Ghar chhutyani veda - 38 books and stories free download online pdf in Gujarati

ઘર છૂટ્યાની વેળા - ભાગ ૩૮

ભાગ -૩૮

        અનિલભાઈએ સરસ્વતી દ્વારા આપેલો નંબર ડાયલ કર્યો.. સામા છેડેથી રોહનનો અવાજ આવ્યો...
"હેલો.."
અનિલભાઈ : "હેલ્લો, કોણ રોહન વાત કરે છે ?"
રોહન : "હા, સર.. હું રોહન બોલી રહ્યો છું, આપ કોણ ?"
અનિલભાઈ : "બેટા, અનિલ બોલું છું."
અનિલભાઈના બેટા કહેવા ઉપર રોહન એકદમ વિચારમાં પડી ગયો, વરુણના પપ્પા મમ્મી સિવાય કોઈ તેને બેટા નહોતું કહેતું, પહેલીવાર કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને બેટા સંબોધન કરી બોલાવ્યો. 
રોહન : "સોરી સર, મને આપની ઓળખાણ ના પડી  !"
અનિલભાઈ : "હું અવંતિકાના પપ્પા બોલું છું."
અવંતિકાનું નામ સાંભળતા રોહન ખુરશીમાંથી એકદમ ઊભો થઈ ગયો, તેના મનમાં અસંખ્ય વિચારો દોડવા લાગ્યા, "અવંતિકાના પપ્પા એ કેમ ફોન કર્યો હશે ? અને તે પણ આટલા વર્ષો બાદ ? શું મારા કારણે અવંતિકાના જીવનમાં તો કોઈ પ્રોબ્લેમ નહિ આવ્યો હોય ?" થોડીવાર માટે તો એ સુન્ન થઈને કઈ બોલ્યા વગર જ ઊભો રહી ગયો.
રોહનના મૌન ને જોઈ અનિલભાઈ કહેવા લાગ્યા :
"રોહન, મારે તારી જરૂર પડી છે આજે એટલે હું તને ફોન કરી રહ્યો છું, ઘણું શોધ્યા બાદ તારો નંબર મળ્યો. એક તું જ છે જે અમને મદદ કરી શકે છે."
અનિલભાઈની મદદની વાત સાંભળી રોહનના મનમાં બીજા વિચારો ચાલવા લાગ્યા "અવંતિકાના પપ્પાને મારી શું મદદ જોઈતી હશે ??" એટલે તેને પૂછ્યું...:
"અંકલ, હું આપની શું મદદ કરી શકું ?"
અનિલભાઈ : "વાત ઘણી લાંબી છે બેટા, જો તારી પાસે સમય હોય તો આપણે રૂબરૂ જ મળી ને વાત કરી શકીએ ?"
રોહન : "ચોક્કસ અંકલ, તમે કહો ત્યાં હું તમને મળવા આવી જાઉં."
અનિલભાઈ : "હું અત્યારે લંડનમાં છું, અને અમારી એક છેલ્લી આશા તું જ છે. હું આવતી કાલે જ ઇન્ડિયા આવવા માટે નીકળું છું. તને મળવા." 
રોહન જવાબમાં કઈ બોલી શક્યો નહિ. માત્ર "ઓકે" કહી અને વાત પૂર્ણ કરી.
ફોન પૂરો થયા બાદ રોહનના મનમાં વિચારોનું ઘોડાપુર ફરી વળ્યું. અચાનક આમ અવંતિકાના પપ્પાનો ફોન આવવો, તેમનું મળવા માટે કહેવું, પોતાની મદદ અને રોહન જ એમની છેલ્લી આશા હોવી એ વાત વિશે રોહનને ઘણી મૂંઝવણ થવા લાગી. આખી રાત તેને વિચારોમાં વિતાવી. બીજા દિવસે કામમાં પણ એટલું મન ના લાગ્યું. કેટલીક મિટિંગ તેને કેન્સલ કરી નાખી. ત્રીજા દિવસે રોહનના ફોનમાં અનિલભાઈનો ફોન આવ્યો. અને મળવા માટે સ્થળ નક્કી કર્યું. રોહને તેમને કલબનું નામ આપી ત્યાં આવી જવાનું કહ્યું.
રોહન અનિલભાઈ પહેલા કલબ પહોંચી ગયો ત્યાં રિસેપશન સામેના વેઇટિંગ એરિયામાં બેસી અનિલભાઈની રાહ જોવા લાગ્યો. અવંતિકાને એક બે વાર કૉલેજમાં અનિલભાઈ મુકવા માટે આવ્યા હતાં માટે થોડોઘણો તેમનો ચહેરો રોહનને યાદ હતો.  ક્લબનો ગેટ માંથી અનિલભાઈની એન્ટ્રી થતા જ રોહન ઊભો થઈ તેમની સામે ગયો અને કહ્યું : 
"તમે જ અનિલ અંકલ ?"
અનિલભાઈ : "હા, હું જ અનિલ. તું રોહન છે ?"
