Saloni - 1 books and stories free download online pdf in Gujarati

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ : ૧

સલોની

(એક સ્ત્રીની સાહસ કથા)

ભાગ : ૧

લગ્નના ત્રીજા જ વર્ષે સલોની અને મયુરના ડિવોર્સ થયા. બે વર્ષની આરાધ્યાને લઇ અને સલોની પોતાના પિતા સાથે રહેવા ચાલી ગઈ. મયુર પૈસાની દૃષ્ટી એ સધ્ધર હતો પણ, વિચારોમાં પૈસાનું અભિમાન. સંબંધો નિભાવવામાં કાચા પડેલો અને રૂપિયાની લાલચમાં અંધ બનેલા મયુરે પોતાની બે વર્ષની આરાધ્યાની પણ ચિંતા ના કરી ! તો પોતાની પત્ની સલોની એ કેવી રીતે સાચવી શકવાનો ? રોજ રાત્રે અંગ્રેજી દારૂ પી અને ઘરમાં આવે. વગર વાંકે સલોનીને માર મારે. પોતાની દીકરી આરાધ્યાને તો ક્યારેય એને ધ્યાનથી જોઈ પણ નહોતી. અને આ બધી તકલીફોના કારણે સલોનીએ મયુરથી અલગ થવાનું વિચારી લીધું. આરાધ્યાના ભવિષ્ય માટે.

પણ અલગ થવું કાઈ એટલું સહેલું નહોતું સલોની માટે. એ જાણતી જ હતી કે ભવિષ્યમાં ઘણી તકલીફો આવી શકે છે, અને એક દીકરીને ઉછેરવી એટલે જાણે સાપનો ભરો સાચવવો. પણ દરેક પરિસ્થિતિનો સામનો કરવા એણે પોતાની જાતને તૈયાર કરી લીધી હતી.

પિતાના ઘરે પણ કેટલો સમય રહી શકે ? સલોનીના પિતા પણ આર્થિક રીતે સધ્ધર હતાં, સલોનીના બીજા લગ્ન માટે મથામણ ચાલી પણ એક જ પ્રશ્ન આવીને ઊભો રહેતો ..!! આરાધ્યા સાથે સલોનીને સ્વીકારશે કોણ ? સમાજની આ મોટી નબળાઈ સલોનીના બીજા લગ્નની આડે આવતી હતી, જો દીકરો હોત તો કોઈપણ વ્યક્તિ સ્લોનીનો હાથ પકડી શકતું પણ દીકરી સાથે એને સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. સલોની પોતાના પિતા અને ભાઈઓ ઉપર ભાર બનવા નહોતી માંગતી, પોતે ભણેલી ગણેલી હોવાના કારણે નોકરી કરવાનું વિચાર્યું. કોઈ ખાનગી કંપનીમાં નોકરી પણ મળી ગઈ. સલોની પોતાના કામમાં પણ એટલી જ કુશળ હતી, પોતાની કેટલીક જીવન જરૂરીયાતની વસ્તુઓ અને આરાધ્યાનો ખર્ચો સલોની હવે જાતે જ ઉઠાવવા લાગી હતી.

સલોનીના ભાઈઓ પણ મોટા હતાં એમના પણ લગ્ન થયા, એમના ઘરે પણ પારણા બંધાયા. ભાઈ અને એના પિતા સલોનીને જીવનભર સાચવી લે એમ હતાં પણ તે કોઈ ઉપર આખી જિંદગી બોજો બનવા નહોતી માંગતી એટલે એણે અલગ રહેવાનું નક્કી કરી લીધું, પિતાના ઘરથી થોડે જ દૂર એક મકાન લઈ આરાધ્યા સાથે રહેવા લાગી, આરાધ્યા પણ હવે દિવસે દિવસે મોટી થતી જતી હતી, તેના ભણતરથી લઈ અને પાલન પોષણનો તમામ ખર્ચ હવે સલોનીના માથા ઉપર જ હતો. પણ સલોની એ આજીવન લગ્ન નહિ કરવાનું અને જે તકલીફ પોતે વેઠી છે એ આરાધ્યાના નસીબમાં નાં આવે એનું સમ્પૂર્ણ ધ્યાન રાખવા લાગી હતી.

આરાધ્યાએ ક્યારેય પોતાના પિતાને જોયા જ નહોતા. પિતાનો પ્રેમ શું છે એ તો એને માતા પાસેથી જ જાણ્યું હતું, આરાધ્યામાં સંસ્કારોનું સિંચન કરવામાં સલોનીએ કોઈ કચાસ રાખી નહોતી, સમય પણ રેતીની જેમ પસાર થતો હતો, પણ સલોનીએ એ સમયના વહેણમાં ઘણું શીખી લીધું, સમાજની સાચી ઓળખ એને અલગ રહીને મળી, ડિવોર્સ પછી જાણે સલોનીના માથે અવેલીબલનો સિમ્બોલ વાગી ગયો હોય એમ લોકો એને જોવા લાગ્યા, નાનપણમાં સલોનીને બેટા કહીને બોલાવતા વ્યક્તિઓની નજર ઉપર પણ જાણે જવાનનીના ચશ્માં આવી ગયા હોય એમ સલોનીને જોવા લાગ્યા, સલોની પોતાની જાતને સમાજના એ વાસનાના ભૂખ્યા પશુઓની નજરથી બચાવીને રાખતી, પણ એ કામ એટલું સહેલું નહોતું, કોઈ કામ માટે ક્યાંક જવાનું થાય અને સામે રહેલી વ્યક્તિને માલુમ પડે કે આ ડાઈવોર્સીસ છે એટલે જાણે એ વ્યક્તિનો જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય. પણ સલોની હિમ્મત ક્યારેય ખૂટતી નહી. દરેક પ્રશ્નનો જવાબ એની પાસે મળી જતો, ક્યારેક વાતથી ના સમજે તો પોતાની લાતથી પણ સમજાવતા એને શીખી લીધું હતું. અને કેટલાય ને ભરબજારે મેથીપાકનો સ્વાદ પણ ચખાડ્યો હતો.

