Murderer's Murder - 40 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 40

“આરવીના ફોનમાં આવેલા લલિતના આવા મેસેજ જોઈ મારો શ્વાસ થંભી ગયો.” મનીષાબેને કહ્યું. “મેં ઘણી વાર આરવીને લલિત સાથે વધારે પડતી મજાક અને હાથચાલાકી કરતા જોઈ હતી, પરંતુ મુક્ત મનની નવી પેઢી માટે મર્યાદાની વ્યાખ્યા મર્યાદિત નથી રહી એમ માની મેં તે સાધારણ ધાર્યું હતું. જોકે, હું ખોટી હતી. મને આ મેસેજ પહેલાની, આરવી અને લલિત વચ્ચેની ચૅટ વાંચવાની ઇચ્છા થઈ. પરંતુ, જ્યારથી મને આરવીની પ્રેગનન્સીની જાણ થઈ ત્યારથી તેણે ફોનનો પાસકોડ બદલી નાખ્યો હતો. તે દિવસ પહેલા મેં બે-ત્રણ વાર અલગ અલગ પાસકોડ નાખી તેનો ફોન ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું નિષ્ફળ રહી હતી. અચાનક મને વિચાર ઝબકયો, લલિતની બર્થ ડેટ 191181ને પાસકોડ તરીકે નાખી મેં ફોન ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ લૉક ન ખૂલ્યું. આ બધામાં પૂરી એક મિનિટ પણ ન્હોતી વીતી છતાં ઘણો સમય વીતી ગયો હોય એવું લાગતું હતું. હું ફરીથી શાંત થઈને, જાણે કંઈ બન્યું જ નથી એવો ચહેરો કરી ચુપચાપ બેસી ગઈ.

આરવી રૂમમાં પાછી ફરી ત્યારે માથાની સાથે ઊંઘની ગોળી લઈ આવી હતી ; કદાચ તેને લાગ્યું હશે કે હું જાગતી હોઈશ તો તેની યોજનામાં અડચણરૂપ બનીશ. તે સાચી હતી, પણ હું ય તેની મા હતી. મારા બેડરૂમમાં જઈ મેં તે ગોળીઓ ટૉઇલેટમાં ફ્લશ કરી નાખી.”

“તમને ખબર હતી કે આરવીએ પાસકોડ બદલી નાખ્યો છે, છતાં તમે ખોટું કહ્યું હતું કે આરવીની બર્થ ડેટ તેનો પાસકોડ છે.” ડાભીએ ફરિયાદના સૂરમાં કહ્યું.

“ત્યારે મારા માટે, નવા પ્રશ્નો ઊભા થાય તેવો જવાબ આપવા કરતા ખોટું બોલવું વધુ હિતકારી હતું.”

****

મનીષાબેનની કબૂલાત ચાલુ હતી ત્યારે હેમંતને એક જરૂરી માહિતી હાથ લાગી હતી.

ઝાલાએ ડાભીને કહ્યું હતું કે ‘ઓળખાણ કે મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર સક્સામિથોનિયમ મળવી મુશ્કેલ છે, માટે જેણે પણ આરવીને સક્સામિથોનિયમનું ઇન્જેક્શન માર્યું છે તેને કોઈ ફાર્માસિસ્ટ સાથે ઘરોબો હોવો જોઈએ.’ આથી, બલર પરિવારનો કોઈ સભ્ય ફાર્માસિસ્ટના કૉન્ટૅક્ટમાં હતો કે કેમ, તેની જાણકારી મેળવવા ડાભીએ હેમંતને, દરેક સભ્યના ફોનમાં આવેલા કે ગયેલા તમામ નંબર પર ફોન કરવા કહ્યું હતું.

પોલીસચોકીમાં બલર પરિવારના તમામ સભ્યોના કૉલ રેકૉર્ડ્સ મોજૂદ હતા જ. ડાભીનો હુકમ થતા, હેમંત અને બે કૉન્સ્ટેબલ કામ પર લાગી ગયા હતા. તેઓ અલગ અલગ વ્યક્તિઓના કૉલ રેકૉર્ડ્સ હાથમાં લઈ એક પછી એક નંબર જોડી પૂછી રહ્યા હતા, “આલ્પ્રેક્ષ 0.5 મિલિગ્રામ હાજર છે ?”

એન્ક્ઝાઇટીથી પીડાતા માણસને ઊંઘ આવે તે માટે વપરાતી આ દવા વડોદરાના ઘણા મેડિકલ સ્ટૉરમાં પ્રિસ્ક્રિપ્શન વગર મળતી હતી. પોલીસ ટીમ જાણતી હતી કે ફોન ઉપાડનાર વ્યક્તિ ફાર્માસિસ્ટ નહીં હોય તો પ્રશ્ન સાંભળીને ચોંકશે અને ‘શું ?’, ‘કોનું કામ છે ?’, ‘રૉંગ નંબર.’ જેવા પ્રતિભાવો આપશે. પણ, સામેવાળો ફાર્મસિ સાથે સંકળાયેલો હશે તો સ્વસ્થતાથી વાત કરશે.

