેણે માન આપ્યું તો એ અવાજે તેને જીવનદાન આપ્યું.

હવે તે વધુ સભાન રહેવા લાગ્યો પરંતુ લોકોને મળવાનું અને તેમના અભિપ્રાયો જાણી મુખ્ય નેતાઓને પહોંચાડવાનું તેણે ચાલુ રાખ્યું. તેની જોઈ, વિચારી, અંદરનો અવાજ સાંભળી કામ પર આદુ ખાઈ મચી પડવાની શૈલીએ તેને પાર્ટીમાં લોકપ્રિય બનાવ્યો અને ઉચ્ચ જવાબદારીવાળી પોસ્ટ માટે તેને પસંદ કરવામાં આવ્યો. પાર્ટીએ કરેલા કામો તે પુરી તાકાતથી ‘લાઇમ લાઈટમાં’ લાવતો. પોતે કરેલું તે ખાસ યાદ અપાવતો નહીં , એ તો આપોઆપ દેખાઈ જતું હતું.

તેને ખ્યાલ આવી ગયો કે હવે એક અનાથ ગામડેથી આવેલો ચા વાળો તેનો ભૂતકાળ છે, હવે તે એક મોટી રાજકીય પાર્ટીનો જવાબદાર કાર્યકર અને ઉચ્ચ હોદ્દેદાર છે. જૂનું કલેવર ત્યાગ કરી તેનાં શરીર, મન એ જાણે નવો જન્મ લઇ લીધેલો.

પણ તેની આ ‘હોટ સીટ’ પર સાચે જ નીચે આગ સળગાવેલી હતી. અહીં તે કરોડ રૂપિયા નહિ, કરોડ દિલ જીતવા રમતો હતો.અને સીટની ઉપર નીચે ખીલાઓ, ભાલાઓ, તલવારો અદ્રશ્ય રીતે તેને પૂરો કરવા તૈયાર જ હતાં.

ગમે તે પરિસ્થિતિમાં તે શાંત રહેતો તેને ચાઈનીઝ માર્શલ આર્ટની જેમ દુશ્મનને તેની જ તાકાત વાપરી તેને જાતે જ મહાત કરતાં આવડી ગયેલું. તે સહુનો મિત્ર હતો પણ કોઈનો દુશ્મન નહીં એવું નહીં. જો રમવું પડે તો જીતીને જ મેદાન છોડવું એવું તે ગીતાજી માંથી શીખેલો.

હવે તે ખુબ ઉપલા ધોરણનો વિદ્યાર્થી હતો. અહીં પણ ગમે ત્યારે બદલાતા ,વધુને વધુ અઘરા થતા જતા અભ્યાસક્રમ સાથે તેને જીવનની પરીક્ષાઓ પાસ કરવાની હતી. તે એ કરી શકતો હતો.

(ક્રમશ:)


5

તો આ હતી એની સાવ તળિયેથી ઊંચે અને વધુ ઊચે તરફની ગતિ. કાળક્રમે તે તો પથ્થરને પણ પાટુ મારી પાણી કાઢી શકે તેવો હોંશિયાર થઇ ચુકેલો પણ તે નાજુક છોડવાનું માથું કડક જમીન ફાડી બહાર લાવવામાં કોણે બીજારોપણ અને સલાહોનું જળસિંચન કરેલું? નિઃશંક પેલા સાહેબે જેને તે ઓફિસમાં ચા આપવા જતો.

તેણે હાથ ઊંચો કરી ચારે બાજુ ફરી જનમેદનીનું અભિવાદન કર્યું. હજુ દૂર સાહેબ હાથ હલાવતા હતા. તે આગળ ગયો અને મેદની પરત જવા લાગી એ સાથે સાહેબની પીઠ ફરી.પીઠ ફેરવતાં સાહેબે ફરી જાણે આશીર્વાદ આપતા હોય તેમ હાથની હથેળી તેની તરફ કરી. તે કારમાં બેસવા ગયો અને એક ક્ષણ તેના પગ થંભી ગયા. એક તરફ દૂર સાહેબ હવે સહેજ ઝૂકેલા જઈ રહેલા, બીજી તરફ સામે ઊંચાં પગથિયાંઓ ઉપર એ ઓફિસ દેખાતી હતી, બહાર એક ખૂણે ડંડો બાંધી તાડપત્રીનો છાંયો કરી સ્ટવ સળગતો હતો, પાસે બાંકડા ઉપર કેટલાક યુવાનો ચા પીતા હતા. તેણે ધ્યાનથી જોયું, કાળુકાકા. આંખનું નેજવું કરી તેની જ સામે જોતા હતા. તેણે એક કમાન્ડો અને એક સાથીને સાહેબની પાછળ મોકલ્યા. બધું જ ભૂલી તે પેલી તાડપત્રી નીચે આવ્યો. આંસુ ભરી આંખે કાલુકાકાએ તેના બે હાથ પકડી લીધા. તેની આંખમાં પણ આંસુ અને અંતરમાં ડૂમો ભરાઈ આવ્યો.પોતાની જગ્યાએ કામ કરતો એક નાનકડો કિશોર ટગર ટગર તેની સામે જોતો હતો તેને પાસે બોલાવી માથે હાથ ફેરવ્યો અને કહ્યું “ બેટા, શું નામ તારું?”

