mout ni kimmat bhag 4 books and stories free download online pdf in Gujarati

મૌત ની કિંમત ભાગ ૪

મૌત ની કિંમત ભાગ ૪

ગત એપિસોડ ભાગ ૧ ,૨ અને ૩ માં આપે વાંચ્યું કે વાર્તા નું મુખ્ય પાત્ર એટલે કે હું એચ.આઈ.વી. નો રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ જાઉં છું, તેમજ જો મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારે કેવી રીતે આત્મહત્યા કરવી કે જે એકસિડેન્ટ લાગે એના અલગ અલગ પ્લાન બનાવું છું, અને હોસ્પિટલ પહોંચું છું, હોસ્પિટલમાં નર્સ બેનને હું આ તકલીફમાં કઈ રીતે સપડાયો એની વાત કરૂ છું જેમાં હું મારા લગ્ન ખુશ્બુ સાથે થાય છે અને લગ્ન ના દસ જ દિવસમાં ખુશ્બુ મને દગો આપીને ભાગી જાય છે અને પછી દસ દિવસ પછી એ મને વડોદરા મળવા બોલાવે છે જ્યાં અમે મળીયે છીએ અને ખુશ્બુ મને તેની હકીકત જણાવવાનું શરૂ કરે છે, આ બધું જણાવું છું, હવે આગળ વાંચો.

અમે ત્યાં સ્ટેશન ની નજીક જ એક હોટેલ માં રૂમ લીધો અને વાત કરવા બેઠા . મેં એક જ વાક્ય કીધું કે જે કઈ પણ હોય મને બધું સાચું કહે , ત્યારે ખુશ્બુ એ મને બધું જણાવ્યું
ખુશ્બુએ મને ઝટકા આપવાની શરૂઆત કરી, આમતો જો કે હું પણ એવું કઈ જાણવા મળશે એવી થોડી ઘણી તૈયારી સાથે જ ગયો હતો,
"મારુ સાચું નામ રેખા છે ખુશ્બુ નહિ " પેહલો ઝાટકો આપતા ખુશ્બુ એ જણાવ્યું
"અને હું અહીં વડોદરામાં જ રહું છું, ત્યાં ચીખલી ના ગામમાં નહિ".એણે વાત આગળ વધારી.
"અમારી એક આખી ગેંગ છે જે તમારા જેવા કુંવારા લોકો ની શોધમાં રહે છે, તેમને કુંવારી છોકરી પરણાવી આપવાના બહાના હેઠળ મોટી રકમ પડાવી લઈએ છીએ અને પછી છોકરી મોકો મળતાજ ત્યાંથી ભાગી જાય છે,મોટા ભાગે તો અમારા ગ્રુપ ની કોઈ પણ છોકરી લગ્ન ના એક થી બેજ દિવસ માં ત્યાંથી ભાગી જાય છે, પણ હું એવું ના કરી શકી"
હું શાંતિથી સાંભળી રહ્યો હતો આવું કંઈક સાંભળવા મળવાનું છે એવી આશા તો હતી જ પણ ખુશ્બુ એટલે કે રેખા આટલું જલ્દી બધું કબૂલ કરી લેશે એવી આશા નહોતી. મેં "બરાબર, આગળ કહે' એટલું કહ્યું એટલે એણે એની વાત આગળ વધારી.
