Murder's Murder - Making - Part 5 (Final Part) books and stories free download online pdf in Gujarati

મર્ડરર'સ મર્ડર - મેકિંગ - ભાગ ૫ (અંતિમ ભાગ)

9. વાર્તામાં ઉલ્લેખ થયેલી તારીખો બાબતે...

મર્ડરર’સ મર્ડર વાર્તાની શરૂઆત 25 ઓક્ટોબર 2017થી થાય છે, પરંતુ વાર્તામાં બની રહેલી ઘટનાઓ, તે તારીખો આવ્યા પહેલા જ લખાઈ ચૂકી હતી. ભાવિ મહિનાના કેલેન્ડર પેજને નજર સામે રાખીને હું વાર્તા લખતો ગયો હતો.

વિક્રમ સંવત ૨૦૭૪ના પહેલા મહિનામાં બે ચોથ છે તે જાણીને મેં તેનો ઉલ્લેખ કરવાનું નક્કી કર્યું હતું. મેં એ પણ ધ્યાન રાખ્યું હતું કે ગુનેગાર/ગુનેગારોની ધરપકડ થતા જ તેઓ/તેમના પરિવારજનો સારો વકીલ રોકી જામીન મેળવવાની તજવીજ કરશે. હા, તેમની ધરપકડ રજાના દિવસે થાય તો તેઓ કે વકીલ કંઈ ન કરી શકે. માટે મેં, મોટાભાગના ગુનેગારોની ધરપકડ ચોથા શનિવાર અને રવિવારે કરાવી. (બીજો તો વાંધો ન્હોતો, પણ તેમને જામીન મળી જાય તો મારી વાર્તા અટકી પડે ને !)

જોકે, પાછળથી જાણવા મળ્યું કે, ગુજરાતની કોર્ટોમાં ૨૨ લાખ કેસો પેન્ડિંગ પડી રહ્યા હોવાથી, ગુજરાત ન્યાયતંત્રએ બીજા અને ચોથા શનિવારે નીચલી અદાલતો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આમ તો આ સારી વાત હતી, પણ તે જાણીને મારા ધબકારા વધી ગયા. મને લાગ્યું કે જો ખરેખર તેમ હશે તો ચોથા શનિવારે ધરપકડ કરાયેલા તમામ આરોપીના જામીન થઈ શકશે ! પછી, હું બે અલગ અલગ વકીલોને મળ્યો. તેમણે કહ્યું, “બીજા અને ચોથા શનિવારે તમામ કોર્ટ બંધ જ હોય છે.” (મેં જાણેલી વાત અમુક સમય માટે લાગુ કરાઈ હતી કે ખોટી હતી તે જાણવાની જરૂર ન જણાઈ.)

વળી પાછું, મને સાંભળવા મળ્યું કે રજાના દિવસે પણ ગુનેગારના જામીન થઈ શકે. મેં ફરી વાર ઍડવોકેટનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, “આપે સાંભળેલી વાત સાચી છે. પરંતુ, ગુનેગાર પર મર્ડરનો ચાર્જ લાગ્યો હોય તો તેને કોર્ટમાં હાજર થયા સિવાય જામીન ન મળે. આપના કિસ્સામાં (આપના એટલે મારા નહીં, વાર્તાના કિસ્સામાં) ગુનેગાર/ગુનેગારો પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે એટલે ઊઘડતી કોર્ટ સુધી તેમના જામીન ન થઈ શકે !”

હાશ... ભલે, વાર્તાના ગુનેગારો સાથે મારે અંગત દુશ્મની ન હતી, છતાં તેમને જામીન નહીં મળે તે જાણીને મને આનંદ થયેલો, ફટાકડા ફોડવાનું મન થયું હતું.

એ સિવાય વાર્તામાં એક જગ્યાએ (પુરુષ પાત્ર એવું નિવેદન આપે છે કે સ્ત્રીએ તેના પર બળાત્કાર કર્યો હતો તે જગ્યાએ) બાર વર્ષ પહેલા સળંગ ત્રણ રજાઓ આવવાનો ઉલ્લેખ કર્યો છે, 2006ના ઓગસ્ટ મહિનાની તે તારીખો મેં દસ વર્ષના કેલેન્ડર ફેંદીને લખી હતી.

