મૌત ની કિંમત અંતિમ ભાગ

મૌત ની કિંમત અંતિમ ભાગ


ગત એપિસોડ ભાગ ૧ ,૨,૩ અને ૪ માં આપે વાંચ્યું કે વાર્તા નું મુખ્ય પાત્ર એટલે કે હું એચ.આઈ.વી. નો રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ જાઉં છું, તેમજ જો મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારે કેવી રીતે આત્મહત્યા કરવી કે જે એકસિડેન્ટ લાગે એના અલગ અલગ પ્લાન બનાવું છું, અને હોસ્પિટલ પહોંચું છું, હોસ્પિટલમાં નર્સ બેનને હું આ તકલીફમાં કઈ રીતે સપડાયો એની વાત કરૂ છું જેમાં હું મારા લગ્ન ખુશ્બુ સાથે થાય છે અને લગ્ન ના દસ જ દિવસમાં ખુશ્બુ મને દગો આપીને ભાગી જાય છે અને પછી દસ દિવસ પછી એ મને વડોદરા મળવા બોલાવે છે જ્યાં અમે મળીયે છીએ અને ખુશ્બુ મને તેની હકીકત જણાવવાનું શરૂ કરે છે, ખુશ્બુ તેનું સાચું નામ રેખા છે એવું જણાવે છે અને તેને ત્રણ સંતાન છે તે પણ જણાવે છે અને તેના પતિનું મૃત્યુ એડ્સ ના કારણે થયું છે તેમજ તેને પણ એડ્સ છે એમ પણ જણાવે છે, આ સાંભરી ને હું રેખા નું ગળું દબાવું છું, હવે આગળ વાંચો,

રેખા કઈ પણ નહોતી બોલી રહી , એણે મને એનું ગળું દબાવતા રોકવાનો પ્રયત્ન પણ ના કર્યો,

મને ખબર જ નથી રહેતી કે હું ધીમે ધીમે રેખા ના ગળા પર મારા હાથ ની ભીંશ વધારી રહ્યો હતો, રેખા ના શ્વાસ કદાચ રૂંધાઇ રહ્યા હતા અને એટલે જ ના ઇચ્છવા છતાં પણ તેણે એક સાહજિક પ્રતિકાર રૂપે મારો હાથ હટાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું શું કરી રહ્યો હતો, મેં તરત જ મારો હાથ પાછો ખેંચી લીધો અને એની સામે જોઈ રહ્યો. હજુ કદાચ એને ગળામાં દુખાવો થઇ રહ્યો હતો એટલે એ એના ગળા પર હાથ વીંટાળીને બેસી રહી, થોડો સમય બેમાંથી કોઈ કૈજ ના બોલી શક્યું. થોડી વાર પછી એ સ્વસ્થ થતા એટલું બોલી કે "જો તારે મને મારી નાખવી હોય તો મારી નાખ, અને પોલીસ માં આપી દેવી હોય તો પણ મને વાંધો નથી, પણ મારી પાછળ મારા ત્રણ સંતાન અનાથ થઇ જશે, મને ફક્ત એમની જ ચિંતા છે, અને એમના માટે થઇ ને જ હું આ ગંદા ધંધા માં છું." હું કૈજ ના બોલી શક્યો ફક્ત સાંભળી રહ્યો. હું એટલો આઘાત માં હતો કે મારે શું કરવું એ જ ખબર નહોતી પડતી, અત્યારે મને મારી જાત કે એના કરતા મારા ઘરડા માં-બાપ નો વિચાર આવતો હતો કે મને કઈ થશે તો એમનું શું થશે.

ઘણો વખત વીતી ગયા પછી મેં એને પૂછ્યું કે તને ખબર છે કે મારી જગ્યાએ બીજું કોઈ હોત તો અત્યારે તને કાં તો મારી નાખી હોત કાં તો પોલીસ માં પકડાવી દીધી હોત, તને ખુલાસો કરતા પેહલા આવું થશે એની બીક ના લાગી, અને શું કરવા તું મને અહીંયા મળવા આવી અને એવું તો શું કારણ હતું કે તે આ ખુલાસો કર્યો.