સામેવાળા માણસને ખબર ન પડે કે બનાવટ થઈ રહી છે અને ખબર પડે ત્યારે છટકવાનો મોકો ન રહે એવું જડબેસલાક જાળું હેમંત ઍન્ડ કંપનીએ બહુ ચીવટથી ગૂંથ્યું હતું. કેટલાંય નંબર પર ફોન કર્યા પછી હેમંતનો ફોન યોગ્ય જગ્યાએ લાગ્યો.

“તમારી પાસે પ્રિસ્ક્રિપ્શન છે ?” સામેથી પ્રશ્ન પૂછાયો.

“નથી. પણ, જે વ્યક્તિએ તમારો નંબર આપ્યો છે તેમણે તેમનું નામ આપવા કહ્યું હતું.”

“કોની વાત કરો છો ?”

બલર પરિવારના જે સભ્યનો કૉલ રેકૉર્ડ હેમંતના હાથમાં હતો તેનું નામ તે બોલ્યો.

“લઈ જજો.” પ્રત્યુત્તર સંભળાયો.

પછી તો, તે વ્યક્તિના કૉલ રેકૉર્ડ્સ સાવધાનીથી ચેક કરવામાં આવ્યા. તે નંબર પરથી ફાર્માસિસ્ટ સાથે અનેકવાર વાત થઈ હતી, જે દિવસે આરવીની હત્યા થઈ તે દિવસે સવારે એટલે કે 24મી તારીખે સવારે દસને સુડતાળીસે પણ તેમની વચ્ચે વાત થઈ હતી.

****

આટલી મહત્વની માહિતી સાથે હેમંત રિમાન્ડ રૂમમાં આવ્યો ત્યારે, ડાભી મનીષાબેનને પૂછી રહ્યા હતા, “કોલ્ડ ડ્રિંકના ગ્લાસ ઊલટસૂલટ કર્યા ત્યારે તમે રેડિયમનું દિલ પણ બદલ્યું હતું, બરાબર ?”

“ના. આરવીએ ત્યારે સ્ટીકર લગાવ્યું જ ન્હોતું.”

“બલર બંગલે આવી મેં તમારી પૂછપરછ કરી ત્યારે તમે કહ્યું હતું કે...”

“ત્યારે હું ખોટું બોલી હતી.”

“સાહેબ, એક અગત્યની માહિતી મળી છે.” હેમંતે નમ્રતાથી વિઘ્ન પાડ્યું.

ઝાલા અને ડાભી રિમાન્ડ રૂમની બહાર નીકળ્યા. હેમંતે તેમને બધી વાત જણાવી અને બલર પરિવારના તે સભ્યનું નામ આપ્યું.

“શું ?” ડાભી નામ સાંભળી આશ્ચર્ય પામ્યા.

“શાંત અને આકર્ષક દેખાતા સફેદ રીંછને ઓછું ઘાતક માનવાની ભૂલ કરનારને પસ્તાવાનો મોકો મળતો નથી.” ઝાલાએ કહ્યું. “મને તો તેના પર શક હતો જ. તે વ્યક્તિ દેખાય છે એટલી સીધી છે નહીં ! એક કામ કરો ; પહેલા ફાર્માસિસ્ટને ઉઠાવો, તેની કબૂલાતથી આપણું કામ સરળ થઈ જશે.”

“યસ સર” કહી હેમંતે માથું ધુણાવ્યું અને ઝાલા તથા ડાભી રિમાન્ડ રૂમમાં પાછા ગયા. મનીષાબેન રડમસ ચહેરે, પથ્થરની શિલાની જેમ ઊભા હતા.

“આરવીએ આપેલી ગોળીઓ ફ્લશ કર્યા પછી તમે શું કર્યું ?” ઝાલાએ પૂછ્યું.

“મારે કંઈ કરવાનું ન હતું ; જ્યાં સુધી આરવી અભિલાષાના દરવાજા પર રેડિયમનું દિલ લગાવી, ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખી સૂઈ ન જાય ત્યાં સુધી ચુપચાપ પડી રહેવાનું હતું. પણ, હું ખરાબ રીતે હલી ગઈ હતી. આજ સુધી ઘણું મારા ધાર્યા મુજબ ન્હોતું થયું, પરંતુ તે બધું આટલું અણધાર્યું ન્હોતું.

