Danak - 22 - Last part books and stories free download online pdf in Gujarati

ડણક ૨૨ અંતિમ ભાગ

ડણક

A Story Of Revenge.

ભાગ: 22 અંતિમ ભાગ

( કૂતરાં નાં ટોળાં થી બચીને કાનો અને એનાં મિત્રો નદી ઓળંગે છે ત્યારે મગરો દ્વારા અકુ ને મારી નાંખવામાં આવે છે.. આગળ એક ઝરણાં જોડે રાતવાસો કર્યા પછી સવારે સ્નાન કરતી વખતે ગાભુ ને સાપ કરડી જાય છે.. વિજય નાં કહેવાથી નિરો ગાભુ ને લઈ જંગલ ખાતા ની ચોકીએ જાય છે જ્યાં એને ખબર પડે છે કે વિજય નામનો કોઈ ફોરેસ્ટ ઓફિસર હકીકતમાં હોતો જ નથી પણ આવા જ નામ ધરાવતાં એક ઓફિસર ને એનાં સાવજ પ્રેમનાં લીધે મારી નાંખવામાં આવ્યો હતો એવું કાંતિકાકા જણાવે છે. સવારે આંખ ખુલતાં જ જુમન અને વિરજી સાવજ થી ઘેરાયેલાં હોય છે જેમની મદદ કરવા આવતાં કાના પર પણ ત્રીજો સાવજ હુમલો કરી દે છે.. એટલામાં વિજય આવી પહોંચે છે.. હવે વાંચો આગળ.. )

"વિજય સારું થયું તું આવી ગયો.. કાઢ રિવોલ્વર અને આ સાવજ ને ખતમ કર" વિજય ને જોતાંજ કાનો બોલ્યો.. કાના ની નજર હજુપણ સાવજ તરફ સ્થિર હતી.

"પણ કાના આ સાવજ જોડે તો બદલો લેવા તું આવ્યો હતો.. અમે તો તારી મદદે આવ્યાં છીએ.. તો પછી હું આ સાવજ ને મારી નાંખીશ તો તારો બદલો કેવી રીતે પૂરો થશે.. ?" વિજયે સવાલ કરતાં કહ્યું.

"ભાઈ એ બધું વિચારવાનું પડતું મુક.. અને મને અને વિરજી તથા જુમન ને બચાવ.. "વિજય ની વાત સાંભળી અકળાઈને કાનો બોલ્યો.

કાના ની વાત સાંભળી વિજયે પોતાની રિવોલ્વર કાઢી અને સાવજ ની તરફ નિશાન ધર્યું.. થોડીવાર સુધી વિજય એજ સ્થિતિમાં રહ્યો અને ફાયર કરવાની જગ્યાએ વિજય જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો.. એને આમ કરતો જોઈ કાનો, વિરજી અને જુમન ગુસ્સા અને નવાઈ સાથે એની સામે જોઈ રહ્યાં.

થોડીવાર સુધી વિજય આમ જોરજોરથી હસતો રહ્યો.. આવી વિકટ પરિસ્થિતિમાં પણ વિજય નું આ પ્રકારનું વર્તન અશોભનીય લાગી રહ્યું હતું.. થોડો સમય બાદ વિજયે વારાફરતી કાના, જુમન અને વિરજી તરફ જોઈને કહ્યું.

"શું વિચારો છો.. કે હું કેમ હસી રહ્યો છું.. એમ.. ?અરે મૂર્ખ લોકો તમે આ જંગલ માં શું કરવા આવ્યાં હતાં.. બદલો લેવા એ પણ આ સાવજ જોડે.. તમારાં માં અક્કલ નો છાંટો પણ નથી લાગતો.. આ ગીરનું જંગલ સિંહ નું છે.. આ જંગલનો રાજા છે સિંહ.. અને એનાં વિસ્તારમાં આવી એને મારવાની વાત તમે લોકો એ વિચારી જ કઈ રીતે શકો.. "પોતાનાં હાથ ફેલાવી વિજય બોલી રહ્યો હતો.. એની બોલવાની રીત અને એનાં અવાજ માં આવેલો ફરક કાના ની વિચિત્ર લાગી રહ્યો હતો.