"અમારી ગેંગ માં મારા જેવી લગભગ દસ થી બાર છોકરીઓ છે જેમની ઉમર ૧૮ થી ૪૦ સુધીની છે, જે ઉંમરનો છોકરો હોય સામે તેજ ઉંમરની છોકરી ને અમે મળવા માટે મોકલી આપીયે છીએ, અને જે મારો બાપ તમને મળ્યો હતો એવા પણ ત્રણ થી ચાર લોકો છે જે ક્યારેક બાપ તો ક્યારેક કાકો બનીને સામે વાળાને મળે છે. જયારે જે હાજર મળે તેનાથી કામ ચલાવી લઈએ છીએ, અમારા બધાનો બોસ છે સુલતાન, જે વલસાડ માં રહે છે, અમે છોકરા વાળા પાસેથી પચીસહજાર થી એક લાખ સુધીની રકમ કઢાવી લઈએ છીએ. અને પછી જેણે જેવો રોલ કર્યો હોય તેને એ પ્રમાણે પૈસા વહેંચવામાં આવે છે, સૌથી વધારે રકમ સુલતાન લઇ જાય છે કારણકે મોટા ભાગે બકરો એટલે કે તમારા જેવા છોકરાવાળી પાર્ટી ને શોધી લાવવાનું કામ એનું હોય છે"
ખરેખર રેખા ની હિમ્મત ની દાદં દેવી જોઈએ કે મારા મોં ઉપર મને બકરો કહે છે, પણ એવું ના કરતા મારા મોં ઉપર કોઈ ભાવ ના આવવા દેતા મેં તેને આગળ વાત વધારવા કહ્યું.
"તમારી પાસેથી મળેલ પાંત્રીસ હજાર રૂપિયામાંથી મને માત્ર સાત હજાર મળ્યા હતા બાકીના તમામ રૂપિયા બાકીના વ્યક્તિઓમાં વહેંચી દેવામાં આવ્યા. આ આખા ષડયંત્રની જાણકારી મારા એજન્ટ , તમારા એજન્ટ એ તમામ ને હતી. અને તમામ વ્યક્તિઓએ પોતાનો ભાગ આ રકમ માંથી લીધો છે."
"તો હવે શું ?" મેં આગળ પૂછ્યું,
રેખા બિલકુલ ચૂપ રહી કઈ જ ના બોલી એટલે મેં કહ્યું," તને બીક નથી લાગતી કે આ બધું જાણ્યા પછી હું પોલીસ ને જણાવી દઈશ તો,"
"મને વિશ્વાસ છે કે તમે એવું નહિ કરો, એટલે જ તો તમને મળવા આવી છું અને તમને બધી હકીકત જણાવું છું બાકી તમારી પાસે ના મારો કોઈ ફોન નંબર છે ના તો કોઈ સરનામું, અને હું તમને નહિ કહું તો તમે ક્યારેય અમારા સુધી પહોંચી પણ ના શકત" એણે મારી નજર માં નજર મેળવી ને કહ્યું,
" ઠીક છે હું ફક્ત સત્ય જાણવા માંગુ છું બાકી હું પણ પોલીસ ના લફડામાં પડવા માંગતો નથી," મારા આ શબ્દો સાંભળી રેખાને થોડી રાહત થઇ હોય એવું લાગ્યું .
"પણ તો તું મારી સાથે દસ દિવસ સુધી કેમ રહી તને ભાગી જવાની તક ના મળી " મેં આગળ પૂછ્યું,
" હું તો ચાહત તો લગ્ન ના પહેલાજ દિવસે જયારે તમે મને તમારા મમ્મી સાથે મંદિરે દર્શન કરવા મોકલી હતી ત્યારેજ ભાગી સકતી હતી, તમારા મમ્મી આગળ એકલા એકલા ચાલતા હતા અને હું એમની પાછળ, હું ત્યારે પણ ભાગી સકતી હતી અને બીજા દિવસે જયારે તમે મને એકલી હોટેલ માં મૂકીને બહાર નાસ્તો લેવા ગયા હતા ત્યારે પણ હું ભાગી સકતી હતી, અલબત્ત સુલતાન મને રોજ ફોન પર ભાગી નીકળવા કેહતો હતો, મારી પાસે ફોન પણ હતો જેની તમને ખબર પણ નહોતી ,પણ ખબર નહિ કેમ પણ મને તમારી જોડે રેહવું ગમતું હતું, "
એના આ શબ્દો સાંભળી ને હું થોડો ચોંકી ઉઠ્યો અને નક્કી ના કરી શક્યો કે મારે આ વાત ઉપર ખુશ થવું કે દુઃખી.


