કેદારનાથ - ફિલ્મ રિવ્યુ

‘કેદારનાથ’  ન ઘરના રહ્યા કે ન ઘાટના!

તમને થ્રી ઈડિયટ્સ ફિલ્મ યાદ હશે, હોય જ સુંદર ફિલ્મો કાયમ યાદગાર બની જતી હોય છે. એનીવેઝ, આપણે કેદારનાથની વાત કરવાની છે પરંતુ તેમ છતાં અહીં બોલિવુડની ઓલ ટાઈમ ક્લાસિક થ્રી ઈડિયટ્સને યાદ કરવી ખુબ જરૂરી છે. થ્રી ઈડિયટ્સમાં જ્યારે આમિર ખાન પુસ્તકની લાંબીલચક વ્યાખ્યા કરે છે ત્યારે તેના કન્ફ્યુઝ્ડ પ્રોફેસર એને પૂછે છે કે, “આખિર કેહના ક્યા ચાહતે હો?” કેદારનાથ જોઇને બહાર નીકળતી વખતે થ્રી ઈડિયટ્સના આમિર ખાનના એ પ્રોફેસરના ચહેરાના હાવભાવ દર્શકોના ચહેરા પર આવે તો નવાઈ નહીં.

મુખ્ય કલાકારો: સુશાંત સિંગ રાજપૂત, સારા અલી ખાન, પૂજા ગોર, અલકા અમીન, નિશાંત દહિયા અને નીતીશ ભારદ્વાજ

સંગીત: અમિત ત્રિવેદી

નિર્માતાઓ: રોની સ્ક્રૂવાલા, પ્રજ્ઞા કપૂર અને અભિષેક કપૂર

નિર્દેશક: અભિષેક કપૂર

રન ટાઈમ: ૧૨૦ મિનીટ્સ

કથાનક: મક્કુ (સારા અલી ખાન)પંડિતજીની (નીતીશ ભારદ્વાજ) બે પુત્રીઓ માંથી એક છે. એક પુત્રી બ્રિન્દા (પૂજા ગોર) જેની બાળપણમાં કેદારનાથ મંદિરના કર્તાહર્તાના પુત્ર નીકકુ (નિશાંત દહિયા) સાથે થઇ હતી. પરંતુ સમય જતાં નીક્કુને અલ્હડ મક્કુ વધારે ગમવા માંડી અને બ્રિન્દા સાથેની સગાઈ તોડીને તેણે પંડિતજી પર દબાણ લાવીને પોતાની સગાઈ મક્કુ સાથે કરાવી દીધી જેનો મક્કુ કાયમ વિરોધ કરતી.

બીજી તરફ કેદારનાથમાં અશક્તો અને વડીલોને પોતાના ખભે કે પોતાના ખચ્ચર રુસ્તમની પીઠ પર લઇ જઈ બાબાના દર્શન કરાવનારા મન્સૂરના (સુશાંત સિંગ રાજપૂત) પિતા તેના બાળપણમાં જ અચાનક જ ગાયબ થઇ ગયા હતા અને આજ સુધી તેઓ પરત નથી થયા. પરંતુ સુશાંત માટે દરેક યાત્રી ભગવાન સમાન હોય છે અને તે એમની બરોબર સેવા કરતો રહેતો હોય છે.

મક્કુ જેટલી અલ્હડ અને બિન્ધાસ્ત છે મન્સૂર એકદમ શાંત અને ઠરેલ છે. આમ કામચોર પરંતુ મન્સૂર પર દિલ આવી જતા તેની સાથે વધુને વધુ સમય ગાળવા માટે મક્કુ તેના પિતા પાસેથી તળેટીની દુકાન સાંભળવાનું કામ લઇ લે છે. મક્કુ દરરોજ મન્સૂરના ખચ્ચર પર તળેટીમાં જાય છે અને મન્સૂરને પોતાના તરફ આકર્ષે છે. આવામાં એક રાત્રે જબરદસ્ત વરસાદ પડતા તેઓને એક ગુફામાં રહેવું પડે છે જ્યાં તેઓ બંને એકબીજાની વધુ નજીક આવે છે.

