Bhedi Tapu - 2 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - 2

ભેદી ટાપુ

[૨]

કઈ રીતે બલૂનમાં?

બલૂનમાં કિનારા પર આવ્યા તે મુસાફરો હવામાં ઉડ્ડયન કરનારા ન હતા. તેઓ તો યુધ્ધકેડી હતા. તેઓ હિંમતથી બલૂન દ્વારા માસી છૂટ્યા હતા.

કેટલીયે વાર તેઓ મરતાં મરતાં બચ્યા હતા. ૨૦મી માર્ચે તેઓ રીચમંડ શહેરમાંથી નાસી છૂટ્યા હતા. જનારાત્લ ગ્રાંટે રીચમંડ ને ઘેરો ઘાલ્યો હતો. બલૂનમાં નાસી છૂટનારા અત્યારે વર્જીનિયાની રાજધાનીથી સાત હજાર માઈલ દૂર હતા. બલૂનમાં તેઓએ પાંચ દિવસ સફર કરી હતી.

આ કેદીઓ કઈ રીતે નાસી છૂટ્યા તેનો પૂર્વ ઈતિહાસ જોઈએ:

ઈ.સ. ૧૮૬૫ની ફેબ્રુઆરીમાં અમેરિકામાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વાછ્ચે મોટી લડાઈ થઇ. ઉત્તરના રાજ્યો તરફથી જનરલ ગ્રાંટ લડતો હતો. તેણે દક્ષિણ ઉપર જોરદાર હુમલો કર્યો; અને રીચમંડને કબજે કરવા પ્રયાસ કર્યો. પણ તે નિષ્ફળ ગયો.

જનરલ ગ્રાંટ પાસે જે થોડાક ચુનંદા અને વિશ્વાસુ અમલદારો હતા, તેમાંનો એક અમલદાર કપ્તાન સાયરસ હાર્ડિગ હતો. કપ્તાન હાર્ડિગ મેસેચ્યુસેટસનો વતની હતો. તે ઉત્તમ કક્ષાનો ઈજનેર હતો. લડાઈ દરમિયાન તેને રેલ્વેની વ્યવસ્થા સોંપવામાં આવી હતી.

કપ્તાન હાર્ડિગનું શરીર સ્નાયુબધ્ધ છતાં પાતળું હતું. તેની આંખોમાં તરવરાટ હતો. તેની ઉંમર પિસ્તાલીસ વરસની હતી, છતાં તે એક યુવાન જેટલી ચપળતાથી કાર્ય કરી શકતો હતો. તેની ચાલ છટાદાર હતી. તે બુધ્ધિશાળી અને વિધ્દ્વાન હતો. તે વિજ્ઞાનનો અભ્યાસી હતો. સુતારી કામ અને વહાણવટામાં પણ તે કુશળ હતો. ગમે તેવી મુશ્કેલીથી તે ડરતો ન હતો. તે મૂર્તિમંત સાહસની પ્રતિમા હતો. તે ઘણાં યુધ્ધો લડ્યો હતો. ઘણીવાર તે મરતાં મરતાં બચ્યો હતો.

આવો અમલદાર એકાએક જનરલ ગ્રાંટના હાથમાંથી દુશ્મનોના હાથમાં ઘાયલ થઈને પકડાયો હતો. કપ્તાન હાર્ડિગને રીચમંડ શહેરમાં કેદી તરીકે રાખવામાં આવ્યો હતો.

કપ્તાન હાર્ડિગ ઉપરાંત એક બીજો કેદી પણ તે જ દિવસે રીચમંડમાં કેદ પકડાયો હતો. અમેરિકાના એક સુપ્રસિદ્ધ અખબારન્યુયોર્ક હેરાલ્ડનો તે ખબરપત્રી હતો. તેનું નામ ગિડિયન સ્પિલેટ હતું. ઉત્તર અમેરિકાના લશ્કર સાથે રહીને યુધ્ધના સમાચાર મેળવવાનો તેને આદેશ આપવામાં આવ્યો હતો.