દસમાં ધોરણમાં આરાધ્યા સારા માર્ક્સ સાથે પાસ થઈ. કોમર્સ વિષય સાથે અગિયારમાં ધોરણમાં પ્રવેશ લીધો. સી.એ. બનવાનું સપનું આરાધ્યાએ જોયું હતું અને અને પૂર્ણ કરવાનું કામ સલોનીએ કરવાનું હતું, એ માટે સલોની તમામ મહેનત કરતી હતી, કંપનીના ફિલ્ડવર્ક માટે એ બાઈક લઈને પણ બિન્દાસ નીકળી જતી. કોઇપણ ઋતુ હોય એ પોતાના કામમાં ક્યારેય કચાસ રાખતી નહોતી, એક સારી રીતે પોતાનું જીવન જીવી શકે એ માટેની તમામ વસ્તુઓ સલોનીએ વસાવી હતી, આરાધ્યાને પણ ક્યારેય કોઈ વસ્તુની કચાસ રાખી નહોતી. એના બધા મોજ શોખ સલોનીએ હર્ષભેર પુરા કર્યા. મયુરને છોડ્યા ના આટલા વર્ષો વીત્યા હોવા છતાં પણ ક્યારેય એને સલોની કે આરાધ્યાની ખબર લીધી નહોતી. છતાં પણ ક્યારેય સલોનીએ એ વાતની ફિકર કરી નહિ. પોતે હવે જે છે એમાં જ ખુશ રહેવાનું માની લીધું. પોતાના મોજશોખને નેવે મૂકી અને આરાધ્યાને સાચવવામાં અને એને કોઇપણ વાતે પિતાની ખોટ ના વર્તાય તેની કાળજી રાખવા લાગી. આરાધ્યા પણ ખુબ જ સમજદાર હતી, એણે કોઈ દિવસ સલોનીને દુઃખ થાય એવી વાત કે ખોટી જીદ કરી નહિ. સલોનીના પગલે પગલે એ ચાલતી, એનું જ કહ્યું માનતી. અને એક કહ્યાગરી દીકરી બની.

એક સ્ત્રીને પુરુષના સાથ વિના એકલું જીવન જીવવામાં તકલીફ તો ઘણી પડી રહી હતી. પણ સલોની એ તમામ તકલીફો સામે પડકારરૂપ હતી, ક્યારેક છાનાં ખૂણે રડી પણ લેતી, પણ ક્યારેય એણે પોતાનું દુઃખ આરાધ્યા સામે આવવા ના દીધું. આરાધ્યાનો પાસપોર્ટ કઢાવવા માટે સલોનીને ઘણી મુશ્કેલીનો સામેનો કરવો પડ્યો. માઈનોર હોવાના કારણે પિતાની હાજરી અનિવાર્ય હતી, અને બીજા કાયદા કાનુનની સલોનીને જાણ નહોતી, તે છતાં તમામ પ્રયત્નો અને અથાગ મહેનત બાદ આરાધ્યાનો પાસપોર્ટ સલોની એ કઢાવ્યો. સાથે આરાધ્યાને વિદેશ યાત્રાનું સ્વપ્ન પણ પૂરું કર્યું.

ટેકનોલોજીના જમાના સાથે સલોની એટલી જોડાઈ નહોતી, દીકરી આરાધ્યાએ સલોનીને સ્માર્ટફોન વાપરતા શીખવ્યું, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સલોની ઘણી સારી વાતો વાંચવા લાગી અને એને રસ પણ જાગવા લાગ્યો, પણ મિત્રો બનાવવામાં એ બહુ માનતી નહી. કારણ કે આ જમાનામાં લોકોના વિચાર અને જોવાની દૃષ્ટીથી તે સંપૂર્ણ રીતે પરિચિત હતી. માટે પોતાના કામ સાથે મતલબ રાખતી. અસલ જીવનમાં પણ અલગ રહેવા છતાં પોતાના પરિવારને શરમથી માથું નીચું કરવું પડે એવું કોઈ કામ કર્યું નહી. અને સદાય પરિસ્થિતિઓ નો સામનો કર્યો. ક્યારેય પોતાની જાતને સમાજની નજરોમાં એક સ્ત્રી હોવા છતાં લાચાર સમજી નહી.

(હાલ તો સલોનીને આરાધ્યાનો સાથ મળી રહે છે પણ એક દિવસ એવો આવશે કે આરાધ્યાના પણ લગ્ન કરવા પડશે, ત્યારે ???? ત્યાર બાદ તો સલોની એકલી જ ને !!!! મા દીકરીના મધુર સંવાદોથી ગુંજતું એ ઘર દીકરીની વિદાય બાદ કેવું સુનું પડી જશે ?? સલોની પોતાની જાતને કેમ કરી ટકાવી રાખશે ??? )

જાણવા માટે પ્રતિક્ષા કરો બીજા ભાગની.................

લે. નીરવ પટેલ - “શ્યામ”