Bangkokma be week in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | બેંગકોકમાં બે વીક

Featured Books
Share

બેંગકોકમાં બે વીક

થાઈલેન્ડ ફરવા તો આપ સહુ ઘણા ગયા હશો. 2012 એપ્રિલમાં મને બેંગકોકના એક રહેવાસી તરીકે 2 અઠવાડિયાં રહેવાનો લહાવો મળેલો તે એક સ્મૃતિ તરીકે 2018ના અંતમાં હું આપ સહુ સમક્ષ મુકીશ.

મારો પુત્ર દિલ્હીથી ત્યાંની ફર્મમાં પસંદ થઇ ત્યાં નોકરી કરતો, તે વખતે અપરિણીત.


થાઈલેન્ડ જવા વિસા તો લેવા પડ્યા, સહેલાઈથી મળી ગયા, મારો કઝીન દિલ્હીમાં જ થાઇલેન્ડની એમ્બસીની ઓફિસ પર જઈ લઈ આવ્યો.

ઉતરતાં જ ‘સ્વર્ણભુમી વિમાન પત્તન મથક’ એવા શબ્દો અંગ્રેજીમાં જોયા. નાગદમનનું દ્રશ્ય એરપોર્ટ પર શિલ્પમાં કંડારેલું હતું. એરપોર્ટ પર ફલાઈટ ઉતરતાં જ જોયું કે એરાઈવલ 3 માળનું હતું અને નિચલે માળ લોકલ મેટ્રો પણ આવતી હતી.

ટેક્ષી કરી.બ્રાઇટ રાણી કલરની. પુત્રે કહ્યું “સોઈ સુખંવિત્તરોડ 33..” આ ભારતીય શબ્દ! સોઈ એટલે શ્રી. સુખંવિત્ત રોડ શહેરને ઉભું કાપે છે, 64 સુખંવિત્ત સુધી સ્ટ્રીટ નં. જોયા છે.


રસ્તે ઘણાં સ્ટેચ્યુ ગોલ્ડ પ્લેટેડ, હા, સાચા સોને મઢેલાં. બુદ્ધ તેમજ હિંદુ. અહીં લોકો પોતે સોનું રાખવા કરતાં રાષ્ટ્રને અર્પે છે.આ સુવર્ણની માલિકી સરકારની. એટલે જ પુત્રએ મને જણાવ્યું કે આપણા 2.25 રૂ. બરાબર એક બાટ, એમનું ચલણ. એવું કાંઈ ન હતું જેથી એમની કરન્સી આપણાથી સવાબે ગણી હોય. સોનાનો જથ્થો પ્રમુખ.

પુત્ર રહેતો તે ટાવરનું નામ થોન્ગલોર ટાવર. પુત્રે કહ્યું તે ‘ઉત્તુંગ લહર’ નું અપભ્રંશ છે. મકાનમાલિક રત્નપર્ણ ચેન. અહીં પણ ચેન એ ‘જૈન’નું થાઈ વર્ઝન.

બાજુમાં જ પોલીસ સ્ટેશન. કાળા ડ્રેસમાં પોલીસ બેઠા હોય. પહેલે દિવસે ડર લાગ્યો કે હું પાસપોર્ટ વગર બહાર જઈશ તો પકડશે? એને માટે બાજુમાં સુતેલું કૂતરું અને પસાર થતો હું સરખા હતા.

બાજુમાં થા દુઆ, શહેરની એક માત્ર મસ્જિદ. માત્ર નામ લીલા અક્ષરમાં, ઉપર લીલો ઘ્વજ પણ નહીં. માઇક ભારત અને પાકિસ્તાન સિવાય ક્યાંય હોતાં નથી. અંદર સાવ નાનો હોજ જ્યાં હાથપગ ધોઈ અંદર જવાનું. એક સામાન્ય રૂમમાં નમાજ અદા કરવાની.


અહીં ગાઈડો સિવાય કોઈને અંગ્રેજી આવડતું નથી અને નથી શીખવામાં રસ. મેડિકલ,ઇજનેરી અને મારો પુત્ર હતો તે આર્કિટેક્ટનું શિક્ષણ અને કામ પણ થાઈમાં. આ તો બીજા દેશના લોકો વસતા એ વિસ્તાર હતો એટલે અંગ્રેજી બોર્ડ. નહીંતો થાઈ શીખો.