10. ડાયલૉગ્સ વધુ રસપ્રદ બની શક્યા કારણ કે...

મર્ડરર’સ મર્ડરના શરૂઆતી ડ્રાફ્ટ લખ્યા પછી અમને (મને અને હાર્દિક કયાડાને) એમ કે કામ પૂરું થઈ ગયું છે. એવામાં ‘ભાણગઢ – એક પ્રેતકથા’ પુસ્તકના લેખક એકતાબેન દોશીનો મારા અન્ય સર્જન પરનો રિવ્યૂ આવ્યો. મોટાભાગના ક્રિટિક (ભલે પોતે કોડીની કીમતનું ય સર્જન ન કર્યું હોય તો ય) જાણે પોતાને જ બધી ખબર પડતી હોય તેમ સર્જકને તોડી પાડતા હોય છે. પરંતુ એક્તાબેને સારા ક્રિટિકની જેમ, કૃતિની મજબૂત વાતો પર પ્રકાશ પાડ્યા પછી જરૂરી ટીકાઓ કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લખ્યું હતું, “ડાયલૉગ્સ નબળા લાગ્યા, તમારે તેના પર વધુ મહેનત કરવી જોઈએ.”

આ વાત જાણે બોલ્ડ અક્ષરોમાં અન્ડરલાઇન કરીને લખાઈ હોય તેમ મારા દિમાગ પર છવાઈ ગઈ અને મેં તેને ચૅલેન્જ તરીકે સ્વીકારી. પછી, ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’માં અજય દેવગણ સાહેબ જે સિક્સરો મારે છે તેવા ડાયલૉગ્સ લખવાનું નક્કી કર્યું. (એમાં શું છે કે ધ્યેય હિમાલય ચડવાનો રાખીએ તો બિલ્ડીંગના ત્રીજા માળ સુધી તો લિફ્ટ વાપર્યા વગર ચડી જ શકાય !)

જોકે, મારે ડાયલૉગ્સ એમ જ ન્હોતા ઉમેરવા. તેથી, ડાયલૉગ્સ લખતા પહેલા હું દરેક પ્રકરણ પાંચ – સાત વાર વાંચતો, કઈ કઈ જગ્યાએ કેવા ડાયલૉગ્સ ઍડ થઈ શકે છે તે વિચારતો અને પછી પચીસ જાતના ડાયલૉગ્સ લખી તેમાંથી બે-ચાર પસંદ કરતો. વળી, ડાયલૉગ્સ ઍડ થઈ ગયા પછી હું તે પ્રકરણ ફરી પાંચ-સાત વાર વાંચતો અને ડાયલૉગ વાર્તાનો ફ્લો નથી તોડતા ને, ઑડ અથવા બિનજરૂરી નથી લાગતા ને, તેવું ચેક કરતો. આખી નોવેલ રી-રાઈટ થઈ ગયા પછી ય મેં તે એક બેઠકે બે વાર વાંચી હતી, જેથી હજુ ય કોઈ બિનજરૂરી કે વિચિત્ર ડાયલૉગ રહી ગયા હોય તો તેના રામ રમાડી શકાય. (આ કામ કરવામાં મારા છોતરા નીકળી ગયા હતા. મર્ડરર’સ મર્ડરનો પહેલો ડ્રાફ્ટ 60 દિવસમાં લખાઈ ગયો હતો અને તેને રી-રાઈટ કરી ડાયલૉગ્સ એડ કરવામાં 75 દિવસ લાગ્યા હતા.)