"ઠીક છે તું મને તારા વિષે તો જણાવ" મેં એની વાત નો કોઈ પ્રતિભાવ ના આપતા tતેને આગળ પૂછ્યું


" મેં તમને કીધું એમ મારુ સાચું નામ રેખા છે અને હું પરણિત છું, મારે ત્રણ સંતાન પણ છે " એણે કહયેલું આ છેલ્લું વાક્ય મને બહુ મોટો ઝાટકો આપી ગયું.

"તો પછી તું આ ધંધા માં કેમ છું? તારા પતિ શું કરે છે/" મેં આગળ વાત જાણવા માટે નો સંકેત આપ્યો.
"મારા પતિ આ દુનિયા માં નથી રહ્યા, અને એટલેજ મારે આ ગંદુ કામ કરવું પડે છે, હું તમને એક ખોટું વધારે બોલી હતી કે હું ભણેલી છું પણ હકીકત તો એ છે કે હું ભણેલી નથી,શરૂઆત થી જ હું ખુબ ગરીબ પરિવારમાં ઉછરેલી છું, મારો બાપ દારૂની લત ને કારણે ઉમર પહેલાજ ગુજરી ગયો, અને મારી માતા ને પણ બીજું કોઈ કામ નહોતું આવડતું એટલે દારૂ ની ખેપ મારતી હતી, તેમાં એ ઘણી વખત જૈલ પણ જઈ ચુકી હતી, હું હજુ તો સોળ જ વર્ષ ની હતી ને મારી માતા એ મને પરણાવી દીધી અને અઢાર વર્ષ ની થતા તો હું એક બાળક ની માં પણ બની ચુકી હતી. મારો ઘરવાળો રંગરોગાન નો કામ કરતો હતો, મારા પતિને ગુજરે અત્યારે બે વર્ષ થઇ ચુક્યા છે, છેલ્લા બે વર્ષથી હું આ જ કામ કરીને મારુ અને મારા ત્રણ સંતાનોનું ગુજરાન ચાલવું છું."
હું ખુબજ શાંતિથી આખી વાત સાંભળી રહ્યો હતો, વાતાવરણ પણ એકદમ શાંત હતું કારણકે રાત્રિનો એક વાગી ચુક્યો હતો, હવે મારે એને શું કેહવું એ હું નક્કી નહોતો કરી શકતો ત્યાંજ આગળ વાત વધારવા મેં એને પૂછ્યું, "તો તારા પતિ ની ઉમર કેટલી હતી અને તેનું મોત કેવી રીતે થયું?"
"ના એ મારા કરતા ફક્ત બે વર્ષ મોટા હતા," આટલું કહી રેખા ચૂપ થઇ ગઈ,થોડી વાર સુધી એણે મને બીજો કોઈ જવાબ ના આપ્યો એ ફક્ત નીચું જોઈને બેસી રહી એટલે મારી વધુ જાણવાની તત્પરતા વધી, મેં એને જવાબ આપવા કહ્યું પણ રેખા કઈ જ બોલી નહોતી રહી એટલે કંટાળીને મેં એને ઓપ્શન આપવાના ચાલુ કર્યા.
"શું તારા પતિ નું મોત કોઈ અકસ્માત માં થયું હતું ?"
જવાબ : ના
" શું તારા પતિ નું મોત હાર્ટ એટેક થી થયું હતું?"
જવાબ : ના
"તો શું તારા પતિ ને કોઈ ગંભીર બીમારી હતી ?" મેં પૂછ્યું
રેખા કોઈ પણ જવાબ નહોતી આપી રહી અને અને એ રડી રહી છે એનો મને ખ્યાલ આવી રહ્યો હતો.
મેં એને પાણી ની બોટલ આપી અને શાંત થવા જણાવ્યું. ઘણી વખત કહ્યા પછી એણે થોડું પાણી પીધું અને થોડી શાંત થઇ.પણ મારી તત્પરતા તો વધી રહી હતી કે એના પતિ નું મોત કેવી રીતે થયું હશે, એટલે મેં વાત આગળ વધારી.
" તારા પતિને કેન્સર થયું હતું "
જવાબ ; ના
" તો ટી.બી., કે પછી અન્ય કોઈ બીમારી હતી ?"
જવાબ : ના ટી.બી. નહોતો,
હવે મને વધુ આંચકો લાગ્યો , મેં ખાલી પૂછવા ખાતર પૂછ્યું કે, તો પછી શું આવું હું મનમાં બોલ્યો
અને પૂછ્યું,
" એડ્સ ?"
આ વખતે મને કોઈ જવાબ ના મળ્યો, અને ફરીથી એનું રોવાનું શરૂ થઇ ગયું,
હવે હું મારી જાતને રોકી ના શક્યો અને રેખાને હચમચાવતાં પૂછ્યું , સાચું કહે , શું તારા પતિને એડ્સ હતો?
એના મોઢામાંથી શબ્દ તો ના નીકળ્યા પણ એણે મોઢું હલાવીને હા જવાબ આપ્યો.
હું સમજી નહોતો શકતો કે શું થઇ રહ્યું છે, મારા મગજે કામ કરવાનું જાણે ઓછું કરી દીધું, એટલે મેં ફરીથી ચોકસાઈ કરવા એને પૂછ્યું કે તું હા કે ના માં જવાબ આપ, ત્યારે રેખા એટલું બોલી હા એ એડ્સના કારણે મૃત્યુ પામ્યા છે.
સ્વાભાવિક હું તરત જ પૂછી ઉઠ્યો, " તો શું તને પણ એડ્સ છે?"
જવાબ : હા
આ જવાબ સાંભળીને મારી આંખે અંધારા આવી ગયા, અનાયાસે જ મારો હાથ રેખાના ગળા ઉપર પહોંચી ગયો અને ખબર નહિ ક્યારે હું એનું ગળું દબાવવા લાગ્યો, અને મારા મોંમાંથી ફક્ત એટલા શબ્દ નીકળી શક્યા " તે મારી જિંદગી શું કરવા બરબાદ કરી, મેં તારું શુ બગાડ્યું હતું?"
રેખા કઈ પણ નહોતી બોલી રહી , એણે મને એનું ગળું દબાવતા રોકવાનો પ્રયત્ન પણ ના કર્યો,

આગળ શું મારા હાથે રેખા નું મર્ડર થયું કે પછી રેખા ખોટું બોલી રહી હતી ,આ બધી હકીકત જાણવા મળશે મોત ની કિંમત ભાગ ૫ માં
વધુ આવતા અંકે,