બેંગકોક પોસ્ટ અંગ્રેજી છાપું 40 બાટ, થાઈ છાપું 2.50 બાટ! અંગ્રેજીને તેઓ ઉલટી discourage (અપ્રોત્સાહીત) કરે છે. મેં તો ટાવરની લાયબ્રેરીમાં વાંચવાનું રાખ્યું. એમાં પણ કોઈ ચિત્ર બતાવવા ઉપર 6ઠે માળે લઈ ગયો અને કોઈ અમેરિકન વૃદ્ધને પાનું ન મળ્યું તો ફરિયાદ કરી કે ઇન્ડિયનનો ફાધર છાપું ચોરી ગયો. ઓફિસવાળા ન મને સમજાવી શકે ન હું એને. મેં માત્ર ચિત્ર વાળું એ પાનું પાછું આપી માંડ સમજાવ્યું ‘નો થેફ્ટ. જસ્ટ શૉવ્ડ પિક્ચર ટુ વાઈફ’. ઓકે. આરોપ પૂરો પણ કોઈ ચિબી રૂપકડી બોલીઊઠી ‘ટુ વાઈફ? સિઇંગ વન’. હે બુદ્ધ ભગવાન, બે પત્ની નહીં, ટુ, એટલે કે તેને.. જવા દો.

પુત્ર નોકરીએ હાજર થયો એટલે બોસ સ્ત્રીએ બોલાવ્યો. ”હાઉ આર યુ” પુત્રએ “ ફાઇન” કહ્યું. “નો, હાઉ ઈયર્સ.. ઓ.. 20, 23.” ઠીક. ચીફ આર્કિટેકટ ઉંમર પૂછે છે. પુત્ર નાનો લાગતો હતો. પણ કોઈ બાળક ક્વોલિફાઇડ આર્કિટેકટ થાય ખરું? પુત્રે કહ્યું 27. એને યોર એજ કે હાઉ ઓલ્ડ આર યુ પણ બોલતાં આવડતું ન હતું!


ઉપર 8મે માળ સ્વિમિંગપુલ અને કસરતનાં સાધનો. મેં ઈશારાથી પૂછ્યું કે હું આ વાપરી શકું? ચિબી,લીસ્સી એ કહ્યું, ‘નો ધીસ શુ. યુ ફોલ ડાઉન’. હં. સાદા શુઝ ન ચાલે. તેણે સ્વિમિંગપુલ તરફ આંગળી ચીંધી કહ્યું ‘ફ્રી. ડ્રેસ..અર.. ચડ્ડી ઇશારાથી બતાવી, ઉપરથી કપડાં કાઢવાની સાઈન પોતે અનડ્રેસ થતી હોય એમ કરી. ચાલો.સ્વિમિંગ ચડ્ડી પહેરી કાલે આવીશ. મેં બધા જ દિવસ સ્વિમિંગ 8મે માળ સ્વિમિંગપુલમાં કર્યું. પાસે એક ચાઈનીઝ 70 આસપાસના કાકા હા.. હુ.. કરી મારામારી કરતા હોય તેમ હાથ,પગ જોરથી વીંઝતા હતા. એની કસરત. એ કદાચ હવામાં સાચે જ ચારેક ડગલાં ઉડતા હોય એમ ભરી શકતા હતા.

આવા એક માંડ થોડું અંગ્રેજી બોલતા થાઈ કાકા સાથે ઓળખાણ જેવું થયેલું. એ લોકો ભગવાનને મીણબત્તી કરે. મેં માટીના દિવા,અર્થન લેમ્પ અને ઘી, મેઇડ ફ્રોમ મિલ્ક, યોઘર્ટ એમ સમજાવ્યું. એ માનવા જ તૈયાર નહીં કે દૂધની કોઈ પણ પેદાશ અગ્નિ પેટાવી, પ્રજ્વલિત રાખી શકે.