થોડો સમય ચૂપ રહ્યા પછી એ બોલી કે" કદાચ જે આઠ કે દસ દિવસ હું તારી સાથે રહી એટલા માં હું તને ઓળખી ગઈ, અને કદાચ મને તારી સાથે પ્રેમ થઇ ગયો એટલે જ મેં આ ખુલાસો કર્યો અને જ્યાં સુધી હું તને ઓળખું છું ત્યાં સુધી તું મારી હકીકત જાણ્યા પછી મારુ કઈ જ ખરાબ નહીંજ કરે એવો મને વિશ્વાસ હતો છતાં આગળ તારી મરજી છે ,અહીં તારી સામેજ બેઠી છું તારે જે સજા એવી હોય એ આપી શકે છે."


મને તો શું જવાબ એવો એ જ સૂઝ નહોતી પડતી. હું એની સામે જોઈ રહ્યો. એક બાજુ મને મારુ મોત દેખાઈ રહ્યું હતું અને બીજી બાજુ મારા માં બાપ ની ચિંતા, ત્યારે મને એના વિષે વિચારવાની તો કોઈ જ ઈચ્છા નહતી. મારુ મગજ કામ નહોતું કરી રહ્યું, એટલે મૂંઝવણ માં મેં ખિસ્સા માં પડેલી સિગારેટ કાઢી ને ફૂંકવાનું ચાલુ કર્યું, બહુજ વિચારવા છતાં પણ હું વિચારવા માટે સક્ષમ નહતો કે મારે શું કરવું ત્યારે મને મારા એક વડીલે આપેલી સલાહ યાદ આવી કે" જયારે તમે કોઈ એવી તકલીફ માં આવી જાવ કે તમને કૈજ સૂઝ ના પડે ત્યારે તમારા કોઈ અંગત વ્યક્તિ કે જે આવા સમયમાં તમારા તરફથી વિચારીને તમને સાચી સમજણ આપી શકે એવા વ્યક્તિની સલાહ લો." અને મને મગજમાં તરતજ અમિત યાદ આવ્યો ,અમિત મારો એવો મિત્ર છે કે જે મને હંમેશ મારા સુખ કરતા દુઃખ ની સ્થિતિ માં વધારે મદદરૂપ થયો છે.
રાત્રીનો ઘણો મોડો સમય થઇ ચુક્યો હતો છતાં મેં કૈજ વિચાર્યા વગર અમિતને ફોન કર્યો, એક વાર, બે વખત રિંગ વાગી પણ એણે ફોન ના ઉપાડ્યો. આ બધી મૂંઝવણ માં હું બીજી સિગારેટ સળગાવી ચુક્યો હતો, અને મેં ત્રીજી વખત ફોન લગાવ્યો, અને આ વખતે એણે ફોન ઉપાડ્યો, મેં એને વિગતવાર બધી વાત કરી, થોડી વાર માટે તો એ પણ આઘાત માં આવી ગયો પણ પછી તરત જ એણે સ્વસ્થ થતા મને કહ્યું કે હું પાંચ મિનિટ માં તને ફોન કરીને જણાવું છું કે આગળ શું કરવું. કદાચ એને પણ રાત્રે એકદમ ઉઠીને મારી વાત સાંભળી હતી એટલે એ પણ તુરતજ શું કરવું એ નક્કી નહોતો કરી શક્યો. હવે હું એના ફોન ની રાહ જોઈ ને બેસી રહ્યો, રેખા પણ ચુપચાપ એની જગ્યા એ બેસી રહી હતી, જાણે કે એ કઈ પણ પ્રતિક્રિયા માટે તૈયારજ હતી.

થોડી જ વારમાં અમિતનો ફોન આવ્યો એણે મને કહ્યું કે હું રેખા ને લઈને અમદાવાદ આવી જાઉં, અને સીધો એના ઘર પાસે એક લેબોરેટરી માં રેખાનો રિપોર્ટ કરાવી લઉં, અને એણે મને એ પણ સલાહ આપી કે મારે રેખાને કૈજ કરવું નહિ ,રેખાનો રિપોર્ટ કરાવ્યા પછી એને પાછી એના ઘેર મોકલી દેવી, હા ફક્ત એના ઘરનું પાકું એડ્રેસ મારે લઇ લેવું. મેં એની વાત સાંભળી ને એ જ પ્રમાણે વર્તવાનું નક્કી કર્યું, મેં રેખા ને એનું સાચું એડ્રેસ આપવા જણાવ્યું અને મારી સાથે અમદાવાદ આવવું પડશે એ પણ જણાવ્યું, એ દરેક વાત માટે તૈયાર થઇ ગઈ અને મને એણે પોતાનું સાચું સરનામું જણાવી દીધું અને સવાર પડતાજ મારી સાથે અમદાવાદ આવવા નીકળી પડી.