બ્રિન્દાને મક્કુની હિલચાલથી તેનું મન્સૂર સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હોવાની ખબર પડે છે અને આથી તે મન્સૂરને મક્કુથી દૂર રહેવા જણાવે છે. પરંતુ મક્કુ પોતાના પ્રેમ પર અડગ રહે છે અને એક વરસાદી રાત્રે મન્સૂર જ્યાં સુધી તેના પ્રેમનો સ્વીકાર કરીને પોતાના ઘરની અંદર નથી લઇ જતો, તેના ઘર સામે વરસતા વરસાદમાં બેઠી રહે છે. આ વાતની ખબર નીક્કુને પડી જાય છે અને તે પોતાનાં માણસો અને પંડિતજીને લઈને મન્સૂરને ઘરે આવે છે અને મક્કુને લઇ જાય છે.

માતાના સમજાવ્યા છતાં મન્સૂર બીજે દિવસે મક્કુને ઘેર જાય છે અને નીક્કુ તેના માણસો દ્વારા મન્સૂરની સારીપેઠે ધોલાઈ કરે છે. પંડિતજી બીજેજ દિવસે મક્કુના લગ્ન નીક્કુ સાથે કરી લેવાનો નિર્ણય કરે છે. મક્કુ અને નીક્કુના લગ્ન પણ થાય છે પરંતુ કેદારનાથ પર આભ ફાટે છે અને મંદાકિની નદીમાં આવેલું એક ભયંકર પૂર સમગ્ર વિસ્તારને ઘેરી વળે છે. મન્સૂર આ વખતે કામ ધંધો છોડીને કેદારનાથથી કાયમ દૂર જવાની તૈયારી કરી રહ્યો હોય છે અને તેને પણ આ ભયંકર પૂરનો સામનો કરવો પડે છે...

ટ્રીટમેન્ટ

જ્યારે પણ આ ફિલ્મની કથા લખવા કે પટકથા લખવા માટે અભિષેક કપૂર અને કનિકા ધિલ્લો બેઠા હશે ત્યારે પ્રેમકથાને મહત્ત્વ આપવું કે પછી ત્રણેક વર્ષ અગાઉ કેદારનાથમાં આવેલા ભયંકર પૂરની સત્ય ઘટનાને મહત્ત્વ આપવું તે બંને મુદ્દાઓ વચ્ચે જરૂરથી ગૂંચવાઈ ગયા હશે. આવા ગૂંચવાડામાંથી ઉભી થયેલી વાર્તાનું જ્યારે ડિરેક્શન કરવાના પ્રયાસો ખુદ અભિષેક કપૂરે કર્યા હશે ત્યારે તેમાંથી વધારે કન્ફયુઝન પામેલી ફિલ્મ  સિવાય બીજું તો શું નીકળે?

કદાચ એવું પણ બન્યું હોય કે પૂરને ગ્લોરીફાય કરીને દેખાડવાની અભિષેક કપૂરની અદમ્ય ઈચ્છા હોય પરંતુ તેને લીધે તેમણે એકની એક નબળી લવ સ્ટોરી જે વર્ષો અગાઉ શેક્સપિયર કહી ગયા છે અને જેનો ઉપયોગ કરોડો વખત આપણા બોલિવુડે કરીને તેને વધારે નબળી બનાવી દીધી છે તેને તેઓ અન્યાય કરી બેઠા છે. ટૂંકમાં કહીએ તો કેદારનાથ ફિલ્મ જ્યારે દર્શકો સમક્ષ આવે છે ત્યારે તે  ન તો લવ સ્ટોરી રહી શકી છે કે ન તો ડિઝાસ્ટર સ્ટોરી, બીજા શબ્દોમાં કહીએ તો ફિલ્મ ન તો ઘરની રહી છે કે ન તો ઘાટની.

બહેતર એ રહેત કે કેદારનાથની દુર્ઘટના પર જ ધ્યાન આપીને તેને ટાળવામાં એ સમયના તંત્રની નિષ્ફળતા, કારણકે આવું કશુંક થવાનો અંદેશો તો હવામાન ખાતાએ અગાઉ આપી જ દીધો હતો, એ દર્શાવી શકાયું હોત. ત્યારબાદ મૂળ હોનારત અને તેનાથી ઉભી થયેલી તકલીફો એ હોનારતમાંથી લોકોને બચાવીને ઉભા થયેલા અસંખ્ય શૂરવીરો અને ત્યારબાદ હવે હોનારતના ત્રણ વર્ષ બાદ કેદારનાથનું પુનર્નિર્માણ થયું ત્યાંસુધી તંત્ર અને સ્થાનિક લોકોની મહેનત પર એક સુંદર ફિલ્મ બની શકી હોત. પરંતુ કોઇપણ સત્યઘટનાને કાલ્પનિકરીતે પડદે ઉતારવા માટે તેનું જ્યાંસુધી ‘લવસ્ટોરીકરણ’ ન થાય ત્યાંસુધી આપણા નિર્દેશકો અને સ્ક્રિપ્ટ રાઈટર્સને ચેન નથી પડતું એ હકીકત કેદારનાથ જોઇને ફરીથી સાબિત થઇ જાય છે.