ગેઇટ પાસે આકાશ તરફ કરેલો અરીસો. ત્યાં રોજ ફૂલ,ફળ અને કોકાકોલાની બોટલો ચડાવાય. એક અગરબત્તી જેવું કરી પૂજા કરતી સ્ત્રીને પૂછ્યું આ શું છે. એ કહે અમેં. મૂર્તિ પૂજામાં નથી માનતા. આકાશ એટલે નિરાકાર. એને બતાવવા આ અરીસો. એને ફળ ફૂલ ચડાવીએ. એને અને ગેઇટ બહાર બુદ્ધ મૂર્તિઓને પીવા કોકાકોલા ચડાવાતી. એ પછીથી નજીકના ચોકીદારો પી જતા હશે? દેવને કોકાકોલા ચડાવાય એ અહીં જ જોયું.


વંદન છે કુરિયનને, આણંદનું દૂધ દિલ્હી પહોંચે છે. અહીં બધે સ્કીમ મિલ્ક. આજુબાજુનાં ગામડાંમાં ગાય ભેંસ અને દૂધ બનતાં, બેંગકોકના આ વિસ્તાર કે મેં જોયેલ વિસ્તારોમાં તો તેનો પાઉડર જ પહોંચતો.

સવારે સ્ટોરને બદલે શેરીમાં શાક લેવા ગયો. તાજું એ જ ભીંડા, મોટી 500 ગ્રા.ની 1 ડુંગળી વગેરે. ભાવ માટે હથેળી હલાવી. કેટલા? એણે કેલ્ક્યુલેટર ધર્યું જેમાં 8 દેખાતા હતા. 8 બાટ નું. કિલો? મેં પૂછ્યું. તેણે હકારમાં મોં ધુણાવ્યું. સોનીની દુકાનમાં સોનીએ પણ કેલક્યુલેટર બતાવેલું. વેપારીઓ એમ જ વ્યવહાર કરતા.


ત્યાં 7 11 ચેઇન ના સ્ટોર 24 કલાક ખુલા રહે. સવારે 5 વાગે બ્રેડ કે રાતે 12 વાગે શાક મળે. કોકાકોલા વિવિધ કલરનાં- લીલા, બ્લ્યુ, રેડ,ઓરેન્જ. એવું જ બીજાં જાણીતાં પીણાંઓનું. સાદો વેનીલા 15 બાટ નો કપ, પણ 450 કે 500ml નો, અને પીળા ક્રીમ કલરનો! આવી વસ્તુઓ સસ્તી હતી. ડ્રેગન ફ્રુટ પહેલીવાર 32 બાટ એટલે 70 રૂ. જેવું લીધું. તૈયાર શર્ટ 110 બાટના, એક તો આજે ય પહેરું છું. સ્મૂધ કાપડ. ત્યાં ટેક્સટાઇલ ઉદ્યોગ સુવિકસીત છે.એવી જ સેમસંગની મોટી ફેક્ટરી. આપણાં ટીવીઓ અહીંથી અર્ધા થી ઓછા ભાવે. એક બ્લ્યૂ કલરનું 200 લિટરનું ફ્રિજ જોયું.પણ અહીં લાવવું કેમ? ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ત્યાં સારો વિકસેલો.


પુત્રને ત્યાં એ સી ટાઇમર સાથે તો ખરું, ટેમ્પરેચર સેન્સર સાથે. અમુક ડિગ્રી થાય એટલે બંધ,અમુક ઉપર પહોંચે એટલે આપોઆપ ચાલુ.


ત્યાં ઉત્તર દક્ષિણ મેટ્રો, કલર મુજબ લાઈન. પૂર્વ પશ્ચિમ ખૂબ પહોળી,લાંબી ચયપ્રયા નદી. તેમાં થા દુઆ થી ચિત્તવન, 4 સ્ટોપ ગયાં. ઓફિસ જવા,ખરીદી વગેરે માટે આ જળમાર્ગનો ઉપયોગ થાય. ટીનટીન વગાડી બોટ ઉપડે એટલે પંચ ખખડાવી ટિકિટ આપે. ઝડપ કે વળાંક પર એક દોરીથી પડદો નીચે ખેંચે એટલે પાણી એ બાજુથી ઉડે પણ ભીંજવે નહીં. વળી પડદો ઉંચે એટલે ખુલ્લી બોટ.