ગિડિયન સ્પિલેટ એક ઉત્તમ કક્ષાનો ખબરપત્રી હતો. સાચી ખબર મેળવવા માટે તે મૃત્યુના મુખમાં ધસી જતાં પણ અચકાતો ન હતો. તે સૈનિક અને ચિત્રકાર હતો. તે કદી થાકતો નહિ કે ગમે તેવા જોખમથી ડરતો નહિ. તેને સમગ્ર વિશ્વનો પ્રવાસ ખેડ્યો હતો. જગતના અનેક વિષયોનું તે જ્ઞાન ધરાવતો હતો.

તે આ લડાઈમાં આગલી હરોળમાં, એક હાથમાં રિવોલ્વર અને એક હાથમાં કલમ લઈને, ખબરપત્રી તરીકેની ફરજ બજાવતો હતો. તેનામાં રમૂજવૃતિ પણ હતી. ચાલીસ વર્ષની તેની ઉંમર હતી. તે ઊંચો અને શરીરમાં લોઢા જેવો સખત હતો. આ ગિડિયન સ્પિલેટ પણ રીચમંડ નગરમાં યુદ્ધકેદી બન્યો હતો. તેને જરાય ઈજા થઈ ન હતી.

કપ્તાન હાર્ડિંગ અને ગિડિયન સ્પિલેટ એકબીજાને માત્ર નામથી ઓળખતા હતા, પણ રૂબરૂ ક્યારેય મળ્યા ન હતા. હાર્ડિંગ ઝડપથી સાજો થવા માંડ્યો. એ દરમિયાન ગિડિયન સ્પિલેટ સાથે તેની ઓળખાણ થઇ. તરત જ બંને મિત્રો બની ગયા. બંનેનો એક જ ઉદ્દેશ હતો; અહીંથી નાસી છૂટીને જનરલ ગ્રાંટના લશ્કરમાં મળી જવું.

આ બંને જણા નજરકેદ હતા. નગરમાં ગમે ત્યાં હરવાફરવાની તેમને છૂટ હતી. પણ રીચમંડ નગરમાં એવો તો પાકો બંદોબસ્ત હતો કે, તેમાંથી નાસી છૂટવું લગભગ અશક્ય હતું.

કપ્તાન હાર્ડિગનો રસોયા તરીકે કામ કરનાર નોકર પણ રીચમંડમાં આવીને હાર્ડિગને મળ્યો. તે નોકર હાર્ડિંગ સાથે ભક્તિભાવથી જોડાયો હતો; અને જીવન તેમ જ મૃત્યુમાં તે પોતાના માલિક સાથે જ રહેવા ઈચ્છતો હતો. તે નોકરના માતાપિતા ગુલામ હતાં; પણ તે નોકરને હાર્ડિંગે ગુલામીમાંથી મુક્ત કર્યો હતો. તેનું આખું નામ નેબુચડનેઝાર હતું; પણ તે નેબ તરીકે ઓળખાતો. તે ત્રીસ વર્ષનો હતો. તે જીવને જોખમે ઘેરો વટાવી નગરમાં ઘૂસ્યો હતો.

રીચમંડમાં પ્રવેશવું સહેલું હતું, અન નીકળવું અતિ મુશ્કેલ હતું. યુદ્ધકેદીઓ ઉપર કડક જાપ્તો રાખવામાં આવતો હતો. રીચમંડ શહેરમાં કેદ પકડાયેલા એ ત્રણે જણા ખૂબ અકળાયા હતા. પણ નાસી છૂટવા માટે કોઈ તક મળતી ન હતી. જનરલ ગ્રાંટે રીચમંડનો ઘેરો સખત કર્યો હતો. પણ તાત્કાલિક એને જીતી શકાય એમ નહોતું.

જો કે, રીચમંડમાં ઉત્તરનાં રાજ્યોના કેદીઓ નાસી છૂટવાનું વિચારતા હતા; પરંતુ બીજી બાજુ, આખું રીચમંડનગર કેદખાનામાં ફેરવાઈ ગયું હતું.જનરલ ગ્રાંટનું લશ્કર રીચમંડને ભરડો લઈને બેઠું હતું. રીચમંડ દક્ષિણના રાજ્યોથી એકલું પડી ગયું હતું. દક્ષિણનાં લશ્કર સાથે શહેરને કોઈ સંપર્ક રહ્યો ન હતો. રીચમંડનો ગવર્નર પણ પોતાના જ નગરમાં જાણે કે કેદ થઇ ગયો હતો.