અમદાવાદ પહોંચીને અમે સાબરમતી એરિયામાં પહોંચી ગયા, અમિત ત્યાં પહેલેથીજ હાજર હતો, એ બિલકુલ સ્વસ્થ હતો, તેણે રેખાનું બ્લડ અપાવ્યું અને એડ્સ ના રિપોર્ટ કઢાવાનું જણાવી લેબ માં થી અમે બહાર આવ્યા.બહાર આવી મેં રેખાના હાથમાં બરોડા પાછા જવાના થોડા પૈસા આપ્યા કારણકે હું જાણતો હતો કે એની પાસે એટલા પણ પૈસા જોડે નથી. એ પણ કઈ જ પૂછ્યા કે કીધા વગર પૈસા લઈને ત્યાંથી જતી રહી. એ પછી હું અને અમિત એકલામાં બેઠા.

મેં પાછી એક સિગારેટ લઈને સળગાવી ત્યારે અમિત બોલ્યો કે ભલે અત્યારે તું ટેન્શન માં છું એટલે હું તને ના નથી પાડતો, પણ હવે તારે તાત્કાલિક સિગારેટ બંધ કરવી પડશે, કારણકે એના કોઈ ફ્રેંડે જે મેડિકલ લાઈન માં હતો એણે અમિતને જણાવ્યું કે" આ કેસ માં એડ્સ નો ચેપ લાગવાની શક્યતા નેવું ટકા સુધી હોય છે,અને એટલે જ તમાકુ, દારૂ એવી તમામ વસ્તુઓ થી દૂર રેહવાની સલાહ આપી છે, અને જો ચેપ લાગી જાય અને તમે નિયમિત કસરત કરો , તમામ વ્યસનો થી દૂર રહો, અને નિયમિત દવા કરો તો લગભગ દસ થી બાર વર્ષ તો તંદુરસ્ત રીતે જીવી શકાય છે." આ બધું સાંભળી ને મને થોડી રાહત થઇ કે ચાલો મારી પાસે થોડો સમય છે કે જેથી હું મારી પાછળ મારા માતા પિતા માટે કૈક કરી શકીશ. મેં અમિત ને જણાવ્યું કે જો મને આ ચેપ લાગે છે તો હું આપઘાત કરી લઈશ કે જે એક્સિડેન્ટ લાગે અને હું મારો એક્સિડેન્ટ વીમો લઇ લઈશ. એણે મને એવું ના વિચારવા કહ્યું અને જ્યાં સુધી રેખાનો અને મારો બંને રિપોર્ટ ના મળી જાય ત્યાં સુધી મનને શાંત રાખવા કહ્યું, એ એની જગ્યાએ બરાબર કહી રહ્યો હતો પણ આ સમય તો જેની ઉપર આવ્યો હોય એ જ સમજી શકે કે આવા વખતે મન કોઈ પણ રીતે શાંત રહી શકે નહિ. હું અમિત સાથે થી છૂટો પડી ને ઘેર ગયો અને બીજા દિવસ ની રાહ જોવા લાગ્યો.

બીજા દિવસે અમિતે રિપોર્ટ લઈને મને ફોન કર્યો કે રેખા નો રિપોર્ટ પોઝિટિવ છે તેને એડ્સ છે. હવે મારે મારો રિપોર્ટ કઢાવવાનો હતો અને એટલે હું નજીકની સાર્વજનિક હોસ્પિટલ માં પહોંચી ગયો , અને રિપોર્ટ કરાવી આવ્યો અને ત્યાં બેસેલા નર્સ બેનને મારી બધી વાત પણ કરી કે કેમ મારે આ રિપોર્ટ કરાવવો પડ્યો અને એ બેને મને બીજા દિવસે રિપોર્ટ લેવા આવવાનું જણાવ્યું હતું. હું આ બધું હોસ્પિટલના બાંકડા પર બેસીને યાદ કરતો હતો ત્યાંજ કોઈએ મને ઢંઢોળ્યો," ભાઈ , તમે અંદર જાવ, બેન તમને બોલાવે છે." .


હું અંદર જઈને બેન ના ટેબલ પાસે ઉભો રહ્યો એટલે બેને મને ઈશારા થી બેસવાનું કહ્યું, અને એમના હાથમાંથી એક રિપોર્ટ નું કવર મારા હાથ માં મૂક્યું, હું હજુ કઈ વિચારું કે કઈ પૂછું એ પહેલાજ એ નર્સબેને મને કહ્યું " તમારો રિપોર્ટ નેગેટિવ છે, મતલબ કે તમને એડ્સ નથી." .આટલુ સાંભળી ને હું જે ખુશ થયો એનું વર્ણન કરવું મુશ્કેલ છે, એવું મન થયું કે હોસ્પિટલ માં હાજર દરેક વ્યક્તિ ને મીઠાઈ ખવડાવું અને નાચવાનું ચાલુ કરી દઉં, પણ મારી આ ખુશી લાબું ના ટકી.

