Saloni - 3 in Gujarati Classic Stories by Nirav Patel SHYAM books and stories PDF | સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૩

Featured Books
  • Book Blueprint by IMTB

    કોઈપણ BOOK લખવા માટે જરૂરી બધાં પાસાંઆઈડિયા થી લઈને વાચકમાં...

  • એકાંત - 91

    "આપણાં છુટાછેડા થઈ જાય પછી હું બીજાં મેરેજ કરું કે ના કરું પ...

  • સ્નેહ ની ઝલક - 13

    શહેરની ભીડમાં ઘણી વાર માણસ સૌથી વધુ એકલો હોય છે. રસ્તાઓ પર લ...

  • THE GAME CHANGER - 1

    THE GAME CHANGERSHAKUNI: A TALE OF UNTOLD REVENGEઅધ્યાય ૧: ગ...

  • સથવારો

    રેશમી આંગળીઓનો સથવારોલેખિકા Mansi Desai Desai Mansi Shastri ...

Categories
Share

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૩

સલોની

(એક સ્ત્રીની સાહસ કથા)

ભાગ -૩

સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો, આરાધ્યાનું એમ.બી.બી.એસ.નું છેલ્લું વર્ષ આવી ગયું, આવતા વર્ષે એ ડોક્ટર બનીને બહાર આવશે એની ખુશીમાં સલોનીના ચહેરા પરની રોનક વધી ગઈ હતી, પણ બીજું એક દુઃખ અંદર ની અંદર કોરી ખાતું હતું, આરાધ્યા મોટી થઇ રહી હતી, કેટલાય છોકરાઓના માંગા આવતા હતાં પણ સલોની આરાધ્યાના ભણતરનું બહાનું કાઢી અને એ વાતો ને જવા દેતી પણ હવે આરાધ્યાનું ભણવાનું પણ પૂરું થવાનું હતું, એટલે કોઈ સારું ઘર જોઈ એના હાથ પીળા કરવા પડે એમ જ હતું. ત્યારબાદ સલોની એકલી પડી જવાની હતી, આરાધ્યાની વિદાય બાદ સલોની પોતાની જાતને કેવી રીતે સાચવશે એ ચિંતા કોરી ખાતી હતી, અત્યાર સુધી આરાધ્યા જીવવાનું કારણ બની હતી પણ હવે કોના માટે જીવશે ? એ પ્રશ્ન સલોની માટે એક ચિંતાનો વિષય હતો.

બીજી તરફ શેખરનું પણ લગ્ન જીવન સુખી નહોતું, બંને વચ્ચે અવાર નવાર નાની નાની બાબતો એ ખટપટ ચાલ્યા કરતી હતી, શેખરની પત્ની પૂર્વીને કોઈ વાતે સંતોષ હતો નહી, શેખર કંઈપણ કામ કરે તો એમાં દખલ અંદાજી કર્યા કરે, અને એમાં પણ શેખરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, અને પૂર્વીએ પોતાના પિયર પક્ષમાં સુખ સાહ્યબી ભર્યું જીવન વિતાવ્યું હતું, જે શેખરના ઘરે તેને મળી શકે એમ નહોતું, એના કારણે પૂર્વીને શેખર પ્રત્યે માન નહોતું. છતાં શેખર ચલાવી લેવાની ભાવના વાળો વ્યક્તિ હતો, પૂર્વીની કેટલીક બાબતો ને એ નજર અંદાજ કરી દેતો પણ કેટલો સમય ?? લગ્નના પાંચ પાંચ વર્ષ વીત્યા હોવા છતાં શેખરને કોઈ સંતાન નહોતું એ પ્રેમનો જ અભાવ હતો. શેખરના સાસરી વાળા પણ ધનિક હોવાથી વારંવાર શેખરને સંભળાવી જતાં પણ શેખર મૂંગા મોં એ બધું સહન કરી લેતો. પૂર્વી ઘણીવાર પોતાના પિયર જતી રહે અને શેખર સમજાવી લઇ આવે. એક દિવસ નાની વાતે ઝઘડો થયો અને પૂર્વી એના પિયર ચાલી ગઈ ત્રણ ચાર દિવસ વીત્યા હશે ને પાંચમાં દિવસે શેખરને પૂર્વીના પિતાજીએ પૂર્વીના કહેવાથી છૂટાછેડા ના કાગળિયા એક વકીલને હાથે મોકલાવ્યા. શેખર આખી રાત રડતા રડતા વિચારતો રહ્યો, પણ આવી જિંદગી જીવવી એના કરતા અલગ થઇ જવું સારું એમ વિચારી એણે બીજા દિવસે જ એ કાગળો પાછા મોકલી આપ્યા. શેખરના માતા પિતા પણ ત્રણ વર્ષ પહેલા જ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતાં, શેખર પોતાનું એકલવાયું જીવન જીવવા ફરી પાછો મજબુર બની ગયો હતો. પૂર્વીના જીવનમાં આવ્યા પછી એણે ફેસબુક પણ બંધ કરી દીધું હતું, અને પોતાનો બધો સમય પોતાના કામ અને પૂર્વી પાછળ ખર્ચ્યો અને આજે પરિણામ એને કંઈ ના મળ્યું. ફરી પાછો એજ એકલતાના અંધકારમાં સરી પડ્યો. એ રાત્રે એણે સલોનીને ખુબ યાદ કરી અને વિચાર્યું કે “સલોની એ જો હા કહી હોત લગ્ન માટે તો આજે આ દિવસ ના આવતો” પણ સમય વીતી ગયા પછી ક્યાં કોઈનું ચાલે છે એમ સમજી પોતાની જાતને સાચવી લીધી. અને નક્કી કરી લીધું કે હવે લગ્ન નથી કરવા પોતાનું જીવન એકલા જ જીવી લેવું.