રીચમંડમાં જોનાથન રીચફોસ્ટર નામનો એક સાહસિક અમલદાર હતો. તેને ગવર્નરને સલાહ આપી કે, દક્ષિણનાં રાજ્યોના સેનાપતિ જનરલ લીનો સંપર્ક સાધવો; અને રીચમંડને ઘેરામાંથી છોડાવવું. ફોસ્ટરે કહ્યું:આ ઘેરામાંથી છટકવાનો એક જ ઉપાય છે; આપણું બલૂન! બલૂનમાં બેસીને બહાર જવા માટે હું તૈયાર છું- એ રીતે હું આપના લશ્કરના કેમ્પમાં પહોંચી શકીશ.

ગવર્નરે આ યોજનાનો સ્વીકાર કર્યો. બલૂનમાં ગેસ ભરીને તૈયાર કરવામાં આવ્યું. ફોસ્ટર સાથે બીજા પાંચ જણા જવાના હતા. બલૂનમાં રક્ષણ માટે હથિયારો તથા ખાવાપીવાની સામગ્રી મૂકવામાં આવી.

૧૮મી માર્ચે ઉપડવાનું નક્કી થયું. રાત્રે નીકળવાનું હતું.ગણતરી કરતા લાગ્યું કે, જનરલ લીના કેમ્પમાં પહોંચતાં થોડા કલાક લાગશે. પણ સ્વાર્થી હવામાન બદલી ગયું. વાવાઝોડાનાં લક્ષણો દેખાવા લાગ્યાં. સાંજે વાવાઝોડું ઉપડ્યું. અવ વાવાઝોડામાં બલૂન લઈ જવું પૂરેપૂરું જોખમી હતું. તેથી ફોસ્ટરનું નીકળવાનું મુલતવી રહ્યું.

રીચમંડના એક ચોકમાં બલૂન તૈયાર જ હતું. જો તોફાન ઘટે તો નીકળાય તેમ હતું. પણ બીજે દિવસે ૧૯મી માર્ચે તોફાન ઘટવાને બદલે વધવા લાગ્યું. બલૂન આમતેમ પછડાતું હતું. તેને બાંધી રાખવામાં પણ મુશ્કેલી પડતી હતી.

૧૯મી માર્ચની રાત પસાર થઇ ગઈ. બીજે દિવસે સવારે તોફાન બમણી ઝડપે ફૂંકાવા લાગ્યું. બલૂનમાં નીકળવું લગભગ અશક્ય બની ગયું.

૨૦મી માર્ચે, કપ્તાન હાર્ડિંગ રીચમંડની ગલીઓમાં ફરતો હતો. ત્યાં પાછળથી આવીને કોઈએ તેનો હાથ પકડ્યો. હાર્ડિંગ તેને જરાય ઓળખતો ન હતો. તે પેનક્રોફટ નામનોખલાસી હતો. તે ઉત્તર અમેરિકાનો વાતની હતો. જગતના બધા દરીયા તેણે ડોળી નાખ્યા હતા. કળા માથાનો માનવી કરી શકે તેવા બધાં જ સાહસ તેને કર્યા હતાં.

તે વેપાર અર્થે રીચમંડ આવ્યો હતો; અને એકાએક લડાઈ ફાટી નીકળતાં અહીં ફસાઈ ગયો હતો. તેને નાસી છૂટવા માટે સંકલ્પ કર્યો હતો; પણ ક્યાંય કારી ફાવતી ન હતી. તે કપ્તાન હાર્ડિંગને એક ખ્યાતનામ ઈજનેર તરીકે ઓળખતો હતો. રીચમંડમાં યુદ્ધકેદી છે. તેની પણ પેનક્રોફ્ટને ખબર હતી. આજે એકાએક તેની મુલાકાત થઈ ગઈ.

રીચમંડથી કંટાળ્યા છો, કપ્તાન?” પેનક્રોફટે સીધો જ પ્રશ્ન કર્યો.

હાર્ડિંગ બોલનારના મુખ સામે જોઈ રહ્યો; પેનક્રોફટે અત્યંત ધીમા અવાજે ઉમેર્યું:કપ્તાન હાર્ડિંગ, નાસી છૂટવાનો તમારો ઈરાદો છે?”