નજીકના સ્થળે એકલા જવા બાઇક રાઈડર તમને પટ્ટો પહેરાવી દે. તેને પકડીને બેસો એટલે ઘુરર.. કરતા ચાલ્યા. અંદાઝના રાજેશ ખન્નાની જેમ. એકવાર વિનંતી કરી શ્રીમતીને પણ મારી સાથે બાઈક પર લઈ લીધી. 3 સવારી. સાવ ખખડધજ બસમાં પણ બે સ્ટોપ બેઠો છું. 0.25 બાટનો સિક્કો આપી. ટેક્ષીઓ મીટર પર. એ વખતે ઉબેર જેવી એપ્લિકેશન ન હતી. કલર કલરની ટેક્ષી.બ્રાઇટ ગુલાબી, લીલી,પીળી. માત્ર ઉપર ટેક્ષી લખેલ પટ્ટી.

શહેરની વચ્ચે લુંબીની પાર્ક જોવા ગયાં. એક ઘો અને મગર વચ્ચેનું અહિંસક પ્રાણી વચ્ચે પાણીની ચેનલમાં ફરતું હતું. પથ્થરના વિવિધ આકારોની બેન્ચ બેસવા હતી. પબ્લિકને કસરત કરવા સાધનો હતાં. સંગીત સુંદર વાગતું હતું. બાગ લો ગાર્ડનથી 3 ગણો કે વધુ મોટો હતો. પાણી સ્વચ્છ રાખવા સતત આપણા રેંટ જેવું ચક્ર વચ્ચેના જળમાં ફર્યે રાખતું હતું.


અમારી શેરીની પાછળ રામા ix રોડ પસાર થતો હતો. ત્યાંના રાજા પોતાને રામના અવતાર અને વંશજ ગણાવતા. વર્તમાન રાજાના પિતા 9મો રામાવતાર હતા એટલે એમના નામ પરથી રામ 9 રોડ. ધમધમતો. નજીકનાં શહેરો જેવાં કે ચાંગમાઈ, પટાયા જતી બસો એ રોડ પરથી જતી જોઈ. ત્યાં રેલ્વે હતી જે માત્ર ટીવીમાં જોઈ છે, આપણી 40ની સાલની ગાડીઓ જેવા ડબ્બા. ખાસ વિકસિત નહીં. રોડ માર્ગ પર તો 110 કી.મી. સામાન્ય સ્પીડ હતી.


ટીવી પર ચાર ચેનલો સરકારી આવતી.થાઈ વર્તમાન ન્યુઝ અને થાઈ ગ્યાન ડિસ્કવરી જેવી. મૂળ ચેનલનું નામ ભૂલી ગયો છું. એક ન્યુઝ રીડરનું નામ ધારા દ્વિજ હતું એ યાદ છે. એજ્યુકેશન મિનિસ્ટર સરસ્વથી! પુરુષ. ચશ્માંવાળા રાજાનો ફોટો કરન્સી નોટ્સ પર હતો. એ અરસામાં રાજાના બહેન ગુજરી ગયેલાં તો 3 દિવસ શોક હતો. રાજા ખુદ લોકોમાં ફરતા બતાવાતા.


