મુવી રિવ્યુ – ઝીરો

શાહરૂખ ખાને કર્યું શૂન્યનું વિસર્જન

શાહરૂખ ખાનની ફિલ્મ આવવાની હોય ત્યારે તેના વિષે અપેક્ષાઓ વધી જાય જેમ પહેલાના જમાનામાં રાજેશ ખન્ના કે પછી અમિતાભ બચ્ચનની ફિલ્મોની રિલીઝ અગાઉ થતું હતું. એમાંય જો શાહરૂખ ખાન જો એક નવા સ્વરૂપે આવવાનો હોય તો તો ફિલ્મ વિષેની આપણી અપેક્ષાઓ ઘણી ઉંચી થઇ જાય. પરંતુ, છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાનની ફિલ્મો ધંધો તો સારો કરી જાય છે પરંતુ દર્શકોની અપેક્ષા પર પાર પડતી નથી, પછી તે દિલવાલે હોય, વ્હેન હેરી મેટ સેજલ હોય કે પછી ફેન હોય. તો શું ઝીરો જેમાં શાહરૂખ ઠીંગણો બન્યો છે એ આગળની તેની ફિલ્મોથી અલગ છે ખરી? આવો જાણીએ.

મુખ્ય કલાકારો: શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા, કેટરીના કૈફ, મોહમ્મદ ઝીશાન ઐયુબ, તિગ્માંશુ ધુલિયા અને આર. માધવન અને અભય દેઓલ

સંગીત: અજય – અતુલ

નિર્માત્રી: ગૌરી ખાન

નિર્દેશક: આનંદ એલ રાય

રન ટાઈમ: ૧૬૪ મિનીટ્સ

કથાનક: બૌઆ સિંગ (શાહરૂખ ખાન) માત્ર ચાર ફૂટ બે ઇંચની હાઈટ ધરાવે છે પણ ફિલ્મ એક્ટ્રેસ બબીતા કુમારી (કેટરીના કૈફ) ને દિલથી ચાહે છે, એટલી ચાહે છે કે તેની સાથે લગ્ન કરવાનું સ્વપ્ન તે જોતો હોય છે. બૌઆનો એક મિત્ર છે ગુડ્ડુ (મોહમ્મદ ઝીશાન ઐયુબ), એ તેનો પડ્યો બોલ ઝીલતો હોય છે. આમ બૌઆને પૈસે ટકે કોઈજ તકલીફ નથી તેમ છતાં તેનો એક પ્રોબ્લેમ છે અને એ છે તેના પિતા અશોક (તિગ્માંશુ ધુલિયા) જે એને કાયમ વઢતા અને મારતા રહેતા હોય છે કારણકે બૌઆ સિંગ એમના પૈસા આંખ બંધ કરીને ઉડાડતો હોય છે.

ખૈર, બબીતા કુમારી મળે કે ન મળે બૌઆને લગ્ન પણ કરવા છે એટલે તેણે દિલ્હીના એક મેરેજ બ્યુરોમાં પોતાનો બાયોડેટા આપી રાખ્યો હોય છે. એક વખત આ ઓફીસમાં તે આફિયા યુસુફઝાઈ ભીંદર (અનુષ્કા શર્મા) નો ફોટો જોઇને એના પ્રેમમાં પડી જાય છે, પરંતુ તેને ખબર ન હતી કે આફિયા એમ્યોટ્રોફીક લેટરલ સ્લેરોસીસની બીમારીથી પીડિત છે અને તે વ્હીલ ચેર વગર ફરી પણ નથી શકતી કે સરખી રીતે બોલી પણ નથી શકતી. પણ હા આફિયા એક સાયન્ટીસ્ટ છે અને મંગળ ગ્રહ પર તેણે ઘણું રિસર્ચ કર્યું છે.

પોતાનું એક વાર જાહેરમાં અપમાન કરી ચૂક્યો હોવા છતાં અને સદાય એલફેલ બોલે રાખતો બૌઆ આફિયાને ગમી જાય છે કારણકે તેણે આફિયાની વ્હીલ ચેર નહીં આફિયાને જોઈ હતી. બૌઆ કહે તો છે કે એ આફિયાને પ્રેમ કરે છે પણ મનોમન તેના દિલમાંથી બબીતા જતી નથી. આવા સંજોગોમાં આફિયા બૌઆના ઘેર પહોંચી જાય છે અને તેના પિતા સાથે પોતાના લગ્ન પણ નક્કી કરી દે છે.

