જિંદગી થી સારું મૌત

જિંદગી થી સારું મૌત
નમસ્કાર ,
હું કોઈ કાયમી લેખક નથી, પરંતુ આજે મન થયું કે મારી પોતાની જિંદગી નો એક અનુભવ તમારી સાથે શેર કરું, આ મારી પોતાની જિંદગી ની સત્યઘટના છે.

સવાર ના નવ વાગ્યા છે,છેલ્લી ૫ મિનિટમાં કદાચ ચાર વાર ઘડિયાળમાં જોયું, એક વખત તો એમ પણ વિચાર્યું કે ક્યાંક ઘડિયાળ બંધ તો નથી પડી ગઈ ને, સમય જાણે કે રોકાઈ ગયો છે, ક્યારે દસ વાગે અને ક્યારે હું હોસ્પિટલ પહોંચું, આમ તો હોસ્પિટલ નો મુલાકાત સમય દસ વાગ્યા નો છે, પણ સાર્વજનિક હોસ્પિટલ માં સાડા દસ પેહલા કોઈ મળશે નઈ એ વિચારથી મેં દસ વાગે ઘરે થી નીકળવાનું નક્કી કર્યું, હૃદય ના ધબકાર એના નિયત કરતા કદાચ વધુ સ્પીડ થી ચાલી રહ્યા હતા અને મગજમાં વિચારો એનાથી પણ વધુ સ્પીડ થી ફરી રહ્યા હતા, જો ટેસ્ટ પોઝિટિવ આવશે તો શુ કરીશ, એ વિચારથી જ શરીર માં કંપારી છૂટી ગઈ, એક વખત તો એવો પણ વિચાર આવ્યો કે રિપોર્ટ લેવા જવું જ નથી, પણ પછી વિચાર્યું કે ના એક વખત નક્કી તો થાય કે ખરેખર તકલીફ છે કે નઈ, 
બીજો વિચાર તરત જ એવો આયો કે જો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો શુ ? એવી તો કેવી રીતે મરવું કે જેથી તકલીફ પણ ઓછી થાય, અને ભલે આત્મહત્યા હોય છતાં એકસિડેન્ટ લાગે, કારણકે જો કોઈને ખબર પડી જાય કે મેં આત્મહત્યા કરી તો તો વીમા ની રકમ ના રૂપિયા ના મળે અને તો મારા મા-બાપ નું થાય ? 
તરત જ નવો વિચાર આવ્યો કે હજુ વીમો તો ઉતારવાનો બાકી છે, હા હજુ મારી પાસે બે-ત્રણ વરસ નો સમય છે, પણ ટર્મ પ્લાન માં તો વીમા કંપની પણ પેહલા વર્ષે સામાન્ય મોત સિવાય રૂપિયા ચૂકવતી નથી, અને મારે તો મારુ મોત ચોક્કસ એકસિડેન્ટ માં થયું છે એવું પુરવાર કરવું પડે એમ છે, બીજું કેટલા રૂપિયા નો વીમો લઉં જેથી હું ના હોઉં તો મારા માં-બાપ ને વાંધો ના આવે, આમ તો કોઈ પણ માં-બાપ માટે એના સંતાન થી મોટી કોઈ સંપત્તિ નથી હોતી, પણ આ દુનિયા પૈસા વગર કોઈની સામે પણ જોતી નથી, મારા વગર એમનો આટલી મોટી ઉમર માં ખ્યાલ પણ કોણ રાખશે, બેન છે પણ એ પણ હવે પારકા ઘરની થઇ ગઈ એની પણ મજબૂરી છે એ કેટલું કરી શકશે, એના કરતા પાંત્રીસ-ચાલીસ લાખ રૂપિયા છોડીને જાઉં તો મારા માં-બાપ ને કોઈના ઓશિયાળા તો ના થવું પડે, પણ કાલે વીમા એજન્ટએ જણાવ્યું કે તમારા આઈ .ટી. રીટર્ન નો દસ ગણો જ વીમો મળી શકે, રીટર્ન તો મેં ફાઈલ જ નથી કર્યું, તો વીમો ઉતારશે કઈ રીતે ? 
જે થશે એ હજુ સમય છે પણ સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે મરવું કઈ રીતે, કઈ રીત છે જેથી તકલીફ પણ ઓછી પડે, એકસિડેન્ટ લાગવું એ તો જરૂરી જ છે, આજે ભાન થયું કે હું કેટલો મોટો કાયર છું, વિચારું બાઈક લઇ ને કોઈ બસ અથવા ટ્રક નીચે આવી જાઉં પણ પછી પાછું એમ થાય છે કે મારી જાઉં તો તો સારું, પણ જો બચી ગયો અને હાથ પગ તૂટી ગયા અથવા અપાહિજ થઇ ગયો તો તો વધુ મોટી તકલીફ થશે, મારા માં-બાપ ને આ ઉંમરે મારી સેવા કરવી પડે એ યોગ્ય નથી, પછી થયું કોઈ બહુમાળી બિલ્ડીંગ પરથી કૂદી જાઉં પણ એમાં એ બીક છે કે વીમા કંપની ને જો ડાઉટ થયો તો પૈસા નઈ મળે, છેલ્લે એવો વિચાર આયો કે કોઈ દરિયા કિનારે જઈને જળસમાધિ લઇ લઉં પણ એ કિસ્સો પણ આત્મહત્યા ગણાય શકે અને હું કોઈ પણ જોખમ લેવા નથી માંગતો જેથી મારા ગયા પછી મારા ઘરનાઓને વીમા કંપની સાથે લડવું પડે, 
હવે એક ચોક્કસ વિચાર આવ્યો બરાબર છે , હું આજ કરીશ, ગાડી લઈને એકલો ફરવા જાઉં છું એવું કહીને બધાને ઘેર થી નીકળીશ, અને રસ્તા માં રાતના સમયે કોઈ નદી કે તળાવ જ્યાં પાણી વધુ હોય અને બ્રિજ પરથી ગાડી નદીમાં પડી શકે એવી શક્યતા પણ હોય એવી જગ્યાએ થી ગાડી સાથે નદીમાં ઝંપલાવીસ, અરે પણ મેં તો તરવાના ક્લાસ કરેલા છે, મને તો થોડું ઘણું તરતા આવડે છે, પણ પાછું ધ્યાન આવ્યું ના તરવાના ક્લાસ કરે તો ઘણા વર્ષો થઇ ગયા હજુ થોડું આવડશે, અને ગાડી માંથી બહાર નીકળવાનો સમય પણ થોડો મળશે, હા પણ એના માટે એક જુના મોડેલ ની ગાડી લેવી પડશે, મારુતિ ૮૦૦ કદાચ બાર - તેર હાજર માં તો મળી જ જશે, એનો ય થુર્ડ પાર્ટી વીમો તો લેવો પડશે, અને કોઇને પણ અંદાજ ના આવવો જોઈએ કે હું એવું કઈ કરવાનો છું એનું ખાસ ધ્યાન રાખવું પડશે.