સફારી જોવા ટિકિટ લીધી. પેટ ચબૂરી રોડ નજીકની હોટેલ પાસેથી પિકઅપ કરવાના હતા. એ વખતે પણ મને બીપી હાઈ લાગ્યું. ખિસ્સામાંની ટેબ્લેટ નજીકના મેડિકલ સ્ટોરમાં બતાવી. ડોક્ટર નજીક હોય તો પૂછ્યું. તેણે આવડે એવી અંગ્રેજીમાં સમજાવ્યું કે અહીં પ્રાઇવેટ ડોક્ટર ન હોય. હોસ્પિટલ જ. એક ખુરશી તરફ આંગળી ચીંધી કહે 9.30 વાગે એક ડોક્ટર આવશે પણ એ MBBS ન હોય. ઠીક. ઑલ્ટરનેટિવ મેડિસિનનો હશે. તેણે પાણી અને એક ટેબ્લેટ આપી. હું સફારી જઈ શક્યો. ત્યાં તો ઉરાંગ ઉટાંગ વાનરો હાથ લાંબો કરી ખાવા માંગે, સ્ટેજ શો કરે. ડોલ્ફીન ખેલ કરે એવું અને વાઘનાં બચ્ચાંઓ તમે રમાડી શકો તેવું હતું. ગુજરાતી થેપલાં, દૂધપાક ને એવું ખાવા મળ્યું. ટુરિસ્ટ ગ્રુપો એક બીજામાં ભળી ન જાય એટલે ગાઈડો અલગ કલરનાં ઝંડાઓ હાથમાં રાખતા. બે ગાઈડનો ઝંડો સરખા કલરનો હોઈ એક ગાઈડે ઉપર પોતાનો રૂમાલ પણ ફરકાવ્યો. જાતજાતના કરતબો પ્રાણીઓ દ્વારા થતા જોયા.


પુત્રે મને બતાવ્યું કે અહીં મેડિકલ રિપોર્ટ થાઈ અક્ષરોમાં હોય, આંકડા અંગ્રેજીમાં. ડોક્ટરો અંગ્રેજી માંડ સમજે પણ ચાલી જાય.


એક કલ્ચરલ શો જોયો. હાથીને ઓડિટોરિયમના પગથિયાં ચડાવી ઉતરાવી પ્રેક્ષકોમાં ફેરવે. સ્ટેજ પર ટ્રીકથી વાદળો, વરસાદ, નૌકાવિહાર, વ્યાસ મુનિ અને મત્સ્યગંધા રજુ કર્યાં. સ્વર્ગ અને નરકની માન્યતાઓ બતાવી. સ્ટેજ પર અગ્નિ વચ્ચે માણસ ને એવું તો બતાવ્યું, કદાચ એ એક માત્ર શો હશે જેમાં નરક બતાવે અને સ્ટેન્ડિંગ ઓવેશન મળે. અદભુત. પણ 3 ટિકિટ ના 1500 બાટ. બીજે દિવસે કોશીકર્ણ બેંકમાં રુપીયા લેવા જવું પડ્યું. મારામાંનો બેંક મેનેજર પ્રગટ થયો.

બેંકમાં ચેક ક્લિયરિંગની વાત કરી. માઈકર કોડ જેવું જ, પણ 9 ને બદલે 6 આંકડા. ઘણું કોમ્પ્યુટરાઈઝડ. ઓફિસરને એટલી ખબર કે ઇન્ડિયન નમસ્કાર કરે. તેણે કમરથી ઝુકી છાતીએ હાથ મૂકી અભિવાદન કર્યું.

કૃન્ગશ્રી બેન્કની પણ ઘણી શાખાઓ હતી.


MBK મોલ માં ગયાં. આખું નામ મહાબલી કૃન્ગ. Maha bali krung. બેંગકોક નામ પણ અંગ્રેજો દ્વારા અપભ્રંશ છે. શહેરનું સાચું નામ કૃન્ગશ્રી છે. MBK મોલ ખુબ વિશાળ. એકાદ કી. મી.થી પણ મોટો. પુત્રએ કોઈ મ્યુઝિક આઇટેમ ખરીદી. મારી સાથે ગુજરાતીમાં વાત કરતો હતો કે ATM જઈ આવું. સેલ્સગર્લ ગુજરાતી સમજતી ભારતીય હતી. સાથે આવી પૈસા ઉપડાવી ગઈ.

સાંકડી ગલીઓને લીધે મેં તેનું નામ બેંગકોકનો ઢાલગરવાડ પાડ્યું.

કૃત્રિમ હીરાની જ્વેલરી,લોકો માટે હાથી, થાઈ પેલેસ ને એવાં ચિત્રો વાળાં ટીશર્ટ લીધાં. જેટલું ખરીદો એટલું ઓછું.


રસ્તે garde anti's kitchen જેવાં નામ જોયાં. garde એટલે ઘરડી હશે? મારા ઘર પાસે એક મોટો ડ્રેગન દોરેલું saaeth sangaeth નામનું મકાન જોયું!