આ તરફ એક હિન્દી ફિલ્મના હીરો (અભય દેઓલ)થી દિલ તોડી ચુકેલી બબીતા શરાબની લત લગાડી ચૂકી હોય છે અને તે બૌઆના લગ્નના દિવસોમાં જ મેરઠના એક મોલમાં એક ઇવેન્ટ માટે આવે છે. બૌઆ એની એક ઝલક લઈને ઘરે જતી વખતે તેનીજ કારનો પીછો કરતો આવે છે ત્યારે બબીતા તેની કાર રોકે છે અને બહાર નીકળીને શરાબના નશામાં બૌઆને કિસ કરે છે.

લગ્નના દિવસે જ બૌઆને ખબર પડે છે કે તેનું સિલેક્શન નેશનલ લેવલની ડાન્સ કોમ્પિટિશનમાં થયું છે અને એનું પ્રથમ પ્રાઈઝ છે બબીતા સાથે મુલાકાત. બસ, બૌઆને હવે તેના અને બબીતા વચ્ચે હાથવેંતનું છેટું લાગે છે. બબીતા એક વખત એને મળી જાય પછી એ ધીરેધીરે એને પોતાની બનાવી લેશે એવા વિચારે બૌઆ આફિયાને લગ્નના દિવસે જ છોડીને ભાગી જાય છે અને સીધો પહોંચે છે ડાન્સ કોમ્પિટિશનમાં...

ટ્રીટમેન્ટ

જ્યારે તમને ૧૬૪ મિનીટ્સ એટલેકે પૂરા બે કલાક અને એના ઉપર પૂરી ચોવીસ મિનીટ્સ કોઈ રૂમમાં ફરજીયાત પૂરી દેવામાં આવે ત્યારે તમારી હાલત કેવી થાય? વેલ, જો તમારી નજર સામે ઝીરો મુવી ન ચાલતું હોય તો કદાચ તમે બહાર નીકળતી વખતે પણ રાજી હોવ, પણ જો ઝીરો જોઇને બહાર નીકળો તો ખુદ માઈનસ થઇ ગયાની લાગણી થાય.

અનુષ્કા શર્માએ એમ્યોટ્રોફીક લેટરલ સ્લેરોસીસની બીમારીથી પીડિત છોકરી તરીકે દેખાવાની કોશિશ કરી છે, સારી કરી છે પણ તે માત્ર કોશિશ બનીને જ રહી જાય છે. તેની સામે આપણે બરફીની પ્રિયંકા ચોપરાને મુકીએ તો પ્રિયંકાનો અભિનય વધુ કુદરતી લાગે. કેટરીના કૈફ અને તેના ‘અભિનય’ વિષે જેટલું કહીએ એટલું ઓછું પણ તેની સંપૂર્ણ સુંદરતા તેને જોવા માટે આપણને મજબૂર કરી દેતી અહીં તો શરાબી એક્ટ્રેસ તરીકે ફિલ્મના લગભગ મોટાભાગના દ્રશ્યોમાં આંખનું કાજળ બહાર આવી ગયેલી હાલત ધરાવતી કેટરીના જોવી પણ નથી ગમતી.

આનંદ એલ રાયની ફિલ્મમાં must એવા મોહમ્મદ ઝીશાન ઐયુબે પણ બીબાંઢાળ ભૂમિકા કરી છે, એટલેકે એની અગાઉની ફિલ્મોની એક્ટિંગની ઝલક અહીં પણ દેખાય છે. તેના કરતા તો અમુક જ દ્રશ્યોમાં કેમિયો કરી ગયેલા અભય દેઓલ અને આર માધવન રાહત આપે છે પણ થોડા જ સમય માટે જ.

શાહરૂખ ખાન... બસ થયું હવે! આપની ઉંમર વધી ગઈ છે અને એટલી બધી વધી ગઈ છે કે તમે ઠીંગુજી બનશો, લંબુજી બનશો, મોટુ બનશો કે પતલુ તમે જેવા છો એવા જ દેખાવાના છો. જ્યારે તમારા જેવો સુપરસ્ટાર ઠીંગુજી બનવાનું રિસ્ક લે ત્યારે તેની પાસેથી ફિલ્મ ચાહકોને (તમારા ચાહકોની વાત નથી) કેટલી બધી આશા હોય? પણ તમે શું કર્યું? માત્ર બોટલ નાની કરી દીધી અને એમાં એ જ જુનો દારૂ ભરી દીધો.