"તો શું કરું હું.. મારી પત્ની અને મારાં થનારાં બાળક ને ભરખી જનારા આ સાવજ ને આમ જ જવા દઉં.. અરે એ સિવાય પણ કેટલાય બાળકો અને નિર્દોષો ની મોત નું કારણ બન્યો છે આ આદમખોર.. એટલે હું કોઈપણ ભોગે એને મારી ને જ રહીશ.. "કાનો પણ આવેશમાં આવીને બોલી રહ્યો હતો.

"બદલો.. તું કયા બદલાની વાત કરે છે કાના.. તારી પત્ની અને બાળક નાં.. તો સાંભળ બદલો તો આ સાવજે લીધો છે પોતાની માદા નો અને પોતાનાં થનારાં બાળકોનો.. "વિજયે કહ્યું.

"વિજય સાફસાફ સમજાય એવું બોલ.. તું કયા બદલાની વાત કરે છે.. ?"કાનો અકળાઈને બોલ્યો.

"કાના યાદ છે તે જુમન ને બચાવવા એક સિંહણ ને કરંટ આપી મારી નાંખી હતી.. એ આ સાવજ ની માદા હતી અને એ પણ તારી સેજલ ની જેમ ગર્ભવતી હતી.. આ સાવજે સેજલ ને મારી પોતાનો બદલો લઈ લીધો છે.. સેજલ ને તારાં કરેલાં કર્મો ની સજા મળી છે કાના આહીર.. માટે બદલો તો પૂરો થઈ ગયો માટે ભલાઈ એમાં છે કે તું તારાં સાથીદારો સાથે આ જંગલમાંથી નીકળી જા.. "વિજયે સલાહ અને ધમકીનાં મીશ્રીત સુરમાં કહ્યું.

વિજય ની વાત સાંભળતાં જ કાનો અને ત્યાં હાજર વિરજી તથા જુમન ઉંડા વિચારમાં ડૂબી ગયાં.. થોડો સમય ત્યાં સન્નાટો પ્રસરાયેલો રહ્યો.. આખરે કાનો બોલ્યો.

"હા માન્યું કે મારો વાંક હતો.. હું કબૂલ કરું છું કે મેં એ સિંહણ ને મારી નાંખી હતી.. પણ એમાં મારો વાંક નહોતો.. મેં જે મશીન નો ઉપયોગ જુમન ને બચાવવા માટે કર્યો એને બનાવનારા એ એવું કહ્યું હતું કે આમાંથી નીકળતો વીજ પ્રવાહ કોઈ પશુ ને ખાલી ઝાટકો આપશે.. જેથી એ ડરી ને આગળ ના વધે.. પણ એ દિવસે એ સિંહણ એક વખત વીજળીના તાર સાથે ચીપકી પછી છૂટી જ નહીં.. મેં મશીન બંધ કર્યું ત્યાં સુધીમાં એનું પંખેરું ઉડી ગયું હતું.. મને પણ મારી એ દિવસ ની ભૂલ નો હજુ પણ વસવસો છે.. "કાનો પોતાની સફાઈમાં બોલ્યો.

"પણ હવે જે થઈ ગયું એને તો રોકી શકાય એવું હતું જ નહીં.. જેમ તું તારી પત્ની અને બાળક નાં મોત નો બદલો લેવા અહીં સુધી લાંબો થયો એમ આ સાવજે પણ કર્યું.. જોડે એનાં બે સાવજ મિત્રો પણ જોડે આવ્યા જેમ તારી સાથે તારાં દોસ્તો આવ્યાં છે.. " વિજયે ચોખવટ કરતાં કહ્યું.

"હા પણ આ સાવજે ઘણાં નાનાં ભુલકાઓનો પણ ભોગ લીધો છે.. એમની શું ભૂલ હતી.. ?" કાના એ પૂછ્યું.