કદાચ એ નર્સબેન મારા ચેહરા ના હાવભાવ જોઈને સમજી ગયા એટલે જ એમણે ખુલાસો કર્યો, " ભાઈ અત્યારે તો તમારો રિપોર્ટ નેગેટિવ છે પણ , એડ્સ ના કેસ માં પેહલા મહિનાનો રિપોર્ટ લગભગ નેગેટિવ જ આવે છે, પરંતુ તમારે છ મહિના સુધી દરેક મહિને રિપોર્ટ કરાવતા રેહવું પડશે, આવા કેસ માં ચેપ લાગવાનો ચાન્સ છ મહિના સુધી હોય છે, એવું જરૂરી નથી કે ચેપ લાગેજ પરંતુ તમારા કેસ માં આ ચાન્સ ઘણો વધારે છે, ભગવાન ના કરે એવું થાય પણ તમારે ત્યાં સુધી દર મહિને નિયમિત રિપોર્ટ કરાવવાનો રહેશે." અને એમણે પણ મને કોઈ પણ જાતનું વ્યસન ના કરવા જણાવ્યું તેમજ નિયમિત કસરત કરવા પણ જણાવ્યું. એમણે મને હિમ્મત બાંધવાની કોશિશ કરી પણ હું તો બિલકુલ સ્તબ્ધ થઇ ચુક્યો હતો. હું એમને કઈ રીતે જણાવું કે આ એક દિવસ કાઢવો મુશ્કેલ હતો અને તમે હજુ છ મહિના કાઢવાની વાત કરી રહ્યા છો. હું જેટલો ખુશ થયો એનાથી વધારે દુઃખી થઇ ગયો, અને હોસ્પિટલ ની બહાર નીકળ્યો, બહાર નીકળી મેં તમામ વાત અમિતને ફોન કરી ને જણાવી, સામે છેડે અમિતે પણ મને ઝાટકો આપ્યો કે એણે તમામ વાત મારી બેનને કહી દીધી છે, અને હું બેનને ફોન કરું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે બેનનો ઓચિંતો જ ફોન કેમ આવ્યો તો. મેં બેનને ફોન કર્યો, શબ્દો નીકળતા ના હતા, પણ હવે બધું કીધા વગર પણ છૂટકો જ નહોતો. બેન ફોન પર જ રોઈ પડી, મારી પણ આંખમાંથી આંસુ નીકળી ગયા, બેને પોતાની જાતને સંભાળી ને મને સંભાળવાની કોશિશ કરી, અને સાંજે રૂબરૂ મળવા આવે છે એવું જણાવ્યું.સાંજે રૂબરૂ મળીને પણ બેને મને સ્વસ્થ રહેવા જણાવ્યું અને એડ્સ માટેના સ્પેશ્યલિસ્ટ ની એપોઇન્ટમેન્ટ નક્કી કરી. અને હું બેનની સાથે બીજા દિવસે એ ડૉક્ટર ને મળવા ગયો,ત્યાં બેનની હાજરીમાંજ મારે એ ડૉક્ટર સાથે મારી રેખા સાથેની પર્સનલ લાઈફ ની તમામ ચર્ચા કરવી પડી.એ ડૉક્ટર નું પણ માનવું એમજ હતું કે આવા કેસમાં ચેપ લાગવાનો ચાન્સ ઘણો વધારે હોય છે, પણ છતાં એમણે મને કેટલીક જરૂરી સલાહો આપી અને અમે ત્યાંથી નીકળી ગયા. એમની સાથેની મુલાકાત પછી એ ડૉક્ટર ના જણાવ્યા મુજબ મેં તુલસી ના પાન , હળદર અને બીજી આયુર્વેદિક દવાઓ લેવાની શરૂઆત કરી દીધી.અને તમામ વ્યસન છોડી દીધા. અને ફરી બીજી વખત રિપોર્ટ કરાવવા જવા માટે મનોમન હિમ્મત એકત્ર કરવા લાગ્યો.