ક્યારે?” હાર્ડીંગે વિચાર કર્યા વિના સામું પૂછ્યું. પછી હાર્ડીગે તેની સામે બરાબર જોયું. ખલાસી ના મુખ ઉપર નિર્દોષતા તરવરતી હતી. તેને ખાતરી થઇ કે માણસ વિશ્વાસપાત્ર છે.

તમે કોણ છો? તમને ઓળખ્યા નહિ.કપ્તાને ટૂંકમાં પૂછ્યું.

પેનક્રોફટે પોતાની ઓળખાણ આપી.

ઠીક,” હાર્ડિંગ બોલ્યો; “કઈ રીતે અહીંથી નાસી છૂટાશે?”

પેલા બલૂન દ્વારા. એ ત્યાં ખાલેખાલી પડ્યું છે. મને તો લાગે છે કે, એ આપણી જ રાહ જુએ છે-

ખલાસી વાક્ય પૂરું કરે તે જરૂરી નહોતું, હાર્ડિંગ તરત જ બધું સમજી ગયો. તે પેનક્રોફટનો હાથ ઝાલીને પોતાના ઘરમાં લઇ ગયો. ત્યાં ખલાસીએ આખી યોજના સમજાવી. યોના તદ્દન સાદી અને સરળ હતી. પણ તેનો અમલ કરવામાં જીવનું જોખમ હતું. આવા તોફાનમાં બલૂનમાં નીકળવું એટલે એટલે મોતને નોતરું આપવું, પણ હાર્ડિંગ કે પેનક્રોફટ જરાય ડરે એવા ન હતા.

નાસી છૂટવાની આ સુંદર તક હતી, ભલે તે અતિશય જોખમી હતી. પણ તેને હાથમાંથી જવા દેવી કોઈ રીતે પાલવે એમ ન હતી. તોફાન ન હોય તો? તો તો ફોસ્ટર જ બલૂનમાં બેસીને ન ચાલ્યો જાય!

પણ હું એકલો નથી!અંતે હાર્ડિંગે કહ્યું.

તમારી સાથે કેટલા છે?”

બે; મારો મિત્ર સ્પિલેટ અને મારો નોકર નેબ.

તો તમે ત્રણ થયા.પેનક્રોફ્ટે જવાબ આપ્યો.અને અમે બે હું અને હર્બર્ટ. આપણે કુલ પાંચ. બલૂન તો છ જણને ખુશીથી સમાવી શકે એમ છે.

ભલે આપણે જઈશું.હાર્ડિંગે મક્કમ સવારે કહ્યું.

હાર્ડિંગને ખાતરી હતી કે, સ્પિલેટ પાછી પાની નહિ કરે...જયારે તેણે સ્પિલેટ સાથે યોજનાની વાત કરી, કે તરત જ સ્પિલેટે સ્વીકારી લીધી. નેબ તો માલિકને અનુસરવા તૈયાર જ હતો.

તો, આજ રાત્રે આપણે ત્યાં મળીશું.પેનક્રોફટે કહ્યું.

હા; આજે રાત્રે દસ વાગ્યે,” કપ્તાન હાર્ડિંગે જવાબ આપ્યો.અને ઈશ્વર કરે ને આપણે નીકળીએ નહિ ત્યાં સુધી વાવાઝોડું ચાલુ રહે.

પેનક્રોફટ બંને મિત્રોની રાજા લઈને પોતાને ઉતારે ગયો.ત્યાં યુવાન હર્બર્ટ બ્રાઉન રહેતો હતો. હર્બર્ટ બ્રાઉન પંદર વર્ષનો સાહસિક કિશોર હતો. પેનક્રોફટના જૂના શેઠનો દીકરો હતો. હર્બર્ટના પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. પેનક્રોફટ તેને પોતાના પુત્રની જેમ જ રાખતો હતો.

હર્બર્ટને પેનક્રોફટની યોજનાની જાણ હતી. પેનક્રોફટે વાતચીતનું પરિણામ જણાવ્યું. આ રીતે પાંચ દ્રઢ સંકલ્પવાળા માણસો ભયંકર વાવાઝોડામાં નીકળવા તૈયાર થયા.

ના, તોફાન ઘટ્યું નહિ. ફોસ્ટર કે તેના સાથીઓ બલૂન પાસે ફરક્યા નહિ.