"કાના એ મરનારાં બાળકો જેનાં હતાં એમની ભૂલનાં લીધે જ એમનાં બાળકો મર્યા છે.. એ લોકો ની ભૂતકાળમાં જાણી જોઈ કરાયેલી ભૂલનાં લીધે કેટલાંય સિંહબાળ મૃત્યુ પામ્યાં હતાં.. ખેતરોમાં ખુલ્લાં રાખેલાં કુવા, ખુલ્લાં રેલવે ફાટકો, વીજ કરંટ જેવી માનવીય ભૂલોએ ઘણાં સાવજનાં બચ્ચાં ને મોતનાં મુખમાં ધકેલાયાં.. જે વિશે કોઈએ કોઈ ચિંતા ના કરી.. એ વિશે ના સરકાર ને કોઈ વિચાર આવ્યો ના ગામલોકોને.. "

"શું કોઈ પશુ મનુષ્ય ને મારે એમાં એમનું પાશવીપણું દેખાય પણ કોઈ માણસ પશુ ને મારે ત્યારે બધાં ચૂપ.. તમારી લાગણી લાગણી કેમકે તમારે લાગણી વ્યક્ત કરવા કુદરતે વાચા આપેલી છે.. જ્યારે આ મુક પશુઓની લાગણી ની કોઈ કદર જ નહીં.. શું એમની જીંદગી કરતાં તમારી જીંદગી વધુ ચડિયાતી છે.. શું તમને જ જીવવાનો અધિકાર છે.. "વિજય નો દરેક શબ્દ અત્યારે ચાબખા ની જેમ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો.. એનાં કોઈપણ સવાલ નો ત્યાં હાજર કોઈ જોડે જવાબ નહોતો.

વિજય ની વાત સાંભળી કાના, વિરજી અને જુમન નું માથું શરમથી ઝૂકી ગયું.. મનુષ્ય પોતાનાં મોજશોખ કે પોતાની અંગત જરૂરિયાતો સંતોષવા જે રીતે જંગલમાં રહેનારાં પ્રાણીઓને જે રીતે મારી રહ્યો હતો જે ખરેખર નિંદનીય અને ખોટું હોવાની લાગણી અત્યારે બધાં ને થઈ રહી હતી.

"વિજય, તારી વાત બિલકુલ સાચી છે.. એમ કહેવું કંઈ ખોટું નથી કે મનુષ્ય ધીરે ધીરે પશુ બની રહ્યો છે.. એનામાં માનવતા મરી પરવરી છે.. અમને માફ કરી દે.. "કાના એ બધાં વતી માફી માંગતા કહ્યું.

"કાના હું તને કે તારાં મિત્રોને કંઈપણ ના થાય એવી સાવધાની રાખતો આવ્યો છું.. મારાં લીધે જ નિરો બચ્યો અને મારાં લીધે જ ગાભુ પણ બચી ગયો હશે.. હા અફસોસ છે કે અકુ ને હું બચાવી ના શક્યો.. પણ તમને ત્રણેયને કંઈપણ નહીં થાય.. આ સાવજ તમને કંઈ નહીં કરે.. "વિજયે કહ્યું.

"એનો મતલબ આ સાવજ તારું કહ્યું માને છે.. ?"વિરજી એ સવાલ કર્યો.

"હા.. "આટલું કહી વિજયે ત્રણેય સાવજ ને હાથના ઈશારા વડે પોતાની તરફ બોલાવ્યાં એટલે એ ત્રણેય સાવજ વિરજી, જુમન અને કાના ની જોડે થી ખસી વિજય જોડે આવીને ઉભાં રહી ગયાં.. વિજય એમની કેશવાળીમાં હાથ ફેરવી રહ્યો હતો.. અને એ સાવજો પણ વિજય પર જીભ ફેરવી પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યાં હતાં.