અદાકારીની વાત કરીએ તો સુશાંત સિંગ રાજપૂત એક જ પ્રકારના એટલેકે પોતાના બંને હોઠ નીચે ખેંચીને કરીને કરેલા સ્મિત સાથે ક્યાં સુધી કહેવાતી એક્ટિંગ કરે રાખશે એ પડકારનો વિષય બની ગયો છે. ફિલ્મમાં ઘણીવાર તો એના સંવાદ પણ સંભળાતા નથી એટલી હદે એ ધીમું અથવાતો અસ્પષ્ટ એ બોલતો હોય છે.

સુશાંત સિંગ જે હવે તો બોલિવુડનો ‘અનુભવી’ અદાકાર કહી શકાય તેની સરખામણીમાં પોતાની પહેલીજ ફિલ્મમાં સારા અલી ખાન સારી અને વિવિધતાસભર એક્ટિંગ કરી જાય છે. સારાના પહેલા જ દ્રશ્યમાં તેનો સાઈડ ફેસ બિલકુલ તેની મમ્મી અમ્રિતા સિંગ જેવો જ લાગે છે અને તેનો અવાજ લગભગ તેની માતાને મળતો આવે છે. પરંતુ બેશક તેની અદાકારી તેની માતા કરતા ઘણી સારી છે, વિથ ડ્યુ રીસ્પેક્ટ અમ્રિતા સિંગ અને તેની ‘ચમેલી કી શાદી’ અને ‘વારિસ’ જેવી ફિલ્મોની અદાકારી માટે. પરંતુ સારા થોડા સમય પછી તો સ્ટીરિયોટાઇપ થઇ જ જાય છે એ પણ અહીં નોંધવું જોઈએ.

વર્ષો પછી મહાભારત સિરિયલના કૃષ્ણ તરીકે આખી જિંદગી ઓળખાઈ ગયેલા નીતીશ ભારદ્વાજને મોટા પડદે જોઇને આનંદ થયો. મહાભારતમાં પણ ફેશિયલ એક્સપ્રેશન્સ એ નીતીશ ભારદ્વાજનો પ્લસ પોઈન્ટ રહ્યો હતો અને અહીં પણ તેમણે પોતાના ચહેરાના હાવભાવ જરૂર પડે દેખાડીને અન્ય કલાકારોની નબળી-સબળી અદાકારી સામે રાહત આપી છે.

તો શું કેદારનાથ ફિલ્મમાં કશુંજ પોઝીટીવ નથી? છે ને! ડ્રોન દ્વારા કેદારનાથ મંદિર અને તેની આસપાસ લેવાયેલા દ્રશ્યો ફિલ્મ જોતી વખતે આંખને ટાઢક આપે છે. ખાસકરીને કેદારનાથ મંદિરની ઉપરથી લેવાયેલા એ દ્રશ્યો જેમાં મંદિરની ત્રણેય બાજુએ થી મંદાકિની વહે છે તેને જોવાની ખુબ મજા પડે છે. આ ઉપરાંત ફિલ્મના અંતિમ હિસ્સામાં પૂરના દ્રશ્યો પણ ખાસ્સાએવા પ્રભાવિત કરી જાય છે.

છેવટે...

જો કેદારનાથ મંદિર તમે ઓલરેડી જઈ ચુક્યા હોવ તો તેને થિયેટરમાં ફરીથી જોવાની જરૂર ખરી કે નહીં, અથવાતો જો તમે કેદારનાથ મંદિરની મુલાકાત ભવિષ્યમાં લેવા માંગતા હોવ તો એનો નિર્ણય આ ફિલ્મમાં દેખાડવામાં આવેલા કેદારનાથ મંદિરને જોઇને જ લેવો એ પ્રકારની વિચારણા કરતા હોવ તો પછી એ નિર્ણય તમારા પર જ છોડી દેવામાં આવે છે.

૦૭.૧૨.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ

 

***

Rate & Review

Geeta V. Manek 2 months ago

Vidhi ND. 4 months ago

Pratik Modh 6 months ago

Ketan Langalia 7 months ago

Saroj Bhagat 8 months ago