મુસાફરી ખતરનાક હતી. ઈજનેરને એક જ બીક હતી કે, બલૂન છૂટતાં વેત જ પવનમાં ધડાકા સાથે તૂટી પડશે તો?

સાંજ પડી. રાત્રે ઘટાટોપ અંધકાર પ્રસર્યો. ધુમ્મસ હતું. તેમાં વરસાદ શરુ થયો. ભારે વાવાઝોડાએ બંને પક્ષો વચ્ચે જાણે કે સંધિ કરાવી દીધી હોય! તોપો શાંત થઇ ગઈ. નગરની ગલીઓ ઉજ્જડ બની ગઈ. આવા ભયંકર હવામાનમાં બલૂનના રક્ષણ માટે ચોકિયાતો રાખવાની પણ જરૂરત ન લાગી.

બધી અનુકૂળતા હતી. રાત્રે સાડા નવ વાગ્યે હાર્ડિંગ અને તેના સાથીઓ જુદી જુદી દિશાઓમાંથી આવી પહોંચ્યા. જોરદાર પવનને કરને ગેસના દીવા ઠરી ગયા હતા. પ્રચંડ બલૂન પણ અંધારામાં દેખાતું ન હતું.

હાર્ડિંગ, સ્પિલેટ, નેબ અને હર્બર્ટ ચૂપચાપ બલૂનના ટોપલામાં બેસી ગયા. પેનક્રોફટ ઇજનેરના હુકમથી બલૂનમાંથી રેતીના કોથળા ખસેડવા લાગ્યો.થોડી મિનિટોમાં એ કાર્ય પૂરું થયું. પછી ખલાસી ટોપલામાં આવીને બેઠો.

હવે બલૂન માત્ર દોરડાને આધારે ટક્યું હતું. દોરડું કાપી નાખવાની સાથે જ બલૂન આકાશમાં ચડી જવાનું હતું. એકાએક એક કૂતરો કૂદીને ટોપલામાં પેઠો. તે હાર્ડિંગનો પ્રિય કૂતરો ટોપ હતો. માલિકના ગયા પછી સાંકળ તોડાવી તે અહી આવી પહોંચ્યો હતો.

કેમ, કૂતરો ભારે નહિ પડે ને?” હાર્ડિંગે પૂછ્યું.

ના રે ના! તેનાથી કંઈ ફેર નહિ પડે . ભલે રહ્યો.ખલાસીએ જવાબ આપ્યો.

પેનક્રોફટે રેતીના બે કોથળા દૂર ફેંક્યા. પછી ચપ્પુથી દોરડું કાપી નાખ્યું. તે સ્તાહે જ બલૂન છૂટ્યું.

મેદાનની પાસે જ એક ઊંચું મકાન આવેલું હતું. તેની બે ચીમની સાથે બલૂનનો ટોપલો જોરથી અથડાયો; અને બંને ચીમની તૂટી પડી.

બલૂનના મુસાફરોને ભયંકર વાવાઝોડાનો સામનો કરવો પડ્યો. રાતના તો બલૂનને નીચે ઉતારવાની કલ્પના ઈજનેર કરી શક્યો નહિ. સવારે ભયંકર ધુમ્મસ હતું. નીચેની પૃથ્વી જરાય દેખાતી ન હતી.

આ રીતે પાંચ દિવસ પસાર થયા. વાવાઝોડું ઘટ્યું અને તેઓ એક ઉજ્જડ ભૂમિ પર આવી પડ્યા. તેમાં પણ જમીન પર પગ મૂક્યો ત્યારે પાંચમાંથી ચાર જણા બાકી રહ્યા હતા. તેઓ પોતાના દેશથી સાત હજાર માઈલ દૂર હતા.

પણ એક સાથી ગૂમ થયો હતો કપ્રાન હાર્ડિંગ. તે તો આ સફરનો પ્રાણ હતો, સૌનો માર્ગદર્શક હતો.તેની પ્રેરણા અને કાર્યદક્ષતા ઉપર આધાર રાખીને તો આ સાહસ કર્યું હતું. એ મુખ્ય માણસ જ તેના કૂતરા સાથે ગૂમ થયો હતો.

કિનારા પર પગ મૂકતા જ ચારે જણા તેની શોધખોળ માટે તૈયાર થઈ ગયા.

***