વિરજી અને જુમન પણ કાના ની જોડે આવીને ઉભાં રહ્યાં અને વિજય જોડે ગેલ કરતાં એ સાવજો ને જોઈ રહ્યાં.. એમનો પ્રેમ જોઈને એ દરેકની આંખો માં હરખનાં આંસુ છલકાઈ ગયાં.જંગલી પ્રાણી અને માનવ વચ્ચેની આટલી બધી આત્મીયતા ખરેખર પ્રશંસનીય હતી.

અચાનક વાતાવરણ માં વ્યાપ્ત શાંતિ ને ચીરતો એક જીપ નાં એન્જીન નો અવાજ સંભળાયો.. કાના એ જોયું તો દૂરથી એક જીપ આપી રહી હતી જેનાં પર ગાભુ, નિરો અને બીજાં બે ફોરેસ્ટ ઓફિસર સવાર હતાં.. ગાભુ ને સ્વસ્થ જોઈ કાના ને રાહત થઈ.. પણ કાના એ સાથે એ પણ જોયું કે આગળ ઊભેલાં ઓફિસરનાં હાથમાં એક મોટી બંદૂક હતી.. આવી બંદૂકો જંગલી પશુઓનો શિકાર કરવા માટે વપરાતી હતી.

જેનું નિશાન સાવજો હતાં એ તરફ તકાયેલું હતું.. કાનો સમજી ગયો કે એ ઓફિસર સિંહો પર ગોળી ચલાવવાના છે.કાના એ એમને મોટે સાદે એમ ના કરવા બુમ પાડી પણ જીપનાં એન્જીનનાં અવાજમાં શક્યવત એમને સંભળાયું નહીં.

ફોરેસ્ટ ઓફિસરે સિંહ નું નિશાન લઈને ગોળી છોડી.. કાના એ તાત્કાલિક દોડીને પોતાની જાત ને એ ગોળી અને સિંહ ની વચ્ચે લાવી દીધી.. ગોળી નું અચૂક નિશાન કાના ની છાતી પર લાગ્યું અને ગોળી કાના નાં દેહ ની અંદર ઘુસી ગઈ અને કાના નાં મુખેથી એક દર્દભર્યો ચિત્કાર નીકળી ગયો.. કોઈ કંઈપણ સમજે કે કરે એ પહેલાં તો લોહી નીતરતા શરીરે કાનો જમીન પર ફસડાઈ પડ્યો.

કાના નાં આમ વચ્ચે આવી જવાથી ગોળી ચલાવનાર ઓફિસર પણ પસ્તાવો કરી રહ્યાં હતાં.. ગાભુ, વિરજી, નિરો, જુમન, બધાં દોડી કાનો જ્યાં પડ્યો હતો ત્યાં દોડતાં આવ્યાં.. વિરજી એ કાનાનું માથું પોતાનાં ખોળામાં મૂકી દીધું.

"એ ભાઈ તને કંઈ નહીં થાય.. અમે તને બચાવી લઈશું.. "ગાભુ કાના ની તરફ જોઈને બોલ્યો.

"મેં તો ગોળી સિંહ પર નિશાન લઈને ચલાવી હતી પણ તમારો ભેરુ વચ્ચે આવી ગયો.. પણ ચિંતા ના કરશો તમારાં ભેરુ ને જીપમાં નાંખો એને તાત્કાલિક દવાખાને લઈ જઈએ.. ડોકટર જરૂર એને બચાવી લેશે"ઓફિસર મુકેશ જેમને ગોળી ચલાવી હતી એ બોલી રહ્યાં હતાં.એમનાં અવાજમાં દુઃખ હતું.

"સાહેબ.. તમારી કોઈ ભૂલ નથી.. ભૂલ આપણી સૌની છે કે આપણે આ જંગલ ને પણ આપણી માલિકી નું સમજી રહ્યાં છીએ.. આ સાવજો તો એમની દુનિયામાં જીવી રહ્યાં છે પણ આપણે વારંવાર પોતાનાં મતલબ માટે એમને નુકશાન પહોંચાડી રહ્યાં છીએ.. હવે એમને કંઈ થાય એ મને પોશાય એમ નહોતું એટલે એમનામાંથી કોઈ મરે એ કરતાં હું મરું એ યોગ્ય હતું.. "ઓફિસર વિજયનાં હાથ પર પોતાનો હાથ મૂકી કાના એ કહ્યું.