એ સિવાય, એકતાબેનના પ્રતિભાવને ચૅલેન્જ તરીકે સ્વીકારી મેં મર્ડરર’સ મર્ડર રી-રાઈટ કરવાનું શરૂ કર્યું ત્યારે, એક લેખકનું થ્રિલર પુસ્તક મારા હાથમાં આવ્યું હતું. જેમ જેમ હું તે વાંચતો ગયો તેમ તેમ મને લાગ્યું કે પુસ્તકમાં સાવ બિનજરૂરી અને રિપીટ વર્ણનો થયા છે, જે વાચકની મજા બગાડી નાખે છે. મહામહેનતે હું તે પુસ્તક અડધું વાંચી શક્યો અને તેને બાજુ પર મૂકી દીધું. પણ, તે ભંગાર પુસ્તકની મારા પર એવી અસર થઈ કે મારા ડ્રાફ્ટમાં પણ મને કેટલાય વર્ણનો અને સંવાદો બિનજરૂરી લાગવા લાગ્યા. આથી, મેં તે વર્ણનો ધડાધડ ઉડાડ્યા. આપને જાણીને આશ્ચર્ય થશે કે વાર્તામાં 100થી વધુ ડાયલૉગ્સ ઍડ કરવા છતાં આખી નોવેલ રી-રાઈટ થઈ ત્યારે તેમાં 6૦૦૦ જેટલા શબ્દો (કુલ વાર્તાના 1૦% જેટલા) ઓછા થઈ ગયા હતા. (આ અનુભવથી હું શીખ્યો કે જેને સારું લખવું હોય તેણે ભંગાર પુસ્તકો ય વાંચવા જોઈએ, જેથી શું ન લખવું તેનો ય ખ્યાલ આવે !)

11. અંત આવો ચોંકાવનારો કેવી રીતે બની શક્યો ?

મર્ડરર’સ મર્ડર પચ્ચીસ વાર રી-રાઈટ થઈ ત્યાં સુધી મેં મુખ્ય વિલનને (હાલમાં, એકાવનમાં પ્રકરણમાં જે વિલન નીકળે છે તેને) નિર્દોષ જ બતાવ્યો હતો. ત્યાં સુધી વાર્તા ચોપ્પન પ્રકરણની નહીં પણ બાવન પ્રકરણની જ હતી. પણ, તેમાં નોવેલ પૂરી થયા પછી ‘ખાયા-પીયા-રાજ કીયા’ જેવી ફીલિંગ આવતી હતી. હવે સાચું કહું તો, હું આ નોવેલને ક્રિકેટની સ્ટેડી મેચ જેવી બનાવવા ન્હોતો માંગતો, પણ 2016ના ટ્વેંટી ટ્વેંટી વર્લ્ડકપની ફાઇનલ જેવી બનાવવા માંગતો હતો. છેલ્લે સુધી લાગે કે ઇંગ્લેન્ડ જીતી જશે અને વીસમી ઓવરમાં પૂછડીયો બ્રાથવેઇટ ચાર છગ્ગા મારીને બાજી પલટી નાખે તો કેવી મજા આવે ! ધાર્યા કરતા ઊલટું થાય તો વાચકોને રોમાંચ આવે અને વાચક ખુશ તો લેખક ખુશ. માટે, ‘ખાયા-પીયા-રાજ કીયા’ જેવું નહીં પણ ‘બહુત ઘુમાકર ઉલ્લુ બનાયા’ જેવો અંત લાવવા નોવેલ ફરી રી-રાઈટ કરી. (આવું તો કેટલીય વાર થયું હશે. એમ લાગે કે ‘હાશ, નોવેલ પૂરી’ અને કોઈ લુપહોલ દેખાય અથવા નોવેલને વધુ સારી બનાવવાનો આઇડિયા મળે. પછી, અકળામણ અને કંટાળા સાથે નોવેલ ફરીવાર લખીએ !) જોકે, તેમ કરવું સહેલું ન હતું. મૂળ વાર્તામાં ઓછામાં ઓછા ફેરફાર સાથે ધારેલું પરિણામ લાવવા અમે દ્વિઅર્થી સંવાદોનો ઉપયોગ કર્યો. વાચકોએ નોટિસ કર્યું હશે કે વાર્તામાં બે જગ્યાએ અમે તેવા સંવાદો મૂક્યા છે જેના દ્વારા મુખ્ય વિલન પોલીસને ખો આપી શકે છે.