અને બીજી બાજુ મેં મારા છેલ્લા બે વર્ષના આઈ.ટી.રીટર્ન પણ ભરી દીધા અને વીમા કંપની માં જઈને એક્સિડેન્ટ વીમા વિષે જાણકારી પણ મેળવી લીધી. એજન્ટ જે મને વીમા વિષે સમજાવી રહ્યો હતો તેણે મને પૂછ્યું કે તમારે કેટલાનો વીમો ઉતારવો છે, મેં એને કહ્યું ત્રીસ લાખ રૂપિયાનો અને મનોમન બોલી ઉઠ્યો" મારા મૌત ની કિંમત છે આ ત્રીસ લાખ રૂપિયા કે પછી આ રીતે મારા લગ્ન કરવાની ભૂલની", અને શું મારા મોત પછી આ ત્રીસ લાખ મળ્યા પછી પણ મારા માં-બાપ આ રકમ લઈને ખુશ રહી શકશે ખરા ? પણ જે હોય તે મારે મારી પાછળનું તો બધું પ્લાનિંગ કરી રાખવું સારું એમ વિચારી મેં ત્રીસ લાખ રૂપિયા નો એક્સિડેન્ટ વીમો લઇ લીધો અને જો રિપોર્ટ પોઝિટિવ આવે તો કોઈ નદી માં ગાડી સાથે ઝંપલાવવું જેથી મારુ મોત અકસ્માત લાગે એ પણ મનોમન નક્કી કરી લીધું.


આજે મને પેહલો રિપોર્ટ કરાવ્યે એક વર્ષ પૂરું થઇ ગયું, અને આ એક વર્ષ કઈ રીતે નીકળ્યું છે એ ફક્ત હું જ જાણું છું. દરેક મહિને રિપોર્ટ કરાવવા જતી વખતે પોતાની જાતને આવનારા ખરાબ સમાચાર માટે તૈયાર કરવાની અને નહિ તો પાછું બીજા મહિનાની એ જ તારીખની રાહ જોવાની. આ દરમ્યાન મારા ગ્રુપના પણ કેટલાક દોસ્તો ને મારી આ તકલીફ ની ખબર પડી ગઈ અને જાણે એડ્સ એક ચેપી રોગ હોય અને હું એમની જોડે ઉઠીશ બેઠીશ તો એમને પણ આ ચેપ લાગવાનો હોય એમ મારાથી દૂર રહેવા લાગ્યા. પણ મેં એમની વાતનું ખોટું ના લગાડ્યું કારણકે એ લોકો ફક્ત આ રોગ ની ભયાનકતા વિષે જાણતા હતા, પણ એનાથી વધારે આ કઈ રીતે ફેલાય છે, કઈ રીતે આનાથી બચી શકાય એવું જાણતા નહિ હોય અથવા તો જાણવા છતાં સતર્કતા રાખી મારાથી દૂર રહેવા માંગતા હોય.

આજે હું ફરીથી હોસ્પિટલ માં આયો છું, મારો રિપોર્ટ મેળવવા, આમ તો મારે છ જ મહિના રિપોર્ટ કઢાવવાના હતા પણ એક સતર્કતા ના ભાગ રૂપે મેં પૂરું એક વર્ષ સુધી રિપોર્ટ કઢાવ્યા, અને આજનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો. કદાચ આ મારા ગયા જન્મના કોઈ સારા કર્મ નો પ્રતાપ હોય કે પછી મારા માં-બાપ જે આ વિષે બિલકુલ અજાણ છે તેમની ભગવાન ની ભક્તિ નો પ્રતાપ.


આજે મને એક્સિડેન્ટ વીમો લીધે એક વર્ષ પૂરું થઇ ગયું અને ફરીથી પ્રીમિયમ ભરવા માટેનો કાગળ હાથમાં આવ્યો, અંદર વિમાની રકમ લખી હતી ત્રીસ લાખ રૂપિયા, મેં ફરીથી વિચાર્યું આ રકમ વિમાની તો નહોતી, જયારે મેં આ વીમો લીધો હતો ત્યારે આ રકમ મારા મૌત ની કિંમત હતી, અને હવે બધાની પ્રાર્થનાઓથી મળેલી મારી નવી જિંદગીની અને ફરીથી ક્યારેય આવી કોઈ ભૂલ ના થાય એ માટેની સમજણ તો ખરીજ.

***

Rate & Review

Nita Mehta 4 weeks ago

Swati Kothari 4 weeks ago

nihi honey 3 months ago

Avirat Patel 8 months ago

Nisha Jani 8 months ago

👌 👌