"કાના તને આમ અમે મરવા તો નહીં દઈએ.. "વિરજી એ રડતાં રડતાં કહ્યું.

"એ વિરજી.. તું મરદ છે મરદ.. તારે આમ ના રડાય.. આમ પણ સેજલ વગર મારાં જીવવાનો કોઈ અર્થ નથી.. પણ તારે હવે આપણાં વિસ્તારમાં લોકોને જાગૃત કરી આવાં મુક પશુઓનું રક્ષણ કરવાનું છે.. "કાના એ કહ્યું.

"કાના તું વિજય વિશે ની હકીકત જાણે છે.. આ વ્યક્તિનું નામ વિજય નથી.. સાચો વિજય તો પંદર વર્ષ પહેલાં મરી ગયો છે.. "આટલું કહી ગાભુ એ કાંતિકાકા દ્વારા કહેલી વિજય ની બધી હકીકત જણાવી દીધી.

એની વાત સાંભળી કાના એ વિજય અને સાવજ જ્યાં હતાં એ તરફ નજર કરી પણ ત્યાં કોઈ નહોતું.. બધાં એ જોયું તો વિજય અને એ ત્રણેય સાવજો અત્યારે જંગલમાં દૂર જતાં જણાયા.બધાં ને ધીરે ધીરે વિજય કોણ હતો એ સમજાઈ રહ્યું હતું.

કાના એ થોડું મગજ ઉપર જોર આપ્યું તો એને અમુક વસ્તુઓ યાદ આવતાં એ વિજય ની હકીકત સમજી ગયો હતો.. કૂતરાંઓ નું વિજય ને જોઈ ભસવું.. વિજય નો પડછાયો ના દેખાવો.. એનું પાણીમાં પ્રતિબિંબ ના દેખાવું.. આ બધું યાદ આવતાં કાના ને જ્ઞાત થયું કે હકીકતમાં વિજય જીવિત નહોતો.. પણ એની આત્મા અત્યાર સુધી એમની સાથે હતી.. મોત પછી પણ એ પોતાનો પ્રકૃતિ અને પશુ પ્રત્યેનો પ્રેમ એમનું રક્ષણ કરી નિભાવી રહયો હતો.

અચાનક કાના ને જોર ની આંચકી આવી અને એને છેલ્લો શ્વાસ લઈ લીધો.. ત્યાં હાજર દરેકની આંખો માં અત્યારે આંસુ હતાં.ગાભુ તો નાના બાળકની માફક રડી રહ્યો હતો.. ક્યાં પોતે સાવજ ને મારીને બદલો લેવાનું નક્કી કરી જંગલમાં આવવા વાળો કાનો અને ક્યાં એજ સાવજ માટે પોતાનો જીવ આપી દેનારો કાનો.

કાના નાં મૃતદેહને જંગલમાંથી જીપ માં એનાં ગામ લાવવામાં આવ્યો.. કાના ની મોત પર આખું ગામ હિબકે ચડ્યું હતું.. હકીકતમાં જંગલમાં શું બન્યું હતું.. ? એ વિશે તો ફક્ત એ બે ઓફિસર અને કાનાનાં એ મિત્રો જ જાણતાં હતાં.. પણ લોકો એ પોતાની જાતે જ એવું માની લીધું કે સાવજ સાથેનો પોતાનો બદલો પૂરો કરી કાના એ એને માર્યો અને પોતે પણ મોત ને ભેટ્યો.. !!