તમારી એની એ જ સ્વપ્રશસ્તિ જેવી કે “મારે ગાલમાં ડિમ્પલ પડે છે”, કે પછી એ જ બે હાથ વારે વારે પહોળા કરીને થોડા આડા થવાની અદા કે પછી છેક દિલવાલેના જમાનાના “પલટ પલટ” જેવા લોજીક કે તમે કોઈને ખૂબ કરતા હોવ ત્યારે જ આમ ઉપર જોઇને આંગળી હલાવો એટલે આકાશના સિતારાઓ પણ ખરવા લાગે આ બધું આઉટડેટેડ જ નથી લાગતું પરંતુ હવે ઉબકા અપાવે છે. તમારા આ બધા હથોડા કદાચ તમારા કટ્ટર ચાહકોને મીઠા લાગશે પણ એક ફિલ્મ રસિયાને નહીં ગમે. કદાચ ‘ચક દે ઇન્ડિયા’ કે ‘સ્વદેશ’ જેવી તમારી અદાકારીની ક્ષમતાની હાઈટ ધરાવતી ફિલ્મો તમે બહુ વહેલી કરી નાખી એવું લાગે છે કારણકે ખરેખર એ પ્રકારની ફિલ્મો કરવાની તમારી ઉંમર હવે આવી છે અને તો પણ તમારે રોમેન્ટિક રાહુલની ઈમેજમાંથી બહાર નથી આવવું.

આનંદ એલ રાય, મારી જેમ ઘણા લોકોના પ્રિય નિર્દેશક હશે પણ આ ફિલ્મમાં એમણે પણ આપણને બધાને નિરાશ કર્યા છે. ‘રાંઝણા’ અને તનુ મનુના બંને ભાગમાં આનંદ એલ રાયની અનોખી છાંટ હતી જ્યારે અહીં આખી ફિલ્મનું ડાયરેક્શન આનંદ એલ રાયે નહીં પરંતુ શાહરૂખ ખાને કર્યું હોય એવું લાગે છે. લગભગ અઢી કલાકની ફિલ્મમાં દર અડધા કલાકે એકાદો ડાયલોગ પંચ મારી જાય જે આનંદભાઈની આગલી ફિલ્મોની હાઈલાઈટ હતી એનાથી આખી ફિલ્મ ન તરી જાય. મેરઠ જેવા નાના શહેરોના વ્યક્તિઓ દુનિયા જીત્યા છે એના દાખલા છે પણ શાહરુખની સ્ટાઈલે અજાણ્યો ભારતીય માત્ર પોતાના પ્રેમના સહારે છેક મંગલ ગ્રહ સુધી પહોંચવાની તમારી વાત સોરી, પણ ગળે ઉતરે એવી નથી કારણકે તમારું નિર્દેશન અને તમારી ફિલ્મની સ્ક્રિપ્ટ કન્વીન્સીંગ નથી.

ફિલ્મ જોતી વખતે એક વાત સતત મનમાં આવતી હતી એ એમ હતી કે શાહરૂખ ખાન, મેગાસ્ટાર જ્યારે ઠીંગુજી બનતો હોય ત્યારે એ ઠીંગુજી શું નું શું ન કરી શકે એવી કોઈ પોઝીટીવ વાર્તા જેમાં રોમાન્સ ઉપરાંત એક્શન અને ઈમોશનને પણ સ્થાન હોત એવી મનોરંજક વાર્તા આનંદ એલ રાય પીરસી શક્યા હોત પરંતુ તેમણે શાહરૂખ સ્ટાઈલ રોમાન્સ જ પીરસવાનું નક્કી કર્યું જે હવે આઉટ ડેટેડ છે. શાહરૂખને ઠીંગુ બતાવતા VFX માં પણ સમગ્ર ફિલ્મ દરમ્યાન ઘણાબધા કેમિકલ લોચા ઉઘાડા પડી જાય છે જે તેનું ટ્રેલર જોઇને જ ખ્યાલ આવી ગયો હતો. સલમાન ખાન સાથેના ગીતમાં આ કેમિકલ લોચાઓ શાહરૂખના દરેક ડાન્સ સ્ટેપ સાથે ખુલ્લા પડી જાય છે.

ફિલ્મનું એક માત્ર ગીત જે શરૂઆતમાં જ આવી જાય છે અને જે અત્યારે ચાર્ટ બસ્ટર બની ગયું છે તે “જબ તક જહાં મેં...” આખીય ફિલ્મની શ્રેષ્ઠ ચાર મિનિટો છે પણ એ પણ થિયેટરની આધુનિક સાઉન્ડ ઈફેક્ટને લીધે, બાકી નજર સામે તો શાહરૂખને જ સહન કરવાનો છે.

છેવટે...

જો તમને આ રિવ્યુ પણ ઝીરો મુવીની જેમ માઈનસ ઝીરો લાગ્યો હોય તો તમે ખુદ જ નક્કી કરી લ્યો કે આ પ્રકારની ફિલ્મો સાથે તમારે કેવો વર્તાવ કરવો જોઈએ.

૨૧.૧૨.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ

 

***

Rate & Review

Hardik Pandya 2 months ago

Ketki Jani 7 months ago

Ketan Langalia 8 months ago

Ramesh Chauhan 8 months ago

Manjula 9 months ago