આ બધા વિચારો થી માથું દુખવા માંડ્યું, એમ થયું ફ્રેશ થવા એકાદ સિગારેટ પી લઉં, પણ પાછું યાદ આવ્યું, હમણાં કોઈ પણ વ્યસન કરવાનું નથી, ના સિગારેટ ના દારૂ, પાછું ઘડિયાળ સામે જોવાઈ ગયું, નવ ને ચાલીસ મિનિટ , હવે રાહ નથી જોવી એના કરતા તો હોસ્પિટલ જઈ ને જ બેસું, કદાચ કોઈ આવી ગયું હોય ને રિપોર્ટ મળી જાય તો, અને નઈ આવ્યું હોય તો આવશે એટલે તરત આપશે તો ખરાજ, 
યાદ આવ્યું પોણા નવ વાગે અમિત નો ફોન આયો તો એને કીધું તું કે એકલો રિપોર્ટ લેવા ના જતો , હું સાથે આવીશ, કદાચ એને બીક છે કે રિપોર્ટ જોઈને હું તરતજ કોઈ ખરાબ પગલું ના ભરી લઉં, એને મેં મારો આખો પ્લાન સમજાયો તો છતાં એને મારી ચિંતા થઇ, સારું છે કે મેં એને બહાનું બતાવી ને ના પાડી દીધી કે હું બપોરે એ બાજુ જવાનો છું ત્યારે લેવા જૈસ, એ સમજી પણ ગયો કે હું બહાનું કરું છું,પણ એને જીદ ના કરી એ સારું છે.

આવા જ બધા વિચારો માં હું ક્યારે હોસ્પિટલ પહોંચી ગયો એની ખબર જ ના રહી, માણસ તકલીફ માં અને વિચારો માં હોય ત્યારે રસ્તો ક્યારે પસાર થઇ જાય એનું ભાન જ નથી રહેતું, બાઈક પાર્ક કરી ને એ ઓફિસે બાજુ જતા મારા પગ જાણે સંમતિ ના આપતા હોય એમ લાગતું હતું,પણ જવાનું તો છે જ એ વિચારી ને ઝડપ થી પગ ઉપાડ્યા, ક્લિનિક ના દરવાજા ખુલા જોઈ હાશ થઇ કે ચાલો સ્ટાફ આવી ગયો લાગે છે, એ બાજુ ની ગલી માં એ એક જ ક્લિનિક હતું એટલે જેમ જેમ હું એ તરફ વધતો ગયો બહાર બેઠેલા લોકો જાણે મને જ જોઈ મારાજ વિષે વાત કરતા હોય એવું મનમાં લાગ્યું, અને ક્લિનિક ની ઉપર મોટા અક્ષરો માં લખેલું બોર્ડ જોઈ એમ મન થયું કે મેં પાછળ ના જન્મ માં જરૂર કોઈ ખરાબ કર્મ કર્યા હશે કે મારે અહીંયા આવું પડ્યું, કારણકે હું એવા ગુના ની સજા ભોગવવાનો છું કે જેમાં મારો કોઈ જ વાંક નથી.

ક્લિનિક ની ઉપર મોટા અક્ષરો માં બોર્ડ પર લખ્યું હતું 
એચ. આઈ. વી. એડ્સ ચિકિત્સા કેન્દ્ર 

વધુ આવતા અંક માં

***

Rate & Review

nihi honey 1 month ago

Avirat Patel 6 months ago

Nisha Jani 6 months ago

Dhaval Prajapati 6 months ago

kapil 6 months ago