કાના ની મોત બાદ હિરલ નું શું થયું એ કોઈને ખબર નથી.. છેલ્લે કાના ની લાશ ને વળગીને એ પોક મૂકીને રડી હતી પછી એ ગામ મૂકીને એજ રાતે ક્યાંક ચાલી ગઈ. લોકો કહે છે કાના ની પાછળ એને નદીમાં પડતું મૂકી જીવ આપી દીધો તો કોઈ કહે છે એ હરિદ્વાર જઈને સાધ્વી બની ગઈ.. પણ સત્ય શું છે એ વાત થી બધાં અજાણ જ છે.

પોતાને સાવજ નાં આતંક થી છોડાવનારા કાના ની ગામલોકો દ્વારા ખાંભી બનાવવામાં આવી જેનાપર લોકો ફૂલો ચડાવવા જાય છે.આજે પણ પંથક માં લોકો પોતાનાં બાળકો ને કાના નાં સાહસ ની કથા કહે છે… આજેપણ વિજયની આત્મા જંગલના વસતાં દરેક જીવની પોતાની રીતે રક્ષા કરી રહી હતી.. !!

કાના ની છેલ્લે કહેલી વાત સાંભળી વિરજી એ સરકાર ની અને સ્થાનિક લોકો ની મદદ વડે સિંહોના અકારણ મૃત્યુ માટે જવાબદાર કુવા, ખુલ્લાં રેલ ફાટકો બંધ કરાવી દીધાં.. વીજ કરંટ નો ઉપયોગ કરતાં લોકોને જાગ્રત કરી એમને આ બધું રોકવા સમજાવ્યા.. આ રીતે વિરજી પણ પોતાનાં ભેરુ ની મોત ને સાર્થક બનાવી રહ્યો હતો.. !!

આજેપણ ગીરના જંગલ પર સિંહ નું જ રાજ હતું.. આજે પણ વનકેસરી નું આધિપત્ય જ જંગલનાં દરેક ખૂણે વર્તાતું હતું.. આજેપણ સાવજ ની ડણક પર આખું જંગલ ફફડી જતું.. આજેપણ આ ડણક લોકો ને એ સમજાવતી રહેતી કે જંગલ પર ખરો હક કોનો છે.. !!!

Save wild animal and environment.. .

આ સાથે મારી આ નવલકથા ને અહીં જ પૂર્ણવિરામ આપું છું.. શરુવાતથી જ જે રીતે વાંચકો નો પ્રેમ અને પ્રતિભાવ મળ્યો એ બદલ સર્વે વાંચકો નો આભાર.

આ નવલકથા નું સ્થળાંકન યોગ્ય છે પણ ત્યાં હકીકતમાં આવી કોઈ ઘટના બની નથી.. આ નવલકથા એક કાલ્પનિક વિચાર છે.. જે સમાજ માં પ્રવર્તમાન નાત જાત ના ભેદભાવ, સાચી મિત્રતા ની વ્યાખ્યા, પ્રેમ માટે ની તડપ, પ્રકૃતિ પ્રેમ અને પ્રાણીઓ સાથે થતાં અત્યાચાર ને ઉજાગર કરે છે..

જ્યારે આ નવલકથા લખવાની ચાલુ કરી ત્યારે એનો અંત આવો નહોતો જ વિચાર્યો.. એક સરળ પ્રેમ ની કહાની અને એનો સીધેસાદો અંત થાય એવી સ્ટોરી હતી.. પણ મારા મોટા ભાઈ જતીન. આર. પટેલ ની સલાહ અને સહકાર થી આ નવલકથા ને એક અર્થસભર અને સંદેશો આપતી નવલકથા માં પરિવર્તિત કરી શકી.

આપ આ સિવાય માતૃભારતી પર મારી અન્ય નોવેલ 'દિલ કબૂતર' અને 'રૂહ સાથે ઈશ્ક' પણ વાંચી શકો છો.. આવતાં સપ્તાહ થી આપ વાંચી શકશો એક હૈયું ધ્રુજાવી મુકતી હોરર નોવેલ "અનામિકા : કહાની એક ડાકણ ની.. "

ઓથર: દિશા. આર. પટેલ