ઘણા શબ્દો આપણી ભાષાઓને મળતા કે એમ ના એમ જ છે. કોઈએ કહ્યું કે થાઈ એટલે મૂળ તો તય ભૂમિ. એટલે મુક્ત ભૂમિ. લંકા જીત્યા પછી એક ટુકડીને અહીં વસાવી અને જમીન તય કરી.દક્ષિણીમાં ત નો થ જ હોય છે ને! એ લોકો દ્રઢ પણે પોતાને રામના વંશજો માને છે. દેશનું જૂનું નામ સિયામ. એટલે ‘શ્રી રામ’ શબ્દ.


એક દિવસ આયુથા ટૂરમાં ગયાં. આયુથા એટલે અયોધ્યા. પેગોડા આકારનાં મંદિરો. ક્યાંક અંદર ઈશ્વરની ડોકું ઉડાવી દીધેલી મૂર્તિઓ. ક્રૂર પરધર્મી નું આક્રમણ. એક જગ્યાએ લાઈનબંધ 11 બુદ્ધ મૂર્તિઓ, સોનાના ઢોળ વાળી મુકેલી. રાજાએ તેનો નાશ થતી બચાવવા છુપાવેલી. તેમની રીતે રામની પૂજા પણ કરી.


એક દિવસ વાત ફ્રા, વાત ફો મંદિરો અને પેલેસ જોવા ગયાં. બધું નજીક નજીક છે. ટ્રાવેલ વાળા દસેક આવી વસ્તુઓનું લિસ્ટ બતાવી એટલામાં જ ફેરવી પૈસા પડાવે.

પેલેસનું ગાર્ડન અદભુત હતું. વાત ફો માં 46 મીટર લાંબા સંપૂર્ણ સોનાના પ્રખ્યાત સુતેલા બુદ્ધ જોયા. વાત ફ્રા મંદિરમાં સંપૂર્ણ કિંમતી રત્નમાંથી બનાવેલ ઊંચી બુદ્ધ મૂર્તિ હતી. મીણબત્તીઓની લાંબી હારો હતી. વાત ફ્રો મંદિરમાં સીડી ચડી નઝારો જોયો. આપણા ત્રિમંદીર ઉપરથી જોયો છે? એવો. એક સોનેરી કપડાં પર લોકો વિશ લખતા હતા.એમાં હિન્દી, ગુજરાતી લખાણ ઘણું હતું. મંદિર ફરતો વીંટો થાય એટલું લાંબુ વસ્ત્ર. કહે છે એ બુદ્ધ ભગવાનની મોટી મૂર્તિ પરથી દર 3 મહિને બદલાઈ બહાર મંદિર ફરતે વીંટાતું. અનેક નાનાં મંદિરો હતાં. ક્યાંક દેશ વિદેશના ઘ્વાજ પણ હતા. આપણા ત્રિરંગા પાસે ફોટો પડાવ્યો.


ત્યાંથી ચાલતા લિટલ ઇન્ડિયા ગયા. રસ્તામાં ફ્લાવર માર્કેટ આવી. લીલા ગલગોટા, ભૂરાં અને કથ્થાઈ કે કાળાં, લીલાં ગુલાબ અને ઘાટા પીળા મોગરા જોયા. બાયો ટેક્નોલોજીની કમાલ. ફ્રુટ પણ જાતજાતનાં હતાં. એક લારીમાં બરફ ગોળો આપણા ગોળાથી ઘણો મોટો ખાધો.

લિટલ ઇન્ડિયા વિસ્તારમાં ઘુસો એટલે ભુલી જાઓ કે બહાર છો. મુંબઇ જેવા ગિચોગીચ ફ્લેટ અને બિહારના કોઈ શહેરનું મિશ્રણ લાગ્યું. ટીવી ચેનલોની ડીશ ની જાહેરાતો હિન્દીમાં હતી. સેંથામાં સિંદૂર પુરેલી યુપીની સ્ત્રીઓ હતી. એક મુંબઈની પનાલાલ ચાલ જેવી સ્કૂલ જોઈ, સરદારજી પ્રિન્સિપાલ આંટા મારતા હતા. એ વિસ્તારોમાં શણગારેલી, ખૂબ અવાજ કરતી ટુકટુક આપણી શટલિયાં જેવી જોઈ. નજીક લિટલ ચાઇના પણ હતું. વધુ જોઈ શકાય તેમ ન હતું. 6.30 સાંજની છેલ્લી એક્સપ્રેસ બોટ પકડવાની હતી. રસ્તામાં નદી કાંઠે લાકડાનાં ઘરો ઉપર રોશની હતી અને કેટલીક દુકાનોની નિયોન લાઈટ પણ ઝળહળતી હતી.