અનિલભાઈ રોહનને પહેલીવાર જોઈ રહ્યાં હતાં, તેમને કલ્પના નહોતી કે રોહનનું વ્યક્તિત્વ આ પ્રકારનું હશે, બ્રાન્ડેડ કપડાં, શૂઝ અને એક અલગ પ્રતિભા જોઈ અનિલભાઈ રોહનને જોઈ અંજાઈ ગયા.
 "હા અંકલ, હું રોહન."  જવાબ આપી અનિલભાઈના ચરણ સ્પર્શ કર્યા. અનિલભાઈને પહેલા માળ ઉપર આવેલ કેફે એરિયામાં લઈ જઈ આદર પૂર્વક બેસાડ્યા. અને પૂછ્યું :
"શું લેશો અંકલ, ચાય, કોફી કે કોલડ્રિન્ક ?"
અનિલભાઈ : "મદદ લઈશ બેટા તારી."
અનિલભાઈના આવા શબ્દો સાંભળી રોહન ચોંકી ઉઠ્યો.તેમના હાથમાં પોતાનો હાથ મુકતા કહેવા લાગ્યો :
:"હા, અંકલ, હું પ્રોબ્લેમ નથી જાણતો છતાં હું આપને ચોક્કસ મદદ કરીશ. પણ એ પહેલાં તમે કઈ લો."
રોહનના આગ્રહથી અનિલભાઈએ કોફી ઓર્ડર કરવા માટે કહ્યું. 
રોહને વાત જાણવાની ઉત્સુકતા બતાવી. બોલતા પહેલાં જ અનિલભાઈની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. રોહન સમજી ગયો કે વાત ખૂબ જ દુઃખદ છે એટલે તેમને હિંમત આપતા કહ્યું ; 
"અંકલ, તમે વિના સંકોચે જણાવો."
અનિલભાઈએ ધીમે ધીમે અવંતિકાના લગ્ન બાદ અને રોહિતના અકસ્માતની વાત કરી. ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં અવંતિકા હજુ રોહિતની રાહ જોઈ રહી હોવાનું જણાવ્યું.  રોહનને પણ તેમની વાત સાંભળી ખૂબ જ દુઃખ થયું. તેની આંખોમાં પણ આંસુ છલકાઈ આવ્યા. પણ હજુ અનિલભાઈએ રોહનને જણાવ્યું નહોતું કે રોહન તેમની શું મદદ કરી શકે ? માટે રોહને પૂછ્યું :
"અંકલ, હું આપની શું મદદ કરી શકું ?"
"અમે અવંતિકાને ખૂબ સમજાવી બીજા લગ્ન માટે, પણ એ રોહિત પાછો આવશે એ આશાએ બેઠી છે, અમે તો એના પાછા આવવાની આશા છોડી જ દીધી છે. પણ અવંતિકા માનવા માટે તૈયાર નથી. માટે હવે અમારા માટે છેલ્લો રસ્તો તું જ બાકી છે. તું જ એક છું જે અવંતિકાને સમજાવી શકે છે અને સાચવી પણ શકે છે. અમે અવંતિકાનું જીવન અમારી આંખો સામે બરબાદ થતાં ના જોઈ શકીએ. અને તારા વિશે પણ મેં જાણ્યું છે કે તું અવંતિકાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેના કારણે જ હજુ સુધી તે બીજા લગ્ન નથી કર્યા. માટે બેટા પ્લીઝ, અમારી માટે અવંતિકાને અપનાવી લે" અનિલભાઈ આંખોમાં આંસુ સાથે રોહન સામે બે હાથ જોડી કહેવા લાગ્યા.
રોહન તેમના જોડેલા બે હાથને અલગ કરતાં કહેવા લાગ્યો :
"અવંતિકાના જીવન વિશે સાંભળી મને ખુબ જ દુઃખ થયું, મેં ક્યારેય એવી કલ્પના પણ નહોતી કરી કે તેના જીવનમાં આમ બનશે. જ્યારથી હું અને અવંતિકા અલગ થયા ત્યારથી મેં એનો કોઈ સંપર્ક કર્યો નહિ. કારણ કે હું મારા કારણે અવંતિકાના જીવનમાં કોઈ તકલીફ આવે એમ કરવા નહોતો માંગતો, હા મેં અવંતિકા વિના જીવી અને ક્યારેય લગ્ન નહિ કરવાનું નક્કી કરી લીધું હતું. હું મારા લક્ષ માટે આગળ વધ્યો. આજે મારી પાસે બધું જ છે. બસ ખાલી એક પ્રેમની ખોટ મારા જીવનમાં બાળપણથી રહી ગઈ છે."
અનિલભાઈ : "કિસ્મત આગળ કોનું ચાલ્યું છે ? કદાચ ઈશ્વરની પણ એજ ઈચ્છા હશે કે અવંતિકા તને પાછી મળે, એટલે જ તું પણ તારા જીવનમાં બીજા કોઈને સ્થાન આપી શક્યો નહિ. ભૂલ અમારી પણ છે. મેં તને મળ્યા પહેલા, ઓળખ્યા પહેલા જ રોહિત સાથે અવંતિકાના લગ્ન કરાવી દીધા."