****

એ સિવાય, ડૉગ સ્કવોડમાં વપરાતા ડૉગ, ફોરેન્સિક ટીમના સાધનો, તેમની કાર્ય પદ્ધતિ, સ્ત્રી-પુરુષની પદ-રચનાની ભિન્નતા, પીએમ(પોસ્ટ્મૉર્ટમ) રિપૉર્ટ વગેરે અનેક બાબતો માટે મેં અને હાર્દિક કયાડાએ અઢળક સર્ચ કર્યું હતું. વડોદરાના વિસ્તારોની ઝીણવટ માટે (ગુગલ મેપ સિવાય) ત્યાં રહેતા મિત્રો ભાવિક ભેસાણિયા અને અજય સયાનીની મદદ લીધી હતી. વાર્તામાં વપરાયેલા એક એક શબ્દની જોડણી સાર્થ અથવા લેક્સિકોન શબ્દકોશમાં તપાસી હતી. (આ તમામ બાબતોને ચોકસાઈપૂર્વક લખવામાં મેં જેમનો ઉલ્લેખ કર્યો છે તે તમામ એક્સપર્ટ્સ અને જેમનો ઉલ્લેખ નથી કર્યો તેવા અનેક મિત્રોએ ખૂબ મદદ કરી છે. વળી, સર્ચ કરવા છતાં જે ભૂલો રહી ગઈ તે બાબતે ભાવિક રાદડિયા, મનહરભાઈ ઓઝા, આનંદભાઈ શાહ અને સંદિપ કનેરિયાએ ધ્યાન દોર્યું હતું. સાઠ હજાર શબ્દોની મર્ડરર’સ મર્ડર વાર્તાનો સાર જાણે એક જ ટાઇટલમાં સમાવી લીધો હોય, તેવું અદ્ભુત અને આકર્ષક કવર ડિઝાઇન કરી આપનાર મિત્ર રોનક ઘેલાણીનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે.) છતાં, ‘આ નોવેલમાં એક પણ ભૂલ નથી’ એવો મારો કોઈ દાવો નથી. (દુનિયાની કોઈ પણ રચના પરફેક્ટ હોઈ જ ન શકે, તે સર્જાઈ તેના કરતા વધુ સારી રીતે સર્જાઈ શકી હોત તે કડવું અને ન પચે તેવું સત્ય છે.) માટે, વાર્તા વાંચતી વખતે આપના ધ્યાન પર કોઈ ટૅકનિકલ કે લોજિકલ ભૂલો આવી હોય તો મને imhardikkaneriya@gmail.com પર લખી મોકલજો. અમે તે ભૂલો દૂર કરી વાર્તાને વધુ સારી, સચોટ બનાવવા પ્રયાસ કરીશું.

અને છેલ્લે... આ બધું વાંચીને આપને લાગ્યું હોય કે વાર્તાના લેખક અને લેખકના મિત્રોએ કૃતિને સુંદર બનાવવા અથાગ મહેનત કરી છે, અને ખરેખર વાર્તા દમદાર રીતે લખાઈ છે તો પાંચ માણસોને આ નોવેલ વિશે જણાવજો. આપ તેમ કરશો તો અમારી મહેનત લેખે લાગી ગણાશે.

(મેકિંગ સમાપ્ત)

મિત્રો, મર્ડરર’સ મર્ડર રહસ્યકથા પૂરી થવામાં હતી ત્યારે કેટલાય વાચકોએ જે તે પ્રકરણના કમેન્ટ બોક્સમાં તેમજ મને ફેસબુક અને વ્હોટ્સએપ પર મેસેજ કરીને ઝડપથી કોઈ બીજી રોમાંચકથા લાવવા વિનંતી કરી હતી. જોકે, મેં આ માટે પહેલાથી જ તૈયારી કરી રાખી હતી. માટે, આપે મારી નવી કૃતિ વાંચવા એક પણ દિવસની રાહ નહીં જોવી પડે. જી હા, આવતીકાલથી જ – મતલબ, તારીખ 14/11/2018ના બુધવારથી મર્ડરર’સ મર્ડર’ના ટાઇમે ‘ડૉક્ટર ડૂલિટલ – પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા’ પ્રકાશિત કરવામાં આવશે. ખૂબ જ વખણાયેલી, વિશ્વની વાંચવા લાયક ૫૦૦ કૃતિઓમાં સ્થાન પામેલી, જેના પરથી બબ્બે અંગ્રેજી ફિલ્મો બની ચૂકી છે, તેવી ‘The Story of Doctor Dolittle’નો તે ગુજરાતી ભાવાનુવાદ છે. જોકે, ભલે તે ભાવાનુવાદ છે, પણ આપને જબરદસ્ત મજા કરાવે તેવો દમદાર છે. તો કાલે સાંજે સાત વાગ્યે માતૃભારતી વેબ અને એપની મુલાકાત લેવાનું ભૂલતા નહીં.