એક વહેલી સવારે તરતી બજાર જોવા ગયાં. એ બેંગકોકથી દૂર હતી. સૂર્ય ઉગતાં જ શાક, ફળ ફૂલ ને વસ્ત્રો, શોપીસ વેંચતી હોડીઓ વચ્ચેથી નીકળ્યાં. ચયપ્રયામાં પણ હોડીઓ ફરે છે પણ ફેરિયાઓને લાયસન્સ મર્યાદિત હોય છે.


એક લોકલ ક્રુઝમાં ગયાં. કાળા ડ્રેસમાં સજ્જ કપ્તાને કમરથી ઝૂકી સ્વાગત કર્યું. તે લોકોનું નવું વર્ષ સોંગકર્ણ, સંક્રાંત હતું.વેજિટેરિયન મીલમાં નારિયેળની મીઠાઈ અને બે સંતરાની ચીર, બે મોટી કોથમીર જેવાં પાન, એકાદ પાઈનેપાલની ટુકડી મળી. સામે બીજી ક્રુઝમાં એક 8 વર્ષ જેવડો ટકલો બૌદ્ધ સાધુ વેશમાં છોકરો બ્લ્યુ કોકાકોલા પીતો હતો. બે બીજા બાળ સાધુઓ મસ્તી કરતા હતા. રમુજ પડી.

એક વખત પોલીસલાઈન ક્રોસ કરી રામા ix રોડ પરથી આગળ એક લાલ ઘુમ્મટ જોઈ ત્યાં ગયો. એ વાત ફાસી મઠ હતો. આ મઠ નો અલગ ઇતિહાસ હતો. અહીંથી શ્રીલંકા, ભારત તરફ વહાણો જતાં. છેક ચીન કે એથી પણ પૂર્વમાંથી. અહીં કોઈ ડાકુ તેમની પાસે ભારે દાણ માંગતો અને ન આપે તો તેનું ડોકું ઉડાવી અહીં ટાંગતો. તેને જીતી લઈ તેનું હૃદય પરિવર્તન કરી જે મઠ બન્યો તે વાત ફાસી. ચયપ્રયાની છેક પશ્ચિમે. મઠમાં 8 ફૂટ ઊંચો ફ્લાવરવાઝ, ચાઈનીઝ શૈલીનો દાદરો ને સુંદર કોતરણી વાળું મકાન હતું. કોઈ માઇક લઈ ગાતી સ્ત્રી, કોઈ નેતા ને એવાં પૂતળાં હતાં. શિવજી અને હનુમાન પણ. ત્યાંના સાધુઓને કોઈ શિક્ષિત પરિવાર ભોજન કરાવવા આવેલો. મેં પ્રસાદી ચાખી. જો કે કદાચ જમવામાં બૌદ્ધ સાધુઓએ પણ થોડું નોનવેજ લીધું.

ત્યાં જીવતા લોકોનાં હોય એવાં પૂતળાં ચાર રસ્તે નહીં, આવા મંદિરમાં કે રસ્તાને એક ખૂણે, actual સાઈઝનાં હતાં. લોકપ્રિય વ્યક્તિઓને આમ યાદ રખાતી હશે.


માદામ ટુસાડ વેક્સ મ્યુઝિયમ પણ જોયું. અમિતાભ,ગાંધીજી, સુ કી, વિશ્વભરની હસ્તીઓ.


અંડર વૉટર એકવેરિયમ જોવાની ખૂબ મઝા પડી. એ સાથે લાઈવ શો પણ હતો પણ થાઇ માં.