રોહન : "ના અંકલ. એમાં ભૂલ તમારી નથી, તમે તો એનું સારું વિચારી ને જ એના લગ્ન રોહિત સાથે કરાવ્યા હતાં. જે બન્યું એમાં તમારો કોઈ વાંક નથી. પણ આ તમે જે અત્યારે વિચારો છો એજ બહુ મોટી વાત છે. હું તમારો સાથ આપીશ અને અવંતિકાને મળી અને સમજાવીશ."
રોહનની વાત સાંભળી અનિલભાઈને ખુશી થઈ તેમને રોહનનો આભાર વ્યક્ત કર્યો અને લંડન આવવા માટે જણાવ્યું. રોહનના મનમાં પણ આ તક વહેલી તકે ઝડપી લેવાનું મન થયું. અવંતિકાના દુઃખને જાણ્યા બાદ તે હવે તેને વધુ દુઃખી જોઈ શકે એમ નહોતો માટે તેમની સાથે જ લંડન પાછા આવવા માટે સહમતી દર્શાવી. અને ક્લબમાંથી છુટા પડ્યા.
અનિલભાઈએ સુમિત્રાને ફોન કરી બધી વાત જણાવી. સુમિત્રા પણ આ વાતથી ખુશ થઈ. રોહને પણ ઘરે જતાં પહેલાં જ વરુણને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. વરુણે તેને પોતાના ઘરે જ બોલાવી લીધો. અનિલભાઈ સાથે થયેલી બધી જ વાત વરુણને કરી. મિત્રના જીવનમાં ફરી એકવાર ખુશીઓ આવતી જોઈ વરુણને પણ ઘણો આંનદ થયો. રોહને વરુણને થોડા દિવસ બિઝનેસને સાચવી લેવા કહ્યું. વરુણે પણ તૈયારી બતાવી. કેટલાક કામ અને મિટિંગ જે રોહન વિના શક્ય નહોતી તે રોહને કેન્સલ કરાવી. રોહન લંડન જવા માટે ઉતાવળો થઈ રહ્યો હતો.
ત્રણ દિવસમાં વિઝા માટેની બધી કામગીરી પૂર્ણ કરી રોહન અને અનિલભાઈ લંડન જવા માટે નીકળ્યા. અનિલભાઈને આનંદ હતો કે રોહન તેમની સાથે આવી રહ્યો છે, તેમને ગળા સુધી વિશ્વાસ હતો અવંતિકા રોહનને જોઈ થોડી પીગળશે. બસ હવે તે રાહ જોઈ રહ્યાં હતાં રોહન અને અવંતિકા બંને એકબીજાની સામે આવે. 
લંડન પહોંચી અનિલભાઈએ રોહનને પોતાના ઘરે જ રોકાઈ જવા માટે કહ્યું પણ રોહને હમણાં ના કહ્યું. તેને એક હોટેલમાં બુકિંગ કરાવ્યું. એરપોર્ટથી રોહન હોટેલ તરફ અને અનિલભાઈ પોતાના ઘર તરફ જવા રવાના થયા.  અવંતિકાને કઈ રીતે મળવું તેનું આયોજન ફોન ઉપર જ નક્કી કરવાનું રાખ્યું.
લંડનમાં પહોંચી રોહનની આંખોની ચમકમાં વધારો થયો હતો, અવંતિકા સાથે વર્ષો બાદ થવાના મિલનના સપનામાં તે ખોવાયેલો હતો. આટલા વર્ષો બાદ અવંતિકાને જોવાનો ઉમળકો, તેનો બદલાયેલો ચહેરો, વિદેશમાં આવ્યા બાદ બદલાયેલી તેની ભાષા એ બધું જ જોવા માટે તેનું દિલ અધીરુ બન્યું હતું. હોટેલમાં પહોંચીને રાત્રે પણ તે બરાબર સુઈ ના શક્યો. રોહિતના મૃત્યુ અને તેના દીકરાની જવાબદારી તેને કેમ કરી ઉપાડી હશે ? માથે આવેલું દુઃખ તેને કેમ કરી સહન કર્યું હશે ? એ બધા વિચારોમાં ખોવાયેલા રોહનને બસ હવે અવંતિકા સુધી પહોંચવું હતું.
અવંતિકાને રોહન આવ્યાની કઈ ખબર જ નહોતી. ના અનિલભાઈએ કે ના સુમિત્રાએ તેને કઈ જણાવ્યું. પણ અનિલભાઈએ આ વાત સુરેશભાઈ સાથે કરવાનું નક્કી કર્યું. અવંતિકાના ભૂતકાળ વિશે એમને જણાવી શકાય એમ નહોતું. પણ અવંતિકાનો કૉલેજ ફ્રેન્ડ છે એ રીતે એમને જણાવી શકાય એમ નક્કી કરી સુરેશભાઈને મળવા માટે પોતાના ઘરે જ બોલાવ્યા.

વધુ આવતા અંકે...
લે.. નીરવ પટેલ "શ્યામ"