“ તીરથ.”

“ ક્યાંથી આવે છે?”

“ બિહાર સે, અરેરીઆ જીલ્લે સે.”

“ભણે છે?”

કોઈ પ્રત્યુત્તર ન મળ્યો.

તેણે કાળુકાકાને કહ્યું “ મારી જેમ આને પણ રાત્રી શાળામાં ભણાવજો.”

પેલા કિશોરને કહ્યું “ દેખ. કભી મૈ યહાં ચાય બેચતા થા તેરી જગહ. લેકિન યે શરૂઆત હૈ , અંત નહીં. પુરી જિંદગી યહ કામ નહીં કરના હૈ.ઔર કોઈ ભી કામ છોટા નહીં સમઝના હૈ. ગુજરાતી સમઝતા હૈ ?”

છોકરાએ હકારમાં મુંડી ધુણાવી.

“જો, જિંદગી આખી એક ભણતર છે. પરીક્ષા રોજ ડગલે ને પગલે લેવાતી રહે છે. આપણે એ પાસ કરી ઉપલા ધોરણમાં અને વધુ ઉપલા ધોરણમાં જવાનું છે. “

ત્યાં તો સાહેબ આવી ગયા. સીધા તેને ભેટી પડયા . એ સાહેબને નમ્યો અને એમના ચરણસ્પર્શ કર્યા.

બંને ત્યાં બાંકડે બેસી ગયા અને કાળુકાકા ચા આપવા જતા હતા તેમના હાથમાંથી કપ લઇ સાહેબને આપ્યો. પોતાનો લેતા પહેલા સહુના આશ્ચર્ય વચ્ચે કમાન્ડો અને સાથીઓને ત્યાં બેસાડી કીટલીમાંથી નેતા પોતે તેમના કપ ભરવા લાગ્યા. પોતાનો કપ લઇ આંખ બંધ કરી આખી આ મંઝિલ ફિલ્મની જેમ ચા ની ચુસ્કીઓ સાથે મનમાં વાગોળતા રહ્યા.

ચા પીવાઈ રહી એટલે ખિસ્સામાંથી રણકતા મોબાઈલની રિંગ બંધ કરી. પોતે જ મોબાઈલમાં વૉટ્સએપ કોલ લગાવ્યો.

“ મા, જો આ હું કહેતો હતો તે સાહેબ. “

સાહેબે મોબાઈલ હાથમાં લીધો અને આંસુ સાથે હસું હસું થતું એક વૃદ્ધાનું મુખ સામે આવ્યું. મોબાઈલ પોતાના બે સંતાનો સામે ધર્યો. કીટલી બતાવી, પોતે ચા આપતા એ ઓફિસ અને કાલુકાકા બતાવ્યા.

“ તો માય ચિલ્ડ્રન , આ આપણી ધરતી, અહીંથી હું છું ત્યાં પહોંચ્યો. બેટા, તું ક્યાં પહોંચીશ?”

નાનકડો અવાજ આવ્યો “ હજુ ઉપર. હું તો અવકાશયાત્રી બનીશ. તમારી વાત સ્પેસમાં ગુંજાવીશ.”

પત્નીનો ગર્વીલો અવાજ “વિ આર પ્રાઉડ ઓફ યુ સો ઇઝ ધ નેશન”અને મુખ ડોકાયું.

કમાન્ડોએ ઈશારો કર્યો અને નેતાએ ફરી કાળુના બે હાથ પકડી વિદાય આપી. સાહેબને ફરી ચરણસ્પર્શ કર્યો અને ટટ્ટાર ચાલે કારનું બારણું ખોલી કારમાં બેઠા. થોડી વારમાં આભ ચીરતી ઘરઘરાટી થઇ, દૂર હેલિપેડ પાસે ધૂળના ગોટા ઉડયા. નેતાએ હેલીકૉપટરમાંથી નીચે જોયું.પોતાની કીટલી અને ઓફિસના પગથિયાં એકદમ નાનાં દેખાતાં હતાં. પોતે એક એક ડગલું ચડી ઊંચે પહોંચેલા, હજુ ઊંચે, વધુ ઉપલા ધોરણમાં પાસ થવું હતું. એ ધોરણ પણ પોતે જ નક્કી કરવાનું હતું. ભલે ગમે તેવાં અઘરાં પેપર કેમ ન હોય?

(સમાપ્ત)

-સુનીલ અંજારીયા

22 બિરવા રો હાઉસ, બોપલ, અમદાવાદ 380058

9825105466