અહીં ઘરોની બહાર ભગવાન રાખે, અંદર નહીં.

અહીં થાઈ ઘરોમાં અંદર જતાં પહેલું રસોડું આવે.

ભગવાનને ઘરમાં શું થાય છે એ બતાવવાનું નહીં અને બહારથી રક્ષણ કરે. ઘરની બહાર કૂકડો બેસાડે જે સમૃદ્ધિ તાણી લાવે એમ કહે છે. મરી જાય એનું કોફીન હોય પણ આપે અગ્નિદાહ જ. ભલે કોઈ પણ ધર્મ હોય.


એ લોકોનું નવું વર્ષ સોંગકર્ણ એટલે ચૈત્રી પડવો હશે, ઉજવ્યું. લોકો શેરીમાં વિદેશી સાથે સહુને હોળીની જેમ રંગ અને પાણી પિચકારી ભરી ઉડાવે. મેં પણ લોકલો સાથે રંગ, પાણી ઉડાવ્યાં. ખાઓસાંગ રોડ આ પ્રકારની ઉજવણી માટે પ્રખ્યાત છે, ત્યાં જ ગયાં. તે દિવસે સાંજે પતંગો ઉડાવે.


ત્યાંની ચાતુચાક માર્કેટ વિવિધ હાથે દોરેલ પેઇન્ટિંગ, વૉલ સ્ટીકર્સ ,વિવિધ સુંદર સુશોભનની વસ્તુઓ માટે પ્રખ્યાત છે તેની મુલાકાત લીધી.


ત્યાં લારીમાં ગ્રાસ સૂપ મળે એ તેમના અત્યંત સફેદ અને પોચા ભાત સાથે લીધો. એ લોકોનો જાસ્મિન રાઈસ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. નારિયેળની.મીઠાઈ ખાધી. જોકે દરેક સફેદ દેખાતી નારિયેળની મીઠાઈ જેવી વાનગીમાં નારિયેળ મલાઈ ન હોય, મોટે ભાગે માછલી હોય તેમ પુત્રએ કહ્યું.


એક બંગલામાં વૃક્ષ પર સફેદ જાંબુ લટકતાં હતાં તે તોડીને ખાધાં જો કે પુત્રે કહ્યું અહીં એ કરાય નહીં, ચોરી કહેવાય.


એક બ્રહ્મા મંદિરની બહાર ફ્રીમાં સુંદર નૃત્યો જોયાં. કલાકારો પણ ખૂબ સુંદર હતી.વસ્ત્રો ,આભૂષણો ખૂબ કિંમતી હતાં


પુત્રની ઓફિસમાં દર શુક્રવારે સભા થાય. એ વ્યવસાય વિશે પ્રવચનો. પણ ભાષા થાઈ જ. કાંઈ સમજાય નહીં. પુત્ર એકલતા અનુભવતો.


આર્યભુવન લોજ સિવાય ભારતીય જમવાની પણ તકલીફ. સંપૂર્ણ શાકાહારી ખોરાક માંડ મળે. આખરે તેણે દોઢ વર્ષમાં થાઈલેન્ડ છોડી દીધેલું.


મેં તો 12 દિવસ માણ્યું. લોકો પુછે કે 30 હજારમાં બે જણ જઈને આવ્યાં કેમ? ટ્રાવેલ વાળા એકના 89000 લેતા. 1 લાખમાં માત્ર પટાયા ઉમેરી. જે અમે ત્યાં ધરતીકંપ થયો હોઈ નહોતાં ગયાં. એ માત્ર 5 કલાક બસ રસ્તે હતું તેમ કહેલું.


થાઇલેન્ડ મારી દ્રષ્ટિએ ભારતનું જ એક દૂરસુદુર નું રાજ્ય હોય તેવું, પ્લેનમાં સાડા ચાર કલાક દૂર છે.

જો કે મને લાગ્યું કે ભારતીયોનું મહત્વ માત્ર ટુરિસ્ટની કમાણી માટે જ છે. અન્યથા કોઈ માન આપણા પ્રત્યે નથી.

-સુનીલ અંજારીયા

22 બિરવા રો હાઉસ બોપલ અમદાવાદ 380058

24.10.18