આરાધ્યાનું એમ.બી.બી.એસ. પૂર્ણ થયું અને એ ડોક્ટર બની બહાર આવતાની સાથે એક મોટી હોસ્પીટલમાં એને જોબ પણ મળી ગઈ, સલોની એ જે સપનું આરાધ્યા માટે જોયું હતું એ આજે પૂર્ણ થઇ ગયું. આરાધ્યા જે હોસ્પીટલમાં જોબ કરતી એના મુખ્ય ડોક્ટર મુખર્જીને આરાધ્યાના સંસ્કાર અને દેખાવના કારણે પસંદ આવી ગઈ, અને અમેરિકામાં વસતા એના ડોક્ટર દીકરા કાર્તિક માટે એની પસંદગી કરી લીધી. એક દિવસ સલોનીના ઘરે ડોક્ટર મુખર્જી અને એની પત્ની પહોચી ગયા, આરાધ્યા હોસ્પિટલમાં જ હતી, સલોની અચાનક આવેલા મહેમાન ને જોઈ આશ્ચર્યમાં પડી, કે આરાધ્યાથી કોઈ ભૂલ તો નથી થઈ ને ??? આવકાર આપી ડૉ. મુખર્જી અને એમની પત્ની ને બેસાડ્યા. ડો.મુખર્જી એ પોતાના દીકરા માટે આરાધ્યાનો હાથ માગ્યો, સલોનીને આ વાતની ખુશી થઈ પણ એણે આરાધ્યાને પૂછી પછી પાક્કો જવાબ આપવાની વાત કરી. મહેમાનને રજા આપી સલોની પોતાના રૂમમાં જઈ ચોધાર આંસુ એ રડવા લાગી, પોતાની દીકરી ને એક સારું ઘર મળે છે પણ સાથે સાથે એ એની નજરોથી ઘણી દૂર ચાલી જશે એ વાત સલોનીની આંખોમાં આંસુઓનો ઉમેરો કરી રહી હતી. ડૂસકે ડૂસકે રડી લીધા બાદ તે વોશબેસીનના અરીસામાં મોઢું ધોઈ જોવા લાગી, અને વિચાર્યું, કે “હું મારા સ્વાર્થ માટે મારી દીકરીના ભવિષ્ય સાથે રમત નહી રમું, ભલે મારું જે થવું હોય એ થાય, પણ આરાધ્યા અમેરિકામાં પોતાનું ભવિષ્ય બનાવી શકશે અને ડૉ.મુખર્જી જેવો પરિવાર કિસ્મતવાળા ને જ મળે.” અવાર નવાર એણે ડૉ.મુખર્જી અને એમના દીકરા કાર્તિકની પ્રસીધ્ધિઓ છાપા અને ટીવી ઉપર નિહાળી હતી. પોતાની જાત ને મક્કમ કરી સલોની આરાધ્યાની આવવાની રાહ જોવા લાગી.

(શું આરાધ્યા એ લગ્ન માટે હા પાડી હશે ? સલોની આરાધ્યાના લગ્ન બાદ કેવું જીવન વિતાવશે ? આ તરફ શેખરની જિંદગી કેવી હશે ? શું ફરી ક્યારેય બંને એકબીજાનો સંપર્ક કરશે ? જાણવા માટે પ્રતિક્ષા કરો આ વાર્તાના ૪ ભાગની.)

લે. નીરવ પટેલ - “શ્યામ”