આરવીનું ગર્ભવતી બનવું, તેના બાળકના પિતાનું પરિણીત હોવું, લલિતનું આરવીને આઇ લવ યુ મોકલવું વગેરે બાબતો એક પછી એક મારા માનસપટ પર અંકિત થવા લાગી. કડીઓ જોડાતી ગઈ તેમ અભિલાષાની હત્યા કરવાનો આરવીનો ઇરાદો મને સમજાતો ગયો. ગમે તેમ કરી તે લલિતને પરણવા ઇચ્છતી હતી. અત્યાર સુધી લગ્નના માગા નકારતા રહેવાનું કારણ પણ આ જ હતું.

આરવીની આખી ગણતરી મારા દિમાગમાં સ્પષ્ટ થઈ ગઈ. યોજના એટલી જોરદાર હતી કે અભિલાષાનું મૃત્યુ આત્મહત્યામાં ખપી જાય. બાદમાં, અભિલાષાના મૃત્યુના થોડા દિવસ પછી લલિતના બીજા લગ્નની વાત ચાલે અને નિખિલની માસી તેની મા બનવા તૈયાર થઈ જાય. આ બાબતે સ્વાભાવિક કોઈ વિરોધ ન જ થાય અને લલિત-આરવીના રંગીન સંબંધો સંગીન બની જાય ; વિકૃત થયેલા સંબંધો પર સ્વીકૃતિનો સિક્કો વાગી જાય. હું આ વાતથી અજાણ હોઉં તો હું પણ તે સંબંધને સ્વીકારી લઉં.

અભિલાષાના અગ્નિસંસ્કારની જ્વાળાઓ આરવીના લગ્નની વેદી બનવાની હતી અને દુનિયાને આરવી ત્યાગ-બલિદાનની મૂર્તિ લાગવાની હતી. હું ધ્રૂજી ઊઠી, મને આરવીને જીવતી બાળી નાખવાનું મન થયું. તેના પ્રત્યેનો મારો બધો પ્રેમ નફરતમાં પલટાઈ ગયો. માની જેમ કાળજી લેનાર સગી બહેનના પતિ પર તેણે ડોળા માંડ્યા હતા, તે નીચને પોતાના સિવાય કોઈની પરવા ન હતી. તે આ હદે ઊતરી જશે તેવું મેં સ્વપ્નેય કલ્પ્યું ન હતું.

પળભર તો મને થયું કે હું આરવીને પોલીસના હવાલે કરી દઉં, પરંતુ તે ખુલ્લી થાય એટલે લલિત પણ ઉઘાડો પડે અને બેઆબરૂ થવાથી તે છંછેડાય તો ? તે અભિલાષાને ડિવૉર્સ આપી દે તો ? કદાચ તે તેવું ન કરે તો ય અભિલાષાના મનમાં તેના પ્રત્યેનો વહેમ કાયમ માટે ઘર કરી જાય. અત્યાર સુધી ખુશહાલ રહેલું તેમનું દામ્પત્યજીવન કટુતાભર્યું બની જાય, પતિ-પત્નીના સંબંધોમાં ઊથલપાથલ સર્જાય, માસૂમ નિખિલની જિંદગી વેરણછેરણ થઈ જાય, મા-દીકરાનું ભાવિ ધૂંધળું અને દિશાહીન બની જાય. સગી બહેન અને પતિએ પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે એ જાણીને અભિલાષાનો ભરોસો આખી દુનિયા પરથી ઊઠી જાય ; કદાચ તે પાગલ થઈ જાય, કદાચ આપઘાત કરી લે, કદાચ મરવા વાંકે જીવતી રહે.

લલિત-આરવીના અંતરંગ સંબંધોના પરિણામે ઊઠી શકતા ભયાવહ તરંગોની કલ્પનાએ મારી ભીતર તોફાન જગાવ્યું. કોઈ ઉપાય સૂઝતો ન હતો, બધું સમું સૂતરું પાર પડવાનો ચાન્સ લાખે એક ટકો ય ન્હોતો. માથું ભારે થઈ ગયું હતું, આખો રૂમ ગોળ ગોળ ફરતો હોય તેવું લાગતું હતું. એવામાં ફરી એક સળવળાટ સંભળાયો. મેં અવાજ ન થાય એવી રીતે દરવાજા પાસે જઈ બહારની બાજુએ જોયું ; આરવી ટ્રે અને કોલ્ડ ડ્રિંકના ખાલી ગ્લાસ લઈ પગથિયાં ઊતરી રહી હતી.”

‘તો આરવીએ જ તે ગ્લાસ સાફ કરીને મૂક્યા હતા જેથી કોઈને ઊંઘની ગોળીવાળા કોલ્ડ ડ્રિંકના ગ્લાસ વિશે સુરાગ ન મળે.’ ઝાલા બબડ્યા.

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)